SHORT STORIES

મૅટ્રિમોનિયલ્સ

પન્ના નાયક
25-06-2018

આજે ઑગસ્ટની બીજી તારીખ. બે મહિના પછી ઑક્ટોબરની બીજી. ગાંધી જયંતી. પ્રભાના અવસાનને એ દિવસે ત્રણ વર્ષ થશે. પાર્ટીમાં જવા માટે પહેરવાનાં સૂટ અને શર્ટને ઇસ્ત્રી કરતાં કરતાં ડ્રેસિંગટેબલ પર પ્રભાએ ગોઠવેલાં ને હજી એમ ને એમ રાખેલાં શ્રીનાથજીની છબી, ઘરેણાંનો ડબ્બો, ‘શનેલ નંબર ફાઇવ પર્ફ્યુમ’, હૅરબ્રશ વગેરે વગેરે જોતો જોતો નિરંજન વિચારતો હતો. એને વિધુર થયે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયાં હતાં. અને પ્રભા વિના વિતાવેલાં વર્ષો એણે કેમ કાઢ્યાં હતાં એ તો એનું જ મન જાણે છે. રીના હવે બાર વરસની થઈ અને રુચિર ચૌદનો. ટીનએજર્સને અમેરિકામાં ઉછેરવાનાં હતાં.

ઇસ્ત્રી કરી નિરંજને દાઢી કરવા માંડી. એ દાઢી કરવા માંડે ત્યારે જ પ્રભાને હાથ ધોવા હોય. બાજુમાં બીજું સિન્ક હતું એમાં નહિ પણ નિરંજન ઊભો હોય એ જ સિન્કમાં. નિરંજનને નાની નાની બાબતોમાં હેરાન કરવાનું પ્રભાને ખૂબ ગમતું. નિરંજન આજે એકલો એકલો ઊભો રહીને દાઢી કરતો હતો. એને પ્રભાના અવસાનનો કારમો ગુરુવાર યાદ આવી ગયો. માથાના અસહ્ય દુખાવાને કારણે પ્રભા એ ગુરુવારે વહેલી ઘેર આવી હતી. દાખલ થતાં મેઈલબૉક્સમાંથી ટપાલ લઈને જ ઉપર આવી હતી. ટાયલેનોલની બે ગોળી લીધી હતી. પછી નિરંજનને ફોન કર્યો હતો. વાત કરતાં કરતાં ઓવન ચાલુ કર્યું હતું, ફ્રિજમાંથી ઑરેન્જ જ્યૂસ કાઢ્યો હતો. સફરજન અને ચપ્પુ રકાબી પર મૂક્યાં હતાં. બીજી ટપાલને હડસેલી ‘ઇન્ડિયા અબ્રૉડ’ ખોલ્યું હતું. પાનાં ફેરવી એને ગમતી મૅટ્રિમોનિયલ કૉલમનાં પાનાં ટેબલ પર પ્રસાર્યાં હતાં. નિરંજન સાથેની વાત પતી એટલે સફરજન સમાર્યું હતું, ટેબલ પર પસારેલું છાપું વાંચતાં વાંચતાં સફરજનની ચીરી ખાઈ રહી હતી. એકાએક એ ખુરસી પરથી ફર્શ પર પડી ગઈ. કલાકેક પછી રુચિર આવ્યો ત્યારે પ્રભા હજી ફર્શ પર જ પડી હતી. સફરજનની અડધી ખાધેલી ચીરી હજી એના મોંમાં જ હતી. એણે રુચિરને ઇશારાથી ચાલુ ઓવન બંધ કરવાની સૂચના આપી હતી. રુચિર ખૂબ ગભરાઈ ગયો હતો. એણે તરત નિરંજનને ફોન કર્યો ને નિરંજન દોડતો આવ્યો હતો. એ આવ્યો ત્યારે પણ પ્રભા ફર્શ પર હતી. સમારેલા કાળા પડી ગયેલા સફરજનની રકાબી નીચે છાપું ખુલ્લું પડ્યું હતું. એણે ઍમ્બ્યુલન્સ માટે ફોન કર્યો. ચાર કલાક પછી પ્રભા અવસાન પામી. વિચારમાં ને વિચારમાં દાઢી સહેજ છોલાઈ. લોહી ધસી આવ્યું. નિરંજને નેપ્કિન લઈ લોહી પર દાબી દીધો. પહેલાં કોઈ વાર દાઢી છોલાતી તો પ્રભા નેપ્કિન લઈ દોડી આવતી.

