SHORT STORIES

વિઝિટર વીઝા

અાનંદરાવ લિંગાયત
14-12-2013

સુજાતાની જિંદગીએ એકાએક પડખું બદલ્યું.

એના ભયાનક સપનામાંથી જાગી જવા એણે બહુ પ્રયત્નો કર્યા. પણ એ સપનું નહોતું.

સુજાતા સામાન્ય સ્ત્રી છે. વલસાડ જિલ્લાના નાના ગામડામાં જન્મીને મોટી થઈ છે. જ્ઞાતિનો સારો છોકરો મળતો હતો એટલે માબાપે લગ્ન ગોઠવી નાખ્યાં. સુજાતા નવમા ધોરણમાં હતી. પતિ દસમું ધોરણ પાસ હતા. એક ધોરણ વધારે ભણેલા. લગ્ન થયાં એટલે સુજાતાએ અભ્યાસ પડતો મૂક્યો અને સંસારમાં જોતરાઈ ગઈ. બે છોકરા પણ થઈ ગયાં. પતિ પણ અભ્યાસ છોડીને એમના બાપદાદાની પાંચસાત વીઘા જમીન હતી એ ખેડીને ગુજરાન ચલાવતા હતા.

મોટાં નણંદ ભણેલાં હતાં. શહેરની કૉલેજમાં ખાસું ભણ્યાં હતાં. ભણીને એ જ કૉલેજમાં નોકરી કરવા લાગ્યા હતાં. ત્યાં જ કોઈ છોકરા સાથે ઓળખાણ થઈ અને એ પરનાતનો હતો તો ય એની સાથે લગ્ન કરી લીધાં. કુટુંબીઓ બધાં બહુ અકળાયેલાં પણ કોઈનું કશું ચાલ્યું નહોતું.

થોડા વખત પછી નણંદ અને નણંદોઈ અમેરિકા જતાં રહ્યાં.

અમેરિકાની સુખ-સગવડો વિશે તો સુજાતાએ એની બહેનપણીઓ પાસેથી ખૂબ સાંભળ્યું હતું. એની જેમ જ ભણતર પડતું મૂકીને એની એક બે બહેનપણીઓ પરણીને તરત જ અમેરિકા ભેગી થઈ ગઈ હતી. એ બહેનપણીઓ કોઈક વાર દેશમાં આવતી ત્યારે એમની પાસેથી અમેરિકાની જાહોજલાલી અને સુખ સગવડોની વાતો સાંભળવા મળતી.

નણંદબા અમેરિકા ગયાં ત્યારથી સુજાતાને પણ અમેરિકા જવાની લગની લાગી ગઈ હતી. પૂછપરછ કરી કરીને એણે એટલું જ્ઞાન મેળવી લીધું કે નણંદબા જો એમના નાનાભાઈની ‘ફાઈલ’ મુકે અને ‘સ્પૉન્સર’ કરે તો આખા કુટુંબ સાથે એનાથી પણ સહેલાઈથી અમેરિકા જવાય અને સુખની જિંદગી જીવાય. ‘ફાઈલ’ કે ‘સ્પૉન્સર’ એટલે શું એ બાબતની એને કંઈ ગતાગમ હતી નહીં. પણ અમેરિકા જવાનો પોતાને માટે તો આ જ એક રસ્તો છે એટલું એણે પાકે પાયે શોધી કાઢ્યું હતું.

નણંદ આઠ-દસ વર્ષથી અમેરિકામાં છે. પૈસે ટકે સદ્ધર થઈ ગયાં છે. બાગ બગીચાવાળો મોટો બંગલો ખરીદ્યો છે. નણંદોઈને કોઈ મોટી કંપનીના હોદ્દેદાર તરીકે મોટો પગાર મળે છે. નણંદબા ભણેલાં છે એટલે એમને પણ સારા પગારની નોકરી છે.

સુજાતા નણંદને વારંવાર સમજાવીને લખ્યા કરતી કે ‘તમારા ભાઈની’ ફાઈલ વહેલી તકે મૂકી દો તો સારું જેથી અમેરિકા આવીને અમે અને અમારાં બે છોકરાં પણ સુખના દિવસો જોઈ શકીએ. નણંદ ઇન્ડિયા આવતાં ત્યારે પણ સતત કહ્યા કરતી કે ‘તમારા ભાઈની ફાઈલ મૂકો .... ફાઈલ મૂકો ....’

છેવટે, બહુ આનંદથી નણંદ ફાઈલ મૂકવા તૈયાર થયાં. પણ પછી સુજાતાને ખબર પડી કે આ રીતની ફાઈલથી તો બાર-પંદર વર્ષે અમેરિકા જવાનો પત્તો લાગે. ત્યાં સુધીમાં તો શું નું શું થઈ જાય. મહેનત કરવા માટે જુવાનીનું જોમ જતું રહે. ઘડપણ પણ બારણું ખખડાવવા લાગે. પછી માંદલું કે થાકેલું શરીર ત્યાં લઈ જઈને શું કરવાનું ? ગમે તે મજૂરીનું કામ કે નાનો મોટો પોતાનો ધંધો કેવી રીતે થાય ! નણંદની ‘ફાઈલ’ તો અમેરિકા જવા માટેનો બહુ જ લાંબો રસ્તો ગણાય. એની અકળામણ વધવા લાગી. અમેરિકા વહેલા જવાનો કોઈ બીજો રસ્તો જ નહીં હોય ! એવું તો બને નહીં. એને હવે અમેરિકા જવાની ધૂન લાગી ગઈ હતી. ધીરજ સાવ ખૂટી ગઈ હતી. સતત અમેરિકાના જ વિચારો આવ્યા કરતા હતા. મારાં છોકરાંને ત્યાં કેવું સરસ ભણવા મળશે ! કેવાં સરસ સુખી થઈ જાય !

