આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર
સૌ વાચકને સાલ મુબારક!
હાલ મુબારક, કાલ મુબારક,
સૌ વાચકને સાલ મુબારક!
બેનડિયુંને બાલ મુબારક,
ને મરદોને ટાલ, મુબારક!
મંતરીઓને માલ મુબારક,
નેતાઓને શાલ મુબારક!
ખુરસી પર બેઠેલાં સૌને,
ગેંડા કેરી ખાલ મુબારક!
વેપારીને માલ મુબારક,
ખાનારાંને છાલ મુબારક!
મુર્ગી નહીં તો દાલ મુબારક,
તિલક નહીં, તો ભાલ મુબારક!
દોટ નહીં તો ચાલ મુબારક,
રાગ નહીં તો રોગ મુબારક!
એક પછી બીજો ધરવાને,
જનતાને તો ગાલ મુબારક!
સૌ વાચકને સાલ મુબારક,
ચલ મન મુંબઈ સાલ મુબારક!
– દી.મ.
*
આજ દિવાળી, કાલ દિવાળી
દિવાળીના દીવા પ્રગટ્યા છે. શેરીમાં, ઘેર ઘેર, ગોખલે, ટોડલે, એટલે કે છજાની કે વરન્ડીની કિનારે કોડિયાં ઝગમગે છે. નાના છોકરાઓની ટોળી ઊંચા રાખેલા હાથમાં જ્યોત ટમટમતા મેરાયા લઈને ઘર ઘર ઘૂમવા નીકળે છે. લલકારતી જાય છે :
આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી,
મેઘ મે…ઘ રાજા, દિવાળીના બાજરા…તાજા
સવારે કુંભારને ત્યાંથી મેરાયું લાવી, કપાસિયા ભરી, વાટ ગોઠવી, તેલ પૂરીને સૌએ તૈયાર રાખ્યું હોય. દિવાળીની બધી ધામધૂમ, ઝાકઝમાળ ને રીતરસમોની વચ્ચે આ હતો માત્ર નાના છોકરાઓનો પોતાનો જ નાનકડો ઉત્સવ. ધનતેરસ(કે ધણતેરશ)ના બમ્બૂડા ફેરવવામાં તો મોટા છોકરા પણ ભળે. શેરીના દરેક ઘરે મેરાયું પૂરાવવા જવાનું. આશીર્વાદ પણ શરતી આપવાનો :
ઘી પૂરે એને ઘેટ્…ટા, તેલ પૂરે એને ટેટ્…ટા
મેરાયામાં ઘી પૂરનારાને ત્યાં બેટો ને તેલ પૂરનારાને ત્યાં બેટી આવવાનું આ વરદાન!
નવા વરસને – બેસતા વરસને મળસ્કે બોદા માટલાના ઠબઠબાટ ને થાળીના ધણધણાટ પથારીમાં પડ્યા પડ્યા ઉપરાઉપરી સાંભળ્યા કરવાની અમને કેટલી ઉત્સુકતા રહેતી! ઘરનું દળદાર કાઢવાના ને લખમીજીને નોતરવાના લોકવિધિથી નવા વરસના શ્રીગણેશ થતા. એ વિધિ માટે રાખી મૂકેલું ખોખરું હાંડલું કે એવું કોઈ ભંગાર વાસણ વેલણથી ઠપકારતી ગૃહિણીઓ એક પછી એક ઘરમાંથી નીકળે. ટાઢનો ચમકારો, ક્યાંક ટમટમતાં કોડિયાંનો આછો ઉજાસ. શેરીના ચોકમાં જઈને ઠોબરું ફોડે. ઘરે પાછી વળતાં એ ઠમ ઠમ થાળી વગાડતી આવે. જતી વેળા ગણગણતી જાય :
અડઘો ફોડું, દડઘો ફોડું, કુંવારો ઘર છે એને માથે ફોડું.
બિચારો કુંવારો! પરણી ન શક્યો, ને ઘરઘી પણ ન શકે! ને વળતી વેળાએ જપતી આવે :
અળશ જાય, લખમી આવે, અળશ જાય, લખમી આવે.
