SAMANTAR

ઝુઝારુ સમાજવાદી રામમનોહર લોહિયા (૨૩-૩-૧૯૧૦ : ૧૨-૧૦-૧૯૬૭)નું તો આ શતાબ્દી વર્ષ છે. કિયે છેડેથી એમને સંભારવાનું શરૂ કરવું ? થાય છે, જગતતખતે ઓબામાના ઉદયને અનુલક્ષીને અમેરિકી છેડેથી બે'ક વાત કરું. સ્વરાજ પછી લોહિયા બે વાર અમેરિકા ગયા હતા, ૧૯૫૧માં અને ૧૯૬૪માં પહેલીવાર એ ગયા અને અમેરિકામાં ઠેકઠેકાણે મળવાબોલવાનું, જાણવાસમજવાનું બન્યું એમાં મોન્ટગોમેરીનીયે મુલાકાતનો સમાવેશ થતો હતો. ત્યાંની એક સભામાં એ રંગદ્વેષ વિશે તેમ અન્યાય સામે સવિનય કાનૂનભંગ અગર સિવિલ નાફરમાનીના ગાંધીદીધા હથિયાર બાબત ખુલીને બોલ્યા હતા, બોલતે બોલતે ખીલ્યા હતા. કહે છે કે સભાર્થીઓમાં એક અશ્વેત સન્નારી પણ હતાં - રોઝા પાર્ક્સ. પછીથી, જેમના બસ-ધરણા સાથે સમતાની લડાઈ માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં એક નવો મુકામ હાંસલ કરવાની હતી એ રોઝા પાર્ક્સ.

જોકે ૧૯૫૧ની એ મુલાકાતમાં નહીં એટલા લોહિયા, પછીથી, ૧૯૬૪ની મુલાકાતમાં ઝળક્યા અને ચમક્યા હતા : હવે ચોપ્પનેક વરસના એ, ૧૯૪૨ના વીરનાયકો પૈકીના એક, સ્વરાજનાં બરાબળ સોળે વરસે ૧૯૬૩માં પહેલપરથમ લોકસભા લગી પહોંચ્યા હતા અને લાંબા સમય લગી વડાપ્રધાનપદે રહેલા જવાહરલાલ નેહરુ સામે ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત પર બહસ શક્ય બનાવીને ઇતિહાસ સર્જ્યો હતો. સ્વરાજના સત્તા-પ્રતિષ્ઠાનની ભીંત ફાડીને પીપળો જાણે કે ઊગવા કરતો હતો. સાંસદ લોહિયાએ અમેરિકાની મુલાકાત દરમ્યાન, ભારતીય લેબાસમાં (અલબત્ત, થોડા ગોરા મિત્રો સાથે) એક કાફેટેરિયામાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી, અને તેઓ એક અશ્વેત હોઈ એમને રોકવામાં આવ્યા હતા. હોહલ્લા વચ્ચે, આ સિવિલ નાફરમાનદારને પોલીસ બંદોબસ્ત ઉર્ફે પકડમાં ત્યાંથી ખસેડવાની નોબત આવી હતી.

ગમે તેમ પણ, લોહિયાને અમેરિકી ધરતી પર સત્યાગ્રહી પ્રતિકાર સૂઝી રહ્યો એ બીનામાં એક સાથે બે વાનાં બહાર આવ્યાં - એક તો , એ વિશ્વ નાગરિક હતા, અને બીજી વાત કે સમતાના સદાસન્નદ્ધ સિપાહી પણ હતા. સમતા અને સ્વતંત્રતાની લડાઈ તેમજ સિવિલ નાફરમાનીનું ઓજાર, એમને સારુ સર્વદેશીય-સાર્વભૌમ-સર્વકાલીન બાબત હતી. કદાચ એ જ એમના અસ્તિત્વની ઓળખ અને પરખ હતી. નેપાળ, જ્યાં એ, જયપ્રકાશ અને બીજા ૧૯૪૨માં કયારેક ભોમભીતર હતા - એ નેપાળમાં, પછીનાં વરસોમાં રાણાશાહી સામેના સંઘર્ષમાં ; દેશ આઝાદ થવામાં હતો અને ગોવા હજુ પોર્ટુગલ તાબે હતું ત્યારે ત્યાં સ્વરાજને સારુ સિવિલ નાફરમાની છેડવામાં, લોહિયા ક્યાં ક્યાં નહોતા ! ગોવાની જેલમાં હતા એ, ગાંધીએ ત્યારે કહેલું - લોહિયા આજે કારાગૃહમાં છે તો માનો કે ભારતનો અંતરાત્મા બંધનોમાં છે.

