ચોથા દિવસથી, એટલે કે ૮ સપ્ટેમ્બર ૨૦૦૭ના દિવસે, વાતાવરણે કરવટ બદલી. વાદળિયું હવામાન; ઠંડી કહે મારું કામ; ગાજવીજ સાથે વરસાદ. પરિણામે લેખક મિલનને કૉન્ફરન્સ હૉલમાં લઈ જવાઈ. સવારની બેઠકમાં શિક્ષણમાં બાળકો સાથે નીતિબોધ તેમ જ પ્રેમનો અાવિષ્કાર જેવા વિષય બાબત રજૂઅાત કરવાની હતી. અા બેઠકમાં મારે ય રજૂઅાત કરવાની અાવી. ગાંધીયુગીય કેળવણી તેમ જ વિવિધ સંસ્થાઅોની જિકર મેં કરેલી. અા વ્યાખ્યાન પણ અંગ્રેજીમાં અપાયેલું. વિક્તર પાવલૉવિચે અા ભાષણનો પણ તંતોતંત રૂસી અનુવાદ તરતોતરત કરી શ્રોતાગણને અાપવાનો રાખેલો. અા ભાષણ અાધારિત અા લેખ કરાયો છે.
•
દોબ્રી જ્યેન !
િલયો તોલ્સ્તોયની ભૂમિ, યાસ્નાયા પોલ્યાના ખાતે, અા લેખક મિલનમાં હાજર રહેતા તેમ જ ભાગ લેતા ગૌરવ અને અાનંદનો હું પારાવાર અનુભવ કરું છું. અમે અહીં અાવી શક્યા તે સારુ તોલ્સ્તોય મ્યુિઝયમ પ્રત્યે અમે ઋણભાવ વ્યક્ત કરી લઈએ છીએ. ભારે કાળજીપૂર્વક અમારું તમે લોકોએ ભાવગ્રાહી અાતિથ્ય કર્યું છે, અને તેને સારુ અાભાર દર્શાવવાના શબ્દો ય અોછા પડે તેમ છે.
અમારે ત્યાં ‘મહાભારત’ નામે એક મહાકાવ્ય છે. તેની કથાના એક પાત્રનું નામ ધૃતરાષ્ટૃ છે. તે અાંખે દેખતો નથી. કથા કહે છે કે સંજય નામે એક વૃતાન્તદાતા જે કંઈ ઘટના ઘટી રહી છે તેની વિગતે જાણકારી ધૃતરાષ્ટૃને અાપે છે. ખરેખર, તો સંજયનો વૃતાન્ત અગાઢ બની રહે છે. તમે માનશો ? અમે ય અહીં અાવું અનુભવી રહ્યા છીએ. કેમ, ભલા ? તમે વિક્તર પાવલોવિચ બુલાતોવની સેવા અમને સાદર કરી છે અને તે અમારે સારુ સંજય સાબિત થયા છે. અા સઘળી બેઠકોમાં જે ચાલી રહ્યું છે અને જે રજૂઅાતો થાય છે તેની તલસ્પર્શી વિગતો તેમણે અમને અાપ્યા કરી છે. તેમના વગર અમે ય અટવાયેલા હોત અને કશી ગતાગમ ન થાત !
અા સેવાઅો માટે ફરી ફરી અમે સહૃદય તમારા અાભારી છીએ.
લિયો તોલ્સ્તોય અમારે માટે બહુ જ અગત્યનું એક નામ છે. ગાંધીનો એમની સાથેનો નાતો, એ બંને વચ્ચે થયેલો પત્રવ્યવહાર, અારંભના સમયમાં તોલ્સ્તોયનાં કેટલાંક નિબંધોનો ગાંધીએ કરેલા અનુવાદ, વગેરેની અમારા પર ભારે મોટી અસર પેદા થઈ છે. અને પછી એમનું ઘણું સાહિત્ય અમારી ભાષામાં અાણવામાં અાવ્યું. અલબત્ત, મોટા ભાગનું અા સાહિત્ય રૂસી ભાષામાંથી નહીં, પરંતુ તેના અંગ્રેજી અનુવાદમાંથી પણ અાવ્યું છે. ગાંધીના અા અને અાવા પ્રયાસોને કારણે અમે તોલ્સ્તોયનાં સમગ્ર સાહિત્યથી પણ ઘડાયા છીએ.
