બ્રિટનમાં ગુજરાતી સમાજની દશા અને દિશા
ગુજરાતી સાહિત્ય સર્જન, પ્રકાશન અને અનુવાદ
ગુજરાતી સાહિત્ય અકાદમીની, પોપટલાલ જરીવાળા નગર, ક્રૉયડન ખાતે બેઠેલી અાઠમી ભાષા-સાહિત્ય પરિષદનાં અધ્યક્ષ નિરંજનાબહેન દેસાઈ, અા બેઠકના સભાપતિ અનિલભાઈ વ્યાસ, અકાદમીપ્રમુખ ભદ્રાબહેન વડગામા અને બધું મળીને આ ખંડમાં અબીહાલ જે ૪૭ જેટલાં સાવજ બેઠાં છે, તે સઉ.
અાવી વાત એટલા માટે હું શરૂઅાતમાં કરું છું, કેમ કે, આપણી કને, ૪૭ જેટલાં લોકો, અહીં, હાલ, હાજર છે. અાપણાંમાંથી અનેકોને સાંભરતું હશે : જાન્યુઅારીના પહેલા અઠવાડિયામાં, અમદાવાદના ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સંકુલમાં ને સાબરમતી નદીને કાંઠે, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના મકાનમાં, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના નેજા હેઠળ, બે દિવસનો પરિસંવાદ યોજાયા બાદની ઘટના છે. ‘સાહિત્યમાં વિવિધ સમાજોનું નિરૂપણ’ વિષય પર ૨૭ તથા ૨૮ જાન્યુઅારી ૨૦૦૯ના બંને દિવસોએ, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વડપણ હેઠળ, એક પરિસંવાદનું અાયોજન થયું હતું. સમાજમાં જુદા જુદા જે જૂથો છે એમના વિચારો, વલણો, અભિવ્યક્તિઅો, એમનાં સાહિત્ય, ઇત્યાદિ વિષે વિચારણા કરવા અા પંડિતો ત્યારે ભેગા મળ્યાં હતાં. અધ્યક્ષસ્થાને, અલબત્ત, પરિષદપ્રમુખ નારાયણભાઈ દેસાઈ જ હતા. પરિષદના કાર્યવાહક મંત્રી મનસુખભાઈ સલ્લાએ, પહેલે દિવસે, બેઠકના અારંભમાં જ, મારી અાંખ ઉઘાડનારો, પરંતુ ચોંકવનારો એક મુદ્દો ખુલાસારૂપે અાપ્યો. પરિષદ પ્રમુખને ઉદ્દેશીને એ કહેતા હતા, નારાયણભાઈ, આ બેઠક અમે બરાબર ગોઠવી નહોતા શકતા કારણ કે હાજરીનો સવાલ છે અને તે હાજરી મેળવવાની ક્યાંથી, તો અમદાવાદની ગુજરાતી વિભાગની અથવા વિભાગ ચલાવતી જે તે કૉલેજો, એનાં અધ્યાપકો, એનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવે, અહીં આવી શકે એવી જોગવાઈ કરવાની વાત મૂળમાં છે. માનશો? એ ખંડમાં બધું મળીને 57 લોકો હાજર હતાં ! એમાં અધ્યાપકો, શિક્ષકો, વક્તાઓને બાદ કરીએ તો મારા જેવા સાંભળનારની સંખ્યા, ભલા, કેટલી હશે ? ઉત્તર ખોળવાનું તમારા પર છોડું છું.
અને અહીં જોઉં છું તો હું, બાવો ને મંગળદાસ જેવાં અા ૪૭ સાવજ બેઠાં છે; અને એ પણ લંડનની અંદર. એટલે આપણે અાપણને લગીર ઉતારી ન જ પાડીએ.
અને માટે જે વાત આજે કરવાની છે એ કે મિત્ર વલ્લભભાઈ નાંઢાની અવેજીમાં કરવાની છે. બીજું, ક્ષમા કરજો કેમ કે પરિસ્થિતિવસાત બેસીને વાત કરું છું. મારે સંદર્ભો ય ટાંકવાના છે. તેની વાત પણ મારે કરવાની છે. વળી, જોડાજોડ ચોખવટ પણ કરી લઉં છું : હું અહીં જે અત્યારે બોલીશ તે માત્ર અંગત અંગત, વ્યક્તિગત, વિપુલ કલ્યાણી તરીકે જ મંતવ્ય આપીશ. હું જે કંઈ અહીંયા રજૂ કરીશ કે જે કંઈ કહીશ તે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી તરીકેની કોઈ જવાબદારી રૂપે ય નહીં હોય. તે ઉપરાંત “ઓપિનિયન”ના તંત્રી તરીકેની જવાબદારીમાંથી પણ બોલતી વેળા ફારેગ બનું છું. તે બન્ને જવાબદારીઓથી પર જઈને મારે જે કંઈ કહેવું છે તે હું કહીશ. એટલે કોઈએ પણ બંધ બેસતી એવી પાઘડી કે ટોપી પહેરવી હોય એને હું છૂટ આપીશ. સ્વસ્થપણે મારે કહેવું છે એ કહીશ. અા કહેવાનું તાત્પર્ય એટલા માટે કે સને ૧૯૮૮માં વેમ્બલીની પ્રેસ્ટન મેનર હાઈસ્કૂલમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીનગર ભાષા-સાહિત્ય પરિષદમાં એક વ્યક્તિ તરીકે વક્તવ્ય અાપતો હતો. તે વખતના ઉપપ્રમુખ મારાથી બહુ જ નારાજ થયેલા. મારા વક્તવ્યની, મંચ ઉપર આવીને તેમણે ઝાટકણી કાઢી અને તત્કાલીન અકાદમી-પ્રમુખને કહ્યું કે મહામંત્રી તરીકે મને અામ બોલવાનો કોઈ અધિકાર નથી.
અાથીસ્તો, અા મારો અંગત અભિપ્રાય છે, એમ હું ફરીવાર કહીશ. મારે એવી જે કંઈ વાત કરવી છે તે એક અનુભવની વાત કરવી છે અને એ અનુભવને ઓછામાં ઓછો ૫૭ વર્ષનો ઈતિહાસ છે. અા વાત મારે એટલા માટે કરવી છે કેમ કે હું કવિ નથી, તેમ હું સાહિત્યકાર તો છું જ નહીં. હું જે કંઈ હોઉં તે એક પત્રકાર છું. અને સંપૂર્ણપણે હું જે કંઈ છું તે જીવનભર કર્મશીલ રહ્યો છું. એને કારણે જે કંઈ મારા અનુભવો છે. જે કંઈ મેં જોયું જાણ્યું છે એ આધારે તમારી સમક્ષ વાત કરવી છે. ટાંગાનિકામાં એ દિવસોમાં એના ઉત્તર પ્રાન્તમાં, નોર્ધન પ્રોવિન્સમાં, તેના મુખ્ય શહેર અરૂશામાં હતો. તે મારું ગામ. એ ગામની નિશાળમાં હું ભણું. અમારા આચાર્ય હતા રણજિતભાઈ આર. દેસાઈ. એક અદ્દભુત શિક્ષક. બહુ જ મજાના શિક્ષક. એમણે ગુજરાતીનું જે પાણી મને પાયું તેની હું તમને વાત કરવા ઈચ્છું છું. ત્યારે દસમાં ધોરણમાં હું ભણતો. એવો અનુભવ ભદ્રાબહેનને ય છે. દસમા ધોરણમાં હું ભણતો અને મને નવમા ધોરણમાં ગુજરાતીનો વર્ગ લેવા અમારા અાચાર્ય મોકલતા ! એ અરૂશાની ગુજરાતીની શાળા – ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાં – અમે ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ પણ ચલાવ્યું એટલે મારો અનુભવ ત્યાંથી શરૂ થયો છે. અને એને કેટલાં બધાં વર્ષો થયાં ! સાહિત્યની સાથેસાથે ભાષાના પિંડ સાથે ય અામ અારંભથી એક લગાવ રહ્યો છે એટલે, થોડીક પેટ છૂટી વાત અહીં કરું છું.
