SHORT STORIES

ખાલીપો

આશા વીરેન્દ્ર
10-12-2018

ખોં, ખોં, ખોં, ઉધરસ ખાતાં ખાતાં રમણલાલે પૂછ્યું, ‘કેટલા વાગ્યા?’

કન્ટાળેલાં સરલાબહેને છણકો કર્યો, ‘હજી પાંચ મિનિટ પહેલાં તો પૂછ્યું હતું ! શું કરવું છે તમારે કેટલા વાગ્યા તે જાણીને? કંઈ કામ–કાજ તો છે નહીં !’

રમણલાલની આંખે ઝામરનાં પાણી ઊતરેલાં એટલે લગભગ અન્ધાપો અને સરલાબહેન અસ્થમા અને સન્ધિવાના દુ:ખાવાથી હેરાન પરેશાન. બન્ને એકમેકના ટેકે જીવન ઘસડ્યે જતાં હતાં.

‘જુઓને, આ બે જણની રસોઈ બનાવતાં તો મને શ્વાસ ચડી જાય છે. એવી થાકી જાઉં છું કે, મારાથી નક્કામું જ ખીજાઈ જવાયું. ખરાબ નથી લાગ્યું ને?’

'ના, ના હુંયે સમજું છું. તારી ઉમ્મર થઈ એટલે, બાકી પરાગ હતો ત્યાં સુધી કેવી ફેરફૂદરડી જેવી ફરી વળતી હતી !’

પરાગનું નામ આવતાં જ પગમાંથી બધું જ જોર ઓસરી ગયું હોય એમ સરલાબહેન ધબ્ દઈને ખુરસી પર બેસી પડ્યાં. ‘આજ–કાલ કરતાં દસ વર્ષ થઈ ગયાં. જ્યારે હોય ત્યારે ફોન પર આવું  છું, આવું છું કર્યા કરે છે. પણ તમને શું લાગે છે, પરાગ આવશે તો ખરો ને !’

રમણલાલ જવાબ આપે એ પહેલાં એક યુવાન બારણામાં આવીને ઊભો. કદ, કાઠી બધું એ જ. રમણલાલે વિચાર્યું, અચાનક પહોંચી જઈને ડોસા–ડોસીને ખુશ કરી દેવાં એમ કરીને આવ્યો લાગે છે ! ‘કોણ, પરાગ? નહીં ફોન, નહીં કાગળ–પત્તર ને આમ ઓચિન્તો જ !’

‘પરાગ નથી હવે ! શું તમેય તે ! આંખે સરખું દેખાતું તો છે નહીં ને ! આવ ભાઈ, અન્દર આવ !’ સરલાબહેને બારણું પૂરું ખોલીને યુવકને આવકાર્યો.

અન્દર ન આવતાં આગન્તુક ખચકાઈને ત્યાં જ ઊભો. ‘આ વોરાસાહેબનું જ ઘર છે ને?’

‘કોણ વોરાસાહેબ?’ સરલાબહેન હજી પૂછે છે ત્યાં રમણલાલ બોલી ઊઠ્યા, ‘મૂકને માથાકૂટ વોરા ને બોરાની ! ભાઈ, તું તારે અન્દર આવ. બે ઘડી વાતો તો કરીએ ! બોલ્યા વગર મોંમાં જાળાં બાઝી જાય છે.’

યુવાન અન્દર તો આવ્યો; પણ આ બન્નેનું વર્તન એને કંઈક વિચિત્ર લાગ્યું. ડગુમગુ થતાં સરલાબહેન પાણી લાવ્યાં, ‘લે ભાઈ લે, ઠંડુ પાણી પી. ને હા દીકરા, તારું નામ શું?’

‘મારું નામ વિનય. હું ધન્ધુકાથી અહીં કૉલેજમાં ભણવા આવ્યો છું. મારે પેઇન્ગગેસ્ટ તરીકે રહેવું છે. મિ. વોરા સાથે ફોન પર વાતો પણ થઈ છે.’

રમણલાલ અને સરલાબહેન બન્નેની આંખોમાં એકીસાથે ઝબકારો થયો, આ તો બાજુવાળા! વિનયને મુંઝવણ થઈ આવી. શું વાત કરવી? ત્યાં તો રમણલાલ જ બોલ્યા, ‘અમારે તારા જેવડો જ દીકરો છે, પરાગ. ખૂબ હોશિયાર, હં ! દસ વર્શ થયાં એને અમેરિકા ગયાને. બહુ સારું કમાય છે.’

‘તો તો હવે પાછો શેનો આવે?’ વિનયથી બોલાઈ ગયું.

