LITERATURE

ડાયસ્પોરાને મૂળવિહીન લીલાછમ વૃક્ષનું યાદગાર કલ્પન આપીને વાચકોના મનમાં ડાયસ્પોરાની અવિસ્મરણીય છબી ઊભી કરનાર કેનેડામાં વસતા ભારતીય ડાયસ્પોરિક સાહિત્યકાર, વિવેચક તથા પ્રોફેસર એવાં ઉમા પરમેશ્વરન્‌ની ચર્ચા આગળ થઈ છે.

આ જ સર્જક પોતાના એક દીર્ઘ કાવ્યમાં ડાયસ્પોરાને ત્રિશંકુની વ્યાખ્યા આપે છે. 1988માં પ્રકાશિત પરમેશ્વરન્‌નું ત્રિશંકુ એક દીર્ઘ પ્રયોગાત્મક કાવ્ય છે. લગભગ દસેક જેટલાં પાત્રોના મોનોલોગ્સ (આત્મ-સંવાદો) આ દીર્ઘ કાવ્યમાં નાટ્યાત્મકપણે ગૂંથાયા છે. આ બધા જ પાત્રો પોતાનું વતન ભારત છોડીને કેનેડામાં સ્થાયી થવા પ્રયત્નશીલ છે. પ્રત્યેક પાત્રની પોતાની ભાષા, શૈલી તથા વતન છોડીને કેનેડા આવવાનાં કારણો છે. એક વિશેષ અભિગમ છે. એમના મોનોલોગ્સમાં જો કોઈ એક વસ્તુ કોમન હોય તો તે છે તેમનું ત્રિશંકુપણું.

ત્રિશંકુનું મીથ જાણીતું છે. વિશ્વામિત્રે એક રાજઋષિને સ્વર્ગનું વરદાન આપ્યું અને તેઓ ધરતી છોડી સ્વર્ગને દ્વારે પહોંચ્યા. પરંતુ ત્યાં તેમને પ્રવેશ ન મળ્યો. કેમ કે તેઓ સદેહે સ્વર્ગ આવ્યા હતા. સ્વર્ગે પહોંચવા ધરતી અને દેહ બંને છોડવા પડે. સ્વર્ગથી પાછો ધકેલાયેલ એ રાજઋષિ હવે ધરતી પર પાછો ફરી શકે તેમ પણ ન હતો. તેથી ધરતી અને આકાશ વચ્ચે તે ત્રિશંકુ બનીને લટકી રહ્યો.

વતન છોડી અંતહીન આકાશની ધરતી એવા કેનેડામાં પોતાનું સ્વર્ગ શોધનારાઓ પણ ત્રિશંકુએ જે ભૂલ કરેલી તે જ ભૂલ કરે છે. ત્રિશંકુ સશરીરે સ્વર્ગે જવા પ્રયત્નશીલ હતો. આ લોકો ભારતને મનમાં રાખીને કેનેડાના સ્વર્ગમાં પ્રવેશવા પ્રયત્નશીલ છે. અને તેથી તેઓ નથી ત્યાંના થઈ શકતા કે નથી વતનના રહી શકતા. બસ ત્રિશંકુની જેમ બંને વિશ્વો વચ્ચે લટકતા રહે છે.

આ પ્રયોગાત્મક કાવ્યનો પ્રારંભ કવિના સંબોધનથી થાય છે. તે સૂત્રધારની અદાથી વાચકોને સંબોધે છે. અને કાવ્ય શરૂ થાય છે.