લોકસભામાં લોહિયા જેમ અવિશ્વાસની દરખાસ્ત ઉગામીને તેમ દેશવાસીની સરેરાશ આવક વાસ્તવમાં કેટલી છે એ મુદ્દે બહસ ઉપાડીને છવાઈ ગયા હતા. આ બહસની પિછવાઈ કહો, પગેરું કહો એમની એ માંડણીને આભારી હતાં કે અમેરિકા એના પ્રમુખ પાછળ પોતાની સરેરાશ માથાદીઠ આવકને હિસાબે જે ખરચે છે એના કરતાં અનેકગણું ગરીબ ભારત એના વડાપ્રધાન પાછળ ખરચે છે - રોજના પચીસ હજાર રૂપિયા. જવાહરલાલે પ્લાનિંગ કમિશનને ટાંકીને રોજની માથાદીઠ આવક ૧૫ આના કહી ત્યારે લોહિયાએ ૩ આના સાબિત કરી બતાવ્યા હતા. પહેલી વાર, ગરીબો અને ગરીબી એક સાર્થક ચર્ચાનો મુદ્દો ત્યારે બન્યાં હતાં. કદાચ છેલ્લી વાર પણ ; કેમકે ઇંદિરાજીનાં 'ગરીબી હટાઓ'માં પોપ્યુલિસ્ટ પોલિટિક્સનો પાક્કો પેચ હતો. જોકે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના દોરમાં વિશ્વવિમર્શમાંથી હવે તો ગરીબીનો કાંકરો જ નીકળી ગયો છે એ જોતાં આ પોપ્યુલિસ્ટ તો પોપ્યુલિસ્ટ બેત પણ ઠીક લાગે તો નવાઈ નહીં.

લોહિયા સમાજવાદી હતા, નિ:શંક હતા. પણ ગરીબીની ચર્ચામાં એમને માર્ક્સ સુધ્ધાં (માર્ક્સવાદની સહજ યુરોપીય પાર્શ્વભૂ જોતાં) બધો વખત જેમના તેમ સ્વીકાર્ય હશે તેમ જણાતું નથી. કૈં નહીં તોપણ એમનાં બે નિરીક્ષણો આ સંદર્ભમાં લાજિમ છે. એક તો, શું મૂડીવાદ કે શું સામ્યવાદ, બેઉ મોટા ઉદ્યોગો ને રાક્ષસકાય યંત્રઆયોજના પર ભાર મૂકે છે, એની સામે રોજગાર એટલા પ્રમાણમાં શક્ય નથી. જે ત્રીજી દુનિયા છે એને તો એની વિશાળ આમજનતા માટે, એના મધ્યમવર્ગી અને મહેનતકશ તબકાઓ માટે રોજગાર જ રોજગારની તાકીદ અને તકાજો તેમજ તાણ છે. યંત્રથી માણસનો વૃથા શ્રમ - ખાસ કરીને વેઠ - ઘટે તે ઠીક જ છે, પણ જરૂરત માફકસરની ટેક્નોલોજીની છે - એવી ટેક્નોલોજીની જેમાં  દૂર બેઠે કોઈ ભીમકાય ઉદ્યોગશાહનો, બહુરાષ્ટ્રીય કંપનીનો સંચાર ન હોય. ૧૯૫૧માં, અમેરિકાની મુલાકાત દરમ્યાન લોહિયાએ વ્યક્ત કરેલી ચિંતાઓ - કોઈએ ૨૦૦૮-૨૦૦૯ના અમેરિકાને યાદ કરાવવા જેવી છે.

સમતા અને સ્વતંત્રતાના આ સિપાહી વિશે વિશેષ હવે પછી.

Category :- Samantar Gujarat / Samantar

વતન કી ખાક મેં મિટ જાને કો જી કરે / સિંધુ ઔ બ્રહ્મપુત્રમેં ઘુલ જાને કો જી કરે

વિમલાતાઈ ગયાં. છયાસી વરસનું પૂણાર્યુષ, ક્ષણેક્ષણમાં જીવન ભરીને એમણે જીવી જાણ્યું અને સત્યાસીમે વરસે ધુળેટીને દિવસે હિમાલયજૂના આબુજીની ગોદમાં એ અનંતમાં લય પામ્યાં. શરીર સહજક્રમે સંકેલાતું આવતું હતું. હજુ નવેમ્બરમાં ‘ચેતના’ની વૈજ્ઞાનિક ગવેષણાના ઉપક્રમ સાથે એમના સૂચનથી દેશપરદેશના મિત્રો આબુમાં મળ્યા ત્યારે પણ એમને સારુ એમાં પ્રત્યક્ષ ભળવું શકય નહોતું. અંતેવાસીઓને સમજાવા લાગ્યું હતું કે તરતના મહિનાઓમાં, કહો કે શિવરાત્રિ- રામનવમીના અરસામાં તાઈ દેહ મૂકશે, અને ધુળેટીએ તો...