કોઈ પણ મુલકમાં, કોઈ પણ સર્જક, સ્વાભાવિક લખે છે તો ઘણું, પરંતુ બહુધા તે સ્વાનંદે લખે છે. પરંતુ મુશ્કેલી તે પછી શરૂ થાય છે. તે લખે તો છે. પરંતુ તે લખાણને 'share' કરવાની તે ઈચ્છા સેવે છે. બીજાની સાથે આદાન પ્રદાન તેને કરવું છે. અને તે સર્જન કાજે જેને તેને કોઈ િનમંત્રણ તો મળ્યું હોતું નથી. અાથી અા અને અાવા દરેક કવિલેખકની જો કોઈ કદરનોંધ થતી ન હોય, તો તેમાં કોઈનો વાંકગુનો જોવો ય ઠીક નથી. હોઈ શકે છે કે સર્જનનું સ્તર જોવાતું હોય. અને પછી, એ બળાપો પણ કાઢી લે છે કે મારી કોઈ નોંધ લેતું નથી. ઉમાશંકર જોશીના શબ્દો ટાંકીને કહેવાનું મન થાય છે, ભાઈ, કોઈએ કંકુ ચોખા કર્યા નહોતાં. કોઈએ ક્યાં ય ચોખાનું આંધણ મૂકીને અાપણને નોતર્યા નહોતા, કે ભાઈ તમે કવિતા લખો, વાર્તા લખો, નિબંધ લખો …. દરેક નિજાનંદે લખે છે. હું જો કોઈ સામે આંગળી તાકું છું, તો તેની સામે તો એક જ અાંગળી તકાય છે, ત્રણ તો મારી સામે, ખુદની સામે તકાતી રહે છે. તેમ હું કોઈની આલોચના કરું ત્યાર તેની સામે તો એક છે, ત્રણ મારી સામે છે, તેનું શું? ….. હા, ક્યારેક વળી ઉદાસીનતા અને ઉપેક્ષા પણ જોવા મળતી હોય છે. અાવું હોય તો તેને સારુ એક માત્ર વિધેયક માર્ગ લેવો જોઈએ. નરી ટીકાટિપ્પણનો માર્ગ લેવો બરાબર નથી. બલકે ન્યાય મેળવવાને સારુ સતત રજૂઅાતો કરવી જોઈએ. અાથી, ડાયસ્પોરાના કવિ-લેખકગણને વિનંતી છે કે આપણે Negativityમાંથી, નકારાત્મકતામાંથી બહાર નીકળીને સૌને સાંકળવા માટેનો પ્રયાસ કરીએ. એ માટેના નુસખાઓ શોધી કાઢીએ. તેની તપાસ કરીએ. વારુ, અા વિષય અંગે લાંબા અરસાથી, સરેરાશ ૧૯૮૮થી, સતત બોલતો અને લખતો રહ્યો છું. અા વિશે અામ માહિતીવિગતો છે અને તેને ય ધ્યાનમાં લેવા ધારી છે. એ મિષે એક દાખલો આપું. કવિ-લેખક છું નહીં, અને છતાં, ૧૯૮૦-૮૧થી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, અમદાવાદ સાથેનો ઘનિષ્ઠ નાતો થયો છે, અકાદમીના મહામંત્રીપદને જવાબદારીપૂર્વક જાળવવાનું જ અા કામ છે, તેમ સમજું છું. તેને સતત સંવર્ધિત કરતો અાવ્યો છું. કવિ લેખક તરીકેની વાત છોડી દઈએ. અમદાવાદના સાહિત્યકારો, કર્મશીલો, પત્રકારો, અન્ય મિત્રો સાથેના ય આજે મીઠા સંબંધો છે. અા સંબંધો બંધાતા જો કે વાર લાગે છે. સંબંધો કેળવવામાં અને એવા સંબંધો, દેશ પરદેશમાંનાં કવિ લેખકો સાથે, જાળવવાનું ખાસ અગત્યનું બને છે.
ડાયસ્પોરાના અાપણા કવિલેખકોને પૂછવું છે : આપણે દેશ પરદેશ જઈએ છીએ, ત્યારે આપણે આવી પરિષદોમાં જઈએ છીએ ખરા કે ? અાપણી િબરાદરી સંગાથે સંબંધો કેળવીએ છીએ કે ? પ્રકાશકોને મળીએ છીએ, એકાદ પ્રકાશક નહીં, અનેક સાથે આપણે પરિચય કેળવીએ છીએ ખરા ? સેતુ રામેશ્વરની યાત્રાએ જઈએ છીએ, કાશી વિશ્વનાથ જવું છે. સોમનાથ, દ્વારકા, ય જઈએ છીએ. ડાકોર જઈ રણછોડરાયની જય બોલાવીએ છીએ. પોતાના સ્વાર્થની વસ્તુ છે, પોતાના નિજી સ્વાર્થની જ અા વાત બને છે, તો આપણે કેમ સજાગ ન રહીએ ? પરિણામે, અા કામ પહેલું કામ કરવાનું છે, જો આપણે ત્યાં જતા હોઈએ ત્યારે સંબંધો બાંધવાનું, પરિચયો કેળવવાનું કામ પહેલવહેલું જ કરવાનું હોય. કેમ કે તેને વખત લાગે છે. અાંબો વવાયા પછી, કેરીને બેસતાં, ભાઈ મારા, વાર લાગે છે.
આજના એટલે કે ત્રીજી મે ૨૦૦૯ના મુંબઈથી નીકળતાં “સન્નડે એક્સપ્રેસ” સાપ્તાહિકમાં આપણા મિત્ર મેઘનાથ દેસાઈનો એક લેખ છે. એનો હવાલો મારે અાપવો છે. એ લેખમાં મેઘનાદ દેસાઈ એમ કહે છે કે બધાએ બહુ જ ઝડપી પ્રગતિ કરવી છે, પરંતુ એ પરિણામને વખત લાગે છે. ૩૮ વર્ષ પહેલાં એ લેબર પાર્ટીમાં જોડાયા થયા. કર્મશીલ થયા અને ધીમે ધીમે આગળ વધ્યા. અાજને પદે પહોંચ્યા. વખત લાગે છે. રાતોરાત કશું જ થતું નથી. લેખકોનું, આપણી વાર્તાઓનું, આપણી કવિતાઓનું, આપણા નિબંધોનું પણ એવું જ છે. અને બીજા એક અનુભવને અાધારે કહેવું છે. જરૂરિયાત અનુસાર, બીજી ટોપી પહેરવાની છે, જેની સાથે હું સંકળાયેલો છું, તે “ઓપિનિયન”ની પણ વાત કરું. ૧૫ વર્ષ થયાં છે. વાચકો આજે પણ તૂટે છે, મળતા નથી. કારણ કે આપણા લેખકો અને કવિઓ ય ધીમે ધીમે હવે ખોવાઈ પણ રહ્યાં છે. ૧૯૭૯માં આપણે સૌથી પહેલી પરિષદ કરી. વેમ્બલીના ઈલિંગ રોડ ઉપર. અત્યારે જે લેબર પાર્ટીનો હોલ છે, તે લોરિ પોવેટ હૉલમાં. તેને ૩૦ વર્ષ થયાં. અાજે હવે અા આઠમી પરિષદ થઈ છે. એ વખતે કેટલા મોટા ગજાનાં કવિઓ-લેખકો અાપણી વચ્ચે હતાં. ક્યાંક શાંતિથી વિચારવાની જરૂર છે. આપણા એ કવિ-લેખક ગયાં. નિબંધકાર ગયા, ઈતિહાસકાર ગયા, કોને કોને એમ યાદ કરશું ? અને એ બધાંની જ વાત કરીએ. અા પરિણામે બધાને સમજાવું જોઈએ કે આપણે કોઈ એ જગ્યા ભરી શક્યા જ નથી. અાપણી અા કવિ-લેખકોની જમાત એક કે બીજી રીતે તૂટી રહી છે, ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ લેનારો જે વર્ગ હતો, એ પોતાની યુવાનીમાં, પોતે જાતે ગાડી ચલાવીને, આસાનીથી, અાવી સભાબેઠકોમાં આવી શકતો હતો. આપણે એ પછીની પેઢીને તૈયાર કરી શક્યા જ નથી અને સાથે સાથે એ સમજીએ અને સ્વીકારીએ કે, એ વખતે, ૩૦ વર્ષ પહેલાં આપણી ઝુંબેશમાં આવી શકતો વર્ગ અાજે તેમ કરી શકતો નથી. અાવનજાવન માટે આજે કોઈ પર તેને આધાર રાખવો પડે છે. તેમને લઈ જાય, મૂકી જાય, તે માટે. અને એ નવોદિત વર્ગને અાપણી આવી પ્રવૃત્તિઓમાં કેટલો રસ? અાપણે અાવો રસ તે પેઢીમાં જન્માવી શક્યા જ નથી. અાથી, આપણે આપણી કેટલીક મર્યાદાઓ જોવાતપાસવાની છે. બીજી જે વસ્તુ એ થઈ છે કે કેટલાક, વળી, કોઈ પણ કારણે, નોખા ચોકાઓ થયા છે. એને કારણે ક્યાંક અહીં-તહીં ટકરાતા પણ રહ્યા છીએ. આ બધા વ્યવહારુ સવાલોની સામે આપણે આપણી આ ઝુંબેશને જોવી પડશે.
