HISTORY

કોઈ પણ દેશના સ્વતંત્રતા-આંદોલનમાં પ્રજામતને સંગઠિત કરવાનું કાર્ય રાષ્ટ્રવાદી સંસ્થાઓ કરે છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં રાષ્ટ્રીય કક્ષાએથી લઈ સ્થાનિક સ્તર સુધીની સંસ્થાઓની ભૂમિકા તેનાં ઉમદાં ઉદાહરણો છે. ૨૦મી સદીમાં થયેલાં ભારતીય આંદોલનમાં અખિલ હિંદ કક્ષાએ રચાયેલાં સંગઠનોની સાથે પ્રાદેશિક સંગઠનોની પણ ખાસ ભૂમિકા હતી. ઉદાહરણ તરીકે ગુજરાતમાં હિંદી રાષ્ટ્રીય મહાસભા (૧૮૮૫) પૂર્વે પ્રજાઉપયોગી કાર્યો અમદાવાદ એસોસિયેશન (૧૮૭૨) અને ગુજરાત સભા (૧૮૮૪) જેવી સંસ્થાઓ કરતી હતી. ૨૦મા સૈકાની શરૂઆતમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાનાં સંગઠનોની સંખ્યા અને ગુણવત્તામાં ઘણો વધારો થયો હતો. આ શૃંખલામાં ગુજરાતમાં યોજાયેલી રાજકીય પરિષદો (૧૯૧૭-૧૯૨૬) એ ઘણું અગત્યનું સ્થાનિક સંગઠન હતું. અત્રે નવેમ્બર ૧૯૧૭ માં ગોધરા ખાતે યોજાયેલી પહેલી રાજકીય પરિષદના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરવામાં આવી છે, જેમાં પરિષદની પ્રવૃત્તિઓ, તેની પ્રવૃત્તિઓને પરિણામે ગુજરાતમાં આવેલી પ્રજાકીય જાગૃતિ, ગાંધીજી, સરદાર પટેલના નેતૃત્ત્વનો વધેલો વ્યાપ, પછાત પંચમહાલમાં આવેલી રાજકીય જાગૃતિ વગેરે મુદ્દાઓ ચર્ચાના ખાસ કેન્દ્રમાં લીધા છે.

પ્રાસ્તાવિક :

પહેલી ગુજરાત રાજકીય પરિષદ ૩, ૪, ૫ નવેમ્બર ૧૯૧૭ના દિવસોમાં પંચમહાલના પાટનગર ગોધરા મુકામે મળી. પરિષદોના ઇતિહાસમાં અહીં તેનું પહેલું અધિવેશન હતું. તેથી પહેલી પરિષદની પ્રવૃત્તિઓ પર જતાં પહેલાં પરિષદની સ્થાપનાના ઇતિહાસ પર નજર નાખવી જરૂરી બનશે :

“સૌપ્રથમ તો ગોધરાના કેટલાક ગૃહસ્થોનો એવો વિચાર હતો કે મુંબઈ ઇલાકાની પ્રાંતિક કૉન્ફરન્સ ભરવી, પરંતુ એ સંબંધમાં મતભેદ પડતાં એ વિચારને બાજુ પર મૂકવાની ફરજ પડી. એ પછી હિંદી સેવક - સમાજવાળા રા. અમૃતલાલ વિ. ઠક્કર(ઠક્કરબાપા)ની સૂચનાને અનુસરી બધા જિલ્લાઓને ગુજરાત રાજકીય પરિષદ ભરવાના સંદર્ભમાં તેમનો શો અભિપ્રાય છે, તે પૂછવામાં આવ્યું. સુરત સિવાયના અન્ય જિલ્લાઓએ તેમ કરવા તરફ પસંદગી દર્શાવી, પછી પ્રાંતિક સમિતિને પૂછવામાં આવ્યું. તેનો એ કમિટીએ એવો જવાબ આપ્યો કે . . . કૉંગ્રેસના બંધારણના ધારાધોરણમાં કોઈ નિયમ નહીં હોવાથી તેઓ એવી રીતે ગુુજરાત રાજકીય પરિષદ ભરવાની છૂટ આપી શકે નહીં. એ વિશે કેટલોક પત્રવ્યવહાર ચાલ્યા પછી પ્રાંતિક કૉંગ્રેસ કમિટીના સેક્રેટરી રા. નારાયણ મહાદેવ સમર્થને મળીને પરિષદ ભરવાની ગોઠવણ કરવામાં આવી.” આમ, પ્રારંભિક અવરોધો પછી રાજકીય પરિષદનું અસ્તિત્વ નક્કી થયું. ગોધરામાં પરિષદ ભરવા પાછળ અહીંના સ્થાનિક આગેવાનો વામનરાવ મુકાદમ અને મણિલાલ મહેતાનો ઉત્સાહ જવાબદાર હતો.

ગુજરાત રાજકીય પરિષદનું કાર્યક્ષેત્ર ગુજરાત પૂરતું સીમિત રહેવાનું હતું, છતાં પહેલી પરિષદમાં લોકમાન્ય ટિળક, વરાડના રાજા કહેવાતા ખાપરડે અને મહંમદઅલી ઝીણા જેવા અખિલ હિંદ સ્તરના નેતાઓ ઉપસ્થિત હતા. તેઓની હાજરીમાં ગાંધીજી પહેલી રાજકીય પરિષદના પ્રમુખ બન્યા. ગાંધીજીનું પ્રમુખ બનવું એ સવિશેષ ઉલ્લેખનીય છે, કારણ કે તેમની દક્ષિણ આફ્રિકાની સફળતાની વાતો હજુ પૂરા ગુજરાતના કાને પહોંચી ન હતી. આ સમયે તેમની પાસે એક માત્ર ભાથું કહી શકાય તેવી બાબત ૧૯૧૭માં ચંપારણના સત્યાગ્રહની સફળતા હતી. એ સંદર્ભમાં પરિષદ ગાંધીજીના રાજકીય વિચારોના ફેલાવા માટે મદદરૂપ નીવડી શકે તેમ હતી અને બન્યું પણ તેવું જ.

* ગુજરાત રાજકીય પરિષદની કાર્યવાહી :

તા. ૩ નવેમ્બર, ૧૯૧૭ના બપોરે બે વાગ્યે ૫૦૦ સ્ત્રીઓ સહિત ૧૦,૦૦૦ ના જનસમૂહ વચ્ચે ગાંધીજીએ પરિષદનું પ્રમુખસ્થાન સંભાળ્યું. વૈચારિક નમ્રતા અને અડગતા સાથે પ્રમુખીય ભાષણમાં કહ્યું કે “મને આ ઉચ્ચ પદ આપ્યું તેને સારું હું આપ સહુનો આભાર માનું છું. અહીંના રાજકારણમાં હું અઢી વર્ષનું બાળ છું. (ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારત આવ્યા. તે સંદર્ભમાં આ વાત કહેવાઈ છે). દક્ષિણ આફ્રિકાના મારા અનુભવ ઉપર હું અહીં વ્યાપાર નથી કરી શકતો. આવી સ્થિતિમાં મારે આ પદ સ્વીકારવું કેટલેક અંશે ઉદ્ધતાઈ ગણાય એમ જાણું છું, છતાં આપની અનહદ પ્રીતિને વશ થઈ મેં આ પદનો સ્વીકાર કર્યો છે ... મારી જવાબદારી હું સમજુ છું. આ પરિષદ ગુજરાતમાં પહેલી જ છે, સમસ્ત હિન્દુસ્તાનને સારુ આ સમય ઘણો બારીક છે. સામ્રાજ્યને કદી ન હતી તેવી ભીડ છે. (આ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૮) ચાલી રહ્યું હતું. આ વિધાનમાં ગાંધીજીની બ્રિટિશ રાજભક્તિ સ્પષ્ટ જણાય છે). મારા વિચારો સામાન્ય પ્રવાહની તદ્દન વિરુદ્ધ વહેતા નથી. કેટલાક વિરુદ્ધ દિશામાં વહેતા હોય એવો આભાસ મને આવે છે . . . મારા વિચારોને સારુ એટલું જ કહીશ કે તે આજકાલના નથી, પણ ઘણાં વર્ષો થયા બંધાયેલા છે. તેની ઉપર મોહિત છું ને અઢી વર્ષના અનુભવે તેમાં ફેરફાર નથી.”

પ્રમુખ તરીકેનું ગાંધીજીનું ભાષણ સર્વગ્રાહી કક્ષાનું હતું. સાંસ્થાનિક સ્વરાજ્ય (Dominion Status)ની માંગણીના ભાવ સાથે ગોવધની ચિંતા, ગૌરક્ષાની મહત્તા, સ્વદેશી-પ્રચાર, ધર્મ-કર્મની સ્વચ્છતા, કેળવણી વગેરે મુદ્દાઓ પર પોતાના વિચારો મૂકવા સાથે તેમણે સ્વરાજ્ય બાદના આશાસ્પદ હિંદુસ્તાનની કલ્પના પણ કરી.

ગોધરાની પરિષદ એ ગુજરાત રાજકીય પરિષદોના ઇતિહાસમાં પહેલી હતી. તેથી તેમાં સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય સમસ્યાઓ અને તેના ભાવિ નિરાકરણને જાહેરમંચ પર મૂકવાનો સુંદર પ્રયત્ન થયો હતો. પરિષદની કાર્યવાહીમાં ૨૫ જેટલા ઠરાવો રજૂ થયેલા. ઇન્દુલાલ યાજ્ઞિકની નોંધ મુજબ બધા ઠરાવો ગાંધીજીની દેખરેખ નીચે તૈયાર થયા હતાં.

પહેલી રાજકીય પરિષદના ઠરાવોનો અભ્યાસ કરતા તેમાં ત્રણ પ્રકારના ઠરાવો મુખ્ય હતા :

૧. રાષ્ટ્રીય ભાવના અને પ્રજાની માંગણીઓ રજૂ કરતા ઠરાવો.

૨. ખેડૂતોના હિતલક્ષી ૧૦ ઠરાવો.

૩. પંચમહાલની સ્થાનિક સમસ્યાઓને અભિવ્યક્ત કરતા ઠરાવો.

આ ઠરાવોના પ્રતિસાદને નિરૂપતા ઇન્દુલાલ યાજ્ઞિક નોંધે છે કે “મુંબઈના મારા વિદ્વાન મિત્રોની વિવિધરંગી વાગ્ધારા પૂરબહારમાં વહી તેનું રસપાન કરતાં હજારો શ્રોતાઓ તાળીઓનાં ગડગડાટથી મંડપ ગજવતા થયા.” ટૂંકમાં, રાજકીય પરિષદની પ્રવૃત્તિઓ ગુજરાતમાં નવજાગરણનો સંદેશ આપતી હતી.

* સંસારસુધારા પરિષદ :

નવેમ્બર-૧૯૧૭માં ગોધરામાં રાજકીય પરિષદની સાથે સંસારસુધારા પરિષદ પણ મળી હતી. રાજકીય પરિષદ સાથે મળેલી સંસારસુધારા પરિષદને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સહાયક સંસ્થા Indian National Social Conference જેવો પ્રયોગ લેખી શકાય. પ્રારંભમાં સંસારસુધારા પરિષદનું વાતાવરણ આશાસ્પદ ન હતું. એ એટલે સુધી કે સ્થાનિક આગેવાનો પરિષદનો મંડપ પણ સંસારસુધારા પરિષદના કામ માટે વાપરવા દેવા તૈયાર ન હતાં.૪-અ પરિષદનાં પ્રમુખ શારદાબહેન મહેતા હતાં. પરિષદમાં ગુજરાતના આજીવન સમાજસુધારકો જેવા કે પ્રાણલાલ કીરપાભાઈ દેસાઈ, રમણભાઈ નીલકંઠ, ગટુભાઈ અને દાક્તર સુમન્ત મહેતા ઉપસ્થિત હતા. સંસારસુધારા પરિષદની ભૂમિકા આપતા ‘સમાલોચક’ માસિક નોંધે છે કે ‘જે પ્રમાણે રાજકીય સુધારાની આવશ્યકતા છે, તે જ પ્રમાણે સામાજિક સુધારાની આવશ્યકતા છે. બંને એકમેકથી જુદા પાડી શકાય તેમ નથી. તેથી તે પ્રસંગનો લાભ લઈને આ બાબતનો વિચાર કરવો, તે હિલચાલને કાંઈક નવીન દિશામાં વાળવા આ સામાજિક પરિષદનો વિચાર કરવામાં આવ્યો છે.’ આ પરિષદમાં લગભગ છથી સાત હજાર શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.૫-અ

ગુજરાતમાં પ્રારંભિક સ્ત્રીઉત્કર્ષ-પ્રવૃત્તિઓના પ્રણેતાઓ પુરુષો હતા, જ્યારે અહીં સ્ત્રીઓના પ્રશ્નો માટે આરંભાયેલી પરિષદમાં એક કેળવાયેલી સ્ત્રી નેતૃત્વ કરી રહી હતી. એ રીતે ‘સ્ત્રીઓનો ઉદ્ધાર સ્ત્રીઓ થકી’ દ્વારા સમાજસુધારણાની પ્રવૃત્તિઓને એક નવી દિશા મળતી જણાય છે. જો કે શારદાગૌરી અને વિદ્યાબહેન નીલકંઠ જેવાં સ્ત્રી-સુધારકોને બાદ કરતાં પુરુષ સુધારકો અહીં પણ બહુમતીમાં હતા. છતાં શારદાબહેનનું પ્રમુખ બનવું સ્ત્રીસમાજ માટે આશ્વાસનરૂપ બનવા ઉપરાંત ભાવિ સ્ત્રીઉત્થાન - પ્રવૃત્તિઓ માટે આશાસ્પદ બની શકે તેમ હતું. પોતાના પ્રમુખીય ભાષણમાં સદીઓથી ગુલામી અવસ્થામાં જીવી રહેલી સ્ત્રીઓની વકીલાત કરતાં તેમણે કહ્યું હતું કે “સામાજિક વ્યવહારમાં સ્ત્રીઓનો હાથ એટલો બધો હોય છે કે પુરુષ એકલે હાથે ગમે તેટલું કરવા માંગે તો પણ થઈ શકે નહીં. વ્યવહારમાં સ્ત્રીનો હિસ્સો ઘણો જ છે, તે વાત ભૂલી જવાય છે અને સ્ત્રીઓને તો માત્ર પ્રજા ઉત્પન્ન કરવાનું સાધન, લાગણીવાળી નોકર અથવા નવરાશનું રમકડું ગણવામાં આવે છે. ... તમારાં ભાષણોમાં આર્યાવર્તની સ્ત્રીને વિશે શાસ્ત્રકારોના શ્લોકો બોલો છો, લોકો તાળીઓ પાડે છે, મનુ ને નેપોલિયનના શબ્દો બોલીને, સાંભળીને થાકી ગયા પણ જેવું તે આદર્શ ગૃહસંસારમાં, વ્યવહારમાં મૂકવાનો વખત આવે છે, ત્યારે વાત બદલાઈ જાય છે. સ્ત્રીઓ કંઈક જાણવા માગે છે, માથું ઊંચું કરે છે, તો તેને દાબી દો છો, સ્ત્રીઓ પણ મનુષ્ય છે, એ વાત તમને યાદ રહેતી નથી, એટલે તેને રહેંસી નાંખવામાં, કચરી નાંખવામાં જ તમે મોટાઈ માનો છો, પરંતુ હવે દિવસો બદલાવા માંડ્યા છે. જેમ તમે તમારી વિવેકશક્તિ પ્રમાણે ચાલવાના હક્ક માંગો છો, તે પ્રમાણે સ્ત્રીઓમાં પણ કુદરતી સ્વમાનની લાગણી રહેલી છે. તેનો પણ વિચાર કરવાનો છે.”

શારદાબહેન મહેતાનું ભાષણ અનેક વિષયોની સ્વતંત્ર ચર્ચા કરનારું અને રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણવાળું હતું. તેમણે સ્ત્રીઓની પરાધીન અવસ્થા માટે પુરુષપ્રધાન સમાજ સામે તહોમતનામું મૂકી પોતાના વિચારો મર્યાદિત ન રાખ્યા, પરંતુ સ્ત્રીઓ અને સમાજ સાથે સંકળાયેલી સમસ્યાઓ જેવી કે સ્ત્રી કેળવણી, જ્ઞાતિબંધન, પરદેશગમન, તાત્ત્વિક અને રડવા-કૂટવાનો રિવાજ, લગ્ન-મરણના ખર્ચ, સમાજસેવા જેવી બાબતોની તાત્ત્વિક અને વ્યાવહારિક સ્તરે ચર્ચાઓ કરી. સાથે આશાસ્પદ સ્ત્રીઉત્કર્ષ-પ્રવૃત્તિઓ માટે પત્રિકાઓ, ઑફિસ, મુખપત્રો, વ્યાખ્યાનો વગેરે જેવાં સાધનોનો વ્યાપક ઉપયોગ કરવા પણ સૂચવ્યું. સ્ત્રીઓ પણ સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં સંકળાય એ તેમનું અગત્યનું દિશાસૂચન હતું. શ્રી યાજ્ઞિકે શારદાબહેનના ભાષણને બિરદાવતા લખ્યું કે “તેમના (શારદાબહેન) જુસ્સાદાર બોલ જેટલા ખરાવાદી હતા, તેટલા જ સર્વને ચાનકરૂપ હતા, સામાજિક પરિષદના પ્રમુખનાં, સ્ત્રીઓની પરાધીન દશા વિશેનાં આવાં કડવા વચનોથી અને સમાજસુધારા માટે સત્યાગ્રહનો સોનેરી માર્ગ લેવાનો આગ્રહ કર્યો, તેથી આ પરિષદના માહાત્મ્યમાં ઘણો વધારો થયો.” આ સાથે ‘સમાલોચકે’ સંસારસુધારા પરિષદનું કરેલું મૂલ્યાંકન પણ નોંધપાત્ર છે. : “ઠરાવો એકંદરે ગુજરાતની સ્થિતિ ધ્યાનમાં લઈ ઘડવામાં આવેલા હતા તેમ તે ઉપર બોલનાર સ્ત્રીપુરુષોનાં ભાષણો પણ એકંદરે સંતોષ આપે તેવાં હતાં. સામાન્ય રીતે સંસારસુધારા પરિષદ બહુ લોકપ્રિય લેખાતી નથી, છતાં હાજરી ઘણી મોટી હતી.” આમ, રાજકીય પરિષદની જેમ જ પ્રારંભે અવઢવમાં રહેલી સંસારસુધારા પરિષદ પણ સફળતાપૂર્વક સંપન્ન થઈ. હવે તેનું ક્ષેત્ર વધુ વિસ્તરવાનું હતું.

* અંત્યજ-મેળાવડો :

પહેલી રાજકીય પરિષદ પછી સંસારસુધારા પરિષદ અને તેથી આગળ તેનું કાર્યક્ષેત્ર વિસ્તરીને અંત્યજ, પરિષદમાં પરિણમ્યું હતું. જો કે રાજકીય પરિષદના આયોજનમાં અંત્યજોને લગતી કોઈ વાત ન હતી. એ રીતે અંત્યજ પરિષદ એ રાજકીય પરિષદની આડપેદાશ ગણી શકાય. મૂળ તો સંસારસુધારા પરિષદ દરમિયાન તેનાં પ્રમુખ શારદાબહેન મહેતાએ અસ્પૃશ્યતાના એક ઠરાવ ઉપર ગાંધીજીને બોલવા કહ્યું. એના જવાબમાં ગાંધીજીએ એટલું જ કહ્યું કે, “અસ્પૃશ્યતા નિવારણની બાબતમાં મારાથી જે કાંઈ થોડું થાય તે કર્યા કરું છું. મારા વિચારો જેણે વિગતવાર જાણવા હોય તે હું સાંજે અંત્યજવાડામાં જવાનો છું ત્યાં સાંભળવા આવે.”૧૦ આમ, શારદાબહેન મહેતા અને ગાંધીજીના સંવાદમાં અંત્યજ પરિષદનું બીજ પડ્યું હતું.

તા. ૫, નવેમ્બર ૧૯૧૭ની રાત્રે ગોધરામાં મળેલી અંત્યજ-પરિષદની વાત કરતાં પહેલાં તત્કાલીન અસ્પૃશ્યતા અને અસ્પૃશ્ય સમાજની ચર્ચા કરવી જરૂરી ગણાશે, કારણ કે ગુજરાત અને પંચમહાલના અસ્પૃશ્યોની સ્થિતિ સમજાય તો જ અંત્યજ-પરિષદની જરૂરિયાત અને કાર્યક્ષેત્રને સમજી શકાય તેમ છે

૧૯મી સદીમાં ઉજળિયાત વર્ણનું અસ્પૃશ્યો પ્રત્યેનું અમાનવીય વલણ-વર્તન એ એક ઐતિહાસિક હકીકત છે. ૨૦મી સદીના પ્રારંભે પણ અસ્પૃશ્યોની વકીલાત કરનારા આંગળીએ ગણી શકાય તેટલા જ હતા. તેમનાં દુઃખ-દર્દનો હૃદયભેદક ચિતાર એક ગીતમાં વ્યક્ત થયો છે. જેમાં અસ્પૃશ્યતાથી કંટાળેલો, હડધૂત થયેલો અસ્પૃશ્ય કહે છે :

“મનખો આવો તે બાપ ! શેં દીધો રે રામ (૨)
એને પડછાયે દેહ અભડાય,
મારા હૈયાની હાય સાંભળો રે,
અંધારી રાત કાળી મેઘલી રે રામ,
એથી ભૂંડો મારો અવતાર-મારા.
એથી ભલ્લેરી જંતુજમાત-મારા.
સુખદુઃખનું ભાન બાપ ! શેં દીધું રે રામ?
મારા હૈયાની હાય કોઈ સાંભળો રે રામ-મારા.”
૧૧

૧૯મી સદી સમાજપરિવર્તનની સદી ગણાતી હોવા છતાં તે દરમિયાન થયેલા સુધારાઓ અસ્પૃશ્યો સુધી પહોંચી શક્યા ન હતા. આ જ મતલબનું ઇતિહાસકાર મકરન્દ મહેતાનું વિધાન નોંધપાત્ર છે : “સામાન્ય રીતે જ્યારે આપણે સામાજિક સુધારાનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે આપણે જાણ્યે અજાણ્યે સમાજના ઉચ્ચ વર્ણો અને જ્ઞાતિઓનાં મૂલ્યોને જ લક્ષમાં લઈએ છીએ, અથવા તો આપણે ઉચ્ચ જ્ઞાતિઓનાં રીતરિવાજો અને સામાજિક વલણોમાં થયેલા પરિવર્તનને ‘ગુજરાતના પરિવર્તન’ તરીકે અનુમાની લઈએ છીએ.”૧૨ આમ, ૧૯મી સદીનાં પરિવર્તનો પછી અને ગાંધીયુગના પ્રારંભે પણ ગુજરાતના અસ્પૃશ્યોની સ્થિતિ દયાજનક હતી. મામા ફડકેએ આત્મકથામાં ગોધરાના હરિજનોની દયનીય સ્થિતિને નિરૂપી છે.૧૩

ગોધરાના કપરા સામાજિક વાતાવરણ વચ્ચે, રસ્તે આવેલા હરિજનવાસમાં એક મોટી સભા ભરાઈ. સવર્ણો પોતાના મહોલ્લામાં આવવાના છે, તેવું જાણ્યા પછી હરખાયેલા તેઓએ પોતાના વાસને હાર-પતાકાથી શણગારી દીધો, પરંતુ આગેવાનોનો આવવાનો સમય થયો, ત્યારે તેઓની મૂંઝવણ વધી, અને એ હતી કે ‘આપણે તેમની સાથે ન બેસી શકીએ’. થોડી ચર્ચા-વિચારણા પછી નક્કી થયું કે ‘ઉજળિયાત વર્ણ આપણા મહોલ્લામાં આવે, ત્યારે આપણે બધાએ પોતપોતાના છાપરા પર ચડી જવું અને ગાંધી મહાત્માનું ભાષણ પણ ત્યાં બેસી સાંભળવું.’ તેઓ આવું વર્તન કેમ કરતા હતા, તેનાં કારણો પણ ગોધરાના ઇતિહાસમાં પડેલાં હતાં.૧૪ સામાજિક અત્યાચારો અને પોતાની સદીઓ જૂની માનસિકતા વચ્ચે જીવતાં ગોધરાના અંત્યજો સવર્ણોના આગમન સમયે ‘ઘર (છાપરા) પર ચડી જાય’ તેમાં કશું અજુગતું ન હતું. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે ગોધરાના હરિજનવાસમાં ભરાયેલી સભાનું તાદૃશ્ય વર્ણન કર્યું છે. “પ્રજાની સૌથી વધુ કચડાયેલી અછૂત જાતિના ઉદ્ધાર વિશે રાજકીય પરિષદે ખાસ ઠરાવ ન કર્યો પણ તેનો સાક્ષાત સંપર્ક સાધવા છેલ્લા દિવસની રાત્રે મામા ફડકે અને ઠક્કરબાપાના પ્રયાસથી એક ઐતિહાસિક સભા ગોધરા ખાતે ભરવામાં આવી.”૧૫ આ સભા તાત્કાલિક તો મેળાવડા અને ભાષણોની રીતે તો ઐતિહાસિક હતી, કારણ કે ગાંધીજી પૂર્વે કોઈ સમાજસુધારકે ક્ષેત્રકાર્ય (Field Work) દ્વારા અસ્પૃશ્યોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો ન હતો. ખરેખર આ નવતર શૈલી હતી, જે પાછળથી અનુકરણીય પણ બની હતી.

પરિષદમાં ગાંધીજીનું ભાષણ સૈકાઓથી સમાજના અત્યાચારોના ભોગ બનેલા અંત્યજો પ્રત્યે પ્રાયશ્ચિત્તરૂપ હતું. તેમણે કહ્યું કે, “અંત્યજોનો એક જુદો વર્ગ હોય એ હિંદને માથે કલંક છે, નાત-જાત એ બંધારણ છે, પાપ નથી પણ અસ્પૃશ્યતા એ તો પાપ છે, સખત ગુનો છે અને હિંદુસ્તાન જો આ નાગનો વેળા છતાં નાશ નહીં કરે, તો એ એને ભરખી જશે. અસ્પૃશ્યોને હિંદુ ધર્મથી અળગા હરગિજ ન માનવા જોઈએ. તેમની સાથે હિંદુ સમાજના પ્રતિષ્ઠિત માણસો તરીકે વર્તન કરવું જોઈએ.” માત્ર ભાષણની રીતે નહીં, પરંતુ અંત્યજ-મેળાવડાનું પણ પોતાને મન કેટલું માહાત્મ્ય હતું, તેનો ખ્યાલ તેમના આ શબ્દોમાં આવે છે. : “રાજકીય પરિષદમાં ઈશ્વર હતો કે નહીં તેની ખબર નથી. પણ મને ખાતરી છે કે અહીં તો છે જ. હું અહીં લાંબું ભાષણ કરવા નથી આવ્યો, હું તો એક દાખલો બેસાડવા આવ્યો છું. સમાજસુધારા વિશે આવો દાખલો બીજે નહીં મળે.”૧૬ ક્ષેત્રકાર્ય દ્વારા અસ્પૃશ્યોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન અને હિંદુ સમાજના પ્રાયશ્ચિતરૂપ ભાષણ વગેરે અસ્પૃશ્યતા નિવારણના ઇતિહાસમાં ઉત્તમ પગલું હતું. જો કે તેમના આ પ્રયોગની આકરી ટીકા પણ થઈ હતી. ‘ગુજરાતી’ નામના પત્રે ગાંધીજીની ટીકા કરી નર્મદાશંકરની (કવિ નર્મદ) જેમ ગાંધીજીનું પણ હૃદયપરિવર્તન થશે, એવી આગાહી કરી હતી, જેનો જવાબ ગાંધીજીએ આ રીતે આપેલો : “મારી ધાર્મિક જવાબદારી પૂરી સમજીને હું હિલચાલમાં ભાગ લઉં છું. કાળ જતાં નર્મદાશંકરની જેમ વિચારો બદલાય, તેવું ભવિષ્ય મારે વિશે પણ એક ટીકાકારે ભાખ્યું છે. જો તેવો સમય આવે તો તે વેળા મેં હિંદુ ધર્મનો, ધર્મમાત્રનો જ ત્યાગ કર્યો સમજાશે. હિંદુ ધર્મને ઉપર્યુક્ત કલંકમાંથી છોડાવતા આ દેહ પડે તો પણ તેમાં વિશેષ કશું નથી, એવી મારી દૃઢ માન્યતા છે. જે ધર્મમાં નરસિંહ મહેતા ઇત્યાદિ થયા છે, તે ધર્મમાં અસ્પૃશ્યતાને અવકાશ ન હોય.”૧૭ આમ, ક્રાંતિકારી વિચારો, ક્રાંતિકારી કાર્ય અને અસ્પૃશ્યતાનિવારણના આશાસ્પદ ભાવિ સાથે અંત્યજનાં મેળાવડો સંપન્ન થયો.

* પહેલી રાજકીય પરિષદના લેખાંજોખાં :

તા. ૫ નવેમ્બર ૧૯૧૭ના રોજ પહેલી રાજકીય પરિષદ પૂરી થઈ. તેની છાયામાં સંસારસુધારા પરિષદને પણ બળ મળ્યું અને આડપેદાશ રૂપે અંત્યજ-પરિષદનું બીજ નંખાયું. ઉપર્યુક્ત ત્રણે ય પરિષદોના ઠરાવો, કાર્યવાહી નવતર પદ્ધતિનાં હતાં. કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિનું મૂલ્યાંકન તેની અસરો કે પ્રતિસાદમાં જોવાવું જોઈએ. ગુજરાતનાં રાજકારણ અને સમાજકારણમાં રાજકીય પરિષદે લાંબાગાળા અને ટૂંકા ગાળાની ઘણી અસરો મૂકી હતી, જે નીચે મુજબ જોઈ શકાય :

(૧)  પહેલી રાજકીય પરિષદમાં, ગાંધીજીએ રાજનિષ્ઠાના ઠરાવની બાદબાકી કરી. ઈ.સ. ૧૯૧૭ સુધી હિંદમાં કૉંગ્રેસ અને અન્ય મેળાવડાઓની શરૂઆત Long live the Emperory અર્થાત્‌ રાજનિષ્ઠા કે બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેના વફાદારીના ઠરાવથી થતી. આ શિરસ્તો, ગાંધીજીએ ગોધરામાં તોડ્યો. રાજનિષ્ઠાના ઠરાવનો છેદ ઉડાવતા તેમણે કહ્યું કે “જેના રાજ્યમાં રહીએ છીએ, તેના રાજનિષ્ઠ છીએ, પત્ની પતિને હું વફાદાર છું એવું કંઈ કહેતી હશે ? બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારીમાં તમારા કોઈના કરતા હું ઊતરું એમ નથી, પણ કશા કારણ વગર એવો ઠરાવ પસાર કરીને આપણે આપણી લઘુતા દેખાડીએ છીએ. અંગ્રેજો કંઈ એમની પરિષદોનો પ્રારંભ આવા ઠરાવથી કરતા નથી.”૧૮ રાજનિષ્ઠાના ઠરાવની બાદબાકીના સંદર્ભમાં ગોધરા પરિષદ પાછળથી રાજકીય પરિષદો અને કૉંગ્રેસનાં અધિવેશનોમાં ઉદાહરણરૂપ બની હતી. એ રીતે ગોધરા પરિષદ ગુજરાત અને ભારતના રાજકીય પરિવર્તનમાં ઉદાહરણરૂપ બની હતી.