ચા–નાસ્તો લઈને આવેલાં સરલાબહેનને માઠું લાગી ગયું, ‘આવશે જ વળી. નહીં શેનો આવે ! એનેય  થતું તો હશે જ ને કે, મારાં ઘરડાં મા–બાપ એકલાં એકલાં શું કરતાં હશે?’

વિનયને થયું, આ આશાભર્યાં માવતર પાસે મારે આવું નહોતું બોલવું જોઈતું. ત્યાં રમણલાલે વાતને ઘક્કો મારતાં કહ્યું, ‘અમને બન્નેને આ ઘર ખાવા દોડે છે. તું આ વોરાને બદલે અહીં જ રહેવા આવી જાય તો !’

વિનય ચોંકી ઊઠ્યો. આ બે મળીને મને સાણસામાં લેવાની કોશિશ તો નથી કરતાં ને ! એ વધુ કંઈ વિચારે તે પહેલાં વળી રમણલાલે આગળ ચલાવ્યું, ‘જો, તને કોઈ વાતે તકલીફ નહીં પડવા દઈએ. ને રહેવા, ખાવા–પીવાનું બધું જ સાવ મફત ...’

‘મફત? શા માટે? તમે કેમ મારે ખાતર આ બધું કરવા તૈયાર થાઓ છો? હું તો તમારે માટે સાવ અજાણ્યો છું?’ વિનયે અકળાઈને કહ્યું.

‘કારણ કે, આ બધું કરવાથી અમને થશે કે, ઘડપણમાં અમે બે સાવ એકલાં નથી. અમારી પડખે કોઈ તો છે, એવો સધિયારો રહેશે. અને બીજી વાત, અમારા બેમાંથી એક ઓચિન્તું મરી જાય તો લોકોને ભેગા કરવા કોઈક તો જોઈશે ને?’ સરલાબહેન બોલતાં બોલતાં રડી પડ્યાં.

વિનયને બન્નેની ખૂબ દયા આવી; પણ અચાનક ઊભા થયેલા આ સન્જોગોમાં શું કરવું તે એને સૂઝતું નહોતું. ‘હું જરા વિચાર કરીને જવાબ આપું. અત્યારે તો મારે મોડું થાય છે.’ કહેતાં તે ઊભો થયો.

રમણલાલ દિવાલને ટેકે ટેકે તેની પાછળ ગયા, ‘ઘડીક બેઠો હોત તો સારું લાગત; પણ વાંધો નહીં. હવે તો તું અમારી સાથે જ રહેવા આવી જઈશ. ઘર ભર્યું ભર્યું લાગશે.’

‘ક્યારે જવાબ આપીશ, દીકરા? કાલે કે પરમ દીવસે? ને હા, ફોન નંબર તો લેતો જા. તું એક ફોન કરી દઈશને તો હું તારે માટે બધી તેયારી કરી રાખીશ. આવજે હં, બેટા!’ સરલાબહેનનો અવાજ તરડાઈ ગયો.

બારણું બન્ધ કરી બન્ને અન્દર આવ્યાં. ‘શું લાગે છે, તમને? એ આવશે કે નહીં?’

‘હું કેવી રીતે કહી શકું? આપણાં પોતાના જ લોકોનાં મનમાં શું છે એનીયે ખબર આપણને પડતી નથી; તો વળી પારકાનાં મનની તો કેમ ખબર પડે?’

સરલાબહેને ભીની આંખ પર સાડલાનો છેડો દાબ્યો; પછી રમણલાલ તરફ જોઈને બોલ્યાં, ‘આમ ને આમ આપણે ક્યાં સુધી રાહ જોયા કરીશું ...?’

(જયન્ત દળવીની મરાઠી વાર્તાને આધારે)  તર્પણ ભાગ 1 પાના 79-80

અનુવાદકનો સમ્પર્ક : બી–401, દેવદર્શન, હાલર, વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

‘હરીશ્ચન્દ્ર’ બહેનોના દેહાવસાન પછી, વર્ષોથી ‘ભૂમિપુત્ર’ને છેલ્લે પાને આવતી વાર્તા આપવાનું કામ બહેન આશા વીરેન્દ્રે સંભાળ્યું છે. આવી 40 વાર્તાઓ યજ્ઞ પ્રકાશને ‘તર્પણ’ના નામે પુસ્તિકાના સ્વરૂપે પ્રસિદ્ધ કરી છે.