મિત્રો, મારી સામે જે વિષય મુકાયો છે તે ‘બ્રિટનમાં ગુજરાતી સમાજની દશા અને દિશાનો’. તેની તો વાત કરું જ છું, પરંતુ, આપણે મૂળ તો એ જ જોવાનું છે. એમાં સર્જન, સાહિત્ય, પ્રકાશન અને અનુવાદના મુદ્દાઓ જોવાના રહે છે. અને એ આપણે જોઈએ; પરંતુ, ૧૯૮૮થી અા બાબત સતત હું કેવળ બોલતો જ રહ્યો છું. આ વિષયે લખતો ય રહ્યો છું, તો હું નવું શું કહેવાનો છું ? માટે મારે તો વળી શું નવું રજૂ કરવાનું છે ? વળી, ઘનશ્યામભાઈ પટેલ સરીખા વિવેચક પૂછી ય પાડે કે, ભાઈ, પુનરાવર્તન સિવાય બીજી નવી શી સામગ્રી તમે અાલવાના હતા ? તો પાછી મારે જ ઉપાધિ ! અાથીસ્તો, જે કંઈ કહેવાનું છે તે ફેર કહેવાનું થાય અને કોઈએ અાપેલા મુદ્દાઅો પેશ કરવાના થાય. “અસ્મિતા”ના અંકોમાં, “અોપિનિયન”ના અંકોમાં, તેમ જ અન્યત્ર અા વિશેનાં વિવિધ લખાણો જોવાવાંચવા અનુભવવા મળતાં રહ્યાં છે. “અસ્મિતા”ની વાત, ચાલો, પહેલી જોઇએ. તેના પહેલા જ અંકમાં, વિનય કવિ, હર્ષદ વિ. વ્યાસ, બળવંત નાયક, ભાનુશંકર અોધવજી વ્યાસ તેમ જ રમણભાઈ એચ. પટેલના લેખોથી કેવી સરસ માંડણી બંધાઈ છે. અને પછીના સાતેસાત અંકોમાં, યોગેશ પટેલ, રોહિત બારોટ, િમરઝા મહમ્મદ બેગ, ભદ્રા પટેલ, પોપટલાલ શિ. જરીવાળા, બળવંત નાયક, દીપક બારડોલીકર, જગદીશ દવે, પ્રીતિ સેનગુપ્તા, અદમ ટંકારવી, વલ્લભ નાંઢા, વગેરે વગેરેના વિધવિધ લેખો નિરાંતવા-વાંચવા તપાસવા સમ છે જ છે. તદુપરાંત, અાજ લગી, બહાર પડેલા “અોપિનિયન”ના દરેક અંક પણ અા માટેની લા-જવાબ તથા અદ્વિતીય સામગ્રી છે. એમણે જે મહેનત કરી છે એ મહેનતની સરખામણીમાં હું તો તમને નવું શું કહેવાનો છું ?
વળી આ ઉપરાંત હજુ હમણાં, ગત જાન્યુઅારીના અારંભે, અમદાવાદ ખાતે, યોજાયેલા બંને પરિસંવાદોમાં પણ અા અંગે ભદ્રાબહેન વડગામા, અનિલભાઈ વ્યાસ, રમેશભાઈ દવે, મધુસૂદન કાપડિયા, પ્રકાશભાઈ ન. શાહ, મંગુભાઈ પટેલ, ઈલાબહેન પાઠક, શિરીનબહેન મહેતા, મકરન્દભાઈ મહેતા તેમ જ દાઉદભાઈ ઘાંચીએ પોતપોતાના વિવિધ વિચારો પેશ કરેલા જ છે. એથી મોરનાં ઈંડાંને ચીતરવાની કોઈ જરૂર નથી. ચાલો, એ બધું જ કોરાણે મૂકી દઉં છું અને આપણે આપણી ડેલીમાં જ અહીં બેઠાં હોઈએ તેમ, આપણે સૌને કહીએ કે અાવો, અહીં 'ઢોલિયા' પાથર્યા છે. તમે અને હું અડખેપડખે બેઠા છીએ. હમણાં કાવા કસુંબા થશે અને કાવાપાણી કરતાં કરતાં આપણે જાણે કે પેટ છૂટી વાતો કરીએ – આ પ્રશ્નની મૂળ વાત રજૂ કરવી છે એટલે ભાષણને અને બાજોઠને જ બાજુમાં મૂકી દઈએ.
અા વિષય હેઠળ, અાપણે હવે ત્રણ મુદ્દાઅોની ચર્ચા કરવાની છે : સાહિત્યસર્જન, પ્રકાશન અને અનુવાદ.
પ્રથમપહેલાં, સાહિત્યની વાત લઈએ. ૧૨ ફેબ્રુઆરી ૧૯૭૭ના દિવસે ‘ગુજરાતી સાહિત્ય મંડળ’માંથી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની રચના થઈ. આપણે અહીં જો એકડો મૂકતા હોઈએ તો જરૂર મૂકીએ. અા આપણા ઇતિહાસની અત્યંત અગત્યની તારીખ છે. ત્યારથી ગણતરી કરીએ તો આજ સુધી આપણે કેટલા બધા સાથીદારો ગુમાવ્યા છે; અને આ બાર મહિનાનો જ ગાળો લઈએ, તો મહેશચંદ્ર કંસારાથી માંડીને, પોપટલાલ જરીવાળાથી માંડીને, ડાહ્યાભાઈ પટેલથી માંડીને, પોપટલાલ પંચાલ અને વિનય કવિ સુધી અગત્યના મોટા મોટા સ્થંભ આપણી વચ્ચેથી વિદાય થયા છે. ખરું ને ?
તેની જગ્યા પૂરવાને આપણે નવા, બરોબરિયા, કવિ કે લેખક, મોટા ભાગે, તૈયાર કરી શક્યા નથી. ઉમાશંકર જોષી કહે છે તેમ 'કલમ' ઘડવાનું અા કામ છે. અને ના નહીં જ, આપણી વચ્ચે, છતાં, એક જબ્બર કામ થયું છે. છછ વરસથી એક રીડર્સ ગ્રુપ – વાચક જૂથ – ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’, બ્રેન્ટ લાઇબ્રેરી સેવાઅોના સાથસહકારમાં, ચલાવી રહ્યું છે. પોપટલાલ પંચાલ, વલ્લભ નાંઢા, અનિલ વ્યાસની રાહબારીમાં, અાપણને કેટલાક નવા લેખકો, વાર્તાકારો એમાંથી જરૂર મળ્યા છે. અહીં વ્યાપીઠે, અનિલ વ્યાસની બાજુમાં નીરુબહેન દેસાઈ બેઠાં છે. ‘હેરૉ વિમેન્સ એસોસિયેન્સ’ના નેજા હેઠળ, એમણે એક જુદો જ પ્રયોગ કર્યો અને કેટલીક નવી કવિતાઓ અને વિચાર-સ્પંદનોની બે ચોપડીઅો એ સંસ્થા હેઠળ બહાર પડી છે. અા પણ આપણો એક પ્રયોગ છે. એવું જ ઉત્તર ઈંગ્લેન્ડમાં, બર્મિગમમાં, બ્લેકબર્ન, પ્રેસ્ટન વિસ્તારોમાં પણ બન્યું છે. ઉત્તરમાં, વળી, મિત્રોએ ૧૯૭૨-૭૩થી ચાલતી સાહિત્યની પ્રવૃત્તિઓમાં કલમ ઘડવાનું સોજ્જું કામ કર્યું છે. કેટલાક કવિઓ મળ્યા છે. પણ જેની જગ્યા આપણે પૂરવાની છે, એ જવાબદારી અાપણે પૂરી રીતે િનભાવી શક્યા નથી. સમજાય છે, અા સહેલું સરળ કામ નથી જ નથી. હકીકતે, આ બધાની, સૌની વાત છે; માટે પૂછવું છે, આ કવિ-લેખકોએ જે કંઈ લખાણ આપણને આપ્યું છે, એમણે જે કંઈ ગુજરાતી સાહિત્ય-સર્જન કર્યું છે, તે ખરેખાત, ગુજરાતી ડાયસ્પૉરિક સાહિત્ય સર્જન છે કે ? આ સવાલ મારે મન અગત્યનો છે.