નિરંજને શાવર ખોલ્યો. પ્રભા સાથે લીધેલા શાવર યાદ આવ્યા.

ગુરુ શુક્રવારની ટપાલમાં સાપ્તાહિક છાપું આવ્યું હોય. આગામી કાર્યક્રમોની જાહેરાત પર નજર ફેરવી છેલ્લે પાને આવતી મૅટ્રિમોનિયલ્સમાં પ્રભાને ભારે રસ. આ મૅટ્રિમોનિયલ્સ એ ધ્યાનથી જુએ. કેટલીક જાહેરખબર લાલ પેનથી માર્ક કરે. રાતે એ ને નિરંજન લાલ પેનથી માર્ક કરેલી જાહેરખબરની ચર્ચા કરે. આ સ્ત્રી-પુરુષો કોણ હશે? કેવાં હશે? વિધવા, વિધુર, છૂટાછેડા લીધેલી વ્યક્તિઓ. પ્રભા અને નિરંજન વિચારે કે એ જાહેરખબરમાંથી એમને કોણ ફિટ થાય છે. પ્રભા પુરુષોની કૉલમ જુએ અને નિરંજન સ્ત્રીઓની. જરૂરિયાત પ્રમાણે જવાબ તૈયાર કરે. એકબીજાના જવાબ વાંચે અને પછી બન્ને ખડખડાટ હસે. આ એમની વર્ષોની અંગત રમત હતી. આ રમતની વાત શાવરમાં પણ થતી. આજે એને પાર્ટીમાં જવાનું છે. અશોક અને સુનીતાને ત્યાં.

આ જ અશોક અને સુનીતાએ એમનાં લગ્નની પચ્ચીસમી એનિવર્સરીની પાર્ટી કરેલી. ખૂબ ધામધૂમથી, નવેસરથી લગ્ન કરીને. નિરંજન અને પ્રભા જેવાં અનેક દંપતીઓની સાથે ઉષાને પણ બોલાવેલી. ઉષાએ થોડા સમય પર છૂટાછેડા લીધા હતા. પાર્ટીમાં લોકો એની સામે અવનવા ભાવથી જોતા હતા. જમતી વખતે ઉષા પ્રભા અને નિરંજન સાથે બેઠી હતી. પ્રભાએ એની સાથે વાતો કરી. ક્યારેક એમને ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું. નિરંજને આગ્રહ કર્યો. ફોન કરીને દિવસ નક્કી કરવાની વાત સાથે એ લોકો છૂટાં પડ્યાં.

એનિવર્સરીની પાર્ટીમાંથી ઘેર જતાં નિરંજને પ્રભાને કહ્યું કે બીજાં દસ વરસ પછી એ લોકોએ પણ પચ્ચીસમી એનિવર્સરી આવી રીતે ઊજવવી જોઈશે.

‘ઉષા ત્યારે એકલી જ હશે કે પરણી ગઈ હશે?’

‘આટલી હોશિયાર ભણેલીગણેલી ને કમાતી છોકરી થોડી જ કુંવારી રહેવાની હતી? અત્યારે ય કેટલા પુરુષો એની પાછળ હશે કહેવાય નહિ.’

થોડી વાર કોઈ બોલ્યું નહિ.

‘આપણે ઘેર આવે ત્યારે પૂછીએ તો કેમ?’ પ્રભા બોલી.

‘અને કોઈ સાથે નક્કી ન કર્યું હોય તો આપણાં છાપાંનો ઢગલો એની પાસે ખડકી દેવાનો.’ નિરંજનને લાલ પેનથી માર્ક કરેલી જાહેરખબરો આંખ સામે આવી.

નિરંજનનો શાવર પતી ગયો. એને વિચાર આવ્યો આજની પાર્ટીમાં ઉષા હશે? એકલી આવી હશે? પ્રભાના ફ્યુનરલ વખતે ઉષા આવી હતી.