(૨) ગાંધીજીના નેતૃત્વને રાષ્ટ્રવ્યાપી બનાવવામાં પરિષદની ખાસ અગત્યતા હતી. ૧૯૧૭માં ગાંધીજીના નેતૃત્વમાં લોકમાન્ય તિલક અને ઝીણા જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ બેઠા હતા. એ રીતે ગાંધીજીની નેતાગીરી માટે આ એક અગત્યનું પગથિયું હતું. શ્રી સુમન્ત મહેતા નોંધે છે કે “સાંસારિક પરિષદમાં ગાંધીજી અસ્પૃશ્યતા પર બોલેલા અને વિષયાંતર કરી તેમણે વિધવાવિવાહના પ્રશ્ન પર કાંઈ ટીકા કરી હતી. ચંદ્રશંકરે પૉઈન્ટ ઑફ ઑર્ડર ઉઠાવ્યાથી પ્રથમ પરાજંપેએ ગાંધીજીને રોકેલા. આ નાની હકીકત હું લખું છું એટલું બતાવવા માટે કે ઈ.સ. ૧૯૧૬ની આખર સુધીમાં ગાંધીજીની પ્રતિષ્ઠા એવી જામી ન હતી કે એ કાંઈ બોલે તે ડહાપણ ને છેલ્લો શબ્દ ગણાય.” આગળ નોંધ્યું છે કે દેશમાં જે ઉત્સાહ અને બળ હતાં તેને ગાંધીજીએ જુદી દિશામાં વાળ્યાં અને પ્રજામાં વધારે બળનો સંચાર થયો.૧૯ ગોધરા-પરિષદમાં ગાંધીજીનું પ્રમુખપદ એ સંદર્ભમાં પણ ઉલ્લેખનીય છે કે ઈ.સ. ૧૯૧૬ સુધી ગાંધીજી ગુજરાતમાં પણ સર્વસ્વીકાર્ય નેતા ન હતા. ઉદાહરણ તરીકે ભરૂચ કેળવણી પરિષદના નિમંત્રક અંબાપ્રસાદ મલજીએ પરિષદના પ્રમુખપદ માટે ગાંધીજીની પસંદગી સામે વિરોધ કર્યો હતો.૨૦ પરંતુ રાજકીય પરિષદમાં પ્રમુખ બન્યા પછી ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ પણ ગાંધીજીનો સિતારો ઝગમગવા લાગ્યો હતો. પ્રમુખપદેથી તેઓ તિલકને મોડા પડવા માટે ટકોર કરવા સાથે મરાઠીમાં ભાષણ કરવાનો, કરાવવાનો અને જરૂર પડે ગુજરાતી શીખવાનો બોધ પણ આપી શક્યા હતા. આમ, પહેલી રાજકીય પરિષદ ગાંધીજી માટે નેતૃત્વવિકાસનું પગથિયું બની હતી.

(૩) રાજકીય પરિષદમાં વેઠપ્રથાના દૂષણ વિરુદ્ધ ખાસ ઠરાવ પસાર થયો હતો (ઠરાવ નં. ૧૫). વેઠપ્રથા વિરુદ્ધ લડવાની ભૂમિકા ગાંધીજીએ ઊભી કરી હતી. પરિષદ પછી રચાયેલા કાર્યકારી મંડળને તેમણે આહ્‌વાન કરતાં કહ્યું કે, “વેઠનો જે ઠરાવ છે, તેમાં કોઈ કાયદાનો ફેરફાર કરાવવાનો નથી. જો એ વેઠનો રિવાજ કાર્યકારી મંડળ દૂર નહીં કરી શકે, તો બહેતર છે કે આજે જ રાજીનામું આપે.”૨૧ શ્રી યાજ્ઞિક લખે છે કે “વેઠના જુલમ સામે લડત તો ગોધરાની પરિષદના બીજા જ દિવસથી શરૂ થઈ હતી.૨૨ પરિષદ પછી સરદાર પટેલે પ્રસ્તુત મુદ્દે ઉત્તર વિભાગના તત્કાલીન કમિશનર મિ. ફ્રેડરીડ પ્રેટ સાથે પત્રવ્યવહાર કરી, ૧૦ દિવસની મુદ્દત પછી વેઠપ્રથાની ગેરકાયદેસરતાની પત્રિકાઓ ગામડાંઓમાં વહેંચાવી. નરહરિ પરીખે નોંધ્યું છે કે “સરદાર પટેલે ગુજરાતમાં ગામડે-ગામડે વેઠપ્રથા વિરુદ્ધની પત્રિકાઓ ખૂબ વહેંચાવી. પંચમહાલમાં શ્રી વામનરાવ મુકાદમે આખા જિલ્લામાં પ્રવાસ કરી ખૂબ કામ કર્યું. કેટલાક કેસો પણ થયા. વેઠની પ્રથા છેક નાબૂદ તો થઈ શકી નહીં, પણ તેનો ત્રાસ બિલકુલ નીકળી ગયો.૨૩ વેઠપ્રથા વિરુદ્ધની ચળવળે પંચમહાલના ગ્રામીણ સમાજજીવનમાં પણ સંચાર પેદા કર્યો હતો. ‘યુગધર્મ’ સામયિકની નોંધ પ્રમાણે “ગોધરાની પરિષદનો વધારેમાં વધારે મહત્ત્વનો ઠરાવ વેઠ બંધ કરાવવાનો ગણાય. પરિષદ પછી સને ૧૯૧૮માં વેઠ ન કરવાની પહેલી પત્રિકા બહાર પાડી. તેનો પણ ભીલોમાં ખૂબ પ્રચાર થયો. આથી તો રાજકીય ચળવળ ભીલોનાં ગામ અને ઝૂંપડાં સુધી પહોંચી. આજે પણ સ્વરાજ્ય કે અસહકાર કરતાં દૂરદૂરના ભીલો ‘હોમરૂલની કમિટીઓ’ને સંભારીને દુઆ દે છે.”૨૪ વેઠપ્રથા વિરુદ્ધની ચળવળથી પંચમહાલમાં વેઠપ્રથા સદંતર નાબૂદ થઈ ગઈ હોવાનો દાવો થઈ શકે તેમ નથી. ‘વીરગર્જના’ સાપ્તાહિક પ્રમાણે પંચમહાલ જિલ્લાના કાલોલ વગેરે સ્થળે ૧૯૨૯ સુધી વેઠપ્રથાના દૂષણથી ખેડૂતો, વસવાયા કોમો પિસાતી હોવાનાં પ્રમાણો મળે છે.૨૫ છતાં ગુજરાત અને પંચમહાલમાં વેઠપ્રથા વિરુદ્ધ શરૂ થયેલી હિલચાલ અને સરકારી કાયદાઓ વગેરે રાજકીય પરિષદના ઠરાવ અને કાર્યકરોની લડતને આભારી હતાં, તેવું અવશ્ય કહી શકાય.

(૪)  સ્વદેશી ભાષાના સંદર્ભે પણ આ પરિષદ નોંધપાત્ર બનેલી. સ્વદેશી વસ્તુઓના ઉપયોગની સાથે સ્વદેશી ભાષાના પ્રયોગની ગાંધીજીનો હઠાગ્રહ એ સુવિદિત બાબત છે. તેઓની માન્યતા હતી કે, “બહારની ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગની નથી થઈ શકતી આપણી ભાષા કથીર હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઈએ,”૨૬ તેથી પરિષદમાં ઉપસ્થિત વક્તાઓને તેઓએ આગ્રહપૂર્વક ગુજરાતીમાં ભાષણ કરાવ્યું. આ બાબતને ચમત્કારિક ફતેહ ગણાવીને સરોજિની નાયડુએ ગાંધીજીને મુબારકબાદી પાઠવી હતી.૨૭ ગાંધીજીની આ સફળતામાં જ ઝીણા અને ગાંધીજી વચ્ચે વૈચારિક વૈમનસ્યનું બીજ રોપાયું હોવાનું શ્રી રાજમોહન ગાંધી લિખિત Patel : A Life પરથી જણાય છે.૨૮

(૫)  ગાંધીજીની માફક સરદાર પટેલ અને કેટલાક કાર્યકર્તાઓ પણ રાજકીય પરિષદના પ્રભાવ, કાર્યોમાંથી પેદા થયા હતા. સરદાર પટેલને ગુજરાતવ્યાપી નેતા તરીકે ઉપસાવવામાં ગોધરા-પરિષદ મદદરૂપ નીવડી હતી. સરદાર પટેલ પરિષદ પછી રચાયેલા કાર્યકારી મંડળના મંત્રી બન્યા હતા, તેથી વેઠપ્રથા વિરુદ્ધના ઠરાવનો અમલ કરાવવો તેમની જવાબદારી બની હતી. વેઠપ્રથા વિરુદ્ધની હિલચાલ દ્વારા તેઓ ગુજરાતભરમાં પ્રસિદ્ધિ પામ્યા. એ રીતે તેઓના નેતૃત્ત્વ માટે આ પરિષદ steping stone પુરવાર થઈ. ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે મહાદેવ દેસાઈ રાજકીય પરિષદ પછી તરત જોડાયા હતા. જ્યારે કાર્યકર તરીકે પોતાની કેફિયત આપતા ભીલસેવક શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંત લખે છે કે “મેટ્રિકની પરીક્ષા પછી પૂ. ગાંધીજીની પ્રવૃત્તિના અને ગોધરાની પ્રથમ ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ તરીકેનાં ભાષણ વાંચવાથી, તેમની વિચારધારાના સતત અભ્યાસના પરિણામે ગામડામાં જઈ સેવાકાર્ય કરવાની ઇચ્છા જન્મી.”૨૯ આ જ પ્રક્રિયામાંથી ઇન્દુલાલ યાજ્ઞિક, શંકરલાલ બૅન્કર વગેરે પણ ગુજરાતવ્યાપી નેતા તરીકે ઊભરી આવ્યા હતાં. ટૂંકમાં, ગોધરાની પરિષદ નેતાઓ અને કાર્યકર્તાઓ તૈયાર કરનારી પ્રયોગશાળા પુરવાર થઈ હતી.

(૬)  પહેલી રાજકીય પરિષદે તત્કાલીન રાજકીય કાર્યપદ્ધતિમાં નવો ચીલો પાડ્યો હતો. પહેલી રાજકીય પરિષદ પૂર્વે ભરાતી પરિષદો, મેળાવડા, વાર્ષિક જલસા જેવા બની રહેતી. પરિષદો, મેળાવડાઓના સમયે અને સ્થળે પ્રજા ક્ષણિક ઉત્સાહ અને આવેશમાં આવતી, જ્યારે બાકીનું વર્ષ નિષ્ક્રિયતામાં પસાર થતું. પરંતુ રાજકીય પરિષદ પછી તુરત જ ‘ગુજરાત રાજકીય મંડળ’ ની રચના થઈ, જેના શિરે રાજકીય પરિષદમાં થયેલા ઠરાવોના અમલીકરણની જવાબદારી હતી. એ રીતે આખું વર્ષ કાર્યમાં પ્રવૃત્ત રહેવાનું નિમિત્ત ઊભું થયું. આ પદ્ધતિને નરહરિ પરીખ બિરદાવે છે.૩૦ આમ, પ્રાસંગિક નહીં પણ સતત રાજકીય હિલચાલનો ખ્યાલ પણ ગોધરાના પરિષદમાંથી ઊભો થયો હતો.

(૭) પરિષદમાં થયો હતો. મારું દુઃખ મેં તેમની પાસે મૂક્યું, ને દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ જ રેંટિયાની પાછળ ભમવાનું પ્રણ (પ્રતિજ્ઞા) લઈ મારો ભાર તેમણે હળવો કર્યો. ગુજરાતમાં સારીપેઠે ભટક્યા પછી ગાયકવાડના વીજાપુરમાંથી ગંગાબહેનને રેંટિયો મળ્યો.૩૧ આમ, રેંટિયાની શોધ પાછળ પણ ગોધરા પરિષદ નિમિત્ત બની હતી.

(૮)  રાજકીય પરિષદના છેલ્લા દિવસે હરિજનવાસમાં મળેલા મેળાવડાને પાછળથી અંત્યજ-પરિષદનું નામ મળ્યું હતું. ગોધરામાં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણના ઇતિહાસમાં ક્રાંતિકારી કહી શકાય તેવું કામ કર્યું. તે એ હતું કે ક્ષેત્રકાર્ય દ્વારા અસ્પૃશ્યોની સ્થિતિનો તાગ મેળવવો.૩૨ તેઓની આ નવતર પદ્ધતિ પછીની રાજકીય પરિષદોમાં અનુકરણીય બની હતી. અંત્યજ-પરિષદો, રાજકીય પરિષદોના નેજા હેઠળ જ મળતી. જેની ફલશ્રુતિ રૂપે ઠક્કરબાપા, મામા ફડકે, ઇન્દુલાલ યાજ્ઞિક, જમનાદાસ ભક્ત જેવા ઉચ્ચ કક્ષાના સેવકો પેદા થયા. જો કે આ બધી લાંબા ગાળાની અસરો હતી. તત્કાળમાં તો ગોધરા, ગુજરાતના અસ્પૃશ્યો ઠેરના ઠેર જ હતા.

(૯)  ગોધરા રાજકીય પરિષદમાં ઉપસ્થિત રહેનારાઓમાં ખેડા જિલ્લાના નેતાઓ, કાર્યકરો સારી એવી સંખ્યામાં હતા. પરિષદ પછી જાગેલી ચેતનાના વાતાવરણમાં જિલ્લાના ખેડૂતોએ અતિવૃષ્ટિથી સરકાર પાસે રાહત માંગવાનો વિચાર કર્યો. આની પાછળ ગોધરા રાજકીય પરિષદની પ્રેરણા જવાબદાર હતી.૩૩ એ રીતે ખેડા સત્યાગ્રહ ગોધરા પરિષદની પ્રેરણા જ કહી શકાય.

(૧૦) હોમરૂલના સમયથી ગોધરા પંચમહાલમાં છૂટીછવાયી રાજકીય ગતિવિધિઓ થઈ રહી હતી. રાજકીય પરિષદનું સ્થળ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા હોવાથી રાજકીય જાગૃતિમાં વધારો થયો. એનો ઉલ્લેખ પરિષદના સ્વાગતપ્રમુખ મણિલાલ મહેતા અને સ્થાનિક આગેવાન વામનરાવ મુકાદમે પોતાનાં પ્રવચનોમાં કર્યો હતો. એટલું જ નહીં, ૧૯૩૦માં મલાવના જંગલ-સત્યાગ્રહ સુધી પંચમહાલી નેતાઓ અને પ્રજા પરિષદનાં સંસ્મરણો, કાર્યોને વાગોળતા રહ્યા હતા. પંચમહાલમાં વેઠપ્રથા વિરુદ્ધની હિલચાલ અને રાજકીય જાગૃતિ સ્પષ્ટપણે પરિષદની નીપજ હતાં.

* ઉપસંહાર :

શરૂઆતમાં જેના અસ્તિત્વ વિશે શંકા કુશંકાઓ સર્જાયેલી તે રાજકીય પરિષદ તા. ૫ નવેમ્બર, ૧૯૧૭ના રોજ પૂરી થઈ. તત્કાલીન રાજકીય અને સામાજિક સંજોગોને ખ્યાલમાં રાખી ઠરાવો કરી તેના અમલીકરણની દિશામાં ભૂમિકા ઊભી કરી. રાજકીય બાબતોની સાથે સ્ત્રીઉત્કર્ષ અને અંત્યજ-પ્રવૃત્તિઓનું કામ હાથ ધરી પ્રવૃત્તિઓને ત્રિવિધ દિશામાં વિસ્તારી. પરિણામ સ્વરૂપ વેઠપ્રથા, સ્ત્રીઓની સમાનતાના ધોરણે સમાજ, રાજકીય જીવનમાં ભાગીદારી, અસ્પૃશ્યતા નિવારણ અને અંત્યજોદ્વારના સંદર્ભમાં આશાસ્પદ વાતાવરણ સર્જાયું. ઈ.સ. ૧૯૨૮ સુધી ગુજરાત અને ૧૯૪૭ સુધી પંચમહાલ, રાજકીય પરિષદની પ્રવૃત્તિઓથી પ્રભાવિત રહ્યું. ૧૯૧૭માં ગોધરાથી શરૂ થયેલી રાજકીય પરિષદ ૧૯૨૬ સુધી દર વર્ષે મળતી રહી. પરિણામે સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, ગણેશ વાસુદેવ માવળંકર જેવા નિષ્ઠાવાન અને ઉત્સાહી અને લાંબા ગાળાના આગેવાનો ગુજરાતને પ્રાપ્ત થયા. રાજકીય પરિષદોના માધ્યમથી ગુજરાતમાં કુદરતી આફતો સામે લડવા લોકસેવાની પ્રવૃત્તિઓ આરંભાઈ. એ રીતે રાજકીય નવજાગરણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનો પાયો નંખાયો.

છેલ્લે, ગોધરા પરિષદના માહાત્મ્યને સમજાવવા માટે ઇન્દુલાલ યાજ્ઞિકના શબ્દો વધુ અસરકારક લાગે છે : “ગુજરાતની રાજકીય તવારીખમાં ગોધરાની રાજકીય પરિષદ સિમાચિહ્નરૂપ બની. બંગભંગના કાળમાં સ્વરાજની જે ચળવળ થોડાં શહેરોમાં કેન્દ્રિત થઈ હતી, તે બેસન્ટની હોમરૂલ લીગની મારફત શહેરો અને ગામડાંમાં ફેલાઈ હતી. હવે જાગૃત થયેલી પ્રજાએ અને એના નવા નાયકોએ ગોધરામાં મળીને ગાંધીજીને કુમકુમ તિલક કરીને ગુજરાતની આગેવાની અર્પણ કરી. નવા નેતાને માત્ર લાગણીના ઊભરા ન ખપે. તેમને ઊંડા સ્થિરભાવ જોઈએ, તેમને બુદ્ધિનો વિલાસ કે કલ્પનાનો વિહાર ન ચાલે, પણ વાસ્તવિક જ્ઞાન જોઈએ. તેમણે ચંપારણમાં સત્યાગ્રહ કરીને, આફ્રિકાની ગિરમીટિયા પ્રથા રદ કરાવીને અને વિરમગામની જકાત બંધ કરાવીને ચમત્કાર કર્યો. આવા ત્રિવિધ વિજયથી તેમણે સિદ્ધ કરેલા કર્મયોગનો મંત્ર તેમણે ગોધરામાં સાદી બોલીમાં ફરીફરીને આપ્યો. તેમના ખાંડીબંધ શબ્દો કરતાં રતીભર કાર્ય વધારે પ્રભાવશાળી નીવડ્યું. પોચટ લાગણી અને ઉપલક્રિયા જ્ઞાનની જૂની મનોભૂમિમાં નિઃસીમ, નિર્ભય-નિશ્ચયી અને જાનફેશાનીની તમન્નાનાં બીજ વાવીને ગાંંધીજીએ ગુજરાતનું ઘડતર નવેસરથી કરવા માંડ્યું.૩૪

ઃ સંદર્ભ સૂચિ :

૧. પહેલી રાજકીય પરિષદનો અહેવાલ, ગોધરા, ૧૯૧૮

૨. ગાંધીજીનો અક્ષરદેહ, પુસ્તક ૧૪, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૪૬

૩. પરિષદના ઠરાવોની વિગતવાર માહિતી માટે જુઓ : પહેલી રાજકીય પરિષદનો અહેવાલ.

૪. પરિષદ અગાઉ શ્રી યાજ્ઞિકે ગોધરા તાલુકામાં કેટલેક સ્થળે સભાઓ ભરી લોકમત કેળવવાનું કાર્ય કર્યું હતું. પરિષદની કાર્યવાહીમાં પણ તેઓની સક્રિય ભાગીદારી રહી હતી. જુઓ : યાજ્ઞિક ઇન્દુલાલ, આત્મકથા ભાગ-૨, અમદાવાદ, ૧૯૫૫, પૃ. ૫૨

૪-અ. ગોકળદાસ કુબેરદાસ મહેતા (સંપા.) શ્રીયુત પ્રાણલાલ કીરપાભાઈ દેસાઈ સન્માન અંક, અમદાવાદ, સંવત ૧૯૯૩માં ‘કેટલાંક અંગત સંસ્મરણો’ નામના શ્રી કૃષ્ણલાલ નરભેરામ દેસાઈના લેખમાંથી

૫. સમાલોચક (માસિક) પુસ્તક-૨૨, અંક-૧૨, ડિસે. ૧૯૧૭ પૃ.૬૬૬-સમાલોચકની શરૂઆત ઈ.સ. ૧૮૯૬માં જાન્યુઆરીમાં થઈ હતી. પ્રારંભમાં ત્રૈમાસિક હતું. ૧૯૧૪થી અંત સુધી (૧૯૨૬) માસિક રહ્યું હતું. તેના તંત્રી અંબાલાલ બુલાખીરામ જાની હતા.

૫-અ. ગોકળદાસ કુબેરદાસ મહેતા, પૂર્વોક્ત

૬. સમાલોચક, પૃ. ૬૭૫

૭. એજન

૮. યાજ્ઞિક, પૂર્વોક્ત, પૃ. ૫૬

૯. સમાલોચક, પૃ. ૭૦૫, પરિષદમાં શારદાબહેનનું ભાષણ ઉદ્દામવાદી વિચારોથી ભરેલું હતું. આ ભાષણ સરકારી અમલદારોની સ્થિતિ કફોડી કરી શકે તેમ હતું. તેથી પરિષદના મંત્રી પ્રાણલાલ દેસાઈએ શારદાબહેનને પૂછ્યા વગર અમુક ફેરફારો કરી ભાષણ છપાવ્યું. છતાં પરિષદનું તેમનું ભાષણ વખણાયું અને પરિષદ પછી પ્રાણલાલ મહેતા કે જેઓ ગોધરામાં તે સમયે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા, તેમના પર પરિષદને કારણે અમલદારોની અવકૃપા ઊતરી અને તેમની ભરૂચ બદલી થઈ. (જુઓ : ગોકળદાસ મહેતા, ઉપર મુજબ)

૧૦. શ્રી મામા ફડકેએ ગોધરાના અંત્યજાશ્રમના વ્યવસ્થાપક તરીકેની જવાબદારી વર્ષો સુધી નિભાવી હતી. મામા ફડકે, મારી જીવનકથા, અમદાવાદ, ૧૯૭૪, પૃ. ૫૬

૧૧. હીરાલાલ પારેખ, અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન, અમદાવાદ, ૧૯૩૫, પૃ. ૧૬૬

૧૨. મકરન્દ મહેતા, હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજપરિવર્તન અને ગુજરાતના દલિતો, અમદાવાદ, ૧૯૯૫, પૃ. ૨

૧૩. ફડકે, પૂર્વોક્ત, પૃ. ૧૭૬, ગોધરાના અંત્યજોની કમકમાટી ઉપજાવે તેવી સ્થિતિનું વર્ણન શ્રી કાકા કાલેલકરે પણ કર્યું છે. - જીવન- સંસ્કૃિત, અમદાવાદ, ૧૯૪૬, પૃ. ૫૬૭-૫૬૮

૧૪. પ્રસ્તુત વિગતો માટે જુઓ : ફડકે, પૂર્વોક્ત, પૃ. ૫૭-૫૮, ૬૦, ૬૫, કાલેલકર, પૃ. ૫૭૦

૧૫. યાજ્ઞિક, પૂર્વોક્ત, પૃ. ૫૭

૧૬. અંત્યજ-પરિષદના ગાંધીજીના ભાષણની વધુ વિગતો માટે જુઓ : ગાંધીજીનો અક્ષરદેહ, પૃ. ૧૪, પૃ. ૬૪-૬૫

૧૭. એજન, પૃ. ૬૮

૧૮. રામનારાયણના પાઠક, સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, અમદાવાદ, ૧૯૭૫, પૃ.૨૭ : મામા ફડકેએ પણ નોંધ્યું છે કે “મેં આવો મહત્ત્વનો ઠરાવ એકી ઝપાટે ઉડાવી દેનાર આ પહેલો માણસ જોયો (મારી જીવનકથા, પૃ. ૫૬)

૧૯. સુમન્ત મહેતા, સમાજદર્પણ (આત્મકથા), (સંક્ષેપ-સંપાદન : ભોગીલાલ ગાંધી), અમદાવાદ, ૧૯૭૧, પૃ. ૩૧

૨૦. યાજ્ઞિક પૂર્વોક્ત, પૃ. ૧૪

૨૧. સંદર્ભ, ૧ મુજબ, પૃ. ૬૧

૨૨. યાજ્ઞિક, પૃ. ૬૭, વેઠપ્રથા વિરુદ્ધ પંચમહાલના કલેક્ટર મિ. ક્લેટને પોતાના હુકમમાં કહેલું કે, “કોઈ પણ માણસ બજારના દરથી ઓછા દામ લઈને અધિકારીવર્ગની સેવા કરવા બંધાયેલો નથી. અને કોઈ પણ અધિકારી જો લોકોની ઉપર દબાણ અથવા જુલમ કરશે, તો તે સજાને પાત્ર થશે.” (નવજીવન (સાપ્તાહિક) ૭, નવે. ૧૯૧૯, પૃ. ૧૪)

૨૩. નરહરિ પરીખ, સરદાર પટેલ, ભાગ-૧, અમદાવાદ, ૧૯૫૦, પૃ. ૭૩

૨૪. યુગધર્મ (માસિક) પુસ્તક-૪, અંક-૩, સંવત ૧૯૮૦, પૃ. ૧૭૮

૨૫. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રામેશરા મુકામે તા. ૨૯-૫-૧૯૨૯ના રોજ મળેલી સભામાં વેઠપ્રથા ચાલુ હોવા અંગે ચિંતા સેવવામાં આવેલી. આ પ્રથા સામે પુનઃ હિલચાલ શરૂ કરવા એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ તથા વેઠપ્રથાને લગતી અન્ય વિગતો માટે જુઓ : વીરગર્જના (સાપ્તાહિક), પુ. ૧, અંક ૪૭, ૬ જૂન ૧૯૨૯, પૃ. ૫૫૯, આ સાપ્તાહિક શ્રી વામનરાવ મુકાદમ ચલાવતા. તા. ૧૨ ઑક્ટો. ૧૯૧૯ના ‘નવજીવન’માં પણ પંચમહાલમાં વસવાયા કોમોના નામોલ્લેખ સાથે તેમને પડેલી તકલીફોનું વર્ણન છે. (પૃ. ૯૪-૯૫).

૨૬. ગાંધીજીનો અક્ષરદેહ, પુ. ૧૪, પૃ. ૬૨

૨૭. નરહરિ પરીખ, પૂર્વોક્ત, પૃ. ૬૨

૨૮.  Gandhi Rajmohan, Patel : A Life, Ahmedabad, ૧૯૯૦, પૃ.; ૪૧૭

૨૯. લક્ષ્મીદાસ શ્રીકાંતે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પહેલી ગુજરાત રાજકીય પરિષદથી કરેલી. પાછળથી ભીલ સેવામંડળના આજીવન સેવક બની ભીલ સેવામંડળ, દાહોદના પ્રમુખ પણ બન્યા હતા. (શ્રીકાંત લક્ષ્મીદાસ, મારું ગાંધીયુગનું ઘડતર, અમદાવાદ, પૃ. ૩)

૩૦. નરહરી પરીખ, પૂર્વોક્ત, પૃ. ૭૨

૩૧. નવજીવન અને સત્ય, ૨૧ સપ્ટે. ૧૯૧૯, પૃ. ૪૦-૪૧ અને મો.ક. ગાંધી, સત્યના પ્રયોગો અથવા આત્મકથા, અમદાવાદ, ૧૯૨૭, (બીજી આવૃત્તિ)

૩૨. મકરન્દ મહેતાએ ગાંધીપૂર્વે અને ગાંધીયુગીન અસ્પૃશ્યતાનિવારણના પ્રયત્નોની સુંદર તુલના કરતાં લખ્યું છે કે “ગાંંધીજીએ અસ્પૃશ્યતાના પ્રશ્નને વાજતો-ગાજતો કર્યો. એટલું જ નહીં, દેશને ખૂણે-ખૂણે ચર્ચાતો કર્યો. આ બીના અભૂતપૂર્વ હતી. અને તેને માટે ગાંધીજીની વ્યક્તિગત પ્રતિભા જવાબદાર હતી . . . ગાંધીજીએ હરિજન - કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં સમાજમાં વિધ્વંશક નવાચારી (Disruptive-Innovative) તત્ત્વો વિકસાવ્યાં હતાં. ગાંધીજી પહેલાં હરિજન કલ્યાણ માટે જે કંઈ પ્રવૃત્તિઓ થઈ હતી ને જે કાંઈ વિચારાયું હતું, તેમાં ચોક્કસ રીતે ક્ષોભ સંકોચવૃત્તિ હતી. ગાંધીજીએ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તની ભાવનાને સતેજ બનાવી અને સવર્ણોમાં અપરાધની ભાવનાને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. તેની સાથે સાથે ગાંધીજીએ તેમની પહેલાના શહેરી મધ્યમવર્ગી ‘સોશિયલ રિફોર્મ’ના એથિક્સને બદલીને તેની જગ્યાએ ‘સોશિયલ વર્ક’ અને ‘સોશિયલ સર્વિસ’ના એથિક્સને મૂકી આપ્યું. ગાંધીજી પહેલાના સુધારકો લેખો લખતા, મંડળીઓ ભરતા અને સુધારાનાં ભાષણો કરતા, પણ કેટલાક જૂજ અપવાદોને બાદ કરતાં તેઓ સામાન્ય લોકોમાં બહુ ફરેલા નહીં અસ્પૃશ્યો અને સ્ત્રીઓમાં તો નહીં” (જુઓ : અર્થાત્‌ (ત્રૈમાસિક), સેન્ટર ફોર સોશિલ સ્ટડીઝ, સુરત, પુ.-૯, અંક-૨, એપ્રિલ-જૂન ૧૯૯૦. ગુજરાતમાં થયેલી હરિજન-કલ્યાણની પ્રવૃત્તિઓ, ૧૮૫૦-૧૯૩૫, પુ. ૨૫-૨૬)

૩૩. ગાંધીજીનો અક્ષરદેહ, પુસ્તક-૧૪, પૃ. ૩૨૦

૩૪. યાજ્ઞિક, પૂર્વોક્ત, પૃ. ૬૦

E-mail : arun.tribalhistory@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 10-15

Category :- Samantar Gujarat / History

નવનિર્માણ અાંદોલન : સંભારણાં

ઉમાકાન્ત માંકડ
15-04-2014

પહેલો ભાગ :

−: આરંભ :−

ઉમાકાન્ત માંકડ

 

મોંઘવારી માઝા મૂકી રહી હતી .....

