CULTURE

બ્રિટનમાં ગુજરાતી સુગમસંગીતને ગાતું-સંભળાતું રાખવામાં ચંદુભાઈ મટાણીનો ફાળો મોટો છે

ગુજરાતીઓ પરદેશ જઈ વસ્યા તો પણ ગુજરાતી સંસ્કાર સાથે તો બંધાઈને રહ્યા જ છે - હા, હવેની એ પેઢી કે જે ત્યાં જ જન્મી અને ઉછરી તેના વિશે કહેવું મુશ્કેલ છે. (મા-બાપના મૂળ ગુજરાત-ભારતમાં હોય તેટલા માત્રથી તો તેઓ ગુજરાતી ન જ બની શકે, સાંસ્કૃિતક ઉછેર સાવ જુદી બાબત છે.) હજી ગુજરાતના ગરબા અમેરિકા, યુરોપમાં ગુજરાતીઓની ઓળખમુદ્રાના હિસ્સા છે. તેમને ગુજરાતી વાનગીઓ વિના પણ ચાલતું નથી અને ગુજરાતી ગીત-સંગીત પણ તેમને હૈયે વળગેલાં છે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા આપણા સર્જકતાથી ભરેલા સુગમ સંગીતકાર - ગાયક સતત વિદેશપ્રવાસો કરતા રહ્યા તેનું કારણ પણ એ જ છે. પછી તો બીજા સુગમ સંગીતકારો અને ગાયકો જ નહીં, ડાયરાવાળા પણ પરદેશમાં સ્થાન પામ્યા છે. ગુજરાતી ભાષાની ઓળખ માત્ર તેના લિખિત-મુદ્રિત રૂપમાં જ તો નથી. તેની વાણી અનેક રૂપે પ્રગટી છે. અમેરિકા, બ્રિટનમાં વસેલા ગુજરાતીઓમાંથી હવે તો કેટલાક કવિ અને વાર્તાકાર પણ છે. નાટકો પણ લખે છે. ચંદુભાઈ મટાણીને યાદ કરીએ તો એવું ઉમેરી શકાય કે સુગમ સંગીત અને ગાયનમાં પણ તેઓ સક્રિય છે.

ચંદુભાઈ મટાણી મૂળ માંડવી - કચ્છના. ૧૯૩૪માં જન્મેલા. ચંદુભાઈ માંડવીમાં જ ભણેલા. તેમના પિતા ગોરધનદાસની માંડવીમાં કાપડની દુકાન, પણ ચંદુભાઈને તેમાં રસ નહીં. તેમના મોટાભાઈ ઝામ્બિયા જઈ વસ્યા હતા અને ૧૯ વર્ષની ઉંમરે આ નાનાભાઈ પણ ત્યાં જઈ પહોંચ્યા. ભાઈને વેપારમાં મદદ તો કરે, પણ તેમનો રસ સંગીત અને ફોટોગ્રાફીમાં. તે વેળા શાસ્ત્રીય સંગીતના અગ્રહરોળના ગુજરાતી ગાયક ઓમકારનાથ ઠાકુર જેવા મોટા કળાકાર ઝામ્બિયામાં કાર્યક્રમ માટે આવ્યા હોય, તો તેમને ય સાંભળવા પહોંચે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા પહોંચ્યા હોય, તો તેમની પાછળ પાછળ રહેવા ય પ્રયત્ન કરે. એમને વૈષ્ણવોનું હવેલી સંગીત પણ એવું જ ગમે. ભજનો - સાંભળવા - ગાવામાં ય એવો જ રસ.

