બ્રિટનમાં ગુજરાતી ભાષાનો વિકાસ અને ભવિષ્ય
આ મથાળામાં ચાર શબ્દો અગત્યના ઠરે છે : બ્રિટન, ગુજરાતી ભાષા, વિકાસ અને ભવિષ્ય.
ગુજરાતી ભાષા શિક્ષણને ક્ષેત્રે બ્રિટનમાં ભવિષ્ય સુધીનો પંથ સીધાં ચઢાણનો અને કપરો બની બેઠો છે. અને ગુજરાતી ભાષાનો વિકાસ તર્કની એરણે ચકાસીએ ત્યારે સમજાય છે કે તાંબા પિત્તળનાં વાસણને જાણે કે કલાઈનું નકરું પડ ચડાવાયું હોય તેવો બહુધા ઘાટ જોવા સાંપડે છે. અને પછી, મારા મહેરબાન, તેના ભવિષ્યની તે, ભલા, શેં વાત માંડવી ?
મારી સમજણ મુજબ, ગુજરાતી ભાષાનાં શિક્ષણ ક્ષેત્રે આજે જે લોકો ભૂરાટા ઢોરની જેમ હરે છે, ફરે છે અને ચરે છે, તેની સામી બાજુએ નેજવું માંડીને જોઈએ તો જ સમજાશે કે ગુજરાતી ભાષાશિક્ષણનું કેટલાક ડાકલા વગાડીને પોતાનું મહત્ત્વ ગાયાં કરે છે, તેની કયાં ય પેલે પાર, ગઈ સદીમાં મંડાણ થયેલું છે. લંડન યુનિવર્સિટીમાં, એક જમાનામાં ‘ઇન્ડોલૉજી ડિપાર્ટમેન્ટ’ અસ્તિત્વમાં હતો. અને મિસ એચ. એમ. લેમ્બર્ટ જેવાં વિદ્વાન વ્યાકરણી, એક વેળા, ત્યાં અભ્યાસ કરાવતાં હતાં. ગુજરાતી ભાષાના શિક્ષણ માટે તેમણે જે ધ્યાનાકર્ષણ પ્રકાશન કર્યું છે, તે હવે કસેટ સ્વરૂપે ય બજારમાં પ્રાપ્ય છે. ગુજરાતી શિક્ષણ આમ તો ‘સાઉથ એશિયા ડિપાર્ટમેન્ટ‘નો જ ભાગ લેખવામાં આવે છે, જે ‘સ્કૂલ ઑવ્ ઓરયિન્ટલ અૅન્ડ આફ્રિકન સ્ટડીસ’માં સમાવિષ્ટ છે. ૧૯૧૬ના અરસામાં, તેની રચના કરવામાં આવી હતી. જ્યારે ભાષા સંબંધક વિભાગની રચના, ૧૯૩૨ દરમિયાન, કરવામાં આવી હતી, તેમ કહેવાય છે. જાણીતા ભારતવિદ્દ અને ભાષાશાસ્ત્રી જ્હોન રૂપર્ટ ફર્થ તેના પહેલવહેલા વડા હતા અને તેમણે ૧૯૫૬ સુધી અહીં ભણાવવાનું રાખ્યું હતું. દરમિયાન, હેસ્ટર માર્જરી લેમ્બર્ટ પછી, ઈઅન રેસાઈડ આ વિભાગમાં આવ્યા અને તેમની નિવૃત્તિ પછી, રેચલ ડ્વાયર તે પદેથી સેવા આપી રહ્યાં છે. આ ‘સોઆસ’માંથી, અત્યાર સુધી, માત્ર બે જ વ્યક્તિઓને પીએચ.ડી.ની ડિગ્રી મળી શકી છે : એક, ગુજરાતીના એક લેખક, ત્ર્યંબકલાલ એન. દવે તથા બે, ‘સોઆસ’નાં સાંપ્રત અધ્યાપક, રેચલ ડ્વાયર.
