તુષાર ગાંધી : “નરેન્દ્ર મોદીના શાસન હેઠળનું ભારત ગાંધીને વિસરી ગયું અને તેના હત્યારાને સન્માન આપવાનું પસંદ કરે છે.”
રેડિયો ફ્રાન્સ ઈન્ટરનેશનાલે (Radio France Internationale) પર તુષારભાઈ ગાંધીની મુલાકાત. તીર્થંકર ચંડા દ્વારા પ્રતિભાવનું થયેલ સંકલન
(મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલ, ઇંગ્લિશમાં અનુવાદ મેળવીને ગુજરાતીમાં કરેલ અનુવાદ)
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી લેખક, કર્મશીલ અને ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના નિયામક છે.
રેડિયો મુલાકાતનો અનુવાદ પ્રસ્તુત :
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર દિલગીરી સાથે જણાવે છે કે દિલ્હી સ્થિત હિન્દુ શાસન વ્યવસ્થાએ ગાંધીના અહિંસા અને બહુમતવાદ જેવાં મૂલ્યો ત્યજી દીધાં છે અને “ઇસ્લામ પ્રત્યે ખોટી ભીતિની આગ ભડકાવવા”નું કામ કરી રહી છે. ચૂંટણી ચોથા તબક્કામાં પ્રવેશી રહી છે તે સમયે ગાંધીનાં સ્વપ્નનું ભારત, કે જ્યાં બહુમતી અને લઘુમતી સમાજના સભ્યો જૂના પૂર્વગ્રહો અને કોમી હિંસાની પરંપરાને વિસરી જઈને હળીમળીને સહજીવન જીવતા હોય તેવા ભારતની કલ્પનાથી હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષની છત્રછાયામાં જીવતું ભારત કઈ રીતે દૂર ફેંકાઈ રહ્યું છે, એ યાદ અપાવી રહ્યા છે.
રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનાલે (RFI) : આપે આપના પ્રખ્યાત વડ દાદાને પ્રત્યક્ષ જોયા નથી, પરંતુ આપનો ઉછેર એક રીતે એ મહાન વ્યક્તિની છત્રછાયામાં થયો છે. આવા વિશેષ અધિકારો મળેલા એવા આપના બાળપણની કઈ યાદગાર બાબતો આપે જાળવી રાખી છે?
તુષાર ગાંધી : ખરી વાત છે, બાપુ, કે જે મારા પ્રપિતામહ હતા, તેમની હત્યાના એક દાયકાથી વધુ સમય બાદ મારો જન્મ થયો. આમ છતાં હું નસીબદાર હતો કે મારો ઉછેર એવા ભારતમાં થયો કે જ્યાં એમની સ્મૃતિ લોકોના દિલ–દિમાગમાં સદાય વસતી હતી. મુંબઈના અમારા ઘરમાં મારા પ્રપિતામહના હમસફર લોકો નિયમિત રીતે આવીને રહેતા, જેઓ બા અને બાપુના સહજીવનની વાતો અમને કરતા. આ ‘ગાંધીયન’ કહેવાતાં બહેનો અને ભાઈઓને નિકટથી જાણવાનો મને લાભ મળેલો. એ લોકોને સાંભળતો ત્યારે મને પ્રતીત થતું કે બાપુ હજુ અમારી વચ્ચે હાજર છે. મને ક્યારેક મારા પિતાની ઈર્ષ્યા થતી કેમ કે તેમને કિશોરાવસ્થામાં બાપુ સાથે રહેવાની તક મળેલી. પણ મારી કુમારાવસ્થામાં પણ ગાંધીએ સંનિષ્ઠ પૂજ્યભાવનો આનંદ મેળવેલો, જ્યારે આજે મને એમ લાગે છે કે હું એવા ભારતમાં રહું છું, જે ગાંધીને ભૂલી ગયું છે અને તેના હત્યારા નથુરામ ગોડસેને વધુ માન આપે છે.
