AMI EK JAJABAR

“ગ્રૂપ એરિયા અૅક્ટની શરતોનું ઉલ્લંઘન કરવાના કારણ સબબ હું તમારી સમક્ષ ખડો છું. મેં કારણો દર્શાવ્યા છે તે અનુસાર હું તે શરતોનું પાલન કરી શકતો નથી. તેથી કરીને જેને હું સવિશેષ વફાદાર છું તે આત્માના અવાજને કેન્દ્રસ્થ ગણી, એ શરતોને આજ્ઞાંકિતપણે તાબે ન થઈ તમારી સામે ઊભો છું. મહાત્મા ગાંધીના આદર્શ અનુસાર સત્યાગ્રહના (અસહકારના) એક અનુયાયી તરીકે અન્યાયનો તેમ જ જુલમનો સામનો કરવાની હું મારી પવિત્ર ફરજ સમજું છું. અને આમ કરવાને કારણે કાનૂનના સંપૂર્ણ સપાટાને સહેવાની તેમ જ મને જે કંઈ સજા ફટકારવામાં આવે તો તેને ઝેલી લેવાની મારી પૂરી તૈયારી છે.

“મેં કરેલા ગુના ખાતર સમારી સમક્ષ ખડો છું તેથી તમે મને જે કંઈ સજા કરો તેને હું હસતે મોઢે સહન કરી લઇશ કેમ કે આ કાયદાને (અૅક્ટને) કારણે કોમને જે સહેવાનું થાય છે તેની વિસાતમાં એ સજા મારે મન કંઈ નહીં હોય. સત્ય, ન્યાય તેમ જ માનવતા અંગેના મારા સિદ્ધાંતોની અમલબજાવણી કરતાં કરતાં મારે જે કંઈ સહેવાનું આવે તેને કારણે જો દક્ષિણ આફ્રિકાની ગોરી પ્રજામાં આત્મભાવ જાગશે તો જાણીશ કે મારી મથામણ લગીર એળે નથી ગઈ. મારું વય 69નું છે, અને સંધિવાના દીર્ધકાલીન દુખાવાથી પીડાઈ રહ્યો છું, છતાં સજામાં કોઈ રાહત આપવાની માગણી સુધ્ધાં કરવાનો નથી. હું કોઈ જાતની હળવાશની પણ વિનંતી કરતો નથી. તમારી સજાની સુનાવણી માટે હું પૂર્ણપણે તૈયાર છું.”

17 અૉગસ્ટ 1967નો એ દિવસ. દક્ષિણ આફ્રિકાના મુખ્ય શહેર પ્રિટોરિયા મધ્યે મેજિસ્ટૃેટ કોર્ટમાં ચાલેલા એક મુકદમા વેળાનું એક ‘ગુનેગાર’નું આ નિવેદન છે. નિવેદક છે નાના સીતા.

ગાંધીની જેમ સોજ્જા આત્મવિશ્વાસ સાથે તૈયાર થયા હોય અને લગભગ ગાંધી જેવું જ નિવેદન આ સાચના સિપાહી અદાલતમાં કરે તે નાનું અમથું માણસ તો હોય જ નહીં. તેથીસ્તો, કુતૂહલપ્રેરક સવાલ થાય : આ નાના સીતા તે કોણ ?

દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના મટવાડ ગામે સન 1898 દરમિયાન નાના સીતાનો જન્મ થયેલો. હિંદની સ્વતંત્રતાની ચળવળમાં એમનો પરિવાર સક્રિય રહેલો તેમ સમજાય છે. અને પછી, પરિસ્થિતિવસાત્‌ લીલાં ચરિયાણની શોધમાં, બીજા અનેકોની જેમ, નાનાભાઈ 1913માં દક્ષિણ આફ્રિકા ગયેલા. આરંભે પ્રિટોરિયા ખાતે જે.પી. વ્યાસને ત્યાં એમનો આશરો હતો. એ અરસામાં નામું કરવાનું એ શિક્ષણ મેળવવામાં હતા. તે દિવસોમાં ગાંધીજી સત્યાગ્રહની આગેવાની સંભાળતા હતા. દક્ષિણ આફ્રિકાના વડા જનરલ સ્મટ્સ જોડે વાટાઘાટ સારુ ગાંધીજી પ્રિટોરિયા ગયેલા. તે દિવસોમાં ગાંધીજીનો થોડા દિવસો માટેનો ઊતારો જે.પી. વ્યાસને ત્યાં હતો. અને નાના સીતા પણ ત્યાં જ રહેતા હતા. આમ એમને સંગે સંગે ગાંધીજીનો ઘેરો પાસ લાગ્યો.

રંગરૂટિયા હિંદવી મજૂરોની સાથે ગાંધીજીને એકરૂપતા બંધાઈ હોવાને કારણે એ દિવસમાં એક જ વાર અન્ન લેતા હતા, લુંગી અને અને બરછટ ઝબ્બા સરીખું ખમીસ પહેરતા, ભોંય પર પથારી કરી સૂતા તેમ જ જનરલ સ્મટ્સને મળવા કરવાનાં કામ અર્થે ય ઉઘાડે પગે હરફર કરતા.

એમના કાકાના ફળફૂલ તેમ જ શાકભાજીના ધંધામાં થોડાંક વરસો કાઢ્યા બાદ, નાના સીતાએ પોતાનો ગાંધિયાણા તરીકેનો ધંધો શરૂ કરેલો. પ્રિટોરિયાના નાના અમથા હિંદવી સમાજના ધાર્મિક તેમ જ સામાજિક ઉત્કર્ષના અવસરોમાં એ સક્રિયપણે ભાગ લેતા થયા. વળી, એ ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’માં જોડાયા અને પ્રિટોરિયા શાખાના મંત્રીપદે પણ રહેલા.

