‘જે હાક સાંભળીને ઊભા થયા નહીં … માણસ અને મડાંનો મતલબ બતાવ તું’
મારા મહેરબાનો ! હું ય તમારી જોડાજોડ અદમ ટંકારવીનું બહુમાન કરવામાં સહૃદય સામેલ છું. ઊભો થયો છું “અોપિનિયન”કાર રૂપે; પરંતુ અકાદમીનું છોરું છું, તેથી તે વડેરી સંસ્થા વતી પણ, ટટ્ટાર, ખડા રહેવાની અહીં ચેષ્ટા છે.
દાયકાઅો પહેલાં, સાંભરી અાવે છે, મરહૂમ અંજુમ વાલોડીનું કેન્દ્રીય અકાદમીવતી માતબર બહુમાન થયેલું. તેમ મહેક ટંકારવી તેમ જ દિવંગત ભાનુશંકર અોધવજી વ્યાસનું પણ તત્કાલીન ગુજરાત સરકારે ઉચિત કદર કરેલી. હજુ હમણાં, અદમ ટંકારવી ઉપરાંત બળવંત નાયક અને જગદીશ દવેને ય તળ ગુજરાતની અવ્વલ સાહિત્યિક સંસ્થાઅોએ પોંખેલા.
અવસરે અતિથિ વિશેષ લૉર્ડ નવનીત ધોળકિયાને હાથે સ્મૃિતચિહ્ન સ્વીકારતા અદમ ટંકારવી. પડખે અહમદ 'ગુલ' છે, જ્યારે પાછળ પ્રફુલ્લ અમીન તથા ભારતી વોરા દૃષ્ટિમાન છે.
પરંતુ અા વેળાની તદ્દન નોખી વાત બની છે. અહીં તો મુંબઈસ્થિત સંસ્થા, ‘ઇન્ડિયન નેશનલ થિયેટરે’, અદમ ટંકારવીનું તાજેતરમાં બહુમાન કર્યું છે – ‘કલાપી પારિતોષિક’ વડે. અને હું ય પોરસાઉં છું. અને અદમભાઈનાં દુખણાં લઈ લઈને અમે ય અા વધાઈમાં હાજરાહજૂર છીએ.
“મુંબઈ સમાચાર”માં ‘ચિટચેટ’ નામે સ્થંભ અાવે છે. સંચાલક નંદિની ત્રિવેદીએ, ગયા અૉગસ્ટ દરમિયાન, અાદમ ઘોડીવાળા ઉર્ફે અદમ ટંકારવી સાથે, એકવાર વાતચીત માંડી હતી. તેમાં એક સવાલ હતો : ‘તમારે માટે સૌથી મૂલ્યવાન શું ?’ તો જવાબમાં અા પારિતોષિક મેળવનાર સજ્જન કહેતા હતા : ‘પરમ તત્ત્વ સાથે સંવાદ રચાય અને માલિક રાજી થાય એવું જીવન જીવાય એ મારે માટે સૌથી અગત્યનું છે. દુનિયામાં રહીએ પણ દુનિયાના નહીં – અલિપ્ત રહીને કર્મ કરતાં રહેવાનું.’
વાહ ! વાહ !! − કહેવાનું જ મન થાય. … ખેર !
હર્ષદ ત્રિવેદી સંપાદિત “શબ્દસૃષ્ટિ”ના, ‘કવિતા અને હું’ કેન્દ્રગામી વિષય જોડાજોડ, ‘દીપોત્સવી વિશેષાંક : ૨૦૧૧’માં અદમ ટંકારવી ‘ગઝલાષ્ટક’ લઈને અાવે છે. અારંભે જ ખુદને સવાલે છે : ‘શબ્દ ક્યાંથી જડ્યો ?’ અને પછી, પોતે જ જવાબ વાળે છે : ‘એ પ્રશ્નનો સાફસૂથરો ઉત્તર હજુ જડ્યો નથી.’ અને પછી અદમસાહેબની શબ્દ-ગાડી દોડવા લાગી છે :
‘મારા ગામ ટંકારીઅાની ગામઠી શાળામાં દાખલ થયો ત્યારે શિક્ષણનું માધ્યમ હતું ઉર્દૂ. બે વર્ષ પછી અાઝાદી અાવી, અને શાળાએ ગુજરાતી માધ્યમ અપનાવ્યું. ઘરમાં, ગામમાં ગુજરાતી બોલાય પણ તે પ્રશિષ્ટ નહીં. એમાં ઉર્દૂની છાંટ અને બોલી ભરૂચી. પરભાતિયાં, હાલરડાં એવું કશું સાંભળવા ન મળે. ગામમાં પુસ્તકાલય નહીં. હાઇસ્કૂલમાં ગયો ત્યારે પ્રથમવાર “ઝગમગ”, “રમકડું” અને ગોલીબારનું “ચક્રમ” જોયું. હઝલસમ્રાટ ‘બેકાર’ની એક દીકરી અમારા ગામમાં પરણાવેલી. વરસેદહાડે તેઅો ટંકારીઅા અાવે અને બેત્રણ દિવસ રોકાય. અમે તેમની પાસે બેસી શાયરોની, મુશાયરાની વાતો સાંભળીએ. પછીથી તેમનું સામયિક “ઇન્સાન” વાંચતો થયો.
