
નારાયણ દેસાઈ
ગાંધીજી કહેતા : “હું માનું છું કે આત્મબલિદાનની હિમ્મત દાખવવામાં કોઈપણ પ્રસંગે પુરુષ કરતાં મહિલા ચઢિયાતી સિદ્ધ થાય છે. અને હું માનું છું કે ઝનૂની તાકાત દાખવવામાં મહિલા કરતાં પુરુષ ચઢિયાતો સિદ્ધ થાય છે.”
આ શ્રદ્ધાથી જ અહિંસક ચળવળમાં મહિલાઓને સામેલ કરવાની ગાંધીની વ્યૂહરચના ઘડાઈ હતી અને આ વ્યૂહરચના જ દેશમાં જાગૃતિનું મોજું ઊભું કરવાનાં પરિબળમાં રૂપાંતરિત થઈ હતી. આવી ભૂમિકા ભારતમાં કોઈ પરિબળે ક્યારે ય ભજવી નહોતી. ભારત માટે મહિલામુક્તિની ગાંધીશૈલી તેમને સ્વાતંત્ર્ય ચળવળમાં પુરુષોની સમાનધર્મા સહચરી ગણીને સામેલ કરવાની હતી. દેશના ગૌરવના પુનઃસ્થાપનાનાં કામમાં સામેલ થવાનું કહેતી વખતે ગાંધીને મન સ્વાભાવિક જ મહિલાઓની ગરિમાની પુનઃસ્થાપના કરવાનું પણ અભિપ્રેત હતું.
આઝાદીના અહિંસક આંદોલનમાં ત્રણ મોટાં મોજાં આવ્યાં, જેણે પ્રજાના વિશાળ સમૂહોને પ્રભાવિત કર્યા. 1919થી 1921ના અસહકાર આંદોલને જનપ્રતિનિધિઓ, વકીલો અને કેટલાક બુદ્ધિજીવીઓને સામેલ કર્યા. ઇતિહાસમાં પ્રથમ વાર ભણેલગણેલ વર્ગે તેમનો ભય ખંખેરી નાખ્યો. ને કોર્ટે ફરમાવેલ સજાઓ વહોરી લીધી. જેલગમન, એ બીવા જેવી બિના રહી નહિ. 1930થી 1932 દરમિયાન આવેલું બીજું મોજું સવિનય કાનૂનભંગનું હતું, જેમાં ભારતની મહિલાઓ હજારોની સંખ્યામાં બહાર પડીને જાહેર આંદોલનમાં સક્રિય થઈ. 1942માં ‘ભારત છોડો’ આંદોલને યુવાનો, કિશોરો અને કેટલાંક બાળકો સુદ્ધાંને આવા જાહેર આંદોલનમાં સામેલ કર્યાં. પ્રથમ મોજાએ જેલનો ભય દૂર કર્યો, બીજાએ લાઠીમાર ને ઉત્પીડનનો ભય દૂર કર્યો, તો ત્રીજાએ ગોળીબાર ને મૃત્યુનો ભય ખંખેરી નાંખ્યો. એ બીજું મોજું હતું જેમાં મહિલાઓએ સૌથી વધુ સંખ્યામાં ભાગ લીધો અને આ મોજાંને કારણે જ ભારતીય મહિલાઓના મનમાં જાગૃતિની તીવ્ર લાગણીએ પ્રવેશ કર્યો.
જ્યાં સુધી ગાંધીને નિસબત છે, જેલગમન એ એમના માટે પુરુષો અને સ્ત્રીઓ દ્વારા સંયુક્ત રીતે ચાલતું યજ્ઞકાર્ય હતું. જાન્યુઆરી, 1922માં એમણે લખ્યું : “મારે મહિલાઓને જેલમાં જવાની સલાહ આપવી જોઈએ શું ? મને લાગે છે કે હું અન્યથા નહિ વર્તી શકું. જો હું તેઓને એમ કરવા પ્રોત્સાહિત નહિ કરું તો એ તેઓ પરની મારી શ્રદ્ધા પર શંકા કરશે. આ યજ્ઞ મહિલાઓની હિસ્સેદારી વિના અપૂર્ણ જ રહેશે.”