આફ્રિકાના દેશોથી ગુજરાતીઓએ બ્રિટન જવું શરૂ કર્યું ત્યારે તેઓ પણ ૧૯૭૦માં બ્રિટન પહોંચ્યા. શરૂમાં પગ જમાવવામાં સમય ગયો, પણ ૧૯૭૭માં લંડનથી લેસ્ટર ગયા ત્યાં ‘સોનલ’ નામે સાડીની દુકાન કરી. ભાગીદારીમાં કરેલી એ દુકાન પછી ૧૯૮૩માં ‘સોના-રૂપા’ નામે સ્વતંત્ર શો-રૂમ શરૂ કર્યો. ગુજરાતીઓ જ નહીં ભારતનાં અન્ય રાજ્યના લોકો પણ ત્યાં વસતા હતા એટલે તેઓ સફળતાથી ગોઠવાઈ ગયા. પોતે એક વિશિષ્ટ રુચિવાળા હતા તે પણ ‘સોના-રૂપા’માં ભળી હતી. તેમને સુગમસંગીતમાં વિશેષ રુચિ હતી તેથી પુરુષોત્તમ ઉપાધ્યાય સહિતના સુગમસંગીતકારોના કાર્યક્રમો પણ પ્રયોજતા થયા. આમ કરવાથી તેઓ એ બધાની વધુ નિકટ આવ્યા અને તાલીમ પણ પામતા ગયા. તેમના ઘરે લતા મંગેશકર, જગજીતસિંહ, ગુલામઅલી જેવાના ઉતારા પણ હોય. પોતાને સુગમ સંગીતના ગાયક તરીકે સ્થાપવાની ઉતાવળને બદલે આ બધા વચ્ચે પોતાને સજ્જ કરતા રહ્યા. ગુજરાતના સાહિત્યકારો પણ બ્રિટન પ્રવાસે હોય તો તેમને ત્યાં ઉતારો કરે જ. નિરંજન ભગત, ચન્દ્રકાંત બક્ષી, સુરેશ દલાલ વગેરે વગેરે.

તેમણે સ્વયં ‘ગીત ગુલાલ’ અને ‘આંખડિયું અણિયાણી’ જેવાં આલબમ પણ પ્રગટ કર્યાં, જેમાં તેમના ઉપરાંત બીજલ અને વિરાજ ઉપાધ્યાય અને હંસા દવેના ય સ્વર છે. સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું છે. પુરુષોત્તમભાઈએ ઘણા સુગમ સંગીત ગાયકોનો પ્રવેશ કરાવ્યો છે તેમાં ચંદુભાઈ મટાણી જરા વિશેષ છે. એટલા માટે કે તેઓ કેસેટ યુગમાં ‘ટાઈમ્સ મ્યુિઝક’ વતી માભોમ ગુર્જરી, સૂર વૈભવ, ભવતારણ્યમ્, શાંતાકારામ્, શ્રદ્ધા, ટ્રાન્ક્વિલિટી, પરમશ્રદ્ધા અને સેરિનિટી જેવી આઠ કેસેટોનું નિર્માણ પણ કરી ચૂક્યા છે. પોતાને સાહિત્યમાં ઊંડો રસ અને કાવ્યમાં રહેલા ગેયતત્ત્વોની પિછાણ. એ કારણે ઉત્તમ રચનાની પસંદગીનું ધ્યાન પણ રાખ્યું. પોતે ભાટિયા કોમના એટલે વૈષ્ણવ સંસ્કાર, સંગીતનો ય સ્પર્શ પામેલા. તેથી ‘જય જય શ્રીનાથજી’ની સી.ડી. પણ બજારમાં મૂકી.

એવું કહી શકાય કે બ્રિટનમાં વસતા ગુજરાતીઓને ગુજરાતી સંગીત સાથે જોડી રાખવાનું કાર્ય પણ તેમણે કર્યું છે. તેમની શોપમાં સાડી પણ મળે અને સી.ડી. પણ મળે. વેપારની સમાંતર તેઓ સંગીત ક્ષેત્રે વિકસ્યા અને તેના પરિણામે લેસ્ટરમાં શ્રુતિ આર્ટ્સ સેન્ટર પણ સ્થાપ્યું. તેઓ પોતાના સંતાનોને પણ તે તરફ ઢાળતા ગયા. ચંદુભાઈ મટાણીની ઓળખમાં સંગીતનાં તત્ત્વો એવાં ભળી ગયાં છે કે તમે તેમને તેનાથી અલગ ઓળખી ન શકો. હિન્દી ફિલ્મના અનેક ગાયક-ગાયિકાઓ કે સંગીતકારો યા ગુજરાતી સુગમ સંગીતકાર - ગાયકો બ્રિટન કાર્યક્રમ યોજવાના ન હોય તો ચંદુભાઈનો સંપર્ક પહેલો કરે. બ્રિટનમાં વસતા ગુજરાતીઓને ગાતા - સાંભળતા રાખવામાં તેમનો મોટો હાથ છે.