— હરિવલ્લભ ભાયાણી
(સંસ્મરણાત્મક પુસ્તક ‘તે હિ નો દિવસા:’માંથી)
*
આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર
આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર,
વાળી-ઝૂડી અંધકારને ફેંકો ધરતી બહાર.
ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી,
ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી.
કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો,
અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો.
અણબનાવની જૂની-જર્જર ખાતાવહીઓ ફાડો,
નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો.
ભોળાં-ભોળાં સગપણની જો ગૂંથીને ફૂલમાળા,
પહેરાવો તો સૂકાં જીવતર બની જશે રઢિયાળાં.
સુખની ઘડીઓ કોઈ ત્રાજવાં-તોલાથી ના જોખો,
આંગણ આવી ઊભું છે અજવાળું, એને પોંખો.
— રમેશ પારેખ
*
આના કરતાં વધારે પવિત્ર દિવસ બીજો કયો હોઈ શકે?
દિવાળી પછી નવું વરસ બેસે છે અને નવું અનાજ ઘરમાં આવે છે. વેદકાળથી આજ સુધી હિંદુ ઘરોમાં આ નવાન્નનો વિધિ શ્રદ્ધાપૂર્વક પાળવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે જમતાં પહેલાં એક કડવા ફળનો રસ ચાખવાની પ્રથા છે. એનો ઉદ્દેશ એમ હશે કે કડવી મહેનત કર્યા વગર મિષ્ટાન્ન મળે નહીં. ભગવદ્દગીતામાં પણ લખેલું છે કે જે શરૂઆતમાં ઝેર જેવું અને અંતે અમૃત જેવું હોય એ જ સાત્ત્વિક સુખ. દક્ષિણ કોંકણમાં દિવાળીને દિવસે પૌંઆનું મિષ્ટાન્ન કરે છે અને જેટલા ઈષ્ટ મિત્ર હોય તે બધાને તે દહાડે નોતરે છે. એટલે દરેક જણે દરેક ઈષ્ટ મિત્રને ઘેર જવું જ જોઈએ. દરેકને ત્યાં ફળાહાર રાખેલો હોય છે, તેમાંથી એક કકડો ચાખી માણસ બીજે ઘેર જાય. વ્યવહારમાં કડવાશ આવી હોય, વેરવિખવાદ થયા હોય, ગમે તે બની ગયું હોય, પણ દિવાળીને દિવસે બધું મનમાંથી કાઢી નાખી ફરી હેતપ્રીતના સંબંધ જોડવાના. જેમ વેપારી દિવાળી પર કુલ લેણદેણ પતાવી દઈ નવા ચોપડામાં બાકી નથી ખેંચતા. તેમ દરેક જણ બેસતા વર્ષે હૃદયમાં કશાં વેરઝેર બાકી નથી રાખતો. જે દિવસે વસ્તીમાંથી નરક નીકળી જાય, હૃદયમાંથી પાપ નીકળી જાય. રાત્રિમાંથી અંધારું નીકળી જાય અને માથા પરનું કરજ દૂર થાય તે દિવસ કરતાં વધારે પવિત્ર દિવસ બીજો કયો હોઈ શકે?
— કાકાસાહેબ કાલેલકર
(‘જીવતા તહેવારો’માંથી સંકલિત અંશ)
*
પ્રગટાવ દીવો
મૂળથી ભાગે તમસ પ્રગટાવ દીવો,
દેહ છે મોંઘી જણસ પ્રગટાવ દીવો.
વર્ષનો પહેલો દિવસ પ્રગટાવ દીવો,
ઝળહળી ઊઠશે વરસ પ્રગટાવ દીવો.
શક્ય છે સચવાય કસ પ્રગટાવ દીવો,
છે સમય લઈ સ્હેજ રસ પ્રગટાવ દીવો.
કૈંક સૂરજને હતી જેની પ્રતીક્ષા,
એ જ આવ્યો છે દિવસ પ્રગટાવ દીવો.