ડાયસ્પોરિક સાહિત્ય સર્જન નામે જે લેખનકામ થઈ રહ્યું છે તે કદાચ ચીલાચાલુ – બીબાંઢાળ અને જરીપુરાણી ફોર્મ્યુલામાં થઈ રહ્યું છે. ક્યાંક પતિ પત્ની, ક્યાંક કુટુંબ, ક્યાંક, જરાક, સમાજના પ્રશ્નો વણાયા છે. તેમ છતાં માહોલ તો ગુજરાતનો છે. અરે ભઈલા, ગુજરાતને છોડીને આપણે નીકળ્યા એને તો ૫૦-૬૦ વરસનો ગાળો થઈ ગયો. કોઈક દાખલામાં તો પેઢી બે પેઢી અને ક્યાંક ત્રણત્રણ પેઢીનું અંતર પડયું છે. ઝાંઝીબારના, ટાંગાનિકાના, મલાવીના, દક્ષિણ આફ્રિકાના, વિલાયતના એમ િવવિધ અનુભવો; આપણા વિધવિધ પ્રશ્નો; આપણી અા કે તે વાતો; અડતોનડતો રંગભેદ; માનસિક તાણ; રોજગારીમાં ભેદભરમ; પ્રવાસ; અાફ્રિકા જેવા દેશપરદેશના મુલકોમાંથી મૂળ સોતાં ઊખડીને અન્યત્ર ખોડાવું; ધર્મ અને સંસ્કૃિત સામેના પડકારો; જ્ઞાતિ બહારના જ હવે નહીં, ધર્મ તેમ જ જાતિ બહારના લગ્નવ્યવહારો; સ્ત્રીસશક્તિકરણની ડાહી ડાહી વાતો; વડીલ વર્ગ અને તેમના સવાલો; નિજી સ્વતંત્રતા; પશ્ચિમિયા નીતિપ્રવાહો; અલાયદી જીવન પદ્ધતિ; યુરોપીય નીતિરીતિ; વગેરે વગેરે − આ બધી વાતો આપણાં સાહિત્યમાં લાવીએ છીએ ખરાં ? નથી લાવી શકાઈ, તો વિચારીએ, કે તે કેમ નથી અાવી શકી; તો તેની ય વેળાસર માંડણી કરીએ.
કવયિત્રી નિરંજના દેસાઈએ, અહીંના વૃક્ષ-પાન-પશુ-પંખીનાં કેટલાંક નામોને કવિતામાં અામેજ લીધાં છે. ઘણાં તેમ કરી શક્યાં જ નથી. આપણે જાણીએ છીએ, વાતો કરીએ છીએ. અને છતાં, હજુ અહીંયા બેઠા બેઠા ઉદાહરણરૂપે રાજકોટની, જામનગરની, અમદાવાદની, કલોલની વાત લખાણમાં જાણે કે કરતા રહીએ છીએ ! અરે, ગુજરાતને છોડીએ. ગુજરાતવાળા સહજ સ્વાભાવિક તે વિશે લખશે. તે કામ તેમને સારુ રહેવા દઈએ. એ ભૂલ મુંબઈએ કરી છે. ચંદ્રકાન્ત બક્ષી કહેતા હતા કે મુંબઈના કોઈ લેખકે મુંબઈના ગુજરાતી સમાજની વાત લખી નથી. વાત દેખીતી ખરી છે. મુંબઈમાંના લેખકોનાં અાપણે પુસ્તકો જોઈશું, તપાસીશું તો કદાચ તેની ખબર પડે. એમણે જે 'કંઈ લખ્યું છે તે ઉપરછલ્લું, ગુજરાત સાથેના અનુબંધવાળું લખ્યું હોય તેમ પણ બને.
પણ પછી ડાયસ્પોરા એટલે શું? મુંબઈમાં રહેનારો માણસ એ મરાઠી વાતાવરણમાં જીવે છે, શિવકુમાર જોશી, મધુ રાય કે ચંદ્રકાન્ત બક્ષીએ બંગાળી ડાયસ્પોરામાં શ્વાસ ભર્યા છે. અમૃતલાલ વેગડ મધ્યપ્રદેશમાં લોકો વચ્ચે જીવે છે એની વાત અા જે તે લેખકો લાવી શકતા હોય તો મુંબઈનો કેમ ન લાવે? આફ્રિકાના કેમ ન લાવે? એમ વિલાયતના કેમ ન લાવે? કદાચ આપણે આપણી જાતને પૂછવું પડશે, આપણો એ ટકોરાબંધ સાહિત્યનો ખડખડાટ જો સાંભળવો હોય તો આપણે આપણું પોતાપણું ઊભું કરવું પડશે. સારું છે, કે કોઈ પણ કારણે ખિસ્સામાં થોડા પૈસા છે. ૨૫૦-૩૦૦-૪૦૦ પાઉન્ડ ખરચીને આપણે પુસ્તક પ્રકાશન કરી શકીએ છીએ. સારી વાત છે.
પણ અાટલું કહેવા દો, મિત્રો. વેમ્બલીમાં અાવી પેલી પ્રેસ્ટન મેનર હાઈસ્કૂલના હૉલમાં, વર્ષો પહેલાં, દિવંગત ભાનુબહેન કોટેચાનું પુસ્તક – ‘પૂર્વ આફ્રિકાને પગથારે’નું – લોકાર્પણ થતું હતું. હિંદી વસાહતીઅો બાબત સંશોધન કરેલું અા પુસ્તક. દિવંગત પ્રાણલાલ શેઠ જોડે હું ય એ પુસ્તક પ્રકાશિત થાય તે સારુ અારંભથી સંકળાયો હતો. ત્રણચાર વખત ભાનુબહેનની સાથે બેસીને એ સંપાદિત કરવામાં અમે મદદરૂપ થઈ શક્યા, એ પુસ્તકની વાત કરું છું. લોકાર્પણ અાપણા વરિષ્ટ સાક્ષર મનુભાઈ પંચોળી ‘દર્શક’ કરી રહ્યા હતા. એ પુસ્તક જોઈ ગયા પછી, એના વિચારોમાં વ્યસ્ત, એ હોલની અંદર જે પહેલું વાક્ય એમણે કહ્યું એ જ વાક્ય, આપણા કવિ લેખકોને કહેવાનું મને મન છે. મનુભાઈ પંચોળી – ‘દર્શકે’ ત્યારે કહેલું, દુનિયા આખીમાં ગણનાપાત્ર માત્ર ચાર કવિઓ જ છે − વાલ્મીકિ, કાલિદાસ, શેક્સપિયર અને રવીન્દ્રનાથ ટાગોર. આ મનુભાઈના શબ્દ છે – બાકી સૌ ઝાડનો ખો કાઢી રહ્યા છે ! …. એક તરફ, પુસ્તકનું એ વિમોચન કરી રહ્યા છે અને બીજી પા, ‘દર્શક’ પાયાગત વાત કહી રહ્યા છે : પર્યાવરણનો અા મૂળગત સવાલ છે. આપણી સામે ઝાડ ઉછેર – વૃક્ષ ઉછેરની સાદી સીધી તદ્દન વાત આવી રહી છે. એનો એ પડકાર આપણા કવિ-લેખકોને છે.
આ બધા પ્રશ્નોને લઈને અાપણે ચર્ચાવિચારણા માંડવી જ પડશે. જો આપણે તેમ કરી શકતા ન હોઈએ, તો અમીબા[amoebae]ની પેઠે વિસ્તૃત થયા વગર, – કનૈયાલાલ માણેકલાલ મુનશીને 'ગુજરાતનો નાથ' પ્રકાશિત કરતાં જેમ દસ વરસ લાગે છે, એમ આપણા કવિ લેખકોએ પણ, દર વરસે પુસ્તક આપવાને બદલે, બે-ત્રણ-ચાર-પાંચ વર્ષે, શાંતિથી, એકાદું મજેદાર પુસ્તક કરવાનું રાખવું જરૂરી બને છે. આજકાલ કેટલાંક રેઢિયાળ પુસ્તકોને ગાંધીનગરનાં અને અમદાવાદનાં ઈનામો મળે છે. અાપનાર અને લેનાર બંને સામે અાંગળી ચિંધી શકાય છે. ટકોરાબંધ સાહિત્યકાર હોય, એમણે રચેલાં ટકોરાબંધ પુસ્તકને ઇનામ મળે, એ દિવસની મને રાહ છે. અત્યારે તો છાતી સામૂકી ભીંસાય છે.
