Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૃદુલા સારાભાઈ

યશવન્ત મહેતા|Profile|6 December 2024

મૃદુલાબહેન સારાભાઈ

તારીખ ૬ઠ્ઠી મે (૧૯૧૧) એક અસામાન્ય નારીની જન્મતારીખ છે. અને ૨૭ ઑક્ટોબર (૧૯૭૪) છે, અવસાન તિથિ. એ નારી એટલે મૃદુલા સારાભાઈ – સ્ત્રીશક્તિનાં આદિ સંગઠનકર્તા, સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, લેખિકા, બળવાખોર … એમને બિરદાવવા માટે વિશેષણો ઓછાં પડે.

મૃદુલા સારાભાઈ અમદાવાદના ખૂબ જ જાણીતા સારાભાઈ કુટુંબનાં દીકરી હતાં. ઓગણીસમી સદીમાં એમના વડવા મગનભાઈ વખતચંદ વેપાર-ઉદ્યોગમાં તો આગેવાન હતા જ, સમાજકારણમાં ય સક્રિય હતા. એમના દાનને પરિણામે અમદાવાદની સર્વ પ્રથમ કન્યાશાળા બની, જે આજે રાયબહાદુર મગનભાઈ વખતચંદ ગર્લ્સ સ્કૂલ તરીકે શહેરના રાયપુર વિસ્તારમાં સક્રિય છે.

આ જ પરિવારે એક સમયની અમદાવાદની વિશ્વવિખ્યાત કાપડ મિલ કેલિકો મિલ બનાવી અને ચલાવી. એ જ પરિવારના અંબાલાલ સારાભાઈ મશહૂર રાષ્ટ્રીય મૂડીદાર (નેશનાલિસ્ટ કેપિટલિસ્ટ) હતા અને ગાંધીજીના મોટા ટેકેદાર હતા. આ જ પરિવારમાં અનસૂયાબહેન સારાભાઈ પેદા થયાં, જેમણે શહેરના પ્રથમ કામદાર સંઘ એવા મજૂર મહાજન સંઘની રચનામાં સૌથી મોટો ફાળો આપ્યો. આ ઘટનાનું મહત્ત્વ સમજવા જેવું છે. કામદાર સંઘ તો ઉદ્યોગ-વ્યાપારના માલિકો સામે લડત ચલાવે. આવા સંઘની રચનામાં પાયાનો ફાળો આપનાર એક મિલમાલિકનાં જ બહેન !

આ પરિવારનાં જ એક દીકરી લીના મંગળદાસ, જે ઉત્તમ શિક્ષણકાર બન્યાં. એક દીકરો વિક્રમ સારાભાઈ, જે દેશનો પ્રથમ હરોળનો વિજ્ઞાની અને દેશના અવકાશયુગનો પિતા ગણાયો. આ વિક્રમભાઈનાં પત્ની મૃણાલિની સારાભાઈએ નૃત્ય અને નાટ્યના સંસ્કારોથી ગુજરાતને ગુણિયલ બનાવવામાં મોટો ફાળો આપ્યો. વિક્રમભાઈ અને મૃણાલિનીબહેનના પુત્ર કાર્તિકેય આજે વિજ્ઞાનસંસ્થાઓના સંચાલનમાં સક્રિય છે, તો પુત્રી મલ્લિકા નૃત્ય અને નાટ્ય જ નહિ, જાહેર જીવનમાં ન્યાય અને સમાનતાના હિતમાં જીવ રેડીને કામ કરે છે. સારાભાઈ પરિવારે અમદાવાદમાં અને અન્યત્ર વિજ્ઞાનની, વિજ્ઞાનશિક્ષણની, સંશોધનની, ડિઝાઈનકળાની વગેરે અનેક પ્રકારની અનેક મોટી સંસ્થાઓ ઊભી કરી જે અમદાવાદ અને ગુજરાતમાં જ નહિ, વિશ્વભરમાં પોતાના પ્રકારની નમૂનેદાર સંસ્થાઓ ગણાય છે.

અને આ જ પરિવારનાં અંબાલાલ સારાભાઈ અને સરલાદેવી સારાભાઈનાં દીકરી મૃદુલા તો વળી ઓર અધિક મહિમામય કારકિર્દી જીવી ગયાં. આઠ ભાઈ-બહેનોના બહોળા પરિવાર અને લખલૂટ સંપત્તિની સુવિધામાં મૃદુલાબહેનનું બાળપણ સ્વપ્નની જેમ પસાર થઈ ગયું. અંબાલાલભાઈ પોતાનાં સંતાનોને બહારની કોઈ શિક્ષણસંસ્થામાં મોકલતા નહિ. તમામ બાળકોના માધ્યમિક કક્ષા સુધીના તમામ શિક્ષણની જોગવાઈ શાહીબાગ ખાતેના એમના વિશાળ રીટ્રીટ બંગલા ખાતે થતી. એમના ભણતર માટે શિક્ષકોનો મોટો કાફલો રોકવામાં આવતો. દરેક સંતાનની રુચિ પારખવામાં આવે અને પછી એ દિશામાં એની વિશેષ તાલીમ થાય એવી જોગવાઈ હતી. મોટી વાત એ હતી કે અતિ માલદાર પરિવાર હોવા છતાં ઘરમાં સાદગીનું વાતાવરણ રહેતું. ભોજન, કપડાં, વડીલો ઉપરાંત નોકરચાકર તરફનું વર્તન, એ બધી બાબતમાં સાદાઈ અને શાલીનતાનો આગ્રહ રહેતો. આમાં પણ, મૃદુલાબહેન સાવ નાનપણથી કાંઈક જુદું જ વલણ ધરાવતાં હતાં. એમને સાદગી ખૂબ પસંદ હતી.