પરંતુ મારે કહેવું જોઈએ, તમારે અહીંથી જે અનુવાદો ગુજરાતીમાં અાવ્યા, તે માટે બે નામો અગત્યનાં છે : અતુલ સવાણી અને લ્યુદ્દમિલા સાવેલ્યેવા. અા બંને હાલ હયાત છે અને એ બંનેએ પણ લિયો તોલ્સ્તોયનું સાહિત્ય અમારે ત્યાં અમારી ભાષામાં સુલભ કરી અાપેલું છે. અતુલ સવાણી પાંચેક દાયકાઅોથી રશિયામાં વસે છે અને એમણે ઘણું રૂસી સાહિત્ય અનુવાદ વાટે ગુજરાતીને ભેટ ધર્યું છે. લિયો તોલ્સ્તોયનું સાહિત્ય પણ તેમાં સમાવેશ છે. અતુલ સવાણી હાલ મૉસ્કોમાં નિવૃત્ત જીવન વ્યસ્ત કરી રહ્યા છે. જ્યારે લ્યુદ્દમિલા સાવેલ્યેવા, અાજકાલ, મૉસ્કોથી દક્ષિણે, ૧૪૦ કિલોમીટરને અંતરે અાવેલા, તરુસા ખાતે ‘ફ્રેન્ડ્ઝ અૉવ્ ઇન્ડિયા ક્લબ’નું સંચાલન કરી રહ્યાં છે. એમણે અવારનવાર ગુજરાત જવાનું રાખેલું. કેટલોક વખત અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં પણ એ રહ્યાં હતાં. મહાત્મા ગાંધીએ અા યુનિવર્સિટીની સ્થાપના કરેલી તે તમે ય જાણતા હશો. ગાંધી વિચાર તેમ જ ગાંધી પ્રબોધ્યા સિદ્ધાંતોને અનુસરતી અા પ્રમુખ સંસ્થા છે. સને ૧૯૨૦ના અરસાથી અા સંસ્થા અમદાવાદથી કાર્યરત રહી છે. લ્યુદ્દમિલાબહેને કેટલુંક કામ ગાંધીજી તેમ જ તોલ્સ્તોય ઉપર પણ કરેલું છે. અમારે ત્યાં તેનું ય મૂલ્ય છે.
અાજના જાગતિક સંદર્ભમાં, તમે સૌ કોઈ અાવી લેખક મિલનની સભાબેઠકો ભરો છો અને તેમાં તમે સામેલ રહી ભાગ લો છો, તે પોરસાવા જેવું કામ છે. ચોમેર વૈશ્વીકરણ, ગ્રાહકવાદ, અાતંકવાદ તેમ જ એકમેવ સર્વોચ્ચ સત્તાધીશનો અા જમાનો છે અને તેની અસર સાહિત્ય જગત પર પણ ફરી વળી છે. લેખકો પણ તેનાથી પર રહી શક્યા નથી. તેવે ટાંકણે લિયો તોલ્સ્તોયની વિચારધારાને અગત્ય અાપી, તમે અહીં એકત્ર થાઅો તે મોટી વાત બને છે; અને તેને કારણે હું તમને દરેકને સલામ કરું છું. અા વિપરીત પરિસ્થિતિને કારણે અાવી બેઠકો ભરવી અઘરી બને ત્યારે તમે સૌ અાવી બેઠકોની સફળતા ઊભી કરો છો. સારું લાગે છે. તમને દરેકને અભિનંદન.
