SHORT STORIES

બોડી લેંગ્વેજ

વલ્લભ નાંઢા
05-01-2019

એક હાથમાં રિમોટ પકડી મિકેશ પટેલ ટીવીની ચેનેલો સર્ફ કરી રહ્યો હતો એ જ વખતે ડોરબેલ વાગ્યો.  બારણું ખોલતાં સામે ઊભેલી મહિલાને જોતાં એ સડક થઈ ગયો. ચહેરો ખૂબ જાણીતો છે પણ નામ? નામ...? નામ...? ‘ઓહો, શેફાલી?’

નામ આપોઆપ જીભે આવી ગયું. તે પછી તે નામનાં લક્ષણો ગોઠવાતાં ગયાં. ગોળ ગૌર ચહેરો. ભૂરી આંખો, સ્વરનો રણકો, કપાળ પર હજી કરચલી પડી નથી. હા, માથા પરના કાળાભમ્મર વાળમાં થોડી સફેદીની ઝાંય દેખાય છે. ઓહ યસ, શેફાલીના બદનમાંથી કાંઈક કપૂર જેવી સુવાસ આવે છે, પંદર વર્ષ પહેલાં મેનેજમેન્ટ સ્કૂલમાં કાયમ તેની ડાબી તરફ બેસતી શેફાલી! કપૂરની વાસના કારણે જ નામ પણ જીભે આવી ગયેલું.

બંનેએ હાથ મિલાવ્યા. ‘મારી ડોટરને અહીંયાં સ્વીટન્સ કોલેજમાં એડમિશન મળ્યું છે; મૂકવા આવી છું.’ શેફાલીએ મિકેશના પંજા ઉપર પોતાનો કપૂરી પંજો પસરાવતાં જણાવ્યું. મિકેશે અજાણતાં જ પોતાનો પંજો સૂંઘી લીધો અને શેફાલીને પાસેની  આર્મચેર પર બેસવા ઈશારો કર્યો. ‘થેંક્સ.’ શેફાલી એ ચેરમાં ગોઠવાઈ ગઈ. મિકેશને લાગ્યું કે આર્મચેરનું કાપડ કેવું ફિટોફિટ બેસી જાય છે આના બદન ઉપર, જાણે તેના માપે માપ લીધું હોય. પછી તરત પોતાની વાહિયાત વાતે હસવું આવ્યું.

‘કેમ હસે છે?’

‘હેપી ટુ સી યુ.’ મિકેશે કિચનમાંથી ઠંડા પાણીની બોટલ લાવી શેફાલીને આપી. ‘અગાઉથી કહ્યું હોત તો જરા ભવ્ય સ્વાગત કરત.’ શેફાલીના બદનની ગંધથી મિકેશના દિમાગમાં નાના નાના ભૂચાલ આવવા લાગેલા. ‘તારાં મેરેજ પછી તું ગઈ તે ગઈ? અને આજે પંદર વર્ષે અચાનક ...?’

‘મિકી, હજી પણ તું તેવો ને તેવો જ છે? વિચારમાં, વાણીમાં, વર્તનમાં?’ શેફાલીએ પાણીની ઠંડી બોટલ પોતાના કપાળે, ગળે ફેરવતાં કહ્યું, ‘ધ સેઈમ ગામડિયા કૉલેજ બોય?’

‘કૉલેજ, કૉલેજ, કૉલેજ ...’ મિકેશે નિસાસાનો અભિનય કરતાં કહ્યું, ‘ધોઝ વેર ધ ડેયઝ. લંચ? સમથિંગ લાઈટ?’

મેનેજમેન્ટ સ્કૂલના પ્રોફેસર ડૉ. બસાક હંમેશાં કહેતાં કે ‘ધ મેન ઈઝ એ ગ્રેટ લાયર! નેવર સેયઝ વોટ હી મીન્સ. માણસના મોઢા કરતાં તેનું બોડી કાયમ સાચું બોલે છે. વોચ ફોર ધ બોડી લેંગ્વેજ.’ મિકેશ શેફાલીના બોડીને વાંચી રહ્યો હતો.

‘એ તારા પર છોડું છું.’ બોડીને આરામ ખુરશીમાં લંબાવતાં શેફાલી બોલી. શેફાલીની સરકતી પાની, આળસની મુદ્રાથી માથા ઉપર ભિડાઈ જતાં બે બાવડાં, એની બંને બગલોમાં પસીનાનાં ધાબાં, એ બધાં સાચું બોલતાં હતાં. પણ શું?

‘પિઝા?’ મિકેશે પંદર વર્ષ પહેલાંના લહેકાથી પૂછ્યું. ‘યસ, પાપા જૉન્સ પિઝા!’ શેફાલીએ પંદર વર્ષ પહેલાંના સ્વરે કહ્યું. મિકેશ પટેલે પાપા જૉન્સ પિઝા ડિલિવરીનો ફોન જોડ્યો.

