SAMANTAR

રતન તાતાની‘નાનો’ કાર નિમિત્તે‘દૂધમાં સાકર’ના ગળચટ્ટા ભૂતકાળને ગૌરવથી વાગોળવાની બહુ મઝા છે.  કેમ કે, તેમાં નજીકના- અને જેમાં આપણી કંઇક જવાબદારી હતી એવા-  અકળાવનારા ભૂતકાળને ભૂલી જવાની સગવડ મળે છે. છ વર્ષ પહેલાંનો એવો ભૂતકાળ, જ્યારે દૂધમાં સાકરની કથાનું ગૌરવ લેતા ગુજરાતમાં,  સાકરને વીણી વીણીને દૂધમાંથી બહાર કાઢવાનો ક્રૂર સિલસિલો ચાલ્યો હતો.

ના, ‘ફરી એક વાર ૨૦૦૨ની વાત’ કરવાની નથી. વાત છે હિંસાના એ દૌર પછી ગુજરાતી મુસ્લિમોએ લખેલી કવિતાઓની અને તેમાંથી નીપજતી ગુજરાતની બહુચર્ચિત અસ્મિતાની.

કોમી હિંસા પછી રાહત છાવણીઓમાં, અલગ વસાહતોમાં અને ક્યાંક સમાજની વચ્ચે હોવા છતાં મુસ્લિમો હાંસિયામાં ધકેલાઇ ગયા હતા. તેમના પ્રત્યે મતલબી સહાનુભૂતિ બતાવ્યા વિના, તેમની વેદનાનો પોતાની પ્રસિદ્ધિ માટે ઉપયોગ કર્યા વિના, તેમની લાગણીનો તાગ પામવાનું કામ અઘરૂં હતું. હતપ્રભ ગુજરાતી મુસ્લિમોમાંથી કેટલાકના અંતરમાંથી ઉઠતા અને બહાર જેને કોઇ સાંભળતું નથી એવા અવાજોને પત્રકાર આયેશા ખાને  ‘સ્કેટર્ડ વોઇસીસ’ (હિંદીમાં ‘કુછ તો કહો યારોં’) શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કર્યા છે. ‘બુક્સ ફોર ચેન્જ’ જેવી  સંસ્થા દ્વારા પ્રકાશિત આ સંકલન ગુજરાતની અસ્મિતાનો એક નવો આયામ ઉપસાવવાનો પ્રયાસ છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિક સાથે સંકળાયેલાં આયેશાની કર્મભૂમિ વડોદરા છે, પણ તેમનાં મૂળ મહારાષ્ટ્રમાં છે. મરાઠી તરીકેની સાંસ્કૃતિક ઓળખમાં ગૌરવ અનુભવતાં આયેશા ૨૦૦૨ના હિંસાચાર સુધી પોતાની જાતને ગુજરાતી તરીકે ઓળખાવતાં ન હતાં. ૨૦૦૨ પછી મુસ્લિમ તરીકેની ઓળખના પણ ઘણા પ્રશ્નો ઊભા થયા.  પોતાની એક કવિતામાં તેમણે મુસ્લિમો માટે ‘નવા અછૂત’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે. (કેટલીક પંક્તિઓઃ નયા અછૂત/ જિસકા હો ઉપયોગ, દુરૂપયોગ/ દિયા જાએ દંડ/ઉડાયા જાયે ઉપહાસ/સંસારકે હર અપરાધ કે લિએ/ ચઢાયા જાએ સલીબ પર/માનવતાકે હર પાપકે લિએ/ ધૃણાકા નયા પાત્ર/નયા અછૂત)

પરંતુ હિંસાચાર પછી ગુજરાતી મુસ્લિમોનો વણસંભળાયેલા અવાજ પ્રત્યે કાન માંડવાની જહેમત તેમને ફળી. તેમણે લખ્યું છે,‘ગુજરાત ગાંધી અને ગરબાથી ઓળખાતું રહ્યું છે. એ બન્ને મને ‘ગુજરાતી’ બનાવી શક્યાં નહીં, પણ ગોધરા અને ૨૦૦૨ની હિંસાએ છેવટે મને ગુજરાતી બનાવી દીધી.’