કવિઃ હું છું એક એવો જણ કે જે એક કાયદા સાથે જન્મ્યો, બીજા કાયદાને વર્યો અને ત્રીજા કાયદાથી બંધાયેલ છે. હું મનુષ્યમનના પ્રેમનું સંતાન. મને મારી ફેરી ગોડમધર ગ્રાસિયા રજઈના કોઈ સુદૂર અજાણ્યા પ્રદેશથી ઉપાડી લાવેલી પણ જ્યારે તે ફેરી(પરી)ને ધરતી છોડી આકાશમાર્ગે જવાનો વખત આવ્યો ત્યારે તેણે મને યુનિયન જેકમાં લપેટીને હળવેકથી ધરતી પડતી મૂકી. ફરી એકવાર કોઈ પ્રેમાળ મનુષ્યની નજર તરછોડાયેલી આ બાળકી પર પડી. વર્ણશંકર પ્રજા પ્રત્યે નફરત ધરાવતા એ મનુષ્યે તેની નફરત જતી કરીને મારા જેવી વર્ણશંકર તરછોડાયેલી બાળકીને ઉપાડી લીધી અને ઉછેરી ... પણ હવે મારું શું. મારે શું કરવાનું. શું મારે ત્રિશંકુની જેમ ઘઉંવર્ણી ધરતી અને શ્વેત આકાશની વચ્ચે લટકી રહેવાનું. મારા પર કયો કાનૂન લાગુ પડશે.

કવિની આટલી પૂર્વભૂમિકા બાદ હવે વિવિધ પાત્રો પોતપોતાની વિટંબણાઓ મોનોલોગ્સરૂપે વ્યક્ત કરે છે. ચંદર, ચંદરની મા, તેના પિતા, તેની બહેન, મિ. સતીષ અગ્રવાલ, ઉષા, વિઠ્ઠલ જેવા અનેક પાત્રો ડાયસ્પોરા જીવનના પ્રશ્નોને લઈને આવે છે. આ બધા પાત્રોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને સ્વપ્નો અને તેનાથી તદ્દન વિરુદ્ધ એવી કેનેડિયન જીવનની વાસ્તવિકતાઓનો ચિતાર અહીં પ્રસ્તુત થાય છે.

જેમ કે કેનેડા આવીને નિભ્રાંત થયેલ ચંદર પોતાનું બાળપણનું સ્વપ્ન સ્મરે છે. એક મોટી નૌકાને પાણીમાં ઊભા રહીને ધક્કો મારતો બાળક ચંદર. એમ કરતાં પાણીમાં ડૂબી જઈને અજાણ દેશના સમુદ્ર કિનારે પહોંચતો કિશોર ચંદર અને ત્યાં તો કેનેડામાં સૂતેલ ચંદરની આંખ ઉઘડી જાય છે. આ તે કેવું સ્વપ્ન. આનું આ સ્વપ્ન વારંવાર આવે છે. સ્વપ્નમાં અને સ્વપ્નમાં ચંદર પોતાની જાતને ટકોર કરે છે, ડરીશ નહીં આ તો સ્વપ્ન છે, સત્ય નથી. વળી સ્વપ્નમાં તેની આસપાસના માછીમારોની ગૂસપૂસ તેને સંભળાય છે. આ અબૂધ છોકરો સાત દરિયા ખેડીને આ અંતહીન આકાશની ધરા પર ક્યાં આવી ચડ્યો. કોણ જાણે કઈ લાલચે અહીં આવ્યો હશે.

ચંદરને ઘરેથી આવતા પત્રોઃ નાની બહેન લખે છે, ભાઈ તું તો પૈસાદાર થઈ ગયો. હવે ભારત પાછો આવે ત્યારે મારે માટે મોટી ગાડી લાવજે, બોઈંગ 707નું પિક્ચરકાર્ડ, મેજિક સ્લેટ અને ત્યાંનું ફ્રોક પણ મને જોઈએ જ.

પિતા લખે છેઃ ચંદર ભણવામાં ધ્યાન આપજે. નોકરી શોધજે. સમય બગાડીશ નહીં. વાંચીને ચંદર મનોમન બબડે છે, આટલે દૂરથીયે હું ડોસાને આરામખુરશીમાં બેસીને હિન્દુ વાંચતા જોઈ શકું છું.

મા લખે છેઃ ઓમ, દીકરા અભણ માના આશીષ. હું મજામાં. તું પણ મજામાં હઈશ. જીવતો રહેજે ને વહેલો પાછો આવજે. ચંદર કોમેન્ટ કરે છે, આ છે માનો પ્રથમ અને અંતિમ પત્ર.

