SAMANTAR

ગોધરાથી મહુવા જતાં

પ્રકાશ ન. શાહ

ગોધરા - અનુગોધરાની સાતવરસીએ સરવૈયું તો શું કાઢીએ. જ્યાં સુધી રાજ્ય સરકારનો સવાલ છે, પહેલાં જે વાત કેન્દ્રીય પોટા સમીક્ષા સમિતિએ કહી હતી તે જ આ દિવસોમાં ગુજરાત હાઇકોર્ટે પણ કહી છે કે ગોધરાની નિર્ઘૃણ ઘટના કોઈ આતંકવાદી કાવતરાની ઘટના હોય એવું નથી. તે ગુનાઇત અને એથી આકરી સજાને પાત્ર અવશ્ય છે, પણ તમે જેને 'પ્રિવેન્શન ઑફ ટેરર' સારુ બનાવેલ કાયદો એટલે કે પોટા કહો છો એનો કેસ આ નથી.

મુદ્દે, પોટા સમિતિએ અને તે પછી સર્વોચ્ચ અદાલતે સુદ્ધાં આમ કહ્યા છતાં રાજ્ય સરકાર પોટાને વળગી રહી છે. એનો અર્થ જ એ થયો કે તે કાયદાના શાસન બાબતે બેપરવા છે - બલકે, એથી વિપરીત વલણને વરેલી અને વળગેલી છે. સર્વોચ્ચ અદાલતના આદેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના તપાસ હેવાલમાં, ૨૦૦૨ના બધા જ મુખ્ય કેસો બાબત (રાજકીય નેતૃત્વના દબાણથી) પોલીસે રફેદફે અગર પરબારા ફાઈલ કર્યાની કે પછી મેળાપીપણું દાખવ્યાની જે છબિ હમણાં માયા કોડનાની પ્રકરણમાં વધુ એક વાર માલૂમ પડે છે તેમાં પણ કાયદાના શાસન બાબતે રાજ્ય સરકારની ઉલાળ મુદ્રા રાબેતા મુજબ દેખાઈ આવે છે.

સરકાર અને સત્તાપક્ષનો આ રવૈયો તેમજ આ ભૂમિકા તપાસીએ ત્યારે સમજાઈ રહેતી વાત એ છે કે આ બધું જે ન બનવાનું બન્યું તે એમને પોતાની ચોક્કસ રાજકીય વિચારધારાને કારણે કદાચ ધર્મ્ય ને કર્તવ્ય જેવું લાગતું રહ્યું છે. મતમૃગયાનો મુદ્દો , બને કે, પછીથી ઉપસ્થિત થતો હોય - પણ 'આતતાયી'ના વધમાં ધર્મકર્તવ્ય જોતી માનસિકતા કદાચ પહેલી આવતી હશે.

જ્યાં સુધી સુશિક્ષિત ગુજરાતી વર્ગનો સવાલ છે, એનાં મનોવલણો જોકે વધુ તપાસ માગી લેતાં, ચિકિત્સાલય એટલાં જ ચિંતાજનક પણ છે. કૉંગ્રેસ કે બીજા પક્ષો બાબતે આ વર્ગમાં વિરોધ-અગર-વાંધા-લાગણી હોય તો ભલે હોય. વિકલ્પની શોધમાં ગુજરાતમાં બીજું કોઈ ન જડે અને માત્ર ભાજપ જ સક્ષમ લાગે તેમ હોય તો ભલે હોય. આ વર્ગે માત્ર એ એકબે સવાલના  જવાબ, નાગરિક સમાજની દૃષ્ટિએ આપવા રહેશે : કાયદાના શાસનમાં તમે માનો છો કે કેમ. જો કાયદાના શાસનનું ઉલાળિયું કરવામાં કોઈ રાજકીય વિચારધારાકીય સમર્થન મળી રહેતું હોય તો તમને તેમાં વાંધો છે કે કેમ.