અમે અહીં યાત્રાએ અાવ્યા છીએ. લિયો તોલ્સ્તોયનું સાહિત્ય, લિયો તોલ્સ્તોયે પ્રબોધેલા વિચારોનું અમને ઘેલું છે. તેની અસર અમારા પર છે. અમારા અાદર્શપુરુષ મહાત્મા ગાંધી પર તોલ્સ્તોયની ભારે અસર રહેવા પામી છે.
અા અને અાવી ભૂમિકા સાથે, હવે, ‘બાળ-કેળવણીમાં સદાચારી મૂલ્યોનું મહત્ત્વ’ વિષે મારી રજૂઅાત કરીશ.
સદાચાર અને નીતિ, અલબત્ત, દરેક સમાજમાં જોવા મળે છે. પોતાના અંતિમ સમયગાળા વેળા તોલ્સ્તોયે પણ અા બાબતની વિગતે વિચારણા કરી છે અને લખી છે. કાલ્પનિક કથાઅોનો સ્વીકાર એ કરી નહોતા શકતા. તે જ રીતે અાપણા ધર્મગ્રંથોમાંથી મનઘડત તારણો ખેંચી કાઢી પ્રચારક બનતા દાંભિકો પ્રત્યે પણ એમને કટુતા રહેલી. હા, અાને કારણે એમની અાલોચના કરવામાં અાવેલી અને એમને સહન કરવાનું પણ અાવેલું. હા, વળી, એમને ધર્મબહિષ્કાર પણ વેઠવો પડેલો છે. પરંતુ એ છતાં એ ક્યારે ય ચ્યૂત થયા નહોતા. એ પોતાની વાત સતત પણ કહેતા રહ્યા, લખતા રહ્યા તેમ જ ચર્ચાવિચારણામાં મૂકતા રહ્યા.
અમેરિકી નિબંધકાર, કવિ અને દાર્શનિક રાલ્ફ વાલ્ડો એમરસન (૨૫ મે ૧૮૦૪ – ૨૭ એપ્રિલ ૧૮૮૨), અમેરિકી કવિ, તત્ત્વવેત્તા, લેખક હેન્રી ડેવિડ થૉરો (૧૨ જુલાઈ ૧૮૧૭ – ૬ મે ૧૮૬૨), અંગ્રેજ દાર્શનિક, કળા-વિવેચક અને કવિ જ્હોન રસ્કિન (૮ ફેબ્રુઅારી ૧૮૧૯ – ૨૦ જાન્યુઅારી ૧૯૦૦), તમારા અા મહા ઋષિ લેવ નિકોલાયેવિચ તોલ્સ્તોય (૯ સપ્ટેમ્બર ૧૮૨૮ – ૨૦ નવેમ્બર ૧૯૧૦) તેમ જ અમારા પેલા મહાત્મા, મોહનદાસ કરમચંદ ગાંધી(૨ અૉક્ટોબર ૧૮૬૯ – ૩૦ જાન્યુઅારી ૧૯૪૮)એ અાપણને અા ક્ષેત્રે અગત્યનું માર્ગદર્શન કરેલું જ છે. અા દરેકે વાણી અને વર્તનમાં ભેદ કર્યો જ નહીં. જે વિચારતા, તેમ લોકો સુધી તે પહોંચાડતા અને પાછું તે અનુસાર જીવન પણ જીવતા રહ્યા. અા બધામાં, ગાંધી એક ડગલું અાગળ નીકળી ગયેલા. કેમ કે એ કર્મશીલ હતા. પોતાના વિચારો, કોમ વચ્ચે લોકો સુધી, પહોંચાડવા માટે એમણે ઘણો દાખડો કરેલો. પ્રથમ પહેલાં એ દક્ષિણ અાફ્રિકે ઝઝૂમ્યા અને ત્યાં તેમનું કામ ચાર ચાસણી સોજ્જું નીવડેલું. અહિંસાની અણનમ તાકાતના એ ત્યાં અદ્વિતીય ધણીધોરી પૂરવાર બન્યા. ત્યાર બાદ, સન ૧૯૧૫ પછી, એ હિંદ પહોંચ્યા અને ત્યાં કાયમી નિવાસ કર્યો.