 

છવિ સૌજન્ય : 'શ્રી ટૃાન્વાલ કોળી હિતવર્ધક મંડળ' [1916-2016] શતાબ્દી ઉત્સવ સ્મરણિકા

એનુગા શ્રીનિવાસુલુ રેડ્ડી નામક સંયુક્ત રાષ્ટૃ સંઘના એક પૂર્વ અધિકારીને દક્ષિણ આફ્રિકામાં ઊંડો રસ હતો. એમણે સંશોધન આધારે ‘સાઉથ આફ્રિકન હિસ્ટૃી અૉનલાઇન’ની રચના કરી છે. એમાં વિગતે સ્વાતંત્ર્યસંગ્રામની વિગતો ય જડે છે. જાણીતા લેખક અને વિચારક રામચંદ્ર ગુહાના મત અનુસાર, દક્ષિણ આફ્રિકાના ગાંધીની સારામાં સારી વિગતમાહિતી રેડ્ડી કને જ છે. રેડ્ડીએ નાના સીતા વિશે ય વિગતમાહિતી મૂકી છે. તેમના કહેવા અનુસાર, ટૃાન્સવાલની તમામ મવાળ નેતાગીરીમાં નાના સીતા ઉમ્મરે નાના હતા. એમ છતાં, બહુ જ નજીવા સમયમાં એ મવાળોના આગેવાન પ્રવક્તા બની ચૂક્યા હતા. જહાલોની સામે ઊભા રહેવા સારુ મવાળો નાના સીતાની લોકપ્રિયતા તેમ જ એમનો કોમ પર જે પ્રભાવ હતો તે પર મદાર રાખતા.

બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિન્દવી કોમ પર વિશેષ પ્રતિબંધ લાદવા તેમ જ જમીનના માલિકીપદને વધુ મર્યાદિત કરવા સારુ સરકારે બે નવા કાયદા દાખલ કરેલા. ‘ઘૅટૉ અૅક્ટ’ તરીકે જાણીતા થયેલા આ કાનૂનનો [ધ એશિયાટિક લૅન્ડ ટેન્યોર અૅન્ડ ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન અૅક્ટ અૉવ્ 1946] ટ્રાન્સવાલ તથા નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસોની જહાલ નેતાગીરીએ સક્રિય વિરોધ કરી વિશાળ પ્રતિકારનો આદર કર્યો. ડૉ. યુસૂફ એમ. દાદુ, અને ડૉ. જી.એમ. નાઇકર તેના આગેવાન હતા. ગાંધીજીના આશીર્વાદ સાથે જૂન 1946માં એમણે નિ:શસ્ત્ર પ્રતિકારનો આરંભ કર્યો. પરિણામે 2,000 ઉપરાંત લોકોને જેલ ભોગવવી પડેલી. નાના સીતા જહાલો સાથે જોડાઈ ગયા કેમ કે સિદ્ધાંતને મુદ્દે શેતાની સરકાર સાથે કોઈ વાટાઘાટની સંભવના હતી જ નહીં. આ આંદોલનમાં એ સક્રિય બની ગયા. કૉંગ્રેસ ઉપરાંત હવે એ ‘ટૃાન્સવાલ પૅસિવ રેસિઝન્ટસ કાઉન્સિલ’માં જોડાયા. ડૉ. દાદુની અવેજીમાં એ અધ્યક્ષપદ પણ સંભાળતા.

અૉક્ટોબર 1946 વેળા હિંદી, આફ્રિકીઓ તથા રંગીન (કલર્ડ) લોકોની ટૃાન્સવાલમાં એક મોટી રેલીની એમણે નેતાગીરી કરેલી. પરિણામે એમને 30 દિવસની સખત મજૂરીવાળી જેલની સજા ભોગવવાની થઈ. છૂટકારા પછી, ફરી એમને બીજીવાર પણ જેલવાસ થયો. એમને સાત સંતાનો હતાં અને આ આંદોલનમાં દરેક જણે જેલવાસ વેઠેલો. એમની દીકરી, મણિબહેન સીતા તો સ્વાતંત્ર્યસૈનિક તરીકે જાણીતાં બનેલાં. એમણે ય બેચાર વાર જેલ ભોગવવી પડેલી.

નાનાભાઈ હંમેશ ગાંધીટોપી પરિધાન કરતા. હિન્દવી આંદોલનોમાં એ જાણીતા હતા. સન 1948માં ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસના અધિવેશનમાં પ્રમુખપદેથી આપેલું પ્રવચન આની સાખ પૂરે છે. 30 અૅપ્રિલ 1948થી જોહાનિસબર્ગથી પ્રગટ થયેલી ‘પેસિવ રેસિઝસ્ટર’ પત્રિકામાં આ પ્રવચનની વિગતો મળે છે. તેમાંથી આ ત્રણ ફકરા અહીં જોઇએ :

"Do we all of us realise the significance, the importance, the heavy responsibility that has been cast upon each and every one of us when we decided to challenge the might of the Union Government with that Grey Steel, General Smuts, at its head? Are we today acting in a manner which can bring credit not only to the quarter million Indians in South Africa but to those four hundred million people now enjoying Dominion Status as the first fruits of their unequal struggle against the greatest Empire of our times?

"It is for each and every one of us in his or her own way to answer that question with a clear conscience. But let me say that I have nothing but praise for those brave men and women fellow resisters of mine. History has ordained that they should be in the forefront in the great struggle for freedom in this colour-ridden country of eleven million people …

"Over two thousand men and women have stood by the ideal of Gandhi and have suffered the rigours of South African prison life and they are continuing to make further sacrifices in the cause of our freedom. We at the head of the struggle cannot promise you a bed of roses. The path that lies ahead of us is a dark and difficult one but as far as I am personally concerned I am prepared to lay down my very life for the cause which I believe to be just.”

જૂન 1948માં નેશનલ પાર્ટી શાસનમાં આવી અને દમનનો કોરડો વિશેષ વીંઝાતો થયો. જૂન 1952માં, ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ અને ‘સાઉથ આફ્રિકન ઇન્ડિયન કૉંગ્રેસ’ એકબીજાથી જોડાઈને પ્રતિકાર કરતા રહ્યા. આશરે આઠ હજાર લોકોને કેદમાં પૂરવામાં આવ્યા. આ પ્રતિકારની એક ટૂકડીના આગેવાન તરીકે નાના સીતા હતા. અને એમની ટૂકડીમાં ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ના મહામંત્રી વૉલ્ટર સિસુલુ ય સક્રિયપણે સામેલ હતા. એમને જેલમાં મૂકવામાં આવ્યા. બહાર આવ્યા ત્યારે એમની તબિયત ખૂબ લથડી ગયેલી. તે પછીને વરસે, ડૉ. દાદુ પર પ્રતિબંધો લદાતાં, નાના સીતા ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’ના પ્રમુખપદે ચૂંટાઈ આવેલા. શાસને તરત જ એમના પર પણ પ્રતિબંધો લાદ્યાં.

