PHOTO STORIES

 

વારપરબ : રવિવાર, 28 અૅપ્રિલ 2013. સ્થળ : બૃહદ્દ લંડનના એક અાથમણા વિસ્તાર, સ્ટેનમૉરમાં અાવ્યું ભંડેરી નિવાસ. અવસર : ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાંપ્રત કાર્યવાહી સમિતિમાં બીરાજનારાંઅોની સમૂહ છબિ.

બેઠેલી હરોળમાં (ડાબેથી) મહામંત્રી ભદ્રાબહેન વડગામા, કાર્યવાહી સભાસદ ચંપાબહેન પટેલ, કાર્યવાહી સભાસદ સુષમાબહેન સંઘવી, સહમંત્રી વિજ્યાબહેન ભંડેરી, કાર્યવાહી સભાસદ ઘનશ્યામભાઈ પટેલ તથા ખજાનચી લાલજીભાઈ ભંડેરી છે. પાછળી હરોળે, ડાબેથી, કાર્યવાહી સભાસદ અનિલભાઈ વ્યાસ, પ્રમુખ વિપુલભાઈ કલ્યાણી, ઉપપ્રમુખ પંચમભાઈ શુક્લ તેમ જ કાર્યવાહી સભાસદ નીરજભાઈ શાહ દૃષ્ટિમાન છે. કુલ 11 સભાસદોની બનેલી અા કાર્યવાહી સમિતિની અા સમૂહ છબિમાં કાર્યવાહી સભાસદ ફારુકભાઈ ઘાંચી ઉપસ્થિત રહી શક્યા નહોતા.

અાફ્રિકાથી વિલાયત અાવી વસેલાં મૂળ શિક્ષક, ભદ્રાબહેન પાયાગત કુશળ ગ્રંથપાલ. ગુજરાતી સહિત હિન્દવી જબાન ક્ષેત્રે એમણે ધ્યાનાર્હ કામ અાપ્યું છે. દક્ષિણ અાફ્રિકાના ઝિમ્બાબ્વે તથા ઝામ્બીઅાના મૂળ વસવાટી ચંપાબહેન શિક્ષિકા રહ્યાં છે. ગુજરાતીનું શિક્ષણ અાપનારાંઅોની હરોળમાં તે અગ્રેસર છે. વળી એ ચિત્રકાર પણ છે. સુષમાબહેન વ્યવસાયે કન્સલટન્ટ ફિઝિયૉથેરપિસ્ટ છે; વળી, ગુજરાતી સાહિત્યના અા અનુસ્નાતકને પત્રકારત્વ, શિક્ષણનો ય અનુભવ ગૂંજે છે. ગુજરાતી ભાષા શિક્ષણક્ષેત્રે તજજ્ઞ લેખાતાં ને લાંબા અરસાથી શિક્ષણકામ કરનાર વિજ્યાબહેન વ્યવસાયે સનંદી સેવાઅોમાં વ્યસ્ત રહ્યાં. ઘનશ્યામભાઈ વ્યવસાયે મુલકી ઇજનેર; ગંજાવર વાંચનનો શોખ તેમ જ લેખનકાર્ય એમના મજબૂત પાસાઅો. એક કર્મઠ સમાજસેવક અને વ્યવસાયે નાણાકીય નિષ્ણાત લાલજીભાઈને સંસ્થાઅોની માવજતનો તથા વ્યવસ્થાઅોનો બહોળો અનુભવ છે. અાયુર્વેદના નિષ્ણાત તેમ જ નેશનલ હૅલ્થ સર્વિસીસમાં વ્યાવસાયિક સેવાઅો અાપતા અનિલભાઈ ગણમાન્ય ગુજરાતી વાર્તાકાર છે. પત્રકાર તરીકે જાણીતા અને “અોપિનિયન” સામયિકના તંત્રી વિપુલભાઈને અકાદમીના સ્થાપનકાળથી સંસ્થાનો સર્વાંગી, બહોળો અનુભવ છે. લંડન મેટૃોપોલિટન યુનિવર્સિટીની ઇજનેરી શાખામાં અધ્યાપનકામ કરતા પંચમભાઈ ગુજરાતીના ગણમાન્ય કવિ છે તેમ જ એક અચ્છા અનુવાદક પણ. વેબ ડિઝાઇન તેમ જ પ્રૉગ્રામની દુનિયામાં વ્યસ્ત નીરજભાઈ વ્યવસાયે અાઈ.ટી. સપૉર્ટ ઇજનેર છે અને વળી, ગુજરાતી કવિતા - ગીત - સંગીતની ઉમદા વેબસાઇટ, ‘રણકાર’નું સુપેરે સંચાલન કરે છે.

અા છબિમાં અનુપસ્થિત ફારૂકભાઈ નેત્રવિદ્યાશાસ્ત્રના ઉચ્ચ નિષ્ણાત છે તેમ જ એમણે ગુજરાતી કવિતા ક્ષેત્રે ધ્યાનાર્હ ખેડાણ કર્યું છે.  

