SHORT STORIES

જીવનની ખાટીમીઠી

નીલમ દોશી
14-06-2013

જો કે ગિરાબહેનને પતિ જેટલું બોલવાની આદત નહોતી. એ સારા શ્રોતા હતા. આમ ઘરમાં એક વક્તા અને એક શ્રોતા હોવાથી કોઈ પ્રોબ્લેમ નહોતા થતા.

ગોપાલભાઈ અને ગિરાબહેન નસીબદાર તો ખરા જ. પુત્ર નીરવ અને પુત્રી અર્પિતા બંને પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતા. બંનેને ભણવા માટે કદી ખીજાવું કે કહેવું નથી પડયું. ઘરની દીવાલો પણ ચારેના કલરવથી ટહુકા કરી ઊઠે. આર્થિક રીતે પણ કોઈ પ્રોબ્લેમ નહોતો. મિત્રોમાં ગોપાલભાઈ અને ગિરાબહેનના પ્રેમાળ દાંપત્યના ઉદાહરણ અપાતાં. ગોપાલભાઈનો સ્વભાવ બોલકો હતો. મૂંગા રહેવું તેમને બહુ અઘરું લાગતું. કોઈ બોલવાવાળું ન હોય તો એકલા એકલા ગીત ગણગણતાં રહે. સવારે નીરવ અને અર્પિતાનો હાથ પકડી સ્કૂલે મૂકવા જાય ત્યારે અચૂક કોઈ બાળગીત ગાતાં જાય અને છોકરાઓને પણ ગવડાવતાં જાય.

નીરવ મારો ડાહ્યો ... હજુ એટલું શરૂ કરે ત્યાં તો અર્પિતા ટહુકી ઊઠે.

ના ... પપ્પા ... હું ડાહી .. ભાઈલો નહીં ... અને પછી ભાઈ બહેનની મસ્તીભરી ધમાલ ચાલુ થાય. ગોપાલભાઈ હરખાતાં રહે. જીવન કેવું સરસ મજાનું લાગતું હતું. ગિરાબહેન પણ એમાં સામેલ થતાં રહે. જો કે ગિરાબહેનને પતિ જેટલું બોલવાની આદત નહોતી. એ સારા શ્રોતા હતાં. આમ ઘરમાં એક વક્તા અને એક શ્રોતા હોવાથી કોઈ પ્રોબ્લેમ નહોતા થતા.

કેલેન્ડરના પાનાં એક પછી એક ફાટતાં રહ્યાં. દિવસો મહિનાઓમાં અને મહિના વરસોમાં રૂપાંતર પામતા રહ્યા.

હવે ગોપાલભાઈ રિટાયર્ડ થઈ ચૂક્યા હતા. દીકરી પરણીને સાસરે ચાલી ગઈ હતી અને સુખી હતી. નીરવના પણ લગ્ન થઈ ગયા હતા અને તેને ઘરે પણ એક દીકરો અને એક દીકરી હતાં. વહુનો સ્વભાવ પણ સારો હતો. કોઈ પ્રશ્નો નહોતા.

હમણાં નીરવની બદલી મુંબઈ થઈ હતી. કંપની તરફથી જ સરસ મજાનો ફ્લેટ મળ્યો હતો. તેથી કોઈ ચિંતા નહોતી. ગોપાલભાઈને મુંબઈ જવાની ઇચ્છા નહોતી. પોતે બંને અહીં જ રહેશે એમ કહી જોયું, પણ નીરવની પત્ની નીરજા પાસે તેમનું કંઈ ચાલ્યું નહીં.

પપ્પા ... ત્યાં આટલો મોટો ફ્લેટ છે પછી શું તકલીફ છે? આ કુશ અને મૌલીને તમારા વિના નહીં ગમે અને તમને પણ એમના વિના ક્યાં ગમવાનું છે?

અને વાત સાચી હતી. છોકરાઓ વિના દાદા-દાદીને ગમે એમ નહોતું જ. આ ભુલકાંઓ તો તેમના પ્રાણ જેવા હતાં. અંતે છોકરાંઓને લીધે જ પતિ-પત્ની મુંબઈ જવા તૈયાર થયાં. નહીં ગમે તો અહીં ઘર છે જ ને? પાછું ક્યાં નથી અવાતું?

મુંબઈ નવા વાતાવરણમાં ગોઠવાતા થોડો સમય તો સ્વાભાવિક રીતે જ લાગવાનો. કુશ પાંચ વરસનો અને મૌલી ત્રણ વરસના થયા હતાં. બંનેને નજીકની જ સારી સ્કૂલમાં એડમિશન મળી જવાથી એ ચિંતા ઓછી થઈ હતી.

બાળકોને સ્કૂલમાં તેડવા, મૂકવાની જવાબદારી ગોપાલભાઈએ હોંશેહોંશે લઈ લીધી હતી. ગિરાબહેન વહુ સાથે રસોડામાં મદદ કરવા હંમેશાં તૈયાર રહેતાં. આમ ક્યાં ય કોઈ પ્રોબ્લેમ નહોતો.