સવારે નળમાંથી પાણી જતું રહે તે પહેલાં ચોકડીમાં ડોલ, ધોકો અને સાબુ લઈને કપડાં ધોવા બેસતી ત્યારે .... અમેરિકામાં તો કપડાં ધોવાનાં અને સૂકવવાનાં પણ મશીન ! કેવી નિરાંત ! મશીનમાં કપડાં ધોવાથી બચેલો એ સમય પૈસા કમાવાની મજૂરીમાં વાપરી શકાય ને ! પણ એ અમેરિકામાં જવાશે ક્યારે અને કેવી રીતે ? દિવસે દિવસે એની તાલાવેલી, એની અધીરાઈ વધતી જતી હતી.

બપોરનાં વાસણ અને કચરા પોતાં કરતી વખતે પણ .... અમેરિકામાં તો ઊભાં ઊભાં જ નળના પાણી નીચે વાસણ સાફ કરી નંખાય. વધારે પડતાં વાસણો થાય તો એ ધોવાનું પણ મશીન ! ચોવીસે કલાક ઠંડું-ગરમ પાણી ચાલુ જ હોય. એના મનમાં સતત અમેરિકાની સવલતો જ ઘૂમરાયા કરતી હતી. એ વિચાર્યા કરતી કે જો આગળ વધવું હોય, જિંદગી સુધારવી હોય અને જીવનમાં કંઈક અર્થવાળું કાર્ય કરવું હોય તો હવે ગમેતેમ કરીને અમેરિકા ગયા વિના છૂટકો નથી.

કેટલાક સંબંધીઓએ સલાહ આપીએ કે 12-15 વર્ષ રાહ જોવી ના હોય તો થોડા વખતના વિઝિટર વીઝા ઉપર જવાનો પ્રયત્ન કરો. પછી તો ત્યાં રહી પડવાનું. કેટલા ય લોકો એવું કરે છે. સુજાતાને પણ આ વિચાર ગમ્યો. એના પતિને પણ એ વિચાર ગમ્યો. એમણે એક રીઢા અને અનુભવી ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કર્યો. એજન્ટના કહેવા પ્રમાણેનાં જરૂરી કાગળિયાં મોકલી આપવા અમેરિકા નણંદને જણાવ્યું. થોડા દિવસ પછી એ બધાં જરૂરી કાગળિયાં આવી જતાં, એજન્ટના માર્ગદર્શન પ્રમાણે, એ લઈને આખું કુટુંબ નક્કી કરેલા દિવસે વિઝિટર-વીઝાનું નસીબ અજમાવવા મુંબઈ, અમેરિકન કૉન્સુલેટની ઑફિસમાં ઉપડ્યું. ઑફિસમાં ઠાંસોઠાંસ ગિર્દી હતી. લોકોના પાસપોર્ટમાં ફટાફટ સિક્કા મરાતા હતા – ‘હા’ અથવા ‘ના’ જેમના પાસપોર્ટના મોઢામાં ‘હા’નું મધ પડતું એમના આનંદનો તરવરાટ છુપ્યો છૂપાતો નહોતો. વિઝાના પૈસા ભરવાની બારીએ જતાં એમની ચાલમાં નરી ઉત્તેજના ઉભરાતી. અને જેમના પાસપોર્ટની છાતીમાં ‘ના’ની કટાર ભોંકાઈ હોય એમના મોં ઉપર અસહ્ય વેદના દેખાતી હતી. નિરાશાની ઊંડી ખીણમાં ફેંકાઈ ગયા હોય એવી ગભરામણ, એવી લાચારી એમના મોં ઉપર દેખાતી.

સુજાતા અને એનું કુટુંબ પણ લાઇનમાં ગોઠવાઈ ગયું હતું. સુજાતાનું હૈયું ધડક ધડક થયા કરતું હતું. પોતાનું શું થશે ? ‘હા’ કે ‘ના’ ? પસીનાથી હથેળીઓ ભીની થયા કરતી હતી. જેમ જેમ નંબર આગળ વધતો જતો હતો તેમ તેમ એને વધારે હાંફ ચઢતો, જતો હતો. ક્યારેક નાની બેબી ઉપર કે પાછળ ઊભેલા પતિ ઉપર અકળાયેલી નજરે એ જોઈ લેતી. એને ચેન પડતું નહોતું. ઘરેથી નીકળતાં પહેલાં એણે કેટલીયે વાર ‘હા’ ‘ના’ની ચિઠ્ઠીઓ પોતાની નાની બેબી પાસે ઉપડાવી હતી. નાનું બાળક નિર્દોષ હોય. એ જે ઉપાડે તે સાચું જ હોય એવું માનતી. બેબીએ ઉપાડેલી ચિઠ્ઠીમાં ‘ના’ આવે તો ફરી ત્રણ વાર ચિઠ્ઠી ઉપાડવાની અને એમાં બે વાર હોય તે ગણવાનું એ રીતે મન મનાવતી. વીઝા મળી જશે તો ભગવાનને ખુશ કરવા પોતે શું શું કરશે એની કેટલીયે માનતાઓ મનોમન માની હતી.

વીઝા મળી જાય તો નણંદબા બધી ટિકિટો મોકલવાનાં હતાં. ત્યાં પહોંચ્યા પછી, થાળે પડીને, એમને એ બધા પૈસા ભરપાઈ કરી દેવાના હતા. એક વાર ત્યાં પહોંચ્યા પછી ચાર ટિકિટોના પૈસા કમાવા બહુ અઘરા નથી હોતા એવો બધાનો અનુભવ એણે સાંભળ્યો હતો.

અમેરિકાના સપનાં જોતી, આજે આ વીઝાનું શું થશે ... શું થશે ... એવા ફફડાટમાં ઝોલાં ખાતી, પોતાના વારાની રાહ જોતી, એ અદ્ધર જીવે ઑફિસમાં બેઠી હતી. અત્યાર સુધીમાં કેટલીયે વાર એણે એના પતિને બધાં કાગળિયાં બરાબર છે કે નહીં એ તપાસીને ખાતરી કરી લેવા કહી નાખ્યું હતું.

એમના નામની બૂમ પડી.

