માનવ અધિકાર અવરોધક સંઘ તરફથી આપને સુવર્ણ પદક એનાયત કરવાનો શુભ સંકલ્પ લેવામાં આવ્યો છે.
અમારા આ પુનિત નિર્ણય પાછળ નીચે મુજબનાં પરિબળોએ ભાગ ભજવ્યો છે જે આપને જ્ઞાત કરવા માગીએ છે :
- છેલ્લા અઢી દાયકાથી આપ હિન્દુ અને મુસ્લિમ કોમ વચ્ચે સંવાદિતાને છિન્નભિન્ન કરવામાં અવિરતપણે પ્રયાસ કરી રહ્યા છો અને તેમાં બહુધા સફળતા મેળવી રહ્યા છો.
- ગુજરાતના મુખ્ય મંત્રી પદે વિરાજમાન હતા ત્યારે કોમી હિંસા ફાટી નીકળે તે માટે આડકતરા પ્રયાસો કર્યા અને આપની સરકાર એ વિશે મૌન સેવે તે માટે કાળજી સેવેલી અને એ જ નીતિને પ્રધાન મંત્રી તરીકે રાષ્ટ્રીય કક્ષાએ લાગુ પાડવાની હિંમત દર્શાવી રહ્યા છો.
- આપના શાસન કાળ દરમ્યાન ગણ્યાગાંઠ્યા કરોડાધિપતિઓની સંપત્તિમાં અચૂક વધારો થયો અને મધ્યમ વર્ગના લોકોને પોતાને આર્થિક લાભ થયાની ભ્રમણામાં રાખીને તેમના મત મેળવવા શક્તિમાન થયા. એક તરફ ભારતના અર્થતંત્રને વિશ્વના તખ્તા પર પ્રથમ સાત દેશોની હરોળમાં બેસાડવામાં અને બીજી તરફ ઘર આંગણે આર્થિક અસમાનતા વધારવામાં અદ્દભુત સફળતા મેળવી રહ્યા છો.
- ‘યત્ર નારી અસ્તુ પૂજ્યતે તત્ર રમન્તે દેવતાઃ’ અને ‘નારી તું નારાયણી’ જેવાં મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા ભારત દેશમાં બાળાઓ અને નારીઓની ખુલ્લે આમ ઈજ્જત લૂંટાય અને જાનનું જોખમ ઊભું થાય ત્યારે સ્થિતપ્રજ્ઞ મુનિની માફક મૌન રાખવામાં અનેરો સંયમ દર્શાવી રહ્યા છો.
- જગતના લોકશાહી તંત્ર ધરાવતા દેશોમાં જેની ઉત્તમ રાજ્ય બંધારણ તરીકે સરાહના થતી હતી તેવા બંધારણને બદલીને સ્વ-હેતુ ખાતર સંકુચિત ધાર્મિક નિયમાવલિમાં ફેરવી નાખવાના શુભ સંકલ્પથી આગામી ચૂંટણી લડવાનો નિર્ણય લઇ રહ્યા છો.
- દેશ આખામાં વાણી, વિચાર અને આચાર સ્વાતંત્ર્ય પર અંકુશ મૂકીને માનવ અધિકારોને પિંજરમાં બંધ કરી મુક્યા હોવા છતાં એ હકીકતનો સદંતર નકાર કરીને વિદેશી સત્તાઓ સાથે દોસ્તીનો હાથ આગળ કરી રહ્યા છો.
- જેમ કેટલાક ઇસ્લામિક ઊસૂલો પર રાજ્ય કરવાની મહત્ત્વાકાંક્ષા સેવતા દેશ શરિયા કાયદાના અમલનો આગ્રહ રાખે છે તેમ આપની સરકાર ‘હિન્દુત્વ’ના નામે મધ્યકાલીન યુગના વિકૃત હિન્દુ ધર્મના નામે ચાલતા વહીવટને પુનઃસ્થાપિત કરવાની મનોકામના સેવી રહી છે.
- કેટલાક મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં લઘુમતીઓની સલામતીનો દર શૂન્ય બરાબર છે; એવા દેશો સાથે સ્પર્ધા કરીને સર્વ સમાવેશી અને દરેક કોમને પોતાની ગોદમાં પ્રેમથી પાળતી આવેલી ભારત ભોમકા પરથી તમામ લઘુમતી કોમને દેશ નિકાલ કરવાનું બીડું ઝડપ્યું, અને એ રીતે ઇસ્લામિક દેશોની હરોળમાં ગણના થાય તેવી પ્રતિષ્ઠિત પ્રતિમા ઊભી કરી રહ્યા છો.
- સ્વતંત્ર ભારતના ઘડવૈયાઓ અને જગત વંદનીય વિશ્વ વિભૂતિઓ અને તેમના પરિવાર જનોના ચારિત્ર્ય, કાર્ય અને સિદ્ધિઓ પર બિનપાયાદાર અફવાઓ વડે કાદવ ઉછાળીને પોતાની પ્રતિમાને શાનદાર બનાવવાના પ્રયાસો સતત ચાલુ રાખી રહ્યા છો.
- જ્યારે ભારતની આમ પ્રજા રોજગારીની તકોના અભાવમાં પાયાની જરૂરિયાતો સંતોષવા ટટળે છે ત્યારે નવા સંસદ ભવનનું નિર્માણ કરવાની હિંમત દાખવી રહ્યા છો.
- આપના પૂર્વસૂરિઓના શાસન કાળ દરમ્યાન બંધાયેલી ઇમારતો, માર્ગો અને જોવાલાયક સ્થળોનાં નામોનિશાન મિટાવી ‘હિન્દુ રાષ્ટ્ર’ને શોભે તેવાં નામ આપવાના પ્રકલ્પોને પ્રોત્સાહન આપી રહ્યા છો.
- અન્ય દેશોની રાજકીય ગતિવિધિઓનો પૂરેપૂરો અભ્યાસ કરીને લોકશાહીના અંચળા હેઠળ સરમુખત્યાર કઈ રીતે બની શકાય અને એક ચોક્કસ પ્રજાતિનું ધર્મને નામે નિકંદન કઈ રીતે કાઢી શકાય એ જ્ઞાન મેળવીને એ કાર્ય આયોજનપૂર્વક આગળ ધપાવી રહ્યા છો.
આશા છે, આપને આપવામાં આવેલ સુવર્ણ પદકનો આપ સહર્ષ સ્વીકાર કરશો અને માનવ અધિકાર અવરોધક સંઘની વિચારધારાઓ તથા તેના રાજકીય લક્ષ્યાંકોની પૂર્તિ કરવા માટે આપનું શાસન યાવતચંદ્ર દિવાકરો ટકી રહે.
માનવ અધિકાર અવરોધક સંઘ
‘હિન્દુસ્તાન ભવન’
હિન્દુસ્તાન
e.mail : 71abuch@gmail.com