માણસના જન્મ પછી તરતના સંજોગો એના ઘડતરમાં મોટો ફાળો આપે છે. ૧૯૦૫માં બ્રિટિશ રાજ્યે બંગાળના ભાગલા પાડવાનું કાવતરું કર્યું. એનું બહાનું વહીવટી સુવિધાનું હતું. પરંતુ જે રીતે બંગાળના ભાગલા થઈ રહ્યા હતા તેમાં બંગાળને કોમી ધોરણે વહેંચવાની દુષ્ટ દાનત હતી. (એમણે ૧૯૦૫થી શરૂ કરેલી દુષ્ટતા આખરે ૧૯૪૭માં ફળ લાવી. બંગાળના બે ભાગલા પડીને જ રહ્યા.) સમગ્ર ૧૯૦૫ અને એ પછીનાં વર્ષો દરમિયાન બંગભંગ સામેની લડત ચાલુ રહી. રાષ્ટ્રીય પ્રશ્નોમાં સદા રસ લેતા સારાભાઈ પરિવારમાં જે વાતો ચર્ચાતી હતી તે તાજી જન્મેલી દીકરીના દિમાગમાં સંઘરાતી હતી.

એ પછી ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા અને અમદાવાદમાં વસ્યા. એમને પ્રારંભથી અંબાલાલ સારાભાઈનો ટેકો હતો. અરે, ૧૯૧૮માં જ્યારે બાપુએ કોચરબના સત્યાગ્રહ આશ્રમમાં એક દલિત પરિવાર સમાવી લીધો અને આશ્રમ સામે સાર્વત્રિક બહિષ્કારની સ્થિતિ ઊભી થઈ અને આશ્રમવાસીઓ કાલે શું ખાશે એવો પ્રશ્ન થયો ત્યારે એક માતબર રકમ બાપુને આપીને અંબાલાલ સારાભાઈએ પોતાની મહાનતાનો પરિચય આપી જ દીધો હતો.

આ પરિવારનાં એક સંવેદનશીલ દીકરી તરીકે મૃદુલાબહેનના માનસનું રાષ્ટ્રવાદી ઘડતર થતું જતું હતું. એ માનસને ૧૯૧૮માં સક્રિયતાનો માર્ગ મળ્યો. એ વર્ષે ગાંધીજીએ અને કૉંગ્રેસે વિદેશી કાપડ, દારૂતાડી, જુગારનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું. કિશોરી મૃદુલાએ તરત જ પોતે બધાં વિદેશી કપડાંની હોળી કરી અને સ્વદેશી વસ્ત્ર જ પહેરવાની પ્રતિજ્ઞા કરી.

આગળ જણાવ્યું તેમ, માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ સારાભાઈ પરિવારને બંગલે જ અપાતું. પછી બાળકો માધ્યમિક શાળાંત પરીક્ષા આપીને પોતપોતાની રુચિ અનુસારની કૉલેજમાં જતાં. મૃદુલાબહેને ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ લીધો. અહીં પહેલાં વિનીત અને પછી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. એ વિદ્યાપીઠમાં હતાં એ દરમિયાન જ ૧૯૩૦માં સત્યાગ્રહસંગ્રામ શરૂ થયો. મૃદુલાબહેન સત્યાગ્રહમાં ઝુકાવવા થનગની રહ્યાં. વિદ્યાપીઠના તત્કાલીન આચાર્ય કાકાસાહેબ કાલેલકર સમક્ષ જઈને એમણે વિનંતી કરી : મને સત્યાગ્રહના જંગમાં જોડાવા રજા આપો. કાકાસાહેબે મોટા ઘરની આ સુંવાળી દેખાતી યુવતીને નખશિખ નિહાળી અને કહ્યું કે રજા નહિ મળે. ત્યાં સત્યાગ્રહીઓને પોલીસ મારેપીટે છે. તમારા જેવાં સ્ત્રીનું-યુવતીનું ત્યાં કામ નથી.