ધડ દઈને એ ઊભી થઈ. પતિને જલદી આગળ થવા કહ્યું. હાથમાં બધાં કાગળિયાં બરાબર છે કે નહીં એની ખાતરી કરી લેવા ફરી ટોક્યા. બાજુમાં કોઈને સંભળાય નહીં એ રીતે એણે પતિને સૂચના આપી. ‘જે પૂછે એના બરાબર જવાબ આપજો. કશું બાફતા નહીં. સેહેજ ગભરાતાં નહીં. હમજ્યા ?’ વીઝાની બારી પાસે પહોંચવાનું અંતર જેમ જેમ ઘટતું જતું હતું તેમ તેમ એના ધબકારા વધતા જતા હતા. ‘આ પાર’ કે ‘પેલી પાર’ ની આ ઘડી હતી. તરવા કે ડુબવાની આ ક્ષણ હતી.

બારીએ પહોંચ્યા પછી પેલા કારકુન ગુજરાતી દુભાષિયા દ્વારા થોડા સવાલ કર્યા. પતિએ ગરીબડા થઈને બધા જવાબ આપ્યા. કારકુને ગોરા અમેરિકન અધિકારી સાથે કંઈક મસલત કરી. સુજાતાનું કલેજું ફાટફાટ થતું હતું. આ એ જ ક્ષણ હતી જેમાં પ્રારબ્ધ પલ્ટાવાનું હતું. પેલા કારકુનના હાથમાં એના નસીબની ચાવી હતી. એ કારકુન હવે આ ક્ષણે શું કરશે ....?? અદ્ધર શ્વાસે સુજાતા એની સામે તાકી રહી હતી. આ ગોરો અધિકારી અને આ કારકુન અમારા નસીબ ઉપર મોટો પથરો મારીને આખું ભવિષ્ય છુંદી નાખશે કે પછી અમેરિકાનું બારણું ખોલી આપશે ! આ પાંચ સાત ક્ષણો એને અનંત કાળ જેવી લાંબી અમે અસહ્ય લાગતી હતી. મનમાં ને મનમાં એ બબડવા લાગી ‘હે મારા નાથ ! કૃપા દૃષ્ટિ રાખજે.’ કારકુનના મોંમાંથી ક્યા બોલ બહાર પડે છે તે સાંભળવા એના શ્વાસ અદ્ધર રોકાઈ ગયા હતા. કારકુનના મોં ઉપરથી એની નજર ખસતી નહોતી. હૈયું બાળીને ખાખ કરી નાખે એવો .... ‘ના’ કે પછી પુષ્પવૃષ્ટિ થતી હોય એવો આલ્હાદક ‘હા’ શબ્દ કારકુનના મોંમાંથી બહાર આવશે !! શું થશે !

કારકુને એની ટેવ મુજબ બધાંના પાસપોર્ટમાં ધબાધબ કંઈક સિક્કા માર્યા.

પછી એનું મોં ખૂલ્યું. એ બોલ્યો ....

‘લો .... આ બધાં કાગળિયાં .... જાવ, પેલી બારીએ જઈને પૈસા ભરી દો.’

સુજાતાના આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. બધાંના પાસપોર્ટમાં અમેરિકાનું પ્રવેશ દ્વાર ખોલી આપતા ‘વિઝિટર-વીઝા’ના સિક્કા મારી દીધા હતા. સુજાતાના માન્યામાં નહોતું આવતું. એનો હરખ બેકાબૂ થઈ ગયો હતો. અડધી ગાંડી થઈ ગઈ હોય એટલો ઉત્સાહ, એટલો થનગનાટ સુજાતાની રગેરગમાં દોડવા લાગ્યો. જલદી જલદી પૈસા ભરી દેવા એણે પતિને દબાણ કરવા માંડ્યું. રખેને કદાચ આ વીઝાવાળાઓનો વિચાર બદલાઈ જાય અને પાછા ‘ના’ પાડી દે તો !

બધી વિધિ પતાવી દીધી. આ વીઝાથી તો હવે આખી જિંદગી પલ્ટાઈ જવાની છે. વીઝાના સિક્કાવાળા એ પાસપોર્ટને જીવના જોખમની જેમ કાળજીપૂર્વક સાચવતી, ખુશખુશાલ થતી, છોકરાં અને પતિ સાથે, એ કૉન્સુલેટની ઑફિસમાંથી બહાર નીકળી.

ઑફિસની અંદર તો બહુ મીઠી ઠંડક હતી. પણ બહાર નીકળતાં મે મહિનાની ગરમી શરીરને ઊભું બાળી નાખે એવી હતી. બન્ને છોકરાં થાકીને લોથ થયાં હતાં. ભૂખ્યાં પણ થયાં હતાં. પોતાને પણ હવે ભૂખ લાગી હતી. વીઝા ના મળ્યા હોત તો ભૂખ પણ મરી ગઈ હોત. પરંતુ હવે તો આખું જગ જીત્યા જેટલો ઉંમગ ઉભરાતો હતો.

‘આપણે સામેની હોટલમાં જઈને છોકરાંને કંઈક ખવરાવીએ. બહુ ભૂખ્યાં થયાં છે. મને પણ ભૂખ લાગી છે.’ આખું ફેમિલી સંતોષથી જમીને હોટલની બહાર નીકળ્યું.

‘આપણે ટેકસી કરીને જ છેક ગામડે પહોંચી જઈશું ?’ એણે પતિને પૂછયું.

પતિદેવ પણ આજે બેહદ ખુશ હતા. અમેરિકા જઈને હવે તો મહેનત કરીને ડૉલર કમાવાના છીએ. ટેક્સી માટે એ સંમત થઈ ગયા.

