1932નો સત્યાગ્રહ મંદ પડતાં ગાંધીજીએ દેશભરમાં હરિજન યાત્રા શરૂ કરેલી.
એ નિમિત્તે ભાવનગર પણ આવેલા. સાંજના એમની સભા થઈ. બાપુ બોલી રહ્યા એટલે આત્મારામભાઈ જે સૌરાષ્ટ્રના ખડા ખરા સત્યાગ્રહી કહેવાય તે ઊભા થયા અને બાપુને આ મતલબનું પૂછયું :
“આપે સ્વરાજ્ય માટે સત્યાગ્રહ શરૂ કરેલા તે બંધ કર્યો તે અમને તો ઠીક લાગતું નથી. તમે હારેલા હો તેમ લાગે.”
બાપુ હસીને કહે, “આત્મારામ, તમે સવારે સ્ટેશન પર આવેલા ?”
“મને લેવા આવેલા માણસો કેટલા હશે?”
“સરઘસમાં ચાર-પાંચ હજાર તો હશે.”
બાપુ હસીને કહે, “આત્મારામ, હારેલ સેનાપતિનાં સરઘસ નીકળ્યાં હોય તેવું સાંભળ્યું છે ?”
આત્મારામ મૂંગા રહ્યા. પછી બાપુ આસ્તે આસ્તે કહે, “આત્મારામ, ડાહ્યા સેનાપતિ એના સૈનિકોનો નિરર્થક સંહાર થવા દેતા નથી. તમે મારા શૂરા સૈનિક છો. તેમની – તમારી શક્તિ વેડફાય તેમ હું ડાહ્યા સેનાપતિ તરીકે અત્યારે ઇષ્ટ ગણતો નથી.”
આત્મારામભાઈ શું કહે ?
એ બેસી ગયાં. ત્યાં કોઈકે ઊભા થઈ પૂછયું.”
“જે સંસ્થાના રસોડે હરિજનો ન જમી શકે તેને રાષ્ટ્રીય સંસ્થા કહેવાય ? “
બાપુની બાજુમાં જ નાનાભાઈ (ભટ્ટ) બેઠેલા તેમને બાપુ કહે : “નાનાભાઈ, આ તમારા પર ઘા છે.”
પછી પૂછનારને કહે, “આપણે જેલમાં ગયા પછી માફી માગીને નીકળીએ ખરા ?” પૂછનાર કહે. “ના જી.”
“તો આ નાનાભાઈ એમના ગુરુ સાથે બંધાયા છે કે હરિજનો સૌ સાથે ભણી શકશે પણ અમે સાથે જમાડવાનું નહીં કરીએ. હવે આ વચન કેમ તોડાય ?”*
***
રાજકોટ સત્યાગ્રહ મંદ પડી ગયેલો ને પ્રજા થાકી ગયેલી. રામગઢ મહાસભામાં જવાનું છોડી બાપુ સમાધાન કરાવવા આવેલા પણ વીરા વાળાએ સમાધાન ન કર્યું એટલે ગાંધીજી ઢેબરભાઈ જેઠાલાલભાઈ વગેરે કાર્યકર્તાઓને સત્યાગ્રહ પાછો ખેંચી લેવાનું કહ્યું. સારી પેઠે ચર્ચાઓ થઈ. છેવટે સૌથી બાપુની સલાહ માની.
તે રાત્રે આઠેક વાગ્યે હું બાપુ પાસે બેઠો હતો. ત્યાં શંભુશંકરભાઈ આવ્યા. શંભુશંકરભાઈ પણ અણનમ સત્યાગ્રહી. બાપુને કહે,
“તમે તો કહો છો કે સત્યાગ્રહી કદી હારે નહીં અને તમે કેમ સત્યાગ્રહ પાછો ખેંચ્યો?”
બાપુ કહે, “પ્રજા થાકી ગઈ છે. એની પાસે પરાણે સત્યાગ્રહ ન કરાવાય.”
શંભુભાઈ કહે, “ના, તમે કાયર થઈ ગયા છો. સત્યાગ્રહી પાછો હઠે જ નહીં.”
હું તો શંભુભાઈનાં વેણ સાંભળી દિંગ થઈ ગયો, મનમાં ખીજાયો પણ ખરો. પણ બાપુ તો હસીને કહે, “શંભુશંકર! સત્યાગ્રહનો હું આચાર્ય છું. એટલે ક્યારે સત્યાગ્રહ થાય અને ક્યારે ન થાય તે હું જ ઠરાવી શકું ને ?”
પણ શંભુભાઈ તો કહે, “તમે કાયર થઈ ગયા છો. સત્યાગ્રહી કદી હારે જ નહીં.”
બાપુએ રાજકોટના કાર્યકરો જોડે જે વાતો થયેલી તે થોડીક કરી. પણ માને તો શંભુભાઈ શાના ? એમણે તો એમનું ગાણું ચાલુ રાખ્યું :
“તમે થાકી ગયા છો, કાયર થઈ ગયા છો.”
એટલે બાપુ હસીને કહે, “શંભુશંકર, જો તમને હું કાયર થઈ ગયો છું તેમ લાગતું હોય તો રાજકોટની બજારમાં જઈ બે બંગડી લાવી મને ભેટ આપો.”**
શંભુશંકર સૂનમૂન, શું બોલે ?
°°°
[* બાદમાં હરિજનોના મુદ્દે જ નાનાભાઈએ તેમના ગુરુ સાથે વિચ્છેદ કર્યો હતો.
**આ વિધાનને આધુનિક દૃષ્ટિએ મૂલવવાને બદલે મર્મ પકડવો.]
04 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 353