મૃદુલાબહેનને રજા ન અપાઈ એનું દુ:ખ તો થયું જ, એનાથી અનેકગણું દુ:ખ એક સ્ત્રી હોવાને કારણે પોતાને અબળા ગણવામાં આવી એનું થયું. કોઈકે એમના નારી હોવાપણાની દયા ખાધી તે જરા ય ન ગમ્યું. ખૂબ જોશમાં આવી ગયાં. પોતાની શિક્ષણસંસ્થામાં નાફરમાની બદલ સજા થશે એવો સંભવ હોવા છતાં એ તો કૉંગ્રેસ કચેરીએ પહોંચી જ ગયાં અને સત્યાગ્રહ કાર્યક્રમમાં સત્યાગ્રહી સૈનિક તરીકે નામ નોંધાવ્યું.

આ રીતે તેઓ ગાંધીજીના નિકટ સંપર્કમાં આવ્યાં. ગાંધીજીનાં પ્રશંસક બન્યાં. ગાંધીજી માત્ર રાજકીય આઝાદી માટે મથતા નથી પરંતુ સત્યાગ્રહી માનવોને ઘડવા માટે પ્રયત્નશીલ છે, એ મૃદુલાબહેન બરાબર સમજતાં હતાં. અલબત્ત, મૃદુલાબહેન ગાંધીજીનાં પ્રશંસક અને ટેકેદાર રહ્યાં, પરંતુ કદી એમનાં ભક્ત ન બન્યાં. ગાંધીજી પોતાના સંપર્કમાં આવનાર દરેકને કશીક ને કશીક રચનાત્મક કે વિકાસાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જવાનો અનુરોધ કરતા. કોઈને ગામડામાં જવા, કોઈને આદિવાસીઓમાં જવા તો કોઈને શિક્ષણના કામમાં જોડાવા અનુરોધ કરતા. એમણે મૃદુલાબહેનને કોમી એકતા અને સ્ત્રીવિકાસ, એ બે ક્ષેત્રે કામ કરવાની પ્રેરણા આપી. ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ માટે પણ એ મથતાં રહ્યાં.

સાચા રાષ્ટ્રવાદીનું ઘડતર

મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળના આઝાદીજંગની એક વાત નોંધપાત્ર છે. એ લડત શરૂ કરતા કહેતા કે આખરી અંજામ સુધી આ લડત ચલાવવી છે. પરંતુ કશુંક અજુગતું બને એટલે લડત બંધ કરતા. પછી તે પોતે તો મનગમતા ખાદીના કે અસ્પૃશ્યતાનિવારણના કે ગ્રામોદ્ધારના કે હિંદી ભાષાના કામમાં પડી જતા, પરંતુ જેઓ આખરી અંજામ સુધી લડી લેવા નિર્ધાર સાથે સૈનિક તરીકે જોડાયા હોય એમાં ઘણાં દિશાવિહીન બની જતાં. એમણે પછી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં પરોવાઈ જવું પડતું. ૧૯૩૧ની લડત આમ જ અચાનક સમેટાઈ જતાં મૃદુલાબહેન સારાભાઈ થોડાંક નવરાં પડી ગયાં. હવે શું કરવું ?

પ્રથમ તો એમને પત્રકારત્વમાં ઝુકાવવાનું મન થયું. સંજોગવશાત્ એ જ દિવસોમાં રાષ્ટ્રવાદી અભિગમ સાથે કેટલાક મિત્રોએ ‘ગુજરાત સમાચાર’ નામે દૈનિક શરૂ કર્યું. એના મુખ્ય સાહસી ઇન્દ્રવદન ઠાકોર હતા. પૂરેપૂરા રાષ્ટ્રવાદી અને અંગ્રેજ વિરોધી મૃદુલાબહેન એમની સાથે જોડાયાં. આર્થિક ટેકો આપ્યો, એટલે કંપનીના સંચાલક મંડળમાં સ્થાન પામ્યાં. કંપનીનાં એક ડિરેક્ટર બન્યાં. સાથોસાથ પત્રકાર તરીકે પણ કામગીરી કરવા લાગ્યાં. રીપોર્ટિંગ માટે જતાં, લડતો, હડતાળો, સભાઓમાં તોફાનો વગેરે ઘટનાઓનું પ્રત્યક્ષ રીપોર્ટિંગ કરતાં. ધનવાનનાં દીકરી હોવાના ગર્વનો સદંતર અભાવ, એ મૃદુલાબહેનનું ખાસ લક્ષણ હતું. ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં એમણે જે કામગીરી કરી તે આગળ જતાં ‘નેશનલ હેરાલ્ડ’ જેવા રાષ્ટ્રીય દૈનિકની કામગીરીમાં ઉપયોગી બની. પંડિત જવાહરલાલ નહેરુએ શરૂ કરેલા આ અંગ્રેજી દૈનિકમાં પણ તેઓ એક સંચાલક (ડિરેક્ટર) અને પત્રકાર તરીકે જોડાયાં હતાં. આ બંને દૈનિકોની કામગીરી દરમિયાન એમણે અનેક લેખો લખ્યા. એ ઉપરાંત કેટલી ય પત્રિકાઓ પણ લખી.