૩.૧૦ પૈસે કિલો તેલનો ભાવ અચાનક ૬.૮૦ પૈસા થઈ ગયો ....

વાત આવતી હતી, તેલ ઉત્પાદકો પાસેથી સરકારે નાણાં ઉઘરાવ્યાં હતા ....

રાજકીય પક્ષોની આંતરિક જૂથબંધી એક પ્રતિકારનું વાતાવરણ બનાવવા તલપાપડ હતી ...

અને કોઈને પરવા ન હતી. હોસ્ટેલમાં રહી ભણતા વિદ્યાર્થીઓને માસિક જમવાના વધતા જતા ખર્ચની .....

અને, ૩ જાન્યુઆરી ૧૯૭૪, અમદાવાદના શેઠ મંગળદાસ ટાઉન હોલમાં, ગુજરાત યુનિવર્સિટીના અમદાવાદ વિભાગનો વિભાગીય યુથ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. સ્વાભાવિક જ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સંસદના મહામંત્રી તરીકે હું ત્યાં હાજર હતો. (આ લખાણ હું - ઉમાકાંત માંકડ લખતો હોવાથી ‘હું’ શબ્દ પ્રયોગ કરવો પડે છે.) યુનિવર્સિટી સેનેટમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે સહુ પ્રથમ વખત ચૂંટાયેલ સેનેટ સભ્યો પૈકી કેટલાક મિત્રો પણ હતા.

ટાઉન  હોલના જ મેદાનમાં ત્યારે મારા મિત્ર ભાઈ બનવાસ અને ભાઈ પ્રદીપ ચૌનાની માલિકીની હોટલ ‘હેવમોર’ આવેલી હતી. અમારી ઉંમર ૨૩-૨૪ વર્ષ હતી અને યુથ ફેસ્ટિવલનું વાતાવરણ હતુ.ં એટલે સહજ સ્વાભાવિક ‘કોઈક’ના કહેવાથી કોફી પીવા જવાનું થયું. મનમાં હતું ચાલો કોફીની સાથે મધૂર વાતોની મજા આવશે; પણ કુદરતે કંઈક જુદું જ વિચાર્યું હશે.

તે સમયે મોબાઈલ જેવી કોઈ વસ્તુ હતી નહિ. ટાઉન હોલ માં ટેલિફોન હોય નહિ એટલે ‘હેવમોર’ના ટેલિફોનનો જ ઉપયોગ .....

અચાનક ટેલિફોનની રીંગ વાગે છે અને ભાઈ બનવાસ ફોન ઉપાડે છે. થોડી વાત સાંભળી, મને બોલાવે છે અને હું તે ફોન ઉપર વાત કરું છું. સામેથી યુનિવર્સિટીના સિક્યુરિટી સ્ટાફનો માણસ કુલસચિવ કંચનભાઈ પરીખને સંદેશો આપવા માંગે છે ... ‘साहब, यहाँ एल.डी.के लडाको ने बहुत हंगामा मचा दिया है. साहब, जल्दी पुलिस का बंदोबस्त जरुरी है, वरना हमारे यहाँ भी तोड़ फोड होगी. साहब, कुछ जल्दी करवाव."

હું ફોન મૂકી ‘હેવમોર’ની બહાર આવું છું, અને ત્યાં જ મને સામે મળે છે મારા મિત્ર નટુભાઈ પટેલ અને સેનેટ સભ્ય રાજકુમાર ગુપ્તા ...... તેમને  વાત કરી, હું અને નટુભાઈ યુનિવર્સિટી તરફ રવાના થઈએ છીએ. એલ.ડી. પહોંચતા જ તે સમયના સ્પેશિયલ બ્રાંચના પોલિસ ઇન્સ્પેક્ટર નાયકની મુલાકાત થાય છે. પૂર્ણ માહિતી મળતાં હું કોલેજમાં અંદર જવા આગળ વધુ છું, પોલિસ મને રોકે છે, અને પાછળથી, મને તે જ પોલિસ વિદ્યાર્થીઓને સમજાવવા માટે અંદર મોકલે છે.

એલ.ડી.ના વિદ્યાર્થી મિત્રો એ હોસ્ટેલના ફૂડ બિલના તોતિંગ ભાવ વધારા સામે રોષ વ્યક્ત કરી રહ્યા હતા. અને તેમની વાત સાંભળવાને બદલે, બીજે દિવસ સવારથી હોસ્ટેલ ખાલી કરવાની સૂચના આપતા વિદ્યાર્થીઓ ભડકે છે. તોફાને ચડે છે અને હોસ્ટેલની મેસને આગ ચાંપે છે. પોલિસ અંદર ધસી આવે છે. અને બેફામ બની લાઠીચાર્જ કરી, ૩૨૮ વિદ્યાર્થીઓની ધરપકડ કરે છે. સમાચાર વાયુ વેગે ફેલાઈ જતા, રાત્રે ૨-૦૦ વાગે પ્રેસ સમક્ષ હું જાહેરાત કરું છું કે ૪-૧-૧૯૭૪ના રોજ બપોરે ૪-૦૦ વાગે યુનિવર્સિટી સલગ્ન તમામ કોલેજોના મહામંત્રી અને હોસ્ટેલના મહામંત્રીની એક બેઠક સેનેટ હોલમાં મળશે.

ધરપકડ કરાયેલ વિદ્યાર્થીઓને ગાયકવાડ હવેલી લઈ જવાયા  છે .........

ભાગ : ૧

દેશના વિકાસમાં, ભવિષ્યમાં, જેમનું વિશિષ્ઠ પ્રદાન રહેવાનું છે, તેવા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ એક રાત તો પોલિસ લોકઅપમાં વિતાવી. અમે પણ બહાર રાત ભર બેઠા રહ્યા, ક્યારેક ચા, તો ક્યારેક મસાલાઓ આપતા રહ્યા. અમે પણ વિદ્યાર્થી હતા. અને હવે ખીસામાં પૈસા પણ રહ્યા ન હતા. પૈસા તો જરૂરી પણ હતા. નટરાજ સિનેમા પાસે આવેલ અશોક પાન હાઉસના ભાઈ રૂપચંદભાઈ મિત્ર એટલે તેની પાસે થી રૂપિયા ૧૫૦/- ઉધાર લીધા. ગમેતેમ કરીને વિદ્યાર્થીઓને લોક અપમાં, વીએસ હોસ્પિટલ પાસે આવેલ મહેતા રેસ્ટોરન્ટના સહયોગથી, પૂરી-શાક પહોંચાડ્યાં.

૪-૦૦ વાગે કલ્પના બહાર, યુનિવર્સિટી પાસે, માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. યુનિવર્સિટી સત્તાવાળાઓએ અપેક્ષા મુજબ, સેનેટ હોલને તાળાં જ રાખ્યાં હતાં; પરંતુ ઉત્સાહ અને રોષ એટલો હતો કે વગર માઈકે પણ જંગી સભા સંબોધી. કાર્યક્રમ બન્યો, સરઘસાકારે નવરંગપુરા પોલિસ સ્ટેશન જવાનો. અને સતત એ સરઘસ મોટું થતું રહ્યું અને પહોચ્યા નવરંગપુરા પોલીસ સ્ટેશન. પોલિસ ઇન્સ્પેક્ટર એરુલકરે પોતાની પરિસ્થિતિ અને મજબૂરી જણાવી. અમે પણ મક્કમ હતા ધરપકડ કરાયેલ વિદ્યાર્થીઓને છોડાવવા. બધા જ શાંતિથી પોલિસ સ્ટેશન પાસે અને સામે બેસી ગયા. અને અમે ૨૦ જેટલા મિત્રો, નજીકમાં જ આવેલ હવાવાલા બ્લોક્સ ખાતે, કોંગ્રેસ કાર્યાલય ખાતે રજૂઆત કરવા ગયા. અને તે દરમ્યાન અમે મુખ્યમંત્રીશ્રીનો સંપર્ક કરતા, તેમણે પ્લાનીંગ કમિશનની બેઠકમાં દિલ્હી જતા હોવાથી મજબૂરી દર્શાવી. ..... કોંગ્રેસ કાર્યાલય ખાતે અમે પહોંચ્યા, ત્યારે એક તરવરિયો યુવાન દાઢીધારી અમને મળ્યા. તેમણે પોતાનો પરિચય આપતા જણાવ્યું કે હું કોંગ્રેસનો પ્રદેશ મહામંત્રી છું, અને મારું નામ મનુભાઈ પરમાર છે. હું તમારી બધી જ વાતોથી વાકેફ છું. તમે ૫-૧૦ મિનિટ બેસો, ચા પીએ ત્યાં સુધીમાં અમારા બીજા મહામંત્રી પ્રબોધભાઈ રાવળ આવે છે. અને જે સૂચના આપવાની હશે તે ચોક્કસ આપશું. થોડી જ વારમાં પ્રબોધભાઈ આવી પહોંચે છે, અને તે સમયના આઇ.જી. પંત સાથે વાત કરે છે. અને પંત અમને મળવા ૩૦ મિનિટમાં નવરંગપુરા પોલિસ સ્ટેશન આવવાની ખાતરી આપે છે. અમે ય નવરંગપુરા પોલિસ સ્ટેશન પહોચીએ છીએ.

થોડી જ વારમાં પંત ત્યાં આવે છે અને વિદ્યાર્થીઓને મેજિસ્ટ્રેટને ઘેર રજૂ કરી, જામીન ઉપર છોડવાની વાત કરે છે. અમારા માટે શક્ય ન હતું કે આટલા બધા વિદ્યાર્થીઓના જામીન મેળવવા. અંતે મેજિસ્ટ્રેટ સમક્ષ પોલિસ અમારી મજબૂરી રજૂ કરી, વિદ્યાર્થીઓને હાથ મુચરકાના જામીન ઉપર મુક્ત કરે છે. પરંતુ મુસીબત અમને છોડવા તૈયાર ન હતી .... હોસ્ટેલ પહોંચતા, રૂમો ઉપર સરકારી તાળાં લટકતાં હતાં. ફરી ભડકો નિશ્ચિત બનતો જોઈ, કોલેજના આચાર્યશ્રીએ તાળાં ખોલી નાખવાંનો આદેશ આપી, વાતાવરણ શાંત બનાવ્યું.

બધા જ મિત્રોની, શક્ય તેટલી, ખાવાની વ્યવસ્થા કરી, અમે છુટ્ટા પડ્યા.
મેં અને મારા મિત્ર શૈલેશ શાહ, જે યુનિવર્સિટી સેનેટ સભ્ય હતા, તેમ જ નિરુપમ નાણાવટીએ અમારા ખિસ્સાની પરિસ્થિતિ તપાસી. અમારી પાસેના ૩૯/- રૂપિયામાંથી, નાસ્તો કે ભોજન કરવા માણેકચોક જવાનું વિચાર્યું .... સ્કૂટર એક (GJI-4909) અને વ્યક્તિ ત્રણ .... કાયદો તોડીએ તો પેટ ભરાય. અને કાયદો તોડવા હંકારી મુક્યું ‘હમારા બજાજ’ ...... પણ ........

અમે અમદાવાદના રૂપાલી સિનેમા પાસે પહોંચ્યા, ત્યાં સ્તબ્ધ થઈ ગયા .........

ગુજરાતના મુખ્યમંત્રી પ્લાનિંગ કમિશનની મિટિંગમાં ગયા હતા કે રૂપાલી સિનેમામાં ? … રાજ્યના મુખ્યમંત્રીશ્રીની ગાડી, બ્લ્યુ એમ્બેસેડર ૯૯૦૧, ત્યાં પડી હતી. અમે રોકાયા. અને ઈન્ટરવલ પડતા જ, કેટલાક પત્રકાર મિત્રો અમને ઓળખી ગયા. તેમના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીશ્રી તો ‘હીરા’ નામની ફિલ્મના પ્રીમિયર શોમાં શત્રુઘ્ન સિંહા અને આશા પારેખ સાથે બિરાજમાન હતા ! અમે તેમને મળ્યા, અને પૂછ્યું કે સાહેબ, દિલ્હી ન ગયા ? તેમણે આપેલા જવાબથી અમે સમસમી ગયા : ‘હું કહું તેમ રાજ ચાલે, તમે કહો તેમ નહિ.’ ..... સારું કહી, અમે બહાર નીકળી ગયા, પણ મન માનતું ન હતું. ખાધું પણ ભાવ્યું નહિ, અને કંઈક તો જવાબ આપવો જ પડે તેવા નિર્ધાર સાથે અમારી લો હોસ્ટેલ આવીને સૂવાનો પ્રયાસ કયો .... પણ ઊંઘ ન આવે. એક જ વિચાર કે સરદાર પટેલે રજવાડા નાબૂદ કરી બનાવેલ અખંડ ભારત શું સરમુખત્યારોના હાથમાં છે ?

૫/૧ અને ૬/૧ ગુજરાત યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલ ગાંધીનગર ખાતે હતો. અને અમે બધા જ ભેગા થવાના હતા. મારા પિતાશ્રી સરકારી કર્મચારી, એટલે મારું ઘર ગાંધીનગર. મેં અાથી બધા મિત્રોને ૫/૧ના રોજ, સાંજે, મારા ઘેર ચા-નાસ્તા માટે નિમંત્રણ આપ્યું.

ભાગ : ૨

૫, જાન્યુઆરી .....

અમે સર્વ મિત્રો પોતપોતાની રીતે ગાંધીનગર પહોચ્યા. મનીષી જાની (સિન્ડીકેટ સભ્ય) અને સેનેટ સભ્યો શૈલેશ શાહ, જીતુ શાહ, રાજકુમાર ગુપ્તા, મૂકેશ પટેલ, પંકજ પટેલ, અશોક ઢબુવાલા, સાગર રાયકા તેમ જ અન્ય મિત્રો.

યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલના અધ્યક્ષ સ્થાને ડો. બિહારી કનૈયાલાલ હતા અને તે દિવસોમાં જ તેમના મોહિની ફાર્મ ઉપર રાજ્યના પોલિસ તંત્રએ દરોડો પાડી, મહેફિલનો કેસ દાખલ કરેલો. અને તેથી તેનો વિરોધ કરવાનો અમે નિર્ણય કર્યો. અમારી વાતના સમાધાન માટે, અમને રાજ્યના શિક્ષણ મંત્રી આયશા બેગમ શેખે તેમને  ઘેર નિમંત્રણ આપ્યું. ત્યારે ત્યાં ઉપસ્થિત રાજ્યના પૂરવઠા પ્રધાન નરેન્દ્રસિંહ ઝાલાએ પણ આડકતરી ભાષામાં ધમકી આપી. અમે બધું જોઈ રહ્યા હતા, પણ શાંત હતા. યુથ ફેસ્ટિવલના સ્થળે, તે સમયના ગાંધીનગર સરકારી સાયન્સ કોલેજના આચાર્ય વ્યાસની સૂચનાથી, અમે જો કંઈ કરીએ તો અમારા ઉપર હુમલા માટેનાં સાધનો પણ તૈયાર રખાવેલાં. પરંતુ પ્રેસના મિત્રોની નજરે ચડી જતાં, વાતાવરણ વધુ તંગ બન્યું. યુથ ફેસ્ટિવલ તો થઈ ન શક્યો, પણ પોલિસ અમારી પાછળ લાગી ગઈ. અમે બધા ગાંધીનગરથી અમદાવાદસ્થિત મારા ખાલી ઘર (વિજયનગર) આવ્યા. રાત્રે બધા જાગ્યા. ચર્ચાઓ કરી અને ૯-૧-૧૯૭૪ના રોજ, યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે, હોસ્ટેલના ફૂડ બિલ અને વધતી જતી શિક્ષણ ફી સામે જંગે ચડવાનો નિર્ણય કર્યો. સભાનું આયોજન કર્યું અને આ સભાનું પ્રમુખસ્થાન તે સમયના અમદાવાદના સંસદસભ્ય પુરષોત્તમ માવલંકરને આપવાનું નકક્કી કર્યું. માવલંકરને જાણ કરવા સંપર્ક કરતા, તેઓ ભારત સરકારની વાંછુ કમિટીમાં હાજરી આપવા મદ્રાસ હોવાથી, તેમણે અસમર્થતા દર્શાવી. પરંતુ અમારી વિનંતીનો સ્વીકાર કરી તેમણે નિમંત્રણ સ્વીકાર્યું.

૭, જાન્યુઆરીના રોજ સરકાર અચાનક જાગી. અમને વાટાઘાટ માટે નિમંત્રણ મળ્યું. અમદાવાદના જૂના સરકીટ હાઉસ ખાતે, પહેલે માળે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, કુલપતિશ્રી અને આઈ.જી. પંત તેમ જ જી.આઈ. પટેલ તથા અન્ય કોંગ્રેસ અગ્રણીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.

અમારી માંગણી બહુ સરળ હતી : (૧) જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે, તે પોતાના ઘરના રેશન કાર્ડમાંથી પોતાનું  નામ કમી કરાવે, અને રાજ્ય સરકાર હોસ્ટેલના રેક્ટરના નામે રેશનકાર્ડ બનાવી આપે, તો અમારું ફૂડ બિલ ઓછું થાય.  (૨) વિદ્યાર્થીઓની વધતી જતી ફી નિયંત્રિત કરી, માસિક ફી પણ ભરી શકાય તેવી વ્યવસ્થા કરે. પણ સરકાર કોને કહે, …વિચારશું, પણ તમારા આ તાયફા બંધ કરો. તમે તમારી કારકિર્દી જોખમમાં મૂકી રહ્યા છો, આ સરકાર તો ‘સાગર’ ઘી પણ રેશનીંગમાં આપે છે. (સરકારને ખબર ન હતી કે તે જેની સાથે વાત કરે છે, તેમાંના મોટા ભાગના તો પોતાના ઘરનું રેશનીંગ લેવા જવાની આદતવાળા છે.)

વાટાઘાટ હતી કે ધમકી આપવા બોલાવ્યા હતા તે સમજીએ પહેલાં, ૯-૧-૧૯૭૪ની સવાર પડી .... અને યુનિવર્સિટી સેનેટ હોલ અને પટાંગણમાં હજારોની સંખ્યામાં યુવાનો-યુવતીઓ ઉમટી પડ્યાં.  અને  ૩-૧-૧૯૭૪થી ચાલતી ‘યુવક લાગણી સમિતિ’ને નવું નામ મળ્યું : ‘નવનિર્માણ યુવક સમિતિ’. અમારા વડીલ અને સલાહકાર “ગુજરાત સમાચાર”ના રાજેન્દ્રભાઈનું આ નામાભિધાન હતું. ...... અમારા ચેરમેન તરીકે પુરુષોત્તમભાઈ માવલંકર, અને યુનિવર્સિટી સિન્ડીકેટના એક માત્ર વિદ્યાર્થી પ્રતિનિધિ મનીષી જાનીની અધ્યક્ષતામાં આંદોલન આરભાયું. હું મહામંત્રી નિયુક્ત થયેલો. અને પહેલેથી જ થોડા વિચિત્ર સ્વભાવને કારણે, મેં બધાથી દૂર, સમગ્ર શિક્ષણ બંધનું એલાન આપ્યું.

મારો વિચિત્ર સ્વભાવ હંમેશ અન્યની નજરમાં હોય છે. અંતે મારો નિર્ણય જ પરિણામલક્ષી બનતો રહ્યો છે. મારા એલાને પ્રથમ ગ્રાસે મક્ષિકારૂપ માવલંકર સાહેબે, તે જ દિવસે, અલગથી પત્રકાર પરિષદ કરી, અમારાથી વિખૂટા પડવાની જાહેરાત કરી, પરંતુ શિક્ષણ જગત થનગનતું હતું, અને તેથી શિક્ષણ સદંતર બંધ જ રહ્યું. …

અને એ આરંભ હતો ‘નવનિર્માણ’નો − ઐતિહાસિક દિવસ : ૯, જાન્યુઆરી ૧૯૭૪.

ભાગ : ૩

સહજ સ્વાભાવિક વિચારભેદથી સર્જાયેલી પરિસ્થિતિમાં, એક સન્માનનીય નેતૃત્વનું અમારાથી છૂટું પડવું આઘાતજનક હતું, ..... પરંતુ વિકલ્પ ન હતો.

શિક્ષણના બહિષ્કારનું એલાન ચાલુ રહ્યું. .... શિક્ષણ સંસ્થાઓ બંધ રહી ... ગુજરાત યુનિવર્સિટીમાં બધા આવતા, હવે શું ? −ની ચર્ચા થતી. વિવિધ વિચારો વ્યક્ત થતા, અને અમે બધા મક્કમતાથી વિચારતા વિચારતા ભાવિ પગલાંના નિર્ણયો કરતા. 

૧૦, જાન્યુઆરી ૧૯૭૪. અમે, આશરે ૫૦૦-૭૦૦ વિદ્યાર્થીઓ, અમદાવાદના સરદાર પટેલ બાગમાં, સાંજે ભેગા થયા. ... કોલેજના ચુંટાયેલ પ્રતિનિધિઓની સંખ્યા સવિશેષ હતી. યુવતીઓની સક્રિયતા પણ નજરે ચડે. ...... અમારો હેતુ ત્યારે માત્ર ફૂડ બિલ પૂરતો સીમિત હતો. એટલે સંખ્યા પણ અમારી દૃષ્ટિએ અ...ધ...ધ હતી. પણ સરકારે કંઈક જુદું જ વિચાર્યું હતું. અમે ભેગા થઈએ અને તે પહેલાં ત્યાં પોલિસ પહોંચી જાય. અને તે દિવસે પણ એવું જ બન્યું. અને પોલિસે દંડાના જોરે અમને ભગાડ્યા. અમે બધા સરદાર બાગમાંથી આશ્રમ રોડ ઉપર આવ્યા. અમને માહિતી મળી કે રાજ્યના વરિષ્ઠ મંત્રી ડો. અમુલભાઈ દેસાઈ નટરાજ સિનેમા પાસે અમદાવાદ મેડિકલ હોલમાં આવેલ છે. અમે રૂબરૂ રજૂઆત કરવા ગયા, પણ પોલિસના દંડા ...... અને તેથી વિદ્યાર્થીઓ સ્વાભાવિક કાબૂમાં ન જ રહી શક્યા. અને પહેલી ઘટના ઘટી. .... ડો.અમુલભાઈ દેસાઈને મંત્રી તરીકે રાજ્ય સરકાર દ્વારા ફળવાયેલ એમ્બેસેડર કાર જોતાંજોતામાં ભાંગીને ભુક્કો થઈ ગઈ. છતાં સરકાર અમને સાંભળવા તૈયાર ન થઈ તે ન જ થઈ. ફરી કેટલાક પકડાયા અને ફરી અદાલતી કાર્યવાહી ....

જો કોઈ સાંભળવા જ તૈયાર ન હોય તો ? આંદોલનને જન આંદોલનમાં ફેરવી નાખવા, તેમ જ મોંઘવારી સામે અને વધતા જતા ભ્રષ્ટાચાર સામે લડી લેવાનો અમે નિર્ધાર કર્યો.

અમને રાજકીય હેતુ સારવામાં રસ ન હતો, પણ સરકાર જ અમારા આંદોલનને રાજકીય સ્વરૂપ આપી રહી હતી …!

અને અાથી અમે ૧૧ જાન્યુઆરીના રોજ સહુ ભેગા મળ્યા. વિચાર શરૂ થાય અને નિર્ણયો થાય, તે પહેલાં સમાચાર મળ્યા કે પોલિસે વિવિધ વિસ્તારોમાંથી ધરપકડો શરૂ કરી છે. .... તપાસ કરતાં જાણવા મળ્યું કે શિક્ષણ સંસ્થાઓ બંધ રહેવાથી, અકળાયેલ તંત્રએ સંબંધિત કોલેજોના વિદ્યાર્થી આગેવાનો કોલેજો શરૂ કરવા સહમત ન થાય, તો તેમની ધરપકડો કરવાનો નિર્ણય લીધો હતો. ...... સાધનો અને નાણાની અછત છતાં, અમે ફરી વળ્યા ..... અામ સરકારી તંત્ર આંદોલનને તોડવા નિષ્ફળ રહ્યું. શિક્ષણ સંસ્થાઓ બંધ રહી, અને હવે તો વાલીઓ પણ બાળકોને શિક્ષણથી દૂર રાખવા માંડ્યાં.

૧૨, જાન્યુઆરીના રોજ, ખાડિયા નવનિર્માણ સમિતિ દ્વારા, એક જાહેર સભાનું આયોજન કરાયેલું, રાત્રે ૮-૦૦ વાગે. તે દિવસે આખો દિવસ, સ્વયંભૂ તેલના ખાલી ડબ્બાઓ સાથે, વિવિધ વિસ્તારોમાં બહેનોના સરઘસ નીકળતા રહ્યા .... અને નારો હતો : ‘જો સરકાર નીક્કમી હૈ, વો સરકાર બદલની હૈ’; અને રાજ્યના મુખ્યમંત્રી માટે ‘હાય રે ચીમન હાય હાય’ .... .(એક વિનંતી : ચીમનભાઈ પટેલ આજે આપણી વચ્ચે નથી, તેવા સમયે હું જરૂર પડે જ સત્ય છતાં આજે અશોભનીય ભાષા પ્રયોગ કરીશ.)

આમ આંદોલન અચાનક કરવટ બદલતું હતું. અમે પણ ચકાસવા લાગ્યા કે રાજકીય પક્ષના હાથા તો કોઈ નથી બની રહ્યા ને ? પણ ના, આ ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામેનો જન આક્રોશ સ્વયંભૂ પ્રગટ થઈ રહ્યો હતો. શું અમારું આંદોલન જનતાનો અવાજ છે ? તો શા માટે વિદ્યાર્થીઓ સાથે સમાજના વિવિધ લોકોને ન જોડવા ? અમે બપોરથી જ અધ્યાપક મંડળના કે.એસ. શાસ્ત્રી, કનુભાઈ શાહ, ઉજમશી કાપડિયા જેવા અગ્રણીઓને મળ્યા. અમારી વાત સમજાવી. અમે પત્રકાર આગેવાનો સર્વશ્રી અચ્યુત યાજ્ઞિક, દેવેન્દ્ર પટેલ, રાજેન્દ્ર શેઠ, સૈયદને મળ્યા. તેઓ અમારી વાતથી જાણકાર હતા. અમે કામદાર આગેવાનોને ય મળ્યા અને ૧૪ ઓગસ્ટે શ્રમજીવી સમિતિના આગેવાન જી.વાય. પટેલ અને મજૂર મહાજનના અરવિદભાઈ બૂચને પણ મળ્યા. અમે શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો હરુભાઈ મહેતા, નરહરિ પરીખ અને હસમુખ પટેલને પણ મળ્યા.

અમારી વાત સમજાવવામાં કદાચ અમે સફળ થયા છીએ, તેમ માની અન્ય મહાનુભાવોને બીજે દિવસે મળવા જવાના નિર્ણય સાથે અમે ખાડિયાની જાહેરસભામાં પહોચ્યા.

ખાડિયાની સભા એ અમને અકલ્પ્ય શક્તિ આપી. પરંતુ એક વાત બધા વિચારતા થયા કે આ સંઘ કાશીએ કઈ રીતે પહોંચશે ? કારણ …

ભાઈ મનીષી જાની સમપર્ણ, શાંત અને અહિંસક આંદોલનની રજૂઅાત સાથે પોતાના વિચારો વ્યક્ત કરતા. એક નેતૃત્વની ઝાંખી કરાવતું તે સંબોધન અને હું … ધ્યેય સિદ્ધ કરવા કરો યા મરોની વાત સાથે તોફાની ભાષણ …

મારા ભાષણ પછી ઉશ્કેરણી સ્વાભાવિક હતી, અને મિલકતોને નુકશાન તેનો એક ભાગ હતો ..... અને સહજ સ્વાભાવિક પોલિસ કાર્યવાહી અને તે ને કારણે વધુ ઉશ્કેરણી …

૧૩, જાન્યુઆરીએ શાહપુરમાં એક વિશાળ  સરઘસ નીકળે છે. સમગ્ર વિસ્તારમાં ફરતું ફરતું આ સરઘસ શાહપુર હવાબંદર પહોંચે છે, અને વાહનવ્યવહાર ખોરવવાનો પ્રયાસ થાય છે. તેમાંથી પોલિસ સાથે ઘર્ષણ, અને પોલિસ પહેલી વખત ફાયરીંગનો સહારો લે છે. અને પંકજ જોશી આ આંદોલનનો પહેલો શહીદ બની, એક ઇતિહાસનું સર્જન કરતો જાય છે …

૧૪, જાન્યુઆરી અને ૧૫, જાન્યુઆરીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવાર અમદાવાદમાં ઉજવાય છે, પણ સતત આંદોલનના નારાઓ સાથે મકાનોના ધાબા ગુંજી ઊઠે છે.