સૌજન્ય : લેખકની 'દેશી-પરદેશી ગુજરાતી' કટાર, ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 June 2013

Category :- Diaspora / Culture

૧૯૫૦-૬૦ના ગાળામાં, દક્ષિણ ગુજરાતમાંથી પ્રથમ વસાહતીઓ બ્રિટન આવ્યા અને લૅન્કેશર, યૉર્કશરનાં 'મિલ નગરો' માં વસ્યા. ૧૯૬૦-૭૦માં યુગાન્ડા તથા અન્ય આફ્રિકન દેશોના ગુજરાતી મૂળના લોકો આવ્યા અને મોટે ભાગે લંડન, લેસ્ટરમાં સ્થાયી થયા. આ વસાહતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષા - સાહિત્યનો વારસો લઈને આવેલા.

૧૯૬૫ના શિયાળામાં, હઝલકાર 'બેકાર' ગુજરાતથી બ્રિટનના પ્રવાસે આવેલા. તેમની ઉપસ્થિતિમાં, બોલ્ટનના સ્પિનર્સ હૉલમાં, મુશાયરો થયો, જેમાં અંજુમ વાલોડી, કદમ ટંકારવી, મહેક ટંકારવી તથા સૂફી મનુબરીએ કાવ્યપઠન કરેલું. બ્રિટનનો આ પ્રથમ ગુજરાતી મુશાયરો.

૧૯૬૭માં કદમ ટંકારવી તથા મહેક ટંકારવીએ લૅન્કેશરમાં 'ગુજરાતી સાહિત્ય મંડળ'ની સ્થાપના કરી. ૧૯૭૩માં શેખાદમ આબુવાલા જર્મનીથી બ્રિટનના પ્રવાસે આવેલા ત્યારે પ્રેસ્ટનમાં કદમ ટંકારવીના નિવાસે કવિમિલન યોજાયેલું. આ પ્રસંગે શેખાદમની પ્રેરણાથી, 'ગુજરાતી સાહિત્ય મંડળ'નું 'ગુજરાતી રાઇટર્સ' ગિલ્ડ, યુ.કે.'માં રૂપાંતર થયું, અને સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો.

૧૯૭૦ના ગાળામાં 'ગુજરાતી સાહિત્ય મંડળ' અંતર્ગત ડાહ્યાભાઈ પટેલ, કુસુમ શાહ, યોગેશ પટેલ, નિરંજના દેસાઈ લંડન - લેસ્ટરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. ૧૨મી ફેબ્રુઆરી ૧૯૭૭ના રોજ શ્રી સૂર્યકાન્ત દવેના નિવાસસ્થાને યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી અને પંકજ વોરાએ તૈયાર કરેલ લિખિત બંધારણ પ્રમાણે આ 'સાહિત્ય મંડળ' વિધિવત 'ગુજરાતી સાહિત્ય અકાદમી'માં ફેરવાયું.