‘ભલે .... આજે થઈ જાય ટેક્સી .... અમેરિકામાં હવે કમાવાનું જ છે ને.’ એમણે ત્યાંથી પસાર થતી એક ટેક્સીને હાથ ઊંચો કર્યો. ટેક્સી ઊભી રહી. પેટ્રોલના ધુમાડા ઉપરાંત એ ટેક્સીમાં મુંબઈની એક આગવી, વિશિષ્ટ વાસ હોય છે. પતિદેવે ડ્રાઇવર સાથે થોડી લમણાઝીક કરી અને છેક ગામડે સુધી લઈ જવાનું ઉચક ભાડું ઠરાવ્યું. ઉત્તેજીત થયેલાં છોકરાં પાછળની સીટમાં કૂદી પડ્યાં. સુજાતા પણ એ જ સીટમાં ગોઠવાઈ. પતિદેવ ડ્રાઇવરની બાજુની આગળની સીટમાં વટથી બેઠા.

મુંબઈની એ ગિરદીમાંથી, સતત હોર્નના અવાજે બધાને દૂર કરતો કરતો, ડ્રાઇવર ટેક્સી હાઈવે ઉપર લાવ્યો. હવે ટેક્સીએ થોડી સ્પીડ પકડી.

પાછળ બેઠી બેઠી સુજાતા હવે શું શું ખરીદવું એની યાદી મનમાં કરતી હતી. નણંદ માટે શું શું લઈ જવું, નણંદોઈ માટે શું લઈ જવું. એમનાં છોકરાં માટે શું શું લઈ જવું. નણંદબા મરી મસાલા, અથાણાં, કપડાં કે એવી કોઈ ચીજો મંગાવે તો એની તૈયારી કેવી રીતે કરવી .... આ વિચારોમાં ખોવાઈ ગઈ હતી. ટેક્સી આગળ વધતી હતી.

અચાનક, કાન ચીરી નાખે એવા મોટા ધડાકા સાથે સુજાતા અને છોકરાં ટેક્સીની આગળની સીટ સાથે પછડાયાં. સામેથી પૂરપાટ આવતી એક મોટી ટ્રક ટેક્સી સાથે અથડાઈ ગઈ હતી. ટેક્સીની આગળનો ભાગ સાવ ચેપાઈ ગયો હતો. ધુમાડા નીકળવા શરૂ થઈ ગયા હતા. ડ્રાઇવરનો આખો ચહેરો લોહી લુહાણ થઈ ગતો હતો. એ બેભાન અવસ્થામાં અંદર ઢળી પડ્યો હતો. ડ્રાઇવરની બાજુમાં આગળ બેઠેલા એના પતિનો દેહ તો સાવ છુંદાઈ ગયો હતો. લોહી લુહાણ થયેલું એમનું અર્ધું શરીર તૂટી ગયેલા બારણામાંથી અડધું બહાર લટકતું હતું. એમની છાતીમાંથી બેસુમાર લોહી વહે જતું હતું. વેદનાની ચીસો સંભળાતી હતી.

પાછળની સીટમાં બેઠેલાં છોકરાં અને સુજાતાને પણ વાગ્યું તો હતું પણ એ બધાં ભાનમાં હતાં. આ એક્સિડંટથી એ બધાં ફફડી ઉઠ્યાં હતાં. રોકકળ શરૂ થઈ ગઈ હતી. ડ્રાઇવર અને પતિની લોહી લુહાણ હાલત જોઈને એ બધાં ડઘાઈ ગયાં હતાં એ બન્ને આગળના ભાગમાં બેભાન પડ્યા હતાં.

જોત જોતાંમાં આસપાસના લોકો ભેગા થઈ ગયા. બૂમાબૂમ શરૂ થઈ ગઈ. સૌ પોતાનાથી બનતી મદદ કરવા મંડી પડ્યા કોઈકે પોલિસને ફોન કર્યો. એમ્બ્યુલન્સ પણ આવી. ડ્રાઇવર અને સુજાતાના પતિને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

બે કલાક પછી ડૉક્ટરે સમાચાર આપ્યા કે ડ્રાઇવર અને સુજાતાના પતિ-એ બન્નેનું મૃત્યુ થયું છે. કોઈને બચાવી શકાયા નથી.

સમાચાર સાંભળતાં જ સુજાતાનું હૈયું જાણે ફાટી ગયું. પોતાના વાળ ખેંચીને એણે ચીસ પાડી. લોકોએ એને સંભાળવા માંડી. આવા સમયે લોકોમાં પડેલી માનવતા અચાનક બહાર આવી જાય છે.

*   *   *

અમેરિકાથી નણંદબા તાત્કાલિક આવી ગયાં. ત્રણ અઠવાડિયાં સુજાતા સાથે રહ્યાં. ભાઈના મૃત્યુ પાછળનો બધી વિધિ પતાવ્યા. જતાં જતાં એમણે સુજાતાને સલાહ આપી ....

‘ભાભી, હવે શાંતિથી મારી વાત સાંભળો. ખોટું ના લગાડશો. અને મારા વિશે ઊંધું ના સમજી બેસશો.’   સાડલાના છેડાથી આંસુ અને નાક લૂછતાં સુજાતાએ નણંદ સામે જોયું. નણંદે સુજાતાના ખભા ઉપર હાથ મુક્યો અને મૃદુ અવાજે બોલ્યાં ...

‘ભાભી, આ સંજોગોમાં તમે હવે અમેરિકા આવવાનું કેન્સલ કરો. બે નાનાં છોકરાંને લઈને તમે ત્યાં શું કરશો ? ભણતર વગર સારી નોકરી મળે નહીં. બે નાનાં છોકરાં ઉછેરતાં ઉછેરતાં જ્યાં ત્યાં મજૂરી કરવી એ અમેરિકામાં સહેલું નથી અને સલામત પણ નથી.’