***

પંદર વર્ષ પહેલાં શેફાલી અને મિકેશ પટેલ ‘લંડન યુનિવર્સિટી’ની વિન્સટન મેનેજમેન્ટ સ્કૂલમાં ભણતાં હતાં. મિકેશ પટેલ સીધો ચરોતરથી લંડન આવેલો. શેફાલી ડાયમન્ડ મર્ચન્ટ દિલીપ શાહની લંડન બોર્ન ડોટર હતી. બ્રસલ્સમાં તે લોકોનું મેન્શન હતું.

એક સાંજે અચાનક ત્રીજો પિરિયડ ફ્રી હતો. છોકરા છોકરીઓ કૉલેજના મેદાનમાં આમ તેમ ટહેલતાં હતાં. બીજાં કેન્ટિનમાં તો થોડાંક પુસ્તકાલયમાં ભરાયાં  હતાં.

મિકેશ અને શેફાલી કેન્ટિનની બહાર ખુલ્લી હવામાં ટેબલ પર હાથમાં કોફીના ડિસ્પોઝેબલ કપ લઈ એકબીજાનું સાંનિધ્ય માણી રહ્યાં હતાં. અંધકાર ગાઢ થવા લાગ્યો હતો. પણ એ લોકો બેઠાં હતાં એ તરફ બત્તીનો થાંભલો હોવાથી ત્યાં થોડો ઉજાસ છંટકાઈ રહ્યો હતો. હાથમાં કોફીના કપને રમાડતાં મિકેશ બોલ્યોઃ

‘કોફીનો ટેસ્ટ કેવો લાગ્યો?

‘ટેસ્ટી.’

‘યાર, મને પણ એવું જ લાગ્યું. પણ તું શાના વિચારોમાં ખોવાઈ ગઈ છે?’ કહી મિકેશે એક અંગ્રેજી કાવ્યની કડી રિસાઈટ કરી. કવિતા પૂરી થયા પછી તેને ઉત્સુકતાથી જોઈ રહ્યો.

‘હટ, હોપલેસ છે. કોણે લખ્યું છે?’ શેફાલીએ મોં બગાડવાનો અભિનય કરી કહ્યું.

‘મેં લખ્યું છે!’

‘હોપલેસ.’

‘કેમ?’

‘પ્રેમ કાંઈ ગાવાની વસ્તુ નથી, ગામડિયા! કરવાની વસ્તુ છે.’ શેફાલીએ એક ભમ્મર ઊંચકીને કહેલું. ‘આમ ને આમ આપણે ઘરડા થઈ જઈશું!’ કહીને શેફાલી હસી પડેલી. હસી હસીને બેવડ થઈ ગયેલી.

‘આપણે ....’ મિકેશે મનમાં ને મનમાં તે શબ્દ ઉચ્ચાર્યો. ‘આપણે ...’

‘વીકએન્ડમાં મારે બ્રસલ્સ જવાનું છે.’ શેફાલીએ જણાવ્યું.

મતલબ કે આજે ગુરુવાર, બ્રસલ્સ જવાનો આગલો દિવસ. આપણે આમ ને આમ ઘરડા થઈ જઈશું. આપણે ...

‘પિઝા?’ મિકેશે અચાનક ઊભા થઈને પૂછ્યું.

‘યસ, પાપા જૉન્સ પિઝા.’ શેફાલીએ ઊભા થઈને મિકેશના હાથમાં હાથ પરોવ્યો.

ત્યારથી ઓલટરનેટ વીકએન્ડમાં બંને મિકેશના ફ્લેટમાં વિતાવતાં, અને દર બીજા વીકએન્ડમાં શેફાલી બ્રસેલ્સ જતી. એક સોમવારે તેણે પાછાં આવીને સમાચાર આપ્યા કે ન્યુ યોર્કના અશોક ઝવેરી નામે ડાયમન્ડ મર્ચન્ટના દીકરા સાથે તેની સગાઈ થઈ છે. નામ છે જેકી.

‘મારા એક હાથમાં જેકી ને બીજા હાથમાં મિકી.’ શેફાલી નાચતાં નાચતાં કહેતી હતી. મિકેશે તેના ગાલે થપ્પડ મારી દીધેલી.

શેફાલી ઝડપથી કૉલેજના ઝાંપા તરફ દોડી ગઈ.

મિકેશ તેને જતી જોઈ રહ્યો. એકાએક કેન્ટિન બહારની બત્તી બુઝાઈ ગઈ હતી. રોશનીની જગ્યાએ હવે ગાઢ અંધકાર ઘૂંટાવા લાગ્યો હતો. હવા પણ તેજ બની. ઠંડા પવનના સુસવાટાથી વૃક્ષો  ડોલવા લાગ્યાં હતાં.  