RFI : આધુનિક યુગમાં ‘રાષ્ટ્રપિતા’નો ખ્યાલ કાલગ્રસ્ત થઇ ગયો છે અને વિવાદાસ્પદ બન્યો છે એ શું સાચું નથી?
તુષાર ગાંધી : એ ખરું છે કે ‘મહાત્મા’ અને ‘રાષ્ટ્રપિતા’ જેવા પારિભાષિક શબ્દો હવે આપણને આકર્ષતા નથી, પરંતુ આ વ્યક્તિએ જે નૈતિક અને સૈદ્ધાંતિક મૂલ્યોને પોતાના દૈનિક જીવનમાં વણી લેવાની સાથે બીજામાં વહેતાં કર્યા એ હજુ આજના યુગમાં પણ સુસંગત છે. મને ‘રાષ્ટ્રપિતા’ ગાંધીની જરા પણ પરવા નથી. પણ બીજી બાજુ હું ગાંધી – એક માનવી તરીકે સ્મરણમાં રાખવા ઈચ્છું છું.
RFI : આપ કયાં ગાંધી મૂલ્યો ભાવિ પેઢીને સોંપી જવા માંગો છો?
તુષાર ગાંધી : સમાનતા, ન્યાય, શાંતિ, અહિંસા … આ બધાં મૂલ્યો ભારતના રાજ્યબંધારણનો પ્રાસ્તાવિક ખરડો તૈયાર થયો તે સમયથી તેમાં પ્રતિસ્થાપિત થયેલા જ છે. આ કોઈ અમૂર્ત મૂલ્યો નથી, પણ મોહનદાસ ગાંધી નામના માનવીના જીવનમાંથી પ્રેરણા મેળવેલાં મૂલ્યો છે.
RFI : આપની એવી માન્યતા છે કે હિન્દુ વિચારધારા પર નભતી સરકારના શાસનનાં દસ વર્ષ બાદ દેશ સહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકતા અને બહુમતવાદથી દૂર નીકળી ગયો છે, જેને ગાંધીએ પોતાના જીવન દરમિયાન મૂર્ત સ્વરૂપ આપેલું?
મહાત્મા ગાંધી, મીઠુબહેન પિટીટ અને સરોજિની નાયડુ, મીઠાના સત્યાગ્રહ માર્ચ 1930.
તુષાર ગાંધી : ગાંધીના ચારિત્ર્યની પવિત્રતાની સુવાસ દિલ્હીમાં સત્તા પર બેઠેલી હિન્દુ કટ્ટરવાદી સરકારના કબજામાં નથી. ગાંધીના જીવનકાળ દરમિયાન એ લોકો તેની સામે લડ્યા અને 2014માં જેવા સત્તા પર આવ્યા, કે તરત અહિંસા, ન્યાયીપણું અને બહુમતવાદ માટેના આદર જેવાં મૂલ્યો ફગાવી દીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર નફરત, વિભાજન અને ધ્રુવીકરણને પ્રોત્સાહન આપે છે, ભડકાવે છે. આ સરકારે સમાજમાં કોમવાદનો ફેલાવો અમલમાં મુક્યો છે, એ ગાંધી કરતાં હજારો માઈલ દૂર છે, જેમણે સમાજના દરેક સભ્ય સમાન ગરિમા સાથે જીવે અને હિન્દુ–મુસ્લિમ સુમેળથી રહે તે માટે લડત આપી. ગાંધી મૂલ્યોથી દેશ કેટલો દૂર નીકળી ગયો છે એ સમજવા માટે હાલના ચૂંટણીના માહોલને જાણવો પૂરતો થઈ રહેશે. હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે નરેન્દ્ર મોદી મુસ્લિમો પ્રત્યે ભયની લાગણી ફેલાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. નફરતથી ધેરાયેલા આ ઇન્ડિયામાં ગાંધીનું કોઈ સ્થાન નથી.