‘“ઇન્સાન”માં વાંચ્યું કે, સુરતમાં એક તરહી મુશાયરો છે, જેની પંક્તિ છે : હવે લાગી રહ્યું છે વારતા પૂરી થવા અાવી. ત્યારે હું નવમાં ધોરણમાં ભણું. મને થયું અા પંક્તિ પર ગઝલ લખું. છંદનું ભાન નહીં, પણ લય પકડાય. “ઇન્સાન”માં ગઝલો વાંચીને કાફિયા, રદીફની સમજ પડેલી. ઉપનામ રાખ્યું અદમ. નામ અાદમ, એમાંથી કાનો કાઢી નાખ્યો. ગામનું નામ ટંકારીઅા, તેથી સાથે જોડ્યું ટંકારવી. પંક્તિને અાધારે પ્રથમ ગઝલ લખાઈ તેમાં શૅર અાવ્યો :
જખમ જીવલેણ છે તેનો તમે કંઈ શોક ના કરશો,
મને સંતોષ છે કે, બે ઘડી તમને મજા અાવી.
‘જખમ હતો એ નક્કી. શેનો ? તેની ગતાગમ નહીં.
‘અાલમેઅરવાહમાંથી છૂટા પડ્યા તો – વિચ્છિન્નતાનો હોય, શબ્દ એને રૂઝાવશે એવી અપેક્ષા હોય. એ ગઝલમાં અન્ય શૅર અાવો :
તમારા સમ સિફતથી મેં જ દિલને સાચવી લીધું,
જગતમાં તો ઘણી ચીજો મને લલચાવવા અાવી.
‘કદાચ, ગઝલની દાબડીમાં દિલ સચવાશે એવી હૈયાધારણા હોય.
‘એ અરસામાં વાર્તાકાર વલીભાઈ પટેલ કોક લગ્નપ્રસંગે અમારે ગામ અાવેલા. એમને અા પ્રથમ ગઝલ “ઇસ્લાહ” માટે અાપી. ગઝલ વાંચી એમણે કહ્યું : વજનમાં છે, શેરિયત છે, “ઇસ્લાહ”ની જરૂર નથી. “ઇન્સાન”ને પ્રગટ થવા સારુ મોકલ. મોકલી. બીજે મહિને “ઇન્સાન”માં પ્રગટ થયેલી જોઈ મોં જોણાંનો અાનંદ અનુભવ્યો !’
વારુ, ‘કૂંડાળું’ નામે અદમ ટંકારવીની એક અછાંદશ કવિતા છે.
કવિતાનું કૂંડાળું
સવર્ણ સંવેદન
વર્ણીય વિશ્વદર્શન
અાભડછેટિયા અભિવ્યક્તિ
ન્યાતીલું નિરૂપણ
મરજાદી મર્મ
ભદ્ર ભાષાકર્મ
અછૂત / હડધૂત / વંચિત / શોષિત / પીડિત /
વ્યથિત
કૂંડાળા બહાર
સમાજાભિમુખ કવિતા ?