એક શહીદ, એક વીરતાભર્યા કાર્ય સાથે મોતને ભેટેલ આ યુવાનની શહાદત પછી, અમારી જવાબદારી ખૂબ વધી જાય છે. અને અમે આ તહેવારના સમયે, સતત મારા વિજયનગર સ્થિત નિવાસસ્થાને, વિવિધ કાર્યક્રમો ઘડી કાઢ્યા. અમને વિવિધ સ્તરેથી ટેકાઓ મળતા રહ્યા. આંદોલનનો વ્યાપ વધતો ગયો. નાનામાં નાના કસબાથી લઈને વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, પાલણપુર, નડિયાદ, આણંદ, ગોધરા, દાહોદ, ભરુચ, અંકલેશ્વર, વલસાડ, વાપી, બીલીમોરા તેમ જ નવસારીમાં પણ આ શહાદતના પડઘા પડ્યા. અને માત્ર ૨૪ કલાકમાં ઉણેલથી અમદાવાદ …

ભાગ : ૪

અમદાવાદનું આકાશ, તુક્કલોથી એ વીર શહાદતને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યું હતું. …

હું અમદાવાદના આશ્રમ રોડ ઉપર, એચ.કે. આર્ટસ કોલેજ સામે આવેલા, અશોક પાન હાઉસ ઉપર, પાન ખાવા ઊભો હતો. પાન ખાઉં તે પહેલાં, અમદાવાદના પોલિસ સુપ્રિન્ટેન્ડનટ અને એક જમાનાના ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ગુલામ ગાર્ડ પોલિસ જીપ લઈને આવી પહોંચે છે. મને કહે છે : ઉમાકાંતભાઈ, પોલિસ કમિશ્નરે મિટીંગ બોલાવી છે, અને આપે ખાસ હાજર રહેવાનું છે. તો ચાલો આપણે જઈ આવીએ. ... હું જીપમાં બેસું છું, અને જીપ સીધી જ ગાયકવાડ હવેલી પહોંચે છે. જ્યાં મને જણાવાય છે કે આંતરિક સુરક્ષા ધારા (MISA) હેઠળ અાપની ધરપકડ કરવામાં આવે છે. મને પોલિસ લોક અપમાં મુકવામાં આવે છે. ... થોડા સમય પછી, સ્પેિશયલ બ્રાંચના પોલિસ ઇન્સપેક્ટર નાયક ત્યાં આવે છે. મને વોરંટની બજવણી કરે છે અને મારા ઘરનું એડ્રેસ અને ટેલિફોન નંબર પૂછે છે, જેથી મારે સારુ કપડાં વગેરે તેઓ લાવી શકે, અને મારી ધરપકડની જાણ કરી શકે. મેં કપડાં લાવવાનો ઇન્કાર કર્યો. પોલીસને જે કાર્યવાહી કરવી, કરાવવી હોય તે કરે, તેમ જણાવ્યું. પરંતુ કાનૂની પ્રક્રિયા પૂરી કરવા, તેમને મારા ઘેર જાણ કરવી અનિવાર્ય હતી. (પોલિસની કમનસીબી કે તેમને મારા ઘરનું સરનામું ખબર ન હતી.) મેં તે કાર્યવાહીમાં સહયોગ આપ્યો, અને પોલીસે પોતાની ફરજ પૂરી કરી. .... થોડી જ વારમાં મને જણાવાયું કે મનીષી જાનીની પણ હમણાં જ ધરપકડ થઈ છે. થોડા સમયમાં મનીષી પણ આવી પહોંચે છે. પોલિસ અધિકારીઓ મારા માટે તમાકુના મસાલા અને સિગરેટ લાવી, માને આપે છે. થોડીવારમાં મને અને મનીષી, જેને જુદી બેરેકમાં રાખવામાં આવેલા, તેને બે જુદી જુદી એમ્બેસડર ગાડીમાં લઈ જવામાં આવે છે. અમને ખબર નથી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. પરંતુ ગાડીમાં વાયરલેસ સેટ ઉપર મારી ગાડીને સૂચના મળે છે મહેસાણા તરફ રવાના થાવ. .... મહેસાણા નજીક આવતા, સંદેશો મળે છે ઊંઝા તરફ આગળ વધો. ... ઊંઝા આવતા સંદેશો મળે છે, પાલણપુર તરફ આગળ વધો. અને પછી પાલણપુર આવતા, પાલણપુર જેલમાં મને લઈ જવાય છે. ... મનીષીની ત્યારે કોઈ માહિતી ન હતી. (પાછળથી મળેલ માહિતી મુજબ તેને ભુજ લઈ ગયેલા.)

પાલણપુરમાં આ સમાચાર વાયુ વેગે ફેલાય છે. .... રાત્રીના લગભગ ૧૨-૩૦ જેવો સમય હતો, અને જેલ બહાર માણસોનાં ટોળાં ઊમટી પડે છે. મને સૂત્રોચ્ચાર સંભળાય છે : ‘એક ધક્કા ઔર દો ... જેલ કા દરવાજા તોડ દો’. ... લગભગ બે કલાક તો મેં આ સૂત્રોચ્ચાર સાંભળ્યો. જેલના અન્ય કેદીઓ પણ જે જુદી જુદી બેરેકમાં બંધ હતા, તે પણ જાગી ગયેલા છે. મને એકલો રાખવામાં આવ્યો. પહેલી વખત જિંદગીમાં જેલ જોઈ, પણ એક અનેરા થનગનાટને કારણે કોઈ અસર નહિ. .... MISAના કાયદા હેઠળ, અમે સહુ પ્રથમ વખત આ દેશના કેદી બન્યા. સવાર પડી, કેદીઓ બેરેકની બહાર નીકળે છે. અને હું પણ ...... અને પૂછપરછનો દોર શરૂ થાય છે. ... એલ્યુમીનિયમના ડબલામાં ચા મળે છે. (સમજવાનું કે ચા છે.)અન્ય કેદીઓથી પરિચય થાય છે, અનેક જણા તો માત્ર કેસ ચાલવાના વિલંબને કારણે પાંચ પાંચ વર્ષથી જેલમાં છે ! ... હું આંદોલન શું છે, તેની રૂપરેખા આપું છું. .... અને જેલના કેદીઓ પણ ઉત્સાહમાં આવી, જે કરવું હોય તે કરવા તૈયાર થાય છે. સ્વાભાવિક મારા સ્વભાવ પ્રમાણે હું પણ તેમને ઉશ્કેરું છું. બધા જ કેદીઓ સાંજના ભોજનનો બહિષ્કાર કરે છે. અને પોત પોતાના ઘેર આંદોલનને ટેકો આપવા પોસ્ટકાર્ડ લખે છે. ... સાંજના ૬-૦૦ વાગે છે; પાછા, બધા પોતા પોતાની બેરેકમાં. .... સમય કાઢવો અઘરો છે. બહારની ગતિવિધિથી અલિપ્ત. .... પણ કાયદો ???

અચાનક, મને રાત્રે ૧૦-૦૦ વાગે જેલર ઉઠાડવા આવે છે. અને તે જણાવે છે કે આપને છોડી મુકવાના છે, અને આપને લેવા રાજ્યના શિક્ષણમંત્રી મગનભાઈ બારોટ આવેલા છે. … હું બધા કેદીઓને મોટેથી બૂમો પાડી, ઉઠાડીને રામ રામ કહી, જેલરની ઓફિસમાં આવું છું. ત્યાં સુધી, મને એમ હતું કે જેલમાં મારી આખા દિવસની પ્રવૃત્તિને કારણે, કદાચ બીજે ગામ, કોઈ જેલમાં લઇ જઈ રહ્યા હશે. પરંતુ હકીકતે જેલરની રૂમમાં મગનભાઈ બારોટને જોઈ, હું વિચારમાં પડું છું.  મગનભાઈ મને જણાવે છે કે રાજ્ય સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે. અને આંદોલન પાછું ખેંચાઈ ગયું છે. માટે તમને લેવા હું આવ્યો છું. અને મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ આપની અમદાવાદ રાહ જોઈ રહ્યા છે. હું મનીષી માટે માહિતી માંગું છું, અને મને જણાવાય છે કે કચ્છના કલેકટર પણ તેમને લઈને અમદાવાદ આવી રહ્યા છે. … હું વિચારમાં પડી જાઉં છું કે કોઈ સ્પષ્ટ જાહેરાત વગર, આંદોલન પાછું ખેચાયું??? … અને મગનભાઈની સાથે, અમદાવાદ તરફ આવવા રવાના થાઉં છું. … મગજમાં ઘુમરાય છે માત્ર વિચારો ......

ભાગ : 5

… અને, એ વિચારો સાથે, ગાડી અમદાવાદ તરફ રવાના થાય છે. મારી ઉત્સુકતા વધતી જાય છે. … સમાધાન કઈ રીતે ? સમાધાન કોણે કર્યું ? સમાધાનની શરતોનું શું ? શું અમદાવાદ પહોંચશું ત્યાં બધું પતી ગયું હશે ?

અને ત્યાં જ મગનભાઈ વાત શરૂ કરે છે : ‘સરદાર પટેલ કોલેજના પ્રિન્સિપાલ દર્શનસિંહ શીખે આજે કોલેજોના પ્રિન્સિપાલો - અધ્યાપક મંડળ અને કેટલાક વિદ્યાર્થી નેતાઓની મિટીંગ બોલાવી હતી. તેમાં મુખ્યમંત્રીશ્રી પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ ઉકેલવાની ખાતરી આપતા, સહુએ એક મતે આંદોલન પાછું ખેચવાની જાહેરાત કરતા પત્ર ઉપર સહીઓ કરી. ત્યાર બાદ, સરકારે, પત્રકાર પરિષદમાં, આંદોલન સમાપ્તિની ઘોષણા કરી હતી. પત્રકારોના પ્રશ્નના જવાબમાં, ચીમનભાઈએ તમને બંનેને છોડી મુકવાની જાહેરાત પણ કરી છે. અને તે સંદર્ભે જ, હું અહીં તમને લેવા, રાજ્ય સરકાર વતી, આવ્યો છું. અને મનીષી પણ આવી પહોંચશે. સવારે 8-00 વાગે મુખ્યમંત્રીશ્રી તમારી બંને સાથે વાત પણ કરશે. અને ત્યારબાદ, તમે શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરજો .....’

વાત સાંભળતો રહ્યો, અને આશ્ચર્ય અનુભવતો રહ્યો, શું અમારી ધરપકડ માત્ર આ સમાધાનનાં નાટક માટે જ કરી હતી ? શું સરકારનો ઉદ્દેશ સારો છે ? કે પછી ચીમનભાઈએ પોતાની જ શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સિપાલ મારફતે ગોઠવેલું આ એક નાટક છે ? મિટીંગમાં હાજર રહેલ એ વિદ્યાર્થી નેતાઓ શું અમારા સાથીઓ જ હતા ? ..... રસ્તામાં મહેસાણા પહેલાં, એક જગ્યાએ, હાઈવે ઉપર, ગાડી ચા પીવા માટે રોકાય છે. અને ત્યારે જ એક બકરાં ભરેલી ટૃક ત્યાંથી પસાર થાય છે. સ્થળ ઉપર પોલિસ તેને અટકાવે છે. અને રૂપિયા લઈ જવા દે છે. અમે આ જોઈ રહ્યા હતા. રાજ્યના એક મંત્રીની હાજરીમાં ઘટના બની, તેની ચર્ચા કરી, મેં જણાવ્યું કે હવે આપ કહો, શું આવા ભ્રષ્ટાચારો ખુલ્લેઆમ નથી થતા ? શું આ તબક્કે આંદોલનોનાં સમાધાન હોઈ શકે ?

.... ચા પીધા પછી, ગાડી પાછી અમદાવાદ તરફ રવાના થઈ. અને અમદાવાદ સરકિટ હાઉસ અૅનેક્સ (જૂનું) અમારી ગાડી પહોંચે છે. મારી આશા ઠગારી નીવડે છે. કોઈ વિદ્યાર્થી આગેવાન નહિ. કોઈ જવાબદાર આંદોલનકારી નહિ ? હા, પહેલે માળ ચીમનભાઈ, ઠાકોરભાઈ, અમુલભાઈ દેસાઈ. અમરસિંહભાઈ ચૌધરી, આયેશાબેગમ શેખ, નરેન્દ્રસિંહ ઝાલા જેવાં રાજ્ય મંત્રીમંડળનાં અનેક સભ્યો હાજર હતાં. મને આવકારે છે, અને જમવા બેસવા કહે છે. જવાબમાં હું કહું છું,  ‘ચીમનભાઈ, જેલમાં પહેલી વખત આજે ખાધું, એ હજી પચ્યું નથી. મને ભૂખ નથી.’ … હું પૂછું છું કે અમારા સાથીઓ બધા ક્યાં છે ? મનીષી ક્યારે આવશે ? મને જવાબ મળે છે : ઉમાકાંત, હવે આંદોલન તો પૂરું થઈ ગયું. બધા સ્વાભાવિક જ પોતાના ઘેર ગયાં હશે !

હું એકાદ કલાક માટે ગાડી માંગુ છું. … મને જણાવાય છે, ‘આ બધી જ ગાડી તમારી જ છે , પણ ક્યાં જવું છે ? ... મેં કહ્યું, ચા પીવા રેલવે સ્ટેશન જવું છે. મને કહે છે, અરે, ચા તો અહીં જ મળશે. હું જણાવું છું કે ચીમનભાઈ, હોસ્ટેલમાં રહું, પણ ચા રાત્રે તો સ્ટેશન પીવા જઈએ જ. ચીમનભાઈ કહે છે, ગામ કરતાં ઊંધો જ લાગશ ! … અને ગાડી માં મને લઈ જવા ડ્રાઈવરને  આદેશ આપે છે.

હું સ્ટેશન તરફ રવાના થાઉં છું.

શું સરકારો આવી હશે ? સમજી શકે નહિ કે મારો મકસદ રેલવે સ્ટેશન શા માટે ? રેલવે સ્ટેશન પહોંચી, મેસર્સ અરોરાની કેન્ટિન ઉપર બે ચાનો ઓર્ડર આપું છું, મારી અને ડ્રાઈવરની. અને બાજુમાં જ આવેલ એ.એચ. વ્હીલરની પુસ્તકની દુકાન ઉપરથી છાપાં ખરીદું છું. સ્ટોલવાળો ઓળખી જાય છે, અને પૈસા લેતો નથી. વળી, મને કહે છે, ભાઈ સરકાર મૂર્ખ બનાવી ગઈ.

છાપાં વાંચું છું : અંતે સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન ...... સમાધાન શા માટે તેની રૂપરેખા આપવા સવારે 10-00 વાગે યુનિવર્સિટી ખાતે જાહેર સભા. … મનીષી - માંકડનો મોડી રાતે છુટકારો .......

શું શિક્ષણ કાર્ય પુન: યથાવત થશે ?
છાપાં વાંચી, પાછાં આપી દઉં છું. ચા પી, પરત ફરું છું. સવારના 4-00 વાગ્યા હોય છે. અને સવારે 8-00 વાગે મનીષી આવી જાય એટલે મુખ્યમંત્રી સાથે મળવાનું નક્કી કરી બધા છુટા પડીએ છીએ. હું જૂના સરકિટ હાઉસ (રાજભવન સામે) આવું છું. અને થોડી વારમાં મનીષી પણ આવી પહોંચે છે. અમે વાતો કરી. છાપાંની વિગતોથી મેં તેને માહિતી આપી. કપડાં તો હતાં નહિ, એટલે જનરલ બાથરૂમમાં નાહીને તૈયાર થઈએ છીએ. સરકિટ હાઉસનો સ્ટાફ અમને ચા પીવરાવે છે. અમારી પાસે તો બંનેની મળીને 5-00 રૂપિયાની પણ મૂડી નથી. સવારના 8-00 વાગે છે, પરંતુ મુખ્યમંત્રી કે કોઈ સરકિટ હાઉસ અૅનક્સ આવતું નથી. 9-00 વાગે અમારા એક મિત્ર, મજીદ શેખ ત્યાં આવી પહોંચે છે. અમને બધી માહિતી આપે છે તેમ જ 10-00 વાગે મળનારી યુનિવર્સિટી જાહેરસભાની માહિતી આપે છે. અમને લઈને યુનિવર્સિટી તરફ એ રવાના થાય છે.  અમારા સાથીઓ અને નવનિર્માણ યુવક સમિતિનાં પદાધિકારીઓ પણ ત્યાં હાજર હોય છે. અમારું અભિવાદન કરે છે અને સરકારની સંબંધિત મિટીંગથી માહિતગાર કરે છે. જો કે તેઓ કોઈ મિટીંગમાં હાજર ન હતાં. લગભગ 10-40 વાગે એક લાખથી વધુની મેદની વચ્ચે મનીષી સંબોધન કરે છે : સમાધાન વિશે અમારી કોઈ જાણકારી ન હોવાની અને સરકાર સવારે હાજર ન રહી હોવાનું એ જણાવે છે, પણ ત્યારે હવામાં એક જ નારો ‘વી વોન્ટ માંકડ’ ઘૂમરાય છે. ......મારી પાસે તોફાની અપેક્ષાને જાણતા આ નારાથી ખબર પડી જાય.

મનીષીનાં વકતવ્ય પછી, હું બોલવા માઈક પાસે આવું છું : ‘સમાધાન મને મંજૂર નથી.’ ... તમને છે ? … અને એક ગગનભેદી અવાજે જવાબ મળે છે : ‘ના’. .. હું ફરી પૂછું છું, અને ફરી જવાબ ‘ના’. અને તો શિક્ષણ કાર્ય બંધ રહેશે.  .... હવે સરકારનું પતન જ ધ્યેય. ..... મિત્રો, પોલિસ અમને પકડી લેશે, પણ આંદોલનને અંતિમ ધ્યેય સુધી પહોંચાડવાની જવાબદારી આપની. … આભાર − કહી હું મંચ ઉપરથી ભાગી છૂટું છું.

મને ખ્યાલ છે કે મેં કરેલ જાહેરાત સાથે જ પોલિસ મારી ધરપકડ કરવા સક્રિય બનશે. મજીદ મને લઈ ભાગી છૂટે છે. અમારા મિત્ર, પંચાલના મોડલ થિયેટરમાં અમે જઈએ છીએ.  થોડીવારમાં પંચાલ પણ ત્યાં આવી પહોચે છે. અને નક્કી કર્યા મુજબ મારે ફિલ્મનાં શોમાં બેઠા રહેવાનું. મજીદ અને પંચાલ બધી વિગતો એકત્ર કરીને આવે, પછી જ રાત્રે, પંચાલના હાલનાં સી.જી. રોડ સ્થિત કાંચન જંગા ફ્લેટના સાતમાં માળે રહેવાનું. આ ફ્લેટ ખાલી જ હતો. બધી માહિતી એકત્ર કરી, ચાર-ચાર શોમાં સતત ફિલ્મ જોઈ કંટાળેલ, મને લગભગ રાત્રે 11-30 વાગે ફ્લેટ ઉપર પહોંચાડાય છે. મનીષી પણ ભાગી છુટ્યો હોય છે.

ભાગ : 6

રાત્રીનો સમય વિતાવવો પણ અઘરો થવા લાગ્યો. ફ્લેટ ખાલી છે; અલબત્ત, સૂવાની સુવિધા છે, પીવાનું પાણી છે, પણ તે સમયે ન હતું ટીવી કે ન હતા મોબાઈલ, એટલે દુનિયાથી અલિપ્ત. સવાર પડે ત્યાં સુધી, સૂવાનું, વાંચવાનું અને રાત પસાર કરવાની. અને અામ સવાર પડી. સવારના લગભગ 7-00 વાગ્યા હશે, અને મારા મિત્ર બનવાસ ચા-નાસ્તો લઈને આવે છે. ચા પીવાની બહુ મજા આવી, કેમ કે ‘હેવમોર’ની ચા એટલે વાહ ! બનવાસ ‘હેવમોર’નો માલિક હતો. ચા પીધા પછી સિગારેટ સળગાવું છું, અને બારી બહાર જોતા જ … !!!

નીચે આશરે 100થી વધુ પોલિસ ઊભી છે, પોલિસનાં બે-ચાર વહાનો ઊભાં છે. હવે નિર્ણય થઈ ગયો કે પોલિસને માહિતી મળી ગઈ છે, અને થોડા સમયમાં પકડાવવાનું છે. અા અને અાવા વિચારોમાં જ બીજી સિગારેટ અને બીજી ચા  પીધી. ત્યાં પંચાલ પણ આવી પહોંચે છે. તે બધાં છાપાં લઈને આવે છે. અને તે પૂછે છે આ પોલિસ કેમ આટલી બધી અહીં આવી છે ? છાપાં જોવા જતાં ફરી ચા અને ફરી સિગારેટ લગાવી.

અને ત્યારે જ છાપાંમાં નજર પડે છે કે વિદ્યાર્થી નેતાની ધરપકડ. એક નેતાને MISAના કાયદા હેઠળ મોડી રાત્રે ધરપકડ ... છાપાંનાં ટાઈટલો સારા છે. આંદોલન ચાલુ ..... શિક્ષણ કાર્ય બંધ ... સરકારનું પતન પ્રાથમિક માંગ .....નેતાઓ પોલિસ પકડની બહાર ...

ફરી ચા અને સિગારેટના ઘૂંટ લેવામાં પરોવાયો. − પણ, નીચે નજર કરું છું તો પોલિસ જતી રહી છે. પોલિસનું કોઈ વાહન પણ નથી. કેમ ? આ શું ? અને થોડી જ વારમાં માહિતી મળે છે અમારા મિત્ર અને મારા સાથી નેતા શૈલેશ અને તેના રૂમ પાર્ટનર અનિલ ટંડન ત્યાં આવી પહોચે છે. તેઓ પણ ચા લઈને આવેલા. શૈલેશને પણ ખબર પડી જાય છે કે તેને ય પકડવાનું વોરંટ છે. ચાલો, અમે બે ભેગા તો થયા. અનિલ અમને પૂછે છે કે તમે આ જગ્યા કેવી પસંદ કરી છે, કેમ કે તમારા નીચેના ફ્લેટમાં તો આ વિસ્તારના નાયબ પોલિસ કમિશ્નર એચ.કે. ભાયા રહે છે. હવે સમજ પડી ગઈ, પેલી પોલિસ કેમ હતી !

અનિલ જણાવે છે તેમ કાલે રાત્રે જીતુ શાહની ધરપકડ થયેલી. અમે નક્કી કરીએ છીએ કે અમારા મિત્ર હર્ષદના ઘેર મણિનગર જતા રહેવું. હર્ષદનો બંગલો વિશાળ છે. તેમાં એક ભોયરું છે. ત્યાં પડ્યા રહીશું. અને રાત્રે ગમેતેમ કરી મનીષીને પણ શોધીને ત્યાં લઈ આવવો. બનવાસ અાની જવાબદારી લઈ વિદાય લે છે. અને અમે પણ નાહીને કપડાં ધોઈને ટુવાલ પહેરીને બેસીએ છીએ. અમારી પાસે કપડાં પણ પહેરેલાં છે તે જ .....

અને રાત્રે મજીદ અમને લેવા આવે છે. બનવાસ મનીષીને લેવા ગયેલા છે. અમે ભેગા થઈએ છીએ હર્ષદને ઘેર. તેના પરિવારને કોઈ વાંધો નથી, એટલે અમને વધુ અાનંદ છે. પણ વાતચીત વેળા મનીષી અને કનુ ભાવસાર જિદ્દે ચડે છે. મનીષીની વાત સૈધ્ધાંતિક છે, પણ મને ગળે ઉતરતી નથી. તેમના કહેવા મુજબ, બીજે દિવસે સવારે અમદાવાદનાં રૂપાલી  સિનેમા સામે, એક હાથમાં પ્લે કાર્ડ (લોકશાહી બચાવ - તાનાશાહી હટાવ) અને મોઢે પટ્ટી બાંધી, સરકારનો વિરોધ કરવા ઊભા રહેવું. હું કહું છું કે અામ કરતાં આપણે પકડાઈ જઈશું. જીતુ શાહની ધરપકડનો વિરોધ જરૂરી છતાં તેમાં ખૂબ મોટો ખતરો દેખાતો હતો. અમારા પકડાવવાથી આંદોલન ક્યા માર્ગે જશે ? ભૂતકાળનો સમાધાનનો અનુભવ તાજો છે.

અને તેથી હું બીજે દિવસે નથી જતો, શૈલેશ અને મજીદ પણ નહિ. મનીષી અને કનુ ભાવસાર જાય છે. અને ધાર્યા પ્રમાણે પોલિસ તેમની MISA હેઠળ ધરપકડ કરે છે. હવે, પરિણામે અમારી જવાબદારી બહુ વધી જાય છે. અમારે સતત પકડાઈ ન જવાના અને આંદોલન અવળે માર્ગે દોરાય ન જાય, તે માટે જાગૃત રહેવાનું હતું.

આજે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા નવનિર્માણ યુવક સમિતિનાં નેતૃત્વમાં, પાલડીના રોહિત પટેલને ઉપવાસ ઉપર ઉતારવાના છે. સવારે પ્રભાત ફેરી, અને પછી પાલડી બસ સ્ટેન્ડ પાસે ઉપવાસનિ સિલસિલો. રાજ્ય ભરમાં વિવિધ કાર્યક્રમો અપાયેલ છે.

આજે એક મહત્ત્વની ઘટના બને છે :  મહિલાઓ-યુવતીઓ આજે મેદાનમાં ઊતરી છે. સોનલ દેસાઈ એક ખૂંખાર તેજાબી વક્તા તરીકે બહાર આવે છે. મહિલાઓ આજે અમદાવાદનાં નહેરુબ્રિજ ઉપર પ્રવેશબંધી કરાવે છે. ગુજરાતભરમાં આંદોલન હવે ફેલાઈ ચુક્યું છે. વાપીથી વેરાવળ અને વેરાવળથી વાવ બસ એક જ વાત : ‘નવનિર્માણ ઝીન્દાબાદ’ !

કોઈક જગ્યાએ મશાલ સરઘસ. કોઈક જગ્યાએ રસ્તા સાફ કરી પવિત્ર બનાવવાનું, તો કોઈ જગ્યાએ ઠાઠડી બાળવાના કાર્યક્રમો વિશાળ જનસમુદાયની  ઉપસ્થિતિમાં થાય છે. પોલિસ પ્રજાને વિખેરવામાં લાઠી ચાર્જ કરતી રહે છે, તો કોઈક જગ્યાએ ટીયરગેસ છોડાયા છે. ઘણા ઘવાય છે. સરકાર દિન પ્રતિદિન જડ બનતી જાય છે. અને પોલિસ ગોળીબાર પણ કરતાં અચકાતી નથી. હવે શહાદતનો આંક આગળ વધતો જાય છે. (નોંધ : એ તમામ વીર શહાદતના શહીદોની યાદી માહિતી સાથે અંતિમ તબક્કામાં પ્રસિદ્ધ કરશું. )

એક વિચાર આવે છે કે એક વર્તમાન પત્ર શુંનું શું કરી શકે. આંદોલનને તમામ વર્તમાનપત્રોનો અભૂતપૂર્વ સહકાર હતો. પણ ધંધાધારી સરકારના દબાણમાં આવી જતા. એક વર્તમાનપત્ર, "જયહિંદ"ના માલિકો સાથે અમારો પરિચય હતો. અમા શેઠને અમે (ફોન ઉપર) વાત કરી. અને પિરણામે નવનિર્માણનું મુખપત્ર બની ગયું “જયહિંદ”. અમને માહિતી ન હોય તેવા સમાચારો કાર્યક્રમો પણ જયહિંદ  આપતું હતું. “જયહિંદ” આંદોલનનું એક નેતા બની ગયું ......

ભાગ : 7

એક હકીકત હતી કે વાપીના ભાઈ રાજુ શાહ કે વલસાડના ભાઈ ગિરીશ દેસાઈ, સુરતના સુરેન્દ્ર વાણાવાલા, કદીર પીરઝાદા કે સુરેશ પટેલ, ભરુચના ભાઈ યુનૂસ કે વડોદરાના પ્રકાશ બ્રહ્મભટ્ટ (કોકો), નરેન્દ્ર તિવારી કે પ્રકાશ પંડ્યા, ખેડાના ભાઈ મહેશ ઈનામદાર કે અમદાવાદના અશોક પંજાબી, સુરેન્દ્ર રાજપૂત, ભાવનગરના કિરીટસિંહ કે અમરેલીના દિલીપ સંઘાણી, સુરેન્દ્રનગરના ભાઈ જ્યોતિ શાહ કે રાજકોટના અનામિક કે પૃથ્વીસિંહ, જામનગરના હેમત માડમ કે ઘનશ્યામભાઈ જૂનાગઢના કે કચ્છના ભાઈ જયકુમાર, કે ઉત્તર ગુજરાત હોય કે પંચમહાલ અમારા સંદેશાનું સાધન માત્ર વર્તમાનપત્રો હતાં. આંદોલન વેગ પકડતું હતું અને સંપર્ક અનિવાર્ય બનતો જતો હતો, અને તેથી જ રાજ્યના એક પૂર્વ સાંસદ કરશનભાઈ પરમારની ભદ્ર ઇટાલિયન બેકરી પાસે આવેલ એડવોકેટની ઓફીસમાં નવનિર્માણ યુવક સમિતિનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યું. ભાઈ અતુલ શાહને આ કાર્યાલયની જવાબદારી સુપ્રદ કરી. મોટા ભાગના નેતાઓ જેલમાં હતા અને અમારા જેવા ‘વોન્ટેડ’ રાત્રી કાર્યાલય સારુ અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પાસે આવેલ મહેતા રેસ્ટોરંટમાં, પોલિસથી બચી – નજર ચુકાવી કોઈ કોઈ વખત અમે જતા. આંદોલનના અનુભવી અને પીઢ આગેવાનો પ્રવીણ રાવળ, નાનુ વૈદ્ય, જી.વાય. પટેલ, અચ્યુતભાઈ યાજ્ઞિક, એડવોકેટ ગિરીશ પટેલ, અિશ્વની ભટ્ટ, હરુભાઈ મહેતા અને અમારા ગીર પ્રેમી સુલેમાન ચાચા વિવિધ સ્તરે સંપર્ક વધારી આંદોલનને યોગ્ય રસ્તે રાખતા.

વિશ્વના નકશા ઉપર એક ઇતિહાસની રચના થઈ રહી હતી. પ્રજા દ્વારા - પ્રજા માટે પ્રજાની ચૂંટાયેલી સરકાર જ્યારે પ્રજાને સાંભળી શકી નહિ ત્યારે પ્રજા લોકશાહી રીતે તેને ફેંકી દેવા કૃતનિશ્ચયી બની હતી.

અમે કાર્યક્રમો આપતા. સાયકલ સરઘસ, સામૂહિક ઉપવાસ આંદોલન. સરકારના મગજનું ઓપરેશન, ઠાઠડી સરઘસ, જનતા કરફ્યું, જનસભા, મહિલા સરઘસ, બાળ રેલી, ગધેડા સરઘસ, ઉંદરડા સરઘસ, .... સરકારનું દહન, બેસણું. મૌન રેલી જેવા વિવિધ કાર્યક્રમોનો સમાવેશ રહેતો. અને તે અત્યંત સફળ થતા. કોઈક જગ્યાએ તોફાની બનતા પોલી ગોળીબારો થતા અને શહાદતની યાદી લાબી થતી જતી હતી.

અને એક દિવસ સરકારની જડતા નામે એક કાર્યક્રમને જન્મ આપ્યો, જે એક ઇતિહાસ બની ગયો. ગુજરાત યુનિવર્સિટી અને એલ.ડી. એન્જીિનયરીંગ કોલેજ વચ્ચેનો રસ્તો તે સમયે AMTSની બસોનો અંતિમ પડાવ હતો. વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે ચાલો આજે બસો લઈ અમદાવાદમાં ફરીએ, અને ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ચાર બસો હાઈજેક કરી. ડૃાઈવરની મૂક સહમતી ખરી. બસો યુનિવર્સિટીથી આગળ વધી, ચારની છ અને છની બાર થતાં થતાં આશ્રમ રોડ પહોચતા તે આંકડો ૫૦ને વટાવી ગયો. બસની અંદર - બસની ઉપર બધે જ વિદ્યાર્થીઓ અને એક જ વાત ‘હાય રે ચીમન હાય હાય’, ‘નવનિર્માણ ઝીંદાબાદ’ − આ રોષને પણ સરકાર સમજી શકી નહિ. પણ એક ડાહપણનું કામ પોલિસે કર્યું કે હાઈજેક થયેલ બસોને ફરવા દીધી.