ચંદરની સાથે ગામડે ગામથી કેનેડા આવવા નીકળેલ મિ. સતીષ અગ્રવાલનું સશક્ત શબ્દચિત્ર તેમના મોનોલોગ્સમાંથી પ્રગટે છે. ચંદર લખે છેઃ પેલો પોતાની જાતને મિ. સતીષ અગ્રવાલ કહીને સંબોધ્યા કરે છે. પણ એ મિસ્ટર છે નર્યો ગામડિયો. અમે બંને એક જ પ્લેનમાં ભારત છોડેલું. બંનેનું સ્વપ્ન હતું કેનેડા. હું જાણું છું કે પેલા અણઘડ ગામડિયાને ટોઇલેટ ફ્લશ કરતાં ય આવડતું ન હતું. સાવ રોંચો હતો. મોન્ટ્રીઅલમાં અમે બંને ટ્રાન્ઝીટ પેસેન્જરરૂપે હોટલના એક જ રૂમમાં હતા. પણ ત્યાં એ રૂમમાં એવું કંઈ બન્યું કે મને પેલા દેશી, અણઘડ મિ. અગ્રવાલ પર દયા આવી ગઈ. મોન્ટ્રીઅલના હોટલ રૂમમાં કોટ પર બેસીને તે બાળકની જેમ પોક મૂકીને રડ્યો અને ડૂસકાં ભર્યા સ્વરે બોલ્યોઃ વતનના મારા લીંપેલા કાચા ઘરના વાડામાં વાણ ભરેલ ખાટલા પર ઊંઘવા માટે હું ગમે તે કરવા તૈયાર છું. મારે નથી જોઈતો પરદેશ. નથી જોઈતા હથેળીમાં સ્વપ્નો. હું આ ચાલ્યો પાછો. એક ક્ષણે મને મારા દેશબંધુની ઇર્ષ્યા આવી ગયેલી. અંતહીન આકાશવાળી આ ધરતીમાં સ્વપ્ન વાવવાની પળોજણ મારા એ દેશી મિત્રને ખપતી ન હતી.

મૃત્યુશૈયા પર સૂતેલ એક વૃદ્ધની માંદગી આ વિવિધ ડાયસ્પોરિક પાત્રોને સાંકળે છે. આ વૃદ્ધની માંદગી બધાને મનુષ્ય જીવનની નશ્વરતાનું સ્મરણ કરાવે છે. કેનેડામાં વહેતી એસિનીબોઈન નદીનાં સઘળાં નીર આ ભારતીય વૃદ્ધના ઘઉંવર્ણા રંગને ધોઈ શકે તેમ નથી. ગંગાજળ લાવો. ગંગાજળ ક્યાં. શું એસિનીબોઈનનાં જળમાં જ ગંગાજળ શોધવાનું છે. મા અંબે તેં અમને તે કેવો તમાચો માર્યો છે કે અમે બધા એક જ મૂળના લોકો આ પારકી ધરતી પર એકબીજાથી દૂર થતા જઈએ છીએ. અને આ દૂરીઓ પણ કોને માટે. એવા અજાણ્યા જણ માટે જે અમને અમસ્તો જ મળી ગયો હતો. મા કૃપા કર. આ શબ્દો સાથે આ પ્રયોગાત્મક નાટકીય કાવ્ય સમાપ્ત થાય છે.

ડાયસ્પોરા જીવનના ત્રિશંકુપણાનું આવું નિરૂપણ ભાગ્યે જ અન્યત્ર મળશે. ઉમા પરમેશ્વરન્‌ની કલમ તેમણે પોતે જીવેલા અને અનુભવેલા ત્રિશંકુપણાને વ્યક્તિગત ન રહેવા દેતા સાર્વત્રિક બનાવીને અહીં સબળપણે વ્યક્ત કરે છે.