RFI : જ્યારે આપ કહો છો કે મોદીના ભારતમાં ગાંધીનું કોઈ સ્થાન નથી ત્યારે ગાંધીના દૃષ્ટિકોણને અને આઝાદીના સંગ્રામમાં તેમની મહત્ત્વની ભૂમિકાને વિકૃત કરીને છપાયેલા ઇતિહાસનાં નવાં પુસ્તકોનો વિચાર કર્યા વિના કેમ ચાલે?
તુષાર ગાંધી : પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં માત્ર ગાંધીનો જ સમાવેશ કરવામાં નથી આવ્યો એવું નથી. ભારતના ઇતિહાસ પર જેનો મહત્ત્વનો પ્રભાવ હતો એ મોગલ સામ્રાજ્યને પણ ઇતિહાસનાં પાના પરથી અદૃશ્ય કરી દેવામાં આવ્યા છે. ભારતની સરકારનું ધ્યેય નાની ઉંમરના બાળકોના મગજમાં ઇસ્લામ પ્રત્યે ભયની લાગણી ફેલાવવાનું છે. ગાંધીની હત્યાના સંદર્ભમાં આર.એસ.એસ. સંગઠનના હિન્દુ કટ્ટરવાદીઓની ભૂમિકા અને હિન્દુ રાષ્ટ્રવાદીઓનો વૈચારિક ઢાંચો એ તમામ હકીકતને સ્મૃતિમાંથી ભૂંસી નાખવામાં આવી છે. ભાવિ પેઢી મોગલ સામ્રાજ્ય દરમિયાન ભારત કેવો વૈભવ ભોગવતું હતું કે હાલના વડા પ્રધાન જેવી મુસ્લિમ વિરુદ્ધ વિચારધારા ધરાવતા નેતાઓના પ્યાદા બનેલા એક મનોવિકૃતિ ધરાવનાર માણસના હાથે જેમના અવાજને શાંત કરી દેવામાં આવ્યા એ ગાંધીની ભારતને સ્વતંત્ર કરવામાં શી ભૂમિકા હતી એ ક્યારે ય જાણવા નહીં મળે.
RFI : આ હકીકત પણ આંતરરાષ્ટ્રીય તખ્તા પર ગાંધીને અંજલિ આપતા મોદીને રોકતી નથી.
તુષાર ગાંધી : વિદેશી સરકારના વડાઓ ભારતની મુલાકાતે આવે ત્યારે ગાંધી સાથે સંકળાયેલા પ્રખ્યાત સ્થળો બતાવવા માટે માર્ગદર્શક થતા પણ તેઓ અટકતા નથી. નરેન્દ્ર મોદીએ દુનિયાના ઘણા દેશોની રાજધાનીની સફર કરી, ત્યાં ભારતના રાષ્ટ્રપિતાને અંજલિ આપી કેમ કે તેઓ જાણે છે કે વિદેશમાં વસતા લોકોના મનમાં ભારત સાથે ગાંધી મૂલ્યો અભિન્નપણે જોડાયેલાં છે. મોદીની અંજલિ એટલે સારું ભાષણ અને ખાલી શબ્દો સિવાય કશું નથી, કેમ કે દેશમાં તો તેમની સરકાર ગાંધીની સ્મૃતિને નામશેષ કરવા અને ગાંધીના ધર્મ નિરપેક્ષતા અને અહિંસા જેવાં મૂલ્યોને પગ તળે કચડવાનું જ કામ કરી રહી છે. તો વળી તાજેતરનાં વર્ષોમાં ગાંધીની પ્રતિમા ફરી દેખા દેવા લાગી છે, જેમ કે ‘સ્વચ્છ ભારત’ જેવા જાહેર સ્વાસ્થ્યના અભિયાનમાં, જેમાં દરેક ઘરમાં શૌચાલય પૂરા પાડવાની જોગવાઈ છે જેથી જાહેરમાં મળત્યાગનો પ્રશ્ન ન રહે, કે જે ભારતમાં જાહેર સ્વાસ્થ્યને લગતી મોટી સમસ્યા છે. આ અભિયાન માટે ગાંધીના ગોળ ફ્રેમના ચશ્માં પહેરેલ ચહેરો માસ્કોટ તરીકે મુકવામાં આવ્યો હતો. જો કે મોદીના સામાજિક હિતમાં ઊભા કરેલા પ્રકલ્પોની મુશ્કેલી એ છે કે તેનો અમલ ક્યારે ય નથી થતો. જેને માટે વચન આપવામાં આવ્યું હતું અને જાહેરખબર અને વહીવટી પત્રવ્યવહાર પાછળ પુષ્કળ ખર્ચ કરવામાં આવ્યું હતું એ વાપરી શકાય તેવા જાજરૂ, અથવા માત્ર જાજરૂની ભારતમાં લાખો ઘર હજુ પણ રાહ જુએ છે.