એમના અા કર્મશીલ જીવને, એમનાં વિચારદર્શને, એમનાં લખાણે તેમ જ એમની રજૂઅાતોએ નવી હવા ઊભી કરેલી. અા દરેક ભારત ભરમાં અગત્યની ભૂમિકા ભજવતા થઇ ગયેલા.
ભારતના સંદર્ભમાં, ‘પંચ તંત્ર’ની વાર્તાઅોનું અગત્યનું સ્થાન છે. સૈકાઅોથી અા વાર્તાઅો અમારા સમાજમાં સદાબહાર વહેતી રહી છે. યુગોથી અા વાર્તાઅોનું સ્થાન ભારતમાં અજબગજબનું રહ્યું છે. ઉપર તળે અાખા મુલકમાં લોકો અા વાર્તાઅો કહેતા રહ્યા છે અને ઘરેલુ તેમ જ જાહેર જીવન માટે તેનાં અોઠાં ઉપયોગમાં લેવાતાં અાવ્યાં છે. પછીના વરસોમાં, ‘હિતોપદેશ’ની વાર્તાઅોએ પ્રવેશ કર્યો. પશ્ચિમના વાતાવરણમાં, કદાચ, અાપણે સૌ તેને ‘ઈસપ્સ ફેબલ્સ’ તરીકે પહેચાનીએ છીએ. વળી, અમારાં મહાકાવ્યો – ‘રામાયણ’ તથા ‘મહાભારત”માંની વાર્તાઅો પણ સમય જતાં અમારા સમાજમાં અગત્યની બનતી રહી. અાવી બીજી વાર્તાઅો અને તેની વાચનાઅો પણ મહત્ત્વ ધારણ કરતી અાવી.
અાપણે જોયું છે તેમ, એક પા, એક સમે ગાંધીની અસર સમૂળા દેશ પર છવાયેલી રહી, તો બીજી પા, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ય બોલબાલા થવા માંડેલી. અા સમે રામકૃષ્ણ પરમહંસ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ સમા અનેક મહારથી વચ્ચે ગાંધી અને રવિ ઠાકુરની યુતિએ ભારતને ઘડવામાં મહત્તર ફાળો અાપેલો છે. રવિ ઠાકુરનાં ગીતો, એમનું સંગીત, એમનું સાહિત્ય અનુપમ જ રહ્યાં છે, પરંતુ તેમનાં નિબંધો, તેમના વિચારો, કેળવણી માટેનું એમનું દર્શન અને ‘શાન્તિનિકેતન’ સરખી સંસ્થાની રચનાએ અમારે મુલક નવી હવા પેદા કરેલી. અનેક બાળકો, અનેક યુવાનો માટે ‘શાન્તિનિકેતન’ અગત્યની પીઠિકા પૂરવાર થઈ છે. ભારતીય સમાજની સિકલ ફેરવવા માટે તે એક અાગવી પ્રયોગશાળા સાબિત બની છે.