એથીસ્તો, કહેવાનું મન એ થાય – નાનજી કાલિદાસ મહેતાએ જ્યારે એમની આત્મકથા લખી – એ કેટલું ભણ્યા હશે? દસ વરસની ઉંમરે તો એ યુગાન્ડા ગયેલા, ઝાઝું ભણ્યા ય નહોતા. ગુજરાતી ડાયસ્પોરાનું એમણે એક ઉત્તમ પુસ્તક આપ્યું છે, આત્મકથાનું. અને એમણે જે રજૂઆત કરી છે એ માત્ર યુગાન્ડાની જ વાત નહોતી, એ આપણી વસાહતની બોલતી કહાણી છે. પ્રભુદાસ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રહેતા રહેતા ‘જીવનનું પરોઢ’ આપ્યું. મોહનદાસ કરમચંદ ગાંધીનું આ ૨૦૦૯ને મસ્સે વિશેષ સ્મરણ છે. લંડનથી દક્ષિણ આફ્રિકા જતાં, નવેમ્બર ૧૯૦૯ દરમિયાન, ‘કિલડોનન કેસલ’ સ્ટીમરમાં બેઠા બેઠા એમણે જે પુસ્તક લખ્યું, તે ડાયસ્પોરાનું એક બીજભૂત કામ (સીમિનલ વર્ક) છે, એટલું જ નહિ, પણ આ દુનિયાનું એક મોટું ‘seminal work’ છે. તમે અને હું તેને 'હિંદ સ્વરાજ' તરીકે ઓળખીએ છીએ. આ ડાયસ્પોરાએ દીધું પુસ્તક છે. એવું જ બીજું પુસ્તક : ગાંધીએ લખેલો દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ. ગાંધીનું સાહિત્ય અાપણને ગમ્યું હોય. ‘આત્મકથા’, ઇત્યાદિની વાત છોડીએ. ‘આત્મકથા’નું ગુજરાતી વધારે સારું અને સરળ છે. ‘હિંદ સ્વરાજ’નાં ગુજરાતી વિષે વિદ્વાન વિવેચકો આલોચના ને ટીકાઓ ય કરે. અને છતાં, એ ‘seminal work’ તરીકે જાહેર કેમ થતું હશે? કહેવું છે એટલું જ કે આપણે થોડો અભ્યાસ કરીએ. થોડા ઊંડા ઊતરીએ, થોડા આપણા અનુભવોને માંહે લાવીએ. કેટકેટલા પ્રશ્નો આપણી સામે પડ્યા છે ! એ પ્રશ્નોને લખાણમાં અાણીએ તો જ એની કિંમત છે.
પ્રકાશનની વાત કરવાનું મન પણ એટલું જ છે. આ દેશમાં શું શું પ્રકાશન થયું ? પહેલાં એ જોઈ લઈએ. આપણે તો આપણી દશા તપાસવાની છે અને થોડી દિશા ય જોવાની છે. દિશામાં એટલું જ છે આપણા એક વખતનાં કોષાધ્યક્ષ દિવંગત હીરાલાલ શાહનું એક પુસ્તક “ગુજરાત સમાચારે” આપ્યું. બર્મિંગમના આપણા કવિ, પ્રફુલ અમીનનું એક કાવ્ય-પુસ્તક, ‘અમે અમથારામ’ બર્મિંગમમાં જ મુદ્રિત થઈ પ્રગટ થયું. એ જ રીતે વિનય કવિનું એક પુસ્તક પણ અહીં લેસ્ટરમાં ટાઈપસેટ થયું અને રાજકોટથી પ્રકાશિત થયું છે. અને પછી પૂર્ણવિરામ અાવી જાય ! તે પછી, કદાચ, એકાદું પુસ્તક લઈ શકીએ : ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું Prospectus. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં મુદ્રિત થયું છે, અહીં જ છપાયું છે, પણ એ તો ભાષા-શિક્ષણ માટેનું કામ છે. આ સિવાયનાં પુસ્તકો આપણે અહીંયા કરી શક્યાં નથી. ખર્ચાળ છે અને અહીં કરવું વ્યાજબી હોવા છતાં, એ થઈ શકે એમ નથી. એટલે આપણી નજર હિંદના પેટાખંડ તરફ જાય છે. પેટાખંડ – શબ્દ સાચવીને કહું છું – પેટછૂટની વાત કરવી છે, એટલે. પ્રેસ્ટનના કદમ ટંકારવીનું એક પુસ્તક બે વર્ષ પહેલાં મળ્યું છે. એ પાકિસ્તાનથી છપાઈને આવ્યું છે. ગુજરાતીમાં દીપક બારડોલીકરની કેટકેટલી ચોપડીઓ કરાંચીમાં છપાઈ છે. દક્ષિણ અાફ્રિકાના દિવંગત કાંતિ મહેતા 'આશ્લેષ' આપણા એક કવિ છે. જોહનિસબર્ગ હતા. દક્ષિણ આફ્રિકામાંથી એમનાં એકાદબે પુસ્તકો થયાંનું સ્મરણ છે. નાની પુસ્તિકા છે. પણ, પછી શું ? મોટા ભાગનાં જે પુસ્તકો છપાયાં છે, તે ગુજરાતમાં છપાય છે, કેમ કે સસ્તાં પડે છે, સારાં પડે છે. ભારત કે પાકિસ્તાનમાં પુસ્તક પ્રકાશનનું કામ િકફાયત અને ખિસ્સાને પરવડે તેવું રહ્યું છે. માટે પ્રકાશકો સાથે સંબંધો કેળવવા જોઈએ. એમને હળવું મળવું જોઈએ.
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની આપણે અા પહેલાં વાત જ કરી છે. તેના કાંદિવલી અધિવેશનમાં તો ઘણી બધી વાત કહેલી. કાંદીવલી અધિવેશન વખતે હું જે કંઈ બોલ્યો હતો, એ વિષે મારા પર પસ્તાળ પડી છે. એ હું સમજું છું પણ મારે જો કહેવાનું આવે, તો હું, ફરી એકવાર, એ જ વસ્તુ વાત, જરા વધુ વાર, ફરી ઘૂંટી ઘૂંટીને કહું. કારણ કે મને એના વિશેની એષણા નથી. મારા ભાંડુઅો વિષે, મારી માદરેજબાનના આ સિપાઈઓ માટે સ્વાભાવિક મારે વાત કરવાની જ હોય. કાંદિવલીમાં વાત કરી હતી, એનું પરિણામ એ આવ્યું કે ત્યાર પછીના પ્રમુખોએ એમાંનું કંઈ જ સ્વીકાર્યું હોય તેવી એંધાણી મળતી નથી; એક માત્ર, દિવંગત બકુલ ત્રિપાઠીએ પરદેશમાંના કવિ લેખકોની બેઠકો શરૂ કરેલી.