એક જમાનામાં ઑક્સફર્ડમાં તેમ જ કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં પણ શાળાંત પરીક્ષાના ભાગરૂપ પરીક્ષાઓ લેવામાં આવતી. તે દિવસોમાં બ્રિટિશ સંસ્થાનોમાંથી ઘણાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં બેસતાં. બ્રિટિશ તાબા હેઠળના અમુક મુલકોમાં, સનંદી નોકરો માટે ય ગુજરાતી વિષય જાણવો અને ભણવો અગત્યનો રહેતો. સંસ્થાનો જેમજેમ આઝાદ થતાં ગયાં અને વેપારવણજમાંથી પણ ગુજરાતીનું ચલણ ધીરે ધીરે હડસેલાતું ગયું, આથી પરિણામે, તેની જરૂરિયાત સ્વાભાવિક ઘટતી ચાલી. આમ, હવે ફક્ત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ મરવાને વાંકે નભી રહ્યો છે. હવે તો નિભાવ ખર્ચ સામે પરીક્ષાર્થીઓથી ખડકાયેલા આંકડાની હૂંફ પણ દિવસે દિવસે ઘટતી ચાલી છે. વિલાયતમાંના ડાયસ્પોરિક ગુજરાતી સમાજને ગુજરાતીનો જેટલો ખપ હશે ત્યાં લગીની જ તેની જીવાદોરી રહેશે, તેમ સ્પષ્ટ દેખાય છે.
બીજી તરફ, સમાજને સ્તરે ઐતિહાસિક નોંધપાત્ર કામો થયાં છે. લેસ્ટરમાં, દિવંગત ધનજીભાઈ આંટવાળાએ દિવંગત લલ્લુભાઈ પટેલ સરીખા કર્મઠ સાથીદારોના સહકારમાં, આ મુલક ખાતે, ગુજરાતી શિક્ષણનો દીવો, સને ૧૯૬૪માં પ્રગટાવેલો. ત્યારે સુશીલાબહેન પટેલ નામે એક શિક્ષિકા ય તે યજ્ઞમાં સામેલ થયેલાં. આ બાનુ આજે હયાત છે અને અબીહાલ સુધી ગુજરાતીનું સક્રિય શિક્ષણકામ કરતાં રહેલાં. તેમણે જેટલાં વરસોનું નીરણ ઓર્યું છે, તેનો જોટો અહીં તો મળી શકવાનો નથી. લેસ્ટરના પ્રભુભાઈ લાડ અને ગોવિંદભાઈ યાદવને પણ આ હરોળમાં માનભેર મૂકી શકાય. આ સંસ્થા ‘ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી’ને નામે લેસ્ટરમાં દાયકાઓથી વિકસતી આવી છે. આ રીતે, કોવેન્ટ્રી ખાતે ય માતબર કામ થયેલું છે. ત્યાં દિવંગત લલ્લુભાઈ લાડનો ડંકો વરસોથી વાગતો રહ્યો હતો.
લંડનમાં, એક વખત, ‘યુવક સંઘ’ હેઠળ ગુજરાતીના વર્ગો ચાલતા. વિલાયતના પાટનગરમાં અાવી પ્રવૃત્તિનું મંડાણ તો યુવક સંઘ વાટે જ થયું હતું. હસમુખ માણેક, અશોક ભગાણી, વિજય ઠકરાર, બિપીન મહેતા, કિશોર દત્તાણી અને જીતેન્દ્ર દાવડા નામે છ યુવકોએ પાટનગર લંડનમાં નવી ભાત પાડેલી અને ગુજરાતીના શિક્ષણ ઉપરાંત સંસ્કાર સંસ્કૃિતને સંવર્ધન કાજે આનુષંગિક પ્રવૃત્તિઓ ય કરેલી. તેને હવે ત્રણ સાડાત્રણ દાયકાઓ ઉપરાંતનો ગાળો થયો હશે. અશોક ભગાણીએ, પાછળથી, વેમ્બલીની કૉપલૅન્ડ સ્કૂલમાં ગુજરાતીના વર્ગો ચલાવી જાણેલા. અને પછી, ગુજરાતી ભાષાશિક્ષણની આ આખી ઝુંબેશને તેમણે બીજી એક સંસ્થાને, ઘણું કરીને ‘શિશુ કુંજ’ને, સુપ્રત કરેલી, તેમ આછુંપાતળું સ્મરણ છે. દિવંગત દિનેશ દવે, દિવંગત દુર્ગેશ દવે, દિવંગત જયંતી પી. પટેલ જેવા જેવા અનેક ખમતીધર શિક્ષકોએ ગુજરાતી ભાષા શિક્ષણની આ ચાલણગાડીને આગળ ને આગળ લઈ જવાનું રાખેલું. તે દરેકની આજે ય સતત ખોટ સાલતી રહી છે.