હું ભૂગર્ભમાં, પરંતુ મારાથી રહેવાયું નહિ. હું, મજીદ અને શૈલેશ કાળા કાચની ગાડીમાં મણિનગરથી પાલડી આવ્યા. પાલડી ઉપર પોલિસ કમિશ્નર રેનીસન ઊભા હતા. હું ભૂલી ગયો કે હું વોન્ટેડ છું, અને મેં તેની સાથે હાથ મિલાવ્યા. તેના શબ્દો ‘ક્યા નજારા હૈ’ ...... પણ તરત તેને મારો ખ્યાલ આવ્યો, પણ ત્યાં તો અમે ભાગી છુટ્યા હતા. હાઈજેક થયેલ બસોને પ્રજા ચા-નાસ્તો અને પાણી ઠેર ઠેર આપતા હતાં. રાત્રીના બસો પાછી યુનિવર્સિટી પરત ફરી. પેટ્રોલ પંપનાં માલિકોએ બસોમાં મફત ડીઝલ પણ ભર્યું હતું.

એક સુંદર પ્રદર્શન − સરકારને બહેરા કાન અને અંધ આંખો. તેથી તેને કશું જ દેખાતું ન હતું. અને બીજે દિવસે અભૂતપૂર્વ સમાચાર છાપાંઓમાં જોવા પામ્યા. સ્વાભાવિક ગુજરાતનાં તો બધાં જ વર્તમાનપત્રો, પરંતુ ચંદીગઢનું “ટ્રિબ્યુન”, કે દિલ્હીનું “હિન્દુ-પેટ્રીયટ” કે “હિન્દુસ્તાન ટાઈમ્સ” કે પછી કન્નડ-મલયાલમ - કે બંગાળી વર્તમાનપત્રો હોય કે “મલયાલમ મનોરમા” કે દેશભરનાં “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” કે “ઇન્ડિયન એક્સપ્રેસ” અને બી.બી.સી. હોય કે “ટાઈમ મેગેઝિન” - બધે જ નોંધ લેવાઈ અા એક મહત્ત્વની ઘટના બાબતે.

હવે દેશ અને દુનિયાની નજર મંડાણી ગુજરાતનાં નવનિર્માણ આંદોલન તરફ …

ભાગ : 8

દેશ અને દુનિયા જે આંદોલનનો પરિચય મેળવી ચૂક્યું હતું તે આંદોલનનાં સૂત્રધાર કોણ ? અત્યંત મહત્ત્વની બાબત તરફ સમાજનું ધ્યાન હવે કેન્દ્રિત થયું હતું. હકીકતે આ જન આંદોલન હતું; સ્વયમ્ભૂ આંદોલન હતું.  વળી, વિવિધ સ્તરના આગેવાનો કાર્યકરો આનું નેતૃત્વ કરી રહ્યા હતા. પરંતુ નવનિર્માણ યુવક સમિતિનાં સૂત્રધારોનો પરિચય પણ અનિવાર્ય છે. આજની પરિસ્થિતિ સુધીનો પરિચય અા મુજબ :

મનીષી જાની − નવનિર્માણ યુવક સમિતિના પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટી સિન્ડીકેટના એક માત્ર વિદ્યાર્થી પ્રતિનિધિ હોવાને કારણે આ અધ્યક્ષ પદની જવાબદારી તેણે વહન કરી. શાંત,સૌમ્ય અને વિચારાધીન સૈધ્ધાંતિક નેતૃત્વ. આંદોલનમાં, પ્રથમ તબક્કામાં, મોટા ભાગનો સમય, MISAના કેદી તરીકે, જેલમાં જ રહેવું પડ્યું. સતત સક્રિયતાને કારણે મનીષીની એક આગવી ઓળખ બની , મીડિયા દ્વારા અનેક પ્રકારની ચર્ચાઓમાં આજે પણ સક્રિય. લેખન તેનો શોખ. NGOનાં માધ્યમથી સમાજ સેવા ધ્યેય .. ISRO દ્વારા યુવાનો માટે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન. એક સફળ નેતૃત્વ જે ક્યારે ય રાજકીય ક્ષેત્રે પ્રવેશવા ઉત્સુક નહિ.

રાજકુમાર ગુપ્તા − નવનિર્માણ યુવક સમિતિના ઉપ-પ્રમુખ અને યુનિવર્સિટી સેનેટ સભ્ય. અત્યંત શાંત અને વિનમ્ર વ્યક્તિત્વ. આંદોલમાં અગ્રિમ હરોળના નેતૃત્વને કારણે કારાવાસ તો તેના નસીબમાં પણ હતો, પરંતુ અમારા બધામાં ઉમરમાં સહુથી મોટા. આંદોલનમાં એક કાર્યક્રમ વેળા અત્યંત ગંભીર રીતે ઘવાયેલા. ૧૯૭૫ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાતા ઉંમરને કારણે કાળુપુર વિધાનસભાની ચૂંટણી લડી કોંગ્રેસના ખમતીધર નેતા પ્રબોધભાઈ રાવળ સામે વિજયી થયા અને પરિણામે જનતા મોરચાની સરકારમાં સંસદીય સચિવ બન્યા. પાછળથી એક સફળ બિઝનેશમેન. કોંગ્રેસ પક્ષમાં મહત્ત્વના હોદ્દાઓ સાથે સક્રિય રાજનીતિમાં રત.

હું એટલે ઉમાકાંત માંકડ − નવનિર્માણ યુવક સમિતિનો મહામંત્રી અને વિદ્યાર્થી સંસદ ગુજરાત યુનિવર્સિટી તેમ જ સર એલ એ શાહ લો કોલેજનો મહામંત્રી. સ્વભાવે તીવ્ર ગરમ. શાંતિ પરિણામ ન આપે માત્ર આંખ ઉઘાડતા કાર્યક્રમો (સમાજ જેને તોફાન કહે છે) જ પરિણામ લક્ષી બને તેવું સ્પષ્ટ માનનાર. આવા વિચારોને કારણે બદનામી પણ વહોરવી પડી, પરંતુ આંદોલન પરિણામ લક્ષી બનાવી શકવા સક્રિય ભૂમિકા રહી. બીજું ઘણું ઘણું ..... પરંતુ કોંગ્રેસ વિચારધારા સાથે આજે પણ કોંગ્રેસમાં સક્રિય. સત્તાનાં રાજકારણથી દૂર રહી સંગઠનનાં કામમાં વધુ સંતોષ.

શૈલેષ શાહ − નવનિર્માણ યુવક સમિતિના બીજા મહામંત્રી, તથા યુનિવર્સિટી સેનેટ સભ્ય. અંતે મુંબઈ સ્થાઈ થઈ વેપાર.

પંકજ પટેલ − ફાર્મસી વિદ્યાશાખાના યુનિવર્સિટી સેનેટ સભ્ય. આંદોલનના પ્રથમ તબક્કા દરમિયાન તેમના નિવાસસ્થાનમાં ભૂગર્ભમાં રહ્યા. સ્વભાવે શાંત અને વાટાઘાટો જ પરિણામ આપી શકે તેવા વિચાર સાથે નેતૃત્વ. આજે ઝાયડસ કેડીલાના માલિક.

મૂકેશ પટેલ − મહાન વિચારશીલ વ્યક્તિ હોવાની છાપ ઊભી કરી શકવા સફળ. અાજે ઇન્કમટેક્સ સલાહકાર.

નિરુપમ નાણાવટી − પિતા જે સરકારમાં કાયદા મંત્રી તે સરકાર સામે આંદોલનનું નેતૃત્વ કરનાર અને સ્પષ્ટ વક્તા. રાજકીય પરિવારને કારણે રાજકીય જ્ઞાન જે આંદોલનને ગતિશીલતા માટે એક મહત્ત્વનું માધ્યમ બન્યું. આજે ગુજરાત હાઇકોર્ટના પ્રથમ હરોળના એડવોકેટ.

અશોક ઢબુવાલા − મેડીકલ ફેકલ્ટીના પ્રતિનિધિ તરીકે સેનેટ સભ્ય. આજે અમેરિકામાં પ્રથમ હરોળના ડોક્ટર તરીકે સ્થાયી બન્યા છે.

નરહરી અમીન − આંદોલનમાં સક્રિય ભૂમિકા, ખાસ કરીને બીજા તબક્કાના આંદોલનમાં.  પાછળથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા, ચીમનભાઈ પટેલની સરકારમાં. અનેક રાજકીય પક્ષો પછી, તાજેતરમાં ભા.જ.પા.માં જોડાયા.

જીતેન્દ્ર શાહ − આવેશમાં આવી આંદોલનમાં યુવાનોને સક્રિય રાખી અને વિવિધ વિસ્તારોમાં ફરી આંદોલનને મજબૂત બનાવવા સક્રિય પ્રયાસ કરનાર; અને MISAના કેદી તરીકે કારાવાસ ભોગવી ચુકેલ, આ યુવાન પાછળથી રાજ્યના રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનેલ.

અનેક નામો આગળ જણાવી ચુક્યો છું અને તબક્કાવાર તેમની સક્રિય ભૂમિકા સમયે તેમનો પરિચય અવશ્ય આપતો રહીશ. સોનલ દેસાઈ - ભારતી ગોહિલ અને ધર્મિષ્ઠા શાહનો બહેનોનાં નેતૃત્વમાં વિશેષ ફાળો હતો. આવા અનેક વિવિધ મિત્રોનો પરિચય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જનતા ને મળી ચુક્યો હતો.

ભાગ : 9

વિશ્વ ભરમાંથી મીડિયાના મિત્રો ગુજરાતમાં આવી ચુક્યા હતા. આગેવાનોની ધરપકડનો દોર ચાલુ હતો, અમે અવારનવાર પોલિસને થાપ આપી ભાગી છુટતા હતા. પોલિસ નવનિર્માણ આંદોલનના અગ્રણીઓને જેલના હવાલે કરવા માંગતી હતી. સરકાર સમજી શકતી ન હતી કે આ જનાક્રોશ છે. સવાર પહેલાં, મોડી રાત્રે છાપાં મળી જતાં. રાજ્યભરમાં જનતાનો આક્રોશ વધતો જતો હતો. ઠેક ઠેકાણે વિવિધ કાર્યક્રમો થતા રહેતા, અને ઠાઠડી બાળવામાં વિશ્વવિક્રમ તરફ રાજ્ય આગળ વધતું જતું હતું. લોકો પોતાને ઘેર નવાં જન્મતાં બાળકને ‘ચીમન’ નામ ન આપવા કટીબદ્ધ બનતા હતા. પોલિસ વિભાગમાં પણ આંદોલન તરફ વધતી જતી લાગણીથી સરકાર મૂંઝાતી હતી. પોતાના માનીતા અધિકારીઓને વારંવાર બદલી કરી, જવાબદારી અપાતી; પણ સરકાર !!!

રાજ્યના મહેસૂલ સચિવ કે જિલ્લાના કલેક્ટરોને માહિતી ન હોય, તેવા ઉણેલ ગામનાં ડાહીબે’ન ભીલનું નિવેદન આવતું કે ચીમન હવે તારા શાસનનાં ટાંટિયા ધ્રુજી રહ્યા છે, ભાગી જા ...... નવનિર્માણનાં કેટલાક અધ્યાપક મિત્રોએ જનતાને ભૂગર્ભમાંથી સંદેશો મળી રહે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા મળી રહે તે માટે “તણખો” નામે એક પત્રિકા રોજ પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું .... અને પોલિસ હવે વિદ્યાર્થીઓની ધરપકડમાંથી અધ્યાપકો અને આચાર્યોની ધરપકડ તરફ આગળ વધી ...... હસમુખભાઈ પટેલ, રતિલાલ દવે, નરહરિ પરીખ, બી.એમ. પીરઝાદા, કે.એસ. શાસ્ત્રી, ઉજમશી કાપડિયા, કનુભાઈ પટેલ જેવા શિક્ષણ જગતના મહારથીઓને જેલને હવાલે કરી દીધા ...... કદાચ એ અંતનો આરંભ હતો. જી.વાય. પટેલ કે અરુણ મહેતા જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓની પણ ધરપકડ કરી ..... ! પંકજ સિંગતેલ કે ધરતી બ્રાંડ સિંગતેલના સંગ્રહખોરોને પકડવાને બદલે કે પછી સૌરાષ્ટ્રના ઓઈલ મિલરો સામે દંડો ઉગામવાને બદલે મા સરસ્વતીના ધામ ઉપર નજર કરનાર સરકાર, હવે, અધ:પતન તરફ જઈ રહી હતી. ...

રાજકોટનું પંચનાથ મંદિર હોય કે અંબાજીનું મા અંબાનું મંદિર કે ડાકોરનું રણછોડરાયજીનું મંદિર − અાવાં મંદિરોમાં સતત ૨૪ કલાક સુધી ઘંટનાદ જેવા કાર્યક્રમો થતા રહ્યા. પોલિસ સાથે સામાજિક બહિષ્કાર થતા રહ્યા. જેલને ઘેરાવા અને રાજ્યનાં મંત્રીઓને પ્રવાસ પ્રતિબંધિત જેવા કાર્યક્રમો ક્યારેક હિંસક બનતા રહ્યા. એક શહાદત, અન્ય બે શહાદતને સ્થાન આપે તેવા તોફાનો થતા રહ્યા. સ્થાનિક બસો બંધ થતી ગઈ. શાકભાજી અને દૂધની અછત જનતા ભોગવવા ટેવાઈ ગઈ.

અને પોતાની ખીચડી પકવવા થનગનતા રાજકીય પક્ષો પૈકી જનસંઘ દ્વારા ૨૪ જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન અપાયું. પણ ગુજરાતની નવનિર્માણ ઘેલી જનતાએ આવા રાજકીય આંદોલનને જાકારો આપ્યો. રોજિંદી પરિસ્થિતિ કરતાં પોલિસને રાહત આપતી પરિસ્થિતિ સર્જાઈ. પણ સરકારને એમાં જનતાનો વિજય ન દેખાયો ..... રાજકીય પક્ષો પણ સમજી ગયા કે આ આંદોલન તેના ધ્યેય તરફ સફળતાથી આગળ વધી રહ્યું છે, અને તેથી જ ગુજરાતનાં આંદોલનનાં ઇતિહાસમાં બનતા કોમવાદી દંગાથી આ આંદોલનને કલંકિત કરવાની હિંમત કોઈની હતી નહિ.

રાષ્ટ્રના પ્રજાસતાક દિવસે, ઠેર ઠેર, લોકોએ ૨૪ કલાકના ઉપવાસ કરી મહાત્મા ગાંધી અને શહીદોને શ્રધ્ધાંજલિ આપી. હું ભૂગર્ભમાં હોવા છતાં નારણપુરાની એક શાળામાં ધ્વજવંદન કરવા ગયો. ભાગવાનું હતું જ, પણ ધ્વજવંદન કરી શક્યો તેનો અનેરો આનંદ હતો. .... જેલવાસીઓએ જેલમાં ઉપવાસ રાખ્યા અને તિરંગો પણ લહેરાવ્યો. રાજ્યનાં મંત્રીઓ પોતાના વિસ્તારમાં ધ્વજવંદન કરવા સક્ષમ રહ્યા ન હતા.

બસ, એક જ નારો ‘નવનિર્માણ ઝીંદાબાદ’નો ચાલતો હતો. અમે પ્રજાસત્તાક દિને જ નિર્ણય લીધો, અને પરિણામે ...૨૮ જાન્યુઆરીએ ‘ગુજરાત બંધ’ −

પોલિસ તંત્ર એક બંધની નિષ્ફળતા પછી, અમારા આ બંધનાં એલાનથી ગભરાઈ ચુક્યું હતું. પરિણામે રાજ્યના ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલિસે રાજ્યના ૮૨ ગામોમાં ૨૭ તારીખની રાત્રીના ૧૨થી ૨૮ તારીખ રાત્રીના ૧૨ સુધીનો ૨૪ કલાકનો કરફ્યું નાખી દીધો. … જનતાની લાગણીને વાચા આપી પોલિસે જ ગુજરાત બંધને સફળ બનાવ્યું.

આ તો એ પ્રજા કે જેણે રાષ્ટ્રની આઝાદીનું આંદોલન કર્યું હતુ.ં જેણે ગુજરાત રાજ્યની રચના માટે મહાગુજરાતનું આંદોલન કર્યું હતું. તેને આવા કરફ્યુની શું અસર હોય ?

ઠેક ઠેકાણે પથ્થરબાજી, આગ લગાવવી, રસ્તા બંધ - રેલવે બંધ .... પ્રજા હવે તેની તમામ શક્તિથી આંદોલનને પરિણામ લક્ષી અંતિમ તબક્કામાં લઈ જવા ઉત્સુક બની હતી. ગુજરાત બંધ હિંસક બન્યું ... પણ મજબૂર હતી જનતા, કારણ હથિયારવિહીન જનતા ઉપર પોલિસ ગોળીબાર અને નામી-અનામીની શહાદત અસહ્ય બનતી જતી હતી .........

ભાગ : 10

અમદાવાદ સેનાને હવાલે ......


ગુજરાત બંધના બીજા દિવસે જનતાનો આક્રોસ ભભૂકી ઊઠતા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આકાશવાણી, અમદાવાદ દ્વારા એક પ્રવચન સંદેશા રૂપ પ્રસારિત કર્યું. મને હજી યાદ છે ..........

‘મેં અને મારા મંત્રીમંડળે આજે લીધેલ નિર્ણય મુજબ રાજ્યના કોઈ પણ નાગરિકને આથી જણાવવામાં આવે છે કે આવતીકાલ સવારથી અમદાવાદ સેનાને હવાલે કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ પોતાના ઘરની બારીમાંથી પણ બહાર ડોકિયું કરવાનો પ્રયાસ કરશે તો સેના ગોળીબાર કરતા અચકાશે નહિ.’ ..... આમ, રાજ્ય સરકારે સૂટ એટ સાઈટના આદેશો સાથે જનતાને ડરાવવાનો પ્રયાસ કર્યો .....

કર્નલ આનદ(મેનકા ગાંધીના પિતાશ્રી)ની આગેવાનીમાં, સેના સવારે ૯-૦૦ વાગે અમદાવાદનો કબજો લેવાની હતી.

અમે વિચાર્યું :

ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી સેના અમદાવાદમાં પ્રથમ વખત આવી રહી હતી અને તેથી તેનો ભવ્ય સત્કાર કરવો. વિવિધ બેનરો રાતો રાત હાથે લખીને બનાવવાનું નક્કી કર્યું. વિવિધ વિસ્તારોમાં ફૂલહાર દ્વારા સેના ને સત્કારવી. એક વાત સેનાને જણાવવી અમને અનિવાર્ય લાગી કે જે અમદાવાદનો કબજો લેવા આવી રહ્યા છે ત્યાં ફેલાયેલ અશાંતિ ‘કોમી રમખાણ નથી - રોટી રમખાણ છે’. અને અમે અમારા કેટલાક મિત્રોને ભેગા કર્યા, અને ઇંગ્લિશ-પંજાબી-ઉર્દૂ-મરાઠી અને સિંધી ભાષામાં આવાં લખાણ લખી, દરેકનો એક કાગળ, એવી રીતે એક થોકડી બનાવી, અને સેનાની દરેક ટ્રકમાં આ પહોંચે તેની વ્યવસ્થા કરી.

જનતાએ સેના દિવસ મનાવી, પૂરી, શાક અને બુંદીનાં રસોડાં રાયપુરમાં શરૂ કર્યાં.

અમદાવાદમાં રાષ્ટ્રીય ભાવના એવી જાગૃત થઈ કે સેના પણ વિચારમાં પડી ગઈ કે આ શું ? ઠેર ઠેર તિરંગા લહેરાયા. બેનરો અભિવાદન કરતા હતા. ફૂલહારોથી સ્વાગત થતાં હતાં અને તેમને માહિતી મળી કે ખોટી માહિતી આપી સેનાને બોલાવવામાં આવી છે. આ કોમી રમખાણ નથી. સેનાના જવાનો મુસ્લિમભાઈઓને પૂછતા હતા, હિંદુ બહેનોને પૂછતા હતા અને સંતોષ મેળવતા હતા કે આ તો રોટી રમખાણ છે ! અને અામ સેના પહોંચી રાયપુર, કામનાથ મહાદેવના મંદિર પાસે, અને અચાનક, જવાનો વગર હથિયારે ટ્રકોમાંથી ઊતરી પડ્યા અને જનતાને મળવા લાગ્યા. સત્કાર સ્વીકારતા રહ્યા અને ગુજરાતી ભોજનની લિજ્જત માણતા રહ્યા.

હવે સરકાર બેબસ હતી.

સરકારની ધમકી કોઈએ સાંભળી નહિ.

કરફ્યુની હાલત મેળાનાં વાતાવરણ જેવી થઈ હતી.

ઘણા દિવસે શહાદતના કોઈ સમાચાર ન હતા. શહાદતનું કફન પહેરી, જીવતા જવાનો આજે સરહદને સ્થાને અમદાવાદ શહેરમાં હતા.

સરકાર અાથી હવે છછેડાઈ હતી.

ભૂગર્ભમાં રહેતા અમારા જેવાને પકડવા અનેક ઠેકાણે દરોડા પડયા .....નિષ્ફળ.

હા, હું મણિનગરમાં જ્યાં રહેતો હતો, તેની માહિતી કદાચ પોલિસ પાસે આવી ગઈ હતી.

સાંજે ૬-૩૦નો સમય હતો. અને મારા એક મિત્રએ આવીને મને કહ્યું, ઉમાકાંતભાઈ કોઈ બે મિત્રો કાળી એમ્બેસેડર લઈને આપને મળવા આવેલ છે. તેમને આવવા દઉં ? મેં તેમને એક બીજા રૂમમાં બેસાડવા કહ્યું અને કહ્યું કે તેમને કહો કે ઉમાકાંતભાઈ બહાર ગયા છે હમણાં આવશે. તેમને બેસાડી ને એમ્બેસેડરનો નંબર લખી આવ.

મારા મિત્રો બીજા રૂમમાં બેઠા અને મેં તેમને જોઈ લીધા. તેઓ મારા મિત્રો જ હતા, તેથી હું તરત તેમને મળવા તેમના રૂમમાં ગયો. અમે મળ્યા પણ તે દરમ્યાન એમ્બેસેડરનો નંબર જાણવા મળતા હું ચોંકી ઊઠ્યો. તે એમ્બેસેડર પોલિસ વિભાગના સ્પેિશયલ બ્રાંચની હતી. અને મેં તરત વિચારી લીધું ......

મારા આવેલ મિત્રોને ગમેતેમ કરી, ૭-૩૦ સુધી બેસાડવા. કારણ ૮-૦૦ વાગે કરફ્યુ શરૂ થતો હતો. સાચી ખોટી બધી વાતો કરી ૭-૩૦ વગાડ્યા. અને તેઓ જતાં જ હું ઘરની બહાર નીકળી, બાજુની સોસાયટીમાં એક બંગલામાં ગયો. બેલ વગાડી. એક ભાઈએ ઘર ખોલ્યું. મેં મારી ઓળખ આપી, તેમણે તરત મને ઘરમાં બોલાવી બારણું બંધ કર્યું. તેમણે તેમનો પરિચય આપ્યો − પ્રફુલભાઈ શાહ. તેમનાં પત્ની આરતીબહેન અને દીકરી ગીરાનાં પરિચય પછી એઓ મને શું મદદ કરી શકે તેમ પૂછતાં મેં હકીકત જણાવી. અને તેમણે મને તેમનો આખો રૂમ પહેલે માળનો આપી દીધો. ટેલિફોનની સુવિધા. અમે લગભગ સવારના ૪-૦૦ સુધી વાતો કરતા રહ્યા. મને સિગરેટની આદત અને તેમણે મને તેમના ઘરમાં સિગરેટ પીવા દીધી. અરે, બીજે દિવસે સિગારેટોના પેકેટ આવી ગયા !

સામાન્યત: અજાણી વ્યક્તિને ઘરમાં આશરો આપવો ઘણો અઘરો છે, અને તેમાં ય યુવાન દીકરી હોય. પણ તેમના સુંદર આતિથ્યને આજે પણ વિસરી શકાય નહિ. હા, હું જ્યાં રહેતો હતો તે મિત્રને ઘેર પોલિસ રાત્રે ૧૦-૦૦ વાગે દરોડો પાડી ચૂકી હતી !

શું સમજવું ? શું પરોક્ષ રીતે પોલિસે મને જાણ કરવા મારા મિત્રોને પોલિસ કારમાં મોકલ્યા હતા ? તે સમયે કાળી એમ્બેસેડર પોલિસ જ વાપરતી હતી. …

ભાગ : 11

હવે દિલ્હીનું રાજકારણ સક્રિય બને છે ....

પ્રફુલભાઈ ને ઘેર તમામ સવલતો હતી, પરંતુ અમારી ભાગદોડની પ્રવૃત્તિ કદાચ તેમને હાનિકર્તા બને તો ? જો અમે તેમને ઘેરથી પકડાઈએ તો ? અમે તેમને વાત કરી, પણ તેમનો જવાબ હતો, ઉમાકાંતભાઈ, તમારા આ આંદોલનમાં યુવાનો શહાદત વહોરતા અચકાતા નથી. સામી છાતીએ ગોળી ખાય છે. તો અમે તો કશું જ નથી કરતાં. આ ઘર જ તમારું છે મને અને મારા પરિવારને ગૌરવ છે કે અમે પરોક્ષ રીતે નવનિર્માણ માટે કશુંક તો કરી શક્યા ?

આજે પણ આ વાત ભુલાતી નથી. આ હતું ગુજરાતની ખમીરવંતી પ્રજાનું ઝનૂન.

આંદોલન હવે રાજકીય રીતે પણ સક્રિયતા હાંસલ કરી રહ્યું હતું. દિલ્હીનું રાજકારણ પણ હવે સક્રિય હતું. મુખ્યમંત્રી બે દિવસમાં ત્રણ વખત દિલ્હી જઈ ને આવ્યા. કોઈક વખત વધારાના ઘઉંનો જથ્થો તો કોઈક વખત પામોલીન તેલનો જથ્થો લઈને આવ્યાની જાહેરાત કરે, તો કોઈક વખત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રાખવા સી.આર.પી.એફ.ની સહાયની જાહેરાત કરે !

સરકારો માત્ર ઠાલ વચનો આપી શકે, પણ પરામર્શથી સમસ્યાઓનું નિવારણ ન કરી શકે તે પહેલી વખત સમજાયું.

અને રાત્રે અંધારપટ …

સમગ્ર ગુજરાત ફેબ્રુઆરી મહિનાનાં આરંભે જ રાત્રે ૮ થી ૯ અંધકારમય થઈ જાય છે. અંધારપટ તો એવો કે જાણે યુદ્ધની યાદ આવી જાય. અલબત્ત, આ પણ એક સંઘર્ષ તો હતો જ.

અંધકારનાં વાતાવરણે એક નવો કાર્યક્રમ આપ્યો −

નવનિર્માણ આંદોલન દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ અને જનતાના આક્રોશને સમજી સરકારનું પતન ઇચ્છનાર સહુ કોઈએ દિવસે પોતાના સ્કુટર કે ગાડીઓની હેડલાઈટ ચાલુ રાખવાની.

અને જનતાએ આ કાર્યક્રમને પણ ઉત્સાહથી વધાવી લીધો. ગુજરાતે એક નવો જ નજારો જોયો ......

અરે, સરકારી વાહનો કે બસોના ડ્રાઈવરો પણ લાઈટો ચાલુ રાખતા, અને માત્ર પોલિસની ગાડીની લાઈટો બંધ !પણ પરિણામ એ આવ્યું કે પોલિસ વાહનો ઉપર ઠેક ઠેકાણે પથ્થરમારો થતાં, છેવટે પોલિસે પણ લાઈટો ચાલુ રાખવાનું સ્વીકારી લીધું ! બહુ સ્પષ્ટ હતું, હવે સરકાર હારી રહી છે .....

આંદોલનની તીવ્રતા અને જનશક્તિની પ્રચંડ શક્તિ જોઈ, રાષ્ટ્ર જ નહિ આંતરરાષ્ટ્રીય રીતે પણ તેના પડઘા પડતા. મુંબઈનાં વિદ્યાર્થી હોય કે કલકત્તાનાં, ન્યુજર્સી કે સિડની, વિદ્યાર્થીઓએ પ્રતિકારાત્મક કાર્યક્રમો આપ્યા. હવે અમે જેલમાં કે ભૂગર્ભમાં પણ એક અલૌકિક શક્તિ મેળવતા થયા.

અમને ખ્યાલ આવી ગયો તો કે હવે ગુજરાતની શહાદતનો વિજય નિશ્ચિત છે, પણ સરકાર !!!

અને અમે એક કાર્યક્રમ આપ્યો : મૃત્યુઘંટ ......

સરકાર હવે નહીં જ ......

હવે કોઈ વાત નહિ ......

સત્તાની ગલિયારીનું મૃત્યુ જ  અમારો નિર્ધાર.

આખો દિવસ સાઈકલ-સ્કુટર કે ગાડી હોર્ન વગાડો કે થાળી પીટો અને જનતાને જણાવો કે આવતી કાલ રાત ૮-૦૦ વાગે જાહેર રસ્તા ઉપર - મકાનોના ધાબા ઉપર, જ્યાં હો ત્યાં સરકારનાં પતનનો મૃત્યુઘંટ વગાડો .......

અને કદાચ, આવો સફળ કાર્યક્રમ કોઇએ ક્યારે ય વિચાર્યો નહીં હોય .... !

પાંચ વર્ષનાં બાળક થી લઈ ૮૫ વર્ષનાં વૃદ્ધ, સહુ કોઈએ, મૃત્યુ ઘંટ વગાડ્યો ...... !

અંતે, સરકારનો મૃત્યુઘંટ વાગી ચુક્યો હતો ......

ભારતસરકારના કાયદા પ્રધાન એચ. આર. ગોખલે ગુજરાતમાં વિદ્યાર્થીઓ સાથે વાટાઘાટ કરવા ભારતસરકારના પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા, અને તેઓ ૭ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવશે, તેવી જાહેરાત દિલ્હીથી થઈ.

ભાગ : 12

રાજકીય ધમધમાટ ......

ભારત સરકારના કાયદામંત્રી એચ. આર. ગોખલેની જાહેરાતથી જ અમારી જવાબદારી વધી જતી હતી. હું અને શૈલેશ બે જ ભૂગર્ભમાં, બાકી તમામ જેલમાં. ગોખલે આવશે તો શું પહેલાંના ઇતિહાસનું પુનરાવર્તન થશે ? શું જેમને આંદોલન સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી, તેમની સાથે વાતો કરશે ? શું ખરેખર સરકાર પરિણામ ઇચ્છે છે? શું સરકાર ‘શહાદત’ના વધતા જતા આંકને અટકાવવા કૃતનિશ્ચયી છે ? શું સરકાર હવે ગુજરાતમાં શાંતિ ઇચ્છે છે? શું વિદ્યાર્થીઓની માંગણી સરકાર સમજી શકી છે ? 
આવા અનેક સવાલો મનમાં ઊભા થાય ..... પણ બહાર નીકળીએ તો ધરપકડ નિશ્ચિત હતી. ડર ધરપકડનો ન હતો, ડર હતો તો આંદોલનનો. પણ જે થાય તે; પડશે તેવા દેવાશે સમજી, એક મક્કમ નિર્ધાર કર્યો કે ગાંધીનગરના હાલ હવાલ તો જાણવા જ જોઇએ અને હું અને મજીદ નીકળી પડ્યા. અમારો એક સહારો હતો નિરુપમ નાણાવટી. તેના પિતાશ્રી તે સમયની રાજ્ય સરકારના કાયદા પ્રધાન હતા, અને ખૂબ સિનિયર કોંગ્રેસમેન. હિંમત કરી અમે ગાંધીનગર મંત્રીમંડળના નિવાસસ્થાનમાં બંગલા નંબર 6માં પહોચ્યા. તે સમયે આજના જેવી કોઈ સિક્યુરિટી નહિ, એટલે સરળતા રહી. પણ હજુ તો અમારો પ્રવેશ થાય છે, ત્યાં જ મુરબ્બી દિવ્યકાંતભાઈ એ બૂમ પાડી : ‘ગેટ આઉટ' ! તમારી હિંમત કેમ ચાલી અહીં આવવાની ? પોલિસને જાણ કરવાના આદેશ તેમના પી. એ.ને તેમણે આપ્યો.