સૌજન્ય :  http://glauk.org/executive-committee/          

Category :- Opinion Online / Photo Stories

"હું" - સાહિત્ય જૂથ

મનીષી જાની
21-04-2013

મનીષી જાનીના ફેઇસબુક પાને, ડિસેમ્બર 2012ના અારંભે, અા છબિએ પહેલવહેલા દર્શન દીધા, ત્યારથી તેણે મનપાંચમનો મેળો જાણે કે સર્જ્યો છે ! કહે છે કે 1972ના અરસામાં અા છબિ લેવાઈ છે. તેને ય 41 વરસનું છેટું થયું.

મનીષીભાઈ જોડાજોડ લખતા હતા : ‘નવનિર્માણ પહેલાંથી અમારું ‘હું’ સાહિત્ય જૂથ ચાલતું હતું. … 1972માં અમે ‘ગધેડા વિશેષાંક’ પ્રગટ કરેલો … જેમાં તત્કાલીન રાજકીય વ્યંગની કૃતિઅો પ્રગટ કરેલી. તેની અા તસ્વીર … છેલ્લા 20 દિવસમાં દેખાતા 2 મિત્રોનું [પ્રબોશ જોશી અને મૌન બલોલી] અવસાન થયું … અનહદ સ્મૃિતઅો અને વિષાદ … !’

જુઅોને, અા ચિત્રમાં, (અલબત્ત, ડાબેથી) ઋષિત પારેખ, પ્રબોધ જોશી, અિશ્વન સોમપુરા, મનીષી જાની, અાનંદ માવળંકર, બિપિન મેશિયા, મનસુખ વાઘેલા, મૌન બલોલી ઉપરાંત અાગળ બેઠેલામાં વર્દરાજ પંડિત અને બિહારી પંડ્યા જોવા મળે છે.

અા ચિત્રનું કેવડું ઐતિહાસિક મૂલ્ય છે તે હવે પમાય છે. અા અાપણી વિરાસત છે. અને અા છબિ જાણે કે અાવી મોટીમસ્સ વાતની દ્યોતક બની હોય તેમ લાગે છે. તેથીસ્તો, છબિ-કથા કરવા જેવી છે. ફેઇસબુકને પાને, જુગલકિશોરભાઈ વ્યાસ કહેતા રહ્યા, ‘નવનિર્માણ અંગે પણ ક્યારેક મુકો. એ દિવસો હજી ભુલાતા નથી. … અમે તો આ બધું નજરોનજર જોયેલું છે ! આજે ય આ ફોટો જોઈને રોમાંચિત થવાય છે. એ વાત તો પછી ઢબુરાઈ ગઈ ? કોણ લખશે એ કથા ? ગુજરાતીઓ મોડામોડા ય ઇતિહાસલેખનનું શૂરાતન નહીં બતાવે ?’ બીજી પાસ, મનહરભાઈ જમીલ જણાવતા હતા : ‘છબિકથાને વર્તમાન તો પોકાર પાડી રહ્યો છે, … સમય સરી રહ્યો છે !! પાત્રો exit કરી રહ્યા છે !!!’ તો બીજી પાસ, પ્રતિભાબહેન ઠક્કરની મનીષીભાઈ જાનીને ઉદ્દેશતી માગ હતી : ‘હવે તમે આ ઈતિહાસ લખો ... સમયની માંગ છે.’ જવાબમાં, અા અાંદોલનના એક અાગેવાન, ઉમાકાન્ત માંકડે કહ્યું : કમનસીબે નવનિર્માણનો ઇતિહાસ લખાયો નથી. ...... હકીકતોને ઉજાગર કરવાનો મેં એક પ્રયાસ ‘History of Navnirman’નાં નામથી કરેલ છે અને ‘Navnirman Andolan 1974’નાં નામથી facebook ઉપર અત્યાર સુધી 14 હપ્તા પ્રસિદ્ધ કરેલ છે. અને તેમાં સુધારા વધારાને સંપૂર્ણ અવકાશ છે. ઉપરાત, હું કોઈ લેખક નથી, માત્ર તારીખો મુજબ અને ઘટનાના ક્રમો સચવાઈ રહે, તે બાબત ધ્યાન રાખેલું છે. .... સહુ કોઈને નિમંત્રણ છે .... કોઈ ઇતિહાસવિદ્દ દ્વારા આ બાબત પાછળથી પ્રસિદ્ધ કરાવવાની અપેક્ષા પણ ખરી ......’
અા વિગતો અહીં જોઈવાંચી શકાય :

https://www.facebook.com/photo.php?fbid=519669878052189&set=a.519669868052190.121170.100000275435846&type=1&theater

ઉમાકાન્તભાઈ જણાવે છે તે નોંધના અાશરે 24 પ્રકરણો થયાં છે અને તેને નજીકમાં “અોપિનિયન”ની વેબસાઇટ પરે તરતાં મેલવાના મનોરથ છે. … રસિકોને રાહ જોવા વિનંતી −

Category :- Opinion Online / Photo Stories