અાપણે અહીં પૂર્વ ભારતની વાત કરી. હવે અાપણે પશ્ચિમ ભારત પરે દૃષ્ટિ કરીએ. અને ત્યાં ગુજરાત સ્પષ્ટપણે નજરે ચડે છે. અા યુગમાં ગાંધી ઉપરાંત, ગિજુભાઈ બધેકા, તારાબહેન મોડક, હરભાઈ ત્રિવેદી, નાનાભાઈ ભટ્ટ સરીખાં ઊંચાં ગજાંનાં લોકોનું તપ જોવા મળે છે. ગિજુભાઈએ તે ચીલાચાલુ શિક્ષણપ્રથાની તોલે નવી પ્રથા દાખલ કરી. માદામ મારિયા મોન્તેસોરીએ દીધી પરિકલ્પના અનુસાર કેળવણી એમણે દાખલ કરી અને તેને વરી, નખશિખ વળગી રહ્યા. અાઠનવ દાયકા પહેલાં એમણે અને સાથીદારોએ જે તપ કર્યું તેને કારણે અનેક બાળકો, યુવાનો, પરિવારો પાણીદાર બન્યાં. તેને કારણે ગુજરાતને જોમવંત બાળસાહિત્ય પણ મળ્યું. અા કેળવણીમાં માદામ મોન્તેસરીની અસર તો ભાળીએ જ છીએ, પણ તેની પાછળ ચાલકબળ તો ગાંધીનું રહેલું, તે સ્પષ્ટ સમજાય છે. અા સૌની કેળવણીના પાયામાં સદાચાર તેમ જ નીતિશાસ્ત્ર, અલબત્ત, હતાં જ હતાં. તારબહેન સંગાથે ગિજુભાઈએ ૧૯૨૫ના અરસામાં, ‘નૂતન બાળ શિક્ષણ સંઘ’ની રચના કરેલી. કહે છે કે ગાંધીને ૧૯૧૫ના અરસાથી મોન્તેસરી શિક્ષણપ્રથામાં રસ હતો. ૧૯૩૧માં લંડન ખાતેની એમની જ એક સભામાં પણ ગાંધીએ તેની અગત્ય િપછાણી રજૂઅાત કરેલી તેવી નોંધ વાંચવા મળે છે.
અાવું દક્ષિણ ભારતમાં પણ બનેલું. ડૉ. જ્યોર્જ અને રુક્મિણી અરૂન્ડેલની સંસ્થામાં ય જોવા સાંપડે છે. ૧૯૩૯ના અરસામાં મારિયા મોન્તેસરી ભારતની મુલાકાતે અાવેલા અને દેશભરમાં ફરી વળેલાં, તેને કારણે શિક્ષણક્ષેત્રે એક પ્રકારની નવી હવા પેદા થયેલી. નવું વાતાવરણ અાવ્યું અને બાળકો અને યુવાનોનાં શિક્ષણમાં નવું જોમ પણ અાવ્યું.
અમારા ગુજરાતના અા દૂરંદેશ બાળકેળવણીકાર ગિજુભાઈ બધેકાએ તો પછી એકમેકથી ચડિયાતી બાળાવાર્તાઅો અાપી. દરેક વાર્તામાં સદાચાર ભળતો, નીતિશાસ્ત્ર ઝવતો રહેતો. અાજે પણ અા વાર્તાઅો અનેકોને માટે ચોટદાર તેમ જ રોચક છે. અા વાર્તાઅો વાટે અનેક પેઢીઅોનું સિંચન થયું છે. અાવી વાર્તાઅોને અાજની કેળવણીમાં ફેર સ્થાન મળે તો અાજના સમાજની કેટલી બધી મુશ્કેલીઅોને નિવારી શકાય તેમ છે. અા સઘળી વાતો લોકપ્રિય છે અને અાજે ય તેનું પારાવાર મૂલ્ય છે.
અને પછી બીજા કેટલાકોની સાથે રમણલાલ સોની, હરિપ્રસાદ પંડયા અને જીવરામ જોશી પણ અાવ્યા. અા દરેકે સરસ મજેદાર બાળવાર્તાઅો અાપી છે. અામાંની ઘણી લોકપ્રિય વાર્તાઅો બની છે. તેમાં ય બકોર પટેલ અને શકરા પટલાણીની ઢગલાબંધ વાર્તાઅોનો જોટો, કદાચ, વિશ્વ બાળવાર્તાઅોમાં ય મેળવવો કઠિન સાબિત થઈ શકે છે.