નિરંજન ગ્રે સૂટમાં તૈયાર થઈ સાંજની ગાર્ડન પાર્ટીમાં ગયો. એક હાથમાં ડ્રિંક અને બીજે હાથે મગફળી અને કાજુ ખાતાં ખાતાં કેટલાક પુરુષો રાજકારણની ચર્ચા કરતા હતા. કેટલીક સ્ત્રીઓ ઘરકામની અને છોકરાંઓની વાતો કરતી હતી. એ કોઈ પણ ગ્રુપમાં ભળી શકે એમ હતું. બધાંને કેમ છો, કેમ છો, પૂછી રસોડામાં આંટો મારી આવ્યો. ત્યાંથી ઉપર બાથરૂમમાં ગયો. એના વાળ બરાબર છે કે નહિ એ અરીસામાં ચેક કરી લીધું.

બાથરૂમમાંથી નીચે આવ્યો ત્યારે એક ક્ષણ માટે સોપો પડી ગયો હતો. એનું કારણ ઉષા હતી. ઉષા એના સફેદ અને કાળા સલવાર-કુર્તા-દુપટ્ટામાં સજ્જ હતી. ખભે કાળી પર્સ હતી. પગમાં કાળા શૂઝ. મોં પર આછો મેકઅપ, આંખમાં બદામી આકારને સતેજ કરતું કાજળ. હોઠ પર ગુલાબી લિપસ્ટિક.

ઉષા આવી એ નિરંજનને ગમ્યું.

‘શું ડ્રિંક પીશો?’ નિરંજને ઉષાને પૂછ્યું.

‘જિન ઍન્ડ ટૉનિક.’

નિરંજન એને માટે ડ્રિંક લઈ આવ્યો. ઉષાએ એના, બાળકોના ખબર પૂછ્યા.

‘જમતી વખતે તમે મારી સાથે જ બેસજો.’

‘કેમ?’ ઉષાએ પૂછ્યું.

‘તમને એકલું ન લાગે ને!’

જમતી વખતે નિરંજન ખુશમિજાજમાં હતો. ઉષાનું ધ્યાન રાખતો હતો. ખૂબ બોલતો હતો.

‘તમને હું ડ્રન્ક તો નથી લાગતો ને?’

‘મને મજા આવે છે.’ ઉષા બોલી.

‘હું તમને ફોન કરી શકું?’

‘હા.’

ખોળા પર મૂકેલા નેપકિનને હાથમાં લઈ, મોં લૂછવાનો ચાળો કરી, એના પર પોતાના ઘરનો નંબર લખી ધીરેથી ઉષાના ખોળા પર મૂક્યો.

‘ઇચ્છા થાય તો ફોન કરજો.’

અઠવાડિયા પછી નિરંજને જ ફોન કર્યો.

‘ઉષા, હું નિરંજન.’

‘કેમ છો તમે?’

‘બિઝી તો નથી ને?’

‘ટીવી જોઉં છું.’

‘પછી ફોન કરું?’

‘હા, દસ વાગ્યે.’

દસ વાગ્યે નિરંજને ફોન કર્યો.

‘હવે તો બિઝી નથી ને?’

‘ના.’

‘ગયા શનિવારે પાર્ટીમાં તારી સાથે મજા આવી. તમને “તું” કહું તો વાંધો નથી ને?’

‘પણ હું તમારાથી મોટી છું.’ ઉષાએ ગપ્પું માર્યું.

‘કેટલી મોટી?’

‘બાર વરસ.’

‘પણ તું લાગે છે માંડ પાંત્રીસની. હાઉ ઇઝ લાઇફ?’

‘કોઈ ફરિયાદ નથી.’ ઉષાએ બીજું ગપ્પું માર્યું.

‘એકલું નથી લાગતું?’

‘મારા કામમાંથી પરવારું પછી એવો વિચાર કરું ને?’ ત્રીજું ગપ્પું.

‘ઇન્ડિયામાં હોય તો આમ સવારથી સાંજ કામ કર્યાં કરે?’

‘ઇન્ડિયાની તો વાત જ જુદી છે.’

‘મારી અંગત વાત કરું તો વાંધો નથી ને?’

‘વાંધો શો?’

‘બહુ એકલું લાગે છે. આઈ મિસ પ્રભા વેરી મચ. પ્રભા હતી ત્યારે બીજી સ્ત્રીનો વિચાર પણ ન આવે.’

‘અને હવે?’

‘ઇટસ્ અ ન્યૂ ગેઈમ.’

‘ગેઈમ એટલે?’

‘આવી રીતે અંગત વાત ન કરી હોય એટલે ઑકવર્ડ ફીલ થાય.’

‘તમારાં ભાઈ અને બહેન અહીં જ છે ને?’

‘પણ એમની સાથે અંગત વાત થોડી થાય?’