આ ચારેક દાયકા દરમિયાન બ્રિટનમાં જે ગુજરાતી સાહિત્યસર્જન થયું તેની ઇયત્તા અને ગુણવત્તાની તપાસ માટેની ભૂમિકા રચાય તે હેતુથી કેટલાક મુદ્દા અહીં પ્રસ્તુત છે :
બ્રિટિશ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : બ્રિટિશ ગુજરાતી સાહિત્ય વિશે થોડી નોંધો તથા મૉનૉગ્રૅફ્સ મળે છે, પણ એના વિકાસ, વલણો, પ્રવાહોનો તલસ્પર્શી અભ્યાસમાં સહાયરૂપ થાય એવો સર્વગ્રાહી ઇતિહાસ લખાયો નથી. મુખ્ય સર્જકો તથા તેમની કૃતિઓ વિશે અધિકૃત માહિતી મળે, એવો કોઈ ગ્રંથ નથી. દાયકાવાર વિવિધ સાહિત્યસ્વરૂપોના પ્રતિનિધિ સંચયો પણ થઈ શકે. જેમ કે, સાતમા દાયકાની બ્રિટિશ ગુજરાતી કવિતા. આવા સંચયથી જે તે ગાળાના સર્જનની દશા - દિશાનો અભ્યાસ થઈ શકે.

વિવેચન-મૂલ્યાંકન : ચારેક દાયકા દરમિયાન બ્રિટિશ ગુજરાતી સાહિત્ય વિશે કેટલાક રસપ્રદ નિરીક્ષણો થયાં છે, જેને આધારે આ સાહિત્યની વિવેચનાત્મક ચર્ચા થઈ શકે. આ નિરીક્ષણો ભાવવિશ્વ, વિશ્વદર્શન, સંવેદના, વિષયવસ્તુ, સર્જકચેતના, ભાષા-અભિવ્યક્તિ, રચનારીતિ તથા કૃતિના સાહિત્યિક મૂલ્ય જેવા મુદ્દાઓને સ્પર્શે છે.

૧. મે, ૧૯૮૫માં અકાદમીની ભાષા સાહિત્ય પરિષદની 'બ્રિટનમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય - પોત અને પ્રકાશ' બેઠકમાં યોગેશ પટેલે જણાવ્યું, 'આપણા સમાજના પ્રશ્નોને આવરી લેતી કૃતિઓને ખાસ જરૂર છે.' આમાં એવો નિર્દેશ છે કે, બ્રિટનનો ગુજરાતી સર્જક જે પરિસ્થિતિમાં જીવે છે તેનો સંદર્ભ એના સર્જનમાં પ્રતિબિંબિત થતો નથી.
૨. ૧૯૯૩માં સુમન શાહ બ્રિટનના પ્રવાસે આવેલા ત્યારે અહીંના સાહિત્યકારો તથા સાહિત્યરસિકો સાથે મુલાકાતો/ચર્ચાઓ કરેલી. આના પર આધારિત તેમણે કરેલ નિરીક્ષણો નીચે મુજબ છે :

(ક) આજે ઇંગ્લૅન્ડમાં સાહિત્ય-નામે જે લખાય છે અને છપાય છે તેમાં એક સળવળાટથી વિશેષ દમ નથી. આ સાહિત્ય 'પ્રાથમિક' કક્ષાનું છે. (ખ) અહીંના સર્જકનું ગુજરાતી સાહિત્યના 'મેઇન-સ્ટ્રીમ'- મુખ્યપ્રવાહ સાથે 'પરમ્પરાનુસન્ધાન' નથી. 'મેં મારી ઘણી સભાઓમાં નોંધ્યું કે શ્રોતાઓને ૧૯૬૦ પછીના ગુજરાતી સાહિત્યની કશી જ માહિતી નહોતી!' (ગ) બ્રિટનના ગુજરાતી સર્જકનો અંગ્રેજ સાહિત્યકારો સાથે કશો સમ્પર્ક નથી. (ઘ) બ્રિટિશ ગુજરાતી સર્જક પોતાને પ્રાપ્ત અને સુલભ એવા 'તમામ સંદર્ભો'માં વિસ્તરીને વ્યક્ત થતો નથી.

૩. ૧૯૯૪માં અકાદમીની પાંચમી ભાષા-સાહિત્ય પરિષદ ટાણે ભીખુ પારેખે કહ્યું, 'ગુજરાતને ધ્યાનમાં રાખીને અહીં લખાય છે એ સંસ્થાનવાદી મનોદશા છે. જે દેશમાં આપણે રહીએ છીએ તેને ધ્યાનમાં રાખીને સાહિત્યસર્જન થવું જોઈએ.'