૧૯૩૨માં મૃદુલાબહેન બેલગામ જેલમાં હતાં. ત્યાં બેઠાં એમને સમાજની અને ખાસ કરીને સ્ત્રીઓની અવદશા વિશે વિચારવાનો ખાસ મોકો મળ્યો. એ દિવસોમાં જ બાળલગ્ન-પ્રતિબંધક સારદા એક્ટ આવવાની તૈયારી હતી. ત્યારે ગાંધીજીએ જેમને ‘મૂરખ માતા-પિતા’ કહેલાં એવાં અસંખ્ય વાલીઓએ બાળકીઓનાં ઉતાવળાં લગ્નો કરવા માંડ્યાં. અપૂર્વ સંખ્યામાં આવાં લગ્નો થયાં. બાળલગ્નનાં પરિણામો કેવાં આવી શકે તે સમજનારાં મૃદુલાબહેન જેવા જાગ્રત નાગરિકો આ દૂષણ અટકાવવા આતુર હતાં. પણ સમાજનું જુનવાણીપણું એમના પ્રયત્નોને નિરર્થક બનાવી દેતું હતું.

સ્ત્રીઓની માત્ર આટલી જ સમસ્યા નહોતી. બાળલગ્ન પછી બાળ-વિધવાઓની સંખ્યા ખૂબ જ વધી જતી. એ બિચારી છોકરીઓનું દરેક પ્રકારે શોષણ થતું. શિક્ષણનો અભાવ, જાતે નભી શકે એવી તાલીમનો અભાવ અને આર્થિક સ્થિતિની નબળાઈ વગેરે કારણોસર એ છોકરીઓ શોષણ સામે પડકાર પણ ફેંકી ન શકતી. આ વિધવાઓ ઉપરાંત ત્યક્તાઓની સમસ્યા પણ ગંભીર હતી. એવી સ્ત્રીઓને જો પિયર ન સંઘરી શકે તો દેહવ્યાપાર સિવાય કોઈ આરો ન રહેતો. આ સમસ્યાઓ સામે સ્ત્રીઓને પગભર કરવાના મુખ્ય ઉદ્દેશ ઉપરાંત નારી-સંગઠન, નારી-અધિકાર, સ્વાતંત્ર્ય-જંગમાં વ્યવસ્થિત સામેલગીરી, વગેરે હેતુઓસર એક સંસ્થા રચવી જોઈએ, એવું અમદાવાદનાં અગ્રણીઓને લાગતું હતું. ઘણી વિચારણાઓ ચાલી. દરમિયાનમાં મૃદુલાબહેન જેલમાંથી બહાર આવી ગયાં. એક દહાડો ગાંધીજીએ કહ્યું, “મૃદી ! આ કામ તારું !”

અને ગાંધીબાપુના આદેશને માન આપીને મૃદુલાબહેને એક સંસ્થાની રચનાનો મુસદ્દો તૈયાર કર્યો. નામ રાખ્યું જ્યોતિસંઘ. ૧૯૩૪ના એપ્રિલની ૨૪ તારીખે એનો રીતસર પ્રારંભ કર્યો. શરૂઆતમાં અમદાવાદના રિચી રોડ (આજના ગાંધી રોડ) પર દૂધિયા બિલ્ડીંગમાં સંસ્થાની ઑફિસ હતી. પછી રિલીફ રોડ (હાલના ટિળક માર્ગ) પર સંસ્થાનું આગવું મકાન બન્યું. મુખ્યત્વે મૃદુલાબહેનના પ્રયત્નોથી સ્થપાયેલી અને ચાલેલી આ સંસ્થાએ પોણી સદી ઉપરાંત સમયમાં લાખો સ્ત્રીઓને શિક્ષણ, તાલીમ, આશ્રય, માર્ગદર્શન, કાનૂની સહાય, રોજગાર, તબીબી સેવાઓ, વ્યાવસાયિક સહયોગ વગેરે આપીને એક યુગકાર્ય કર્યું છે. પાયામાં છે મૃદુલાબહેન સારાભાઈ. પાછળથી ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિ તરીકે પ્રસિદ્ધ થયેલા સુંદરમ્ કેટલાક સમય જ્યોતિસંઘના કર્મચારી હતા. એ સંઘનું ધ્યેયગીત ‘સંઘ અમારો’ એમણે રચી આપ્યું છે.