‘તો પરણી કેમ નથી જતા?’

‘એ કાંઈ થોડું સહેલું છે?’

‘તમે મળો છો કોઈને?’

‘હા, એક બંગાળી ફ્રેન્ડ છે.’

‘તો તો બરાબર, નહિ?’

‘છોકરી સારી છે પણ ઑલ ધ ટાઇમ ઇંગ્લિશમાં બોલવું પડે.’

‘તો પછી કોઈ ગુજરાતી છોકરી શોધી કાઢો.’

‘તું ઓળખે છે કોઈને?’

‘અત્યારે તો ખ્યાલમાં નથી. તમે અહીંનું કોઈ છાપું મંગાવો છો?’

‘વર્ષો સુધી પ્રભા ને હું છાપાંની મૅટ્રિમોનિયલ્સ વાંચીને ખૂબ હસતાં હતાં. મને કલ્પના નહિ કે મારે જ એ સિચ્યુએશન આવશે.’

‘કદાચ બધાં જ મૅરિડ કપલ્સ સિંગલ્સ પર હસતાં હશે.’

‘એ લોકોને સિંગલ સ્ત્રીપુરુષની કલ્પના જ નહિ હોય. મને પણ હવે જ ખ્યાલ આવે છે.’

‘તમે જોયું તે દિવસે પાર્ટીમાં?’ ઉષાએ પૂછ્યું.

‘શું?’

‘પરણેલી સ્ત્રીઓને થાય કે આ છોકરી એકલી છે, દુ:ખી છે તો અમારા વરને છીનવી જશે.’

‘અને પુરુષોને?’

‘પુરુષોને અડપલાં કરવાનું મન થાય.’

‘તારી અમેરિકન ફ્રેન્ડ્ઝ?’

‘એ લોકોમાં તો “સિંગલ વુમન ઇઝ અ લેપર.”

‘સૉરી, ઉષા! મારો બીજો ફોન આવે છે. પછી ફોન કરીશ.’

ઉષાને થયું કે નિરંજન હજી પ્રભાના જ પ્રેમમાં છે.

થોડા દિવસ પછી પાછો નિરંજને ઉષાને ફોન કર્યો.

‘હં, તો શું વાત કરતાં’તાં આપણે?’

‘હું કહેતી હતી કે એકલી રહેતી સ્ત્રીની દશા બૂરી હોય છે.’

‘મારી દૃષ્ટિએ પુરુષની વધારે બૂરી હોય છે. તારી જેમ તારી બહેનપણીઓ પણ એકલી રહેતી હશે ને?’

‘મારી ચાર ઇન્ડિયન ફ્રેન્ડ્ઝ ડિવૉર્સ્ડ છે.’

‘બધી ગુજરાતી?’

‘ના.’

‘કદાચ પ્રોફેશનલ વીમેન હશે. ચાલ, વાત બદલીએ. હું તને બોલાવું તો તું આવે?’

‘ક્યાં?’

‘એક સાંજે જમવા. બીજી ઑક્ટોબરે શનિવાર છે. તને ફાવે?’

‘ના, એ સાંજે તો મારે બહાર જવાનું છે.’

‘તો રાતે કૉફી પીવા જઈએ.’

કૉફી પીધા પછી નિરંજન ‘ગુડ નાઇટ કિસ’ આપીને જશે કે અંદર આવશે? અંદર આવીને કહેશે ‘આઈ વોન્ટ ટુ મેઇક લવ ટુ યુ’ તો? તો હા પાડવી? અને હા પાડું તો એ પ્રેમ મને કરશે કે પ્રભાને? ઉષા વિચારતી હતી.

બીજી ઑક્ટોબરે નિરંજન ફોન પર સમય નક્કી કરી ઉષાને લેવા આવ્યો.

‘તું ક્યાં સુધી આમ એકલી જીવ્યા કરીશ?’

‘તમારી પેલી બંગાળી મિત્રનું શું?’

‘મળીએ છીએ વન્સ ઇન અ વ્હાઇલ.’

‘હં.’

‘તને લાગે છે આપણું ક્લિક થાય?’

‘કદાચ.’

‘અને ન થાય તો ફોન પર વાત કરીશ ને મળીશ તો ખરી ને?’

‘આજની જેમ?’

‘હા.’