૪. જાન્યુઆરી ૨૦૦૯માં અમદાવાદમાં 'ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યસર્જન' વિષયક પરિસંવાદના સમાપનમાં પ્રકાશ ન. શાહે આ સાહિત્યના બે તબક્કાની વાત કરી 'વસાહતી વસવાટના પ્રારંભિક તબક્કે, બને કે વતનઝૂરાપાની લાગણી એના સર્જનમાં પ્રગટ થવા કરતી હોય, પણ આરમ્ભે 'આરત છે તો પછીથી અભિસ્થાપન પણ છે. કંઇક longing, કંઇક belonging.'
ઉપરોક્ત મુદ્દાઓ ચાર દાયકાના બ્રિટિશ ગુજરાતી સાહિત્યની તપાસ માટે ભૂમિકા રચી આપે છે, અકાદમી વિવિધ સાહિત્ય સ્વરૂપોના પ્રતિનિધિ સંચયો પ્રગટ કરે તો આવી તપાસમાં સુવિધા રહે. આવા સંચયોમાંથી પસાર થનારને ખ્યાલ આવે કે,

• બ્રિટિશ ગુજરાતી સાહિત્ય મુખ્યપ્રવાહને કહેતાં ગુજરાતી ગુજરાતી સાહિત્યથી કઈ રીતે જુદું પડે છે.

• બ્રિટિશ ગુજરાતી સાહિત્યની પોતીકી મુદ્રા છે? અને છે તો કેવી છે?

• મુખ્યપ્રવાહના સાહિત્યનો એના પર કેટલો/કેવો પ્રભાવ છે?

• આ સર્જન પર સમકાલીન અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ છે?

• અનુભૂતિ - અભિવ્યક્તિ સંદર્ભે વસાહતના આરમ્ભથી લઈ અત્યાર સુધીના સર્જનમાં કેવાં સ્થિત્યંતરો પ્રગટ થયાં છે?

• બ્રિટિશ ગુજરાતી સર્જકે પોતાની ચેતનાને અનુરૂપ diction પ્રયોજી છે કે ગુજરાતની પડઘાશૈલીથી કામ ચલાવે છે?

• ૬ જૂન ૨૦૦૯ના રોજ લંડનના નેહરુ સેન્ટર ખાતે યોજાયેલ પરિસંવાદમાં પ્રકાશ ન. શાહે સર્જકનો એના પરિવેશ સાથેના encounterનો મુદ્દો ચર્ચેલો. બ્રિટિશ ગુજરાતી સર્જક જે દેશકાળમાં શ્વસે છે તેને કઈ રીતે સંવેદે છે અને કઈ રીતે વ્યક્ત કરે છે?

બ્રિટનમાં સર્જાતા ગુજરાતી સાહિત્યનું સાહિત્યિક મૂલ્ય કેટલું?  આ સર્જન પાછળ ઊંડી કલાસૂઝ છે કે પછી સુમન શાહ કહે છે તેમ, એ માત્ર 'પાસ ટાઇમ ઍક્ટિવિટી' છે? જો આમ હોય તો સુમનભાઈના શબ્દોમાં એ 'કામચલાઉ' બની રહેશે.

ચાર દાયકાના બ્રિટિશ ગુજરાતી સર્જનને અંકે કરી એની તલસ્પર્શી તપાસ માટેની ભૂમિકા રચી આપવાનું ભગીરથ કાર્ય ઇંગ્લૅન્ડની ગુજરાતી સાહિત્ય અકાદમી સામે પડેલું છે, અને આ ક્રમ અગ્રતાક્રમમાં મોખરે છે.

(૬ જૂન ૨૦૦૯ના, લંડનસ્થિત ‘નેહરુ કેન્દ્ર’માંના, ગુજરાતી સાહિત્ય અકાદમીના પરિસંવાદ ટાંકણે રજૂ કરેલા મૂળ અંગ્રેજી નિબંધનો સારાંશ)

(મુદ્રાંકન સદ્દભાવ : શ્રુતિબહેન અમીન)

Category :- Diaspora / Culture