જો આટલા બે સીધાસાદા સવાલ ગુજરાતમાં અને બૃહદ્ ઉર્ફે એનઆરઆઈ ગુજરાતમાં ગુપચાવાઈ શકાતા હોય તો એનું કારણ સરકારી તેમજ સત્તાપરિવારી ધોંસ અને દોંગાઈમાં જ માત્ર નથી. જે સુખી, શિક્ષિત મધ્યમવર્ગ સામાન્યપણે વિચારક્ષમ લેખી શકાય એની સરળ ગાફેલિયત પણ આ સવાલોની ગુપચામણી વાસ્તે જવાબદાર છે.

તમે જુઓ કે ૨૦૦૨નું રાજકીયશાસકીય નેતૃત્વ અને આજનું  રાજકીયશાસકીય નેતૃત્વ, બેઉમાં ફેર છે એમ આપણને કહેવામાં આવે છે. અને પછી ઉમેરવામાં આવે છે કે આ તો એક સીઈઓ ઉભરી રહ્યો છે, પણ તમે તમારા જૂના ખયાલો છોડી શકતા નથી. ભાઈ, તમે એ તો કહો મને કે જો ૨૦૦૨ના અને ૨૦૦૯ના નમો જુદા હોય અને એથી સ્વીકાર્ય બનતા હોય તો તે જ્યારે આજના જેવા નહોતા એટલે કે ૨૦૦૨માં પેશ આવ્યા એવા હતા ત્યારે એ તમને મારી પેઠે અસ્વીકાર્ય લાગ્યા હતા કે કેમ. જો ત્યારેય સ્વીકાર્ય હતા અને આજેય સ્વીકાર્ય હોય તો પછી એમનામાં ફેર શો આવ્યો. એટલું સમજાય છે કે સીઈઓ સ્વાંગ અગર તો વાઈબ્રન્ટનો વેશ હાલની તરાહ ને તાસીરમાં ઠીક બંધબેસતો આવે છે અને એની મોહનીમાં તમે ૨૦૦૨નું દાયિત્વ ભૂલી પણ જઈ શકો.

જેને હું વ્યક્તિફેરે 'સરળ ગાફેલિયત'નો અગર 'સપાટ સમજ'નો કિસ્સો કહેવું પસંદ કરું તેવી એક બીજી વાત પણ ગોધરાની સાતવરસીએ કરી લેવી જોઈએ. આ આખી ચર્ચાને બિનસાંપ્રદાયિકતા વિ. સર્વધર્મસમભાવમાં નાહક ગૂંચવી નાખવામાં આવે છે. અથવા તો, ગાંધીજીની ધર્મભાવનાની આડશ લઈને હિંદુત્વ રાજનીતિના ટીકાકારોને આંતરવામાં આવે છે. ભાઈ, તમને બિનસાંપ્રદાયિકતાથી ઓછું  આવતું હોય તો જરૂર સર્વધર્મસમભાવની સમજમાં રોપાઈને વાત કરો. કશો વાંધો નથી. આમ પણ, રાજ્ય સાંપ્રદાયિક પક્ષપાત વગરનું એટલે કે બિનસાંપ્રદાયિક હોય અને સમાજના સ્તરે સર્વ ધર્મો વચ્ચે તેમજ સર્વ ધર્મો પરત્વે સદ્બાવ-સમભાવ પ્રવતતો હોય એ એક ઇષ્ટ વાત છે. ગયે મહિને મહુવામાં યોજાઈ ગયેલ ધર્મસંવાદ બાબતે બહાર આવેલી વિગતો વાટે આપણે જોયુંજાણ્યું તેમ ધર્મસંસ્થા પરત્વે તેમજ જે તે ધર્મ પરત્વે આલોચનાત્મક દૃષ્ટિબિંદુ શક્ય હોવાનું લૉજિક તો ધર્મવડાઓ સુદ્ધાં સ્વીકારે છે.