ત્રિશંકુ કાવ્યની વિશેષતા તેની ટેકનિક છે. ડ્રામેટિક મોનોલોગ્સ તેમ જ પાત્ર વૈવિધ્યથી સર્જાતી નાટકીયતા આ કાવ્યના હાર્દસમા ત્રિશંકુપણાને સુપેરે ઉઘાડી આપે છે.

તા.ક.

સફળતાના શિખરે બિરાજેલ વિશ્વભરમાં વસતી ભારતીય ડાયસ્પોરિક પ્રજાના અંતરમનમાં ડોકિયું કરો તો આજે ય આ ત્રિશંકુપણું તેમના મનને કોઈ ખૂણે ઢબૂરાઈને બેઠેલું દેખાશે - તેથી જ તો ડાયસ્પોરિક સ્ટડીની આજના શિક્ષણજગતમાં આટલી બોલબાલા છે.

e.mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 27 સપ્ટેમ્બર 2017

Category :- Diaspora / Literature

પશ્ચિમી દેશો, અને તેમાં ય ખાસ કરીને કેનેડામાં, સરસ મજાની પહોળી સડકોની બંને બાજુએ સમાનાંતરે વવાયેલ ઘટાદાર લીલાંછમ વૃક્ષો, મહદંશે મેપલનાં વૃક્ષોનું કંઈ વિશેષ મહત્ત્વ હોય છે. 'ઓટમ' એટલે પાનખરની ઋતુ. પરંતુ કેનેડાની પાનખર એટલે એક સુંદરતમ રંગભર્યો અનુભવ. આ ઋતુમાં રોડની બંને બાજુએ કતારબદ્ધપણે રોપાયેલ મેપલનાં વૃક્ષો પોતાની ડાળીઓ જાણે હવામાં ઝૂલાવીને વિવિધ રંગભર્યા કેનેડાનાં પ્રાકૃતિક સૌંદર્ય તથા સમૃદ્ધિનાં બાહુલ્યની ઘોષણા કરતાં હોય તેમ લાગે. આ વૃક્ષો વિશેષ પ્રકારે ઉછેરાય છે. સાવ પાસે પાસે વવાય છે. તેથી જ્યારે આ છોડ મહાકાય વૃક્ષ બને છે, ત્યારે તેના મૂળને જોઈએ તેટલી જગ્યા મળતી હોતી નથી. લગભગ મૂળ વિનાનાં અથવા નહિવત મૂળ ધરાવતાં આ વૃક્ષો કેનેડાના સૌંદર્ય અને વૈભવના પ્રતીક છે !

આ જ એ વૃક્ષો છે જેમને જોઈને વતન ભારતથી કેનેડા જઈને વસેલ સુપ્રસિદ્ધ ડાયસ્પોરિક કવિ, નાટ્યકાર તથા વિવેચક એવા પ્રોફેસર ઉમા પરમેશ્વરન (જન્મ : 1938) કહેવા પ્રેરાય છે કે, ‘અમે ભારતીય ડાયસ્પોરિક પ્રજા કેનેડાના પ્રતીકસમા આ સુંદર લીલાંછમ મૂળવિહિન વૃક્ષોસમી છીએ. ‘ચેન્નાઈમાં જન્મેલ તથા નાગપુર, જબલપુર જેવા નગરોમાં ઉછરેલ ઉમા પરમેશ્વરનનું ઉચ્ચ શિક્ષણ અમેરિકા તથા કેનેડામાં થયું. અને આજથી લગભગ 40 વર્ષ પહેલાં તેઓ કેનેડાની વિનિપેગ યુનિવર્સિટીમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે જોડાયાં. થોડાં વર્ષો પહેલાં તેઓ યુનિવર્સિટીના આ જ વિભાગમાંથી પ્રોફેસર તરીકે રિટાયર્ડ થયાં. આજીવન સફળ શિક્ષક એવાં ઉમા પરમેશ્વરમ પોતાના સાહિત્ય માટે ઘણાં પારિતોષિકો પણ મેળવી ચૂક્યાં છે.