અમે કોઈને ઓળખીએ નહિ અને અમે કંઈ સમજી શક્યા પણ નહિ. ત્યાં જ એક ભાઈએ અમને સૂચના આપી, સામેના બંગલામાં જતા રહો. હું આવું છું. તે અને નિરુપમ ત્યાં આવી પહોંચ્યા. અને અમને આદેશ આપનાર તે ભાઈએ અમને પરિચય આપ્યો : ‘હું નવીનચંદ્ર રવાણી’. તેઓ મંત્રીમંડળના સભ્ય હતા. તેમણે અમને તેમની ગાડીમાં બેસી જવા કહ્યું અને નિરુપમે તે ગાડી ચલાવી લીધી. અમને ગાડીમાં બધી હકીકત જણાવી. અમે કલોલ તરફ જઈ રહ્યા હતા. અમને ચીમનભાઈના ખાસ અને તે સમયના પૂરવઠા મંત્રી નરેન્દ્રસિંહ ઝાલાનો પુત્ર દેવદત્ત જોઈ ગયો હતો, એટલે અમે અર્ધે રસ્તે ગાડી બદલી લીધી.

અમને જાણવા મળ્યું કે મુરબ્બી દિવ્યકાન્તભાઈ સાથે, અમે જ્યારે તેમના ઘરમાં પ્રવેશ્યા ત્યારે, ઓલ ઇન્ડિયા સી.બ.ીઆઈ.ના મુખ્ય ડાયરેક્ટર શ્રીનિવાસન્ તેમની સાથે બેઠા હતા. અને દિવ્યકાંતભાઈના પી.એ.ને આદેશ ન માનવા અને પોલિસને ન બોલાવવાની ઇશારાથી સૂચના નિરુપમે આપી જ દીધી હતી. અમે કલોલ પહોંચ્યા અને મુરબ્બી નવીનભાઈ રવાણીનો આભાર માની, તેમને વિદાય આપી છૂટા પડ્યા. અને અમે ફરી ફરીને અમદાવાદ આવવા રવાના થયા  !

સાંજે સમાચાર મળ્યા કે રાજ્યના આરોગ્ય પ્રધાન ઠાકોરભાઈ પટેલ ઇન્દિરા ગાંધીને મળવા અને સરાકારમાંથી રાજીનામું આપવાની મંજૂરી માંગવા દિલ્હી ગયા છે. પરંતુ બીજે જ દિવસે એ પાછા આવ્યા. હવે તે 6 તારીખ હતી અને સાંજ પડતાં પડતાં તો રાજકારણે વંટોળ સર્જ્યો. રાજ્યના નાણાં મંત્રી અમૂલ દેસાઈ, દિવ્યકાંત નાણાવટી, અમરસિંહ ચૌધરી, નવીનચંદ્ર રવાણીએ મંત્રી મંડળમાંથી રાજીનામાં આપી દીધા. સરકારે તાકીદની કેબીનેટ મિટીંગ બોલાવી, અને ત્યાં જ વધુ એક રાજીનામું રાજ્યના શિક્ષણ પ્રધાન મગનભાઈ બારોટનું આવ્યું. હવે, સરકાર અંતિમ સ્વાસ શ્વાસ લઈ રહી હતી.

સાતમી તારીખે, અમદાવાદના તે સમયના રાજભવનની સામે આવેલ સરકીટ હાઉસ ધમધમતું હતું. હવે અમને સફળતાનો અહેસાસ થતો હતો. એટલે લૂપા છૂપી કરતા કરતા પણ અમે હવે રખડતા હતા !

સવારથી જ પ્રકાશ ઠક્કર (ગુજરાત હાઈકોર્ટના અાજના પ્રથમ હરોળના એડવોકેટ), ગૌરાંગ કસ્ટીઅા અને તેની બહેન તેમ જ અમી બલ્લુભાઈ દેસાઈ (રાજ્યના નાણાં મંત્રીશ્રીની ભત્રીજી) અને મેડિકલ વિદ્યાશાખાનાં વિદ્યાર્થીઓ રાજભવનના દરવાજે ઉપવાસ ઉપર ઉતર્યાં હતાં. સામે સરકીટ હાઉસમાં રાજીનામાં આપી ચૂકેલ મંત્રીશ્રીઓ.

અને નિરુપમ નાણાવટીએ પિતાનું ઘર છોડી, આંદોલનમાં જોડાયાની જાહેરાત કરી .......

રાજકીય ક્ષેત્રે ધમધમાટ હતો પણ હવે કાલે શું ? ગોખલે શું કરશે ?........ જેલમાં બંધ નેતાઓનું શું ? અનેક પ્રશ્નો સાથે 8મીની સવારની રાહ જોવી જ પડે.

ભાગ : 13

અંતનો આરંભ .....8 મીની સવાર પડે છે.
 સરકારી તંત્ર જાગૃત છે.
કાયદા પ્રધાન ગોખલે બપોરે 12-00 વાગે આવી પહોંચે છે.
પોલિસ કમિશ્નરશ્રીને સૂચના અપાય છે કે ભૂગર્ભમાં રહેલ વિદ્યાર્થી આગેવાનોને રાજભવન આવવા જણાવો. અમદાવાદમાં ઠેર ઠેર પોલિસ વાહનો દ્વારા નિમંત્રણ અપાય છે, અને જનતા જાગૃત બને છે. અમે કોઈ પ્રતિભાવ આપતા નથી, પરંતુ ભાઈ નિરુપમ પાસેથી માહિતી મેળવી ગોખલેના એક જમાનાના જુનિયર એડવોકેટ અને રાજ્યના રાજીનામું આપી ચૂકેલ શિક્ષણ મંત્રી મગનભાઈ બારોટ અમારો સંપર્ક સાધવા સફળ થાય છે, અને રાજભવન આવી જવા જણાવે છે. અમે અમારી શરતો મૂકી :
અમે જણાવીએ તે 29 સ્થળો ઉપર રાજ્ય સરકાર તેની ગાડીઓ મૂકે, અને અમને ગાડીના નંબરો જણાવે. પોલિસ સતત જાહેરાતો કરી અમને રાજભવનનું નિમંત્રણ આપે. અમારા ઉપરના વોરંટ રદ્દ થયાની જાહેરાતો કરે, પછી જ અમે 29 પૈકી કોઈ પણ ગાડીમાં રાજભવન પહોંચશું.

સરકાર શરતો સ્વીકારે છે. એક જ કલાકમાં ગાડીઓ મુકાવવાનું શરૂ થાય છે. પોલિસ જાહેરાત અને વોરંટ રદ્દ થયાની જાહેરાતો પણ થતી રહે છે અને જાણે કે સમગ્ર અમદાવાદ રાજભવન તરફ ચાલવા માંડે છે. રાજભવન પાસે બપોર સુધીમાં તો લાખો માણસો ભેગા થાય છે/ શાહીબાગ અંડરબ્રીજ કે ડફનાળા તરફથી આવતા રસ્તાઓ ઉપર માનવ મહેરામણ ઉભરાય પડે છે. અમે 29 ગાડીઓને તેના સ્થાને ઊભા રહેવા દઈ, નદીની કોતરોમાં થઈ રાજભવનમાં પ્રવેશી જઈએ છીએ : હું - શૈલેશ અને હવે નિરુપમ. અમારી મુલાકાત થાય છે ગોખલે સાથે. ગોખલેની વકીલાતના વ્યવસાયમાં સાથી રહેલા મુરબ્બી આઈ.એમ. નાણાવટી અને મગનભાઈ બારોટ અમારી સાંકળ બને છે.

અમારી પહેલી વાત : જેલમાં બંધ અમારા સાથીઓ છે તેમને હાજર કરો પછી જ વાત … અને ગોખલે તે વાત સ્વીકારી જરૂરી આદેશો આપે છે. હવે નક્કી થાય છે કે લગભગ  રાત્રે 9-30 સુધીમાં વાટાઘાટો શરૂ થશે. અમે પ્રતીક્ષા કરી રહેલ જનતાને માહિતી આપવા રાજભવનના મુખ્ય દરવાજા પાસે આવી જાહેરાત કરીએ છીએ અને જનતા તેને હર્ષોલ્લાસથી વધાવી લે છે. ..... પરંતુ ત્યાં જ એક પોલિસ અધિકારી કે.બી. પટેલ મારી અને શૈલેશની ધરપકડ કરે છે અને પોલિસવાનમાં ધકેલી દે છે !  અને તરત પોલિસવાન ઉપર અભૂતપૂર્વ પથ્થરમારો થાય છે. તેના ચારેય વ્હીલની હવા કાઢી નાખે છે. અને તે જ સમયે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન (જેને અમે પાછળથી ઓળખાતા થયા) ઝીણાભાઈ દરજી પોલિસ વાનની નીચે સૂઈ જાય છે. રતુભાઈ અદાણી અને અમુલ દેસાઈ અા બાબતે ગોખલેને માહિતગાર કરે છે, અને વળી ભયંકર પરિણામોની આગાહી કરે છે.

કાયદા પ્રધાન ગોખલે પોલિસ કમિશ્નરશ્રીને સ્થળ ઉપર આવી જવા જણાવે છે અને પોતે પણ ત્યાં આવી પહોંચે છે. અમને છોડી મુકવામાં આવે છે, પરંતુ તે દરમ્યાન ભાઈ શૈલેશ ને પોલીસના ધક્કાથી પોલિસવાનનો એક ભાગ માથામાં વાગતા લોહીની ઊલટી થાય છે અને તે લગભગ બેભાન હાલતમાં આવી જાય છે. તેને ઊંચકીને રાજભવનમાં અંદર લઈ જઈએ છીએ, જ્યાં તેને તાત્કાલિક ઓક્સિજન આપી સારવાર શરૂ કરાય છે.

આ બધી ઘટનાઓ કેન્દ્રીય નિરીક્ષક ની હાજરીમાં જ બનતા તે ખૂબ નારાજ છે. આટલું ઓછું હોય તેમ તે સમયે પોલિસ વડા પંતની કોઈ ગર્ભિત ધમકીથી અકળાઈ જઈ નિરુપમ તેનો કાંઠલો પકડી ઊંચો કરી નાખે છે. વાતાવરણમાં ચારે બાજુ ઉશ્કેરાટ છે. રાજભવનની બહાર નારાઓથી વાતાવરણમાં સતત ગરમી ફેલાયેલી રહે છે; તો રાજભવનમાં સરકારની અવળચંડાઈને કારણે વાતાવરણ ગરમ છે.

અને જેલમાંના બંધ નેતાઓનું અમદાવાદમાં આગમન શરૂ થાય છે.

ધીરે ધીરે બધા જ નેતાઓ આવી જાય છે. અમારે જરૂર હતી મનીષી હસમુખ પટેલ - જીવાય પટેલ - કે.એસ. શાસ્ત્રીની જેને આવવામાં હજુ બે કલાક જેટલો સમય લાગે તેમ હતો. જે મિત્રો આવતા ગયા, તેની ચા પાણીની વ્યવસ્થા કરતાં કરતાં તેમની કહાણી સાંભળતા અને શું ચર્ચા કરવી તેની વાતો કરતાં કરતાં સમય વ્યતીત કરતા હતા. વાત એક જ હતી : સરાકારનું પતન અને વિદ્યાર્થીઓ ની માંગણીની સ્વીકૃતિ.

અને મનીષીને લઈ કચ્છ કલેકટર આવી પહોંચે છે. હવે બધા આવી ગયા છે. અમે એક રૂમમાં બેસી ચર્ચા કરીએ છીએ. ગોખલે સાથે ચર્ચાના મુદ્દા નક્કી કરીએ છીએ.

સરાકારને આગામી 48 કલાકમાં રાજીનામું આપવા ફરજ પાડવી. શહીદોનાં પરિવારને વળતર અને કાયમી પેન્શન. વિદ્યાર્થીઓની માંગણીની સ્વીકૃતિ. ... MISAના કાયદાનો દુરુપયોગ બંધ કરવો.

અમે ચર્ચા માટેની અમારી તૈયારીની કાયદા પ્રધાન ગોખલેને જાણ કરી.

અમને નિમત્રણ મળ્યું. અમે તે રૂમમાં ગયા ........

અને, એક પ્લગ એક જગ્યાએ ભેરવેલો અને સ્વીચ ચાલુ હતી ! તે પ્લગ ખેંચી વાયર ખેચતો ખેચતો હું ગયો તો બાજુ ની રૂમમાં એક ‘ગૃન્ડીગ’ કંપનીનું ટેપ રેકોર્ડ તેની સાથે જોડાયેલ હતું. અને આ વાતે જ વિસ્ફોટ થયો. અમે ચર્ચાનો ઇન્કાર કરી ઊભા થઈ ગયા. સરકાર મજબૂર હતી. ભૂલ તેમની હતી .... તેમણે આ કૃત્ય બદલ માફી માંગી. અમે પણ બહુ ખેંચવા તૈયાર ન હતા ... કારણ અમારાથી શહાદતની ઘટનાઓ સહન થતી ન હતી. અંતે બધી ચકાસણીને અંતે અમે ફરી ચર્ચામાં જોડાયા.

બધી જ વાત કરી, ગોખલેએ અમને ત્રણ કલાક સાંભળ્યા. .... હવે રાત્રીના 12.30 થયા. ગોખલેએ જણાવ્યું કે હું આ બધી જ વાતનો અહેવાલ કાલે દિલ્હીમાં આપીશ અને તમારી વાતો સમજાવીશ. અને તમે આગામી બે દિવસ શાંતિ રાખજો અને તમારી કોઈ ધરપકડો અમારા અંતિમ નિર્ણય પહેલાં નહિ થાય. ...... અમે છુટ્ટા પડ્યા.

ગોખલેએ મને બોલાવ્યો અને કહ્યું, સવારે પાંચ વાગે હું જવાનો છું મને એરપોર્ટ ઉપર મળજો. ... હું રાહ જોઇશ. આ વાત કોઈને જણાવતા નહિ  

અમે બધા સરકીટ હાઉસ આવ્યા અને જ્યાં થોડો નાસ્તો કરી સવારે મળવાનું નક્કી કરી છુટ્ટા પડ્યા.

હું સવારે ભરત ગઢવી(જે પાછ થી ધારાસભ્ય બનેલા)ને લઈ એરપોર્ટ ગયો.

અને મને ગોખલેએ જણાવ્યું : આજે બપોરે આઇ.એમ. નાણાવટીને ઘેર લગભગ 2-00 વાગે હું સંદેશો આપીશ.  વિજય સરઘસની તૈયારી કરી રાખજો .....

હવે તો 9-2-1974ના બપોરના 2-00 ક્યારે વાગે તેનો જ ઈન્તેજાર ...............

ભાગ  : 14

અંતે સરકારનું પતન ....

રાત્રીના 3-00 સુધી “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” પાસે આવેલ ચાની કીટલી ઉપર બેસી, વાતો કરીએ છીએ. ઘણા દિવસે કંઈક સમય મળ્યો છે તેમ લાગે છે. જવાબદારી ખૂબ મોટી લીધી છે, પણ હવે તે જવાબદારી જીવનનો એક કર્મ બની રહેશે તેવું દેખાય છે. હજુ કાલ સવારે તો ‘નવનિર્માણ આંદોલન’ની ઘોષણા માટે બનેલી સમિતિને 30 દિવસ થશે, પણ સમય ખૂબ ઝડપથી નીકળી રહ્યો છે.

અને સવાર પડે છે, આજે 9 ફેબ્રુઆરી 1974 .....

હું મારા મિત્રો જયંતીભાઈ પટેલ (ચિરાગ મોટર્સ), કે.સી. પટેલ અને હર્ષદ પટેલ (અતિથિ ડાયનીંગ) જે બંને મિત્રો હવે ધરતી ઉપર નથી, તેમને પાલડી ચાર રસ્તા ઉપર આવેલ ઊડિપી કાફેની બાજુમાં ભાઈ કાંતિનાં ગેરેજ ઉપર, બપોરે 12-00 વાગે બોલાવું છું. બહેન સોનલ, ભાઈ રોહિત વગેરે પણ ત્યાં જ આવે છે. હર્ષદને ગાડીમાં પેટ્રોલ ભરાવી રાખવા જણાવું છું. ... અને હું આઇ.એમ. નાણાવટીને બંગલે બપોરે 1-45 વાગે પહોંચું છું. નાણાવટી સાહેબ જણાવે છે કે ગોખલેનો ફોન હમણાં જ હતો, અને તમે આવો એટલે ફોન કરવા જણાવેલું છે. ... નાણાવટી સાહેબ ફોન જોડી મને આપે છે. .... અને ગોખલે જણાવે છે, 'અમે ચીમનભાઈ પટેલને રાજીનામું આપવા જણાવી દીધેલું છે; અને તેઓ 4-00 વાગે રાજભવન રાજીનામું આપવા જશે.’ અને અમને અમારી પ્રથમ સફળતાનાં દર્શન થાય છે.

પાલડીથી જ પાંચ રિક્સાઓને માઈક બાંધી, સમગ્ર અમદાવાદને જાણ  કરવા રવાના કરીએ છીએ.

... અને અમદાવાદ હેલે ચડે છે !

બરોબર 4-10 કલાકે ચીમનભાઈ રાજ્યપાલને રાજીનામું સુપ્રદ કરે છે. ... તે અગાઉ રાજીનામું આપવામાં રહી ગયાની પ્રતીતિ થતા કાન્તિલાલ ઘીયા પણ રાજીનામું આપવા રાજભવન  દોડી જાય છે, પણ મોડા પડે છે ....... !

ચીમનભાઈનાં રાજીનામાંની જાહેરાત થતાં જ અમદાવાદનાં નગરજનો રસ્તા ઉપર આવી જાય છે. અને આ જ પરિસ્થિતિ સમગ્ર રાજ્યનાં શહેરોમાં અને ગ્રામ્યકક્ષાએ થાય છે. ..... ‘શહીદો અમર રહો’ના નારાથી ગગન ગુંજી ઊઠે છે. સરઘસોની તૈયારીઓ થાય છે અને હું પાલડી ખાતે એક વિજયી સભાને સંબોધતા વિધાનસભા વિસર્જન સુધી આ લડત ચાલુ રહેશે તેની ઘોષણા કરું છું. માત્ર સરકાર ભ્રષ્ટાચાર માટે જવાબદાર ન હતી પણ ચૂંટાયેલ સહુ જનતાના પ્રતિનિધિ જવાબદાર  હતા. અને તેથી માત્ર વિધાનસભા વિસર્જન જ જરૂરી હતું.

વિજયી સભાને અંતે સભા વિજયી સરઘસમાં પરિવર્તન પામે છે. પાલડીથી વિજય સરઘસનો આરંભ થાય છે. 4-30 વાગે શરૂ થયેલું આ સરઘસ સન્યાસ આશ્રમ સુધી પહોચતાં તો એક માનવસમુદ્રમાં ફેલાયેલું જોવા મળે છે. નહેરુબ્રિજ પહોચતાં સામે છેડેથી બીજું સરઘસ આવે છે. અને બન્ને સામેલ થઈ એક બની જાય છે. નહેરુબ્રિજ પસાર કરી રૂપાલી સિનેમા પહોચતાં ત્રણ કલાકનો સમય થઈ જાય છે. અમે વીજળીઘર થઈ ભદ્ર મંદિર પાસેથી ત્રણ દરવાજા તરફ આગળ વધીએ છીએ. અને તે દરમ્યાન મનીષીનાં નેતૃત્વમાં એક સરઘસ પણ રાજભવન તરફથી આવી, સામેલ થયેલ છે. હવે એમ કહેવાય કે સમગ્ર અમદાવાદ રસ્તા ઉપર છે.

વિવિધ શહેરોમાંથી સમાચારો પત્રકાર મિત્રો દ્વારા મળતા રહે છે. ટૂંકમાં, સમગ્ર ગુજરાત વિજયને વધાવવા રસ્તા ઉપર છે. અમને ત્યારે જનતાએ કેવડા મહાન બનાવી દીધા છે, તેનો અહેસાસ થાય છે. ચારે તરફથી ફૂલનાં હારો અને ફૂલોની વર્ષા વચ્ચે અમારું સરઘસ આગળ વધતું જાય છે. અમદાવાદના ગાંધી રોડ સ્થિત મોડલ સિનેમા પાસે અચાનક મારી નજર એ લાખો માણસોમાં  મારા પિતાજી તરફ પડે છે, અને હું ગાડીનાં બોનેટ ઉપરથી કૂદકો મારી ત્યાં પહોંચી જાઉં છું. તેમને પગે લાગી, આશીર્વાદ માંગું છું. તે મને જણાવે છે કે ગાંધીનગરમાં બધા તારી રાહ જુવે છે. જ્યાં સુધી તું નહિ આવે ત્યાં સુધી ગામ જાગતું રહેશે. મારા પગે લાગવાને કારણે બધા મને પૂછે છે કે એ કોણ છે? અને મેં મારા પિતાજીનો પરિચય આપતા, જનતા એમને પણ ઊંચકી લે છે. અને હું પાછો અમારી ગાડીનાં બોનેટ ઉપર.

લોકોનો પ્રેમ અને સત્કાર ઝીલતા ઝીલતા અમે ખાડિયા ચાર રસ્તાથી ખાડિયા તરફ વાળીએ છીએ. ત્યાં સુધી મારા પિતાશ્રીને પણ લોકોએ ઊંચકેલા હતા. મારા પિતાશ્રી હાથ હલાવી અમને વિદાય આપે છે અને હું રડી પડું છું. અમારી ગાડી અને લાખો માણસો ખાડિયા તરફ આગળ વધે છે. અને અચાનક જ ત્યારે કોઈ કારણ વગર, ગોળીબારો ચાલુ થાય છે. અમારી ગાડી ઉપર જ ચાર ગોળી વાગે છે. ગાડીનો આગળનો કાચ તોડી, ગોળી નીકળી જાય છે. બે ગોળી મારા પગ વચ્ચેથી પસાર થઈ જાય છે.  અને તરત જ જનતા સરકારનું સ્વરૂપ સમજી, અમારી ગાડીને એક પોળમાં ઘુસાડી દે છે ..... અમારી ભાઈ જયંતી પટેલ ચલાવે છે. આજે જો ત્યાં જઈને જોઇએ તો વિચારી પણ ન શકાય કે અમારી ગાડી અહીંથી કઈ રીતે નીકળી હશે !

સરઘસ પડતું મૂકી, અમે વી.એસ. હોસ્પિટલ પહોંચીએ છીએ અને ત્યાં કેઝ્યુલટીમાં સાત વ્યક્તિઓને લવાઈ છે. બે શહીદ થઈ ચૂકેલી છે. બીજા બધાં માટે જરૂરી લોહી આપવાં સેંકડો લોકોની કતાર લાગી જાય છે.  ... ધન્ય છે અમદાવાદને.

બેશરમ વચગાળાની સરકારની નફ્ફટાઈને ધિક્કાર છે .......

વી.એસ. હોસ્પિટલ ઉપર હવે માનવ મહેરામણ ઉમટી પડેલ છે. તો બીજી પાસ, હું ગાંધીનગર જવા રવાના થાઉં છું. રાત્રીના 1-40 વાગે ગાંધીનગર પહોંચું છું, અને ત્યારે પણ રસ્તા બ્લોક છે. ગાંધીનગરનાં રહેવાસી તરીકે મારું સન્માન થાય છે. આખું ગાંધીનગર જાણે કે ચ-5 ઉપર ઉમટી પડેલ છે. મારો સત્કાર કરવા મને મંચ ઉપર ચડાવે છે. ત્યારે હું રાત્રીના પોલિસ જુલમની વાત કરું છું. તેમ જ ફૂલહાર સ્વીકારવાનો ઇન્કાર કરું છું. ..... છેવટે આભાર પ્રવચન અને આગળ પણ આંદોલન ને ચાલુ રાખવાની અપીલ કરું છું.

ત્યાંથી મારે ઘેર મારી માને મળવા જાઉં છું. જનતા સાથે ને સાથે  રહી. ... હું મારા ઘરમાં મારા ભાઈ અને મારી માને મળી, પિતાજીને  માનું ધ્યાન રાખવાનું કહી, ચા પી, અમદાવાદ રવાના થાઉં છું.

સવારે 6-30 વાગે અમદાવાદ પહોંચી મનીષીને મળું છું અને સરકારની ઘૃષ્ટતા સામે યુનિવર્સિટી ઉપર સવારે 9-00 વાગ્યાથી ઉપવાસ ઉપર બેસવાનું નક્કી કરી, યુનિવર્સિટી જવા રવાના થઈએ છીએ .

ભાગ : 15

લોકનાયક જયપ્રકાશજી અમદાવાદમાં ...

…. અને અમે યુનિવર્સીટી પહોંચ્યા.

હંગામી સરકારને કારણે, બેફામ બનેલ પોલિસ ગોળીબાર થયા, અને પરિણામે શહાદત અને તેથી ગુજરાતની શાંતિ હણાઈ ચૂકી હતી. તે પરિસ્થિતિ નિવારવા, અમે સવારે ૯-૦૦ વાગે ઉપવાસનો આરંભ કર્યો. વિદ્યાર્થી કે અબાલ વૃદ્ધ સહુ યુનિવર્સિટી આવી રહ્યા હતા. .... પોલિસ – આકાશવાણી અમારી પાસે અવારનવાર શાંતિની અપીલો કરાવતી હતી. અને જે અનિવાર્ય પણ હતું. રાજ્યપાલશ્રી પણ આ બાબતે ચિંતિત હતા. અને તેવામાં જ સવારે, આશરે ૧૦-૪૦ના સમયે, રાષ્ટ્રપતિ મહોદયે ભારત સરકારની કેબિનેટની ભલામણને આધારે ગુજરાત વિધાનસભા મૂર્છિત અવસ્થામાં રાખી રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી. અને આમ રાજ્યમાં – રાષ્ટ્રમાં કે કદાચ વિશ્વમાં પ્રથમ વખત, જનમતથી ચૂંટાયેલ સરકારને જનાક્રોશથી જવું પડ્યું તેવી ઐતિહાસિક ઘટનાએ સ્વરૂપ લીધું.

સ્વાભાવિક એક અનેરો આનંદ હતો, પણ શહાદત જ ધ્યેય સિદ્ધિનું કારણ હતું ત્યારે આગલી રાત્રે ગોળીબારમાં ઘવાયેલનાં મૃત્યુના સમાચારો મળતા જ, પાછી ખુશાલી અલિપ્ત થતી હતી. પણ રાજ્ય અને અમદાવાદમાં શાંતિનું વાતાવરણ ઊભું થતું જતું હતું ...

અને અચાનક, પ્રખર સમાજસેવી અને પાછળથી લોકનાયક તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલા જયપ્રકાશ નારાયણ અને કેટલાક તેમના સાથીઓ ઉપવાસના સ્થળે આવી પહોંચ્યા. જયપ્રકાશજીએ અમારી સાથે વાતો કરી અને જનમેદનીને સંબોધી. .... છટાદાર વક્તવ્ય. ગાંધી યુગનાં સ્પષ્ટ દર્શન થાય તેવી અહિંસક ક્રાંતિની વાત અને શહાદતને સલામ આપતાં વ્યક્તિત્વમાં, એક સ્પષ્ટ નેતાગીરીનાં દર્શન કરાવી, જનતા પાસેથી અમને ઉપવાસ છોડવાની અપીલ કરાવી. બપોરે લીંબુના પાણીથી પારણાં કરાવ્યાં. મને, મનીષી, રાજકુમાર તેમ જ શૈલેશને પારણાં કરાવી એમણે વિદાય લીધી. સાંજે ૫-૦૦ વાગે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર લોકનાયકનાં અભિવાદન અને વિજયોત્સવનાં કાર્યક્રમનું આયોજન થયું હતું. ગુજરાતમાં જયપ્રકાશજીના સાથી અને આજના મશહૂર વિવેચક પ્રકાશભાઈ શાહે આ આયોજન કરેલ હતું.

બપોરના લગભગ ૩-૦૦ વાગે, રાષ્ટ્રપતિ શાશનને કારણે રાજ્યપાલશ્રીના સલાહકાર નિમાયેલ એચ.સી. સરિને પદભાર સંભાળી, પત્રકાર પરિષદ સંબોધી; અને જન જાહેરાત કરી કે ગુજરાતની જનતાને હવેથી માથાદીઠ ૧૦૦ ગ્રામ તેલ વધુ આપવા માં આવશે. (સરિન અજાણ હતા કે ગુજરાતમાં ૧૦૦ગ્રામ તેલની કોઈ અસર નહોતી.)

સાંજે ૫-૦૦ વાગે, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર માનવ ધોધ વહેતો હતો. ગુલાલ ઊડતો હતો. શહીદો અમર રહો અને નવનિર્માણ ઝીંદાબાદના નારાથી વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ હતો. મંચ ઉપર લોકનાયક જયપ્રકાશજી - મનીષી – રાજકુમાર - શૈલેશ - નિરુપમ -- અશોક પંજાબી - સુરેન્દ્ર રાજપૂત - નરેન્દ્ર તિવારી (વડોદરા) - પ્રકાશ કોકો,  જી.વાય. પટેલ જેવા અનેક અગ્રણીઓ ઉપસ્થિત હતા. અને ભાષ નો દોર શરૂ થયો.

જયપ્રકાશજીએ સવારનું શિક્ષણ મેળવનારને બપોરે અને બપોરે શિક્ષણ મેળવનારને ક્રાંતિમાં જોડાઈ જવા અપીલ કરી.

સહજ સ્વાભાવિક મારા વિચારો ભિન્ન હતા. સભાના અંતે મારે ભાષણ કરવાનું આવ્યું. અને મેં સંપૂર્ણ શિક્ષણ બહિષ્કારની ઘોષણા કરી.