મૂવીની, પુસ્તકોની વાત કરીને ઉષા અને નિરંજન કૉફી શૉપની બહાર નીકળ્યાં ગાડી પાસે નિરંજને કહ્યું:

‘આજે પ્રભાની ડેથ એનિવર્સરી છે.’

ગાડીમાં કોઈ બોલ્યું નહિ. નિરંજને ઉષાનો હાથ પંપાળ્યા કર્યો.

ઉષાનું ઘર આવી ગયું.

‘ફરી ક્યારે મળીશ?’ નિરંજને હાથ લંબાવ્યો.

‘અત્યારે જ. ચાલો અંદર.’

અંદર દાખલ થઈને ઉષા બારણું બંધ કરે એ પહેલાં જ બારણાને અઢેલીને ઊભેલો નિરંજન ઉષાને વળગી પડ્યો. નિરંજન ઉષાને પ્રેમ કરતો હતો કે પ્રભાને? ઇટ જસ્ટ ડિડ નૉટ મૅટર.

Posted : 24 જૂન 2018

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/2018/06/24/પન્ના-નાયકની-વાર્તા-૪-મૅ/

Category :- Opinion / Short Stories

બુક–કેઇસ

પન્ના નાયક
18-06-2018

‘ના, ના, મને સારું છે. સાચે જ સારું છે. તમે કોણ?’

‘મહેશ. પપ્પા, હું મહેશ છું.’

ઉમેશભાઈને એ નામ સાથે કોઈ લેવાદેવા હોય એવું ન લાગ્યું. વેગમાં જતી ટ્રેનમાં સ્થિર ઊભા રહેવા કોઈ દાંડો પકડવા જાય એમ ઉમેશભાઈ એ નામને વળગવા મથી રહ્યા.

અમેરિકામાં વસતા ભારતીયોનાં પપ્પા-મમ્મી દર ઉનાળામાં ચાર મહિના દીકરા-દીકરી સાથે રહેવાં ને પૌત્ર-પૌત્રીને રમાડવાં આવે એમ જ ઉમેશભાઈ એમની પત્નીના અવસાન પછી ફરી એક વાર મહેશ સાથે રહેવા આવ્યા.

એક શનિવારે ઉમેશભાઈ નવ વાગ્યા સુધી નીચે ચા પીવા ન આવ્યા. મહેશે એના દીકરા સૌરભને દાદાજીને બોલાવવા મોકલ્યો. સૌરભ દાદાજીને ન લાવ્યો એટલે મહેશ પોતે જ ઉપર ગયો. ઉમેશભાઈ ભરઉનાળામાં કફની પર બંડી પહેરી શાલ ઓઢી પથારીમાં બેઠા હતા.

‘પપ્પા, ચા થઈ ગઈ છે.’

‘શું?’

‘ચા, પપ્પા.’

‘ચા?’

‘તમને સારું નથી લાગતું?’

‘ના, ના, સારું છે. તમે કોણ?’

‘મહેશ. પપ્પા, હું મહેશ છું.’

મહેશ ઓરડાની બહાર આવી દાદરનાં બબ્બે પગથિયાં કૂદી નીચે આવ્યો. નીચે સરલા અને સૌરભ ચા માટે સજાવેલા ટેબલ પર વાતો કરતાં હતાં. સરલાએ એને જોયો.

‘પપ્પા બરાબર છે ને?’

‘ના.’

‘ગયા વખત જેવું?’

‘ના, ના, એવું નથી.’