સન 1960માં ‘શાર્પવિલ હત્યાકાંડ’ની પૂંઠે દેશમાં કટોકટી લાદવામાં આવતાંની સાથે ફરી એક વાર નાનાભાઈને અટકમાં લેવામાં આવ્યા. કોઈ પણ પ્રકારનો મુકદમો ચલાવ્યા વિના એમને ત્રણ મહિના કેદમાં રાખવામાં આવેલા. ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો અને આગેવાનોએ હિંસાત્મક માર્ગ વળતાં હાથ કરવાનો નિર્ધાર કર્યો. જ્યારે નાના સીતાની અહિંસક પ્રતિકારની લડત ચાલુ જ રહી.

દરમિયાન, પ્રિટોરિયાના ‘હરક્યુલસ’ (Hercules) વિસ્તારને ફક્ત ગોરા વસવાટીઓના વિસ્તાર તરીકે 1962માં જાહેર કરાતા, નાના સીતાને તેની અસર પહોંચી. કેમ કે તે વિસ્તારમાં એમનું રહેઠાણ હતું. એમને અને પરિવારને ફરજિયાત ઉચાળા ભરવા પડ્યાં. સ્થળથી અગિયાર માઇલ દૂરના હિંદવી જમાત માટેના ખાસ ફાળવાયેલા અલગ વિસ્તાર, લૉડિયમ (Laudium) ખાતે જવાનું કહેવાયું. નાના સીતાએ આ હુકમનો અનાદર કર્યો અને તેથી એમને અદાલતમાં લઈ જવામાં આવ્યા. એમણે અદાલતમાં આ હુકમનામાની ભયંકર આલોચના કરી, તેને પડકાર્યો. ન્યાયાધીશે ચૂકાદો આપ્યો :  સો રેન્ડનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ. આ તો સાચના સિપાહી. ગાંધીને પગલે ચાલનારા. વળી, નાના સીતાને ધમકી પણ અપાઈ કે જો તે આ વિસ્તાર ખાલી કરીને જશે નહીં તો એમને વધુ સજા થશે.

સજા ભોગવીને એમણે તો સ્વાભાવિક ‘અખ્ખે દ્વારાકા’ જ કર્યું. પત્ની પેમીબહેન સાથે એમણે તે જ ઘરમાં રહેવાનું ચાલુ રાખ્યું. અને ધારેલું તેમ અદાલતે એમને છ માસની કેદની ઠઠાડી દીધી.

સત્તાવાળાઓએ વધુ એક વાર 1965માં પતિપત્ની પર કાર્યવાહી આદરી. નાના સીતાએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી, અને તારીખ લંબાયા કરી. છેવટે 1967માં દાખલો ન્યાયમૂર્તિ સમક્ષ આવ્યો. અદાલત સમક્ષ એમણે 19 પાન લાંબું ખૂબ જ અગત્યનું નિવેદન કર્યું. એમાંના બે ફકરા તો આપણે આ લખાણમાં આરંભે જ જોયા છે. વારુ, અદાલતનો ખંડ ખીચોખીચ ભરાયો હતો. એમાં હિન્દવી નસ્સલના પણ લોકો હતા. નિવેદન પૂરું થયું અને ખંડમાં સોપો પડી ગયેલો. કેટલાંક તો હીબકે ય ચડ્યાં હતાં. નાના સીતાને છ માસની કેદની સજા થઈ. પેમીબહેનને સજામોકૂફી ફરમાવવામાં આવી.

કેદમાથી છ માસે છૂટ્યા ત્યારે, “રેન્ડ ડેયલી મેલ”ના છઠ્ઠી એપ્રિલ 1968ના અંકમાં, જીલ ચિશોમ(Jill Chisholm)ના પત્રકારી હેવાલ મુજબ, નાના સીતાએ નિવેદન બહાર પાડેલું. નાના સીતા પાસે આવા જ નિવેદનની અપેક્ષા હોય : “બીજાં કેટલાં લોકો કાનૂનનો સ્વીકાર કરે છે કે પછી તેને પડકાર કર્યા વિના તેને સહી લેતાં ય હોય, તે મારે માટે અગત્યનું છે જ નહીં − હોઈ શકે કે સૌ કોઈ આ કાનૂનને સ્વીકારતાં પણ હોય. મારા આત્માના અવાજને તે અન્યાયી લાગે તો મારે તેનો વિરોધ કરવો જ રહ્યો. કોઈ પણ જાતના અન્યાયનો સામનો કરી પ્રતિકાર કરવા માટે મારું મન ક્યારનું તૈયાર છે. પરિણામે બીજા કોઈ અન્યાય થાય તે વેળા ફરી વાર વિચાર કરવાની આવશ્યક્તા રહેતી જ નથી. એક વખત વચનબદ્ધ થયા એટલે એને માટે મક્કમ રહી સ્વીકાર કરવાનો જ હોય.”

એ જ મહિના દરમિયાન, સત્તાવાળાઓએ એમની ઘરવખરી ઉપાડીને બાજુની ગલીમાં ઠાલવી મેલી. પણ નાના સીતા જેનું નામ, એ તો તરત પોતાના આવાસે પાછા ગોઠવાઈ ગયા. એમણે એ પછી ક્યારે ય આ ગ્રૂપ એરિયા અૅક્ટનો સ્વીકાર કર્યો જ નહીં. મહાત્મા ગાંધીના જન્મ શતાબ્દી વર્ષમાં, ડિસેમ્બરની 23મીએ એમણે દેહ છોડયો.

નાના સીતાની કામગીરી લગીર એળે ગઈ નહોતી. એમનાં સંતાનો - મણિબહેન અને રામલાલ ભૂલા તો અસહકારની લડતમાં સક્રિય રહ્યાં. અને નાના સીતાની શહીદી તેમ જ કામગીરીની આઝાદ દક્ષિણ આફ્રિકાની નેતાગીરીએ આદરપૂર્વક નોંધ લીધી છે. નેલ્સન મન્ડેલા, વૉલ્ટર સિસુલુ તેમ જ અહમદ કથરાડાએ તો જાહેરમાં એમનું યશોગાન કર્યું છે. પ્રિટોરિયા શહેરની મધ્યમાં આવેલા એક મોટા રસ્તાને ‘નાના સીતા સ્ટૃીટ’ નામ પણ આપવામાં આવ્યું છે.

પાનબીડું :

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.