અા પહેલાં રવીન્દ્રનાથ ટાગોરની વાત અને એમનાં કામોની વાતનો ઈશારો કરેલો જ છે. ગુજરાતમાં, એક બાજુ સુરત પાસે રાનીપરજ વિસ્તારમાં જુગતરામ દવેએ અને ભાવનગર અને તેની ચોપાસ નાનાભાઈ ભટ્ટે શિક્ષણને ક્ષેત્રે ઇતિહાસ સર્જી બતાવ્યો છે. કેળવણી ક્ષેત્ર માંહેના એમના નવતર પ્રયોગોએ નવી હવા પેદા કરેલી. બંને વ્યક્તિઅો અમારા માહોલમાં જીવતી જાગતી પ્રયોગશાળાઅો હતી. અને એમણે અમારા યુવાધનને વાળવામાં બળવત્તર કામ કરેલું છે. ગાંધીવિચાર અને પાયાની કેળવણીના અનેક પ્રયોગો કેળવણીના અા મથકોમાં થતા રહેલા અને તેને કારણે સદાચારી અને નીતિમત્તાવાળું નવયૌવન જાગૃત થયા કરેલું. અહીં કેળવણીની તરાહ અલગ શી હતી. કૃષિ તથા કૃષિ અાધારિત ગ્રામોદ્યોગોને અભ્યાસક્રમમાં કેન્દ્રગામી અગત્ય મળેલાં અને તેને કારણે ગામડાંઅોના બનેલા અમારા દેશને નવું જોમ મળતું થયેલું. જુગતરામ દવે તેમ જ નાનાભાઈ ભટ્ટ ઉપરાંત, હરભાઈ ત્રિવેદી, ચુનીભાઈ શાહ, મૂળશંકર ભટ્ટ, મનુભાઈ પંચોળી, નટવરલાલ બૂચ, ચુનીભાઈ ભટ્ટ, મનસુખરામ મોરારજી જોબનપુત્રા, ડોલરરાય માંકડ જેવા જેવા અનેકોએ મુલકની િસકલ બદલવા રાતદહાડો જહેમત ઉઠાવેલી; અને એમની મહેનત લેખે પણ લાગેલી છે.
વિચારજો, મિત્રો, પ્રજાસત્તાક ભારતના ત્રીજા રાષ્ટૃપતિ, ડૉ. ઝાકીર હુસૈન અાવી પરંપરાના જ ફરજંદ હતા. એમની પેઠે વર્ધામાં રહી ‘હિન્દુસ્તાન તાલીમ સંઘ’ ચલાવનાર ડૉ. ઇ. ડબલ્યૂ. અાર્યનાયકમજીએ પણ પાયાની કેળવણી ક્ષેત્રે બહુ મોટો ફાળો અાપેલો. અા અને અાવાં અનેક લોકોને કારણે કેળવણીમાં નવું વાતાવરણ પેદા થઈ શકેલું. સદાચાર અને નીતિશાસ્ત્રનાં તાણાંવાણાં અા ક્ષેત્રે નવી છાપ મૂકતાં ગયાં છે.
અને અાટલું કમ ન જાણજો; અા પહેલાં મેં ગૂજરાત વિદ્યાપીઠની જિકર કરેલી જ છે. સન ૧૯૨૦ના અરસામાં, મહાત્મા ગાંધીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેને સારુ એક સૈકા માટે ફક્ત દસકો જ ખૂટે છે. અાટઅાટલાં વરસોથી કેળવણીની અા સંસ્થા અસ્તિત્વમાં છે અને સક્રિયપણે કામ પણ કરે છે. ગાંધીવિચાર પ્રમાણે ચાલતી કેળવણીની અા એક ભારે અગત્યની સંસ્થા છે. રવીન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શાન્તિનિકેતનની પેઠે અા પણ ભાતીગળ સંસ્થા છે. તમે ક્યારેક ભારત જાઅો ત્યારે અા સંસ્થાની તમે મુલાકાત લેવાનું જરૂર રાખજો, તમને ગમશે.