નણંદબા આ શબ્દો મોટા હથોડાના ફટકાની જેમ સુજાતાના હૈયા ઉપર વાગ્યા. અમેરિકા આવવાનું કેન્સલ ! એની જિંદગી જાણે એકાએક ત્યાં જ થંભી ગઈ હોય એવું એને લાગ્યું. એ જ ક્ષણે જિંદગી ત્યાં જ થીજી ગયેલી લાગી. પેલા કારકુને વિઝા આપીને એ ક્ષણે અમેરિકાનું બારણું ખોલી આપ્યું હતું. નણંદબાએ આ ક્ષણે એ બારણું ધડ દઈને બંધ કરી દીધું ... એને તો હતું કે નણંદબા ઉલ્ટાના એનાં છોકરાંને એમની પાંખમાં લઈને હૂંફ આપશે ! પરંતુ સુજાતાને ખબર નહોતી કે જિંદગી પડખાં બદલતી રહે છે. એક ક્ષણે આનંદના શિખર ઉપર લઈ જાય અને કઈ ક્ષણે અંધારી ખીણમાં ધકેલી દે એ કહેવાય નહીં.

‘નણંદબા ... આઆઆ ...’ ચોધાર આંસુએ ધ્રૂસકાં લેતી સુજાતાનો અવાજ આ અણધાર્યા આઘાતથી ફાટી ગયો. ‘નણંદબા, આ ..આ ..આ .. તમે શું બોલો છો ? અમારું અમેરિકા આવવાનું કેન્સલ ! હવે અહીં અમારું કોણ રહ્યું છે? તમારા ભાઈ ગયા એટલે હું હવે તમારી કોઈ નહીં ! મારાં છોકરાંનો તો વિચાર કરો. નણંદબા, અમને ત્યાં આવવા દો. તમે ફક્ત થોડા દિવસ માટે જ સાથ આપજો. પછી હું મારો રસ્તો કરી લઈશ. હું હાથ જોડીને તમને વિનંતી કરું છું.’

‘ભાભી, તમે અકળાશો નહીં. હું તમને અને બાળકોને અહીં પૈસે ટકે અગવડ નહીં પડવા દઉં. પણ તમે હવે અમેરિકાનો મોહ છોડો ... ત્યાં આ છોકરાં સાથે તમારાથી એકલા હાથે પહોંચી નહીં વળાય. ભાઈ હોત તો વાત જુદી હતી. ભાભી, આ બહુ વ્યવહારુ વાત છે. પ્રૅક્ટિકલ વાત છે.’

‘ના .... નણંદબા ...ના. એવું ના કરશો. હું પહોંચી વળીશ.’

નણંદ મૌન રહ્યાં. ભાભીને અત્યારે reality સમજાવી શકાય એવું નહોતું.

એરપોર્ટ ઉપર જવા બહાર ટેક્સીમાં સમાન ગોઠવાઈ જતો હતો. ટેક્સીવાળાએ હળવું હોર્ન માર્યું ભાભીનું અમેરિકા આવવાનું કેન્સલ કરાવ્યા બદલ પોતે ખૂબ ગિલ્ટી હોય એવા ભારે હૈયે, આંસું લૂછતાં, નણંદ ટેક્સીમાં ગોઠવાયાં. અમેરિકાની આખી ફલાઈટ દરમ્યાન પણ આ ધર્મસંકટ વિશે, આ વિકટ પરિસ્થિતિ વિષે એ ચુપચાપ આંસું સારતાં રહ્યાં – ‘ભાભીને કદાચ હું બહુ ક્રૂર લાગી હોઈશ પણ ....’ 

e.mail : gunjan_gujarati@yahoo.com

Category :- Opinion Online / Short Stories

અગ્રંથસ્થ શબ્દયાત્રા 

[સુપ્રસિદ્ધ કવિ, વાર્તાકાર તેમજ નવલકથાકાર રાવજી પટેલની કેટલીક અપ્રગટ રચનાઓને લઈને થોડા સમય પહેલાં, “તાદર્થ્ય” સામાયિક દ્વારા ‘રાવજી પટેલ : અગ્રંથસ્થ શબ્દયાત્રા’ નામનો વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાંની બે વાર્તાઓ આજે આપણે અહીં માણીશું. ગ્રામ્ય શૈલી અને તળપદી ભાષાના સંવાદો અને ભાવોનું વર્ણન કરતી પ્રસ્તુત વાર્તાઓ પ્રેમ અને કરુણાનો સંદેશ સરળ શબ્દોમાં રજૂ કરે છે.]

[1] 

પ્રીસ્ક્રીપ્શન

ડોક્ટરે છેલાને બહાર બેસવા કહ્યું. ડોસો દેવની મૂર્તિ સામે બેઠો હોય એમ ડોક્ટરને કરગરી પડ્યો. બારણા બ્હાર ફીક્કી નજર નાખીને ડોસાએ ધીમેથી પૂછ્યું : ‘દાગતર સા’બ, ઈને ખઈ રોગ (ક્ષય રોગ) તો નથ્ય ને ?’
ડૉક્ટરનો હકાર સાંભળીને ડોસાના પગ ભાગી ગયા. ધ્રૂજતે હાથે પ્રીસ્ક્રીપ્શન લઈને તે દીકરા પાસે આવ્યો. શિશિરના પાંદડા જેવો એનો ચહેરો જોઈને ડોસો એને ‘ઉઠ બેટા’ એટલું પણ ન કહી શક્યો. બન્ને ઘેર આવ્યા. પાછલી પછીતે છાણાં થાપતી છેલાની મા દોડી આવી. ડોસાનું પડી ગયેલું મ્હોં જોઈને એની ઘરડી આંખનો ખૂણો ભીનો થયો. ડોસો ત્યાં ઝાઝું ન ટકી શક્યો. ઘરમાં જઈ થોડુંક ઊભો રહ્યો અને બારણા પાછળથી લાકડી લઈને ….. ‘ફકર્ય ચંત્યા ન કરતી …’ એમ બબડતો બબડતો પરસાળમાં આવ્યો. ઘરમાં ફૂટી કોડી ય નહોતી. દવા વગર છેલો નહીં બચે. આજે ચુંગી સળગાવવાનું પણ મન થતું નહોતું. પાંગેથ પર છેલાની મા બેઠી હતી. ઘેટું બેઠું હોય એવી ગરીબ. અચાનક ડોસાને ઈલાજ સૂઝ્યો. ખીંટીએથી કેડિયું ઉતાર્યું, પહેર્યું. પછેડીને છેડે પ્રીસ્ક્રીપ્શન બાંધ્યું અને વાડા પાસે આવ્યો. એને ઝાંપલી આગળ ઊભેલો જોઈને ઘેટાં બેંબેં કરવા લાગ્યાં. ડોસે વાડામાંથી નબળાં જોઈને બારેક ઘેટાં કાઢ્યાં. અને તેમને લઈને નીકળી પડ્યો ….