                                              − પ્રેમશંકર ન. ભટ્ટ

હેરો, 03 અૉગસ્ટ 2017

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

પ્રાથમિક વિગત સૌજન્ય : 'શ્રી ટૃાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ' શતાબ્દી ઉત્સવ સ્મરણિકા (1916-2016) 

["અખંડ આનંદ", સપ્ટેમ્બર 2017ના અંકમાં આ લેખ પ્રગટ થયો છે. પૃ. 58 - 61]

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar

આસ્થા અને ઇતિહાસનું સાયુજ્ય

વિપુલ કલ્યાણી
29-06-2017

વે’ન હૉપ અૅન્ડ હિસ્ટૃી રાઇમ [When Hope And History Rhyme] - આત્મકથા : અમીના કાછલિયા [Amina Cachalia] : Picador Africa, an imprint of Pan Macmillan South Africa, Private Bag X19, Northlands Johannesburg, 2116 : ISBN 978-177010-283-5 : First Edition - 2013

°

“Of all Amina Cachalia’s distinctions and achievements, the greatest is her identity, lifelong, active in past and present, as a freedom fighter, now needed as much, believe me, in the aftermath of freedom as in the struggle.”

— Nadine Gordimer

“અમીના કાછલિયાની શ્રેષ્ઠતા તથા સિદ્ધિમાં એમની વ્યક્તિતા, ભૂતકાળ તેમ જ વર્તમાન કાળમાંની એમની જીવનભરની કર્મશીલતા, સ્વાતંત્ર્યસૈનિકપણું બેલાશક છે જ છે; અરે, મને કહેવા દો, આઝાદીની લડત વેળા જેટલાં તે આવશ્યક હતાં તેટલાં આજે ય આવશ્યક છે.”

− નદીન ગોર્ડિમર

અહમદ કાછલિયા તથા ઇબ્રાહિમ અસ્વાત દક્ષિણ આફ્રિકાના આંદોલન વેળા ગાંધીભાઈના નજીકના સાથીદારો હતા. ઇબ્રાહિમભાઈ ઓગણીસમી-વીસમી સદીના સંધિકાળે સુરત પાસેના કફલેટાથી દક્ષિણ આફ્રિકે નશીબ અજમાવવા ગયેલા. જ્યારે અહમદભાઈ 1880માં કછોલીથી દક્ષિણ આફ્રિકા ગયેલા. બન્ને જ્હોનિસબર્ગ ચોપાસ જ ઠરીઠમા થયા હતા. મો.ક. ગાંધીના સહવાસે આંદોલનમાં બન્ને સક્રિય બન્યા. આગેવાન થયા. જેલ પણ ભોગવી. એકમેકને પરિચત થયા, અને પછી વેવાઈ પણ. ઇબ્રાહિમભાઈનું નવમું સંતાન એટલે અમીનાબહેન. જ્યારે અહમદભાઈનું બીજું સંતાન એટલે યુસૂફભાઈ. અમીનાબહેન અને યુસૂફભાઈ પરણ્યાં અને માવતરની પેઠે આઝાદીની લડતમાં પૂરેવચ્ચ રહ્યાં જેલવાસ પણ વેઠતાં રહ્યાં. એક અજીબોગજીબની ખુમારીવાળાં, પહેલી હરોળના આઝાદી આંદોલનના સૈનિકો શાં આ દંપતીની વાત આ આત્મકથામાં વહેતી રહી છે. અને એ જીવનીની સાથેસાથે દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતના વિવિધ આગેવાનોની વાત, રાક્ષસી રંગભેદ, તેમ જ હિન્દવી જમાતના ત્યાગની દાસ્તાઁ જોડાજોડ, જુલમી સરકારના કાળા કેરની અધમ વાતો ય અહીં હૂબહૂ ગૂંથાઈ છે.

જાણીતા આયરિશ કવિ અને નાટ્યકાર તેમ જ સાહિત્યનું નૉબેલ પારિતોષિક મેળવનાર સીમસ હીની[Seamus Heaney]એ આપી એક જાણીતી કવિતાની ત્રીજી કડી છે :

History says, don't hope
On this side of the grave.
But then, once in a lifetime
The longed-for tidal wave
Of justice can rise up,
And hope and history rhyme.  

[ઇતિહાસ જણાવે છે, છેલ્લા શ્વાસ સુધી આશામાં ને આશામાં ગરકાવ રહેવું નહીં. તેમ છતાં, જીવનમાં એકાદ વાર ઇનસાફની કોઈક ભરતીછાલક આવી ચડે છે, અને ત્યારે બસ, આસ્થા અને ઇતિહાસનું સાયુજ્ય રચાઈ શકે છે.]

અમીના કાછલિયાએ સીમસ હીની પાસેથી આત્મકથાના પુસ્તકનું નામ ઉછીનું લઈ, આપણી સામે આસ્થા ને ઇતિહાસનાં વિવિધ પાસાં ચિતરી આપ્યાં છે.

ઇબ્રાહિમ આસ્વાત ને ફાતીમા આસ્વાતનું એ નવમું સંતાન. અમીનાબહેનનો જન્મ 28 જૂન 1930ના રોજ ટૃાન્સવાલ પ્રાન્તમાં થયો હતો. ગાંધીભાઈની આગેવાનીમાં રંગભેદ સામે બાપે ટક્કર લીધેલી. ખૂબ સહી લીધેલું. ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’માં ઇબ્રાહિમભાઈ એક દા અધ્યક્ષપદે ય હતા. બસ તેવા જ કોઈ ચીલે મહિલાઓના અધિકાર સારુ, રાજકીય આઝાદી માટેના સંગ્રામમાં દીકરી અમીના કાછલિયા ખૂંપી ગયેલાં.

અમીનાબહેને બચપણથી પોતાના ભારે નોંધપાત્ર જીવનને અહીં દર્શાવ્યું છે. 09 અૉગસ્ટ 1956 દરમિયાન પ્રિટોરિયા ખાતે આવેલા યુનિયન બિલ્ડીંગ સામે યોજાયેલી મહિલાઓની જંગી કૂચમાં અમીનાબહેન સામેલ હતાં. ભારે સગર્ભાવસ્થા છતાં વીસ હજાર ઉપરાંતની એ કૂચમાં એ ય એક મહિલારૂપે સક્રિય રહ્યાં. સન 1963માં વળી એમને 15 વરસનો પ્રતિબંધ વેઠવો પડ્યો હતો. એમના પતિ યુસૂફભાઈને તો 27 વરસનો પ્રતિબંધ આવી પડેલો. દંપતીએ આ સમયગાળામાં કઈ રીતે સંસાર ચલાવ્યો હશે ? કઈ રીતે બાળકોનો ઉછેર કર્યો હશે ? આની વિગતે વાત આ ચોપડીમાં છે.