શ્વાસનાં મિસ્કીન ચોઘડિયાં બજે છે,
છે સમય સૌથી સરસ પ્રગટાવ દીવો.
— રાજેશ વ્યાસ, ‘મિસ્કીન’
*
મફત મીઠાઈઓ!
રાતની બત્તીઓ, મીઠાઈઓ, ફળો, મહેમાનો. પછી શતરંજના ખેલ. પીવાનાં પાણીમાં કેવડાજલ છાંટવામાં આવતું. મોટા જર્મન-સિલ્વરના થાળો ભરીને ખાવા બેસતા. જમવા નહીં, બાકાયદા ખાવા! પહેલો કોર્સ ફક્ત મીઠાઈઓ. પછી કાયદેસર ભોજન. મને ખબર નથી આ રિવાજ અમારે ત્યાં કેવી રીતે આવ્યો. દિવાળીના પાંચ દિવસો, ધનતેરસથી ભાઈબીજ સુધી, મીઠાઈઓ જ ચાલતી. ગદ્દીમાં રહેતા બધા જ આમંત્રિતો હતા. કદાચ આ કારણસર મીઠાઈ પ્રથમ મુકાતી. અમારે ત્યાં ફરસાણનું બિલકુલ મહત્ત્વ ન હતું. બહારથી દાળમૂઠ મગાવી લેવાતી. ઠંડાઈનો સામાન પીસીને ઠંડાઈ બનાવાતી અને એ ચાંદીના ગ્લાસોમાં અપાતી. આજે વિચાર કરું છું ત્યારે લાગે છે કે ફ્રિજ નામના દૈત્યે આવીને એ રઈસી ખતમ કરી નાખી!
વર્ષની શરૂઆત શારદાપૂજનથી થતી હતી. અને ચોપડામાં પૂજાનું પાનું હું બાપાજીની સામે બેસીને ભરતો હતો. સામે ઘી, ચોખા, અને અન્ય દ્રવ્યો ચાંદીની થાળીમાં પડ્યાં હતાં. દીપકો, અગરબત્તીઓ જલતાં હતાં. બે મોટા બલ્બ પ્રકાશ ફેંકતા હતા. કિત્તાથી કંકુમાં બોળીને મેં પ્રથમ લીટી લખી હતી. શ્રીપરમાત્મયે નમઃ … શ્રી ગુરુભ્યો નમઃ … શ્રી સરસ્વત્યેનમ: … બાપાજીએ સૂચનાઓ આપી હતી. કિત્તાથી આ ત્રણ લીટીઓ લખવાની હતી. પછી ‘શ્રી’ શબ્દ ચઢતા-ઊતરતા ક્રમમાં, ફ્રેન્ચ કવિ લૂઈ આરોગોની શિલ્પકવિતાની જેમ પિરામિડ આકારમાં લખવાનો હતો. પછી રૂપિયા મળતા. હું ધારું છું એ દિવસોમાં અમને દસ-દસની નોટ અપાતી. ત્યાં બેઠેલા બીજા, એક-બે રૂપિયા આપતા. મારા નાના ખીસામાં રૂપિયાનો ઢગલો થઈ જતો. પચીસ ત્રીસ રૂપિયા જમા થઈ જતા. પછી સામે પડેલી મીનાકારી કરેલી તશ્તરીઓમાંથી મીઠાઈઓ, સૂકો મેવો, અને શુભેચ્છાઓ એ જ દિવસે, દિવાળીની રાતે જ ‘સાલમુબારક’ કહેવાતું!
— ચંદ્રકાંત બક્ષી
(‘બક્ષીનામા’માંથી સંકલિત અંશ)
*
નવા વર્ષે
નવા વર્ષે હર્ષે
નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ! માંગલ્ય પથ આ
નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.
નવી કો આશાઓ,
નવી આકાંક્ષાઓ પથ પર લળૂંખી મૃદુ રહી,
મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં!
— ઉમાશંકર જોશી
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 નવેમ્બર 2024