Category :- Opinion / Short Stories

સિક્કાની બીજી બાજુ

આશા વીરેન્દ્ર
23-11-2018

વસુન્ધરા હજી પંદરેક દિવસ પહેલાં જ આ સોસાયટીમાં રહેવા આવી હતી. લગ્ન નહોતાં કર્યાં અને માતા–પિતા ગામમાં રહેતાં હતાં એટલે તદ્દન એકલી. સવારથી નોકરી પર જવા નીકળી જાય તે છેક રાતે પાછી આવે. એટલે હજી સુધી આડોશપાડોશમાં કોઈને ઓળખતી નહોતી. લિફ્ટમાં ઉપર ચડતી વખતે સાથે થઈ ગયેલી નાનકડી છોકરીને એણે ધ્યાનથી જોઈ. દૂબળું–પાતળું શરીર, એના માપ કરતાં થોડું મોટું ફ્રોક અને હાથમાં પકડેલી થેલીમાં થોડાં શાકભાજી.

‘શું નામ તારું?

‘મંગા’ છોકરીએ કંઈક સંકોચ સાથે જવાબ આપ્યો.

‘ઘરકામ કરે છે?’ માત્ર ડોકું ધુણાવી તેણે હા પાડી.

‘કોના ઘરે?’

‘૪૦૨માં દાદા રહે છે એમના ઘરે. ત્યાં જ રહું છું, દિવસ–રાત.’

વસુન્ધરાના મગજ પર બાળમજૂરી નાબૂદીની ધૂન બરાબર સવાર હતી. કોઈ છોકરાને ચાની લારી પર કપ–રકાબી ધોતાં જૂએ કે હૉટલમાં ટેબલ સાફ કરતાં જૂએ તો, એની આંતરડી કકળી ઊઠતી. હસવા–રમવાની ઉમ્મરે અને ભણવાની ઉમ્મરે  ફૂલ જેવાં બાળકોએ આવાં કામ શા માટે કરવાં પડે? એમને આમાંથી મુક્ત કરાવવાં જ જોઈએ. અત્યાર સુધીમાં કેટલાયે માલિકોની વિરુદ્ધ ફરિયાદ કરીને એણે આવાં બાળકોનાં કામ છોડાવેલાં. આ નવા ઘરમાં આવીને ય મંગાની નોકરી છોડાવીને એણે પોતાના મિશનનાં શ્રીગણેશ કરી દીધાં.

રવિવારની સવારે આરામથી દસેક વાગ્યે નહાવા જવાનો વિચાર કરતી હતી ત્યાં દરવાજાની ઘંટડી વાગી.

‘તમે જ મિસ વસુન્ધરા?’ સફેદ કફની–પાયજામામાં પ્રભાવશાળી દેખાતા વયસ્ક પુરુષે પૂછ્યું.

‘જી, આવોને અન્દર ...’

‘ના, ઊભા ઊભા જ બે વાત કરીને રજા લઈશ.’ બોલવાની ઢબ પરથી તેઓ શાલિન હોવાની છાપ પડતી હતી. ‘હું ૪૦૨ નંબરમાં એકલો રહું છું. મારું નામ વિનાયક રાવ. ૮૪ વરસની ઉમ્મર થઈ છે અને સાવ એકલો રહું છું. હાથપગ ચાલે છે અને એકલો હરીફરી શકું છું; પણ હવે થાકી જાઉં છું. મારે તમને પૂછવું છે કે આ ઉમ્મરની વ્યક્તિને કોઈના સહારાની જરૂર હોય કે નહીં?’

શો જવાબ આપવો તે વસુન્ધરાને સમજાયું નહીં. એ કંઈક મૂંઝાયેલી હતી ત્યાં મિ. રાવે આગળ ચલાવ્યું :

‘હું મંગાનું શોષણ કરું છું એવી ફરિયાદ કરીને તમે એની નોકરી છોડાવી એથી તમને આનન્દ થયો હશે, ખરું ને? હું માનું છું કે આપણામાંના દરેકે, એક સારા નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવી જ જોઈએ; પણ એક વડીલ તરીકે શિખામણના બે શબ્દો તમને કહી શકું?’

‘જી, જરૂર.’ વસુન્ધરાએ કંઈક થોથવાતાં કહ્યું.

‘જુઓ બહેન, સિક્કાની હમ્મેશાં બે બાજુ હોય છે. ફક્ત એક જ બાજુ જોઈને કોઈ નિર્ણય કરીએ, કોઈ પગલું ભરીએ, તો ક્યારેક પસ્તાવાનો વખત આવે. બસ, આથી વધુ મારે કંઈ નથી કહેવું અને વધારે બોલતાં થાકી પણ જાઉં છું.’

એમના ગયા પછી વસુન્ધરાનો જીવ બળવા લાગ્યો. શું પોતાનાથી કંઈ ખોટું થઈ ગયું હતું? ઉતાવળિયું પગલું ભરાઈ ગયું હતું? નોકરીની ભાગદોડમાં પછી તો વાત લગભગ ભુલાવા આવી હતી. કૉલેજમાં ભણતી મીરાં અને છઠ્ઠે માળે રહેતાં સંધ્યાબહેન સાથે ‘કેમ છો?’ પૂછવા જેટલો સમ્બન્ધ પણ બંધાયો હતો.

એક સાંજે હજી તો ઓફિસથી આવી જ હતી ત્યાં સંધ્યાબહેન ઉતાવળે આવ્યાં.

‘વસુન્ધરા, ખબર પડી? ૪૦૨ નંબરવાળાં રાવ અંકલ બપોરે ખુરસીમાં બેઠાં બેઠાં ચા પિતા હતા, જોરમાં ઉધરસ આવી ને ખલાસ ! કેવું સુન્દર મોત !’ સંધ્યાબહેન અને વસુન્ધરા દર્શન કરવા ગયાં ત્યારે એમના મિત્રો અને સોસાયટીના લોકોથી ઘર ભરેલું હતું. જુદા જુદા લોકો પાસેથી કેટલીયે અજાણી વાતો કાને પડતી હતી.

‘એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારી હતા. પર્યાવરણ માટે, પાણીની સમસ્યા માટે, દેશના અર્થતંત્ર માટે – કેટકેટલા વિષયો પર કામ કર્યું ! કાયમ ગરીબ–યુવા, જરૂરિયાતમન્દોને પડખે ઊભા રહ્યા. અમેરિકા રહેતા બન્ને પુત્રોના આગ્રહ છતાં પત્નીના મૃત્યુ પછી સ્વદેશમાં રહેવું જ પસંદ કર્યું.’

બીજે દિવસે સવારે એમનો મૃતદેહ નીચે લાવવામાં આવ્યો. વસુન્ધરાની જાણ બહાર જ એની આંખોમાંથી નીકળેલાં એનાં આંસુ ગાલ પર રેલાતાં હતાં. ત્યાં જ એક બાઈ હાથમાં હાર લઈને આવી. એ રડતી જતી હતી અને બોલતી જતી હતી :

‘મારે માટે તો દાદા દેવતા સમાન હતા. મારો વર તો એક્સિડન્ટમાં મરી ગયો. આજે હું ને મારાં છોકરાંઓ જીવતાં છીએ તે દાદાને લીધે.’ થીંગડાંવાળા સાડલાથી આંખો લૂંછતાં એણે કહ્યું, ‘મારી મોટી મંગાને એમની પાસે રાખીને દાદાએ મોટી મહેરબાની કરી. એનું ખાવા–પીવાનું, કપડાં–લત્તા, સારા સંસ્કાર આપવાનું બધું દાદાએ કર્યું. કોઈ બાઈએ આવા સન્ત જેવા માણસ સામે ફરિયાદ કરી મંગાની નોકરી છોડાવી; તો ય ઘરે બેઠા એ આખો પગાર આપી જતા. હવે કોણ અમારો હાથ પકડશે ?’

વસુન્ધરાને ખ્યાલ આવ્યો, ઓહ! આ તો મંગાની મા! એની પાછળ ઊભી રહીને મંગા પણ હીબકાં ભરતી હતી. એણે નજીક જઈને સ્ત્રીને ખભે હાથ મૂકી કહ્યું :

‘કાલથી મંગાને મારા ઘરે મોકલજે. જે રીતે દાદા રાખતા હતા એમ જ હું એને રાખીશ, ભણાવીશ પણ ખરી. ના ન કહીશ, બહેન. આ ગુનેગારને એની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવાનો મોકો આપજે.’ મંગાને હાથે માથ ફેરવતાં એણે પૂછ્યું, ‘આ દીદીને ઘરે આવીશ ને, મંગા?

મંગાએ આંસુ લૂછતાં ‘હા’ પાડી.

[શ્રી. આદુરી સીતારામ મૂર્તિ’ની ‘તેલુગુ’ વાર્તાને આધારે.]

તા. 16 માર્ચ, 2018ના ‘ભુમિપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશિત થયેલી આ વાર્તા, લેખિકાબહેનની અનુમતિથી સાભાર.

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

♦●♦

સૌજન્ય : “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષઃ ચૌદમું – અંકઃ 414 –November 25, 2018

Category :- Opinion / Short Stories