અમીના બહેનને નેલસન મન્ડેલા સાથે નજીકનો તથા ઘનિષ્ટ સંબંધ હતો. નેલસન મન્ડેલા અને યુસૂફ કાછલિયા મિત્રો અને વળી આઝાદીની લડતના અગ્રિમ લડવૈયા ય ખરા. મન્ડેલા 1990માં લાંબો કારાવસ વેઠીને બહાર આવે છે. આઝાદ દક્ષિણ આફ્રિકાના પહેલા રાષ્ટૃપતિ બને છે તે વેળા આ દંપતી સાથે અને તેમાં ય ખાસ કરીને યુસૂફભાઈના દેહાંત પછી અમીનાબહેન જોડે રસબસતો નિજી સંબંધ વહે છે તેની રોચક વાતો ય વાચકને અહીં જડે છે.

મોહનદાસ ગાંધીએ, 1915માં, દક્ષિણ આફ્રિકાથી વિદાય લીધી, તે પછીના આગેવાનોની બીજીત્રીજી પેઢીના મૂળ ગુજરાતી આગેવાનોએ - ‘અૅ ફોરચ્યુનેટ મૅન’ નામથી ઈસ્માઈલ મીરે તેમ જ ‘મેમૉયર્સ’ નામથી અહમદ કથરાડાએ - પણ આત્મકથાઓ આપી છે. અને તેની જોડાજોડ મણિલાલ ગાંધી વિશે એમની દોહિત્રી, ઊમા ધૂપેલિયા-મિસ્ત્રીએ લખી ‘ગાંધીઝ પ્રિઝનર ?’ નામક જીવનકથા પણ જોવી જોઈએ. અમીના કાછલિયાની આત્મકથાની સાથેસાથે, આ દરેકમાં દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતની લંબાણભરી વિગતો મળે છે. હિન્દવી નસ્સલનાં પણ મૂળ ગુજરાતી થોકબંધી નામો આ લડતમાં સક્રિય હતાં અને તે દરેકની દાસ્તાઁ એક ગુજરાતી તરીકે ગૌરવ બંધાવી આપે છે. આ અને આવી બીજી ચોપડીઓનો સંશોધક અભ્યાસ થવો જોઇએ. આ બધું ગુજરાતી ડાયસ્પોરાનું પોરસ ચડાવતું જરજવાહિર છે.

ખેર, આસ્વાત પરિવારને ટૃાન્સવાલથી જ્હોનિસબર્ગ સ્થળાંતર કરવાનું થયું. અહીં હિન્દવી જમાત માટેની નિશાળમાં અમીનાબહેનને દાખલ થવાનો વારો આવ્યો ત્યારે જ એમને રંગભેદ શી બલા છે તેનો અનુભવ થવા લાગ્યો. આ નિશાળના એક શિક્ષક, મેરવી થંડરાયની અસર હેઠળ એ ધીમેધીમે આવતાં ગયાં. થંડરાય દક્ષિણ આફ્રિકાના સામ્યવાદી પક્ષ જોડે સંકળાયેલા હતા. પોતાના વિદ્યાર્થીઓમાં દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિથી માહિતગાર બને તેની એ ખાસ કાળજી લેતા. પિતાના અવસાન બાદ, આ શિક્ષક સ્વાભાવિકપણે અમીનાબહેનનાં વિશ્વાસુ માર્ગદર્શક બની રહેલા. તેવાકમાં, પરિસ્થિતિવસાત્‌ એમને ડરબનમાં ભણવા જવાનું થયું. અને બીજી પાસ, મુલકમાં નિ:શસ્ત્ર પ્રતિકાર આંદોલનનો આદર થયો. અને તેમાં ભાગ લેવાનો અમીનાબહેને નિર્ધાર કર્યો. એ નાની વયનાં હતાં અને એથી એમને ભાગ લેવા દેવાયાં નહીં. પરંતુ આ આંદોલન ચાલ્યું ત્યાં લગી એ ડરબનથી ખસી શક્યાં નહીં. છેક 1947માં ડરબનથી એ જ્હોનિસબર્ગ પરત થઈ શક્યાં હતાં. પણ હવે એમણે ઔપચારિક શિક્ષણ લેવાનું માંડી વાળ્યું અને ‘શૉર્ટહેન્ડ’ અને ‘ટાયપિંગ’ શીખવાનું ચાલુ કર્યું. એમને નોકરી તો મળી, અને બીજી પાસ, એ પણ રાજકીય રીતે સજ્જધજ્જ બની જાહેર જીવનમાં કાર્યશીલ બની ગયાં. ટૃાનસવાલ ઇન્ડિયન યૂથ કૉંગ્રેસમાં જોડાયાં, અને બીજી પાસ મુલકની પરિસ્થિતિનો સામનો કરવા સામ્યવાદી પક્ષમાં ય સક્રિય બની ગયાં.

ઘર ઘર પત્રિકા, સંદેશા વહેંચવાનું કામ મુખ્ય રહેતું. તેમાં અમીનાબહેનને ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’નો ય સંપર્ક થયો. આ સક્રિયતા વેળા, વળી, આપણે અગાઉ જોયું તેમ, એમનો યુસૂફ કાછલિયા જોડે ય પરિચય થયો. જે પાછળથી પરિણયમાં પરિણમ્યો. અહમદ કથરાડાને ય અમીનાબહેનને પરણવાની લાલસા રહેલી, પરંતુ તે બર ન આવતાં કથરાડાને નિજી સંબંધમાં ખટાશ સતત વર્તાયા કરી છે. અમીનાબહેનની આ આત્મકથામાં તેની છાંટ વર્તાય જ છે. જ્યારે, કથરાડાએ પોતાનાં સ્મરણોની ચોપડીમાં તેનો ઉલ્લેખ જ ટાળ્યો છે અને બને ત્યાં સુધી અમીના ને યુસૂફ કાછલિયાનાં નામઉલ્લેખ ટળાયેલાં જોવાં પામીએ છીએ!

છઠ્ઠા પ્રકરણમાં, ‘ધીસ ઇઝ ધ વુમન આઈ વૉન્ટેડ ટુ મેરી’ નામનું પેટા-પ્રકરણ છે. તેમાંથી આટલું ઉદ્ધૃત:

During one of the breaks at the conference, we were on our way to the Ladies when we virtually bumped into Nelson and Oliver returning from the Gents. Nelson put his arm around me and, addressing Oliver said : ‘Oliver, this is the woman I wanted to marry.’

