2020માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડ્રગ્સ કેસમાં પકડેલા આરોપીઓને સેશન્સ કોર્ટે દંડ અને સજા ફટકારતાં એવું નોંધ્યું કે એક જમાનામાં મહોલ્લાઓના નાકા પર તમાકુ, પાન-માવા મળવાની નવાઈ ન હતી. તેમાં પછી દારૂ ઉમેરાયો અને હવે સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ જેવા વિદ્યાધામોમાં ડ્રગ્સનું ચલણ વધ્યું છે. આરોપીઓ પાસેથી કોમર્શિયલ માત્રામાં ડ્રગ્સ મળ્યું હોય ત્યારે તેમની દયા ખાઈ શકાય નહીં. કોર્ટે એ પણ નોંધ્યું કે દેશમાં ગૃહયુદ્ધ ઊભું કરવામાં ડ્રગ્સ મોટું શસ્ત્ર છે.
બનેલું એવું કે થાણેના આરોપીઓ પોતાની ગાડીમાં 342 ગ્રામ MD ડ્રગ્સ લાવ્યા હતા અને ગુનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાયો હતો. આ ડ્રગ્સ શાહપુર પહોંચાડવાનું હતું એવી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતાં તેણે રેડ કરી તો 4.16 લાખની રોકડ સહિત 34 લાખનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેનો FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ સેશન્સ કોર્ટે ચારમાંથી ત્રણ આરોપીઓને 12થી 15 વર્ષની સજા કરી અને દરેકને એક એક લાખનો દંડ ફટકાર્યો. ચોથો આરોપી ફરાર છે. ઉપલી કોર્ટમાં કેસ ચાલે તો આરોપીઓની સજામાં ફેર પડે કે નિર્દોષ છૂટે એમ પણ બને.
એ તો આવનારો સમય કહેશે, પણ એમ લાગે છે કે ગુજરાતનો 1,600 કિલોમીટરનો દરિયા કિનારો ડ્રગ્સ લેન્ડિંગ હબ બની ગયો છે. એક કિલો ડ્રગ્સના એક કરોડ રૂપિયાનો ભાવ ચાલતો હોય તેવામાં ડિસેમ્બરના અંત સુધીમાં હજારો કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટેનું સેન્ટર રાજ્યનાં પોર્ટ અને દરિયા કિનારા છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતું ડ્રગ્સ ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે ને અહીંથી દેશમાં અનેક ઠેકાણે પહોંચે છે.
જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં માત્ર કચ્છ પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. એ ઉપરાંત પૂર્વ કચ્છમાંથી 253.75 કરોડનો જુદા જુદા ડ્રગ્સનો જથ્થો વર્ષ દરમિયાન મળી આવ્યો હતો, તો પશ્ચિમ કચ્છમાંથી 430.37 કરોડનો જથ્થો ઝડપાયો હતો. આટલું ડ્રગ્સ કચ્છમાંથી મળી આવ્યું છે, પણ વર્ષ થવા છતાં આ ડ્રગ્સ કોણ મંગાવે છે ને કોને મોકલાય છે તેની ભાળ સુરક્ષા એજન્સીઓને મળી નથી તે પરથી પણ તેમની કામગીરીનો ખ્યાલ આવે તેમ છે. 2024ની શરૂઆતમાં જ કોલકાતાથી ગુજરાત લવાતું 200 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. જૂનની શરૂઆતમાં ATS દ્વારા ગાંધીધામના ખારીરોહર પાસેથી 130 કરોડનાં કોકેઈનનાં 13 પેકેટ્સ પકડાયાં હતાં. જખૌના દરિયાઈ વિસ્તારમાંથી જૂનમાં જ હેરોઇનના 19 પેકેટ્સ ઝડપાયાં હતાં. 13 ઓકટોબરને રોજ અંક્લેશ્વરમાંથી 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. અંકલેશ્વરની આવકાર ફાર્મા કંપનીમાંથી 500 કિલો કોકેઈન ઝડપાયું હતું. 16 નવેમ્બરે કોસ્ટગાર્ડની મદદથી પોરબંદરના દરિયેથી ATS અને NCBની ટીમે 700 કરોડનું 700 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. આ ડ્રગ્સ ઈરાની બોટમાંથી લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બી.એસ.એફ.ના જવાનોએ વર્ષ દરમિયાન જખૌના દરિયાકાંઠેથી 272 ડ્રગ્સનાં પેકેટ્સ પકડ્યાં હતાં ને 480 જેટલાં બિનવારસી પેકેટ્સ પણ મળી આવ્યાં હતાં.