ભારતમાં મહિલાઓના ગૌરવનું પુનઃસ્થાપન કરનાર શ્રેષ્ઠ માનવી ગાંધી હતા. એ પુનઃસ્થાપન કેવળ રાજકારણના જાહેર ક્ષેત્રમાં જ નહોતું, બલકે આશ્રમમાંના સામુદાયિક જીવનવ્યવહારમાં પણ એમ જ હતું. પુરુષો સાથે પ્રત્યેક પ્રવૃત્તિમાં સમાન રીતે મહિલાઓ સહભાગી થતી. આશ્રમમાં એક જવાબદારી એવી હતી જેને સ્વીકારવા પુરુષો બહુ ઇચ્છુક ન હતા. એ હતી આશ્રમના મહાભંડારની, જેમાં ઘણી કડાકૂટવાળા હિસાબી ખાતાંઓની જાળવણી કરવાની અને જુદાજુદા મિજાજના લોકો સાથે પનારો પાડવાનું રહેતું. આ બાબત બાપુના ધ્યાન પર લાવવામાં આવી : ‘બાપુ, કોઈ પણ આ કોઠારની જવાબદારી લેવા તૈયાર થતું નથી.”
“જો એમ વાત હોય તો,” ગાંધીજીનું માથું ઠણક્યું, “તો પછી એ અંગેની સંપૂર્ણ જવાબદારી મહિલાઓને કેમ ન આપીએ? મને ખાતરી છે કે અન્યથા પુરુષો દ્વારા નહિ થઈ શકતાં કામોની વ્યવસ્થા તેઓ સારી રીતે કરી શકશે.”
મારી માતાને આ સાંભળી જુસ્સો આવ્યો. અને મહિનાના અંતે હિસાબમાં કોઈ પણ જાતની તકલીફ વિના મહિલાઓ કોઠારનું સફળ સંચાલન કરી શકી ત્યારે એમને એનો ગર્વ પણ થયો.
•••
ગાંધીજીના પોતાની પત્ની પરત્વેના વલણ વિશે વારંવાર પ્રશ્ન ઉઠાવાતો રહે છે. ખણખોદિયાઓ દ્વારા હંમેશાં એક ઉદાહરણ અપાય છે, જે ગાંધીજીએ ખુદે જ પોતાની આત્મકથામાં વર્ણવ્યું છે. ગાંધીજીએ એમાં કબૂલેલું કે એક વાર દક્ષિણ આફ્રિકામાં કસ્તૂરબાએ એક કહેવાતી નિમ્ન જાતિના કારકુનનું શૌચપાત્ર સાફ કરવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે ગાંધીજીએ બળ વાપરીને તેમને ઘરની બહાર ધકેલી દેવા પ્રયાસ કરેલો. ગાંધીએ પોતે આ ઘટનાનું એવું તાદૃશ વર્ણન કરેલું છે કે ગાંધીને ઠમઠોરવા માટે ટીકાકારોને હાથવગું સાધન મળી ગયું છે. ગાંધીજી આત્મકથાની પારદર્શિતા એમની વિરુદ્ધ વપરાઈ છે. આ બનાવને ગાંધીએ ગુનાની લાગણી, સત્યનિષ્ઠા અને નમ્રતા સાથે વર્ણવીને અમર બનાવ્યો છે. પણ આ બનાવમાં સુધ્ધાં એનો અંત ઉવેખી શકાય એમ નથી. કસ્તૂરબાના રોષપૂર્ણ ટોણા પછીથી પોતાની જાત પરત્વે શરમાઈ જઈને અંતે તો ગાંધીજીએ તો પસ્તાવો વ્યકત કરી બાની માફી માગી હતી. ગાંધીજીમાં પેલો સામાજિક સુધારક પડેલો હતો જે પોતાની પત્ની પણ સુધારાના પોતાના જોસ્સામાં ભાગ લે એવી અપેક્ષા રાખતો હતો. પણ એ કટોકટીની પળે પોતાના પતિને ઠપકો આપી શકવાનું સ્વાતંત્ર્ય પણ કસ્તૂરબાને હતું. અને અલબત્ત, પત્નીના એ દર્દભર્યા ઠપકા સાંભળીને ગાંધીજીએ કસ્તૂરબાની માફી પણ માગી હતી. આ બનાવને ગાંધીના ટીકાકારોએ માત્ર અડધો જ જોયો હતો, પૂરો જોયો હોત તો ટીકાને અવકાશ જ ક્યાં હતો ?