કેવી રીતે ઓળખાવીશું વિમલાતાઈને? ભાઈ, વિમલાતાઈ એટલે વિમલાતાઈ. આપણી સગવડ માટે વિશેષણો તો પ્રયોજી શકીએ. વિદૂષી કહીએ, જીવનસાધક કહીએ,મરમી ચિંતકથી માંડીને ભૂદાનકાળનાં ઝંઝાવાતી ઝુંબેશકાર સહિતની ઓળખો પ્રયોજીએ. પણ આ એકોએક શબ્દને અને વિશેષણને ખુદને ઓળખાવે એવાં એ હતાં. માટે કહ્યું કે વિમલાતાઈ એટલે વિમલાતાઈ.

નાનપણમાં મિત્રો સાથે મળીને વિવેકાનંદ મંડળ જેવી પ્રવૃત્તિઓ ચલાવતી આ મેધાવી છોકરીના રંગઢંગ એવા બિનદુનિયાદારી હતા કે કોઈ કુટુંબીજનોના કહ્યાથી એ કોઈ મનોરોગી તો નથી ને એવી દાકતરી તપાસ કરાવાયાનુંયે સાંભળ્યું છે. હતીયે ફાંટાબાજ. આંતરકોલેજ વકતૃત્વ સ્પર્ધામાં છોકરીને નહીં મોકલવાનો વણલખ્યો નિયમ ચાલ્યો આવતો હતો એના વિરોધમાં કોલેજ છોડી દીધેલી! રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ અને સર્વોદયચિંતક દાદા ધર્માધિકારી બેઉ સાથેનો નિકટનાતો, દરમિયાન, એના ભાવજગતનું ઘડતર જરૂર કરતો રાો હશે. પણ કુમારી વિમલા ઠકાર એકદમ ઊંચકાયાં અને પોંખાયાં તે ૧૯૫૧-૫૨ આસપાસ. ફિલસૂફીમાં એમ.એ. થયેલાં અને વર્લ્ડ એસેમ્બલી ઓફ યૂથ (વે) પ્રકારનાં આયોજનોમાં ભાગ લેવા પરદેશ ગયાં ત્યારે એવા કોઈક પ્રસંગે વિજયાલક્ષ્મી પંડિતની નજરમાં એવાં વસી ગયાં કે એમણે ભાઈને (જવાહરલાલ નેહરુને) તાર કર્યો: આ તરુણીને ઝડપી લેવા જેવી છે!

જોકે દેશના ઘટનાક્રમ બાબતે દાદા ધર્માધિકારી સાથેના પત્રવ્યવહારથી વાકેફ વિમલાને ભૂદાન આંદોલનનાં ખેંચાણ હતાં. ઝંઝાવાતી ઝુંબેશનાં એ વર્ષોમાં વિમલા જયપ્રકાશનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર તરીકે, સ્વતંત્ર વકતા તરીકે, નશામાં ધૂત જમીનદારને ‘ભાઈ’ના સંબોધને જીતી લઈ ભૂદાન મેળવનાર તરીકે એમ અનેકધા ઝળકયાં. પણ મોટી વાત જે બની તે ચાલુ પદયાત્રાએ ભારતની સમસ્યાઓ અને વિશ્વની વિચારધારાઓના અભ્યાસની. ધર્માધિકારીએ, જયપ્રકાશે, અરયુત પટવર્ધને બનાવેલી પુસ્ત સૂચિને અનુસરતાં વિમલા એમને જાગતા સવાલોના જવાબ વિનોબાજીથી માંડીને આ ત્રણે ઉપરાંત ક્રિવાલાણી, લોહિયા, કાલેલકર પાસે મેળવતાં ગયાં અને એમ આંદોલન યુનિવર્સિટીના નિંભાડામાં પાકતાં ચાલ્યાં.

પણ સમાજવિજ્ઞાની અને જીવનશોધકને નાતે ભરભૂદાનેય એમને એક અજંપો હતો કે લેનાર અને આપનાર બેઉ ‘દાન’ની માનસિકતામાં જીવે છે. શંકરાચાર્યે ભલે (દાદા અને વિનોબા ટાંકતા તેમ) દાનને સંવિભાગ કહ્યું હોય, પણ આ પ્રક્રિયામાં બેઉ પક્ષે કોઈ ચિતવૃત્તિનું પરિવર્તન (માલિકીભાવનું વિસર્જન) માલૂમ પડતું નથી.

એક રીતે, જો જરીક છૂટ લઈને પેરેલલ દોરવો હોય તો શ્રીમન નથુરામ શર્માની પાટે આવી શકત એવા પ્રસાદજી (નૃસિંહપ્રસાદ કહેતાં નાનાભાઈ ભટ્ટ) જેવો આ એક કિસ્સો હોઈ શકત, કે પછી જગદગુરુ જાહેર થવાને મામલે અણી ટાંકણે ‘ઓર્ડર ઓફ ધ સ્ટાર’ વિખેરી નાખતા જે. કૃષ્ણભૂર્તિ જેવી પણ આ એક સંભાવના હોઈ શકતી હતી: વિમલાજીની વિશેષતા એ રહી કે ભૂદાનથી હટવાની મંથનપળોમાં એમને (અલબત્ત, પોતાની ગુંજાશે કરીને) કૃષ્ણમૂર્તિના સાંનિઘ્ય ને સેવનની કુમક ખાસી રહી, પણ તે સીધાં ન સંકળાયાં હોય ત્યારે પણ પ્રત્યક્ષ કર્મક્ષેત્ર સાથે આજીવન રહ્યાં. હમણાં જેમ છૂટ લીધી તેમ થોડી વધુ છૂટ લઈને કદાચ એમ પણ કહી શકીએ કે જયપ્રકાશ અને કૃષ્ણમૂર્તિની વચમાં (પોતીકી વિશેષતાઓ સાથે) કયાંક એમનું સંતુલન બની આવ્યું. નિ:શંક વિમલોપમ એવું એ સંતુલન હતું. ભૂદાનથી દેખીતાં હટયાં ત્યારે એમણે આંદોલનના મિત્રોને જે પત્ર લખેલો, જરા જુદી રીતે એનો મહિમા એવો ને એટલો છે જેવો ને જેટલો સર્વોદય આંદોલન સાથે સંકળાતાં જયપ્રકાશે સમાજવાદી સાથીઓને લખેલા પત્રનો છે.
આબુ-ડલહાઉસી વાસ અને વિશ્વપ્રવાસનાં આ વર્ષોજીવનનિષ્ઠ અઘ્યાત્મ અગર અઘ્યાત્મનિષ્ઠર જીવનની રીતે તેમ શિબિરો ને સંવાદોના દોર વચ્ચે જાહેર જીવન સાથે (એમાં સીધાં ન પડયાં હોય ત્યારે પણ) સાર્થક સંધાનનાં રહ્યાં. એમને એટલું અવશ્ય સમજાઈ રહ્યું હોવું જોઈએ કે ગંગાસતી ને પાનબાઈએ ‘નહીં વરણ, નહીં વેશ’નો ને એવાં ‘નવલા દેશ’નો સાક્ષાત્કાર મનોમય જગતમાં કર્યે નભી ગયું હશે, પણ ગાંધી પછીની દુનિયામાં આ સાક્ષાત્કાર પ્રત્યક્ષ સમાજજીવનમાં કરવો રહે છે. કટોકટી સામેના લોકસંઘર્ષમાં પોતાની રીતે સહભાગિતા, જેપી જનતા પર્વ ઓલવાતું લાગ્યું ત્યારે ‘આપે (જેપીએ) ચેતાવેલી મશાલને બુઝાવા નહીં દઈએ’ની ભૂમિકાએથી લોકજાગૃતિ- લોકશકિત અભિયાનો, ધર્મસંપ્રદાયવાદથી મુકત એવી આઘ્યાત્મિક લોકશાહીનું એમનું અધિષ્ઠાન, સાંકડા ખયાલોથી મુકત નવી દુનિયા માટેની મથામણમાં આસામના છાત્ર આંદોલનથી માંડીને વાલેસાના સોલિડારિટી આંદોલન તેમ ગ્રીન મૂવમેન્ટના મિત્રો સાથે દિલી આપલે, ગુજરાત બિરાદરી થકી નિસબત ધરાવતા નાગરિકો પેદા કરવાનો પ્રયાસ, યુનાઇટેડ નેશન્સને સ્થાને યુનાઇટેડ પીપલ્સની પરિકલ્પના, દક્ષિણ એશિયાઈ બિરાદરી... શું સંભારવું ને શું ભૂલવું. કહ્યું ને તાઈ એટલે તાઈ.

Category :- Samantar Gujarat / Samantar