લેખકોના પ્રકાશકો સાથેના સંબંધો સુધરે અને એ જો મજબૂતાઈથી સંબંધો બંધાતા થાય, તેમ થવું જોઈએ. એવી બેઠકો કરીએ. ભલા માણસ, જાતને પૂછીએ : બકુલ ત્રિપાઠીએ કરી તેવી સભાબેઠકોનો, આપણા કવિ-લેખકોએ લાભ કેટલો લીધો ? બકુલભાઈ કમભાગ્યે લાંબું જીવ્યા નહીં. આપણા કમનસીબ. બકુલભાઈ જીવ્યા હોત તો અાવો સંબંધ જરૂર વિસ્તર્યો હોત. વારુ, આ પુસ્તક પ્રકાશનની જે વાત કરી છે એ તથા સામાયિકો, પુસ્તક પ્રકાશન અને સંસ્થાઓ. પુસ્તક પ્રકાશન અને વ્યક્તિઓ, તેમ જ પ્રકાશન સંસ્થાઓ અને વિક્રેતાઓ − આ બધું અગત્યનું પાસું છે. એ સઘળું સામેલ કરતાં રહીને પણ આપણે આપણું કામ અાગળ કરવું જોઈએ. હું સમજું છું ત્યાં સુધી ૧૯૭૯થી માંડીને આજ સુધીના આ અને આવા અધિવેશનોમાં, આવી વાત સતતપણે કહેવાતી આવી છે, પણ છતાં ક્યાંક આપણો કવિ લેખક પોતે ખુદ પણ ચૂકે છે. એણે પોતાના નિજી હિતની ખાતર થઈને પણ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સાથે, ગાંધીનગરની ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ સાથે, મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા સાથે, “પરબ”, “શબ્દસૃષ્ટિ”, “ત્રૈમાસિક”, “ઉદ્દેશ”, “બુદ્ધિપ્રકાશ”, સરીખાં એ બધાં સમસામયિકો સાથે, પ્રકાશકો સાથે પણ જીવંત સંબંધો કેળવવા જોઈએ. વાંચન કરવું જોઈએ અને સોજ્જા અભ્યાસ સાથે જ લેખનકામ કરવું જોઈએ. એક અઠવાડિયું, બે અઠવાડિયું, ત્રણ અઠવાડિયાના પ્રવાસે જઈએ એમાં જ એ સવાલ તાકીદે (ઇન્સ્ટન્ટ) કેળવવાનો હોતો નથી. એને વાર લાગે છે એ કેળવવા માટે એક વરસ, બે વરસ, વધુ વરસ પણ થાય છે. દાયકો પણ લાગે, બે દાયકા પણ લાગે. મહેનત કરવી પડે છે.
બીજી એક વાત એની સાથે એટલી જ વણાયેલી છે. આપણે એવું કહીએ છીએ કે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ કે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ અમારી પ્રત્યે ધ્યાન નથી આપતી. વાત ખરી જ છે. કે અને ગુજરાત માંહેના કવિ લેખક આપણે ત્યાં આવે છે, ત્યારે અાપણે તેને હેરવીએ છીએ ફેરવીએ છીએ. અહીંના રોકાણ દરમિયાન વળી તેણે દુનિયા આખીના મધ-મીઠાં વચનો ય આપ્યા હોય છે. એ લોકો વચન તો આપી જાય છે, પરંતુ ત્યાં ગયા પછી, એમને આપણા માટે વખત નથી ! અહીં મહેમનાગતિ માણી છતાં, એક વાર પણ કોરી 'ચા' માટે ય, ‘ઘરે આવોને’, તેમ કહેતા તે સંભળાતા નથી ! એનું શું કારણ ?તેમની પેઠે આપણી પાસે પણ વખત નથી, એ હું સમજું છું, પણ સવાલ આટલો જ છે. આ માનવ સ્વભાવ છે. અને છતાં અાવી ટીકામાંથી બહાર નીકળીએ. કેમ કે આપણી પાસે પણ વખત નથી. આપણે જ્યારે અહીં ડાયસ્પોરા વિસ્તારમાં રહી, ગુજરાતી જબાનમાં લખીએ છીએ, ત્યારે આપણે એક નબળા પડ પર ઊભા છીએ તેટલું સમજાઈ જવું જોઈએ. ત્યારે એ સંબંધ કેળવવા માટે વિસ્તરવા માટે વધુ સમય અને શક્તિ આપણે ખરચવાં પડશે. અને જ્યાં સુધી મુખ્ય પ્રવાહમાં આપણું વજન નહીં પડે, ત્યાં સુધી વેમ્બલીના, લેસ્ટર કે પ્રેસ્ટનના માહોલમાં ઝાઝું ફેરફૂદડી કરી કૂદી શકવાનાં જ નથી. મુખ્ય પ્રવાહ સાથે પરિણામે રહેવાનું અત્યંત આવશ્યક છે.
રણજિતરામ મહેતાને આટલાં બધાં વર્ષો પહેલાં જે સૂઝેલું, તે એમની સ્થાપી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ચૂકી છે. તે ચૂકે, પણ આપણે તો ચૂક્યા નથી ને? તો આપણે તે સંદર્ભે કંઈક કરવું પડશે. શું ? આજે અમદાવાદમાં બેઠી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ગાંધીનગરમાં બેઠી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ કે મુંબઈમાં બેઠી ‘ફાર્બસ ગુજરાતી સભા’ કે પછી, બીજી બધી તેવી તેવી સંસ્થાઓ એકલી કામ નહીં જ કરી શકે. અા ઠોકીઠોકીને, સતત, કહેતા રહેવું પડશે. આ ગ્લોબલાઈઝ્ડ વર્લ્ડમાં, અા વિશ્વગ્રામમાં, એમણે અમદાવાદની બહાર નીકળવું જ પડશે. રાજકોટ, સુરત, વડોદરા, ભૂજ, પાટણ, વલ્લભવિદ્યાનગર એ તો ઠીક, પણ મુંબઈ, કોલકોત્તા, ચેન્નઈ તો ઠીક, સિંગાપોર, લંડન, જોહનિસબર્ગ, ડરબન, મૉસ્કો, કૉમો, નાઈરોબી, ન્યૂ યોર્ક, ફિલાડેલ્ફિયા કે લોસ એન્જલસ, કે પછી તમારે જે કંઈ કહેવું હોય એ બધાંની સાથે, તે દરેકે, ઘનિષ્ઠ સંબંધ કેળવવો પડશે. કોઈ ચારો જ નથી. તે દિવસોમાં, એકસો વરસ પહેલાં, બળવંતરાય ઠાકોરને ય તે સૂઝેલું. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં વિવિધ સાધનો છતાં, અા વડેરાંઅોને છત્તે અાંખે અાજે લગીર સૂજતું જ નથી ! અાને મોટા માણસોની નાની જ વાત કહીશું કે ?!
હમણાં લંડનના અર્લ્સ કોર્ટમાં એક અાંતરરાષ્ટૃીય સ્તરનો પુસ્તકમેળો યોજાયો હતો. એમાં બે ગુજરાતી લેખકોએ ભાગ લીધો હતો. એક ગુજરાતીમાં લખતા નથી અને એક ગુજરાતીમાં જ લખે છે. વર્ષા અડાલજા ગુજરાતીમાં લખે છે. એ ત્યાં હતાં. અને સુકેતુ મહેતા, જેણે અંગ્રેજીમાં લખ્યું છે તે ય હતા. ત્યાં ઠેર ઠેર પુસ્તકો ભરી અાલમારીઅો હતી. તે ફરીને જોઈ. ધ્યાનપૂર્વક જોઈ. આવડા મોટા જથ્થામાં પુસ્તકો ત્યાં હતાં. હિંદુસ્તાનના વિવિધ પ્રકાશકોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને અત્યંત મહત્ત્વનું કામ થયેલું, આ પુસ્તકમેળાનું કામ. પરંતુ તેમાં એક માત્ર પુસ્તક ગુજરાતીનું હતું. અાવું કેમ ? ગુજરાતીની છ-સાત કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે, ગાંધીનગર અને અમદાવાદમાં બેઠા અા આગેવાનોને પૂછવાનું મન થાય છે : આ શરમજનક વસ્તુ નથી ? ગેંડાની જેમ હજુ ય તમે જાડી ચામડી રાખી વાણીવર્તનમાં ચકચૂર રાચતા રહેવાના છો કે ? શિરીષ પંચાલ સંપાદિત એક વાર્તાસંગ્રહ સિવાય બીજું કોઈ જ પુસ્તક તે અાખા પ્રદર્શનમાં હતું જ નહીં ! હિંદુસ્તાનથી આવેલાં કુલ પર વાર્તાકારો, લેખકો, કવિઓ, વિવેચકોમાં એક માત્ર વર્ષા અડાલજા જ કેમ ? તળ ગુજરાતે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ શું કરે છે? ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ શું કરી રહી છે?
ત્યાં જે જાહેર ચર્ચા થઈ એ વિગતની ચર્ચા મારે હવે અાગળ ધરવાની છે. તે મારો, હવે પછીનો, મહાભારત મુદ્દો છે − અનુવાદનો. તે ભણી મારે ફંટાવાનું જ છે. અનુવાદની વાત નીકળી. ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં કોઈ દહાડે આપણે ગયા છીએ ખરા કે ? જવા જેવું છે. એ વિભાગમાં શું ભણાવાય છે, અને સ્તર કેટલું છે, એ આપણે કોઈ દહાડે જોયું તપાસ્યું છે? એમના અધ્યાપકો, પ્રાધ્યાપકો એમના વડા અને વળી એમના ય વડા ઉપરાંત ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ કે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ કે જે તે બીજાં મંડળો છે તેમની શિથિલ વૃત્તિ વધતી ચાલી છે; તે વધુને વધુ એકલગંધી, સંકુચિત થતી ગઈ છે. એમ કેમ ચાલે ? એ જ્યાં ગુજરાતી ભાષાનું સાંચવી શકતી નથી તો એ અનુવાદનું શું કરશે? શું ઉજાગર કરશે ?
રવીન્દ્રનાથ ટાગોરનું ‘ગીતાંજલી’ તો આપણને ૧૯૧૨ની આસપાસ મળે છે. રવીન્દ્રનાથ ટાગોરે, ખુદ, ‘ગીતાંજલી’નું ભાષાંતર બંગાળીમાંથી અંગ્રેજીમાં આપ્યું છે; અને પછી, તે જ, આયરિશ કવિ ડબલ્યૂ. બી. યેટ્સ એને સુધારીને, આપણને પાછું પ્રકાશિત કરીને અાપે છે. આપણા કેટલા કવિ-લેખકોની પાસે આપણે અાવી અપેક્ષા રાખી શકીએ ? કારણ કે જે તે કૃતિ તો છેવટે લેખકની કે કવિની હોવાથી પોતાની કૃતિનું ભાષાંતર કરવાનું સૌથી મોટું કામ તો એનું પોતાનું હોય; તેમ થવું જોઈએ. એવી ઝુંબેશના માતવર કોણ બને ? આપણા ભોળાભાઈ પટેલ ? રઘુવીર ચૌધરી કે? હું અહીં માત્ર બેત્રણ નામ જ આપું છું. પણ અા સમગ્રનું કામ છે. નિરંજના દેસાઈ કે અનિલ વ્યાસ કે યોગેશ પટેલ કે ભદ્રાબહેન વડગામા કે પછી જેનું નામ અાપણે આપવું હોય તે લઈએ. મૂળગત આપણી કાબેલિયત કેટલી છે? અાપણી સજ્જતા કેટલી છે, તે જ ચકાસવાનું છે. અાપણું અંગ્રેજી કેવું છે, તે તપાસવાનું કામ અગત્યનું ઠરે છે.
આપણી વસાહતમાં અહીં જે સામયિકો નીકળે છે તેમાં ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં ય અાવૃત્તિ અાવે છે. એક નુસખો કરી જોઈએ : આપણાં છોકરાઓને તે અાવૃત્તિ આપીએ તો ખરા. ઘડીભર જો તે વાંચી શકતા હોય તો. અંગ્રેજીમાં તે જરૂર લખાય છે; પણ ભઈલા, ક્યું અંગ્રેજી ? મારા બાપદાદા વાંચતા હતા એ અંગ્રેજી કે ? જેમ આ દેશમાં જુદું અંગ્રેજી છે, તેમ ઓસ્ટ્રેલિયાનું જુદું અંગ્રેજી છે, તેમ અમેરિકાનું જુદું છે, કે દૂર પૂર્વનું ય જુદું છે. અામ સઘળે જુદું જુદું અંગ્રેજી છે. એની સમજણ આપણે ક્યારે કેળવીશું ?
વરસો પહેલાં, ‘સાઉથ એશિયન લિટરેચર સોસાઈટી’ની આ દેશમાં બોલબાલા હતી. તે એક જીવંત સંસ્થા હતી, તે આજે નથી. દુ:ખ બહુ મોટું છે. એણે અનુવાદનાં જે કામો બતાવ્યાં, તેની ચોમેર ભારે સરાહના થયેલી છે. મોટા ભાગના આપણા કવિ-લેખકો એમાં સામેલ થઈ શક્યા નહોતા. જો કે આજે પણ આપણા કવિ-લેખક પંજાબી સાથે, ઉર્દૂ સાથે, હિન્દી સાથે, બંગાળી સાથે, મરાઠી સાથે, તમિળ સાથે, કન્નડ સાથે ય આદાનપ્રદાન કરી શકતો નથી; તે અંગ્રેજી સાથે કેવી રીતે કરે ? અા સમજાતું જ નથી. અને અાવું આદાન-પ્રદાન નહીં થાય તો અનુવાદનો સવાલ તો માથે પટકાવવાનો જ છે. સવાલ આપણી નિષ્ક્રિયતાનો પણ છે. બહુ સહેલું છે કોઈને ટીકા કરવી, કે પરિષદની, કે અકાદમીની, કે કોઈપણની. આપણે આપણી જાતને સવાલ પૂછવાની જરૂર છે કે આપણે કેટલા સજ્જ છીએ ? તો એ સજ્જનતાની જોડાજોડ કહેવાનું છે કે ભાષાના અા જે સવાલો છે જે ‘ગુજરાતી સાહિત્યે પરિષદે’, એક દા, એક પૂર્વ પ્રમુખ નિરંજન ભગતના વડપણ હેઠળ હાથ ધરેલો. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના એ બાહોશ પ્રમુખ હતા. એ દૂરંદેશ પણ હતા. એમણે પરિષદમાં ભાષાંતર માટે એક વિભાગ ઊભો કર્યો. પણ પછી તેનું શું થયું ? જવાબરૂપે કદાચ કહી શકાય કે પરિષદની દૃષ્ટિમાં દૂરંદેશીપણું હવે આવતું જણાતું નથી. એ આપણી આજની દશા છે. તેવી દશાને માટે થઈને, છેલ્લા મુદે, કહેવાનું મન છે કે આ બધું કરવાનું છે એ ફરજની ભાવનાથી નહીં જ – કદાપિ નહીં જ, સમજણની ભાવનાથી અને સમજણની તે ભાવનામાં દૂરંદેશીપણું લાવ્યા વગર ચાલશે જ નહીં.
પેલા ખેડૂતને જઈને પૂછીએ તો ખરા કે પોતે અાંબો રોપે છે તે ખુદ કેરી ખાઈ શકવાનો છે કે ? એનું સંતાન, પછીથી એનું ય સંતાન થશે, તેને તે લાભ ખરેખાત મળે. એમ આપણે આપણી વાર્તા, આપણી કવિતા, આપણો નિબંધ લખીએ, અને જરૂર લખીએ. હવે પછીની પેઢીને માટે ય તે વારસો મૂકતા જઈએ. ટૂંકામાં, એ સર્જન મુખ્ય પ્રવાહમાં ય તરી શકે, તેમ બનવું રહે. તે ઈનામો ખેંચી લાવે, એવું સર્જન પણ આપણે આપીએ.
દેશપરદેશમાં લખાતાં ગુજરાતી સાહિત્યમાં, ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યમાં સૌથી વડેરું નામ હોય તો તે બળવંત નાયકનું છે. આવું રઘુવીર ચૌધરી, એક વાર, મને કહેતા હતા. એ શું આપણું ગૌરવ નથી ? બ્રિટનનું જ તે ગૌરવ બને છે. બળવંત નાયક અહીં છે. હજુ હયાત છે. તેથીસ્તો, ગૌરવ બેવડાય છે. અા વાત એટલા માટે કહું છું કે પ્રકાશ ન.શાહે અમદાવાદમાં જે કહેલું એ મુદ્દે વાત કરવાની છે. ડાયસ્પોરાની વાત લઈને, યુગાન્ડાની બળવંત નાયકે જે નવલકથા આપી એ અમુક હદ સુધી આપણને આપણા ડાયસ્પોરાના અનુભવ ભણી લઈ જાય છે. આપણે તો મૂળ સોતાં ઉખડેલા માણસો છીએ ને ? ક્યાંક ફીજીથી આવ્યા છીએ. ક્યાંક બ્રહ્મદેશથી આવ્યા છીએ. ક્યાંક દક્ષિણ આફ્રિકાથી આવ્યા છીએ. ક્યાંક મલાવીથી આવ્યા છીએ. ક્યાંક પૂર્વ આફ્રિકાના મુલકમાંથી. સુદાનમાંથી પણ અાવ્યા છીએ. ક્યાંથી ક્યાંથી આવ્યા છીએ. કેટલા કેટલા અનુભવો ગાંઠે બાંધીને આવ્યા છીએ. મારી વણઝારાની પોઠમાં જામખંભાળિયાની વાત છે. મારાં પોટલાંમાં સેવક ધુણિયાની વાત છે. જામનગરની અને મુંબઈની વાત છે અને અરૂશાની વાત પણ એમાં ભરી પડી છે. અને એમાં ઉમેરાયું છે મારું હાઉન્સલૉ, મારું વેમ્બલી અને મારું લંડન. અહીં ઉખેડાઈને આવ્યો, ત્યારે અમને રહેવાનો ઓરડો પણ ભાડે મળતો નહોતો. કહેવા દો, કે અહીંયા ભારતીયો અથવા દેશીઓ અને કૂતરાઅોને માટે પણ આવવાની, રહેવાની, પ્રવેશવાની મનાઈ છે, એવાં પાટિયાં ત્યારે હતાં જ ને? એ પછી પણ આપણને ઓરડો મળતો હોય, તો અાપણા સદ્દનસીબ. જો તમારે સંતાન હોય, તો તમને અોરડો પણ કોઈ ભાડે નહોતું આપતું. અને જો આપતું હતું તો તેના કેવાકેવા ય અનુભવો હતા. અમને જ્યારે છેવટે ઓરડો મળ્યો ત્યારે, કુંજને પૂછજો, એ કહેશે, અર્ધો કલાક જ અમને હીટર મળતું હતું ! દીવાલ પરથી અોરડાની હૂંફને અભાવે, પાણીનો રેલો નીકળી અાવે એટલું તમને પાણી નીતરતું મળે ! એટલું એ ઠંડું ઘર હતું. સૂવાને જે ખાટલો મળતો તેની ય વર્ણનની પેલે પારની પરિસ્થિતિ. ખાટલામાં વચ્ચે ખાડો. તૂટલો હતો! અમે કોઈક નાનકી હોડીમાં સૂતાં પડયાં હોઈએ તેવો તે ઘાટ હતો ! ખેર ! અાવા અાવા અનેક અનુભવો વચ્ચેથી, આપણો સમાજ અહીંયા બેઠો થયો છે. એ અનુભવ અમારો એકલાનો જ નથી, પરંતુ સામે બેઠેલા તમામ માણસોને અાવા અનેક અનુભવોમાંથી પસાર થવાનું અાવ્યું છે. એવા એવા અનુભવો આપણી સાહિત્યની આ કૃતિઓમાં આવીને પડ્યા છે, ખરા ? કેમ નહીં ?
તો એ અનુભવ જ્યાં સુધી લખાણમાં આવશે નહીં ત્યાં સુધી, પ્રકાશ ન. શાહે જે માગણી કરી છે તે ડાયસ્પોરાનું ઉત્તમ સર્જન આપણને મળવાનું નથી. એમ જ્યારે થશે, ત્યારે રણજિતરામ સુવર્ણ ચંદ્રક ખડખડ કરતો એ અાપણી અા વિલાયતની ભૂમિ પર આવીને પડ્યો હશે. તો એ માટેનું આહ્વાન સઉને છે. અાપણી અા સંસ્થાને ૩૦ વર્ષ થયાં. આ ત્રિશતિની ઉજવણી ટાંકણે આટલી માગણી કરવી અને આટલી આશાની અપેક્ષા રાખવી એ જરા ય વધુ પડતી નથી. અહીં દીપક બારડોલીકર આવીને એક સરસ નવલકથા આપે છે. પાકિસ્તાનના માહોલની તે નવલકથા છે. ડાયસ્પોરાની કેટલીક સરસ કૃતિઓ એમણે આપી છે. એમની સાથેનો મારો લગાવ “ઓપિનિયન”ને કારણે રહ્યો છે. અાવી અાવી કૃતિઓને માટે, એની બરોબરીમાં બેસી શકે તેવા સાહિત્યકારોની પણ મને ખૂબ રાહ છે. હું ઈચ્છું કે એવો દિવસ સાચ્ચેસાચ અાવે. એમાંથી ય ઉત્તમ અનુવાદ મળે, જતે દહાડે જે કુન્તલ અને કુન્તલનાં સંતાન પણ વાંચી શકે અને માણીને કહે કે આ જો અાવું મારા બાપદાદાઓ લખતા. તે આટલું સરસ છે તો મૂળ કેટલું સરસ હશે? અને એવું જ્યારે લખાશે ત્યારે એ જ સંતાન ઊઠીને કહેશે કે મારી બાપદાદાની આ ભાષા? એમનું આ સાહિત્ય? ચાલોને, હું ગુજરાતી શીખું. બની શકે કે એ ય ગુજરાતી બોલશે, વાંચશે અને પછી લખશે ત્યારે સરદાર પટેલની ભડ ગુજરાતી જાણશે, મહાત્મા ગાંધીનું સરળ ગુજરાતી વાંચશે, એમ નરસિંહની જગતના ચોકમાં બેસે એવી કવિતાઓ વાંચશે. એ વાંચે તેવા દિવસના મને અોરતા છે. અા બધું બનશે ફરજની ભાવનાથી જરા ય નહીં; સમજણથી જ અને એક માત્ર સમજણથી.
મુલક અાખામાં, ઉપરતળે, આજે જે રીતે ગુજરાતીના વર્ગો ચાલે છે તેને ય ચકાસવાની અાવશ્યક્તા છે. સતતપણે ૪૫ વર્ષોના અનુભવ પછી, કેટલાક વર્ગોને ખંભાતી તાળા ભેટ આપવાનું મન થાય છે. તે જે રસમે ચાલે છે તેનાથી હૃદયમાં શેરડા પડે છે. એના કરતાં વર્ગો ન ચલાવે એ સારું છે. તો બીજી પાસ, એમાં સુદીર્ઘ તપ થઈ રહ્યું છે. કેટલી જગ્યાએ સારું તપ થયું છે. એમાંથી આપણી અનેક પેઢીનો વિકાસ પણ થયો છે. એવી લાગણીનો એક સૂર સમજવા મિત્ર ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રીના દીકરા કિરણનું ઉદાહરણ મુનાસિબ રહેશે. તે બર્મિંગમમાં છે. હમણાં એનો એક ઈ-મેઈલ આવ્યો. “ઓપિનિયન”ની ઓન-લાઈન વેબસાઈટ શરૂ થઈ, એ જોતાં તેણે જે લખ્યું તેની વાત કહેવી છે. તેણે લખ્યું, વિપુલકાકા, આ બધું જોઉં છું. તો મને થાય છે કે હું કેટલું બધું ચૂકી ગયો છું. તમને વચન આપું છું. અત્યારે તો હું ક્વાલાલમ્પુર છું. લગ્નમાંથી ઘેર પાછો જઈ રહ્યો છું. જુઅો, તે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે મોબાઈલમાંથી મને ઈ-મેલ કરે છે. પછી કહે છે : ઈ-મેલ સીંગાપુર જઈને પૂરો કરીશ અને ત્યાંથી મોકલીશ. પણ એક વચન આપું છું કે મને લાગે છે કે કાકા (તેના પિતાને એ કહે કાકા કહે છે.) અને તમે અને બીજા ગુજરાતી મિત્રો ગુજરાતીમાં વાંચો છો, લખો છો, એ હું વાંચી શકું, લખી શકું, સમજી શકું. તેમ મારે કરવું છે. કૃષ્ણા (તેની પત્ની) અને હું ગુજરાતી શીખવા જવાનાં છીએ.
આ આપણી તાકાત છે. બહુ વખત લીધો. મિત્રો, ટીકાઓ કરવાનું બંધ કરીએ. આપણે આપણી જાતને તપાસીએ અને આપણી આવતી કાલની પેઢીને તૈયાર કરવા માટે, ફરજની ભાવના વગર. સજ્જ બનીએ. ટૂંકમાં, એક માણસ, એક માણસને તો તૈયાર કરે; બસ આટલું તો કરીએ. … 'જય હો ! મારી માતૃભાષાનો'.
(ક્રૉયડન ખાતે મે ૨૦૦૯ દરિમયાન, ભરાયેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ૮મી ભાષા-સાહિત્ય પરિષદમાં મૂળ વક્તા વલ્લભભાઈ નાંઢાની અનુપસ્થિતિમાં રજૂ થયેલું શિઘ્ર વક્તવ્ય. ઘનશ્યામ ન. પટેલની મૂળ નોંધ અનુસાર − સુધારાવધારા સાથે.)
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
સૌજન્ય : “ઓપિનિયન”, 26 અૉક્ટોબર 2009, પૃ. 03-08