નિ:શંકપણે, અમારાં બાળકો અને યુવાનોનાં શિક્ષણમાં સદાચાર તથા નીતિશાસ્ત્રને અાવરી લેવામાં અાવે તે જોવા ગાંધી હકીકતે સફળ રહ્યા હતા. પોતાના ઠોસબધ્ધ સાંસ્કૃિતક વારસા સિવાય પશ્ચિમે પણ ગાંધીના વિચારોનું ઘડતર કરેલું છે. અને તેમાં બાયબલ, યુનાઇટેડ સ્ટેટ્સ અૉવ્ અમેરિકાના એમરસન તથા થૉરો, યુનાઇટેડ કિંગ્ડમના જ્હોન રસ્કિન તેમ જ ખુદ તમારા મુલકના લેવ તોલ્સ્તોયનો ય બહુ મોટો ફાળો છે. ગાંધી વાટે પણ અા દરેકની અમારા ઉપર ધ્યાનાકર્ષક અસર પેદા થયેલી છે. અા પહેલાં કહ્યું છે તેમ, ગાંધીની સફળતાનાં મૂળ એમની સક્રિયતામાં જોવાનાં સાંપડે છે. એ છેવટ સુધી કર્મશીલ હતા અને તેને કારણે ઘણી મોટી અસર ઊભી કરી શકેલા. પરિણામે, એમને અનેક સાથીસહોદરો અને અનુગામીઅોનો સાથ સહકાર મળતો રહેલો. અને તેને કારણે બહુ મોટું જાણે કે અાંદોલન પેદા થઈ શકેલું. વળી, નાના નાના અનેક લોકો, હજારોની સંખ્યામાં, એમની સાથે જોડાયેલા રહ્યા હતા. અાજે પણ તમને અા જોવા મળે. અામ એમની અસરનો પટ મહાસાગર સમો વિશાળ જોવા અનુભવવાનો મળે છે.
જો કે હવે સમય બદલાયો છે. અાંધળા અૌદ્યોગિકરણ, વૈશ્વીકરણ, ગ્રાહકવાદ, અાતંકવાદ, ગુનાઅોનું રાજકારણ અને શાસન પરેની બહુ જ મોટી તાબેદારી વચ્ચે અાજકાલ અાપણે જીવવા અારો અાવ્યો છે. અને પરિણામે, અાથી, અનેક પ્રકારના કોયડાઅો ઊભા થયા છે. ગ્રામજીવન અવળે માર્ગે ફંટાઈ ચાલ્યું છે. નગરજીવનની વધારે પડતી બોલબાલા ઠોકાઈ છે. કૃષિ અાધારિત ગૃહઉદ્યોગો રફદફે થઈ રહ્યા છે. કુટુમ્બવ્યવસ્થા તૂટતી રહી છે. અારંભે બહોળું કુટુમ્બ હતું અને તેમાંથી એકમ અાવી બેઠું. હવે તેનાથી ય અાગળ નીકળી ગયા છીએ અને હવે ખુદવફાઈ સિવાય કાંઈ વર્તાતું જ નથી. અા ‘હું’વાદ વકરતો ચાલ્યો છે. અા સઘળું ચિંતા જગાવતું ચિત્ર છે.
બીજી પાસ જોઈએ તો ધર્મ પણ માર્ગ અને ભાન ભૂલતો જાય છે. અને તે ઉપરાંત, બીજી પાસ, ધર્મની સંસ્થાઅો સંસ્થાનમાં ફેરવાતી રહી છે અને તેની પકડ રોજ બ રોજ અાકરી બનતી જાય છે.