આવાં ઉમા પરમેશ્વરન પોતે મૂળવિહોણાં લીલાંછમ વૃક્ષસમાં રહ્યાં છે. તેમના શબ્દોમાં ‘બધી ડાયસ્પોરિક પ્રજાઓની જેમ હું પણ મારી ધરતી પરથી મૂળસોતા ઉખડીને અહીં કેનેડાની અજાણ ધરતી પર ફરી રોપાયેલી. 'અપરૂટ' થઈને 'રીરૂટ' થવું, અજાણ ધરતીમાં ફરીથી રોપાવવું, અને પાંગરવું, એ ઘણું અઘરું છે. અને વળી એમાં ય જો ધરતી નવાં વૃક્ષ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અને અનુકૂળ ન હોય તો તો લગભગ અસંભવ જ. તેમ છતાં મૂળ વગરની ડાયસ્પોરિક પ્રજાઓએ એ અશક્ય કામને શક્ય કરી બતાવ્યું છે.'

'રૂટલેસ બટ ગ્રીન આર ધ બુલેવર્ડ ટ્રીઝ' (1998) નામક ઉમા પરમેશ્વરનનું ત્રિઅંકી નાટક પોતાના શીર્ષક થકી જાણે સમગ્ર નાટકનો નિષ્કર્ષ કહી દે છે. મૂળ વિહોણાં લીલાંછમ વૃક્ષોના પ્રતીકને કેન્દ્રમાં રાખીને લખાયેલ આ નાટક ભારતથી કેનેડા જઈ ત્યાં સ્થિર થનાર બે પરિવારોની ત્રણ પેઢીઓની મથામણની વાત કરે છે. જેમાં દરેક પાત્રનો, દરેક પેઢીનો, પોતાનો એક વિશેષ અભિગમ છે. મૂળ વિહોણાંપણાંની સભાનતા પહેલી બે પેઢીને ચોક્કસ છે પણ તેનું સ્તર જુદું છે. 'આટલા બધા શ્વેત ચહેરાઓના દરિયામાં હું એકલો જ ચહેરા વગરનો ? જાત વગરનો ? પિછાણ વગરનો. આવા એકલપેટા લોકો મધ્યે હું ક્યાં આવી પડ્યો ? અહીં કોઈને ય મારી પડી નથી ... આપણે ત્યાં આપણે લોકો તો ગામને પાદરે કે ડુંગરે કે નદીને કિનારે કેવા સરસ મંદિરો બાંધીએ ... કે જેથી બીચારા કોઈ એકલા જણને એકલવાયું ન લાગે ! પણ આ ધરતી પર કોને પડી છે એવા એકલવાયા જણની ?' આ છે શરદ ભાવે જે 1997માં ભારત છોડીને કેનેડાના વિનિપેગ નગરમાં સ્થિર થવા મથામણ કરી રહ્યા છે. તેમના પરિવારમાં પત્ની સાવિત્રી, દીકરો જયંત, દીકરી જ્યોતિ તથા બહેન વુનજા પણ છે. શરદ ભારતમાં ખ્યાતનામ વૈજ્ઞાનિક હતો, પરંતુ સંજોગોવશ તેને ભારત છોડીને કેનેડા આવવું પડ્યું છે અને અહીં તે એક એસ્ટેટ ડીલરનું કામ કરે છે. શરદની સાથે તેનો એક મિત્ર અનંત મોઘે પણ પોતાના પરિવાર સાથે વિનિપેગ આવ્યો છે. બંને કુટુંબના વડીલ યુગલોના પ્રશ્નો એકસમાન છે. વાતે વાતે તેમને ભારત યાદ આવે છે. તેમનું મન સ્વદેશને ઝંખે છે.

પરંતુ બંને પરિવારની યુવા પેઢીના જયંત ભાવે અને વિઠ્ઠલ મોઘેનો દૃષ્ટિકોણ આગલી પેઢીથી ભિન્ન છે. તેઓ પાછું વળીને સ્વદેશ ભણી જોઈને દુઃખી થવાને બદલે જે દિશામાં પગલું ભર્યું છે તે દિશામાં હિંમતભેર આગેકદમ કરવામાં માને છે. બંને પેઢી વચ્ચેનો આ મતભેદ નાટકમાં સુપેરે વ્યક્ત થાય છે. સમય વહી રહ્યો છે. બંને પરિવારો વિનિપેગમાં સ્થિર થતા જાય છે.