ગાંધીજીના પત્ની તરફના વલણ અંગે વિચારણા કરતી વેળા પોતાનાં પ્રિયજનોમાં ય પોતાના જેવો જ સુધારો લાવવાની ગાંધીજી ધગશ અંગેની વાત ઉવેખવા જેવી નથી.
મોહન અને કસ્તૂરીનાં લગ્ન જ્યારે તેઓ બાળક હતાં ત્યારે થયેલાં. મોહનને ધણીપણા અંગેના પોતાના ખ્યાલો હોવા છતાં ય એમનાથી થોડા મહિના જ મોટી કસ્તૂરીએ પોતાને અન્યાયી જણાતા હુકમો કદાપિ સ્વીકાર્યા નહોતા. ગાંધીજીએ ઉચ્ચ શિક્ષણ લીધું હતું, જ્યારે કસ્તૂરબા માત્ર થોડુંઘણું અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં. ગાંધીનું સદા વિકસતું એવું વ્યક્તિત્વ હતું; અને આવી વ્યક્તિની પત્ની હોવું એ કસ્તૂરબા માટે સરળ સહેલગાહ નહિ જ હોય. પરંતુ, ગાંધીજીના જીવનમાં મહત્ત્વનાં ફેરફારના પ્રત્યેક તબક્કે બા એમની સાથે રહ્યાં. કસ્તૂરબાના જમાપક્ષે એ પણ કહેવું જ પડે કે તેઓ સુધ્ધાં ગાંધીસંગે ઘણાં જ આગળ વધ્યાં. એક સામાન્ય ગૃહિણીમાંથી તેઓ ન કેવળ હિન્દના સૌથી વધુ લોકપ્રિય નેતાનાં પત્ની તરીકે વિકસ્યાં, બલકે પોતાની નિજી હેસિયતમાં સ્વાતંત્ર્યજંગનાં આગેવાન પણ બની રહ્યાં. બંને રીતે આ શક્ય બન્યું, કેમ કે તેઓ પોતે વિકાસ પ્રત્યે અનુકૂલન સાધી શક્યાં અને ગાંધીજી તેમની સાથે નિરંતર પોતાનાં મંતવ્યો અને કાર્યો વહેંચતા રહ્યા. આમ એક સત્તાધારી બાળક પતિમાંથી તેઓ કસ્તૂરબાના પ્રશંસક બન્યા હતા.
•••
સ્ત્રીઓ અને પુરુષોને એક સમાન સન્માન આપવાનું ગાંધીજીનું વલણ એમની એ મૂળભૂત ફિલસૂફી પર આધારિત હતું, કે ભલે સ્ત્રી અને પુરુષ શારીરિક રીતે અલગ હોય, પણ એમનો આત્મા તો સરખો જ છે.
1932માં એમણે મારાં માસી લીલાવતીને (સ્વાતંત્ર્યસેનાની લીલાવતી આશર) એક પત્રમાં લખેલું : ‘પ્રભુ સમક્ષ પુરુષ અને સ્ત્રી એવું જુદાપણું પોતાનો તમામ અર્થ ગુમાવી દે છે. પુરુષ અને સ્ત્રીના શરીરમાં સમાન આત્મા વસે છે.’
વૈદિક સંસ્કૃતિ મુજબ આત્માને ધર્મ, વર્ણ, જાતિ યા દેશના ભેદભાવો અસર કરતા નથી. આ મૂળભૂત માન્યતાને કારણે મુંબઈમાં સ્ત્રી સંમેલનને સંબોધતાં ઠેઠ 1918માં ગાંધીજીએ કહેલું : ‘સ્ત્રી, એ પુરુષને સમાન માનસિક ક્ષમતા સાથે મળેલી સહચરી છે. એને પુરુષની પ્રવૃત્તિઓમાં અત્યંત સૂક્ષ્મ વિગતે ભાગ લેવાનો અધિકાર છે. એને પુરુષ સાથે સ્વાતંત્ર્ય અને મુક્તિનો ય સમાન અધિકાર છે.’
ગાંધીજી માનતા કે પ્રત્યેક માનવઅસ્તિત્વને એક જ આત્મા હોય છે જે સ્ત્રી-પુરુષ જેવા ભેદોથી પર છે. કિન્તુ તેઓ એમ પણ માનતા કે પ્રત્યેક વ્યક્તિમાં — પુરુષ અને સ્ત્રી બંનેના કેટલાક ગુણો હોય છે. સંપૂર્ણ વ્યક્તિ બનવા પુરુષે કેટલાક સ્ત્રીઓના ગુણો વિકસાવવા જોઈએ તો સ્ત્રીએ પુરુષોના કેટલાક ગુણો વિકસાવવા જોઈએ. તેઓ માનતા કે તેમના સંપર્કમાં આવતી સેંકડો સ્ત્રીઓ તેમનાથી ભય પામતી નહોતી કારણ કે પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ પોતાનામાં સ્ત્રૈણ ગુણો કેળવવા પ્રયત્નશીલ રહ્યા હતા.
તેઓ સ્ત્રીઓને બહાદુર બનવા પણ પ્રોત્સાહિત કરતા. તેઓ સ્ત્રીઓને માણસ તરીકે પૂર્ણ ગરિમા પ્રદાન કરતા. ગાંધીના આવા વર્તનને કારણે સ્ત્રીઓ પોતાના અંગત પ્રશ્નો યા સમાજની અન્ય સ્ત્રીઓની સમસ્યાઓ અંગે માર્ગદર્શન મેળવવા ગાંધી પાસે આવતી. આ સમસ્યાઓ પરત્વે ગાંધીજીના જવાબો છેવટે તો સ્ત્રીઓને તેમની નબળાઈ છોડી બહાદુર બનાવવાના લક્ષ્ય પર જ આધારિત હતા. તેઓ કહેતા : “તમારા નિજી ધખારાઓ અને કપોળ કલ્પનાઓના ગુલામ બનવાનું અને પુરુષોના ગુલામ બનવાનું છોડો … તમે જો તમારી મહેક પ્રસરાવવા ઇચ્છો તો એ માટેનું અત્તર તમારા હૃદયમાંથી પ્રગટવું જોઈએ. આમ થશે તો તમે માત્ર માનવને જ નહિ બલકે માનવતાને ય ઉજાગર કરી શકશો. એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્ય સ્ત્રી થકી જન્મ્યો છે. પુરુષ સ્ત્રીના જ હાડમાંસ થકી બનેલું માળખું છે.”
બળાત્કાર બાબતના સવાલો ગાંધીને હંમેશાં પૂછાતા. ગાંધી માનતા બળાત્કારનો ભોગ બનતી વ્યક્તિએ સમાજ વિચારે છે તેવું કોઈ પાપ કર્યું નથી. બળાત્કારના પાશવી કૃત્ય દ્વારા આત્માની શુચિતા પ્રદૂષિત થતી નથી. જો કે તેઓ, સ્ત્રીને પોતાની જાતના રક્ષણ માટે હિંસા કરવાનું પણ ક્ષમ્ય ગણતા. વળી, તેમણે અનિચ્છુક પત્ની ઉપર પતિ દ્વારા કરાતા બળાત્કાર અંગે ય વિચારણા કરેલી. આવી પત્નીઓને તેમણે પોતાના પતિરાજો સાથે અસહકાર આદરવાની સલાહ આપી, જરૂર જણાય તો પતિથી અલગ રહેવા સુધીનું પગલું ભરવા પણ કહેલું. ગાંધીજી આદર્શવાદી હતા, તેમ છતાં એમણે વાસ્તવિકતાને નજરઅંદાજ કરી નથી. 01-3-1942ના ‘હરિજન’ના અંકમાં પ્રગટેલું નીચેનું લખાણ વાચકને ગાંધીના વ્યવહારુ આદર્શવાદ અંગેનો થોડો ખ્યાલ આપશે :
“જ્યારે સ્ત્રીની ઉપર હુમલો થાય ત્યારે એ હિંસા યા અહિંસાની વ્યાખ્યા વિચારવા થોભી નહિ શકે. એની પ્રથમ ફરજ સ્વરક્ષાની છે.”
[‘મારા ગાંધી’]
19-20-21 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 259-260-261