સમાજ એટલે અમે −
પેલા નહીં
સમાજ એટલે પહેલા −
છેલ્લા નહીં
બહુજનસમાજ તમારી કવિતાને અડતો નથી
કેમ કે,
તમારી કવિતા બહુજનસમાજને અડતી નથી
ડિસેમ્બર 2009 વેળા, કવિનો એક કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે. નામ છે : ‘અોથાર’ ૨૦૦૨. બધું મળીને 41 કૃતિઅો છે, ને તેમાં છ જ ગઝલ છે. બાકીની સઘળી અછાંદશ. પ્રકાશ ન. શાહ સંગ્રહને ‘મહેણું ભાંગતી મથામણ’ કહીને જણાવે છે : ‘જુગતરામ દવેએ વેડછી પંથકમાં અાદિવાસી શિક્ષણની જે ધૂણી ધખાવી, દર્શક એને એકલવ્યનું પ્રાયશ્ચિત કહેતા. એક રીતે, અદમ ટંકારવીની અા સર્જક મથામણ એ કૂળની છે.’ અને પછી એ ઉમેરે છે : ‘તળ ગુજરાત, એની કથિત મુખ્યધારા, છેવટે તો અાપણ સૌ 2002ના ઘટનાક્રમના સંદર્ભમાં જે દાયિત્વ નથી નભાવી શક્યા એનું મહેણું અહીં ડાયસ્પોરી છેડેથી કંઈકે ભાંગી રહ્યું છે.’
‘સંવેદનબધિર ચૂપકીદીને ચીરતી એક ચીસ જેવી’ અા રચનાઅો અંગે ડંકેશ અોઝાએ તો મજબૂતાઈએ ‘એક ગ્રામ સત્ય’ ચિંધી બતાવ્યું છે. ડંકેશભાઈના કહેવા મુજબ, ‘ગુજરાતીમાં સાંપ્રત ઘટનાઅોની પ્રતિક્રિયારૂપે સાહિત્ય પ્રમાણમાં અોછું લખાય છે. હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઅોની સરખામણીએ ગુજરાતી સાહિત્યકાર વધુ ઠાવકો, વિવેકી હોય એવું લાગ્યા કરે છે ! શું કારણ હશે ? અાવા વિષયે કોઈ સામાજિક સંશોધન થતું નથી. અાશા રાખીએ કે એકવીસમી સદી અાવા સંશોધનની પણ સદી બની રહે !’
ડંકેશભાઈ કહે છે તેમ ‘ઢાઈ અક્ષર પ્રેમકા’નો કબીરી સંદેશ કે ‘રઘુપતિ રાઘવ રાજારામ’નો ગાંધી સંદેશ અાપણાને પચ્યો નહીં અને જચ્યો પણ નહીં. અાપણે તો શુદ્ર-ભદ્ર, કૌંસ-ક્રોસના અક્ષરોમાં અટવાતા રહ્યા. ‘પહેલે કસાઈ, બાદમેં ઇસાઈ’ના ભીંતલખાણો ચિતરતા રહ્યા અને ‘તેરી મેરી ક્યા હૈ સગાઈ ? હમસબ હૈ ભાઈ-ભાઈ’ વાળી વાતનો મર્મ ન પામી શક્યા. કારણ :
સાક્ષરશ્રી ‘સ’ વાળું પૃષ્ઠ ખોલવા મથે
ને સામે અાવે ‘ન’ વાળું પૃષ્ઠ
ને તેમાં ન્યાત શબ્દ પછી અાવે
ન્યાય
હવે શું થાય ?
સુજ્ઞશ્રી મૂંઝાયખિજાયધૂંધવાયકિન્નાયગિન્નાય
ગુજરાતી કક્કામાં અાવે ‘સ’ની પહેલાં ‘ન’
કનડગતનું કારણ કક્કાનું ઘડતર હતું અને તેથી જ પોતાનો કક્કો ખરો કર્યો !
‘2002નો પ્રગટ ઉલ્લેખ અને અાક્રોશ કાવ્યસંગ્રહમાં હોય તો તેની કવિને અાભડછેટ નથી, બલકે અોથાર તો એમને ઉતારવો છે જો ઉતારી શકાય તો !’ ડંકેશભાઈ વધુમાં જણાવે છે તેમ, ‘પરંતુ તે અતિ મુશ્કેલ છે. લોકસંગીતની માફક, કવિતા મારફત કવિ સમુદાયનું ઋણ ફેડવા કલમ ઉઠાવે છે, અને ઊઠે છે એક ચીસ, જે ‘અોથાર’ના પાને પાને સંભળાય છે અને બે કાને અાડા હાથ દેવા વાચકને મજબૂર કરે એવી તીવ્રતા તેની છે.’
કવિને માટે સવાલ સીધો−સાદો છે; પરંતુ અાપણા દરેક માટે ? લો, વાંચીએ :
જેના પર તલવાર ઝીંકાય એ ગરદન તમારી હોય તો ?
જે અાગમાં ફંગોળાય એ સંતાન તમારું હોય તો ?
જે ગોળીથી વીંધાય એ ભાઈ તમારો હોય તો ?
જે સળગાવાય એ ઘર તમારું હોય તો ?