ગઈ સદીના સાતમા, આઠમા દાયકા દરમિયાન, ગુજરાતી શિક્ષણના જાતભાતના અનેક પ્રયોગો દેશ ભરમાં ઠેર ઠેર થતા રહેલા જોવા મળતા. પરંતુ તેમાં કોઈ એકવાક્યતા નહોતી. વિલાયતમાં જન્મેલા અને ઉછરેલા બાળકોને, ગુજરાતમાં વરસો પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકો વાટે ભણાવવાના જેમાં તેમાં નુસખાં થતાં. આ ક્ષેત્રે કંઈક નક્કર પદ્ધતિસરનું કામ કરવાનું પરિણામસ્વરૂપે અમને દેખાતું અને સમજાતું. અાથીસ્તો, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ હેઠળ, આ વિશે કેટલીક શિબિરો, પરિસંવાદોની ગોઠવણ કરવામાં આવી. યોગેશ પટેલ તથા કાન્તિ નાગડાએ આ અંગે એક નીતિવિષયક ખરડો તૈયાર કર્યો. તેને આધારે, કાર્યવાહકોની અનેક નાનીમોટી બેઠકોને બાદ, એંશીના દાયકાના આરંભમાં, દિવંગત પોપટલાલ જરીવાળાએ એક અભ્યાસક્રમ ઘડી કાઢયો. મનોરમાબહેન – હર્ષદભાઈ વ્યાસ, નિરંજના દેસાઈ, દિવંગત હીરાલાલ શાહ, યોગેશ પટેલ, કાન્તિ નાગડા, વિપુલ કલ્યાણી જેવાંઓએ તેની ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો.
તે અભ્યાસક્રમને આધારે, અભ્યાસની સામગ્રી, પાઠયપુસ્તકો, પરીક્ષાઓ તેમ જ શિક્ષક તાલીમ વર્ગની જોગવાઈ કરવાની વિચારણા થતી રહી. તેને ધ્યાનમાં લઈ, પાઠયપુસ્તકો રચવાનું અકાદમીએ બીડું ઝડપ્યું. પોપટલાલભાઈએ તે કામ આટોપવાનું આખરે માથે લીધું. પોપટલાલભાઈએ પુસ્તકરચનાનો ઢાંચો બનાવી રાખેલો અને તે ખુદ તે પુસ્તકોની રચના કરવાના હતા. તેમાં જગદીશ દવે, ૧૯૮૪ દરમિયાન, આ મુલકે આવ્યા. ગુજરાતીનું અધ્યાપન કરનાર અને ગુજરાતી મરાઠી નાટકોના અભ્યાસી એવા જગદીશભાઈને આ કામમાં સામેલ કરવાનું ઠેરવાયું. આમ, પોપટલાલ જરીવાળાની સક્રિય દેખરેખ હેઠળ અને એમણે કંડારી આપેલાં માળખામાં જ અકદામીના છ પુસ્તકોનો સંપુટ તૈયાર કરવામાં આવેલો. તેનું સંપાદન જગદીશ દવેનું રહ્યું. પુસ્તક પ્રકાશન પછી, શિક્ષક તાલીમ શિબિરો હાથ ધરવામાં આવી અને સાર્વત્રિક સ્વતંત્ર પરીક્ષાઓનું તંત્ર વ્યવહારમાં લાવવામાં આવ્યું. આ પરીક્ષાઓ આ મુલકમાં અને અન્યત્ર મળીને કુલ અઢાર વરસ કુશળતાપૂર્વક ચલાવવામાં આવેલી.
દરમિયાન, નિરંજના દેસાઈએ મુખ્ય પ્રવાહની નિશાળોમાં ગુજરાતીનું શિક્ષણતંત્ર મજબૂત બને તે માટેના ચક્રો ગતિમાન કરેલાં. ખુદ મુખ્ય પ્રવાહમાં શિક્ષિકા હોવાને નાતે, તેમને મુખ્ય પ્રવાહમાંના કેટલાક લાભો પણ હતા. તેમણે વળી કેટલાં ય શિક્ષકોને તાલીમબદ્ધ કરવાની સફળ અજમાયશ કરેલી. બીજી તરફ, ‘ગુજરાતી શિક્ષણ સંઘ’ હેઠળ જૂદો ચોકો મંડાયેલો. આરંભે તેની રૂખ રચનાત્મક અને દૂરંદેશ હતી, પરંતુ પાછળથી, દેખીતી સ્થગિતતા જાણે કે ત્યાં ઘર કરી ગઈ છે અને તેની નિષ્પતિ કમભાગ્યે જોવા સાંપડી શકતી જ નથી.