બન્નેનું એ અંતિમ મિલન.

એ પછી બન્ને કેન્ટીનની પછીત વાળી લોન પર બેઠાં નહિ, એ પછી કોફીનો સ્વાદ કદી ટેસ્ટી લાગ્યો નહિ, ને એ પછી મિકેશે પાપા જૉન્સ પિઝા ખાવાનું જ છોડી દીધેલું.

મિકેશને થયું કે તેના જીવનની સિનેમાનો હતો એ ઇન્ટરવલ.

***

પછી વિધાતાએ નવું રીલ ચડાવી તેના જીવનની સિનેમા ફરી ચાલુ કરી છે, પંદર વર્ષના ઇન્ટરવલ પછી.

શેફાલીએ લંડન શહેર છોડ્યું હતું તેને પંદર વરસ વીતી ગયાં હતાં. હવે મિકેશ પટેલ પ્રોફેસર બની ગયો હતો. પણ શેફાલી વિશે એ કંઈ જ જાણતો ન હતો.

‘તો? તારું કેમ ચાલે છે? લગ્ન કર્યાં કે?’ શેફાલીએ આસપાસ નજર ફેરવતાં ભીંતે ટાંગેલા મહાપુરુષોના ફોટા જોતાં પૂછ્યું.

મિકેશે ના પાડી. શેફાલી બીજે પરણી તેના આઘાતથી નહીં પણ બસ, મિકેશને એકલાં રહેવું ગમતું હતું.

અને હવે પાછી શેફાલી આજે તેને મળવા આવી હતી. તેને કોલેજના દિવસોનું સ્મરણ થઈ આવ્યું. કોલેજના વાતાવરણમાં શેફાલી સાથે વીતાવેલી એ સાંજો, અને એ મુલાકાતો ફરી તાજી થઈ ગઈ.

‘શેફાલી, આવવાનું કેમ મન થયું તને?’

શેફાલીએ જવાબ ન આપ્યો. આસપાસ નજર ફેરવી પંદર વર્ષ પહેલાંના ફ્લેટનું ફરી ફરી અવલોકન કર્યું. ‘એટલે હજી તું એકલો જ છે?’

‘હા.’

‘એકલતા સતાવતી નથી.’

‘ટેવાઈ ગયો છું.’

‘હજી કાવ્યો રચે છે કે નહિ?’

‘કાવ્યો રચવાની પ્રેરણા આપનારી ક્ષણો તો હવે ગઈ.’

આહ! શેફાલીને મિકેશના શબ્દોમાં રંજ સંભળાયો. તે રંજ તેને સ્વાદિષ્ટ લાગ્યો. શેફાલીની આંગળીઓ તેના ગાલ ઉપર ફરી વળી. અહીં મિકેશે મને તમાચો માર્યો હતો. મેં બીજે લગ્ન કર્યાં તેના વિષાદમાં આ ગામડિયો બિચારો આખી જિંદગી કુંવારો રહ્યો છે!  

‘કે તું લખવા નથી માગતો?’

‘બસ, એમ જ સમજી લે.’

મારા વિરહમાં ગામડિયો ઝૂરે છે. આજે હું તેને સાતમા આસમાનની સૈર કરાવીશ.

ચાયના કપ ખાલી થઈ ગયા હતા. બહાર અંધકાર જામવા લાગ્યો હતો.

‘અરે, તારા ડાયમંડ મર્ચન્ટ હસબંડ કેમ છે? તું હેપી છે ને?’ મિકેશે અચાનક પૂછ્યું.

શેફાલી પગનો અંગૂઠો ફ્લોર પર મસળવા લાગી.

‘ઓહ! સો સોરી, યુ ડોન્ટ વોન્ટ ટુ ટોક એબાઈટ ઈટ.’

‘ના, મિકી. આમાં છુપાવવા જેવું કંઈ નથી.’ કહી તે પાછી ચૂપ થઈ ગઈ. પછી મિકેશની આંખોમાં તાકતાં કહ્યું; ‘એમણે એક યહૂદી બાવીસ વરસની મોડેલ યુવતી સાથે લગ્ન કરી લીધાં. હવે હું ફરી આઝાદ થઈ ગઈ છું.’