I raised my hand to remonstrate with Nelson at the same time as I heard a voice saying: ‘Oh! I didn’t know about that!’ It was Ahmed Kathrada, who always seemed to be within earshot and had taken exception to Nelson’s declaration. I turned to Kathy and said to him sweetly: ‘There are many things that you know nothing about.’ And I then proceeded to the loo.

[પરિષદ વખતે એક વિશ્રાન્તિમાં અમે મહિલાઓ માટેનાં પાયખાના ભણી જઈ રહ્યાં હતાં, ત્યારે પુરુષો માટેના શૌચાલયથી નેલસન (મન્ડેલા) અને ઓલિવર (ટામ્બો) આવતા સામે ભૂટકાયા. નેલસને મારા પર પોતાના હાથ પ્રસારી ઓલિવર ભણી જોઈ કહ્યું, ‘અોલિવર, આ બાનુને હું પરણવા ચાહતો હતો.’

નેલસન સામે વિરોધ દર્શાવવા મેં મારો હાથ ઊંચો કર્યો તે જ વખતે એક અવાજ સંભળાયો, ‘અરે ! તેની તો મને ખબર જ નહોતી !’ તે અવાજ અહમદ કથરાડાનો હતો. સાંભળી શકાય તેટલે છેટે તે હતા, અને લાગતું હતું કે નેલસનના એકરાર સામે તેને હરકત હોય. હું કેથી (કથરાડાનું હૂલામણું નામ) તરફ વળી, અને બહુ જ હળવાશે તેને કહ્યું : ‘એવી ઘણી બધી વસ્તુ છે તેનાથી તમે માહિતગાર જ નથી.’  બસ આટલું કહીને શૌચાલય ભણી હું ફંટાઈ ગઈ. ] 

દરમિયાન, અમીનાબહેન ‘આફ્રિકન નેશનલ કૉંગ્રસ’માં જોડાઈ ગયાં અને સક્રિયતાથી આહ્વાન આંદોલનોમાં, પ્રચારપ્રસારનાં કામોમાં રત રહેવા લાગ્યાં; સભ્ય-નોંધણી પણ કરતાં રહ્યાં. મહિલાઓની આવી એક રેલી અૉગસ્ટ 1952માં નીકળેલી. તેમાં 29 મહિલાઓ જ સામેલ હતી. અગિયાર જેટલી તો હિન્દવી નસ્સલની બહેનો સામેલ થયેલી. આ દરેકની ધરપકડ થઈ, સજા થઈ અને અમીનાબહેનને ય જેલવાસ કરવો પડ્યો. આ સૌમાં એ સૌથી નાનાં તો હતાં જ, પણ સાથેસાથે હૃદયની નબળાઈને કારણે એમને ખૂબ વેઠવાનું થયું. જો કે બાકીની બહેનોએ એમની કાળજીસંભાળ લીધેલી. મહિલાઓનાં મંડળ રચાતાં ગયાં, મહાસંઘ પણ રચાયો. તે દરેકમાં અમીનાબહેન અગ્રેસર હતાં. અનેક પ્રકારના દેખાવો યોજાયેલા, રેલીઓ બહાર પડેલી અને તે દરેકમાં એ સક્રિયપણે સામેલ. સન 1956ના અરસામાં પોલીસે આ સૌની ધરપકડ કરી અને એમના પર રાજદ્રોહનો આરોપ ઘડી કાઢેલો. અદાલતમાં કામ ચાલ્યું. આ વેળા પણ અમીનાબહેનનાં મોટાં બહેન ઝૈનબ અસ્વાત સહાયક જ નહોતાં, સક્રિય પણ હતાં. આવી એક સજામાં અમીનાબહેન અને એમના પતિ યુસૂફ કાછલિયાને પોતાના મકાનમાં જ સ્થાનબદ્ધ - નજરકેદી - કરાયાં હતાં અને પાછાં એ બન્ને એક બીજાંને હળેમળે નહીં તેવી ય સજા તેમાં ઉમેરાઈ હતી! આમ એમણે બધું મળીને આવી સજા 15 વરસ ભોગવવી પડેલી.

નેલસન મન્ડેલા, અમીના કાછલિયા, યુસૂફ કાછલિયા અને બન્ને સંતાનો - કોકો ને ગાલિબ 

દક્ષિણ આફ્રિકાને આઝાદી મળી. નેલસન મન્ડેલા પહેલા રાષ્ટૃપ્રમુખ બન્યા. સંસદની સાર્વત્રિક ચૂંટણીઓ સન 1994માં આવી. અને તેમાં અમીના કાછલિયા જરૂર ચૂંટાઈ આવ્યાં. એમને દેશના એક રાજદૂત પણ બનવાનું આમંત્રણ આવી મળ્યું, જે એમણે આદરપૂર્વક પાછું ઠેલેલું. યુનિવર્સિટી વીટવૉટર્સરેન્ડે એમને માનદ્દ ડીલિટની ડિગ્રીથી નવાજ્યાં, અને સરકારે એમને ‘અૉર્ડર અૉવ્ લુથૂલી’ ચંદ્રકથી નવાજેશ કરી. િત્રયાસી વર્ષની પાકટ વયે એમનું અવસાન 2013ની 31 જાન્યુઆરીએ જ્હૉનિસબર્ગમાં થયું.

ચારસો ચોત્રીસ પાનમાં પથરાઈ આ આત્મકથાને સાત વિભાગમાં વહેંચી દેવાઈ છે. દરેક વિભાગને વળી નાનાંમોટાં અનેક પ્રકરણો ય છે. સાહિત્યનું નૉબેલ પારિતોષિક મેળવનાર દક્ષિણ આફ્રિકાનાં જગમશહૂર સાહિત્યકાર નદીન ગોર્ડિમરે [20.11.1923 - 13.07.2014] આત્મકથાને પોરસાવતું આવકાર આપતું પ્રાસ્તાવિક લખાણ કર્યું છે, તે આરંભે અપાયું છે. વળી, વચ્ચે વચ્ચે છબિઓ મૂકીને પુસ્તકને વિશેષ સમૃદ્ધ અને રોચક બનાવાયું છે.

આત્મકથાના ઉપોદ્દઘાતમાં લેખિકા લખે છે :

કેટલાંક વરસો પૂર્વે, જેલમાંથી છૂટ્યા પછી, નેલસન મન્ડેલા એક વાર ભોજન લેવા ઘેર આવ્યા હતા. એમની આ મુલાકાત સમયે મેં એમને વાકેફ કરેલા કે હું એક પુસ્તક લખવાનું ગંભીરપણે વિચારી રહી છું.