ધૂળિયા રસ્તા પરથી સડક પર પગ મૂકતાં જ તે દાઝ્યો. સૂરજ માથે ચડતો હતો. એ ઘણીવાર શહેરમાં ઘરવખરી લેવા જતો. કતલખાના પાસેથી ઘણીવાર ગુજર્યો હતો અને તેની આંખમાં ખુન્નસ ઝલપાતું. એ ઘેટાં લઈને છેક કતલખાનાના ઝાંપા આગળ આવી ઊભો. ઝાંપે ઊભેલા માણસને કગર્યો.
‘એ બાપલિયા, ઘર્યે સોકરો ખઈમાં રિબાય સે, પાંહે દવા લાવ્યાનો પૈસો નથ્ય, આ ….’ ઘેટાં ભણી જોઈને એણે નજર વાળી લીધી. ઘેટાં છેક વાડેથી પૂંઠે પૂંઠે આવ્યા અને કોણ જાણે શીય મરવાની ગંધ આવી કે ઝાંપો જોઈને ચૂપ થઈ ગયાં. સોદો નક્કી થયો. ડોસે પછેડીને છેડે બાંધેલું પ્રીસ્ક્રીપ્શન કાઢ્યું, એના પર દુ:ખી હાથ ફેરવી જોયું અને પછી એક એક ઘેટાને નજરમાં ભરી લીધું.

બધાંને અંદર ધકેલવા એણે ડાંગ ઊંચકી. એકેય ઘેટું ઝાંપાની અંદર પેસવા તૈયાર ન થયું. જિંદગીમાં પહેલીવાર ડોસાએ આ અચરજ દીઠું. ‘મુઆ સેંમાડે હતાં ત્યાણે તો બેંબાકરો કરી મેલતાં’તાં, ને નખ્ખોદિયાંને અસાનક આ શું હુઝ્યું કે ચૂપ થઈ ગયાં !’ પોતાને ડચૂરો ભરાય એ રીતે એણે ડાંગ વીંઝી. ભયાનક શાંતિ બારેય ઘેટાં પર તોળાઈ રહી. અંદરથી બીજા ત્રણ-ચાર જણ ડાંગો લઈ લઈને હડી આવ્યા ત્યારે તો ડોસાની આંખો લગભગ પલળી જ ગઈ ! ‘રહેવા દો …..રહેવા દો ….ઈયાંને ….’ બોલતો બોલતો એ જ ઘેટાં પહેલાં કતલખાનામાં પેઠો. અંદર ખુલ્લા ચોકમાં લીમડીનું ઝાડ હતું. એના છાંયા નીચે જઈને ડોસો ઊભો. સીમના વૃક્ષ નીચે ઊભો હોય એમ એણે ‘હિયોહ’ કર્યું. તોય એકે ઘેટું અંદર ન પેઠું. એને રડવું આવે એવી ખીજ ચડી. ઝાંપા લગી તે આવે તે પહેલાં પેલા માણસો બચારાં પર તૂટી પડ્યા. ઘેટાં બેંબાકરો કરવા મંડ્યા. ડોસો ઘડીક લીમડી નીચે ને ઘડીક ઝાંપા તરફ આવે-જાય, ને છેવટે ડાંગોની તડી સહી ન જતાં બચારાં ઘેટાંને લાગ્યું કે આના કરતાં તો મોત સારું. બાપડાં બધાંય એક એક કતલખાનામાં પેઠાં. બાપ વગરનાં છોકરાં જેવાં ઘેટાંને લીમડા નીચે આવતાં ડોસાને સીમની ખુલ્લાશ સાંભરી. બધાંય એની ચોતરફ. બધાંય જાણે એને વળગી પડ્યાં.

…. ને અચાનક ડોસે રાડ પાડી અને તે ઝાંપા બ્હાર નીકળી પડ્યો. ‘હિયોહ’ કરતો લગભગ બોલી ઊઠ્યો, ‘એકને સારું બારેયને ગરદન નથ્ય મારવો …’ ક્ષણવારમાં તો બધાંય ઘેટાં ખુલ્લી સડક પર આવી ઊભાં. એક તો દોડી ગયું છેક આગળ … મુક્તિનો આનંદ એમનાં ગળામાં ઘૂંટાવા લાગ્યો. આ જોઈને ડોસે થોડેક છેટે જઈને આગલા ઘેટાને ઊંચકી લીધું. મરવાના વાંકે ખાટલીમાં સૂતેલા છેલાને ઊંચકતો હોય એમ એને બચીઓ કરી. પછી શુંય સૂઝ્યું કે પછેડીને છેડે બાંધેલું પ્રીસ્ક્રીપ્શન કાઢીને ફાડી નાખ્યું અને નાક લૂછતો લૂછતો ઘરની વાટે ચડી ગયો

…
.

[2] 

શિવ

મારી માસી એક બારૈયાને લઈને ભાગી ગઈ એ પછી શિવનું પોતીકું માણસ કોઈ ન રહ્યું. માસો હતો પણ એ ‘માણસ’ જ ક્યાં હતો ? હરાયા પાડા જેવો ગામમાં ઘેર ઘેર રખડતો. હુક્કો ને ચા મળે ત્યાં જ ઘર કરીને પલાંઠો વાળતો. ઘેર આવીને શિવને હાથમાં આવ્યું તે લઈને જુવાર-બાજરીનાં ઠૂંઠાની જેમ ઝુડવા માંડતો. છેવટે કસાઈ જેવા બાપથી ત્રાસી-નાસીને શિવ છેવટે અમારે ઘેર આવ્યો.

એ આવ્યો ત્યારે રાત પડી હતી. બહાર વરસાદનાં ઝાપટાં પડતાં હતાં. ને અંદર હું મધુ જોડે સોળકૂટી રમતી હતી. બા-બાપુ ખેતરમાં ઓરીને આવ્યાં એની વાતે ચડ્યા હતા અને જમવાનું મોડું થયું હતું એટલે ચૂલે ખીચડી ખદબદતી હતી. આ પહેલાં એ અમારે ઘેર નહોતો આવ્યો. મેં તો એનું નામ જ માત્ર સાંભળ્યું હતું. મોસાળમાં ભણતી હતી ત્યારે મેં દાદાને મોંએ સાંભળેલું કે શિવાને એના બાપે ભણવા ન દીધો ત્યારે મેં એના ચહેરાની કલ્પના કરી હતી. એનો વાન ગોરો હશે. દાદાને મેં પૂછેલું :
‘એ કેવડોક છે ?’
‘તારા જેવડો. પણ બિચારાને એક આંખે દેખાતું નથી એટલે એનો બાપ સાલો બહુ મારે છે.’

ને મને એનું મોં જોવાનું એ વખતે મન થઈ આવેલું. મારે ભાઈ નથી … પણ હું એ આવ્યો એની વાત કરતી હતી ને ! મધુએ મારી એકેય કૂટી લીધી નહોતી. અચાનક મારે બહાર જવાનું થયું. મેં બારણું ખોલ્યું. કોથળો માથે ઓઢ્યો ને કાળી સીસમ જેવી વરસાદી રાતના ગડગડ અવાજથી હું બીધી. વાડામાં જવાની મારી હિંમત ન થઈ ને હું આંગણામાં જ બેઠી. ઊઠીને જેવી બારણા તરફ જઉં કે વીજળીના ઝબકારામાં મેં એને દીઠો. ટૂંટિયુંવાળીને કૂતરાની જેમ એ બેઠો હતો ને હું તો છળી પડી. ચીસ પાડું કે કશું બોલું તે પહેલાં જ એનો ગળગળો અવાજ આવ્યો : ‘માસી !’
હું તો બારણું ખોલીને અંદર પેસી ગઈ. બાને બધી વાત કરી. ફાનસ લઈને બાએ જોયું તો એનો ભાણિયો-શિવ.
‘તું ? ભૈ અત્યારે ? તને ઘર કેવી રીતે જડ્યું ?’ બાએ ઉપરાઉપરી લાગણીવશ પ્રશ્નો કરી નાખ્યાં.
‘મને બતાડ્યું કો’કે. પેલી પા ….’ એનો ઉત્તર સાંભળ્યા વગર બાએ તો એને છાતીએ ચાંપી દીધો. રાતના વાન જેવો ભીનોભદ શિવ એ વખતે થરથરતો હતો. બાએ એને ધોતિયું આપ્યું. કામળી ઓઢાડી. ચૂલે રાબ મૂકીને એના છોકરાને માથે, છાતીએ, કપાળે, લૂગડાના ડૂચાથી શેક કરવા માંડી. એની સરભરા કરતી વખતે તે કશુંય બોલતી નહોતી, માત્ર રડતી હતી.

ને શિવ ….! ચોરેલા ચાસ પર સમાર દે ત્યારે દબાઈ જતી માટીની જેમ ચૂલા આગળ કોકડું વળીને બેસી રહ્યો હતો. ઘરમાં નવું માણસ ઉમેરાયું એ જોઈ બાપુજી ચૂપ થઈ ગયા હતા. બાએ જ્યારે ધોતિયું આપ્યું ત્યારે કંઈક બોલું બોલું એ થઈ ગયા. પણ જ્યારે સૌ પહેલી થાળી શિવની પિરસાઈ ત્યારે બાપુજીએ મૌન તોડીને અજુગતો પ્રશ્ન કર્યો :
‘આવતીકાલનું બિયારણ તેં રાખ્યું ?’
‘બિયારણ ? ક્યા ખેતર માટે વળી ? મનોરવાળા ખેતર સિવાય બીજાં દસવીશ ખેતરો છે કે ?’
બાપુજી ડઘાઈ ગયા. ખરું તો એ છે કે અમારાં ખેતર ગિરવે મુકાઈ ગયાં છે અને મને ભણાવવાનો ખર્ચ પણ મોસાળે ઉપાડ્યો. એમાંય અંદરખાનેથી બાના ઘરેણાં વપરાયાં એ તો અમારું મન જાણે છે. ઘરમાં ખાનારું વધે એ બાપુજીને ન ગમે એ દેખીતું છે. પણ નિરાધાર શિવને પારકો ગણવો એ બાના હૃદયને કેમ કર્યું ગમતું નહોતું. બાએ જ એને પાછો ‘નર્કમાં’ ન જવા દીધો.