ગયા ઉનાળામાં ઉમેશભાઈ આવ્યા ત્યારે એમની પત્ની કમલબહેનનું અવસાન થયું હતું. દિવસે એમનો સમય વાચનમાં ગાળતા. બપોરે સૌરભ સાથે વાતો કરતા. ઇલેક્ટ્રિક ટ્રેન અને કમ્પ્યુટર ગેઈમ વિશે કુતૂહલ બતાવતા. સાંજે મહેશ અને સરલા ઘેર આવે ત્યારે પુસ્તકો વિશે ચર્ચા કરતા. પુત્ર મહેશ ન્યૂજર્સીમાં ચેરી હિલમાં રહેતો હતો. પુત્રી માયા લૉસ ઍન્જલસમાં. ઉમેશભાઈ થોડા દિવસ માયાને ત્યાં જવાના હતા. નક્કી કરવા એક દિવસ માયાનો ફોન આવ્યો. મહેશ આજની જેમ જ બેડરૂમમાં બોલાવવા ગયેલો. બેડરૂમમાં પપ્પા પથારીમાં બેભાન અવસ્થામાં જોર જોરથી શ્વાસ લેતા હતા. એણે માયાને બેચાર વાક્યોમાં સમાચાર આપી ફોન મૂકી દીધો. ડૉક્ટરને બોલાવ્યા. ઘરનાં બધાં પપ્પાની પથારીની આસપાસ ભેગાં થયાં. બે દિવસ પર જ એમને એટલાન્ટિક સિટીનો કસીનો જોવા જવું હતું. પોતે કહી દીધેલું કે નહીં ફાવે. પપ્પા બર્ટ્રાન્ડ રસેલની વાત કરે તો સાંભળી ન સાંભળી કરે. એમની વાત કાપી નાંખી એ ને સરલા વાત કરે ત્યારે પપ્પા મૂગા મૂગા જમ્યા કરે. સૌરભ સાથે ઇલેક્ટ્રિક ટ્રેનની વાત કરતા હોય ત્યારે નાહકના ટોકેલા એ યાદ આવ્યું. એને માટે ખાસ મુંબઈથી લીલી ચા લાવેલા. પપ્પા આમ ચાલી નીકળવાના છે એવી ખબર હોત તો જરૂર એમને એટલાન્ટિક સિટી લઈ ગયો હોત.

ડૉક્ટર આવે ત્યાં સુધી શું કરવું? પપ્પાને એમના એમ પથારી પર રહેવા દેવા? મહેશે પપ્પાના મોઢામાંથી ચોકઠું કાઢી લીધું. ચોખ્ખી હવા માટે બારી થોડી ખોલી. ઓશીકું ઠીક કર્યું. પગ ઢાંક્યા. એણે પપ્પાના ખાટલા પાસે ખુરશી ખેંચી. બેઠો.

થોડી વાર પછી ઉમેશભાઈનો શ્વાસ થોડો હળવો થયો. ભાન આવતું લાગ્યું. આંખો થોડી ખૂલી. બોખા મોંમાંથી અસ્પષ્ટ પણ શબ્દો બહાર આવવા લાગ્યા.

ડૉક્ટર આવ્યા. ઉમેશભાઈને તપાસ્યા. સ્પેસમની દવા આપી. ઉમેશભાઈ ડૉક્ટરની હાજરીમાં જ બેઠા થયા. ચા માગી. કલાકેક પછી તો એમનું પ્રિય પુસ્તક વાંચતા હતા અને ગમેલાં વાક્યો નીચે લાલ પેનથી અન્ડરલાઇન કરતા હતા. મહેશને થયું કે પપ્પા આમ જ હોવા જોઈએ. કફની પહેરીને ખાટલા ઉપર બેઠા બેઠા વાંચતા હોય એ જ ચિત્ર બરાબર છે.

મહેશે હાશનો શ્વાસ લીધો. એને થયું કે તબિયત સારી ન થઈ હોત તો કદાચ હૉસ્પિટલમાં ખસેડવા પડત. હૉસ્પિટલના ખર્ચનો વિચાર કરતાં મહેશને ધ્રુજારી થઈ. કદાચ ખર્ચને તો પહોંચી વળાય, પણ હૉસ્પિટલમાં જવાઆવવાનો સમય ક્યાંથી કાઢવો? હૉસ્પિટલમાં ન ખસેડવા પડ્યા એ જ સારું થયું. પપ્પાએ વસિયતનામું કર્યું હશે? એમના મૃતદેહને અહીં જ અગ્નિસંસ્કાર કરવાનો કે ભારત મોકલવાનો? ફ્યુનરલ હોમમાં ક્રિમેશનની પણ તપાસ કરી રાખવી જોઈએ. હમણાં તો પપ્પાને જીવતદાન મળ્યું છે. એમને સમજવાની બીજી તક મળી છે. મહેશે વિચાર્યું, એ એના વર્તનમાં ફેર કરશે જ.

બીજા દિવસથી એણે સૌરભ સૂઈ જાય પછી પપ્પાના ઓરડામાં જવા માંડ્યું. એ ચોરપગલે જતો. પપ્પા વાંચતા હોય તો ધીમેથી બહાર સરકી જતો. પપ્પા સૂઈ ગયા હોય તો રજાઈ ઓઢાડતો. સાંજે જમતાં જમતાં આખા દિવસનો અહેવાલ પૂછતો. થોડા દિવસ આમ ચાલ્યું. ઉમેશભાઈને સારું થવા માંડ્યું. એમ એમનો જૂનો દમામ પાછો આવવા માંડ્યો.