અને આ વાત યુવાનોને ગમતી હતી, તેથી અભૂતપૂર્વ આવકાર મળ્યો. ....વિધાનસભાનું વિસર્જન શા માટેની રૂપરેખા આપી જણાવ્યું કે જે સરકારને નિષ્ફળ ગણાવી અને ભ્રષ્ટાચારી ગણાવી તે સરકારની કાર્યવાહી સામે જે વિધાનસભાનાં સભ્યો મૂક પ્રેક્ષક બની રહ્યા, તે પણ સ્વીકાર્ય ન જ બની શકે. આ આંદોલન કોઈ વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધનું નથી. આ આંદોલન તો ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત અને મોંઘવારીથી ત્રસ્ત જનતાના અવાજથી ગુજરાતનાં નવનિર્માણ માટેનું છે. ત્યાં મારી ભાષામાં મેં સરિનની ૧૦૦ ગ્રામ તેલની જાહેરાતને જનતાની મશ્કરી ગણી. કેટલાક વ્યંગ કરતા, અમારી ૧૨ વ્યક્તિઓ ઉપર સરકારે પોલિસ કેસ દાખલ કરેલ.

અમારી સંપૂર્ણ ક્રાંતિની વાત પાછળથી જયપ્રકાશજીનાં નામે નોંધાઈ .....

મેં ત્યારે એક ખાડિયાનાં મિત્રને કારણે એક નવો પરિચય મેળવ્યો. ...... આંજે જે પોતે ‘નવનિર્માણનાં નેતૃત્વ કર્યા’નો દાવો પોતાની વેબસાઈટ ઉપર કરે છે, તે રાજ્યના હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો પરિચય. એક દૂબળો સરખો અને દાઢી વધી ગયેલ, એ કાર્યકર પોતે સક્રિય થવા ઇચ્છે છે તેમ તેણે જણાવ્યુંનું મને આજે પણ યાદ છે. અને તે છે નરેન્દ્ર ...............

ભાગ : 16

જવાબદારીઓનું સન્માન …

એક અભૂતપૂર્વ સન્માન. ગમે તેવી વ્યક્તિને પોતાની શક્તિનો અહેસાસ થાય તેવું જન સન્માન. સન્માન સભા પૂરી થયા પછી અમારે ખાડિયામાં શહીદોની બનાવાયેલ હંગામી સ્મારકની ભૂમિ ઉપર પહોંચવું હતું અને કલ્પના બહાર અમે કાંકરિયાથી ખાડિયા પહોંચતાં ત્રણ કલાકથી વધુ સમય માત્ર અભિવાદન મેળવવામાં પસાર કર્યો. અમે હતા તેવા જ રહ્યા અને ખાડિયા પહોંચતાં તો અમે ભાવવિભોર બની ગયા. હર્ષનાં અશ્રુ પણ ખાળી શકવાં સમર્થ ન હતા. પરંતુ −

ખાડિયા જેને વિશ્વનાં પ્રસિદ્ધ મેગેઝીનો ઓળખ આપવા લખતા હતા, ‘What is KHADIYA’, તે શક્તિસભર ભૂમિ ઉપર પહોંચતા, અને એ પરિવારો જેમણે પોતાના વ્હાલસોયા ગુમાવ્યા હતા, તેમનું આક્રંદ અમને રડાવી ગયું. 9 ફેબ્રુઆરીની પોલિસની બર્બરતા જલિયાવાલા બાગની યાદ અપાવી ગઈ. એ શહીદ પરિવારોની હિંમત તો જૂઅો. બેટા, અધૂરું છોડતા નહિ, અમારો તો એકનો એક દીકરો અમે ગુમાવ્યો, પણ આ ખાડિયા છે, અરે, જરૂર પડે અમે પણ પોલિસની ગોળીઓ ઝીલવા તૈયાર જ છીએ અને અમારા તો આ અનેક દીકરાઓ જનતાનાં નવનિર્માણ માટે બલિદાનો આપવા થનગની રહ્યા છે.

હેવાન પણ અશ્રુ ન ખાળી શકે, ત્યારે અમે તો સંતાનો.

અત્યંત શક્તિ મળી, હિંમત મળી અને કૃતનિશ્ચયી થયા કે બસ હવે વિધાનસભા વિસર્જન અને ‘નવનિર્માણ’નાં આરંભ સુધી લડી લઈશું.

અમને તો જન્મ આપનાર માતા-પિતા પછી, આજે અમને નવો પરિવાર મળ્યો અને અમે તેનાં સંતાનો. અને જેનું નામ ખાડિયા .....

અમે લોકનાયક જયપ્રકાશજીને મળી પ્રેરણા મેળવવા ઉત્સુક હતા. રાત મોડી થતી જતી હતી અને અમે પહોંચ્યા રાજભવન સામે આવેલ સરકીટ હાઉસ. રાત્રે 3.00 વાગે પણ જયપ્રકાશજી અમારી રાહ જોઈ રહ્યા હતા. અમને ખાતરી થઈ કે નેતૃત્વ આપવા માટે ઉંમર આડી આવતી નથી.

માટે જ કહેવાયા લોકનાયક −

અમે જરૂરી માર્ગદર્શન મેળવી અને આશીર્વાદ મેળવી છૂટા પડ્યા. સવારના લગભગ 5.00 વાગ્યા હતા.

બીજે દિવસે બપોરે, રાજ્યભરનાં આગેવાનો તેમ જ વિવિધ સંગઠનોની એક મિટીંગ હતી, અમે ત્યારે આંદોલનકારીઓનાં નિવાસસ્થાન સમા, મારા વિજયનગર(નારણપુરા)ના ઘેર પહોંચ્યા. એક ચાની લારી ઉપર ચા અને ખારી બિસ્કીટ ખાઈ, અમારું આગલા દિવસનું ભોજન લઈને ઘેર જતા જ ન્હાવાધોવામાં પડી ગયા. કપડાં પણ ધોવાં પડે. આગલે દિવસે ધોયેલાં કપડાં બીજે દિવસે પહેરીએ ત્યારે જ તો ઘરની બહાર નીકળાય.

અમે બધા મિત્રોએ વિવિધ શાળા કોલેજ ઉપર જઈ, આચાર્યોને અને શિક્ષકોને મળવાનું હતું. અમારા ધ્યેય સિદ્ધિ સુધી સહયોગ મેળવવાનો હતો. ત્યારે વિલંબ પણ ચાલે નહિ, કારણ ધરપકડની તલવાર તો લટકતી જ હતી. પાછું હવેનું આંદોલન તો સ્વયંભૂ આંદોલનને બદલે એક સંગઠિત આંદોલનમાં ફેરવવાનું હતું. અને તે માટે સમગ્ર ગુજરાતમાં ફરવું પડે.

પણ, ધન્ય છે એ રાજ્યભરના ગ્રામ્ય કક્ષાથી શહેરો સુધીનાં નેતૃત્વને, જેણે ક્યારે ય અહેસાસ થવા દીધો નથી કે આ ગુજરાત ભાષા − ધર્મ – પ્રદેશ કે જ્ઞાતિથી વિભાજીત હોય, … એકમાત્ર ધ્યેય ‘નવનિર્માણ’.

અને હવે તો સંદેશ આપવાનો હતો દુનિયાને કે આ લોકઆંદોલન છે. તોફાનો નહિ, અને તેથી જ દુનિયાભરમાંથી આવી ગયેલ મીડિયાને પણ મળવું અનિવાર્ય હતું. અલબત્ત અચ્યુતભાઈ યાજ્ઞિક, અિશ્વની શાહ કે ધીરેન અવાશિયા જેવા વડીલો આ કામ સંભાળી લેતા.

હવે, અમને પણ ખબર ન હતી કે આંદોલનમાં કોઈ વિરોધી પરિબળો તો સક્રિય નથી થયા ને ? અમારે આંદોલનને કોમી તનાવથી પણ બચાવીને આંદોલન તેના મુખ્ય માર્ગેથી ભટકી ન જાય તેનું ધ્યાન રાખવાનું હતું. અને બધામાં સહુથી મોટી ખોટ હતી કે અમે બધા જ નાણાં વગરના નાથિયા હતા … !

ઘણા હતા સહયોગ આપવા તત્પર, પણ કેટલાકની ઇચ્છા પણ ખરી કે તેમના મનગમતા આગેવાનને મુખ્ય મંત્રી બનવાની અમારે તક આપવી જોઇએ. અને અમે શહાદતનું સન્માન કરનાર યુવાનો હતા, અમે રાજકીય દલાલો ન હતા, ન બનવા માંગતા હતા.

અામ, હું, શૈલેશ અને મજીદ મનીષીને, અમારે નક્કી થયા મુજબ, મળવા આશ્રમ રોડ ઉપર આવેલ એચ.કે. આર્ટસ કોલેજ પાસેની હરિભાઈની કીટલી ઉપર જવા રવાના થયા.

ભાગ : 17

ભાવિ કાર્યક્રમો

અમને ખબર પણ ન હતી કે અમારા માટે, આંદોલન સુધી, જાહેરમાં ફરવું એટલે માત્ર ને માત્ર આવકાર - અભિનંદન અને સહયોગની ખાતરી અને સફળતાની શુભેચ્છાઓ સ્વીકારવાનો જ સમય. .....હરિભાઈની કીટલી ઉપર ભેગા તો થયા, પણ કેટલીક ક્ષણોમાં જ લોકો ભેગા થવા લાગ્યા. અને પરિણામે ત્યાં મીની જાહેરસભા થઈ ગઈ ! તેમાંનાં એક હતા રમેશભાઈ. અમારી વેદના સમજી ગયા અને નટરાજ સિનેમાની પાછળ આવેલા તેમના ઘેર અમને લઈ ગયા. આ તબક્કે રમેશભાઈનો પરિચય આપવો અત્યંત જરૂરી છે.

એક અત્યંત હસમુખો સ્વભાવ અને પ્રેમ અને આતિથ્ય જ જેમનો પરિચય, તેવા રમેશભાઈ એટલે અમદાવાદની પ્રખ્યાત હોટલ બાંકુરા(રૂપાલી સિનેમા પાસે)ના માલિક. અમને પણ તેમને ઘેર મજા આવી, બેસવાની સુંદર વ્યવસ્થા અને આતિથ્ય તો તેમનું જ. અમને આંદોલન ચાલે ત્યાં સુધી આવી ખાનગી મિટીંગો એમને ઘેર જ કરવાનું કાયમી નિમંત્રણ.

અમે તો રોજ અહીં જ મળવાનું નક્કી કરી, તેમને જણાવી ય દીધું.

અને તેમને તે પણ ખૂબ ગમ્યું. અમે અમારી બપોરની મિટીંગમાં શું કરવું તેની ચર્ચા કરી. હવે પછીનાં આંદોલનને સ્વરૂપ આપ્યું. સમય પણ જતો હતો અને મિટીંગ માટે પહોંચવું હતું, એટલે રમેશભાઈને જણાવી અમે મિત્રો નીકળ્યા.

હવે, રમેશભાઈ તો અમારા વડીલ મિત્ર બની ચુક્યા હતા. એક વધુ પરિચય − રમેશભાઈ મહેતા, આંદોલન પછી મનીષીના સસરા બન્યા ...

અમે સરકીટ હાઉસ પહોંચ્યા. અમારી વિચારશક્તિથી વધુ અને રાજ્યના તમામ તાલુકાઓ અને શહેરોનાં આગેવાનો આવ્યા હતા.

મેડિકલ-ફાર્મસી-એન્જીિનયરીંગ કે ડેન્ટલ વિદ્યા શાખાનાં પ્રતિનિધિઓ કે તમામ પ્રકારનાં ઉદ્યોગો કે વેપાર ધંધા સાથે સંકળાયેલ આગેવાનો પણ ખરા. જુદા જુદા અભિપ્રાયો સાંભળ્યા. વિવિધ કાર્યક્રમોનાં સૂચનો પણ થયા, પણ એક નિર્ધાર કે વિધાનસભા વિસર્જન તો ધ્યેય ખરું જ.

બધા જ થનગનતા હતા, બસ, કાર્યક્રમો નક્કી કરવા અને પરિણામ લક્ષી બનાવવાનો નિર્ધાર.

અમને શક્ય ન લાગ્યું કે અત્યારે જ આ નિર્ણય શક્ય નથી, એટલે એક દિવસ પછી કાર્યક્રમ જાહેર કરવાના નિર્ધાર સાથે છૂટા પડતા પહેલાં નક્કી કર્યું : (૧) ચુંટાયેલ ધારાસભ્યશ્રીઓનાં રાજીનામાં મેળવવા વાતાવરણ ઊભું કરવું, (૨) શક્ય તેટલી જાહેરસભાઓ અને રેલીઓ દ્વારા જનજાગૃતિ, તેમ જ  (૩) શૈક્ષણિક સંસ્થાઓ બંધ.

અમે બધા છૂટા પડ્યા. રાત્રે અમે, અમદાવાદના મિત્રોએ આગામી દિવસોના કાર્યક્રમો ઘડી કાઢ્યા :

(૧) અમારે ૧૫ ફેબ્રુઆરીથી વિવિધ વિસ્તારોનો પ્રવાસ કરવો. પ્રથમ પ્રાધાન્ય તાલુકાના વડા મથક ઉપર.

(૨) જુદા જુદા વિસ્તારોમાં રોજ રાત્રે જનસમુદાયને સાંકળી લેવા. અંધારપટ – ઘંટનાદ - પ્રભાત ફેરી – રેલીઓ  –સૂત્રોચ્ચાર સાથે મહિલા રેલીઓ - ધરણા - પ્રતીક ઉપવાસ – મંદિરો કે મસ્જિદો ઉપર જનજાગૃતિ – વિવિધ સમાજસેવી સંસ્થાઓ દ્વારા લોક ચર્ચા અને શેરી નાટકો કે મોક પાર્લામેન્ટ જેવા કાર્યક્રમો.

ભાગ : 18

વિધાનસભા વિસર્જન તરફ

સામાન્યત: અમે બધા મિત્રોએ દરેક વિસ્તારનાં આગેવાનોને આ જાણ કરવાની જવાબદારી વહન કરી. એ સમય પણ આજના જેવો કોમ્યુિનકેશન વ્યવસ્થા વગરનો એટલે એસ.ટી.ડી. ફોન કરી, સતત બધાને સંપર્ક કરવા લાગ્યા અને માહિતી આપતા રહ્યા.

અને અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જ પહેલી જાહેરસભા સરકારનાં પતન પછી રાત્રે ૭-૦૦ વાગે થઈ.

એક અભૂતપૂર્વ ઘટના :

હું, શૈલેશ અને મજીદ આશ્રમ રોડ ઉપરથી પસાર થતા હતા. અચાનક અમારી નજર ગુજરાત વેપારી મહામંડળની સામેની બાજુએ, ડીલાઈટના નામથી પ્રસિદ્ધ ઠંડા પીણાની એક દુકાન પાસે ઊભેલી એક ફિયાટ અને તેના ટેકે ઊભેલા ચીમનભાઈ પટેલ પર પડી. અમે વિચારતા થઈ ગયા કે આ માણસની શક્તિ તો જુવો, કેટલાક કલાકો પહેલાં, જેમના નામના છાજિયા લેવાતા હતા, અને જેમની ઠાઠડીઓ બળતી હતી, તે ખુલ્લે આમ, જાહેર રસ્તા ઉપર ઊભા રહેવાની હિંમત કરે ! પણ તે હકીકત હતી. અમે સહજ સ્વાભાવિક અમારી ગાડી તે તરફ વાળી. ગાડીમાંથી ઊતરી તેમને મળવા ગયા. ચીમનભાઈ કહે છે : ..... ઓહો, આવો, શું લેશો ? અમે ઇનકાર કર્યો, તો અમને કહે છે, ભાઈ, મારી સાથે ઊભા રહેવાથી થોડી બદનામી મળે ? તો પણ રાજકારણમાં સહન કરવું પડે ..... તમે મને આટલો બદનામ કર્યો તો પણ હું જાહેરમાં ઊભો છું. … ચાલો, ચાલો. ..... અરે ભાઈ, આમાંના બધા માટે આઈસ્ક્રીમ લાવો. ... સહજ સ્વાભાવિક અમે ઇનકાર પણ ન કરી શક્યા ! ... થોડા સમયમાં છૂટા પડવાનો સમય આવ્યો તો ચીમનભાઈ કહે છે, હવે તમારું આંદોલન સફળ થાય, તેની શુભેચ્છા. ... આ તો મારા મનની જ વાત તમે કરી રહ્યા છો ! મારા લાયક કોઈ પણ કામ હોય તો જણાવજો ... અને મળતા રહેજો.

અમે વિદાય લીધી. અમારે અમદાવાદના પોલિસ કમિશ્નરને મળવું હતું, તેથી અમે કમિશ્નર ઓફિસે પહોંચ્યા. અને સીધા કમિશ્નરશ્રીની ઓફિસમાં દાખલ થયા. પોલીસ કમિશ્નરપદે તે સમયે રેનીસન હતા. ખૂબ શાંત સ્વભાવના, પણ કાયદાના પાલન માટે અતિ કડક. પોલિસ કમિશ્નરશ્રીએ અમને આવકારી, પોતાની ખુરશી છોડી, તેમની જ ઓફિસમાં સોફા ઉપર બેસાડી, અમારી સાથે સ્થાન લીધું. કદાચ આ એક વિશિષ્ઠ સન્માન હતું.

અમે અમારી રજૂઅાત કરી : પોલિસ શાંત પરિસ્થિતિમાં ઉશ્કેરાટ થાય તેવા લાઠીચાર્જ – ટીયરગેસ કે ગોળીબારોથી દૂર રહે તેવી વિનંતી કરી.

તેમણે પણ જણાવ્યું, એક દ્રષ્ટાંત સાથે :

ઉમાકાંતભાઈ, આપના પ્રથમ તબક્કાના આંદોલનની તીવ્રતા એવી હતી કે હું થાકીને રાત્રે ઘેર જતો અને ડોરબેલ વગાડતો ત્યારે મારો પુત્ર મને કહેતો : પાપા, પહેલે ગાડી કી લાઈટ ઓન કરો; ફિર દો બાર હોર્ન બજાવ. ઓર બોલો, ‘ચીમન ચોર’ તો હી દરવાજા ખૂલેગા ! ..... અને મારે તેમ કરવું પડતું. મારા પુત્રની ઉમર માત્ર પાંચ વર્ષ હતી. આટલી બધી તીવ્રતા હોય ત્યારે સ્વાભાવિક જનાક્રોશ તોફાનોમાં પરિણામે જ અને ત્યારે કાયદો વ્યવસ્થા સાચવવા અમારે આવી બધી કાર્યવાહી કરાવી પડતી. છતાં તમને વિશ્વાસ આપું છું કે શક્ય તેટલા ઓછાં પોલિસ એક્શન લેવાશે.

સેન્ડવીચ અને કોલ્ડ કોફી લઈ, અમે સાબરમતી તરફ જવા રવાના થયા. આજે સેનાના જવાનો અમદાવાદ છોડવાના હતા. સાંજે ૫-૦૦ વાગે સેનાના જવાનોને વિદાય આપવા ઊમટી પડેલ જનતાએ સેનાના જવાનોને પણ આંખમાં આંસુ આવી જાય તેવી ભવ્ય વિદાય આપી. .... સેનાના જવાનોનું નેતૃત્વ કરતા કર્નલ આનંદને અમદાવાદનાં ખ્યાતિ પ્રાપ્ત ‘રીવેરા જ્વેલર્સ’ તરફથી ચાંદીની બનાવટની ભવ્ય યાદગીરી રૂપ, સીદી સૈયદની જાળી અર્પણ કરી, વિદાય આપી. (કર્નલ આનંદ એ મેનકા ગાંધીના પિતા હતા.)

સેનાને વિદાય આપી અમે ખાડિયા તરફ જવા રવાના થયા.

આજે ખાડિયામાં પહેલી વખત હું તેમ જ મનીષી - રાજકુમાર વગેરે સભા સંબોધવાના હતા. મને સહેજ ડર હતો કે મનીષી - રાજકુમાર એટલે શાંતિ અને સિદ્ધાંતો ઉપર વક્તવ્ય આપશે, અને જો તેઓ મારા પછી બોલાશે તો સભા ફિક્કી પડી જશે. મેં આ મિત્રોને વિનંતી કરી કે તમને વાંધો ન હોય તો હું છેલ્લો બોલું. તે વાત તેમણે સ્વીકારી પણ લીધી .....

ખાડિયા કામનાથ મહાદેવ મંદિર પાસે આ જાહેરસભાના મંચ ઉપર મનીષી - રાજકુમાર અને નિરુપમ પણ હાજર હતા.  બરોબર તે જ સમયે બાપુનગરમાં સુરેન્દ્ર રાજપૂત અને અશોક પંજાબીની પણ જાહેર સભા હતી.

સભાની વાત કરતા પહેલાં એક વાત : આજના, રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તે સમયના, નરેન્દ્ર, મંચ વ્યવસ્થા અને માઈકની જવાબદારી નિભાવતા હતા. અને તે સભામાં શ્રોતાઓમાં એક વ્યક્તિ અશોકભાઈ ભટ્ટ હતી. જેમને જોતા જ મેં નીચે ઊતરી, તેમને મંચ ઉપર આવવા વિનંતી કરી. પણ તેમનો જવાબ હતો : રાજકારણથી પર રહેલ અા આંદોલનને હું અભડાવવા માંગતો નથી ...... !

ભાગ : 19

અહિંસા - હિંસા ....

ખાડિયામાં એક કહેવત છે : ‘જમ્યા પછી પાન અને સભા પછી પથ્થરમારો ......’

ખાડિયા હંમેશ આંદોલનોમાં નિર્ણયાત્મક ભૂમિકામાં રહ્યું છે. આજે પણ આઝાદી - મહાગુજરાત અને નવનિર્માણનાં શહીદ સ્મારકો તેની ગવાહી છે. માર્તંડભાઈ શાસ્ત્રી, બ્રહ્મકુમારભાઈ ભટ્ટ કે અશોક ભટ્ટ હોય, ઉમાકાંત કડિયા કે પ્રબોધભાઈ રાવળ હોય, કે પછી મુઠ્ઠી ઊંચેરા ઇન્દુલાલ યાજ્ઞિક હોય, તેમની ભાષામાં કડકાઈ તો ખાડિયા-રાયપુર કે કાળુપુરે જ ભરી છે.

આવા મારા ખાડિયામાં, મનીષી જાનીએ તેની આગવી પધ્ધતિ અને અંદાઝથી વક્તવ્ય આપ્યું. શહાદતને વંદન કરી, આંદોલનને અહિંસક રીતે પણ મક્કમતાથી આગળ વધારવાની વાત કરી. જરૂર પડે ઉપવાસ આંદોલનોને તેજી આપવાની અપીલ કરી, અને શિક્ષણનો બહિષ્કાર શા માટે તેની રૂપરેખા આપી. નિરુપમે રાજકીય વિશ્લેષણ કરી, આંદોલનનું મહત્ત્વ સમજાવ્યું. અને પછી, અનેક વક્તાઓએ આંદોલનને સહકાર આપવા અપીલ કરી.

હવે વારો મારો હતો. અને મને ખબર નહિ, કેમ ‘ચટ મંગની, પટ વિવાહ’ જેવું વધુ ગમતું. કદાચ આંદોલનો ના ઇતિહાસને જોઈ, મને કાયમ વિચાર આવતો કે આ આઝાદીનું અંદોલન અહિંસક હતું, તો આ શહીદ સ્મારકો કઈ રીતે? આ મહાગુજરાતનું આંદોલન પણ અહિંસક ? અને શહીદ સ્મારકો ? અને તેથી જ મારી વાતનો આરંભ થતો ‘જલા દો એ દુનિયા, મીટા દો એ દુનિયા, એ દુનિયા અગર મિટ ભી જાય તો ક્યા ?’ ..... એટલે ઉશ્કેરાટ, મારું વક્તવ્ય હંમેશ શ્રોતાઓ આધારિત રહેતું, અને તેથી જ ખાડિયાના ભાષણની તીવ્રતા વ્યાપક ... મને મારા સાથીઓ હિંસક ગણતા. પણ મને વાંધો ન હતો, કારણ હું સ્પષ્ટ રીતે જાણતો હતો કે તોફાન થાશે, તો જ સરકારો સૂઈ નહિ રહે. ... બાકી જાડી ચામડીનાઓને ઉપવાસ - સરઘસોની બહુ અસર થતી નથી.

સંપૂર્ણ ઉશ્કેરાટપ્રેરક પણ સચ્ચાઈના ઘંટનાદ સાથેનું મારું સંબોધન પૂર્ણ થાય, તે પહેલાં તો બસોના કાચ તુટવા માંડ્યા હતા .... ટીયરગેસ છૂટવા લાગ્યા. અને ખાડિયા ... ખાડિયાનું સ્વરૂપ આંદોલનનાં મૂડમાં હતું.

બોલવું સહેલું છે લખવું નહિ, તે મને આજે લાગે છે. કારણ કે મારું તે ભાષણ મને યાદ હોવા છતાં લખી શકાતું નથી. પણ વધુ કહેતો નથી. … સભા પૂરી થાય તેના અર્ધા કલાકમાં કરફ્યું નંખાઈ ગયો .... !

સભા પૂરી થાય એટલે મારા સાથીઓને હું ગમું નહિ − વર્તમાનપત્રોને ખૂબ ગમું. અને સાંભળનાર તો મને એક તરફી જ પ્રેમ કરવા માંડે ..... !

મને કોઈ અસર ન થાય. હું એક વાતે નિશ્ચિત હતો કે જે દિવસે છાપાના મુખ્ય ટાઈટલ ઉપર બીજા કોઈ સમાચાર હશે ત્યારે આંદોલન તુટવાનો આરંભ થયો જ ગણવો …

અમારા વિચારોમાં ભેદ થતા. અમારા વચ્ચે પણ ભેદ ઊભા થવા લાગ્યા. ..... પણ અમારું લક્ષ્ય એક હોવાથી જ આંદોલન ચાલુ રહ્યું.

હું મારી વાતમાં મક્કમ હતો. જે થવું હોય તે થાય, મારે પરિણામ જોઈએ. સરકારી ધમકીઓ – પોલિસની દાદાગીરી કે સાથીઓની નારાજગી છતાં મેં મારો વિચાર બદલ્યો નહિ; તો સાથીઓએ રાહ બદલ્યો ...

હવે એક તરફ શાંત - પ્રતિકારાત્મક કાર્યક્રમો અને માંગણી બુલંદ બનાવવાનો પ્રયાસ. બીજી તરફ આંદોલનનો સામનો કરનારને જડબાતોડ જવાબ ..... પોલિસના ગોળીબારો સામે પોલિસનો પ્રચંડ વિરોધ અને બસો  - ટ્રેઈનોના વ્યવહાર ને ખોરવી નાખી આંદોલનને વેગ આપવાનો પ્રયાસ.

મારી પધ્ધતિથી અવશ્ય જનતાની મિલકતને નુકશાન હતું. જનતાને હાડમારી વધતી, કદાચ રોજિંદું કમાનારને માટે મોટી મુશીબત હતી, પણ સવારનાં છાપાં ટાઈટલ ન્યુઝ બનાવે તે પીરસવાનું કામ મારું.

હવે તો રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનો આરંભ થઈ ચુક્યો હતો.

અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં સરકારનાં મગજનાં ઓપરેશનનો કાર્યક્રમ યોજાયો હતો. અને પછી કોલેજના જ હોલમાં મોક એસેમ્બલી ..... શાંત કાર્યક્રમ, પણ સરકારનાં મગજનાં ઓપરેશન સમયે જ પોલિસ બેફામ બની. અને શાંત કાર્યક્રમ સમયે જ બહેનો ઉપર બેફામ લાઠીચાર્જ કર્યો ..... માત્ર ઉપસ્થિતોને વિખેરવા અને ભય ફેલાવવાનો આશય.

આવા સમયે, પાછો, હું મારા સાથીઓને અવશ્ય યાદ આવું …

ભાગ : 20

પ્રચાર-પ્રવાસ ભાગ :

બીજે દિવસે વર્તમાનપત્રોએ બહેનો ઉપરના લાઠી ચાર્જની  ગંભીર નોંધ લીધી. મને, અમને ખબર જ પડતી નહોતી કે શું સરકાર આંદોલનોને સમજી શકતી નથી, કે પછી દબાવી દેવા સત્તાના કેફમાં રાચે છે, કે પછી પાછળથી કોઈક બનાવટી લોકો સાથે વાટાઘાટો કરે છે ?

અમારો તો નિત્યક્રમ બની જતો હતો કે અમદાવાદની હોસ્પિટલોમાં ફરતા રહેવું. કોઈક લાઠી ચાર્જથી ઘવાયા હોય તો કોઈક ટીયરગેસના સેલથી, તો કોઈક વળી ગોળીબારોમાં પણ ઘવાયા હોય. ....

હવે રાજ્યભરમાં આંદોલનને ગતિ આપવા પ્રવાસ જરૂરી હતો, પણ પ્રવાસ કઈ રીતે કરવો ? અમારી પાસે કોઈ સાધન નહિ, અને સાધન મળે તો પેટ્રોલના પૈસા નહિ. .... કરવું શું ? અને મને યાદ છે કે અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પાસે આવેલા મહેતા રેસ્ટોરંટની બાજુનો અર્જુન નામનો પાનનો ગલ્લો બંધ થયા પછી, અમારા ‘ડાયરા’માં નક્કી થયું કે જે કોઈ સ્થળે જાહેરસભા યોજવી હોય, ત્યાંથી કોઈક લેવા આવે અને પછીની જાહેરસભાવાળા તે જગ્યાએ લેવા આવે ... અજુગતું લાગતું હતું પણ મજબૂર પણ હતા. આંદોલન વિવિધ પ્રકારે ચાલતું રહેતું હતું. કોઈક જગ્યાએ ઉંદર સરઘસ તો કોઈક જગ્યાએ ગધેડા સરઘસ જેવી ઘટનાઓ બનતી રહેતી, પણ જાડી ચામડીની સરકારને આવી કોઈ અસર થતી નહિ. ....

અને બહેનો ઉપરના લાઠીચાર્જની ઘટનાએ બીજે દિવસે આશ્રમ રોડનો વાહનવ્યવહાર બંધ કરી દીધો. ધીરે ધીરે સમગ્ર અમદાવાદમાં ચક્કાજામ. પોલિસ વિફરી અને પાછી રોજિંદી ઘટના. તે દિવસે તો આશરે 50થી વધુ બસોના કાચ પણ તૂટ્યા. રસ્તા ઉપરના ઇલેક્ટ્રિકના થાંભલાઓ પણ આખાને આખા વાળીને રસ્તાઓ ઉપર આડસ ઊભી કરાઈ હતી. યુવાનો નિતનવા કાર્યક્રમો કરતા રહેતા .. બહેનોનો મોરચો પણ એટલો જ તીવ્ર હતો. એક ખૂબ પીઢ વિદ્યાર્થી નેતા રહી ચૂકેલા અસ્લમ લઘુમતી વિસ્તારોમાં આંદોલનને તીવ્રતા આપી રહ્યા હતા. સુરેન્દ્ર સિંહ રાજપૂતે કે જેઓ ચીમનભાઈની કોલેજના અગ્રણી હતા, તેમને જીવતા સમાધિ લેવા જેવા કાર્યક્રમો પણ આપ્યા હતા ! અને પોલિસે તેમની ધરપકડ પણ કરી આંદોલનને ભડકાવ્યું હતું. પ્રકાશ રાવળ કે નાનું વૈદ્ય અને પ્રવીણ રાવળ પણ તેમના ભૂતકાળના અનુભવોને કારણે આંદોલનને સક્રિયતા આપી રહ્યા હતા. સોનલ દેસાઈ - ભારતી ગોહિલ કે વર્ષા ત્રિપાઠી શી બહેનો બહેનોનો મોરચો સક્રિય રાખી રહ્યા હતાં. ક્યારેક મહેસાણા બંધ પાળે, તો ક્યારેક વેરાવળ, કે ક્યારેક વલસાડ, કે ક્યારેક વાપી ...