અહીં આવીને નીરવ ઓફિસના કામમાં બીઝી થઈ ગયો હતો. હવે ઘરમાં તેનું બોલવાનું બહુ ઓછું થઈ ગયું હતું. જાણે બધાથી તેનો નાતો જ છૂટી ગયો હતો. તેની ઓફિસે પહોંચતા પૂરો કલાક લાગતો હતો. સવારે વહેલા જવાનું અને રાત્રે આવતા હંમેશાં મોડું જ થતું. આવીને ગોપાલભાઈ કંઈ પૂછે કે તેમના સ્વભાવ મુજબ વાત કરવાનો કે હસવાનો પ્રયત્ન કરે તો તે ચીડાઈ જતો. ગોપાલભાઈ અને બધા જમવા માટે તેની રાહ જોઈને બેસતા તો પણ તેને ન ગમતું.

મારી રાહ જોવાની કોઈ જરૂર નથી. તમારે બધાએ જમી લેવાનું.

ગોપાલભાઈને દીકરા સાથે કેટલીયે વાતો કરવી હોય ... આખા દિવસમાં છોકરાઓએ શું કર્યું ? બધો વિગતવાર અહેવાલ આપવો હોય ... એ સતત વાત કરતા રહેતા, પણ નીરવ જવાબ આપે તો ને ? જમીને ગોપાલભાઈ વાત કરતા હોય ત્યારે એ ટી.વી.ની ચેનલો ફેરવતો હોય કે મોબાઈલ કે લેપટોપમાં કંઈ ને કંઈ કરતો હોય. વાતોમાં એનું ધ્યાન હોય જ નહીં. ગોપાલભાઈ અકળાતા. બીજો કોઈ વાંધો, કોઈ તકલીફ નહોતી, પણ દીકરો કામના બે-ચાર શબ્દો સિવાય કશું બોલે જ નહીં એ ગોપાલભાઈથી કેમે ય ખમાતું નહીં.

બેટા... કોઈ પ્રોબ્લેમ છે ?

શું પપ્પા ... તમે યે ? પ્રોબ્લેમ શું હોય ? બસ થાકી ગયો છું. ઘરે આવીને જરાવાર શાંતિથી બેસાય પણ નહીં ?

ગોપાલભાઈ મૌન બની જતા. અને ફક્ત પિતા સાથે જ નહોતો બોલતો એવું નહોતું. ઓફિસેથી આવીને તેને મૌન રહેવું જ ગમતું. આખો દિવસ બોલી બોલીને ઓફિસમાં તો થાક્યો હોય. માર્કેટિંગમાં હોવાને લીધે તેને સતત બોલવાનું થતું.

પત્ની કદીક કહેતી ... પપ્પા સાથે પાંચ મિનિટ શાંતિથી બેસીને તેમની વાત સાંભળો તો પપ્પાને સારું લાગશે.

હવે મારે તમારા બધાની સલાહ મુજબ જ ચાલવાનું છે ? નીરવ ગુસ્સે થઈ જતો.

આમ જુઓ તો કોઈ પ્રોબ્લેમ નહોતો ને છતાં વાતાવરણ કદીક તંગ થઈ જતું.

આજે રવિવાર હતો. નીરવ સોફા પર બેઠો બેઠો છાપું વાંચતો હતો. નીરજા રસોડામાં નાસ્તાની તૈયારી કરતી હતી અને ગિરાબહેન બંને બાળકોને નવડાવીને ગોપાલભાઈ પાસે મોકલી દેતાં હતાં. દાદાજી કુશને કપડાં પહેરાવતાં પહેરાવતાં ગાઈ રહ્યા હતા.

કુશ અમારો ડાહ્યો ...

ત્યાં મૌલી દોડતી આવી ...

‘ના ... દાદાજી ... કુશ ભઈલો નહીં ... હું ડાહી છું. ભાઈલો તો તોફાન કરે છે.’

અને ભાઈ-બહેનની ધમાલ ચાલી. મૌલી કુશને પકડવા દોડી રહી.

અચાનક નીરવની નજર સામે પોતાના શૈશવનું દૃશ્ય દોડી આવ્યું. પોતે નાનો હતો ત્યારે પણ પપ્પા આમ જ ગાતા ... ને પોતે બહેન સાથે કેવી મસ્તી કરતો.

શૈશવની અનેક યાદો નીરવના મનમાં ઊભરાઈ આવી. અચાનક તે સોફા પરથી ઊભો થયો.

પિતા પાસે જઈને બોલ્યો.

ના ... પપ્પા ... કુશ નહીં કે મૌલી નહીં ... હું જ ડાહ્યો ... હેં ને પપ્પા ?

ન જાણે કેમ પણ પપ્પા, હમણાં હું થોડો ગાંડો થઈ ગયો હતો ... પણ જુઓ હવે હું પાછો ડાહ્યો થઈ ગયો ને ?