પિતા શરદ ભાવે કેનેડામાં વર્ષો ગાળ્યા બાદ પણ હંમેશ પૂછ્યા કરે છે 'શું આપણે કેનેડાની આ આક્રમક ધરતીમાં મૂળ નાખી શકીશું ?' આવો જ પ્રશ્ન શરદનો મિત્ર મોઘે પણ કરે છે. 'છોકરાઓ તમને યાદ છે ? દેશમાં આપણા ઘરની પાછળ વાડામાં કેળનાં વૃક્ષ હતાં. કેળ એટલે એવું વૃક્ષ કે જેનો પ્રત્યેક ભાગ - ફૂલ, ફળ, પાંદડા કે થડ - બધું જ ઉપયોગી. અને વળી કેળનું આવરદા પૂરું થાય તે પહેલાં તેની પાસે નાનકડા કેળનો રોપો એની મેળે ફૂટી જ નીકળ્યો હોય ! શું ભારતીય કેળની જેમ આપણે કેનેડામાં મૂળ નાખી શકીશું ? આ તો એવો દેશ છે કે જ્યાં આ દેશના અન્ય પ્રાંતથી લવાયેલ રોપાને અહીંની જમીન ઊગવા દેતી નથી ? તો પછી દરિયાપારથી આવેલા આપણાં જેવાની તે શી વિસાત ?'

પરંતુ યુવા વિઠ્ઠલ અને જયંત પોતાના વડીલોની માન્યતાથી સંમત નથી. જયંત કહે છે, 'પપ્પા, તમારી વાત સાચી. આપણે ભારતીયો આ ધરતી પર મૂળ વગરનાં વૃક્ષો છીએ ... એ વાત સ્વીકારવી પડે. પણ અહીં કોઈને ય મૂળ ક્યાં છે ? અહીં તો સઘળાં ય મૂળવિહોણાં જ છે ! બધાની જેમ આપણે ય ટટ્ટાર થઈ ઉર્ધ્વમૂખી, મૂળ વિનાનાં, વૃક્ષો સમાન રહેવાનું. વૈશ્વિકરણના આ વિશ્વમાં તમે મૂળની વાત ક્યાં માંડી ?' નાટ્યલેખક ઉમા પરમેશ્વરન પણ એમ જ માને છે કે 'હોમ ઈઝ વ્હેર યોર ફીટ આર' (જ્યાં તમે ત્યાં તમારું ઘર).

યુવા પેઢીની ડાયસ્પોરિક પ્રજાના પ્રતિનિધિ એવા જયંત અને વિઠ્ઠલ બુલેવર્ડ(રાજમાર્ગ)ની બંને બાજુ ઝૂલતાં સાવ પાસપાસે રોપાયેલ લીલાંછમ વૃક્ષો પાસેથી શીખ લે છે. તદ્દન નહિવત્‌ મૂળ ધરાવતાં આ વૃક્ષો ઉન્નત મુખે લીલાંછમ ઊભાં છે. જાણે કે આ વૃક્ષો ડાયસ્પોરિક પ્રજાને સંદેશ આપી રહ્યાં છે, 'જ્યાં છો ત્યાં વિકસો.'

પિતા શરદને જયંતનો અભિગમ સ્વીકાર્ય નથી. તે કહે છે, ‘દીકરા, અહીં વાત મૂળિયાંની છે. આપણાં મૂળિયાં ક્યાં છે ? મારે ભારતનાં કેળ વૃક્ષની જેમ અહીં નાનાં કેળ ઊગાડવાં છે.' દીકરો પિતાને સલાહ આપે છે, ‘પપ્પા, ભૂલી જાવ એ બધું. કોને રસ છે કેળમાં ? આ દેશમાં આપણે મેપલનાં વૃક્ષ પર મેંગો ઊગાડીશું. આપણે મેપલનાં વૃક્ષ પર જાંબુ ઊગાડીશું.'