‘તું શું લખવાની છે?’ એમણે પૂછ્યું.

મેં જવાબ વાળ્યો : ‘મારું જીવન … તમે પ્રાસ્તાવિક લખાણ આપશો ને ?’

‘એક શરતે’, એમણે કહ્યું. ‘તું મને બહાર રાખજે.’

હું હસી અને એમની ટીખળ કરતાં કહ્યું : ‘તમને શેનો ડર છે ? તમને ડર લાગતો હોય તો તમારું આ પ્રાસ્તાવિક લખાણ આપવાનું જ ટાળજો.’

એમણે રમૂજમાં કહ્યું, ‘મારાં પુસ્તકમાં મેં તારો ઉલ્લેખ કર્યો જ નથી.’

‘શાથી ? તમે તેનો આગોતરો વિચાર કરેલો કે ?’

એમણે જવાબ આપ્યો : ‘હું ઇચ્છતો હતો કે તેમ કરું, પણ ન કર્યું. વારુ, હું ચોક્કસપણે તારા માટે લખાણ કરીશ. પરંતુ તું મને બાકાત રાખજે.’

અને પછી મને સમજાતું ગયું, ગયા સમયની કેટલીક ઘટનાઓ ઉપાડી આંચકીને લખાણ કરવાને બદલે તેથી ફંટાઈ જઈ મારે ગંભીરપણે કામ પાર પાડવું રહ્યું. મારાં પૌત્રપૌત્રીઓ, દોહિત્રદોહિત્રોને માટે તેમ જ એમનાં સંતાનો માટે કંઈક લખવું રહ્યું કે જેથી પોતાનાં મૂળ વિશેની પહેચાન એમને થાય. તદુપરાંત મારા આ અપ્રતિમ જીવનપ્રવાસની ગાથા રજૂ કરવા સારુ મારે મારી યાદદાસ્ત યારી આપે તેટલે લગી પાછા વળવું જ રહ્યું. 

આત્મકથાનો આરંભ થાય તે પહેલાં લેખિકાએ એક ભાતીગળ પ્રકરણ આપ્યું છે - ‘અૉરાનિયા, અૉગસ્ટ 1995’. દક્ષિણ આફ્રિકાને સ્વતંત્રતા મળી છે. નેલસન મન્ડેલા રાષ્ટૃપતિ નીમાયા છે. અને ખેલીદિલી સાથે એમણે રંગભેદ ને જાતિભેદના એક મહત્ત્વના સ્થંભ, હેન્ડરિક એફ. ફરવર્ડ[Hendrik F. Verwoerd]નાં વિધવા બેત્સી ફરવર્ડની શુભેચ્છા મુલાકાત જવાનું નક્કી કરેલું. ડૉ. ફરવર્ડ દક્ષિણ આફ્રિકાના એક વેળાના જાણીતા મનોવિજ્ઞાની અને તત્ત્વવેતા અધ્યાપક હતા. એમની 1966માં હત્યા કરવામાં આવેલી ત્યાં સુધી તે દેશના વડા પ્રધાનપદે ય હતા.

મન્ડેલાએ અમીના કાછલિયાને એમની જોડે અૉરાનિયા જવાનું આમંત્રણ આપેલું. કેટલીક દ્વિધા, કેટલાક ખૂલાસા પછી અમીનાબહેન પ્રવાસમાં તો જોડાયાં, પણ તે આખી ઘટનાનો બહુ જ સરસ આલેખ એમણે અહીં કર્યો છે. ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ના એક આદિ ઘડવૈયા અને િપતાસમ આગેવાન આલ્બર્ટ લુથૂલીનાં વિધવા વેરોનિકાની પણ વચ્ચે શુભેચ્છા મુલાકાતે જઈ આવવાનું ગોઠવાયું હતું. અને ત્યાંથી એમની સંગાથે મન્ડેલાના સાથીદાર તથા મુઠ્ઠી ઊંચેરા આગેવાન વૉ લ્ટર સિસુલુનાં પત્ની ને જાણીતાં સ્વાતંત્ર્યસૈનિક આલ્બર્ટિના સિસુલુ ય જોડાયાં છે. અમીનાબહેનના મનમાં જે કંઈ ઊચાટ હતો, તે બહુ સારી રીતે એમણે આ આદર-પ્રકરણમાં છતો કર્યો છે. અમીનાબહેનના શબ્દોમાં :

પાછા ફરતી વેળા વિમાનમાં મેં રાહતનો દમ ખેંચ્યો અને ઇન્જિનના ઘરરાટ વચ્ચે મદીબાને ધીમથી મેં કહ્યું, ‘અહીં, હવે પછી, મને ક્યારે ય લાવશો નહીં.’ એમણે એમનું મસ્તક પાછું ફેંક્યું અને હસી પડ્યા.

નેલસન મન્ડેલા સાથેના નિજી તેમ જ નજીકનો સંબંધ અમીના કાછલિયાને હતો. મન્ડેલા જેલમાંથી 1990 દરમિયાન છૂટ્યા, ત્યારથી કાછલિયા દંપતી સાથે ખૂબ તીવ્ર સંબંધ રહ્યો. આ સંબંધના અનેકવિધ પાસાંઓની સમજ વાચકને આત્મકથામાં સતત થયા કરે છે. અમીનાબહેનના અસામાન્ય જીવનપ્રવાસમાં આ ઘટનાઓએ ધારદાર અસર પેદા કરી છે, તેનો ય અહેસાસસ મળ્યા કરે છે. જેલમાંથી છૂટ્યા પછી, નેલસન મન્ડેલા દેખીતા અનેકવિધ કારણોવસાત્‌ વિની મન્ડેલાથી દૂરને દૂર થતાં ગયાં છે. લગ્નવિચ્છેદ પણ થાય છે. બીજી પાસ, નેલસન મન્ડેલાની આવનજાવન કાછલિયા દંપતીના ઘેર સ્વાભાવિક પહેલાંની જેમ જ રહ્યાં કરી છે. યુસૂફ કાછલિયાના અવસાનનાં દુ:ખ અને આઘાત જેમ અમીના કાછલિયાને છે તેમ નેલસન મન્ડેલાને ય પારાવાર છે. વિયોગના એક તબક્કે તો મન્ડેલા બાકીસાકી જીવન સંગાથે ગાળવાની પોતાની મહદેચ્છા પણ અમીનાબહેન સામે પેશ કરે છે. પરંતુ અમીનાબહેને તેનો સ્વીકાર કર્યો નથી.