રાજ્ય સરકારે કાયદાના શાસન પરત્વે જે ઘોર અવજ્ઞા અને અવમાનના દાખવી તેની ચાલના સત્તાપક્ષના સાંપ્રદાયિક વલણમાં પડેલી હતી એવું જેમણે બિનસાંપ્રદાયિક ભૂમિકાએ ઊભીને કહ્યું એમણે શો ગુનો આચર્યો, કોઈ તો કહો. અગર તો, જેઓ એને વિકલ્પે સર્વધર્મસમભાવની ભૂમિકાએ ઊભીને વાત કરવાની હિમાયત કરે છે તેઓ રાજ્ય સરકાર અને સત્તાપરિવારની જવાબદારી નક્કી કરવામાંથી છટકી જવાનું લાઇસન્સ કઈ રીતે મેળવે છે, કોઈ તો કહો. અથવા, હું ગાંધીજીની ધર્મભાવનામાં માનવાનો દાવો કરતો હોઉં તેથી રાજ્યના અઘોર કૃત્ય પરત્વે આંખ-આડા-કાન કરવાનું  કશું વાજબીપણું હોય તો તે મને કોઈ સમજાવો.

આ દિવસોમાં ખબર નથી, એ જોગાનુજોગ હોય કે સાભિપ્રાય, પણ આ દિવસોમાં એટલે કે ગોધરાની સાતવરસીએ જ મહુવામાં સદ્ભાવના પર્વ યોજાઈ રહ્યું છે. વિશ્વગ્રામ (સંજય તુલા)ની પહેલથી કેટલાક મહિના ઉપર મોરારિબાપુની ઉપસ્થિતિમાં અહિંસા, શાંતિ, કોમી સંવાદિતા બાબતે શરૂ થયેલ સહચિંતન દોરના નિચોડ રૂપે રચાયેલ સદ્બાવના ફોરમના ઉપક્રમે મળી રહેલ સદ્ભાવના પર્વની જુદી જુદી બેઠકોમાં નારાયણ દેસાઈ, મૌલાના વહીદુદ્દીનખાન, ચંદ્રશેખર ધર્માધિકારી, દિલીપ સિમીયન, નરોત્તમ પલાણ અને શરીફા વીજળીવાળા વગેરે માંડણી કરવાનાં હોઈ પેલી 'સરળ ગાફેલિયત' અને 'સપાટ સમજ'થી ઊંચે ઊઠવાની ગુંજાશ એમાં અવશ્ય છે. જો એકત્ર સમુદાય આ ગુંજાશને કાલવી નહીં શકે તો 'સદ્ભાવના' અને 'સમભાવ' જેવા શબ્દપ્રયોગો ખાલી ખાલી ખખડ્યા કરશે, અને છેલ્લાં સાત વરસથી આપણે ત્યાં જે પ્રજ્ઞાઅપરાધની પરંપરા જારી છે એને સારુ ભલે અભાનપણે પણ અંજીરપાંદની ગરજ સારશે. હમણાં નિર્દેશી તે ગુંજાશને કાલવવા સારુ આ પર્વના નિમંત્રકો (તુલાસંજય, મહમંદ શફી મદની, સત્યકામ જોશી, ફાધર વિલિયમ, રાંગ દીવેટીઆ, ડંકેશ-ભારતી) મહુવાની ચર્ચા વિગતો અને તારણનોંધ ગુજરાતસુલભ કરે તે ઈષ્ટ લેખાશે. 

Category :- Samantar Gujarat / Samantar

રતિલાલ બોરીસાગર

 

સૂક્ષ્મ હાસ્ય માટે વિખ્યાત હાસ્યલેખક અને અભ્યાસનિષ્ઠ વિદ્વાન વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે...

જૂઓ વિડીયો

Category :- Samantar Gujarat / Samantar