‘આપણે મર્સીડીઝ બેન્ઝ કેમ નથી લેતા? મજબૂત અને ટકાઉ તો ખરી ને?’

‘પપ્પા, હવે ફૉર્ડ પણ સારી ગાડી બનાવે છે.’

ફોનની ઘંટડી વાગી. મર્સીડીઝની વાત અટકી.

બે અઠવાડિયાં પછી ઉમેશભાઈની ડૉક્ટર સાથે અપૉઇન્ટમેન્ટ હતી. રોજ મહેશને યાદ કરાવ્યું. જવાને દિવસે ઉમેશભાઈ બારણાની બહાર ગરાજ પાસે ઊભા હતા.

‘પપ્પા, કેમ બહાર ઊભા છો?’

‘ડૉક્ટરને ત્યાં જવાનું છે ને?’

‘એ તો આઠ વાગ્યે. હજી સાડા પાંચ થયા છે.’

ઉમેશભાઈનો જમવામાં જીવ નહોતો. સાત વાગ્યે પાછા તૈયાર થઈ બારણા પાસે ગયા.

‘પપ્પા, હજી વાર છે. અહીંથી પાંચ જ મિનિટ થાય છે.’

પોણા આઠે નીકળ્યા. મહેશ ઑફિસથી થાકીને આવેલો. ઑફિસમાં કંઈક મુશ્કેલીઓ હતી. મોટી તો બજેટની. થોડા પૈસા બચાવવા એના હાથ નીચેના માણસને છૂટો કરવાનો હતો. મહેશને એ બાબતનું ખૂંચતું હતું. એ બિચારાને બૈરીછોકરાં છે. બૈરી કામ નથી કરતી. ઘરનું મૉર્ટગેજ ભરવાનું. છોકરાંને ભણાવવાનાં. ગાડીના હપતા ભરવાના.

‘કેમ ચૂપ છે?’

‘ના, કંઈ નહીં.’

‘મોઢા પર ચિંતા છે ને મને કહે છે, કંઈ નહીં.’

મહેશ હસી ન શક્યો.

‘મારે લીધે તને કેટલી દોડાદોડી થાય છે.’ ઉમેશભાઈ બોલ્યા.

મહેશને થયું. મમ્મી જલદી ચાલી ગઈ એ જ સારું થયું. પપ્પા ભારે કરકસરિયા. મમ્મીને વૅકેશન લેવાનો, બહાર જમવા જવાનો ભારે શોખ, પણ પપ્પા કહ્યા જ કરે કે એ રિટાયર થાય પછી પ્રૉવિડન્ટ ફંડના પૈસા આવશે એમાંથી કોણાર્ક અને મહાબલિપુરમ્ જશે. પપ્પા રિટાયર્ડ થતાં જ મમ્મી ચાલી ગઈ. એ પપ્પાને સમજી શક્યો નહોતો.

ડૉક્ટરે ઉમેશભાઈને તપાસ્યા. એ ઉમેશભાઈની પ્રગતિથી ખુશ હતા. દવા ચાલુ રાખવા કહ્યું.

પાછા ફરતાં ગાડીમાં મહેશે ઉમેશભાઈ માટે પ્રસ્તાવ મૂક્યો. એક ગુજરાતી ત્રૈમાસિક શરૂ થાય છે. એમાં સંપાદક-તંત્રીની જરૂર છે. પપ્પા જરૂર મદદ કરી શકે.

‘મને ત્રૈમાસિકનો વિચાર જ ગમતો નથી.’

‘કેમ?’

‘દેખીતું તો છે.’

‘શું દેખીતું છે?’

‘અમેરિકામાં ગુજરાતીની પડી છે કોને? આ તમારાં છોકરાં તો પટપટ અંગ્રેજી બોલે છે ને રાતદિવસ ટીવી, વીડિયો જુએ છે. ગુજરાતી કોણ મારો બાપ વાંચવાનો છે?’

‘પણ અહીં જે ગુજરાતીઓ વસ્યા છે એમને માટે. કદાચ ઊગતી પેઢી માટે …’

મહેશ મૂગો મૂગો ગાડી ચલાવતો હતો. ઉમેશભાઈએ વાત શરૂ કરી.

‘બાબુભાઈના દીકરાનાં લગ્ન છે ને? શું નામ એનું?’

‘વિકાસ.’

‘હા, વિકાસ. કેટલો ચાંલ્લો કરવાનો છે?’

‘એક સો ને એક.’

‘અધધધ. એટલા બધા કેમ? ત્રણ હજાર રૂપિયા થયા.’

‘પણ પપ્પા, એમ ગણતરી ન થાય. અહીં અમેરિકામાં રહેતાં હોઈએ ને સારો સંબંધ હોય તો એ પ્રમાણે ચાંલ્લો કરવાનો ને!’

‘તો પછી મારી સાળીના દીકરાને એનાં લગ્નમાં પાંચ સો એક રૂપિયા આપેલા એનું શું? માંડ સત્તર જ ડૉલર?’

‘હા પપ્પા, મુંબઈમાં મુંબઈનો રિવાજ.’

‘એકવીસ ડૉલરથી વધુ ચાંલ્લો ન જ કરાય. ડૉલરનાં કાંઈ ઝાડ નથી ઊગતાં.’

મહેશ અંદરથી ઊકળતો હતો. પપ્પાની ઉંમર, એમના સ્વભાવ, એમની રહેણીકરણી અને વિચારસરણીથી પરિચિત હતો.

મહેશે માથું ધુણાવ્યું.

‘પપ્પા, તમારા વાળ કપાવી લો ને.’

‘અહીં વાળ કપાવું?’ ઉમેશભાઈ તાડૂક્યા.

‘હા, કેમ?’

‘દસ ડૉલર કપાવવાના ને ઉપરથી ટિપ. કપાવીશ ઇન્ડિયા જઈને.’

અને પછી આ શનિવારની સવાર. જ્યારે ઉમેશભાઈ ચા પીવા નીચે ન આવ્યા અને મહેશ બોલાવવા ગયો ત્યારે ઓરડામાં સભાન બેઠા હતા, પણ મહેશને ઓળખ્યો નહોતો.

મહેશે પપ્પાને પરિસ્થિતિ સમજાવી. એ અમેરિકામાં મહેશ અને સરલાને ત્યાં છે. આઠ વરસનો સૌરભ નીચે ઇલેક્ટ્રિક ટ્રેન સાથે રમે છે. માયા લૉસ ઍન્જલસ રહે છે, જ્યાં એ જવાના છે. એમને સાહિત્ય અને ફિલસૂફીનો શોખ છે. કૃષ્ણમૂર્તિ એમને ખૂબ પ્રિય છે.

‘એમ, એમ? સારું.’

મહેશને થોડી ધરપત થઈ.

‘તારી મમ્મીને કહે કે આવતે અઠવાડિયે વૅકેશન લઈએ. ખજૂરાહો જઈએ.’

‘પપ્પા, મમ્મી તો ગુજરી ગયાં છે.’

‘મમ્મી ગઈ? મને કેમ યાદ નથી? અને તારી પત્ની? શું નામ એનું?’

‘સરલા.’

‘અને તારો બાબો?’

‘સૌરભ.’

‘સૌરભ. એને શેનો શોખ છે?’

ઉમેશભાઈ ઊભા થયા. ડેસ્કનું ખાનું ખોલ્યું. બંધ કર્યું.

‘પપ્પા, શું શોધો છો?’

‘મારી … મારી ચોપડીઓ.’

‘એ તો આ રહી. બુક-કેઇસ પર.’

ઉમેશભાઈ બુક-કેઇસ પાસે ઊભા રહ્યા. એક ચોપડી કાઢી. જૂના પૂંઠાની હતી. ડાબા હાથમાં મૂકી જમણા હાથથી ટપારી. સહેજ ધૂળ ઊડી. પછી જમણા હાથમાં લીધી.

‘મહેશ, લે આ તારાં કાવ્યો. મેં તારા દીકરા માટે સાચવી રાખ્યાં’તાં …’

મહેશ ભૂલી ગયેલો કે એ અઢાર વર્ષનો હતો ત્યારે અઢાર સૉનેટ લખી વ્યવસ્થિત હસ્તપ્રત બનાવેલી.

મહેશ પપ્પાને વળગી પડ્યો.

Posted on જૂન 17, 2018

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/category/

%e0%aa%b0%e0%aa%b5%e0%aa%bf%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf/

Category :- Opinion / Short Stories