આત્મકથાના છેલ્લા પ્રકરણમાં અમીનાબહેને દિલને વહેતું મૂક્યું છે અને યુસૂફભાઈ તથા નેલસન મન્ડેલા માટેના એમના છલકાતા ભાવવિશ્વને છતું થવા દીધું છે. લેખિકા લખે છે :

ભૂતકાળની યાદો મારામાં ઘોડાપૂર આવી ચડે છે, ક્યારેક વિશેષ સ્વરૂપે. યુસૂફનું સ્મરણ ખાસ સ્પંદનો જગાવી જાય છે. કટોકટી કાળમાં એમનું જે ડહાપણભર્યું માર્ગદર્શન રહેતું તે સતત સાંભરી આવે છે. ‘બિઝનેસ ડે’ સાથેની એમની છેલ્લી મુલાકાતમાં એમણે જે કહેલું તે ખાસ સંભારું છું. આ મુલાકાતના થોડા સમય પછી તો યુસૂફે વિદાય લીધેલી. સંપૂર્ણ સત્તા તથા લાલસાથી વેગળા રહેવાની એમણે દક્ષિણ આફ્રિકાને સલાહ આપેલી. ‘લપસણા ઢાળેથી નીચે સરકી પડવાનું બહુ જ આસાન છે,’ તેમ એમણે ઠોસપૂર્વક કહેલું.

Looking back over the decades, I feel I am so blessed to have had men like Yusuf and Nelson to my life through the years, loving, guiding and inspiring me. Yusuf has gone but his wise and loving nature remains with me. Nelson is only a phone call away and I pray will remain so for a long time still.

[આ દશકાઓ ભણી નજર માંડું છું, ત્યારે મને થાય છે કે હું કેટલી ખુશનશીબ રહી કે મારાં જીવનનાં આ વરસો દરમિયાન યુસૂફ અને નેલસન સરીખા પુરુષો મને મળ્યા. એમણે મને ચાહી, મને માર્ગદર્શન આપ્યું અને મારામાં સતત જોમ પૂર્યું. યુસૂફ તો ગયા, પરંતુ એમની ડાહી વાતો અને હેતાળ સ્વભાવ તો મારી સાથે સતત જળવાયાં છે. અને બીજી તરફ નેલસન પણ માંડ ટેલિફોન-વા દૂર છે. લાંબા અરસા લગી આ બધું એમ જ અકબંધ વહેતું રહે તેમ આસ્થા સેવું.]

આ પુસ્તક તૈયાર કરવામાં જેનો મહદ્દ ફાળો છે, તે હેડવિગ બેરીએ નોંધ્યું છે, આ આત્મકથાને કઈ રીતે આટોપી લેવાશે તે વિશે અમીના અને હું વારંવાર વાતચીત કરી લેતાં. ગાંધી તથા ‘ઇન્ડિયન કૉંગ્રેસ’ના નિ:શસ્ત્ર પ્રતિકાર આંદોલન અંગેની એમની વાતો મને ભારે દિલચશ્પ લાગતી. અમે જ્યારે આ કામ હાથમાં લીધેલું, તે દિવસોમાં, સમાચારોમાં ચોમેર આરબ વસંતની હવા વહેતી હતી. ત્યારે હું સતત વિચારતો રહેતો કે સાતસાત દાયકા પહેલાં યુવાન કર્મશીલને માટે આ પ્રકારનું આંદોલન કેવાંકેવાં જોમ અને જોશ પૂરતાં રહ્યાં હશે.

અમીનાબહેન ‘અૉરાનિયા, અૉગસ્ટ 1995’ નામક આરંભના પ્રકરણમાં અંતે લખે જ છે :

When I got home I reflected on the events of the past 24 hours and I cast my mind even further back. I thought about the momentous years that had passed when I had been part of the struggle. I also remember the time Nelson and I had spent together with Yusuf who was the most important person in my life. But now the personal historical and political times had changed. Or had they?

I asked myself how I, the young activist of years gone by, fitted into the present scene of pomp and splendor.  I realised that I had to reconcile myself with the  present as this was a new era that was so different from that experienced by my family who had battled tirelessly to improve their lives and overcome the indignity of Apartheid.

[ઘરે પહોંચી અને છેલ્લા ચોવીસ કલાકમાં જે કંઈ વીત્યું, જોયું, અનુભવ્યું તે પર વિચાર કરતી રહી અને હું પાછોતરા દિવસોમાં જઈ ચડી. એ તે કેવા કેવા દિવસો હતા, જ્યારે એ મહાકાય આંદોલનમાં હું પણ સામેલ રહી. મારી જિંદગીમાં યુસૂફનું અતિ અગત્યનું સ્થાન રહ્યું છે. યુસૂફ હયાત હતા ત્યારે નેલસન સાથે વિતાવેલી પળો સંભારતી રહી. પરંતુ આજે તો વ્યક્તિગત તેમ જ રાજકીય ફેરફારો આવી ચુક્યા છે. ખરેખાત આવ્યા છે કે ?

પાછલાં વરસો વેળાનાં એક યુવાન કર્મશીલ તરીકે હું મારી જાતને સવાલું છું, આજના આ દેખાડા ને ભપકામાં મને કેમ ગોઠી શકે છે. ખેર ! અયોગ્ય અપાર્ટહીડનો સામનો કરવામાં મારાં પરિવારજનોએ ભારેખમ ભોગ દીધો છે અને તે સઘળાં અનુભવોની પેલી પાર જઈ આજે મારે ગોઠવાઈ જવાનું છે, તે સમજાતું રહ્યું છે.]

સંકલિત અનુભવોની ચોપાસ અસ્તવ્યસ્ત વિચારો આવ્યા કરે છે, અને વળી, સમજાય છે કે અમીના કાછલિયાએ પોતાની પરસ્પર વિરોધી અનેક લાગણીઓને અહીં સંક્ષેપાવતારમાં વહેતી મૂકી છે. ઉત્તર અપાર્ટહીડ વાતાવરણના સમયગાળામાં, લોકશાહીના જૂના જોગીને જે નૈતિક લેખાજોખાં કરવાનાં થાય છે, તેની ઝાંખી પણ આ લખાણમાં જોવા સાંપડે છે.

[2,569 શબ્દો]

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

હૅરો, 15/17 જાન્યુઆરી 2017

સૌજન્ય : 'અવલોકન-વિશ્વ' અંક, "પ્રત્યક્ષ", 2017

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar