રાવ આઇ.એ.એસ. કોચિંગ સેન્ટરમાં અચાનક પાણી ભરાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓ શ્રેયા યાદવ, તાન્યા સોની, અને નેવીન ડાલ્વિનનાં મોત થયાં ને સંસદમાં પણ તેને લઈને ભારે હોબાળો થયો. જવાબદારીઓની ઢોળાઢોળ થઈ. દિલ્હીમાં આપનું શાસન છે એટલે તેને માથે ઠીકરું ફોડાયું ને આપે ઉપ-રાજ્યપાલને જવાબદાર ઠેરવી જવાબદારી કેન્દ્રની છે એમ કહી હાથ ઊંચા કરી દીધા. એ ભવાઈ ચાલ્યા કરશે ને બીજી કોઈ ઘટના બનશે કે આ વાત અભરાઇએ ચડી જશે, ત્યાં સુધીમાં થોડી ખરી ખોટી ધરપકડ થશે ને એકાદને ભેરવીને કથાવાર્તા પૂરી થશે. અત્યારે તો થાર ગાડીના ડ્રાઇવરને ભેરવવાની વાત છે. તેનો વીડિયો વાઇરલ થયો છે. તેણે ઝડપથી કાર હંકારી ને પાણી કોચિંગ સેન્ટરમાં ભરાયું. એ વીડિયો જોનારને ખ્યાલ આવે એમ છે કે કારની એવી સ્પીડ નથી કે એના ફોર્સને લીધે બારણું તોડીને પાણી સેન્ટરમાં ભરાય, પણ આ તો રાજા, વાજા ને વાંદરા છે, કોઇની પણ ગરદન ઝાલી શકે, તેમ અત્યારે ડ્રાઈવર શૂળીએ ચડાવાય એમ બને. વાત તો એવી પણ છે કે ગટરો સાફ ન થઈ, એટલે પાણી ભરાયાં. ઇસ્યુ પાણી ભરાયાં એનો આગળ કરાય છે, પણ કોઈ માઈનો લાલ ગળું ખોંખારીને કહેતો નથી કે બેઝમેન્ટમાં આઇ.એ.એસ.ના વર્ગો ચલાવી શકાય જ નહીં. બેઝમેન્ટમાં લાઇબ્રેરી હોય? પણ દિલ્હીમાં આઇ.એ.એસ.ના વર્ગો વર્ષોથી આ રીતે જ ચાલે છે ને એને 19 દિવસ પહેલાં જ ફાયર એન.ઓ.સી.નું સર્ટિફિકેટ્ પણ ઇસ્યુ થયું છે. વર્ગો ચલાવનારા અને એ રીતે ચાલવા દેનારા પૈસા માટે મરવા પડતા હોય છે. એમની પૈસાની ભૂખ એટલી છે કે રાક્ષસની ભૂખ તો કદાચને મટે, પણ આ વરુઓની ભૂખ મટે એમ નથી. ઇતિહાસનો લાભ એ છે કે એમાંથી કોઈ બોધપાઠ હવે લેવાનો રહેતો નથી, જેથી વિકૃતિઓનો નવો ઇતિહાસ આપોઆપ જ રચાતો આવે.
આગ લાગે ને ચોથે માળેથી વિદ્યાર્થીઓ ભડકો થઈને નીચે પડે કે નવો નકોર પુલ ખુલ્લો મુકાય ને 130થી વધુ લોકો લાશ થઈને પાણી પર તરે કે ગેમ ઝોનમાં પેટ્રોલની જ્વાળાઓમાં બાળકો સહિત થોડી લાશો એવી પડે કે એનાં અવશેષો પણ ના જડે. થોડાંક બાળકો તરવરાટ સાથે હોડીમાં બેસે ને લાશ થઈને જ તરી નીકળે … આવી તો એટલી ઘટનાઓ છે કે ગણતાં પાર ન આવે. આમાં એ જ વાત બહાર આવે છે કે ઇતિહાસમાંથી કૈં ન શીખવું અને નવો ઇતિહાસ રચાવા દેવો. માણસ છીએ તો જાણી લેવું કે આપણે જોવા માટે ને મતાધિકારનો ઉપયોગ કરવા માટે જ છીએ. એથી વધુ સંવેદનશીલ ન હોઈએ તો ચાલે.
આપણાં તંત્રો એટલાં સંવેદનશીલ છે કે કોઈ પણ ઘટના બને તે પહેલાં મરી ગયાં હોય એટલાં નિષ્ક્રિય હોય છે, પણ જેવું કૈં બને છે અને થોડી લાશો પડે છે તો એમનામાં જીવ આવી જાય છે ને અળસિયાંની જેમ આમથી તેમ દોડાદોડી કરી મૂકે છે, તે એવું બતાવવા કે તંત્ર એલર્ટ પર છે. કોચિંગ ક્લાસમાં પણ એમ જ થયું. એકાએક ધરપકડો કરી લેવામાં આવી. ધડાધડ આદેશો અપાયા. કોઈને બરખાસ્ત કરવાનું તો કોઈને સસ્પેન્ડ કરવાનું ચાલ્યું. સંસદમાં ટેબલ ટેનિસ રમાઈ ને પાણી વલોવવા જેવું જે થઈ શકે તે બધું જ આરોપ-પ્રત્યારોપને નામે ચાલ્યું. આ એવી ઘટના નથી કે પહેલી વખત જ બની હોય ને તંત્રને ગતાગમ જ ન પડે, બલકે, તંત્રોને અગાઉનો અનુભવ હોય ત્યારે તેને ગતાગમ વધારે જ નથી પડતી.
દિલ્હીનું જૂનું રાજેન્દ્ર નગર અને મુખર્જી નગર એવા ઇલાકા છે જે આઇ.એ.એસ. કોચિંગ હબ તરીકે અગાઉથી જાણીતાં છે. કેવી ઈમારતોમાં આ વર્ગો ચાલે છે ને વિદ્યાર્થીઓ કેવા સંજોગોમાં દૂર દૂરથી આવીને અભ્યાસ કરે છે તે કોઈથી છાનું નથી. અગાઉ આગ લાગવા જેવી ઘટનાઓ બની ચૂકી છે, પણ કોઈ પગલાં સાવચેતીનાં ન લેવાં એ તંત્રોનાં લોહીમાં ઊતરી ગયું છે. તંત્રો એટલાં સંવેદનહીન અને રીઢાં થઈ ચૂક્યાં છે કે તેમને જરા જેટલી પણ કોઈ વાત સ્પર્શતી નથી. આવી બીજી ઘટના થશે ત્યારે પણ તંત્રો આટલાં જ નીંભર અને નિર્લજ્જ થઈને બહાર આવશે. રાજકીય પક્ષો પણ કોઈએ તો જવાબદારી લેવી પડશે એવું કહે છે, પણ એમાં પોતાની જવાબદારી બનતી નથી એ મામલે તેઓ એકદમ સ્પષ્ટ છે.
ખુલાસો તો એવો પણ થયો છે કે આ સંસ્થાએ જ પૂરી ડ્રેનેજ સિસ્ટમ એવી રીતે બ્લોક કરી કે વરસાદ વધે તો પાણી બેઝમેન્ટમાં ભરાય. એમાં સુરક્ષા અને બચાવની કોઈ વ્યવસ્થા પહેલેથી જ ન હતી. સંસ્થાના સંચાલકો એટલા અમાનવીય છે કે લાખો રૂપિયા ફી વસૂલ્યા પછી પણ, બેઝમેન્ટની લાઇબ્રેરીનો ઉપયોગ કરનાર પાસેથી દર મહિને 4થી 5 હજાર વધારાના વસૂલાય છે. જે પણ રીતે પૈસા વસૂલી શકાય તે બધી જ રીતોથી આ બેશરમો વસૂલતા હોય છે. અહીં સવાલ એ થાય કે આ રીતે એન.ઓ.સી. આપવામાં તંત્રો કોઈ તપાસ કરે છે કે એમ જ સર્ટિફિકેટ આપી દેતાં હોય છે? હવે ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી મર્યાં તો એમ.સી.ડી.એ નવ કોચિંગ સેન્ટર્સ સામે પગલાં ભર્યાં છે ને બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યાં છે. ઉપ-રાજ્યપાલે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે તો કોચિંગ હબ બનાવવાની વાત પણ કરી છે, નાળાંની સફાઇ પણ થઈ ગઈ છે. કોચિઁગને લગતો કાયદો કરવાની વાત પણ છે. આ બધું ઘટના પહેલાં બનવું જોઈતું હતું, પણ તે થોડી લાશો પડે પછી થાય છે. એને રાંડ્યાં પછીનું ડહાપણ કહેવાય. જો કે, એ પણ ઓછું જ છે, કારણ રંડાવાનો તંત્રોને બહોળો અનુભવ છે. આમ તો આ બધું ખાતર પર દિવેલ જેવું છે. જે બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યાં છે તે નાટકથી વધારે કૈં નથી. થોડા સમય પછી સીલ તૂટશે ને ફરી બધું ધમધમતું થશે. સવાલોનો સવાલ એ છે કે લાખોની ફી વસૂલતાં સેન્ટર્સ બેઝમેન્ટમાં હોવાં જ શું કામ જોઈએ? બેઝમેન્ટમાં લાઇબ્રેરી હોય, સેંકડો વિદ્યાર્થીઓ સાંકડી જગ્યામાં આવજા કરતાં હોય, ત્યાં તમામ બેઝમેન્ટનો સફાયો થવો જોઈએ, તેને બદલે સીલ કરવામાં આવે એ બધી રીતે ધિક્કારને પાત્ર છે. ખરેખર તો વિદ્યાર્થીઓએ જ એનો બહિષ્કાર કરવો જોઈએ. ગૂંગળાઈ મરાય એવી જગ્યાનો એમણે સાર્વત્રિક બહિષ્કાર કરવો જોઈએ. કોઈ જ બેઝમેન્ટમાં ન બેસે તો સંચાલકો પથરાને શિખવવાના હતા !
સંસ્થાઓ સીલ કરવાનાં નાટકો તો ચાલતાં જ રહેવાનાં છે. ગેમઝોનમાં આગ લાગી તો ગુજરાતમા ફાયર એન.ઓ.સી.નું નાટક ચાલ્યું ને ઘણી સ્કૂલો સીલ કરવામાં આવી. વિદ્યાર્થીઓનું ભણતર અટકી પડ્યું. હાઇકોર્ટે દખલ કરવી પડી કે ફાયર એન.ઓ.સી.નો અર્થ સ્કૂલો બંધ કરાવવાનો નથી, પણ અણઘડ તંત્રો ભાગ્યે જ અક્કલ વાપરવામાં માનતાં હોય છે. દિલ્હી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતાં સ્પષ્ટ કર્યું છે કે બઝમેન્ટની ઘટના અધિકારીઓની મિલીભગતનું પરિણામ છે.
આ અને આવી ઘટનાઓ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ઠેર ઠેર ભ્રષ્ટાચાર ને હરામની કમાણી કરવાની દાનતે માનવીય મૂલ્યોનો સર્વનાશ કર્યો છે. માણસ મરે ને મરતો જ રહે તો અરેરાટી પણ નથી થતી. માણસો પણ એટલા નિષ્ઠુર થયા છે કે આવું બધું તો બન્યા કરે, રોજ મરે તેને કોણ રડે – એવી માનસિકતા થતી આવે છે. એને હવે અનુભવાતું નથી. રોબોટને સંવેદન હશે, પણ માણસને ન હોય તેમ તે નિસ્પૃહી થઈ ગયો છે. એને આંખો છે, પણ આંસુ નથી. હૈયું ધબકે છે, પણ ધબકાર અનુભવાતો નથી. આ સ્થિતિ ઈચ્છવા જેવી નથી. અકસ્માતોમાં લાશ પડે તે સરકારી વળતર માટે નથી. એ અત્યંત દુ:ખદ છે કે આપણું રૂંવાડું ય ફરકતું નથી, કારણ ચામડી જ બચી નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઑગસ્ટ 2024