નીરવની આંખો ભીની બની હતી .. તો પુત્રને માથે હાથ ફેરવતા ગોપાલભાઈની આંખો પણ ક્યાં કોરી રહી હતી ? આજે તેમને પોતાનો દીકરો .. પોતાનો નીરવ પાછો મળી ગયો હતો.

(published in stree magazine)

https://www.facebook.com/nilamhdoshi/posts/584909868215765

Category :- Opinion Online / Short Stories

અદેખો ચકલો

ઘનશ્યામ દેસાઈ
05-06-2013

એક હતું જંગલ

જંગલમાં એક કૂકડો. રોજ સવારે વહેલો ઊઠે. ઝાડ પર ચડે અને જોર જોરથી બોલે : ‘કૂકડે…. કૂક…. કૂકડે… કૂક…..’

કૂકડાની બાંગ સાંભળીને સિંહ, વાધ, વરુ ઊંઘમાંથી ઊઠે. ઊઠીને શિકાર કરવા જાય. કાગડો, મોર, પોપટ ઊઠે. ઊઠીને દાણા ચણવા જાય. મેના, કોયલ અને સુગરી ઊઠે. ઊઠીને સળીઓ વીણે અને માળા બાંધે. બધાં વહેલાં ઊઠે, કામ કરે અને સાંજ પડે ત્યારે કૂકડાનો આભાર માને : ‘વાહ, કૂકડાભાઈ, વાહ ! તમે વહેલા ઉઠાડો છો તો અમારું કામ થાય છે.’

કૂકડાભાઈના વખાણ સૌ કોઈ કરે, પણ એક ચકલો ખૂબ અદેખો. તે કહે : ‘તમે અમસ્તાં કૂકડાનાં વખાણ કરો છો. ઝાડ પર ચઢીને એ જોરજોરથી બરાડે છે એમાં કૂકડા એ શું ધાડ મારી ? હું પણ બધાંને ઉઠાડું.’

બધાં પ્રાણીઓ અને પંખીઓ બહુ ચિડાઈ ગયાં. ચકલાને કહે : ‘ભલે, કાલથી તું ઉઠાડજે, તો અમે તારાં વખાણ કરીશું.’

બીજે દિવસે ચકલો વહેલો ઉઠયો, ઝાડ પર ચઢયો. જોરથી કૂકડે કૂક બોલવા ગળું ફાડયું. પણ અવાજ તો ખૂબ ધીમો નીકળ્યો. : ‘ચીં…ચીં…ચીં….ચીં’. ફરીથી ગળું ફાડયું પણ ચીં…ચીં એવો ધીમો અવાજ જ નીકળ્યો. કોઈને સંભળાયો નહીં. કોઈ ઉઠયું નહીં. કોઈ શિકારે ન ગયું. કોઈ દાણા ચણવા ન ગયું. કોઈએ માળો ન બાંધ્યો.

મોડાં મોડાં બધાં ઉઠયાં. ઊઠીને ચકલાને ખૂબ ધમકાવ્યો. ‘કેમ અમને ઊઠાડયાં નહીં ? અમે ભૂખ્યા રહ્યાં. અમારું કામ રખડી ગયું.’

ચકલો જુઠ્ઠું બોલ્યો : ‘આજે રવિવાર છે ને એટલે.’ બધાં બહુ ચિડાઈ ગયાં. ચકલો કહે : ‘કાલે જરૂર હું તમને ઉઠાડીશ.’

આખો દિવસ ચકલો ચિંતા કરતો રહ્યો : બધાંને કાલે ઉઠાડીશ કેવી રીતે ? છેવટે તેને એક વિચાર આવ્યો. ચકલો ખુશ ખુશ થઈ ગયો. બાજુ ના ગામમાંથી એક મોટું નગારું લઈ આવ્યો. સવારના ચકલો વહેલો ઊઠયો અને જોર જોરથી નગારું વગાડવા માંડયો : ઢડડડડડં ઢમ. ધ્રુબાંગ ઢમ…

જંગલમાં કોઈએ નગારાનો અવાજ સાંભળ્યો ન હતો. બધાં ઝબકીને જાગી ઊઠયાં. ખૂબ ગબરાઈ ગયાં. નાનાં બચ્ચાં રડવા લાગ્યાં. બીકના માર્યા સૌ અંધારામાં અંહીથી તહીં દોડવા લાગ્યાં.

જ્યારે બધાંને ખબર પડી કે આ અવાજ તો નગારાનો છે અને નગારું ચકલો વગાડે છે. ત્યારે બધાં એવાં ચિડાઈ ગયાં કે ચાંચો મારી મારીને ચકલાને અધમૂઓ કરી નાખ્યો. ચકલો રડતો રડતો બાજુના ગામમાં ભાગી ગયો. તે દિવસથી બધાં જ ચકલા-ચકલીઓ ગામમાં રહે છે. કોઈ જંગલમાં રહેવાની હિંમત કરતું નથી.

(સૌજન્ય : "રિડગુજરાતી")

Category :- Opinion Online / Short Stories