ડ્રગ્સનો જ મહિમા ગુજરાતમાં થાય છે એવું નથી, દારૂબંધી હોવા છતાં માંડવી બીચ પર ખુલ્લેઆમ પ્રવાસીઓને જોઈએ તે બ્રાન્ડનો દારૂ વેચવાના સમાચાર છે. દારૂબંધીનો ખરેખર પ્રભાવ ગુજરાતમાં કેટલો હશે તે તો સત્તાધીશો જાણે, પણ સ્કૂટર પર બોટલો-ટિન મૂકીને ફેરિયાઓએ છડેચોક વિવિધ બ્રાન્ડનો દારૂ વેચવાનો માંડવી બીચ પર નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ‘આવો, આવો ..’ની બૂમો સાથે ‘માંડવી બીચ પર આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું’ જેવું બોલીને ફેરિયાઓ, પ્રવાસીઓને દારૂ ખરીદવા આકર્ષતા હોય છે. માંડવી બીચ પર શરાબના શોખીનો માટે વ્હિસ્કી, જિન, બિયર સહિતનાં પ્રતિબંધિત પીણાં છડેચોક વેચાઈ રહ્યાંનો વીડિયો વાઇરલ થયો છે. ડિકીમાં દારૂની બોટલો ભરીને તેનું વેચાણ થતું દેખાય છે. પ્રવાસી ઊતરે તે સાથે જ તેને ‘કઈ બ્રાન્ડ જોઈએ છે?’ જેવું પૂછીને જુદી જુદી બ્રાન્ડ ખપાવાય છે. આશ્ચર્ય એ વાતનું છે કે પોલીસતંત્ર આ જાહેર વેચાણ અંગે કૈં જાણતું હોય એવું લાગતું નથી. ધીરે ધીરે માંડવી બીચ ગોવાનો બીચ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગોવામાં દારૂબંધી નથી, એ જ રીતે અહીં પણ દારૂબંધી ન હોય તેમ છડેચોક દારૂ વેચાય છે. આ રીતે તો દારૂ, દારૂબંધી નથી, ત્યાં પણ વેચાતો નથી, તો ગુજરાતમાં દારૂબંધી છે એમ કઈ રીતે માનવું એ સમજાતું નથી.
છડેચોક દારૂ વેચાય છે એમ જ ભેળસેળવાળી ચીજવસ્તુઓ પણ પૂરી બેશરમીથી ગુજરાતમાં વેચાય છે. કાલના જ સમાચાર છે કે કઠોરમાં એક ગેરેજવાળો સુમુલનું નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચલાવતો પકડાયો. પામ ઓઇલ અને વનસ્પતિ તેલનાં મિશ્રણને ગરમ કરીને ગેરેજવાળો નકલી ઘી, સુમુલના નામથી વેચતો હતો. પોલીસે 68 હજારની કિંમતના ડુપ્લિકેટ સુમુલ ઘીના 108 ડબ્બા, 30 હજારની કિંમતનું પેકિંગ મશીન જેવું મળીને લાખેકનો મુદ્દામાલ કબજે કર્યો છે. નકલી ઘી પકડાવાની નવાઈ નથી. એ ખેલ તો ચાલ્યા જ કરે છે, પણ પામ ઓઇલ હાર્ટએટેક સહિતના આરોગ્યના અનેક પ્રશ્નો ઊભા કરે એમ છે, છતાં તે આરોગ્ય વર્ધક હોય તેમ ફરસાણ, મીઠાઈ ને બિસ્કિટ્સમાં કોઈ પણ જાતની રોકટોક વગર ખપમાં લેવાય છે.