કેવી રીતે? તેનો જવાબ ગુજરાતની અસ્મિતાના તમામ પ્રેમીઓ માટે વિચારપ્રેરક છેઃ ‘૨૦૦૨ના હત્યાકાંડ પછી...દરેકને એવી બીક લાગતી હતી કે ઘાયલ, લૂંટાયેલી-માર ખાધેલી  આ (મુસ્લિમ) બિરાદરી, જેને અમસ્તી પણ હિંસક ગણવામાં આવતી હતી, એ ક્યાંક વળતો હુમલો ન કરી બેસે. કોઇએ તેમની ચૂપકીદીને, દર્દ અને ગુસ્સો ખમી ખાવાની વૃત્તિને, ભેદભાવ ભૂલાવી દેવાની તેમની ક્ષમતાને ઘ્યાનમાં લીધી નહીં...નવાઇની વાત એ છે કે મુખ્યત્વે ચોટગ્રસ્ત (મુસ્લિમ) સમુદાયે જ ‘શાંત, વ્યવહારૂ અને અહિંસક’ તરીકેની ગુજરાતની છબીને જાળવી રાખી. ગુજરાતી મુસ્લિમોએ હુમલા વેઠ્યા,  વિશ્વાસઘાત સહન કર્યો, પણ ગુજરાતની ભૂમિ અને ગુજરાતી ભાષા માટેનો તેમનો એકતરફી પ્રેમ પૂર્વવત્ રહ્યો.’

ગુજરાતી મુસ્લિમોની આ ખૂબીએ આયેશાને ‘ગુજરાતી’ બનાવવામાં મોટો ફાળો આપ્યો. તેમણે ગુજરાતભરમાં ફરીને ગુજરાતી મુસ્લિમોએ ગુજરાતી, હિંદી, હિંદુસ્તાની ભાષામાં લખેલી કવિતાઓ એકઠી કરી. પરિણામે, કુલ ૩૮ કવિઓની કવિતાઓના હિંદી અને અંગ્રેજી અનુવાદ ઉપલબ્ધ બની શક્યા છે. તેમાં આદિલ મન્સૂરી, ખલીલ ધનતેજવી, અઝીઝ કાદરી, શમ્સ કુરૈશી, રહમત અમરોહવી, કુતુબ આઝાદ, દીપક બારડોલીકર જેવાં જાણીતાં નામોથી માંડીને સામાન્ય વ્યવસાયોમાં ડૂબેલા હોવા છતાં શાયરી સાથે નાતો જાળવી રાખનારા લોકોની કૃતિઓ સમાવિષ્ટ છે. જેમ કે, અમદાવાદમાં કસાઇનો વ્યવસાય કરતા ફારૂક કુરૈશીની નજાકતપૂર્ણ અભિવ્યક્તિ કોઇ પણ ભાવકનું ઘ્યાન ખેંચે એવી છે. તેમનો એક શેર છેઃ ‘મહફૂઝ કહાં કોઇ ફૂલોંકે કબીલે થે/ ઇસ સાલ હવાઓંકે નાખૂન ભી નુકીલે થે’. એક શેરમાં તે કહે છેઃ ‘ફારૂક જિસે પઢનેકે બાદ આદમી બને/ બચ્ચોંકે હાથમેં કોઇ ઐસી કિતાબ દે’.  અમદાવાદમાં હોમિયોપથીની પ્રેક્ટિસ કરતાં શમા શેખ આ સંગ્રહમાં હાજર એકમાત્ર કવયિત્રી છે. તેમની એક કૃતિની કેટલીક પંક્તિઓઃ પીને મનકા ઝહર તુમ્હારા/ કોઇ શંકર બન નહીં આનેવાલા/આ-આ કર બાતેં સુનાકર/ જાયેગા હર આનેવાલા.’

ફોટોલાઇનઃ (ડાબેથી) સરૂપ ધ્રૂવ, હિમાંશી શેલત, રધુવીર ચૌધરી, આબિદ શમ્સી, આયેશા ખાન અને (કોમ્પીઅર) ઉર્વીશ કોઠારી

 

આ સંકલનની હિંદી આવૃત્તિનું શીર્ષક ‘કુછ તો કહો યારોં’ જેમની કવિતા પરથી પ્રેરિત છે, તે દીપક બારડોલીકર પોતાની ઓળખ ‘પાકિસ્તાની ગુજરાતી’ તરીકે આપે છે. હાલ બ્રિટનમાં વસતા બારડોલીકર  કરાંચી હોય કે માન્ચેસ્ટર, પોતાની ગુજરાતી તરીકેની ઓળખને ભૂલી શકતા નથી. તેમણે હિંસાચાર દરમિયાન અને ત્યાર પછી મૌન ધરીને બેઠેલા સાહિત્યકારો અને બીજા ગુજરાતીઓને ઉદ્દેશીને લખ્યું છેઃ‘કંઇ તો કહો યારો/ કંઇ તો લખો યારો....છે કયામતો તૂટી/ઘોર આફતો છૂટી/ તોય ચૂપ બેઠા છો?/ સાવ મૂંગા બેઠા છો?/ આમ તો આ ખામોશી/ જુલ્મ, અત્યાચારોની/સંમતિ બની જાશે/જાલિમોની જોડીમાં/ નામ પણ ખપી જાશે/ માફ કરજો, ઓ યારો/શબ્દના પ્રદેશોમાં/ હોય છે સલીબો પણ/ શૂરા શબ્દના આશક/ થાય છે શહીદો પણ...’