જે લૂંટાય એ દુકાન તમારી હોય તો ?
જે ઘવાય એ સ્વમાન તમારું હોય તો ?
તાત્પર્ય
હું તમે, તમે હું, અદલાબદલી, સ્થાન ફેર
હું ઘરમાં, તમે રાહતછાવણીમાં
હું તાવું, તમે તાવણીમાં
અાશાનું કિરણ છેલ્લી ગઝલમાં વરતાય છે.
અાપણામાં દરેકને ફરી શ્રદ્ધા અને વિશ્વાસનું રોપણ કરવાને સારુ શાયર મથે છે :
ઝમકઝોળઝબ ઝળહળે છે હજી
દિલાસાના દીવા બળે છે હજી
નથી સાવ ઊફરા અધૂકડા અલગ
કદમ અા તરફ પણ વળે છે હજી
અા અાખી ય વસતી નરાધમ નથી
કોઈક દેવુભા પણ મળે છે હજી
સમાયુક્ત સંવેદ સાબૂત છે
કકણકમકમાટી કળે છે હજી
બધાં છિન્ન છૂટાં છવાયાં નથી
કોઈક ક્યાંક તો સાંકળે છે હજી
કોઈ પ્રાણ રેડી ગઝલ ગાય છે
ગઝલ્લીન કો’ સાંભળે છે હજી
છે અાવરદાનાં એય બળિયાં, જુઅો
દયા ડોસી દરણાં દળે છે હજી
હવે અંત ભણી જઉં તેની સાથોસાથ, અા ‘અોથાર’ના શાયર, અદમ ટંકારવીએ, ઉર્ફે અાદમ ઘોડીવાલાએ, 26 અૉગસ્ટ 2003ના “અોપિનિયન” સામયિકમાં, ‘ફૅર પ્લૈ’ નામે એક વિચારશીલ અને રચનાત્મક લેખ અાપ્યો હતો. સંસ્થાકીય કોમવાદને નાથવાને સારુ અાદમભાઈએ કરેલા સૂચનો ભણી ફેર ધ્યાન લગાવવા, સૌને અને દરેકને, અરજ કરી વિરમીશ. લેખક, કવિની અાર્ષવાણી રજૂ કરતાં કરતાં, કહેતા હતા : ‘ગુજરાતના ઝનૂનની અહીંયા અાયાત કરવાને બદલે અહીંની ‘ગુડ પ્રૅક્ટિસીસ’ની ગુજરાતમાં નિકાસ કરવાનો અભિગમ અાપણા માટે અને લાંબે ગાળે ગુજરાત માટે વધુ હિતાવહ લાગે છે. સ્વસ્થ, વિકાસલક્ષી ગુજરાતના નિર્માણમાં રચનાત્મક સહયોગ અાપીને જ અાપણે સાચા અર્થમાં ‘ફ્ૅન્ડ્ઝ અૉવ્ ગુજરાત’ બની શકીએ.’
અા અવસરે અા બધું કહેવાની તેમ જ અાદમભાઈ વિશે બે-પાંચ સારા સારા શબ્દો કહેવાની, સગવડ કરી અાપવા સારુ અાયોજકોનો હું સહૃદય અાભારી છું.
પાનબીડું :
‘ … … પ્રશ્ન અાખા માનવસમાજનો છે. તેને તો સમિધો અને પુષ્પો ચઢાવવા પણ કોઈ જોઈએ છે અને જૂતાં મારવા પણ કોઈક જોઈએ છે ! અૉડને સાચું કહેલું કે, જે માનવજાતે હિટલર અને સ્તાલિન પેદા કર્યા હોય ત્યાં અાપણા પર અાપણને વિશ્વાસ કેમ કરીને રહે ? પછી તો બધા બચાવનામાં અને તે દ્વારા અાને સાચો અને પેલાને ખોટો સાબિત કરવાનું જ રહે કે બીજું કંઈ ? કવિ હર્ષદ ત્રિવેદી તેથી જ કહે છે :
‘જે હાક સાંભળીને ઊભા થયા નહીં
માણસ અને મડાંનો મતલબ બતાવ તું’
− ડંકેશ અોઝા
હેરૉ, 07.11.2011
(સદ્દભાવ : લેસ્ટર મધ્યે, 13.11.2011ના યોજાયેલા ‘અદમ ટંકારવી સન્માન સમારંભ’માં રજૂ થયેલું વક્તવ્ય)
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
સૌજન્ય : “ઓપિનિયન”, 26 નવેમ્બર 2011; પૃ. 15-16