તા. 7-4-1947
નવી દિલ્હી
બાપુજી ઉપરની આજની ટપાલ બહુ ‘રમૂજી’ હતી. કેટલાંક કવરના સરનામા પર ‘મહમૂદ ગાંધી’ હતું. કેટલાક બાપુજીને સામ્યવાદી ગણે છે, અને વળી કેટલાક તો ઝીણાસાહેબના ગુલામ પણ કહે છે. બાપુજીને મેં આ બધી ટપાલ વંચાવી. બાપુજીએ હસતાં હસતાં લખ્યું, “મહાત્માનો ઈલકાબ પણ લોકોએ જ આપેલો છે, ‘બાપુ’નો ઈલકાબ પણ લોકોએ (પરંતુ અંગત ગણાતાં માણસોએ) આપેલો છે; તો આ બધા ઈલકાબો પણ લોકો આપે તેને મારે વધાવી લેવા જોઈએ ના?”
હમણાં સખત ગરમીને કારણે બાપુજી ૯ વાગ્યામાં જ જમી લે છે. ખોરાક તો ગરમીને લીધે સાવ ઓછો કરી નાખ્યો છે.
અહીં વર્ષોથી રહેનારા લોકો પણ કહે છે કે, આ સાલની ગરમી અસહ્ય છે. અમે તો આવી અસહ્ય ગરમી જોઈ જ નથી. એવી જ ગરમી રાજકીય વાતાવરણમાં છે. એટલે માણસોના મગજની ગરમીને કારણે કદાચ કુદરતી ગરમી વધુ લાગતી હોય એ સંભવ છે. બાપુજીને તો આ બંને જાતની ગરમી ઠંડા મગજે સહન કરવી પડે, એ કેવી આકરી કસોટી હશે? દેશની પરિસ્થિતિ જેઈને તેમના હૃદયમાં જે દાવાનળ સળગી રહ્યો છે, તે આ બાહ્ય ગરમી આગળ કંઈ જ વિસાતમાં નથી. અને એથી ચોવીસે કલાક પોતે આત્મચિંતનમાં કાઢે છે. છતાં ય એ જ હાસ્યમય ચહેરો અને એનો એ જ એમનો પ્રેમ તો પળે પળે નીતરે છે. એમની પાસે નાનો ગોપુ આવે કે કોઈ દેશી કે પરદેશી વિદ્વાન આવે, બંનેની સાથે એવી રીતે વર્તે કે, બંનેને એમ જ લાગે કે બાપુએ પિતાને બહુ મહત્ત્વ અને માન આપ્યું. જેવો સમય હોય તે સમયનો પોતે આવો સદુપયોગ કરી આનંદ તો બંને સ્થિતિમાં મેળવે જ.
આવું આજે સાંજે પ્રાર્થના પછી બન્યું. પ્રાર્થનામાં જ બાપુજીનું મૌન ખૂલી ગયું હતું, તેમણે પ્રવચન સંભળાવ્યું.
પ્રવચનમાં બાપુજીએ આજની આવેલી ટપાલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “મારી ઉપર જે આરોપો મૂકવામાં આવે છે, તેથી હું ડરતો નથી. કારણ કે હું તો ગીતાનો, કુરાનનો, બાઇબલનો, જરથોસ્તનો વગેરે બધા ધર્મનો અભ્યાસી છું. અને એ દાવે આવા બધા આરોપ સહન કરવાની ભગવાન આપોઆપ જ મને શક્તિ આપે જ છે મને તો દરેક ધર્મના ધર્મગુરુઓ જે કહી ગયા છે તેમના વચનામૃતો પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે. એટલું જ નહીં, પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, જેઓ મારી પર આરોપો મૂકે છે તેઓ પર મને કદી ય ગુસ્સો ન આવે, પણ તેઓ કદાચ મને ગોળીથી વીંધવા તૈયાર થાય તો હું હસતે મોઢે ભગવાનનુ સ્મરણ કરતો કરતો જ મરું. મારી ખાતરી છે કે, જો હું મારા નિર્ણય પર તન મનથી (વળગી) રહીશ તો અને સાચા દિલથી જો હિંદુ અને મુસલમાન ધર્મોની રક્ષા કરતો હોઈશ તો મારી આ પ્રાર્થના ઈશ્વર સાંભળ્યા વગર નહીં જ રહે. તમે મારાં આ વચનો નોંધી રાખજો. અને તમને કહું છું કે, મને મારનારને જો હું અંતિમ ઘડીએ ગાળો દઉં કે ગુસ્સો કરું તો મને ફિટકારજો અને કહેજો કે, આ તો ‘દંભી મહાત્મા’ હતો. તમે જાણે છો ના કે આજની દુનિયામાં આવા દંભી મહાત્માઓ બહુ પડ્યા છે. પણ આજે હું અંત:કરણથી કહું છું કે મારા મનમાં કોઈનું ભૂંડું કરવાની લવલેશ પણ કલ્પના છે જ નહીં. તો તો મારી અહિંસા અને સત્ય બંને લાજે …”
“બદલો લેવાની ભાવના છોડીએ. કોનો બદલો લેવો છે? બદલો લેનાર અને બદલો લેનાર એક સર્વશક્તિમાન આપણા પર છે તે શ્રદ્ધા ન ગુમાવીએ.”
“જે ભૂમિ અમર હિમાલયથી રક્ષાયેલી છે, જ્યાં ગંગા જમના જેવી પવિત્ર નદીઓ વહે છે, ત્યાં શું આપણે આપણો નાશ હિંસાથી કરીશું? એવા કમનસીબ દિવસો જોવા ઈશ્વર મને તો ન જ જીવાડે, એ મારી અંતઃકરણપૂર્વક ઈશ્વરને પ્રાર્થના છે.”
[મનુબહેનની ડાયરીમાંથી : ‘બિહારની કોમી આગમાં’]
28 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 268