ભેળસેળના વધુ એક સમાચાર 28 ડિસેમ્બરે એ આવ્યા છે કે બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પાલનપુર, થરા અને થરાદમાં તપાસ દરમિયાન હળદર, ધાણાજીરું, લાલ મરચાં જેવા મસાલાના પાકોમાં પેસ્ટિસાઇડ્સ વધુ પ્રમાણમાં વપરાયાનું જણાયું છે. હવે હાલત તો ભેળસેળવાળા ને જોખમી ખોરાકથી જ પેટ ભરવા જેવી છે. આ ભેળસેળ કરનારા આપણા જ ગુજરાતીઓ છે. તેમને ખબર છે કે મર્યા પછી એક રૂપિયો સાથે આવવાનો નથી, છતાં તેમણે કોઈ પણ રીતે હરામની કમાણીથી હોજરી ઠાંસવી છે ને એમ કરવાથી કોઇની પણ હોજરી પર જોખમ ઊભું થાય તો તેની ચિંતા નથી. ગમે એટલી સાવધાની રાખો તો પણ ક્યાંક તો બિન આરોગ્યપ્રદ કૈં શરીરમાં ઘૂસે જ છે ને જોખમ પણ ઊભું કરે જ છે. એનો ઈલાજ કરાવવા જાવ તો તે પણ અસલી નથી, કારણ નકલી ડૉક્ટર ને નકલી દવાઓ આપણને વેતરવા તૈયાર જ છે. એવામાં વિકલ્પ એક જ બચે છે ને તે કમોતે મરવાનો. આમ આરોગ્ય વિભાગ છે તો ખરો, પણ તે પોતાનું આરોગ્ય સુધારવામાં પડ્યો હોય, ત્યાં પ્રજાની ચિંતા પ્રજાએ જ કરવાની રહે કે બીજું કૈં? વધારે દુ:ખદ તો એ છે કે અમર્યાદ કમાણીના લોભમાં પ્રજા જ નકલી, ભેળસેળિયું ખવડાવીને પ્રજા સાથે શત્રુતા નિભાવી રહી છે.
બીજી મુશ્કેલી છે તે પ્રજાનો કોઈ અવાજ નથી તેની. એક વર્ગ એવો છે જેને કોઈ ફરિયાદ નથી ને બીજો એવો છે જે વેઠે છે, પણ બોલવા રાજી નથી. તેને આર્થિક લાભ સિવાય બીજા કશામાં રસ નથી. તેની નજર વધતા પગાર પંચના આંકડાઓ પર છે ને એમાં શિક્ષક પણ બાકાત નથી. તે શિક્ષણને ભોગે શોષણને ચલાવી લે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતની જ વાત કરીએ તો 48 વિદ્યાર્થી પર સરેરાશ એક શિક્ષક છે. આટલી શિક્ષિત બેકારી છતાં હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો મળતા નથી. સમિતિની શાળાઓમાં અંદાજે 1.91 લાખ વિદ્યાર્થીઓ સામે 4,010 શિક્ષકો છે. મરાઠી માધ્યમમાં 39 પર એક શિક્ષક છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં 43 પર એક શિક્ષક છે. સૌથી ખરાબ સ્થિતિ અંગ્રેજી માધ્યમમાં છે, ત્યાં 156 વિદ્યાર્થીએ એક જ શિક્ષક છે. જુલાઈ 2024 મુજબ સમિતિમાં 5,569 શિક્ષકોનું મહેકમ મંજૂર થયું છે, પણ શિક્ષકો 4,010 જ છે, મતલબ કે 1,559 શિક્ષકોની ઘટ છે. ગુજરાતમાં ઘટનો ઉપક્રમ 2017થી ચાલ્યો આવે છે, પણ દળદર ફીટતું નથી. આની સામે શિક્ષકોએ કે તેમના યુનિયનોએ કૈં કરવાનું રહે છે કે કેમ તે પ્રશ્ન જ છે.
જો કે, શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં ભરાતાં થોડો સળવળાટ થયો છે ખરો. બોર્ડની પરીક્ષામાં પેપર ચેકિંગમાં કેટલાક શિક્ષકો ગેરહાજર રહ્યા તો બોર્ડે તેમને મોટો દંડ ફટકાર્યો, તો સંચાલક મંડળનો અવાજ ખૂલ્યો – શિક્ષકોની સંખ્યા ઓછી છે તે સૌ જાણે છે, જ્ઞાન સહાયકો હાજર થતાં નથી એટલે શિક્ષણ કાર્ય પૂરું કરવામાં મુશ્કેલી પડે છે, આ સ્થિતિમાં પહેલાં શિક્ષકોની ઘટ પૂરી કરો, પછી શિક્ષકોને ગેરહાજર રહેવા બદલ દંડ કરો … જેવી રજૂઆત થઈ. દંડની વાત ન આવી હોત તો સંચાલક મંડળનો સ્વર કદાચ સંભળાયો ન હોત. હકીકત એ છે કે નાક નથી દબાવાતું ત્યાં સુધી મોં ખૂલતું નથી.
ગમ્મત તો એ છે કે કુલડીમાં ગોળ તો આપણે જ ભાંગ્યા કરીએ છીએ. આ બધાંમાં સરકારને કોઈ લેવા દેવા છે કે કેમ ને એથી ય મોટો સવાલ એ છે કે સરકારને આની કૈં ખબર છે ખરી કે આખું કોળું જ દાળમાં …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ડિસેમ્બર 2024