ડાયસ્પોરિક પ્રજાની બીજી પેઢીની શ્રદ્ધા જાણે પ્રથમ પેઢીના ઘર-ઝૂરાપાનું ઓસડ છે.

પરંતુ ત્રીજા અંકમાં પહોંચતા સુધી તો શરદની વૈજ્ઞાનિક બહેન વનજા ભારત પાછા ફરવાનો નિર્ણય કરી લે છે. જયંત વિનિપેગ છોડીને અન્ય નગરમાં નોકરી લેવાનો નિર્ણય કરે છે. તથા શરદનો કેનેડામાં જન્મેલ પુત્ર કૃષ્ણ ઉર્ફે ક્રિસ પિતાના સ્વદેશ વિષયક કોઈ સંભારણાં સાંભળવા તૈયાર નથી. મોટા દીકરાની ફેરવેલમાં અપાયેલ ક્રિસમસ પાર્ટીના મહિનાઓ બાદ ક્રિસ ક્રિસમસ ટ્રીને બેકયાર્ડમાં પડેલું જુએ છે. અને આ કેનેડિયન કિશોર બોલી ઊઠે છે, 'આ ક્રિસમસ ટ્રી અહીં શું કરી રહ્યું છે ? ક્રિસમસ તો ક્યારની ય પતી ગઈ ?' પિતા આ વાતને શાંતિથી સાંભળે છે. પર્વ પ્રમાણે વૃક્ષનો ઉપયોગ કર્યા બાદ વૃક્ષને ફેંકી દેવાની આવી પ્રથા શરદે ભારતમાં ક્યારે ય જોઈ નથી. પણ હવે ભારતીય પરંપરાની વાતો કરવાનો શો અર્થ છે ? તે નાનકડા ક્રિસને કહે છે, 'જવા દે ને દીકરા. સ્નો ઓગળશે એટલે આ વૃક્ષ એની મેળે મરી જશે. તેને ફેંકવાની શી જરૂર છે ?' પ્રથમ ડાયસ્પોરિક પેઢીના પ્રતિનિધિ શરદના આ ઉદ્દગારમાં ભારોભાર નિર્વેદ અને નિરાશા છે. તે વિચારી રહ્યો 'આ તે કેવો દેશ છે ? ઉપયોગિતા પૂરી થાય એટલે ફેંકાઈ જવાનું ?'

અચાનક તેને પોતાના મોટા દીકરા જયંતની વાત સ્મરે છે. તે હંમેશ કહેતો, '1997 આસપાસના વિશ્વમાં ભારતથી કેનેડા આવેલ તમે ને હું જ નહીં, પરંતુ સ્વદેશ ત્યજીને વિવિધ કારણસર વિશ્વભરમાં વાવેતરનાં બીજની જેમ ફેલાયેલ સર્વે ડાયસ્પોરિક પ્રજાઓ મૂળ વિહોણાં વૃક્ષસમી છે. મૂળવિહોણી તો ય પેલા બુલેવર્ડ પટનાં વૃક્ષોની જેમ લીલીછમ, જીવંત, ધબકતી ... કેનેડામાં ઊગેલ આ ડાયસ્પોરિક વૃક્ષો ભારતીય કેળની જેમ ભલે ઉપયોગી ન હોય પણ સુંદર અને સોહામણાં તો જરૂર છે.'

તા.ક. ઉપરોક્ત ત્રિઅંકી નાટકનું કાવ્યાત્મક શીર્ષક મારે મન નાટ્યકાર ઉમા પરમેશ્વરનનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. ડાયસ્પોરિક પ્રજાની આનાથી વધુ યોગ્ય તથા યાદગાર કઈ હોઈ શકે ?

e.mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અતર્મનની આરસી’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 23 અૉગસ્ટ 2017 

Category :- Diaspora / Literature