‘કુછ તો કહો યારોં’ માં કવિતાઓ ઉપરાંત પત્રકાર તરીકે આયેશા ખાને ૨૦૦૨માં ગુજરાતના જુદા જુદા હિસ્સામાં વ્યાપેલી પરિસ્થિતિનો દૃષ્ટિવંત ચિતાર રજૂ કર્યો છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરની મદદથી પોતાની સલામતીની ચિંતા રાખ્યા વિના પંચમહાલની હિંસાનો તાગ મેળવી શકનારાં આયેશાનું સ્વસ્થ વલણ આ પુસ્તકને વધારે મૂલ્યવાન બનાવે છે. આ પુસ્તક એનજીઓ શૈલીના કોઇ ‘પ્રોજેક્ટ’ નું નહીં, આંતરિક ધક્કાનું પરિણામ છે, એ પણ જણાયા વિના રહેતું નથી. પુસ્તકના અંતે મુકાયેલો શાયરોનો પરિચય ખાસ્સો રસપ્રદ અને પ્રતિભાવકોના સામાજિક વ્યાપ-વૈવિઘ્યનો ખ્યાલ આપે છે.

પાંચ વર્ષની મહેનત પછી પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં સમાવિષ્ટ કવિતાઓના કાવ્યતત્ત્વની ચર્ચા અલગ વિષય હોઇ શકે છે,  પણ સંપાદિકાના મનમાં ‘ઉત્કૃષ્ટ કવિતાઓનો સંગ્રહ’ તૈયાર કરવાનો કોઇ આશય ન હતો.  આ સંગ્રહ પાછળનો સામાજિક સંદર્ભ કવિતાઓના મૂલ્યાંકન વખતે ભલે વચ્ચે ન લાવવાનો હોય, પણ સંગ્રહની જરૂરિયાત અને તેની મહત્તા આંકતી વખતે એ સંદર્ભ ભૂલવા જેવો નથી.

પુસ્તકની એક મર્યાદા એ છે કે તે ફક્ત અંગ્રેજી અને હિંદીમાં પ્રકાશિત થયું છે. ગુજરાતની અસ્મિતા નવા સંદર્ભ સાથે ઉજાગર કરી આપતું આ પુસ્તક ગુજરાતીમાં ઉતારવાનું કામ અલબત્ત ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાતના પ્રકાશનજગતનું જ છે.

Category :- Samantar Gujarat / Samantar

નક્કી નથી કરી શકાતું , અખિલ હિંદ સ્તરે આ અઠવાડિયે પહેલી સલામના હકદાર કોને કહેવા : 'કામ નહીં તો દામ નહીં 'ની ઢબે સાંસદોનો ઉધડો લેનાર સ્પીકર સોમનાથ ચેટરજીને - કે પછી, વિધિવત્ કાનૂન પૂર્વે કેવળ વટહુકમી જાહેરાત થકી પગારવધારો લેવા સબબ નન્નો ભણનાર જસ્ટિસ માર્લાપલ્લેને.

આરંભે કહ્યું કે નક્કી નથી કરી શકાતું , પણ આ લખતે લખતે એમ લાગે છે કે સ્પીકર સોમનાથ ચેટરજીની ભૂમિકાને કદાચ એટલી નવાઈ નથી જેટલી ઉચ્ચસ્તરીય ન્યાયતંત્ર સાથે સંકળાયેલાઓ પૈકી જસ્ટિસ માર્લાપલ્લેની છે. વાસ્તે, સ્પીકરબાબુ બાબતે બાઅદબ આદર અકબંધ રાખીને ટુ (બલકે થ્રી) ચિયર્સ ફૉર હિઝ લૉર્ડશિપ.

તમે જુઓ કે જસ્ટિસ માર્લાપલ્લેનું આ વલણ ત્યારે પ્રગટ થઈ રહ્યું છે જ્યારે દેશનું ઉચ્ચસ્તરીય ન્યાયતંત્ર, એક જાહેર સેવાને નાતે, લોકને પોતાની માલમિલકત બાબતે બિનવાકેફ રાખવા માટે ન્યાયતંત્રની સ્વતંત્રતા કે સ્વાયત્તતા અને ગરિમા - હા, ગરિમા-ની દુહાઈ દઈ રહ્યું છે. માહિતી અધિકાર અન્વયે કોઈ આ બધી વિગતો માગતું આવે તો નામદાર સાહેબોને એમાં હોદ્દાની અવમાનના અને અવહેલના અનુભવાય છે. કેમ જાણે, લોકતંત્રનું ભાવિ આ તંત્રના અદકા અંગરૂપ ન્યાયતંત્રના કર્તાકારવતાઓની આવકજાવકને આમજનતાથી ઓઝલ રાખવા પર જ ન અવલંબતું હોય !