ગઈ સદીના નવમા દશકા સુધી ગુજરાતી ભાષા શિક્ષણનો મેરુ સોહતો રહેલો, અને પછી, તેમાં સડસડાટ ઊતરાણવાળી પડતી આવી હોય તેમ લાગવા અનુભવવા મળ્યું છે. અને તેને સારુ અનેક કારણો છે.
વરસો પહેલાં, અમેરિકાસ્થિત વિચારક, સાહિત્યકાર ‘કૃષ્ણાદિત્ય’એ લખેલું : ‘કિશોરવર્ગને આ ભાષા શીખવવાનું કાર્ય એક ‘ફરજ’ છે એમ કહ્યું, તો ભાષાશિક્ષણને મૃત્યુદંડ મળ્યો સમજી લેવાનો. કારણ કે બાળકોને કોઈ પણ કાર્ય ‘ફરજ’ રૂપ છે એમ કહેવું એટલે પર્યાયરૂપે એ નિરસ છે એમ કહેવા જેવું છે. પરંતુ આપણે ગુજરાતી ભાષાના રસકસ તરફ નવી પેઢીનું ધ્યાન દોરી એમને આમંત્રી શકીએ, …. અને નવી પેઢીને કહીએ કે આ તો ફક્ત નમૂનો છે. અંદર આવીને જુઓ તો ખરા, શું શું છે ! આવું આમંત્રણ નવી પેઢીએ સ્વીકાર્યું હશે, સ્વીકારશે. ….’
આવાં વિધવિધ ‘ફરજ’નાં ભાન હેઠળ ચાલતી આપણી અનેક શાળાઓમાં, આજે જે કંઈ શિક્ષણ અપાય છે, તે તપસાવા જેવું છે. કર્મણ્યતા ઓસરી ગઈ છે. રગસિયાં ગાડાંના ચીલા પડી રહ્યા છે. અને બાળકોને સોસ પડે છે, તે વળી નોખો. શિક્ષકો, સંચાલકો અને ચોપડી, ટેપ વગેરેનો અસબાબ બનાવતો વર્ગ ક્યાંક વળી પોતાનો અલાયદો એજન્ડા હાંક્યા કરે છે. અને પરિણામે ચોમેર ‘બાવાના બે ય બગડે છે’ તેવો ઘાટ દેખા દે છે. મુખ્ય પ્રવાહમાં પણ ગુજરાતી ભાષા માટે અસ્પષ્ટતા છે અને તેની ય અસર અહીં પરિઘે પડતી અનુભવાય છે.
પાનબીડું :
Better beware of notions like genius and inspiration; they are a sort of magic wand and should be used sparingly by anybody who wants to see things clearly.
– Jose Ortega y Gasset
Spanish Philosopher (1883 – 1955)
વિલક્ષણ પ્રતિભા અને સુંદર વિચાર જેવા કલ્પનાવિહારથી ચેતતા રહેવું; તે જાદુઈ લાકડી સરીખા છે અને જે લોકો સ્પષ્ટ દર્શન ચાહતા હોય તેમણે તો તેનો નહીંવત્ ઉપયોગ કરવો જોઈએ.
− જોસે ઓર્તેગા વાય ગાસેત
સ્પેનીશ તત્ત્વવેત્તા (૧૮૮૩ – ૧૯૫૫)
(‘વિલેજ ઇન્ડિયા’ અને ‘એક્સપિરિયન્સ ગુજરાત’ના લેસ્ટરમાં, ચાલુ માસ દરમિયાન, યોજાયેલા ઉત્સવ ટાંકણે, બહાર પડનારા પુસ્તક માટે લખાયેલો લેખ)
સૌજન્ય “ઓપિનિયન”, 26 સપ્ટેમ્બર 2009 પૃ. 01-02