આંદોલન તરફ હવે રાજકીય પક્ષોની પણ નજર પાડવા માંડી હતી. લાલુપ્રસાદ યાદવ કે શરદ યાદવ કે મોરારજીભાઈ કે પછી રામવિલાસ પાસવાન કે આરીફ મોહમ્મદ ખાન કે પીલુ મોદી પણ પત્રકારો સમક્ષ આ આંદોલનને ટેકો આપતા હતા. લીંબડીથી હસમુખ પરીખ પણ અમદાવાદ આવી, આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.

હવે રાજ્યભરમાં જાહેરસભાઓનો દોર ચાલુ થયો. સ્વાભાવિક જ મનીષી અને મેં જુદી જુદી સભાઓ સંબોધવાનો નિર્ણય કર્યો હતો. સ્વાભાવિક મનીષીની સભાઓ આંદોલનને સુવ્યવસ્થિત રૂપ આપતી હતી. મારી સભાઓ તોફાનોને. અમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સભાઓનું આયોજન કરતા હતા અને વર્તમાનપત્રોમાં તેની પ્રસિદ્ધિને કારણે આંદોલનને ગતિશીલતા મળતી. અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજના હોલમાં, લાયન્સ ક્લબ દ્વારા, એક બુદ્ધિજીવીઓની સભા યોજાઈ. તેમાં પ્રશ્નોત્તરી પણ હતી, અને તેના દ્વારા એક મોટો સંદેશ જનતા વચ્ચે ગયો.

તે જ દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન રતુભાઈ અદાણી ઉપર હુમલો થયો અને તેમને ચોથે માળથી ફેંકી દેવાનો પ્રયાસ થયો. અમારા માટે આ ઘટના અત્યંત દુ:ખદ હતી, કારણ અમારું આ ધ્યેય ન હતું. નસીબથી જ કેટલાંક ડોક્ટર મિત્રો અને નર્સ બહેનોએ આ હુમલાને નિષ્ફળ બનાવી, આંદોલનને કલંકિત થતું બચાવ્યું.

અમારું ધ્યેય માત્ર ધારાસભ્યોને સમજાવી રાજીનામાં આપવા અને તેના દ્વારા વિધાનસભા વિસર્જનનો રાહ સરળ બનાવવાનું લક્ષ્ય હતું. અને અમારી જાહેરસભાઓ અમદાવાદ બહાર શરૂ થવાનો દિવસ આવી ગયો. સભાની શરૂઆત કપડવં થી થઈ. અલબત્ત, હું અને મનીષી આ સભામાં સાથે હતા. કપડવંજ - આણદ - ડાકોર - ખેડા - નડિયાદ અને વલ્લભવિદ્યાનગરની જાહેરસભાઓ એક જ દિવસે અને ખેડા જિલ્લો ખુંદી નાખવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો. ઉમરેઠ અને સેવાલિયાની સભાઓ કરી, બીજે દિવસે બપોરે પરત આવ્યા. તે દિવસે કેટલાંક વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સાબરમતી  આશ્રમ પાસે ઉપવાસ ઉપર બેઠાં હતાં. તેઓ બીજે દિવસે ત્યાંથી ચાલતા જમાલપુરમાં આવેલ વસંત-રજબ સ્મારક સુધી જવાનાં હતાં. અમે તેમને મળ્યા, અને રાત અમે તેમની સાથે જ રહ્યા.

પ્રવાસ કર્યો તે વિસ્તાર હવે તોફાને ચડ્યો હતો.

ભાગ : 21

ઉત્તર ગુજરાત પ્રવાસ ભાગ :

અાજે મહેસાણા - કડી - કલોલ - વેડા અને નરોડામાં સભાઓ હતી. સવારના ૧૦-૦૦ વાગે પહેલી સભા અને છેલ્લી સભા નરોડામાં રાત્રે ૯-૦૦ વાગે. અને તેમાં એક સભાનો ઉમેરો થયો પીલવાઈ. સભાના મંચ ઉપર જતાં જ આંદોલનની તીવ્રતાનો ખ્યાલ આવે. જાહેરસભામાં જનતાની ઉપસ્થિતિ જ જો સરકારને નજરે ચડી હોત, તો આંદોલન લાબું ન ચાલત ! સ્વાભાવિક જાહેરસભામાં જઇએ, ત્યારે પહેલાં તે ગામમાં શહીદ થયેલાને ઘેર જવાનું અમારો ધર્મ થઈ ગયો હતો. અને ત્યાંથી જાહેરસભા સંબોધવા જઇએ, એટલે ઉશ્કેરાટ વધુ હોય જ. કેટકેટલાં વડીલોનાં, અરે આઝાદીની લડતના શૂરવીરોનાં, આશીર્વાદ મળતા અને જનતાનો પ્રચંડ આક્રોશ અમને નવો ઉત્સાહ આપતા.

કડીમાં, ત્યાંની નવનિર્માણ સમિતિના આગેવાનોએ સભાના દિવસે બંધ પાળ્યો હતો .. અને સમગ્ર ગામ બંધ હતું. એસ.ટી.ની બસો પણ ગામના પાદરેથી પાછી જતી. આજુબાજુનાં ગામોમાંથી લોકો ટ્રેકટરો લઈને આવેલ. એક અનેરો ઉત્સાહ.  મેળા જેવું વાતાવરણ. સભા ખૂબ સારી રહી. અને તરત પ્રત્યાઘાત મળ્યો .... બીજા દિવસથી રોજ ૧૦ વ્યક્તિઓ પ્રતિક ઉપવાસ કરશે. રોજ કડીનાં લોકો એક પોસ્ટકાર્ડ રાજ્ય સરકારને લખશે અને વિધાનસભાનાં વિસર્જનની માંગણી કરશે. પ્રત્યેક ગુરુવારે ગામ બંધ પાળશે તેવા કાર્યક્રમો જાહેર થયા.

મહેસાણા ખૂબ એગ્રેસીવ રહ્યું …

સરકારી ઓફિસો નહિ ચાલવા દેવાની, પોલિસને નિયત જગ્યાએથી આગળ નહિ વધવા દેવાની, રોજ મંદિરોમાં સતત ઘંટનાદ અને કોઈ પણ ટ્રેઈનને રેલવે સ્ટેશન ઉપર એક કલાક રોકી રાખવાની, − જેવા જલદ કાર્યક્રમો જાહેર થયા. સભાની માનવ મેદની લાખોમાં પણ સ્વયંભૂ ..... સ્વાભાવિક કાર્યક્રમોનો અમલ જ આંદોલનને તોફાની બનાવે.

કલોલની સભા તો હાઈવે ઉપર જ, અૌદ્યોગિક વિસ્તાર સ્વયંભૂ રીતે બંધ.  અને સભાની જનમેદનીને કારણે હાઈવે પણ બંધ થયો હતો. કલોલનાં સ્થાનિક નેતાઓએ વિવિધ કાર્યક્રમો માટે એક સમિતિ બનાવી હતી, જે રોજ કાર્યક્રમો નક્કી કરે અને તેનો અમલ કરવાનો .......

આ બધી જગ્યાએ એક વાત સર્વ સ્વીકૃત હતી કે શૈક્ષણિક કાર્ય સદંતર બંધ.

વેડા નાનું ગામ હતું, પણ સભા ઘણી મોટી. આજુબાજુથી પણ લોકો આવેલા. અને ત્યાં પણ અનેરો ઉત્સાહ. તેમને મહૂડી જતાં શ્રદ્ધાળુઓ રોડ ઉપરથી વધુ પસાર થાય, એટલે તેમને શ્રદ્ધાળુઓને નવનિર્માણ ઝીંદાબાદ બોલી અને ઠંડા પાણી પી ને જ આગળ વધવાનો કાર્યક્રમ હાથ ધર્યો હતો ! સ્વાભાવિક નાનું ગામ એટલે પોલિસ હેરાન કરે, પણ ગામ બારોટોનું એટલે વધુ કઈં કહેવાની જરૂર નહિ.

સમગ્ર વિસ્તારમાં પીલવાઈ એક તોફાની ગામ.

પીલવાઈ કોલેજને કારણે વાતાવરણ હંમેશ ઉશ્કેરાટભર્યું જ રહે. વિસનગર અને વિજાપુરનાં યુવાનો પણ અહીં ભણવા આવે. તેમને ત્યાં સભા કોલેજ ગ્રાઉન્ડમાં અને સ્વાભાવિક યુવાનોની વિશાળ સંખ્યા. તેઓ અવનવા કાર્યક્રમો તો આપતા જ હતા, અને આજુબાજુનાં ગામોમાં પોતે ભાષણો કરવા જઈને નવનિર્માણ આંદોલનને સુવ્યવસ્થિત ચલાવતા હતા. સભા પત્યા પછી, ઉશ્કેરાટ ફેલાતા, આશરે ત્રણ કલાક જેટલા સમય સુધી હાઈવે બંધ રહ્યો હતો.

અમે અમારા કાર્યક્રમો મુજબ આગળ વધતા જ હતા, પણ દરેક સભા પછી, અમારો ઉત્સાહ વધતો જતો હતો. અમારી આજની છેલ્લી સભા નરોડા હતી. અમે લગભગ ત્રણ કલાક જેટલા મોડા તો થઈ ચુક્યા હતા, પણ અમારે નરોડા તો જવું જ જોઇએ ભલે સભા ન થાય. પરંતુ અમે જ્યારે નરોડા પહોંચ્યા, ત્યારે આશરે ૧૨/૩૦ જેવો સમય થયો હશે. પણ સભા તો વિખેરાઈ ન હતી ! … રાત્રે ૧-૦૦ વાગે સભા ? પણ હા, તે પણ ૨૫,૦૦૦થી વધુ માનવ મહેરામણ .... !

અમને પ્રતીતિ થતી જતી હતી કે નવનિર્માણ શું છે.

હવે, જનતાનો મક્કમ નિર્ધાર અમે જોઈ અનુભવી રહ્યા હતા. અને તેથી મારા જેવો વધારે બેફામ બનતો, તો મનીષી તેના કાર્યક્રમો માટેની સફળતાથી આવેશમાં આવી જતો.

અને, અમને હવે સરકાર ક્યારે ઝૂકે તેની રાહ હતી.

બીજે દિવસે પાલનપુર – વડગામ - ડીસા - પાટણ - દાંતાની સભાઓ હતી. ..... મોડી રાત્રે લગભગ ૪-૦૦ વાગે અમારા હંગામી આશ્રય સ્થાને પહોંચ્યા .....

ભાગ : 22

મા અંબાનાં ધામ અને પ્રવાસ :

આજે ફરી ઉત્તર ગુજરાત .....

પાલણપુર – વડગામ - દાતાની સભાઓમાં સિદ્ધપુરની એક વધુ સભા યોજાઈ.

પાલનપુરનાં યુવાનો અને યુવતીઓએ સહી ઝુંબેશ શરૂ કરી હતી. બનાસકાંઠા જિલ્લાનાં ધારાસભ્યોએ રાજીનામાં આપવા જોઇએ તે મતલબની માંગણી તેમાં સામેલ.

અમને જ્યાં જઈએ ત્યાં તે વિસ્તારની માહિતી આપવામાં આવે અને આંદોલનની પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવે. અમે ગયા તેની આગલી રાત્રે સમગ્ર બનાસકાંઠાએ બ્લેકાઉટનો કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યાની માહિતી આપી. અમારી સભાની રાત્રીથી સતત ૨૪ કલાકમાં અંબાનાં ધામ અંબાજીમાં પ્રવેશ સ્થળે ઘંટનાદનો કાર્યક્રમ હતો. બીજે દિવસે મહા આરતીનો કાર્યક્રમ. સભાસ્થળે હજારોની સંખ્યામાં જનમેદની, અને અમે વિવિધ વિસ્તારોમાં સભા સંબોધતા રહ્યા ....

એક સામાજિક સંસ્થા, જે પ્રત્યેક વર્ષે, મા અંબાનાં દર્શને જતાં લાખો પદયાત્રિકો માટે કેમ્પો ઊભા કરી, સહયોગ આપે છે, તેમની નિશ્રામાં ૧૮૨ યાત્રિકોએ પાલનપુરથી મા અંબાનાં દર્શને પગપાળા જવાનો નિર્ધાર કરેલો. ત્યાં જઈ ગુજરાતનાં ૧૮૨ ધારાસભ્યોને મા સદ્દબુદ્ધિ આપે, તેમ જ તેઓ રાજીનામાં આપે તે માટે પ્રાર્થના કરવાનાં હતાં. પાલનપુરની સભાને અંતે અમે તે પદયાત્રિકોને વિદાય આપી.

આ આયોજનની સહુથી મહત્ત્વની બાબત એ હતી કે વિધાનસભામાં જેટલી બહેનો હતી કે જેટલા મુસ્લિમ સભ્યો હતા તેટલા જ આ પ્રવાસમાં જોડાયેલાં.

દાંતા - વડગામ – સિદ્ધપુરની સભામાં પણ અનેરો ઉત્સાહ હતો. ઠેકઠેકાણે એક જ નિર્ધાર હતો કે વિધાનસભાનું વિસર્જન તો થવું જ જોઇએ.

હવે આંદોલન એવું જોર પકડતું જતું હતું. લોકો ધારાસભ્યોનાં નિવાસસ્થાને ઉપવાસ કરતાં. જો ધારાસભ્ય મળી જાય તો તેને ઘેરાવ કરતા, ધારાસભ્યોને રાજીનામું આપવા ફરજ પાડતા. પણ ધારાસભ્ય કોને કહેવાય ? માત્ર મત માગવા પૂરતા જનતા સમક્ષ વાંકા વળતા, પણ તે જનતાની લાગણી ઓછી સમજે ?

આંદોલન ઉપર ઉપરથી શાંત દેખાતું હતું પણ અંદરખાને તો અગ્નિ ભભૂકતો હતો.

અને અા દરમિયાન અમે સિદ્ધપુરમાં એલાન કર્યું : ધારાસભ્યોનો સામાજિક બહિષ્કાર કરો. સમગ્ર રાજ્યમાં ધારાસભ્યોનાં સામાજિક બહિષ્કારની વાતને જનતાએ વધાવી લીધી. અને અામ હવે, ધારાસભ્યોનાં ઘેર દૂધ –શાકભાજી-વર્તમાનપત્રો જવાનાં બંધ થયાં.

બાળકો પણ હવે પોતે ધારાસભ્યનાં સંતાન છે તેનાથી દુ:ખી થવા લાગ્યાં તેમના ઘરમાં પણ તનાવભરી પરિસ્થિતિનું નિર્માણ થવા લાગ્યું. ધારાસભ્યોને ગાડીમાં પૂરવા પેટ્રોલ મળતું બંધ થયું. હવે ચોક્કસપણે પરિસ્થિતિ વણસવા લાગી હતી ... હવે ધારાસભ્યો પોતાના પક્ષ ઉપર દબાણ વધારી રહ્યા હતા ...

અને અાની વચ્ચે, ‘રોશની દિવસ’ મનાવવાની જાહેરાત સૌરાષ્ટ્રમાંથી થઈ.

રાજ્ય ભરમાં સરકારી - અર્ધસરકારી - ખાનગી કોઈ પણ વાહનોએ ટ્રેઈન સહિત લાઈટ ચાલુ રાખવાની અને તો જ વહાન ચલાવવાનું. આશય હતો સત્તાધીશોનાં મગજનો અંધકાર દૂર કરવાનો.

રાજ્યપાલશ્રીના સલાહકાર એચ.સી. સરિન અવારનવાર માર્ગદર્શન મેળવવા દિલ્હી જતા, પણ ગુજરાત આવે ત્યાં પરિસ્થિતિ જુદી જ હોય ... હવે તે પણ મૂંઝાયા હતા.

અમારો પ્રવાસ જાહેરસભાઓ – રેલીઓ સરઘસો-ધરણાથી ચાલતો જ રહ્યો. સિધ્ધપુર પતે ત્યાં ઊંઝાનાં મિત્રો અમને લઇ જવા આવ્યા હોય, અને ત્યાં વાવ કે થરાદનાં મિત્રો રાહ જોતા હોય. અને આમ કરતાં કરતા પાટણ થઈ વિસનગર-વિજાપુર-ખેરાલુ-માણસા થઈને, ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરીએ. ત્યાં પાછા કોઈક જગ્યાએ ન ગયા તો તેની નારાજગી પણ દૂર કરવાની.

અને હવે અમારી એક મુસીબત હતી :

જ્યાં પણ જઇએ ત્યાં મનીષી અથવા મારે તો હાજર રહેવાનું જ ..... એક તરફ સભાઓ અને પ્રવાસ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય મીડિયાને સંભાળવાનું. ઊંઘી શકીએ નહિ. જમવાનું જે શક્ય બને તે. પ્રવાસ દરમ્યાન ઊંઘ આવે તો ગાડીમાં જ સૂવાનું.

.... અને આમ આંદોલન ચાલતું રહ્યું; હવે પાછી કાલે જાહેરસભા હતી રાયપુરમાં …

ભાગ : 23


ગુજરાત બંધ ..

સતત પ્રવાસ અને જાહેરસભાઓ ને કારણે સ્વાભાવિક જ થાક લાગતો હતો, અને આજે અમદાવાદના રાયપુરમાં સભા હતી, એટલે રાત સુધી આરામ મળવાની શક્યતા હતી. સવારે સ્કુટર ઉપર અમદાવાદના નટરાજ સિનેમા પાસે આવેલ અશોક પાન હાઉસ ઉપર હું અને નિરુપમ પાન ખાવા ગયા. અને અમે જોયું અચાનક જ કંઈ પણ સમાજ પડે તે પહેલાં, સામેની બાજુએ આવેલ એચ.કે. કોલેજ પાસે બેઠેલા વિદ્યાર્થીઓ ઉપર પોલિસ તૂટી પડે છે. ..... શા માટે ? શું વાંક ? તે સમજવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યું કે ચાર દિવસ પહેલાં, આ સ્થળે એક બસના કાચ તોડવામાં આવ્યા હતા. અાજના પોલિસ પગલાંમાં, એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો હતો. અમે રસ્તા ઉપર પસાર થતાં વાહનને અટકાવી, તે વિદ્યાર્થીને વાડીલાલ હોસ્પિટલ લઈ ગયા, પણ સારવાર મળે તે પહેલાં જ યુવાન મૃત્યુ પામ્યો, શહીદ થયો …

૯૪ કલાક પહેલાં બનેલી ઘટના માટે, મનફાવે તેનો ભોગ લેવાની આ નીતિ કઈ જાતની ? અને આ સમાચાર વાયુ વેગે ફેલાયા અને પરિણામે અમદાવાદમાં અકલ્પ્ય તોફાનો આરંભાયા. સમગ્ર કોટ વિસ્તારમાં કરફ્યું નખાયો. સ્વાભાવિક રાયપુરની જાહેર સભા રદ્દ થઈ. મનીષીને બહારગામ આ સમાચાર મળતા તે પણ અમદાવાદ આવી ગયો. હું - મનીષી -નિરુપમ - રાજકુમાર  - અશોક ઢબુવાલા - મૂકેશ પટેલ - પંકજ પટેલ - શૈલેશ શાહ - જીતુ શાહ વગેરે ભેગા થયા. બીજે દિવસે અમદાવાદ બંધનું એલાન આપ્યું. રાજ્યપાલને પણ મળી, આવા અમાનુષી પગલાંનો વિરોધ કરી, જવાબદારો ઉપર હત્યાનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો.

જોતજોતામાં અમદાવાદ બંધનાં પગલે રાજ્યના અનેક ભાગોમાં બંધનાં એલાન અપાયા. રાજ્ય સરકારનાં કર્મચારીઓએ પણ પેન ડાઉન સ્ટ્રાઈકની ઘોષણા કરી. બાર કાઉન્સિલે પણ વકીલોને કામકાજથી દૂર રહેવા અપીલ કરી. અને આમ ગુજરાત બંધ ....

ગુજરાત બંધમાં તોફાનો તેની ચરમ સીમાએ પહોંચ્યા. કોઈક જગ્યાએ રેલવેના પાટા ઉખેડી નખાયા, તો કોઈ જગ્યાએ હાઈવે ખોદી નખાયા. કેટકેટલી બસો સળગી. ... અને ખૂબ તોફાનો. ... શહાદતનો આંક વધી ને ચાર.

સરકારી ઓફિસો અને સચિવાલય બંધ રહેતા સરકાર ધ્રુજી ગઈ હતી.

હવે આ પરિસ્થિતિમાં, મેં મારા હવે પછીના પ્રવાસની સહમતી અંબધિતોને અાપી દીધી. અમદાવાદથી ખેડા - બાલાસિનોર - ઉમરેઠ - ડાકોર - બોડેલી - સાવલી - છોટાઉદેપુર - વડોદરા - પોર - ભરુચ - અંકલેશ્વર થઈ ને વલસાડ - બારડોલી - વાપીનો મારો અા પ્રવાસ હતો. મારી સાથે પ્રવાસમાં જીતેન્દ્ર શાહ અને ભારતી ગોહિલ અમદાવાદથી સામેલ થવાનાં હતાં સવારે બાલાસિનોરની પહેલી સભા બપોરે ૧૨-૦૦ વાગે હતી તે માટે અમે નીકળ્યાં. આ વિસ્તારનું આયોજન બાલકૃષ્ણ ખંડેલવાલ કરતા હતા. અમારી સભાઓની વિશિષ્ટતા એ હતી કે માત્ર બે કલાક પહેલાં જાહેરાત કરો તો પણ માનવ મહેરામણ ઉમટી પડતો.

સભાઓ થતી ગઈ .....

ક્યાંક પોસ્ટ ઓફિસો સળગે ......

ક્યાંક ટેલિફોન એક્ષચેન્જો તૂટે .......

ક્યાંક ટ્રેઈનો અટકી જાય ..... તો પાછું મંદિરોમાં કે મસ્જિદોમાં પ્રાર્થના પણ થાય. ગુજરાત હિસામાં માનતું નથી પણ અમને મજબૂર બનાવાતા હતા.

તોફાનોનો વ્યાપ વધતો જતો હતો. સરકાર વિચારી શકતી ન હતી, અને અચાનક સરિને સચિવાલયની સલામતી માટે એક ફતવો જારી કર્યો : સચિવાલયમાં પ્રવેશવા માટે હવે દરેક વ્યક્તિએ પાસ કઢાવવા પડશે.

આવાં ગતકડાં કરવાં સિવાય, સરકાર આંદોલનને સમજી શકતી નહોતી.

અમે જનતાને સંબોધી, હવે માત્ર ધારાસભ્યોનાં રાજીનામાં લેવાનાં જ કાર્યક્રમો યોજવા અપીલ કરતા હતા. અમારાથી સહન નહોતું થતું માત્ર યુવાનોનું બલિદાન .....
સભાઓમાં અપીલ કરીએ અને શાંત સત્યાગ્રહની વાત કરીએ તો પણ હવે યુવાનો ઉશ્કેરાતા હતા. સભાઓ કરતાં કરતાં બોડેલીમાં અશોક અને નારણકાકાનો પરિચય થયો, અને જે આજે પણ યથાવત છે. રાત પડવા આવી હતી અને પહોંચ્યા વડોદરા. સભા રાત્રે ૯-૦૦ વાગે હતી. પ્રકાશ કોકો – પ્રકાશ પંડ્યા – જીતુ પંડ્યા − જીતુ તિવારી − નરેન્દ્ર તિવારી − ચંદ્રકાંત શ્રીવાસ્તવ વગેરે નવનિર્માણના આગેવાનો મળ્યા. અને આજે પણ અા સંબંધો યથાવત. ફક્ત જા બાંઝ મિત્ર પ્રકાશ કોકો અમને, આપણને, સહુને છોડી ચાલી ગયો .......

ભાગ : 24

રાજીનામાં માટે સંઘર્ષ ...

પ્રવાસ ચાલતો રહ્યો. મનીષી વિવિધ વિસ્તારોમાં જાય. રાજકુમાર અને મિત્રો અમદાવાદ સંભાળે. અને હું મારી સાથે દરેક વખતે જુદા જુદા આગેવાનોને લઈ પ્રવાસ કરું.

કોંગ્રેસ પક્ષની એટલી તાકાત કે કોઈ મૂડીપતિ અમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષવા આગળ ન આવે.

હું સુરેન્દ્રનગરના પ્રવાસે જવા નીકળ્યો. તે દિવસે લખતર, ચોટીલા, બામણબોર, લીંબડી અને સુરેન્દ્રનગરની જાહેર સભા હતી. લખતરમાં મને મળે છે પ્રદીપ દવે (બકો). ખૂબ સારી સભા. સભા પૂરી થઈ અને બકો મારી સાથે જોડાઈ ગયો. અમે આજે પણ મિત્રો જ છીએ.

ચોટીલા, બામણબોર, લીંબડીની સભાઓ કરી અને વધુમાં વધુ ધારાસભ્યોનાં રાજીનામાં મેળવવાના કાર્યક્રમમાં સક્રિય થવા આહ્વાન આપ્યું. રાત્રે સુરેન્દ્રનગર કોલેજ ગ્રાઉન્ડની સભામાં એક કલાક મોડા પણ પહોંચ્યા, અકડેઠઠ્ઠ માનવ મેદાની અને સભાનું આયોજન પણ ભવ્ય. સભામાં સંબોધન ચાલતા હતા, ત્યાં જ સુરેન્દ્રનગર નવનિર્માણના અગ્રણી જ્યોતિ શાહ ઉપર ઘાતક હુમલો થયો. સભાને કાબૂમાં લેવા મેં માઈક સંભાળ્યું અને મિત્રોને જ્યોતિને સારવાર માટે સત્વરે હોસ્પિટલ લઈ જવા જણાવી, સભાનું સંબોધન ચાલુ રાખ્યું. હુમલાને કારણે મારામાં પણ વ્યાપક ઉશ્કેરાટ હતો. આમે ય મારું સંબોધન ભડકાવનારું  હોય જ. એટલે જરા વધુ ઉગ્રતા ...... સભાના માત્ર અર્ધા કલાકમાં સુરેન્દ્રનગર અને વઢવાણમાં કરફ્યું લગાવાયો.

મોડી રાત્રે, હોસ્પિટલથી નીકળી અમદાવાદ આવવા રવાના થયા. બીજે દિવસે અમદાવાદના ધારાસભ્ય નરસિંહભાઈ મકવાણાનું રાજીનામું લેવા માટે સરઘસ રૂપે તેમને ત્યાં જવાનું હતું.

અને બીજે દિવસે સવારે છાપાંઓએ એક એવા સમાચાર પ્રસિદ્ધ કર્યા કે ...... ‘નવનિર્માણ આંદોલનના નેતાઓમાં મને ગાંધી-સરદાર અને સુભાષનાં દર્શન થાય છે’ ..... કોંગ્રેસના વરિષ્ઠ અને પીઢ આગેવાન ઝીણાભાઈ દરજીના આ શબ્દો હતા. અને આ સમાચાર સતત ચર્ચાતા રહ્યા.

અમદાવાદની માંડવીની પોળથી આજે બપોરે ૧૨-૦૦ વાગે હજારો યુવાનોની ઉપસ્થિતિમાં રાજકુમાર ગુપ્તાના નેતૃત્વમાં સરઘસનો આરંભ થયો. નરસિંહભાઈ મકવાણાના મજૂરગામ સ્થિત નિવાસસ્થાને અમારે જવાનું હતું. અમે એસ.ટી. બસસ્ટેન્ડ પાસે પહોંચ્યા જ્યાં સરઘસ સભાના રૂપમાં ફેરવાઈ. ‘રાજીનામું શા માટે’ની વિગતો આપી. અને આપણે જનતાએ ચૂંટેલા સભ્યોનાં રાજીનામાં માંગવા જતા હોઇએ, ત્યારે સ્વાભાવિક શિસ્ત જાળવવા વિનંતી કરી. સભા પાછી સરઘસમાં ફેરવાઈ અને અમે મજૂરગામ તરફ આગળ વધ્યા. ગીતામંદિર પાસે અમારા સરઘસના સૂત્રોચ્ચારનો પ્રતિકાર થયો. સ્વાભાવિક જ દલિત વસ્તી ધરાવતા આ વિસ્તારમાં રાજ્યના સહુથી વડીલ દલિત નેતાનું રાજીનામું લેવું એ અત્યંત કઠીન હતું.

અને સ્વાભાવિક, અમારો પ્રતિકાર કરતા સૂત્રોચ્ચારોથી ઉશ્કેરાયેલ ટોળાંમાંથી કોઈકે સામેની બાજુ એક પથ્થર ફેંક્યો. અને ચાલુ થયો સંઘર્ષ ....

આ સંઘર્ષ દલિત અને ઉજળિયાત લોકો વચ્ચેના સંઘર્ષમાં ન પરિણામે અને આંદોલન અવળે ફાટે ન ચડી જાય તે હેતુથી રાજકુમાર શાંતિ રખાવવા આગળ વધ્યો. ત્યાં જ એક ઈંટ તેની ગરદન ઉપર વાગી. તે બેહદ ગંભીર રીતે ઘવાયો. તેને તાત્કાલિક સારવાર માટે વાડીલાલ હોસ્પિટલ ખસેડાયો. મેં પોલિસ જીપની માઈકથી શાંતિ રાખવા સતત પ્રયાસ કર્યો, પણ જ્યાં સુધી વધારાનો પોલિસ ફોર્સ ન આવ્યો, ત્યાં સુધી સંઘર્ષ ન જ અટક્યો.

અને અમે પહેલું જ રાજીનામું મેળવવા નિષ્ફળ રહ્યા ......

તે જ દિવસે અમે બધા અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં રાજકુમાર ગુપ્તાની રૂમમાં મળ્યા. અને સંઘર્ષ ટાળવા વિનંતી કરતી વાત પ્રેસ સમક્ષ અપીલ રૂપે મૂકી.

રાજકુમારની તબિયત વિષે ડોક્ટરો પાસે તપાસ કરતાં જાણ્યું કે તેણે ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે. તેમણે ઈજાની ગંભીરતા પણ જણાવી ....

રાજકુમાર સાથે વાત કરી અમે બધા છુટ્ટા પડ્યા.

http://historyofnavnirman1974.blogspot.in/2013/03/blog-post.html

Category :- Samantar Gujarat / History