હમણાં ગુરુગોવિંદ બેઉ વચ્ચે કોને પરથમ પાયલાગણ ઘટે એવી એક અભિજાત અમૂઝણ વ્યક્ત કરવાનું બન્યું હતું, એને સારુ એક ધક્કો અલબત્ત સ્પીકર મોશાયના ગૃહ સમક્ષના એ ઉદ્ગારોથી વાગેલો હતો કે મને ઉમેદ છે કે વટહુકમ વાટે આવનારો પગારવધારો ન્યાયમૂર્તિઓ નહીં સ્વીકારે. તેજીને ટકોરો બસ થઈ પડે એવા આ ઉદ્ગારો હતા, અને છે; પણ અહીં તો ટોકરી શું ટોકરો વગાડ્યા કરે અને કર્ણસુખરામો એય ગરિમાના ક્ષીરસાગર પરે સ્વાયત્તતારૂપી શેષશય્યે પોઢ્યા કરે એવો ઘાટે છે.

પણ સ્પીકરે દેશ આખો સાંભળી શકે એ રીતે આવી ટકોર કરી ત્યારે એમને ખબર નહોતી કે મુંબઈ હાઈકોર્ટમાં જસ્ટિસ માર્લાપલ્લે નામે એક મૂર્તિ વિરાજે છે જેણે વટહુકમી પગારવધારો નહીં સ્વીકારવાનો નિર્ણય ક્યારનોયે અમલમાં મૂકેલો છે. એટલું જ નહીં, રૂડું તો એ બની આવ્યું કે સ્પીકરની ટકોરના આ આગોતરા પાલણહારે વધારામાં એવોયે આગ્રહ વ્યક્ત કર્યો કે ઉચ્ચતર ન્યાયતંત્રે, શું સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ કે શું રાજ્યોની વડી અદાલતોના ન્યાયમૂર્તિઓએ, પોતાની આવક અને અસ્ક્યામતો વરસોવરસ જાહેર કરવી જોઈએ. જજબાબુને આમ કહેવાનો અધિકાર અવશ્ય છે; કેમકે તેઓ વરસોવરસ આ વિગતો જાહેર કરતા રહ્યા છે એટલું જ નહીં પણ થોડા વખત પર પુત્રીનાં લગ્ન પાર પાડ્યાં ત્યારે પણ એમણે ખર્ચની વિગતો પ્રગટ કરી હતી.

જસ્ટિસે માર્લાપલ્લે નિમિત્તે આ ચર્ચા કરવાનો હેતુ આપણાં જાહેર તંત્રોને હાલના વસમા સંજોગોમાં સંવેદન, સમર્થન અને શક્તિનું ટાંચું ન પડે તે જોવાનો છે. આ નોંધ લખાઈ રહી છે ત્યારે જ અખબારોમાં એવો હેવાલ જોવા મળે છે કે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અનંત સુરેન્દ્રરાય દવેએ, રાજ્ય સરકારના મંત્રી માયા કોડનાની તેમજ વિહિપ નેતા જયદીપ પટેલને નીચલી અદાલતે આપેલ આગોતરા જામીન ( એન્ટિસિપેટરી બેલ) રદ કરવા માટેની અરજી સાંભળવાની ના પાડી છે.

ન્યાયમૂર્તિ અનંત દવેની આ 'નોટ બીફોર મી' મુદ્રામાં શું વાંચશું વારુ? અગાઉ સોરાબિદ્દીન - ખ્યાત નકલી મુઠભેડ (ફેક ઍન્કાઉન્ટર)માં સંડોવાયેલા ગુજરાત - રાજસ્થાનના પોલીસ અઘિકારીઓની જામીન અરજી રદ કરતાં એમણે સંકોચ નહોતો કર્યો. પ્રસ્તુત પૂર્વરંગના પ્રકાશમાં એવા અનુમાનને અવશ્ય અવકાશ રહે છે કે સોરાબુદ્દીન પ્રકરણ નો - નોન્સેન્સ ન્યાયતંત્રી ભૂમિકાનું નિર્વહણ કર્યા પછી ન્યાયમૂર્તિ દવે પર સત્તાપરિવારી ધોંસ અને ભીંસ વધી હશે.

ગમે તેમ પણ, ધોંસ ને ભીંસના આ દોરમાં તેમજ પ્રલોભનોના આ પરિવેશમાં, એકાદ સોમનાથ ચેટરજીનો અગર એકાદ માર્લાપલ્લેનો જમાતજુદેરા સૂર ઊઠવો એ કોઈ કમ આશ્વસ્તકારી બીના નથી. 

Category :- Samantar Gujarat / Samantar