હૈયું રાખે તંગ ને કે’છે તું છે અંગ,
દોર છે મારા હાથમાં તો થા એક પતંગ ….
પતંગિયાં કે પતંગનો ઊડવું એ જ સ્વભાવ,
રંગે એ આકાશ પણ જીવન ટૂંકું સાવ,
તું જો હૈયું છે જ તો હૈયે રહે સળંગ …
એમ તો હૈયે હોય છે ધરતી-આભ અનંત,
પંખી તારા હોય નૈ તો છે એનો અંત,
અંતર વચ્ચે હોય જો અંતર તો ના સંગ …
હું તારે હૈયે રહી તલ તલ ગૂંથું આશ,
તારે ઊડવું હોય તો હું થઉં છું આકાશ,
કાગળ જેવી જિંદગી પણ દેખાડે કૈં રંગ …
e.mail : ravindra21111946@gmail.com