જ્યોતિસંઘનું કામ ખૂબ મોટું હતું અને એક આખી જિંદગી એમાં પ્રશંસાપૂર્ણ રીતે વીતાવી શકાય. પરંતુ મૃદુલાબહેનનો જીવ કબૂતર-ચકલીનો નહોતો. એમનો જીવ તો ગરુડનો હતો. જ્યોતિસંઘ કરતાં તો ઘણા વિરાટ ફલક પર કામ કરવાની એમની હોંશ હતી. અને હામ પણ હતી. ક્ષમતા પણ હતી. એમણે હિંદી રાષ્ટ્રીય મહાસભામાં એટલે કે કૉંગ્રેસમાં સક્રિયતા શરૂ કરી. અહીં પણ એમનું મુખ્ય લક્ષ્ય સ્ત્રીઓ હતી. કૉંગ્રેસમાં વધુ ને વધુ સ્ત્રીઓ સક્રિય બને અને લડતોમાં ભાગ લે તેવું કરવા માંડ્યું. સાથે જ મતદારયાદીઓમાં સ્ત્રીઓનાં નામ લખવાની ઝુંબેશ આદરી. ૧૯૩૫ના નવા રાજ્યબંધારણ પછી સ્થાનિકથી માંડીને દરેક સ્તરે ચૂંટણીઓ થવા લાગેલી. કૉંગ્રેસ આ દરેક સ્તરે વધુ ને વધુ સ્ત્રીઓને ઉમેદવાર બનાવે એ માટે મથામણો શરૂ કરી. ૧૯૩૫ના રાજ્યબંધારણ મુજબ જે પ્રાંતિક ધારાસભાઓમાં કૉંગ્રેસને બહુમતી મળી ત્યાં પ્રધાનમંડળોમાં સ્ત્રીઓને પણ સમાવવામાં આવે એવો આગ્રહ રાખ્યો. એમના આ પ્રયાસોનો સ્વીકાર પણ થયો. એમની કદર પણ થઈ. ૧૯૩૭માં રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસમાં એમને મહિલા સમિતિનાં મંત્રી બનાવવામાં આવ્યાં.

મૃદુલાબહેન મૂળભૂત રીતે સેક્યુલર હતાં. એટલે કે એ ધાર્મિક વિખવાદોનાં વિરોધી હતાં. ધર્મને બહાને અલગાવ અને હિંસા પ્રેરનારાં બળોનાં વિરોધી હતાં. પરિણામે જ્યારે જ્યારે કોમી હિંસા ભડકે ત્યારે એ ઠારવા એ સક્રિય બની જતાં. અમદાવાદમાં ૧૯૪૨માં કોમી આગ ભડકી ઊઠી, ત્યારે હિંમતભેર તનાવગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને શાંતિ સ્થાપવા એ મથતાં રહ્યાં. એ જ રીતે ૧૯૪૬, ૧૯૫૮, ૧૯૬૯નાં હુલ્લડો વેળા પણ એ શાંતિ સ્થાપના માટેની અને અસરગ્રસ્તોના રક્ષણ તથા પુન:સ્થાપનની દરેક પ્રક્રિયામાં સામેલ રહ્યાં. વાસ્તવમાં, અમદાવાદમાં અને ગુજરાતમાં કોમવાદથી મુક્ત લોકોમાં મૃદુલાબહેન અગ્રણી હતાં અને એમનો એકાત્મભાવ પૂરેપૂરો સાતત્યપૂર્ણ હતો.

૧૯૪૨ની આઠમી ઑગસ્ટથી ‘અંગ્રેજો, હિંદ છોડી જાવ…(ક્વીટ ઇન્ડિયા)’ની લડત શરૂ થઈ. એણે જોતજોતાંમાં મિની ક્રાંતિનું રૂપ લઈ લીધું. મૃદુલાબહેન આ લડતમાં પણ આગળ જ હોય. પરંતુ અંગ્રેજ સરકારે દેશભરમાં આગેવાનોની ધરપકડોનો દોર ચલાવ્યો એમાં મૃદુલાબહેનને પણ પકડ્યાં. ત્યાં સુધીમાં રાષ્ટ્રીય સુરક્ષા ધારો અમલી બની ચૂક્યો હતો. હજારો નેતાઓને વગર મુકદ્દમે જેલોમાં ગોંધી દેવામાં આવ્યા. તેમ મૃદુલાબહેન પણ ગોંધાયાં. ખૂબ લાંબા સમય સુધી એ જેલમાં રહ્યાં.

૧૯૪૫માં જેલમાંથી બહાર આવ્યા બાદ મૃદુલાબહેનની કસ્તૂરબા ટ્રસ્ટનાં વ્યવસ્થાપક મંત્રી તરીકે અને પછી મુખ્ય ટ્રસ્ટી તરીકે નિયુક્તિ થઈ. પરંતુ આવા શાંતિકાલીન કામમાં પરોવાયેલાં રહેવાનો એમનો સ્વભાવ નહોતો. ૧૯૪૬માં જ આપણા દેશે દીઠેલાં સૌથી ભૂંડાં કોમી રમખાણો જાગ્યાં. કૉંગ્રેસે એ વર્ષે મૃદુલાબહેનને પોતાનાં એક રાષ્ટ્રીય મહામંત્રી તરીકે  નિયુક્ત કર્યાં. એ કૉંગ્રેસ સેવાદળનાં રાષ્ટ્રીય સ્તરનાં સહ-સંચાલક તો હતાં જ પરંતુ એમનું મુખ્ય ધ્યાન અને કાર્ય કોમી આગ ઠારવા પર કેન્દ્રિત થયું હતું.