જેમ જેમ શાસન પરેનો મદાર વધતો ગયો છે તેમ તેમ, તેથી વિપરીત પરિસ્થિતિ વિશેષ વકરતી જાય છે. બાળકો અને તેમને કેળવણી અાપતી સંસ્થાઅોમાં વેપાર પેઠો છે. તેને કારણે શિક્ષણનું વેપારીકરણ થવા લાગ્યું છે અને વેપારઉદ્યોગનો પગપેસારો જામતો જતો જાય છે. શિક્ષણ પણ બજારની જ એક રૂખ હોય તેમ હવે વેપારની જણસ બનતી ચાલી છે.
અા વચ્ચે, ભલે, અાપણે શું કરી શકીએ ?
કદાચ, જવાબ લિયો તોલ્સ્તોયનાં દર્શનમાં અને લખાણોમાં છે; ગાંધીનાં દર્શનમાં અને લખાણોમાં ય છે. અાજે પણ તે સઘળાં પ્રસ્તુત છે જ છે. અાપણાં સરીખાં લેખકો પર, અાથીસ્તો, જવાબદારી વિશેષ અાવે છે. અા વિષે વિચારવાનું, ઉચિત લખવાનું અને સતત કહેતા ફરવાનું અાપણા પર હવે બહુધા નિર્ભર હોય તેમ લાગે છે. અાપણી કવિતા, અાપણી નવલિકાઅો, અાપણી નવલકથાઅો, અાપણાં નિબંધોને અાપણે સરાણે ચડાવવાં જ જોઈએ. તે પાસેથી કામ લેતાં શીખવું રહેશે.
અાશરે ત્રણેક દાયકા ઉપરના સમયગાળાથી યુનાઇટેડ કિંગ્ડમમાં રહીને પ્રવૃત્ત રહ્યો છું. એ સઘળાં કામોને ધ્યાનમાં લઈ, પૂછી શકાય કે, અાપણને સફળતા સાંપડી શકે તેમ છે કે ? કદાચ હા; કદાચ ના. પરંતુ અાપણે તો વળી કોણ ન્યાય તોળવાવાળા ? અાપણે લેખકોએ જ, અાથીસ્તો, ઉત્પ્રેરક બનવાની અાવશ્યક્તા છે. બાકી સઘળું પરિણામ, ચાલો, ઇતિહાસને હવાલે કરી દઈએ.
સૌ પહેલાં અાપણા ખુદમાં નિષ્ઠા પાકી થવી જોઈએ. હા, મજબૂત નિષ્ઠા. ચાલો, અાપણે અાને જ અાપણું જીવનલક્ષ્ય બનાવીએ.
છેવટે કહીશ, લિયો તોલ્સ્તોય, મહાત્મા ગાંધી અાજે ક્યારે ય નહોતા એટલા પ્રસ્તુત છે. અા દાર્શનિકો ક્યારે ય કાળગ્રસ્ત બન્યા નથી અને બનશે પણ નહીં. ચૂક તો કદાચ અાપણી છે; એમને સમજવામાં અાપણે ચૂકીએ છીએ. માટે, ચાલો, અાપણે અાપણી જાતને જ પૂરી નિસ્બત સાથે એક મજબૂત ઠેલો અાપીએ. … … કિરતાર સૌનું ભલું કરજો. … સ્પાસિબો.
(૮ સપ્ટેમ્બર ૨૦૦૭; ત્રીજી બેઠકમાંનું વક્તવ્ય, મૂળ અંગ્રેજી અાધારિત)
પાનબીડું :
દરિયો કિનારાને તરસતો હશે
અમથો વરસાદ કાંઈ વરસતો હશે
હશે એને ય દર્દ કશુંક બહુ ભારે
મેઘો એટલે જ તો ગરજતો હશે.
− ‘બાબુલ’
(૦૮ .૦૪. ૨૦૧૦, ક્રાઈસ્ટચર્ચ)
(સૌજન્ય : 'ઓ રસિયા ! આ રશિયા !!' નામક લેખકની લેખશ્રેણી)