એ અઠવાડિયું આખું કોરું ગયું. ગામ આખું ચિંતા કરતું હતું. વર્ષ માથે પડશે એવી આશા એકધારી સૌની આંખમાં અગાઉથી ડોકાતી હતી. પરંતુ મનુષ્યજીવનમાં દુ:ખ પણ કેવું કેવું આવે છે ! પેલી કહેવત નથી – ઘરનો દાઝ્યો વનમાં જાય તો વનમાં લાગી લ્હાય. શિવને બરાબર એવું થયું. દૈત્ય જેવો બાપ ઘેર પીડતો હતો તો અહીં પરાયાપણું એને માટે દૈત્ય બની બેઠું. મારા બાપુની કડકાઈ ઘરમાં આમેય ખૂબ વરતાતી. એ મોંમાંથી ચૂં પણ ન બોલે. પણ અમે બેય બહેનો ને બા બીધા કરતાં. એમના મૌનમાં રહેલી તીખાશ અજાણ્યો અને તેય બિચારું છોકરું શી રીતે જીરવી-સમજી શકે ? શિવના પગલામાં ઝઘડો આવ્યો. બા મીઠામરચાં માટે કંઈ કહે ને બાપુની આંખ ફાટે. લાલચોળ થઈ પગ પછાડી ઘરમાંથી નીસરી જાય. શિવ પાસે એના પહેરેલાં કપડાં સિવાય કાંઈ નહીં. શિવ કાચી ઉંમરનો ને વળી પાછો નિરક્ષર. બાપુના મિજાજને પકડી શક્યો નહિ અને એમની હાજરીમાં જ પાછો હુક્કો પીવા બેસી પડતો. શિવ ખેતરનું કામ તન તોડીને કરતો છતાંય બાપુને ન ગમતું. ખુદ મધુને પણ તે આંખમાં આવતો ને બા બિચારી બળીને બાવટો થઈ જતી. એનાથી ન રહેવાયું. છેવટે એક દિવસે કહી નાખ્યું :
‘શિવને બે જોડી લૂગડાં કરાવો.’
‘કેમ કાંઈ આટલું બધું ? બે જોડ ? એને માટે તું કહેતી હોય તો ભીખ માંગુ ?’ બાપુ ઝળક્યા.
‘હું ભીખ માંગવાનું ક્યાં કહું છું ?’
‘તો શું કરું ? ઘરમાં મરચું લાવવાનો અડધો સરખોય છે ? ખેતરમાં ઓરણ તો બળી બેઠું છે ને કુંવરને બે જોડ લૂગડાં સીવી આપો, વાહ રે!’

બા શું બોલે ? પરિસ્થિતિને એ જોતી હતી. તેમ છતાં સ્ત્રીનું હૈયું જે તરફ ઢળે છે એને માટે બીજા કશો વિચાર કર્યા વગર મીણની જેમ ઓગળ્યા વગર રહેતું નથી. પડોશણો સાથે તે વાતવાતમાં કહી બેઠી :
‘શિવ બહુ સહન કરે છે. એની મા ભલેને … પણ હું જ હવે તો … પણ દસ દિવસથી આવ્યો છે ત્યારનો પગ વાળીને નથી બેઠો.’
બાને જે કહેવું છે તે તો મનમાં ને મનમાં જ રહ્યું. મેં પૂછ્યું :
‘બા, શિવને માટે તું બહુ જીવ બાળે છે, કેમ ?’
ઉત્તરમાં તે મારી આગળથી ખસી ગઈ. એને રડવું આવ્યું હતું એ હું જોઈ શકી. બાને હૃદયનો હુમલો પહેલાં બે વાર આવી ગયો હતો. મને એનો ડર હતો એટલે મેં ફરીવાર એને સાંત્વના આપતાં કહ્યું :
‘બા, તું શિવ માટે જીવ ન બાળ. એ હવે થોડો દુ:ખી છે ? આપણા ઘેર રહેશે, ભૂખે તો નહિ મરે ને ?’
‘પણ એ આવ્યો ત્યારનો એકનું એક લૂગડું પહેરીને કામ કરે છે અને તારા બાપુને દયા સરખી નથી આવતી.’

એ સાંજે શિવનો બાપ આવ્યો. અમારા સૌના દેખતાં એને છત્રીથી માર્યો. બા તે વખતે ઉમરેઠ ગઈ હતી. બાપુ કે અમે બે બહેનોની દેન નહોતી કે શિવને છોડાવી શકીએ. બાપુ તો ન ગયા એનું કારણ દ્વેષ હતો. ભેંસવાળા કોલામાં ઝૂડતા ઝૂડતા એને લઈ ગયા. શિવના મોંમાંથી હોંકારો સુદ્ધાં નીકળતો નહોતો. થોડીકવાર પછી એ આવ્યો હતો એમ જ જતો રહ્યો ને હું શિવ પાસે ગઈ. ઊંધે મોઢે પડ્યો ઝીણું ઝીણું રડતો હતો. ફળિયાના કૂતરાને ટીપ્યું હોય એમ તેને માર્યો હતો. મેં એને બેઠો કર્યો ને હું શું જોઉં છું ! એની ડાબી આંખમાંથી લોહી દદડતું હતું. બાપુને વાત કરી તો કે’ ગોદો વાગ્યો હશે. મટી જશે. મેં મુખીકાકાના ઘર તરફ દોટ મૂકી. મુખીકાકાને કરગરી શિવને દવાખાનામાં લઈ જવા મેં કહ્યું. શિવની જીવતી આંખ એના બાપે ફોડી નાખી હતી. એને માટે દુનિયા જોવાની નહોતી. દવાખાનેથી પાટો બંધાવ્યો. મારા બાપુએ પૈસાના અભાવે એને ત્યાં રાખવા ન દીધો અને એ જ દિવસે એને પાછો ઘેર લાવ્યા.

ઘેર આવ્યા ત્યારે બા આવીને બેઠી હતી. એને કશી ખબર જ નહોતી. આવીને પાણી પીધું હતું એટલું જ. મને પૂછ્યું : ‘શિવો ક્યાં છે ?’
ને મારી આંખમાં ઝળઝળિયાં જોઈને એ તો હેબતાઈ ગઈ. બારણામાં બાપુ અને મુખીકાકા શિવને દોરીને લાવ્યા. બાએ જેવો એને જોયો કે હું બહાર આવતી હતી ને મુખીકાકાએ રાડ પાડી : ‘છોડી, તારી મા….’ હું પાછી ફરીને જોઉં છું તો બાની આંખો ફાટી ગઈ હતી. પોતાની છેલ્લી જણસ – વીંટી લઈને તે વેચીને વાણિયાને ઘેરથી શિવ માટે કાપડ લાવી હતી. એ જ શ્વેત કાપડ એના શબ પર ઓઢીને એ અમને અને અંધ શિવને મૂકીને જતી રહી.

સૌજન્ય : http://archive.readgujarati.in/sahitya2/2010/02/03/agrantha-shabda/

Category :- Opinion Online / Short Stories