SAMANTAR

ભા.જ.પ.ની અસલિયત

ચંદુ મહેરિયા
08-12-2017

ગુજરાતમાં ભા.જ.પ.ને સવા બે દાયકા જૂની સત્તા ટકાવવી આ વખતે થોડી કઠિન લાગી રહી છે. એટલે પોતાના જૂના વિકાસના નારાને બદલે તે હવે “ન જાતિવાદ, ન ધર્મવાદ, હવે ફક્ત રાષ્ટ્રવાદ”નો રાગ આલાપી રહ્યો છે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પણ ગુજરાતના ચૂંટણી મુદ્દા તરીકે ‘યુવાનોને કામ સાથે અયોધ્યામાં રામ અને કલમ ૩૭૦’ની વાતો કરી છે. જો કે આ જ તો ભા.જ.પ.ની અસલિયત છે.

આઝાદી આંદોલન દરમિયાન જ કોમી ધોરણે સંગઠનો અને રાજકીય પક્ષો સ્થપાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ તેના નમૂના છે. હિંદુ મહાસભાના પ્રમુખ ડો. શ્યામાપ્રસાદ મુખરજી, ભારતને મહાન રાષ્ટ્ર બનાવવા, કોમી પૂર્વગ્રહો ત્યજવાના આગ્રહી હતા. પરંતુ હિંદુ મહાસભામાં હિંદુઓ સિવાયના અન્યનો પ્રવેશ પ્રતિબંધિત હતો. પાકિસ્તાન પ્રત્યેના અતિ ઉદાર વલણને કારણે નહેરુનું કામચલાઉ મંત્રીમંડળ છોડી ચૂકેલા શ્યામાપ્રસાદને તમામ ભારતીયો માટે ખુલ્લા અને ભારતનું  રાષ્ટ્ર તરીકે ઘડતર કરી શકે એવા રાજકીય પક્ષની જરૂરિયાત લાગી હતી. હિંદુ મહાસભામાં આ શક્ય નહોતું તેથી ૨૧મી ઓકટોબર ૧૯૫૧ના રોજ તેમણે ભારતીય જનસંઘની રચના કરી. આજનો ભારતીય જનતા પક્ષ તેની સંવર્ધિત આવૃત્તિ છે.

ભારતીય જનસંઘ આર.એસ.એસ.ની રાજકીય પાંખરૂપે જન્મેલું સંગઠન હતું. ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જનસંઘે ભારતીયતાના ખ્યાલને પોતાની રાજકીય વિચારધારા માની હતી. ભારતીય સરહદો અને રાષ્ટ્રીય એકતાનું રક્ષણ, સમવાયતંત્રને બદલે એકતંત્રી રાજ્યવ્યવસ્થા, પાયાના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી આર્થિક સમાનતા આણવી, માત્રુભાષામાં શિક્ષણ, ગ્રામોદ્યોગને પ્રોત્સાહન અને અણુબોંબનું સર્જન જેવી બાબતો આ પક્ષના મુખ્ય ઉદ્દેશો હતા. સામ્યવાદ અને લઘુમતીના અધિકારોનો વિરોધ તથા ગોહત્યા જેવા મુદ્દાઓ આ પક્ષના અગ્રતાક્રમે હોઈ તેની કટ્ટર હિંદુવાદી પક્ષની છાપ હતી. ચૂંટણીઓમાં આરંભે તેનો દેખાવ નબળો હતો. ૧૯૬૭માં ‘ભવ્ય જોડાણ’નો ભાગ બન્યા પછી તેનો પ્રભાવ વધ્યો અને તે સાથે દેશમાં જમણેરી બળનો ઉભાર થયો તે ઘટનાને હવે અડધી સદી થઈ છે. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં જનસંઘ વિપક્ષોની સાથે હતો.

૧૯૭૫ના માર્ચમાં દિલ્હીમાં જનસંઘના રાષ્ટ્રીય અધિવેશનને જયપ્રકાશ નારાયણે સંબોધ્યું હતું. જનસંઘના અધિવેશનમાં જેપીની ઉપસ્થિતિ અને સંબોધન તેના માટે મહત્ત્વનો વળાંક હતો. આ સંમેલનમાં અટલબિહારી વાજપાઈએ કહ્યું હતું, “અમારા મોટાભાગના કાર્યકર્તા મધ્યમવર્ગી ઉછેરવાળા છે. પણ જ્યારે તેઓ આમજનતાના આંદોલનો સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે એમનો અત્યાર લગીનો ઉછેર નવરૂપાંતર પામી રહ્યો છે. હમારા ચરિત્ર બદલ રહા હૈ.” કટોકટી પછીની લોકસભા ચૂંટણી, નવા રચાયેલા જનતા પક્ષના નામે લડાઈ-જીતાઈ. જનસંઘનું પણ તેમાં વિઘટન થયું હોઈ તે મોરારજી સરકારનો ભાગ બન્યા. પરંતુ બેવડા સભ્યપદના મુદ્દે ૧૯૭૯માં જનતાપક્ષ તૂટ્યો. તેથી ભારતીય જનસંઘનો ભારતીય જનતા પક્ષના નવા નામે ભારતની રાજકીય ક્ષિતિજ પર જન્મ થયો.

૬ઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ના રોજ મહાનગર મુંબઈમાં ભારતીય જનતા પક્ષનું સ્થાપના અધિવેશન યોજાયું હતું. ભા.જ.પે. જનસંઘ કરતાં પોતાનો એજન્ડા થોડો બદલ્યો હતો. ‘ગાંધીવાદી સમાજવાદ’ને પક્ષે પોતાનો રાજકીય આર્થિક-એજન્ડા બનાવ્યો હતો. મુંબઈ અધિવેશનમાં પક્ષે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ઐક્ય, લોકશાહી, વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા અને મૂલ્ય આધારિત રાજનીતિ જેવી બાબતો પર પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જો કે બી.જે.પી.ને ગાંધીવાદી સમાજવાદ બહુ માફક ન આવ્યો. ૧૯૮૫ના ગાંધીનગર અધિવેશનમાં ગાંધીવાદી સમાજવાદને ફગાવી દિનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ને અપનાવી લીધો. ભા.જ.પ.ના બંધારણની કલમ-૩માં એકાત્મ માનવવાદ પાર્ટીનું મૂળ દર્શન હોવાનું જણાવ્યું છે. બંધારણમાં પક્ષનો ઉદ્દેશ, ‘પ્રાચીન ભારતીય સંસ્કૃિત અને મૂલ્યોની સગર્વ પ્રેરણા ગ્રહણ કરતા ભારતના નિર્માણ’નું દર્શાવ્યું છે.

૧૯૮૪માં લોકસભામાં માંડ ૨ બેઠકો અને ૭.૭૪ ટકા મત મેળવનાર ભા.જ.પે. ૨૦૧૪માં ૩૧ ટકા મત અને ૨૭૨ બેઠકો મેળવી તેમાં તેની હિંદુત્વ રાજનીતિનો સિંહફાળો છે. લાલકૃષ્ણ આડવાણીએ રામ મંદિર મુદ્દાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી પાર્ટીનો જનાધાર વ્યાપક બનાવ્યો. ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી પક્ષમાં થોડા ચડાવ ઊતાર જોવા મળ્યા. બાબરી ધ્વંસ પછી પક્ષે ઉત્તર પ્રદેશની સત્તા ગુમાવી એટલે પક્ષમાં આત્મમંથનનો દોર શરૂ થયો. ગોવિંદાચાર્યે સોશ્યલ એન્જિનિયરિંગ તો ઊમા ભારતીએ ચહેરા, ચરિત્ર અને ચાલમાં બદલાવનો મુદ્દો ચર્ચાના ચોકમાં મુક્યો. ગોંવિંદાચાર્યે તો પક્ષે રામમંદિરનો નહીં રામરાજ્યનો માર્ગ લેવો જોઈતો હતો તેમ પણ કહ્યું હતું. રામમંદિરની સમાંતરે વી.પી. સિંઘે મંડલ રાજનીતિ શરૂ કરી. મુલાયમ, લાલુ, નીતિશ જેવું પછાત વર્ગના નેતાઓનું નેતૃત્વ દેશને મળ્યું.

મંદિર અને મંડલ રાજનીતિનો ઉપયોગ કરીને જ નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં કેન્દ્રની સત્તા મેળવી હતી. લોકસભા ચૂંટણીમાં ૧૯૮૪ પછી પ્રથમવાર કોઈ એક પક્ષને બહુમતી મળી તેના મૂળમાં દલિત આદિવાસી અને પછાત વર્ગના મતદારોનું ભા.જ.પ.ને મળેલું સમર્થન હતું. ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.એ ૮૦માંથી ૭૧ લોકસભા બેઠકો મેળવી, જે પક્ષને મળેલી કુલ બેઠકોના ૨૬ ટકા જેટલી હતી. જે ભા.જ.પ. શહેરી શિક્ષિત અને ઉજળિયાતોનો પક્ષ હતો તેણે સમાજના તમામ વર્ગોનું અને ગ્રામીણ ભારતનું પણ સમર્થન મેળવ્યું હતું. ભા.જ.પ.ના જનાધારમાં થયેલા આ વધારામાં પછાતવર્ગોના, ખાસ કરીને અતિ પછાતોના મોટા પ્રમાણમાં મળેલા મત હતા. એટલે પક્ષ પ્રમુખ અમીત શાહે બી.જે.પી.માં પ્રથમવાર ઓ.બી.સી. મોરચાની રચના કરી અને નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને બી.જે.પી.એ પહેલા ઓ.બી.સી. પ્રધાનમંત્રી આપ્યા હોવાના ગાણા ઠેરઠેર ગાયા. પછાત વર્ગો માટેના બંધારણીય પંચની રચના કે ઓ.બી.સી. અનામતમાં અતિ પછાત માટે અનામતની જોગવાઈની બાબત આ જ મંડલ રાજનીતિના ઉપયોગ માટેની રણનીતિ છે.

અમીત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ માટે ૧૫૦ બેઠકોનું લક્ષ્યાંક નક્કી કરી ચૂક્યા છે. ( ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પક્ષને તમામ ૨૬ બેઠકો અને ૧૬૨ વિધાનસભા સીટ્સ પર બહુમતી મળી હતી. તે જોતાં આ લક્ષ્યાંક નાનું છે અને તે પક્ષની પીછેહઠ સૂચવે છે.) ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે તેમનું લક્ષ્ય ૩૫૦ બેઠકોનું છે. આ અગાઉ પક્ષના ૧૧ કરોડ સભ્યોની નોંધણીનો વિશ્વવિક્રમ અને હવે આ બેઠકોનું લક્ષ્યાંક અમીત શાહને સંગઠન અને સત્તામાં વિસ્તારવાદી પ્રમુખ બનાવે છે. તેમને માત્ર ‘કોંગ્રેસમુક્ત ભારત’થી ધરવ નથી, તેઓ ‘ભા.જ.પ.યુક્ત ભારત’ બનાવવા માંગે છે. ગુજરાતમાં માધવસિંહ સોલંકી વિક્રમી બેઠકો મેળવી બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. બહુ લાંબી ન ટકેલી તેમની આ સરકારમાં પછાત વર્ગોનો દબદબો હતો ને કેબિનેટમાં એક પણ પાટીદાર મંત્રી નહોતો. એ પછી કોંગ્રેસે સત્તા ગુમાવી હતી જે હજી તેને હાથ લાગતી નથી. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પ્રવેશ પછી ભા.જ.પ.ની મંડલ-મંદિર રાજનીતિ કેવા પલટા લેશે અને સર્વસમાવેશક બનવા મથી રહેલો આ પક્ષ ફરી પોતાની અસલી વિચારધારા અને જનાધાર તરફ ચાલ્યો જશે કે કેમ તે આજે ગુજરાત અને કાલે દેશ નક્કી કરશે.

e.mail : maheriyachandu@gmail.com  

Category :- Samantar Gujarat / Samantar

જાતિવાદની ટીકા બધા કરે છે, પણ પ્રધાનમંડળમાં ખાતાંની વહેંચણી જાતિ અને લિંગના આધારે થાય છે

ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૩૦માં, લોકસભામાં અને ૩૩૨માં રાજ્યોના વિધાનગૃહોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ છે. ૧૯૩૨ના પૂના કરારમાં, દલિતોને તેમની વસ્તીના ધોરણે રાજકીય પ્રતિનિધિત્વ આપવાનું નક્કી થયું હતું. જે આજે આઝાદીના સાત દાયકે પણ ચાલુ છે.

ગુજરાત વિધાનસભામાં  દલિતોની  ૧૩ અને આદિવાસીઓની ૨૭ એમ કુલ ૪૦ બેઠકો અનામત છે.  દલિતોની ૧૩ અનામત બેઠકોમાં  સૌથી વધુ ૫ બેઠકો ( દસાડા, રાજકોટ ગ્રામ, કાલાવાડ,કોડીનાર અને ગઢડા) સૌરાષ્ટ્રમાં છે.  ઉત્તર ગુજરાતમાં ૩ (કડી, ઈડર અને વડગામ), અમદાવાદ શહેરમાં ૨ (અસારવા અને દાણીલીમડા) જ્યારે કચ્છ( ગાંધીધામ) મધ્ય ગુજરાત (વડોદરા) અને દક્ષિણ ગુજરાત(વડોદરા)માં એક એક અનામત બેઠકો છે. એટલે કે રાજ્યના તમામ ભૌગોલિક વિસ્તારોમાં દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ જોવા મળે છે.

૨૦૧૨ની ગુજરાત ધારાસભાની તેરમી ચૂંટણીમાં દલિતોની ૧૩ અનામત બેઠકોમાંથી ભાજપને ૧૦ અને કોંગ્રેસને ૩ બેઠકો મળી હતી. ૧૯૬૦ થી ૨૦૧૭ની તેર વિધાનસભા ચૂંટણીની કુલ ૧૫૮ દલિત અનામત બેઠકોના ધારાસભ્યોની પક્ષવાર સ્થિતિ જોઈએ તો કોંગ્રેસના ૮૬, ભાજપના ૫૪, જનતાદળના ૬, સંસ્થા કોંગ્રેસના ૫, સ્વતંત્ર પક્ષના ૪, જનતા પક્ષના ૨ અને અપક્ષ ૧ હતા. અત્યાર સુધીની તમામ વિધાનસભામાં કોંગ્રેસના દલિત વિધાનસભ્યો ચૂંટાતા રહ્યા છે. ૧૫૮ બેઠકોમાં કોંગ્રેસના સભ્યોની ટકાવારી ૫૪ છે. ભાજપનું દલિત રાજકીય પ્રતિનિધિત્વ છેલ્લી છ વિધાનસભામાં હતું, જે ૩૪ ટકા છે. પહેલી, બીજી અને ચોથી વિધાનસભાની તમામ દલિત અનામત બેઠકો પર માત્ર કોંગ્રેસના સભ્યો જ ચૂંટાયા હતા.  આ બાબતનું પુનરાવર્તન ૧૯૭૪ પછી ક્યારે ય થયું નથી. માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીના શાસનકાળમાં પણ દલિતો વિપક્ષે ચૂંટાતા રહ્યા છે અને દલિત ધારાસભ્યો માત્ર સત્તાપક્ષના જ હોય તેવું બન્યું નથી. એ જ રીતે અનામત બેઠકો પર સ્વતંત્ર પક્ષ, જનતા દળ, સંસ્થા કોંગ્રેસ અને જનતા પક્ષના ધારાસભ્યો પણ હતા. તે દર્શાવે છે કે દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ હંમેશાં કોઈ એક જ પક્ષે રહ્યું નથી.

આ પૂર્વેની ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ૧૩ અનામત બેઠકોની ચૂંટણીમાં ૧૦ રાજકીય પક્ષોના ૬૫ અને ૩૪ અપક્ષો મળી ૯૯ ઉમેદવારો હતા. જો કે તેમાંથી માત્ર બે જ મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જ જીત્યા હતા. આ ચૂંટણીમાં ૧૦ રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવા છતાં ૬ અપક્ષો ત્રીજા ક્રમે હતા. તેના પરથી અનામત બેઠકો પરના અન્ય પક્ષોના ઉમેદવારોનો જનાધાર કેટલો નગણ્ય હતો તેનો ખ્યાલ આવે છે. આ ચૂંટણીમાં બહુજન સમાજ પક્ષના ૪ અને નવી જ એવી ગુજરાત પરિવર્તન પાર્ટીના ૩ ઉમેદવારો ત્રીજા ક્રમે હતા. દલિતોના રાજકીય પક્ષની છાપ ધરાવતા બહુજન સમાજ પક્ષના જે ૪ ઉમેદવારો ત્રીજા ક્રમે હતા ત્યાં તેઓ ૫૦૦૦ મતો પણ મેળવી શક્યા નહોતા. એકમાત્ર ગાંધીધામ બેઠકના બસપા ઉમેદવારને ૪૭૮૩ મત મળ્યા હતા. અપક્ષો ભલે ૬ બેઠકો પર ત્રીજા ક્રમે રહ્યા પણ વડગામ બેઠકના અપક્ષ ઉમેદવારના ૫૧૯૦ મત સિવાય અન્યત્ર ક્યાં ય અપક્ષોને ઝાઝા મત મળ્યા નહોતા. હા, ગુજરાત પરિવર્તન પાર્ટી જે ત્રણ બેઠકો પર ત્રીજા ક્રમે હતી ત્યાં તેને મળેલા મત કોંગ્રેસને મળ્યા હોત તો કોંગ્રેસ જીતી શકે તેટલા નિર્ણાયક હતા.

રાજકીય અનામત બેઠકો, ખાસ કરીને દલિતોની રાજકીય અનામત બેઠકો પર હારજીત માત્ર દલિતોના વોટથી નકકી થતી નથી. આ બેઠકો પરના બિનદલિત મતદારોનું રાજકીય વલણ આ બેઠકનું પરિણામ નકી કરે છે. ૨૦૧૨ની ચૂંટણીમાં વડોદરા શહેરની અનામત બેઠક પર દલિતોના મત ૩૦૮૬૩ હતા. જ્યારે આ બેઠક પરના બીજેપીના વિજેતા ઉમેદવાર મનીષાબહેન વકીલને તેના કરતાં ત્રણ ગણા વધારે એટલે કે ૧,૦૩,૭૦૦ મત મળ્યા હતા. અમદાવાદ શહેરની અસારવા બેઠક પર દલિત મત ૩૯,૨૫૧ હતા. જ્યારે વિજ્યી બીજેપી ઉમેદવાર આર.એમ. પટેલને તેના કરતાં લગભગ બમણા ૭૬૮૨૯ મત મળ્યા હતા. કડી બેઠક પર દલિત મત માત્ર ૨૬૪૫૨ હતા. પરંતુ કોંગ્રેસના વિજ્યી ઉમેદવારને ત્રણ ગણા ૮૪૨૭૬ મત મળ્યા હતા. કોઈ એક મતવિસ્તારમાં દલિત મતો એકજથ્થે ન હોવાથી, રાજ્યમાં દલિત વસ્તી વેરવિખેર હોવાથી તથા ૨૦૧૨ની ચૂંટણીના  આંકડાઓ પરથી એટલું તો  સ્પષ્ટ ફલિત થાય છે કે દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ કોણ કરશે તે નક્કી કરવાનું માત્રને માત્ર દલિતોના હાથમાં રહ્યું નથી. એટલે જ દલિતોના ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ માત્રને માત્ર દલિત પ્રશ્નોને જ અગ્રતા આપે અને મતવિસ્તારના બિનદલિત મતદારોને ઓછી અગ્રતા આપે તેવું બનતું નથી. પણ તેનાથી વિરુદ્ધનું જરૂર બને છે. તેમણે ચૂંટ્ણી જીતવા માટે દલિતોના પ્રશ્નો તડકે મૂકવા પડે છે અને બિનદલિત મતદારોને મહત્ત્વ આપવું પડે છે કે તેઓ જરા ય નારાજ ન થાય તેની કાળજી લેવી પડે છે. તેમ છતાં તેઓ સમાજમાં અને રાજ્યમાં દલિત પ્રતિનિધિ જ ગણાય છે !

અનામત સહિતની બેઠકો પરના દલિત મતદારો કોઈ દલિત મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપે અને તે નિર્ણાયક બને તેવું ૨૦૧૨ની ચૂંટણીમાં જોવા મળ્યું નહોતું. થાનગઢ દલિત હત્યાકાંડનો મુદ્દો એ વખતે વ્યાપક રીતે ચર્ચાયો હતો. તેમ છતાં બીજેપીને રાજ્યમાં અને  અનામત બેઠકો પર મોટી જીત મળી હતી. ખુદ ચોટીલા થાનગઢની સામાન્ય બેઠક જે ૨૦૦૭માં કોંગ્રેસ જીતી હતી ત્યાં ૨૦૧૨માં બીજેપીની જીત થઈ હતી. એટલે દલિત મુદ્દે ચૂંટણીમાં હારજીત થઈ નહોતી.

દલિત ધારાસભ્યોને તેમને મળેલા મત કરતાં તેમની સિનિયોરીટી કે પક્ષ જૂથ કે વગદાર નેતા પ્રત્યેની વફાદારીના આધારે જ પ્રધાનપદ અને અન્ય મહત્વના હોદ્દા મળે છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ૧૩માંથી ૮ ઉમેદવારો પ્રથમવાર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. સૌથી મોટી લીડ અને સૌથી વધુ મત મળવા છતાં મનીષા વકીલ પાંચ વરસ માત્ર ધારાસભ્ય જ બની રહ્યાં ! વળી ૧૩ ધારાસભ્યોમાં બે મહિલા ચૂંટાયા તે એકંદર સારી સ્થિતિ છતાં વર્ચસ તો પુરુષ ધારાસભ્યોનું જ રહ્યું. રાજકારણમાં જાતિવાદની ટીકા બધા કરે છે પણ પ્રધાનમંડળમાં ખાતાની વહેચણી જાતિ અને લિંગના આધારે જ થાય છે. દલિતને સમાજ કલ્યાણ, આદિવાસીને આદિવાસી કલ્યાણ, મહિલાને મહિલા અને બાળ કલ્યાણ અને મુસ્લિમ કે ઓબીસીને મત્સૌધ્યોગ પ્રધાન બનાવાય છે. ૧૯૬૦થી આજદિન સુધી કોઈ દલિત ધારાસભ્યને ગૃહ, ઉદ્યોગ કે મહેસૂલ જેવા મોભાદાર  અને મલાઈદાર વિભાગના મંત્રી બનાવાયા નથી.

ચૌદમી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી પણ દલિતોના અનેક મહત્ત્વના સવાલો ઉકેલની રાહ જોતા રહેવાના છે. દલિતોના સવાલો ચૂંટણીનું, બોદા પ્રતિનિધિત્વનું, રાજકીય અનામતનું રાજકારણ ઉકેલી શકશે કે કેમ તે સવાલ મતદાર સામે રહેવાનો છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ઠેરના ઠેર’, “દિવ્ય ભાસ્કર”, 30 નવેમ્બર 2017  

Category :- Samantar Gujarat / Samantar