RFI : ગાંધી અને મોદીમાં એક સામ્ય છે, તે છે તેમની ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા. ગાંધીના અંતેવાસીઓના કહેવા પ્રમાણે તેઓ દિવસની શરૂઆત રામનું ભજન ગાઈને કરતા. ભારતના વડા પ્રધાને તાજેતરમાં ભારે ભભકા સાથે આ દેવનું ભારે વિશાળ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. જેના વિષે ઘણો વિવાદ ઊભો થયો છે એવા આ મંદિરને ગાંધીએ પોતાની અનુમતિ આપી હોત?
તુષાર ગાંધી : ના, રામ ઉપર શ્રદ્ધા હોવા છતાં ગાંધીએ આ મંદિરના નિર્માણ માટે કદી અનુમતિ ન આપી હોત. ભારતીય પુરાણોમાં રામની ન્યાયપ્રિયતા ને કરુણા જેવા માનવીય ગુણો દર્શાવવામાં આવ્યા છે તેના માટે ગાંધીને શ્રદ્ધા હતી. એ ભૂલવું ન જોઈએ કે બહુ થોડાં વર્ષો પહેલાં આ સ્થળે આપણા મુસ્લિમ ભાઈઓ માટે અતિ મહત્ત્વની ગણાય તેવી મસ્જિદ હતી, તે સ્થળે આ મંદિર બંધાયું છે. હિન્દુ ધર્માંધ અને ઝનૂની લોકોએ પોતાના હાથે એ મસ્જિદને તોડી પાડી અને તેના પર રામનું મંદિર રચ્યું. બધા રાજકારણીઓ એ જોવા માટે ઉમટી પડ્યા, ગાંધીએ કદી આવી મેલી રમતમાં ભાગ ન લીધો હોત, કેમ કે આ તો નફરત અને ઝનૂનીપણાને પોષે છે, તેમાં અધ્યાત્મ જરા પણ નથી.
RFI : જો પોલ પર વિશ્વાસ મૂકીએ તો 19મી એપ્રિલથી શરૂ થયેલી ચૂંટણી હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષ જીત તરફ કૂચ કરી રહ્યો છે. મોદીની નવી સરકાર સામે ગાંધીનાં ધર્મનિરપેક્ષતા, ન્યાય, સમાનતા જેવાં મૂલ્યો, કે જેને હજુ ઘણા ભારતવાસીઓ વળગી રહ્યા છે એની સુરક્ષા આપ કઈ રીતે કરશો?
તુષાર ગાંધી : બીજા ગાંધીવાદીઓની માફક મારા અંતિમ શ્વાસ સુધી હું બહુસાંસ્કૃતિક, અહિંસક અને સર્વ સમાવેશી ભારત, કે જેનું મારા પ્રપિતામહ અને તેમના સાથીદારોને સ્વપ્ન જોયેલું તેની રક્ષા કરીશ એવી પ્રતિજ્ઞા લઉં છું. જો હિન્દુરાષ્ટ્રવાદી પક્ષ આ ચૂંટણી જીતશે તો અમે નેક લોકો આ જંગ હારી જશું, પણ લડાઈ નહીં હારીએ. એ લડાઈ નફરત પર સહકાર અને વિભાજન પર ઐક્યનો વિજય થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
e.mail : 71abuch@gmail.com
Tushar Gandhi’s interview in RFI France on Modi, Bapu and current election. For those who can read French :-