૧૯૪૬માં સૌથી વિકટ સ્થિતિ બંગાળ અને બિહારમાં થઈ હતી. એટલા વિશાળ પાયા પર હિંસા થઈ હતી કે ગાંધીજીએ બધું છોડીને હિંસા ઠારવા દોડવું પડેલું. એમણે બંગાળના નોઆખલી વગેરે વિસ્તારોમાં પગપાળા શાંતિયાત્રા કરી. તેમાં સાચે જ એમના પગ લોહી ભીના થતા હતા. મૃદુલાબહેન ગાંધીબાપુની આ શાંતિયાત્રામાં જોડાયાં. ત્યાં કેટલાક સમય સુધી એમણે ગાંધીજીના મંત્રી અને પ્રવક્તા તરીકે કામગીરી બજાવી. આ કામ નિમિત્તે તેઓ ગાંધીજીની ખૂબ જ નિકટ પહોંચ્યાં અને કોમી એખલાસ માટેની ગાંધીજીની લાગણીથી પૂરેપૂરાં અભિભૂત બન્યાં. એમને એ વેળા મળેલા સંસ્કાર બાકીની જિંદગી અકબંધ રહ્યા. વાસ્તવમાં જે કેટલાક લોકો ગાંધીજી પર એક કોમની તરફેણ કરવાનો આક્ષેપ કરે છે તેવો મૃદુલાબહેન પર પણ કરે. કારણ કે, મૃદુલાબહેનના વિચારોનું ઘડતર બાપુએ જ કર્યું હતું.

રાષ્ટ્રપિતા સાથેના આ નિકટ સહવાસમાં એમણે બંનેએ મળીને કોમી એખલાસ માટેની એક કાર્યપદ્ધતિ નક્કી કરી. કહેવાય છે કે એ પદ્ધતિએ કાર્ય થયું હોત તો કોમી પ્રશ્ને ઘણો સુધારો થયો હોત, પરંતુ તેઓ વિશેષ કાંઈ કાર્ય કરે તે અગાઉ તો ગાંધીજીની હત્યા થઈ ગઈ અને દરમિયાન જ દેશના ટુકડા થયા.

વર્ષ ૧૯૪૭ આપણા ભૂમિખંડ માટે ખતરનાક નીવડ્યું. ગત બસો વર્ષ દરમિયાન માંડ માંડ જ્યાં એકાત્મતા સધાઈ હતી, તેના ટુકડા થઈ ગયા. હિંદ યાને ભારત નામનો એક મોટો ટુકડો અને પૂર્વ પાકિસ્તાન તથા પશ્ચિમ પાકિસ્તાન નામના બે નાના ટુકડા થયા. એ માટે ધર્મ કારણભૂત બન્યો. અરે, ધર્મ જ કારણભૂત હોત તો ય વાંધો નહિ, કેમ કે ધર્મ તો પ્રેમ અને શાંતિ અને કરુણા અને ભાઈચારો શીખવતા હોય છે. અહીં તો ધર્મનો અંચળો ઓઢી શેતાન ખેલ ખેલવા આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે દસેક લાખ મૉત થયાં. બે-એક કરોડ લોકો જલાવતન થયાં (નિર્વાસિત થયાં) અને અબજોની મિલકતોનું નુકસાન થયું. એ તમામ કરતાં મોટું નુકસાન એ થયું કે અસંખ્ય સ્ત્રીઓની મર્યાદા લોપાઈ. હજારો નહિ, લાખો સ્ત્રીઓને આ તરફના કે તે તરફના શેતાન-ભક્તોએ ભ્રષ્ટ કરી. એમનાં અપહરણ કર્યાં.

આ ઘટનાઓએ મૃદુલાબહેનને સૌથી વધારે અકળાવી મૂક્યાં. કાયમનાં નારી-સેવક મૃદુલાબહેનથી નારીત્વનો આ વ્યાપક મર્યાદાલોપ કેમ સહન થાય ? એમણે અપહરણોનાં શિકાર બનેલાં સ્ત્રી-બાળકોને શોધવાનું, એમને સલામત આશ્રય આપવાનું અને એમનાં પરિવારજનોને શોધી કાઢીને એ સ્વજનો સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યું. પોતાની સાથે બહાદુર સ્ત્રીઓનું દળ ઊભું કર્યું. મહાત્મા ગાંધીજી અને પંડિત નહેરુએ મૃદુલાબહેનના આ કાર્યમાં સંપૂર્ણ ટેકો આપ્યો. એ વેળા દેશના ભાગલા પડી ગયા હતા છતાં પાકિસ્તાન ગણાતા લાહોરમાં એમણે છાવણી નાંખી. સ્ત્રીઓને બંધનમાંથી છોડાવી અને એમનાં સગાંવહાલાં સુધી પહોંચાડી. આ વિરાટ કામગીરીનો ખ્યાલ મેળવવો હોય તો એ સમયનાં એક મહિલા કાર્યકર કમળાબહેન પટેલે લખેલું પુસ્તક ‘મૂળ સોતાં ઊખડેલાં’ વાંચવું રહ્યું. એ પુસ્તકમાંથી જ મૃદુલાબહેનના શૌર્યનો પણ ખ્યાલ આવશે. એ દિવસોમાં ગાંધીજીએ કહ્યું હતું કે મૃદુલા જેવી હિંમત મેં બીજી કોઈ સ્ત્રીમાં જોઈ નથી.

મૃદુલાબહેન આ કામમાં પરોવાયેલાં હતાં એ દરમિયાન ગાંધીજીએ સોંપેલું કોમી બિરાદરીનું કામ જરાય ભૂલ્યાં નહોતાં. દેશના ભાગલા સમયની કેટલીક કામગીરીઓને કેટલાક લોકો કોમી રંગ આપે છે. મૃદુલાબહેનને મન જે કાંઈ દુષ્કૃત્યો થતાં હતાં તે માનવીમાં રહેલી નૈતિક નિર્બળતાને કારણે થતાં હતાં. તેઓ તો આ કે તે કોમ અથવા ધર્મ જોયા વગર સ્ત્રી-બાળકોને ઉદ્ધારવાનો ઉદ્દેશ લઈને કામ કરતાં હતાં. દિલ્હીમાં વડું મથક રાખીને કોમી એકતાને પોષક અનેક કાર્યક્રમો એ આપતાં રહ્યાં.

આ દરમિયાન વળી એમનું જીવન એક જુદા જ ઝંઝાવાતમાં અટવાયું. કૉંગ્રેસનું કામ કરતાં કરતાં તેઓ કાશ્મીરના શેર ગણાયેલ શેખ અબ્દુલ્લાના સંપર્કમાં આવ્યાં હતાં. કાશ્મીર દેશનાં સાડા પાંચસો જેટલાં દેશી રાજ્યોમાંનું એક રાજ્ય હતું. એના રાજા હરિસિંહ પોતાના રાજ્યને હિંદ કે પાકિસ્તાન બેમાંથી એકેયની સાથે ભેળવવા માગતા નહોતા. એ પોતે અલગ રીતે પોતાની રાજાશાહી ચાલુ રાખવા માંગતા હતા. એ બાબતમાં એમને પોતાના સૌથી શક્તિશાળી પ્રજાકીય નેતા શેખ અબ્દુલ્લાનો સાથ હતો. ભારતના આગેવાનોએ તેમને ઘણું સમજાવ્યા કે ભારતમાં ભળી જાવ. પણ એ ન માન્યા. દરમિયાન એમના રાજ્ય પર પશ્ચિમ તરફથી આક્રમણ શરૂ થયાં. કાશ્મીરની બહુમતી વસ્તી મુસ્લિમ હતી. માટે તે પાકિસ્તાનમાં ભળવું જોઈએ, એવો પ્રચાર ચાલ્યો. પશ્ચિમ સરહદે રહેતા આદિવાસીઓને ઉશ્કેરવામાં આવ્યા. પડોશી દેશે એમને હથિયાર આપ્યાં અને પોતાનાં લશ્કરી દળોને પણ ટેકામાં મોકલ્યાં.

રાજા હરિસિંહ ગભરાયા. એમને થયું કે રાજ્ય પાકિસ્તાનમાં જાય એના કરતાં એ ભારત સાથે જોડાય તે વધુ હિતકર છે. એમણે જોડાણ સંધિ પર સહી કરી. આ પછી પણ શેખ અબ્દુલ્લા અને કેટલાક અન્ય નેતાઓનો સ્વતંત્રતા માટેનો આગ્રહ ચાલુ રહ્યો. એમના આ આગ્રહને દેશ-વિરોધી ગણવામાં આવ્યો. જેમને કૉંગ્રેસ શેર-એ-કાશ્મીર તરીકે બિરદાવતી અને જેમને કાશ્મીરી જનતાના બહુમાન્ય નેતા ગણવામાં આવતા અને જે આઝાદી પછીના કાશ્મીરના સદર-એ-રિયાસત એટલે રાજ્યના વડા બન્યા હતા તે શેખ અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી અને એ કેદમાં પુરાયા.

શેખ અબ્દુલ્લાનાં મિત્ર અને પ્રશંસક મૃદુલાબહેન આ બાબતે અકળાઈ ઊઠ્યાં. એમણે શેખ અબ્દુલ્લાની ધરપકડનો વિરોધ કર્યો. કાશ્મીરની જનતાને પોતાનું ભાવિ ઘડવાનો અધિકાર મળવો જોઈએ એવો અભિગમ લીધો, જે કેન્દ્ર સરકાર તથા કૉંગ્રેસ પક્ષના અભિગમથી અલગ હતો. શેખ અબ્દુલ્લાની અને કાશ્મીરી જનતાના સ્વાધિકારની તરફેણ કરવા બદલ મૃદુલાબહેનની પણ ધરપકડ કરવામાં આવી. એમણે પ્રજાકીય ચળવળને ટેકો આપ્યો એ બદલ કેદ થયાં એ જોઈને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નામની વિખ્યાત અને પ્રતિષ્ઠિત સંસ્થાએ ૧૯૫૭માં એમને પ્રિઝનર ઓફ ધી યર (વર્ષનાં સૌથી મહત્ત્વનાં કેદી) ગણાવ્યાં હતાં. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ માનવ-અધિકારોના રક્ષણનો અનુરોધ કરતી અને એ અધિકારનો ભંગ કરનારને ઉઘાડા પાડતી સંસ્થા છે.

શેખ અબ્દુલ્લાની તરફેણ કરવા બદલ ૧૯૫૮માં મૃદુલાબહેનને કૉંગ્રેસ પક્ષ છોડવો પડ્યો. પરંતુ એથી એ ડગ્યાં નહિ. આપણે એમની સાથે સંમત થઈએ કે ન થઈએ એ જુદી વાત છે, પરંતુ તેઓ જેને માનવ-અધિકારનો મુદ્દો માનતાં હતાં તે, કાશ્મીરી જનતાને પોતાના ભાવિનો ફેંસલો કરવાનો હતો. મુદ્દો એમને મન અત્યંત સાચો હતો. કાશ્મીરી પ્રજાને અમુક પ્રમાણમાં સ્વતંત્રતા હોવી જોઈએ, એવો એમનો આગ્રહ હતો. કદાચ એમના જ પ્રયત્નોથી શેખ અબ્દુલ્લા જેલમાંથી છૂટ્યા. એ પછી પણ વર્ષો સુધી એ કાશ્મીરના ખાસ દરજ્જા વગેરે માટે ઝઝૂમી રહ્યાં. ૧૯૭૪માં ભારત સરકારે વળી પાછી શેખ સાથે વાટાઘાટો કરવા માંડી હતી. મૃદુલાબહેનને આ હકીકતમાં ઘણી શક્યતાઓ દેખાતી હતી. પરંતુ આ વાટાઘાટો કશાં પરિણામ દાખવે તે અગાઉ તો ૧૯૭૪ની સત્તાવીસમી ઑક્ટોબરે મૃદુલાબહેનનું અવસાન થઈ ગયું. એ વેળા એમની ઉંમર માત્ર ૬૩ વર્ષની હતી.

એમનું અવસાન દિલ્હી ખાતે થયું હતું. અંતિમ શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપરાષ્ટ્રપતિ બી.ડી. જત્તી, વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, શેખ અબ્દુલ્લા, પેટ્રોલિયમ પ્રધાન કેશવદેવ માલવીય હાજર રહ્યાં હતાં. ૮૦ વર્ષની વયનાં એમનાં માતુશ્રી સરલાદેવી સારાભાઈ પણ વહાલી દીકરીની અંતિમ પળોમાં સાથે હતાં. ઇન્દિરાજીએ તેમને અંજલિ અર્પતાં કહ્યું હતું કે તેઓ અનોખી હિંમત ધરાવતાં મહિલા હતાં એટલું જ નહીં, લઘુમતી કોમનાં અને સમાજના નિર્બળ વર્ગનાં અનન્ય હિતચિંતક પણ હતાં.

મૃદુલાબહેને જીવનભર અનેક આંદોલનોમાં ભાગ લીધો, અનેકવિધ સંસ્થામાં સક્રિય રહ્યાં. લઘુમતી અને સમાજનાં દુર્બળો માટે એ ખડેપગે રહ્યાં. અલબત્ત, ગુજરાતમાં એમની કારકિર્દીનું સૌથી મોટું સ્મારક છે જ્યોતિસંઘ. સદીઓથી દબાયેલી નારી જાગ્રત થાય, સ્વમાની થાય, સ્વાવલંબી અને આત્મવિશ્વાસયુક્ત બને, એવા હેતુથી મૃદુલાબહેને આ સંસ્થાનની રચના કરી. શરૂઆતમાં થોડાંક બહેનો એમની સાથે હતાં. પછી સાથીઓ મળતાં ગયાં. સંસ્થા વધીને એક વટવૃક્ષ સમી બની. એણે અનેક દિશામાં કામગીરી શરૂ કરી. અગાઉ લખ્યું છે તેમ, હજારો-હજારો સ્ત્રીઓના જીવનમાં સ્વાશ્રય અને ગૌરવની જ્યોત જલાવી. એ બધાનો મુખ્ય યશ મૃદુલાબહેનને ઘટે છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 નવેમ્બર 2024; પૃ. 04 – 07

Loading

6 December 2024 યશવન્ત મહેતા
← सम्बल मस्जिद, अजमेर दरगाह – आखिर हम कितने पीछे जाएंगे
ચલ મન મુંબઈ નગરી—266 →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન
  •  भाई – मेरे आदर्श और मार्गदर्शक 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved