SAMANTAR

સરદાર સરોવર પ્રોજેક્ટના પાણીના લેવલની પરિસ્થિતિ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની વેબસાઈટ http://nca.gov.in/પર તપાસતાં ચોંકાવનારી વિગતો ઊપસી આવે છે. (૧) ડેમ પૂરેપૂરો ભરવાની ક્ષમતા અથવા ભયજનક સપાટી કહીએ તો ૧૩૮.૬૮ મીટર છે. (ર) પાણીની સપાટી ચોમાસા દરમ્યાન આ પ્રમાણે હતી.

આંકડા જોતાં સાફ દેખાય છે કે, ૧ ડિસેમ્બર ર૦૧૭ના રોજ ડેમમાં ૧૯૪૬ મીલિયન ક્યુબિક મીટર પાણી હતું અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. બહુ સારી રીતે જાણે છે કે એને ઉનાળા દરમ્યાન, બીજા ચોમાસા સુધી ગુજરાતના લોકો માટે પીવાનું કેટલું પાણી જોઈશે. છતાં, ડિસેમ્બરના એક જ મહિનામાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ ૯૬૭ મીલિયન ક્યુબિક મીટર પાણી વાપરી નાખ્યું, જેથી ડિસેમ્બરના અંતે સરદાર સરોવર નર્મદા નિગમ લિ. પાસે માત્ર ૯૭૯ મીલિયન ક્યુબિક મીટરનો લાઈવ સ્ટોરેજ બચ્યો હતો. જ્યારે મુખ્ય મંત્રીશ્રીએ, ચૂંટણી વીત્યા પછી પાણીની અછતની જાહેરાત કરી ત્યારે, ૧ર જાન્યુઆરી, ર૦૧૮ના રોજ સરદાર સરોવર ડેમમાં પાણીનું લેવલ હતું ૬૩૮ મીલિયન ક્યુબિક મીટર. છેલ્લા પ્રાપ્ત આંકડા અનુસાર તા. રપ-૧-૨૦૧૮ના રોજ ડેમની સપાટી બચી છે ૧૧૩.૬૯ ફૂટ અને પાણીનો લાઈવ સ્ટોરેજ છે માત્ર ૩ર૮ મીલિયન ક્યુબિક મીટર. જો ચોમાસા દરમ્યાન ડેમમાં પાણીની આવક જોઈએ તો, વેબસાઈટ પરના આંકડાઓ અનુસાર, પહેલી જુલાઈ ર૦૧૭ના રોજ ડેમમાં ૧૧૪.૯૭ મીટર પાણીની સપાટી હતી. ચોમાસાની શરૂઆતમાં, ૩૧ જુલાઈના રોજ ડેમની સપાટી વધીને ૧ર૦.૬૯ મીટર થઈ, સપાટીમાં પ.૭ર મીટરનો વધારો થયો. ૩૧ ઓગસ્ટના રોજ ડેમની સપાટી વધીને ૧ર૪.૪૩ મીટર થઈ, ૩.૭૪ મીટરનો વધારો થયો. પહેલી ઑક્ટોબર, ર૦૧૭ના રોજ, ડેમમાં સપ્ટેમ્બર મહિનાના વરસાદનું પાણી ઉમેરાતાં સપાટી વધીને ૧૩૦.પ૯ મીટર થઈ. એ પછી પાણીની સપાટી ઘટવાની શરૂઆત થઈ. ૩૧ ઑક્ટોબરના રોજ ડેમની સપાટી હતી ૧ર૮.૬૯ મીટર. મહિના દરમ્યાન ૧.૯ મીટર ઓછી થઈ છતાં, અગાઉ કરતાં ૪.ર૬ મીટર વધારે હતી. તા. ૩૧ નવેમ્બર ર૦૧૭ના રોજ પાણીની સપાટી ઝડપથી ઘટીને ૧ર૪.રર મીટર થઈ, સીધો ૪.૪૭ મીટરનો ઘટાડો.

તા. ૩૧ ડિસેમ્બરના રોજ પાણીની સપાટી ઘટીને ૧૧૮.૩૩ મીટર થઈ, સીધો પ.૮૯ મીટરનો ઘટાડો થયો અને ૧ર ડિસેમ્બર, જ્યારે ચૂંટણીના છેલ્લા ચરણના મતદાનનો પ્રચાર બંધ થયો ત્યારે ડેમની સપાટી ઘટીને ૧૧પ.૯પ મીટર થઈ. બહુ સાદી ગણતરી દર્શાવે છે કે, ચૂંટણી દરમ્યાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ સત્તાધારી પક્ષની તરફેણમાં બહુ જ શંકાસ્પદ ભૂમિકા ભજવી છે, સત્તાધારી પક્ષને રાજી રાખવા માટે ગુજરાત માટે અતિમૂલ્યવાન એવું પાણી વેડફ્યું. ચૂંટણીના અઢી મહિના દરમ્યાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ ખૂબ  ઉદારતાપૂર્વક, બિનજરૂરી હોવા છતાં, ઉદ્‌ઘાટનો માટે ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ રાખ્યું. એને કારણે આશ્ચર્યજનક રીતે, ડેમમાં પાણીની સપાટી ૧૩૦.પ૯ મીટરથી ઘટીને ૧૧પ.૯પ મીટર થઈ, સત્તાધારી પક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ મળીને ૧૪.૬૪ મીટર પાણી ગુજરાતના લોકો પાસેથી બિનજરૂરી રીતે ઝૂંટવી લીધું.

આમાં મહત્ત્વની વાત એ છે કે, સપ્ટેમ્બર-ઑક્ટોબર ચોમાસાના અધિકૃત મહિના છે. ડેમના  પાણીનો  સૌથી  વધુ  હક  અને  વપરાશ  જેનો  છે  એ  ખેતીમાં  આ  મહિનાઓ  દરમ્યાન પાણીની જરૂર પડતી નથી. એટલા માટે જ અમે વારંવાર પૂછીએ છીએ કે નર્મદાનું પાણી ક્યાં ગાયબ થઈ ગયું? સરકાર કે સરદાર સરોવર નર્મદા નિગમ આટલો સાદો હિસાબ કરીને લોકોને જવાબ આપવા તૈયાર નથી!

સત્તાપક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. સ્વેચ્છાએ લોકોની માગણી સ્વીકારીને એમણે ગેરઉપયોગ કરેલા પાણીનો વિગતવાર હિસાબ આપવા ભલે તૈયાર ના હોય, પરંતુ ખેડૂતો એમના ભાગના, મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમે દુરુપયોગ કરેલા ટીપે ટીપાં પાણીનો હિસાબ આપવા ફરજ પાડવા મક્કમ છે.

E-mail : sagar45rabari@gmail.com

સૌજન્ય : નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 15 

Category :- Samantar Gujarat / Samantar

ધાડ ફિલ્મ. જયંત ખત્રીની જાણીતી સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મ. જાણીતા વાર્તાકાર, નવલકથાકાર વીનેશ અંતાણી દ્વારા લખાયેલ પટકથા-સંવાદ. વાર્તાકાર, નવલકથાકાર અને કેતન મહેતાના હાથ નીચે તૈયાર થયેલા પરેશ નાયક એના દિગ્દર્શક. માટે ફિલ્મની ઇન્તેજારી તો ખૂબ હતી. આખરે ફિલ્મ રીલીઝ થઈ ને દર્શકો સુધી પહોંચી. જે ગુજરાતી ભાષકો, ભાવકો માટે ખરેખર આનંદના સમાચાર છે.

સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બને એનાથી એક ફાયદો એવો થતો હોય છે કે ફિલ્મને એક નિશ્ચિત ઓડિયન્સ મળી જાય. સાહિત્યપ્રેમીઓ, જેમણે કૃતિ વાંચી હોય અથવા જેમને સાહિત્યનો થોડો ઘણો ય શોખ હોય એ સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બની છે એવા સમાચાર સાંભળી થિયેટર સુધી પહોંચી જાય.

જો કે કડવી વાસ્તવિકતા એવી છે કે આજના સમયમાં ફિલ્મનું નિર્માણ પ્રચાર-પ્રસાર વિતરણ વગેરે એટલા ખર્ચાળ બની ગયા છે કે આવો નાનો દર્શક વર્ગ એ ખર્ચને પહોંચી વળવામાં  ઝાઝી મદદ ના કરી શકે. માટે જ બોલીવૂડની મસાલા ફિલ્મો અને હોલીવુડની થીમ પાર્ક ફિલ્મો સર્વત્ર રાજ કરે છે અધૂરામાં પૂરું ગુણવત્તાસભર ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મો ખૂબ ઓછી બને છે ને જે રડીખડી બને છે એણે પણ પોતાનો દર્શક વર્ગ શોધવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પ્રાદેશિક ફિલ્મોનું તો વળી ગણિત જ જુદું. એવા સમયે કોઈ સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવવી ને એ ય ગુજરાતી ભાષામાં એ તો કોઈ માથાફરેલનું જ કામ હોઈ શકે. પરેશ નાયક એવા માથા ફરેલ દિગ્દર્શક છે એવો મને અંગત પરિચયથી પણ અનુભવ છે.

જો કે સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવવામાં આર્થિક સિવાય ખાસ્સું સર્જનાત્મક જોખમ પણ રહેલું છે. જોખમ એ રીતે કે ફિલ્મમાં મૂળ કૃતિ પ્રત્યે વફાદારી ના જળવાય તો મૂળ સર્જકની હાર થાય. અને કશું સર્જનાત્મક ઉમેરણ ન થાય તો દિગ્દર્શકની હાર થાય. મૂળ કૃતિના હાર્દને જાળવીને અભિવ્યક્તિ સાધવી અને દર્શકની રૂચિને અવગણ્યા વિના-એટલે નટદોર પર ચાલવા જેવું અઘરું કામ.

પરંતુ એ કામ પરેશ નાયકે સરસ રીતે પાર પાડ્યું છે. મુખ્ય બાબત જે વીનેશ અંતાણી અને પરેશ નાયક સાધી શક્યા છે એ છે મૂળ વાર્તાની  પ્રતીકાત્મકતાનો વિસ્તાર.

મૂળ વાર્તા ઘેલાની અને પ્રાણજીવનની છે. પ્રાણજીવનને નજરે જોવાતી ઘેલાની જિંદગીની છે, કચ્છની ક્રૂર ધરતીની છે. પ્રાણજીવન ભણેલોગણેલો બેકાર છે. તો ઘેલો કચ્છનો ધાડપાડુ છે. કચ્છની સુકાઈ ગયેલા ધાવણવાળી ધરતી એની રગેરગમાં વહે છે. એ પોતાના સઘળા વ્યવહારોમાં કચ્છની ભૂમિ જેવો જ નિષ્ઠુર છે .

હવે આવે છે ફિલ્મમાં થયેલ ઉમેરણ. ઘેલાની સ્ત્રી મોંઘી મૂળ વાર્તામાં આવે છે, પરંતુ એની પહેલી બે પત્નીઓ-રતની અને ધનબાઈનાં પાત્રો ફિલ્મમાં ઉમેરાય છે. મૂળ વાર્તામાં મોંઘી નિઃસંતાન છે એવો અછડતો ઉલ્લેખ છે, જ્યારે અહીં ઘેલાનું નપુંસક અથવા સંતાન પેદા કરવા અક્ષમ હોવું એ વાર્તાનો અત્યંત મહત્ત્વનું અંગ બની જાય છે. વળી, દાજી શેઠની દીકરીના પાત્રની રેખાઓ પણ પટકથાલેખક-દિગ્દર્શક દ્વારા ઉમેરવામાં આવી છે. વધારામાં દાજી શેઠની દીકરી સાથે ઘેલાની મળવી- એ દૃશ્ય ફિલ્મમાં બેવાર એટલે કે ભારપૂર્વક દેખાડવામાં આવે છે.

આ બધા સર્જનાત્મક ઉમેરણ, મારા મતે, મૂળ વાર્તાની પ્રતીકાત્મકતાનો વિસ્તાર કરે છે. જેને લીધે ફિલ્મમાં ઘેલો કચ્છની ધરતી-સંસ્કૃિતનાં પ્રતીકરૂપે સ્પષ્ટપણે ઉપસી આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘેલો કચ્છની ધરતી જેવો જ મોહક, ક્રૂર ને નપાણિયો છે. ને બીજી તરફ દાજી શેઠનું પાત્ર આધુનિક અર્થવ્યવસ્થાનાં પ્રતિનિધિરૂપ છે. શોષણખોર, રંગહીન પરંતુ ફળદ્રુપ. પોતાનો વંશવેલો આગળ ધપાવી શકનાર. ફિલ્મના અંતે ઘેલાને દાજી શેઠની સગર્ભા દીકરીના પેટને જોઈને થતો પક્ષાઘાતનો હુમલો - એ ખરેખર તો આધુનિક મૂડીવાદી અર્થવ્યવસ્થા સામે થતી કચ્છી ધરતીની હાર છે.

એ રીતે જોઈએ તો મૂળ વાર્તાની પ્રતીકાત્મકતાનો વિસ્તાર આ ફિલ્મની સહુથી મોટી સિદ્ધિ છે.

એ સિવાય ફિલ્મના અન્ય પાસાં પણ ગમે એવાં છે. જેમાનું એક છે રાજીવ સોંદરવાની ફોટોગ્રાફી. સમગ્ર ફિલ્મમાં કચ્છનો પરિવેશ એના તમામ રંગો સાથે સરસ ઝીલાયો છે. ખત્રીની વાર્તાઓમાં વાતાવરણ એક પાત્ર જેવું કામ કરતું હોવાનું કહેવાય છે તો દિગ્દર્શક-સિનેમેટોગ્રાફરની સૂઝને લીધે ફિલ્મમાં ઝીલાતો કચ્છનો પરિવેશ પણ આંખોમાં કાયમનું ઘર કરી જાય એવો છે. ને આજના સમયમાં જ્યારે ફિલ્મોમાં મોંઘાદાટ ભવ્ય સેટ અને ક્લોઝ અપની બોલબાલા છે એવા સમયમાં ’ફિલ્મ એ પરિવેશની કળા છે’ એવા ધૂળ ખાતા સત્યને ફિલ્મ  ઉજાગર કરી બતાવે છે.

ફિલ્મનું સંગીત કર્ણપ્રિય છે. ફિલ્મમાં એ સિનેમેટોગ્રાફરને કચ્છના લેન્ડસકેપ્સ મરજી પડે એમ ઝીલવાનો જાણે છૂટોદોર આપે છે. સમગ્ર ફિલ્મને કચ્છની ધરતીના મહાકાવ્ય - એપિક જેવી ફીલ  આપે છે, પરંતુ કેટલાક અંશે એ ફિલ્મની ગતિને મંથર બનાવે છે. કથા ને આગળ વધારતી કડી તરીકે નહીં, પરંતુ ફિલ્મની નાટ્યાત્મક ક્ષણો ને જોડતી કડી તરીકે ગીતો ફિલ્મમાં આવે છે.

અભિનયની વાત કરીએ તો કે.કે. યાદગાર છે. ઊંચો, મજબૂત અને કદાવર દેહ, સફેદ દાઢી, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ મંડિત ચહેરો - જયંત ખત્રીએ કલ્પેલ ઘેલાને શારીરિક રીતે અને અભિનયની દૃષ્ટિએ કે.કે. સંપૂર્ણપણે આત્મસાત કરી શકે છે. 

‘તાકાત ખપે. ભાઈબંધ બાવડામાં તાકાત ખપે’ બોલતી વખતે કે.કે.ની આંખો જે રીતે ઝીણી  થાય છે એ યાદગાર છે. સાથે જ પોતાની પત્નીઓ પર જુલમ કરતી વખતેના એના હાવભાવ, એની અંગભંગિમા પણ પરફેક્ટ લાગે છે. કે.કે. એટલે ઘેલો અને ઘેલો એટલે કે.કે. એવું સમીકરણ દર્શકના મનમાં બેસી જાય એવો ન્યુઆન્સ્ડ અભિનય છે કે.કે.નો. દિગ્દર્શકે પણ અમુક ક્ષણો સરસ વણી છે.

ઘેલો ‘હા, હું ભગવાન છું’  એમ બોલે છે એ દૃશ્યની કોરિયોગ્રાફી સરસ થઈ છે. ફિલ્મને અંતે ધાડ પાડવા જતા પહેલા મોંઘી પ્રાણજીવનને બુકાની બાંધે છે એ દૃશ્ય પણ અત્યંત સૂચક છે. ઘેલા અને મોંઘીના પિતા વચ્ચે લડાઈ થાય છે ને અંતે મોંઘીના પિતાને માથેથી પાઘડી ઉતારી ઘેલો એ જ પાઘડીથી મોંઘીને બાંધી લઈ જાય છે એ દૃશ્ય પણ કલાત્મક રીતે કેમેરામાં ઝીલાયું છે.  ઘેલાનું અચાનક હોડીમાં ઘૂસી જવું એ દૃશ્ય પણ સરસ રીતે શૂટ થયું છે. ધાડ પાડતી વખતના રાત્રી દૃશ્યો પણ ઉત્તમ છે.

ફિલ્મમાં અમુક ટેકનિકલ ખામીઓ જણાય છે સાઉન્ડ બૅલેન્સિંગનો ઈશ્યુ છે જ. જેને કારણે બેકગ્રાઉન્ડ મ્યુિઝક જરૂર કરતાં વધારે લાઉડ બની જાય છે. કલાનિર્દેશન કૈંક અંશે ઊણું ઊતરે છે.  ફિલ્મમાં ઘેલા અને અન્ય કચ્છવાસીઓના ભૂંગા કોઈ સેટના ભૂંગા જેવા લાગે છે.  અલબત્ત, હવેલી સરસ છે; એકદમ જીવંત.

આ ને આવી નાની નાની કેટલીક બાબતો બાદ કરતાં ધાડ અત્યંત દર્શનીય અને અંદરથી સમૃદ્ધ કરનારો, મૂળ કૃતિનો સુંદર વિસ્તાર કરનારો અનુભવ છે.

ગુજરાતી ભાષાપ્રેમીઓ, વાર્તાપ્રેમીઓ અને સિનેપ્રેમીઓએ વહેલી તકે જોવા જેવી આ ફિલ્મ છે.

E-mail : sagarshah259@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 11-12

Category :- Samantar Gujarat / Samantar