SAMANTAR

આપણે બહુ સાંભળ્યું છે કે ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી. એ સાચું હશે, કારણ કે આપણે બંધચેકડેમ બાંધતા તો હજી હમણાં ડફણા ખાતાં ખાતાં શીખ્યા છીએ એટલે બની શકે કે ઘી-દૂધની નદીઓ સાગરમાં વહીને લુપ્ત થઈ ગઈ હશે. આજે આપણે પાણી સાચવતા નથી એ જોઈને ઘણા લોકો નદીઓ લુપ્ત થઈ રહી છે એવા બખાળા કરે છે, પરંતુ તેમને કોણ સમજાવે કે આ તો આપણે પરંપરા મુજબ જ ચાલી રહ્યા છીએ અને તેઓ એનું ગૌરવ લેવાને બદલે મોકાણ માંડતા હોય છે. ખેર, તેઓ નહિ સમજે. આજે વાત પાણીદૂધ કે ઘી નહિ, પરંતુ માખણની કરવી છે. દેશમાં આજે માખણની નદીઓ બે કાંઠે વહી રહી છે. ઘી-દૂધ કે પાણીનો શોક કર્યા વિના આપણે વગર પૈસે માત્ર આપણા દિમાગની પોલમાંથી પેદા કરી શકાતાં માખણની જે રેલમછેલ થઈ રહી છે તે જોઈને આંખો ઠારવી જોઈએ.

માખણે આપણી મૂળભૂત જરૂરિયાતનું સ્થાન લઈ લીધું છે.  રોટી-કપડા-મકાન અને હવે મોબાઇલ બાદ માખણને આપણી મૂળભૂત જરૂરિયાત તરીકે સ્વીકારી લેવું જોઈએ, પરંતુ આપણે બેકદર થઈને પણ આપણને ડગલે ને પગલે અત્યંત ઉપયોગી માખણને હજી સુધી આપણી મૂળભૂત જરૂરિયાત તરીકે ઓળખાવતા નથી, એમાં આપણને જ નુકસાન છે. માખણ જેમ મારનારની તેમ જેને મારવામાં આવે છે તેની પણ જરૂરિયાત હોય છે, એ વાત આપણે પણ ગંભીરતાથી લેવી જોઈએ. ખાનગીમાં તેના ઉપયોગને સ્વીકારવા છતાં જાહેરમાં તેની ઉપેક્ષાને કારણે માખણમાર ક્ષેત્રને કેટલું નુકસાન થાય છે તેનો આપણે ક્યારેય વિચાર કર્યો છે ખરો? તેનાથી આપણા આર્થિક વિકાસ દરને અને છેવટે રાષ્ટ્રને ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે. માખણમાર ક્ષેત્રને જાહેરમાં પ્રોત્સાહન મળતું નથી એટલે લોકો બિચારા માખણ ઘસી ઘસીને થાકે તોપણ તેના ધારાધોરણોના શિક્ષણ કે તાલીમના અભાવે ધારી પ્રગતિ કરી શકતા નથી અને તેનાથી તેમની આવક ઓછી રહી જતી હોય છે અને તેનો ફટકો રાષ્ટ્રની સરેરાશ  વ્યક્તિદીઠ આવકમાં પડતો હોય છે.

ત્રેતા યુગના અવતાર શ્રીકૃષ્ણ માખણચોર તરીકે ખ્યાત હતા, આજે કળિયુગમાં માખણમાર બન્યા વિના કૃષ્ણ પણ તમારો ઉદ્ધાર ન કરી શકે એવી માન્યતા બળવત્તર બની છે. સૌ કોઈ માખણમારકળામાં માહેર થવા થનગને છે. નવા નવા નોકરિયાતના શુભેચ્છકો માત્ર એટલું જ પૂછી લે છે કે માખણ મારતા આવડે છે ને? ન આવડતું હોય તો શીખી લેજે એટલે તને વાંધો નહિ આવે. નોકરીમાં શ્રીગણેશ કરનારને કૉલેજની પ્રેમિકાને બદલે પ્રોફેસર યાદ આવશે કે નોકરીમાં જેની આટલી બધી અગત્યતા છે એના વિશે કેમ કોઈએ કશી જાણકારી જ ન આપી? જોકે આજની પેઢી તેને જે જોઈએ છે તે મેળવી લે છે. નવી પેઢી તો નિશાળમાંથી જ માખણની કળા પોતાની જાતે જ શીખી લેતી હોય છે, પરંતુ વિધિવત્ શિક્ષણના અભાવે માખણમાર ઘણી વાર આ પ્રવૃત્તિમાં કાચો ઠરે છે.

આપણો દરેક નાગરિક માખણમાર કળામાં માહેર બને એ માટે એક રાષ્ટ્રીય યુનિવર્સિટી સ્થાપીને દેશમાં તેના માટેનાં તાલીમ કેન્દ્રો સ્થાપવા જોઈએ.શાળાકૉલેજોમાં આ કળા માટે સપ્તાહમાં એક વર્ગ લેવાય તેવું આયોજન કરવું જોઈએ. માખણમાર કળાનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે તો વિશ્વભરમાં ભારતના યુવાનોનો ડંકો વાગી જાય. મેનેજમેન્ટ ક્ષેત્રની ઇન્સ્ટિટ્યૂટ માટે વિશ્વભરમાં જાણીતું બનેલું ભારત માખણમાર કળાની ઇન્સ્ટિટ્યૂટ ખોલે તેના નામના સિક્કા પડે, કારણ કે માખણમારની સંસ્કૃતિ આપણે ત્યાં ઘણી જૂની છે. માખણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે તે આપણે સ્વીકારવું જ રહ્યું અને આ કળાને પ્રોત્સાહન આપવું જ રહ્યું.

Category :- Samantar Gujarat / Samantar

પન્ના નાયક

 

અમેરિકાનિવાસી અને અમેરિકનોને ગુજરાતી ભણાવતાં કવયિત્રી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે...

જૂઓ વિડીયો

Category :- Samantar Gujarat / Samantar