મિકેશને શેફાલીના બદનની ભાષા હવે સમજાઈ. આઝાદ હતી ત્યારે મિકી ખપે. બીજું કાંઈ ન હોય તો મિકી ઇઝ ઓકે. હીરાનો વેપારી મળે તો ગામડિયો જાય પટારામાં. અને પંદર વર્ષ પછી હીરાનો વેપારી ચાલ્યો જાય અને લંડન આવવાનું થાય તો ફરીથી પટારો ખૂલે, ગામડિયાનો ફ્લેટ ખૂલે, ને પાપા જૉન્સના પિઝા ખવાય! મિકેશને સમજાયું કે શેફાલી તેના ગામડિયા બદન સાથે ખેલી રહી છે. તેનો ઉપયોગ કરી રહી છે, પોતાની કામના ખાતર. એકાએક મિકેશનો શ્વાસ ગરમ થઈ ગયો. શેફાલીની શરીરની કપૂરી ગંધ તેને પસંદ છે. સો વોટ કે શેફાલી તેનો ઉપયોગ કરે છે? સામે હું તેનો ઉપયોગ કરું, ક્વડ પ્રો ક્વો. ઇક્વલ ટુ ઇક્વલ!     

‘તને એકાકીપણું પજવતું નથી?’ શેફાલીએ પ્રશ્ન દોહરાવ્યો.

‘હું ટેવાઈ ગયો છું. શેફાલી, તું થાકેલી છે, ચાલ, બેડરૂમમાં એસી કરી આપું, તું ... આરામ કર.’ મિકેશે કહ્યું.

‘મારે કાલે કોવેન્ટ્રી જવાનું છે. સવારની બસનું રિઝર્વેશન છે.’ શેફીએ જણાવ્યું. ‘મને થયું ચાલ મિકીને મળી લઉં, કેચ અપ વિથ યુ. યુ નોવ! ઇઝ ઇટ ઓકે, હું અહીંયા નાઇટ સ્પેન્ડ કરું તો?’

મિકેશે આંખથી હા પાડી. કોઈ કશું બોલ્યું નહીં મિકેશ તેને બેડરૂમ સુધી દોરી ગયો. શેફાલીનાં પગલાં લાલસાથી જાણે ખેંચાતાં હતાં બેડરૂમ તરફ, જે બેડરૂમમાં વર્ષો પહેલાં તે બંનેએ યુવાનીની મદિરા ચાખી હતી છાકટા બનીને.

‘આ કોનો ફોટો છે, મિકી?’ શેફાલીએ બેડરૂમના ખૂણામાં ટેબલ પર સોનેરી ફ્રેમમાં મઢેલા ફોટા તરફ આંગળી ચીંધતાં પૂછ્યું.

‘કોલેજમાં પેલી તનિશા હતી, રિમેમ્બર? શાય રશિયન ગર્લ, નો? અત્યારે કિંગ્ઝ કોલેજમાં લેક્ચરર છે.’

આ શબ્દો બોલી લીધા ને તરત મિકેશને સમજાયું કે ખેલ ખતમ. શેફાલીને તો શેફાલીની યાદમાં તરસતો તરફડતો મિકી હોય તો ખપે! શેફાલી વિના પંદર પદર વરસ ઝૂરતો, કુંવારો રહેતો મિકી મળે તો તેવો મિકી શેફાલીનો આહાર છે. આ બેડરૂમ શેફાલીના મિકીનો બેડરૂમ છે, તેમાં કોઈ તનિશા ફનિશા પણ રાતો ગુજારતી હોય તો તેવો અભડાયેલો બેડરૂમ ને તનિશાનો એંઠો મિકી જાય જહન્નુમમાં. ખેલ ખતમ.

‘ઓહ! મારી મેડિસીન કોવેન્ટ્રી ભૂલી આવી છું, મિકી.’ શેફાલીએ કહ્યું. તેનો સ્વર સહેજ બદલેલો લાગ્યો, ચહેરો કોઈ નવી ભાષા બોલતો દેખાયો. ‘મિકી, કોવેન્ટ્રી માટે અત્યારે નાઇટ કોચ મળે, યસ?’

e.mail : vallabh324@aol.com

(પ્રગટ : “નવનીત સમર્પણ”, જાન્યુઆરી 2019; પૃ. 65-69)

Category :- Opinion / Short Stories

દૂઝતો ઘા

વલ્લભ નાંઢા
30-12-2018

જીવન શેઠને રાણા કંડોરણાના પાટિયે ઊતારી ઘરઘરાટી કરતી, ધૂળ ઉડાડતી અને મોટેથી હોર્ન વગાડતી એસ.ટી. બસ હાઈવે પર દોડી ગઈ.

હાઈવેનો ઢાળ ઊતરી જીવન શેઠે આસપાસ નજર ફેરવી.

સાંજ અંધકારનું પગલેપગલું દબાવતી આગળ વધી રહી હતી. સડક પર સન્નાટો છવાયો હતો અને માણસોની અવરજવર પણ નહિવત્ હતી.

ક્ષિતિજે ડૂબકી મારવાની ક્ષણો ગણતો સૂર્ય પૃથ્વીપટ પર સિંદૂરિયા રંગની પીંછી ફેરવી રહ્યો હતો. ગામ તરફ લંબાતો ધૂળિયો રસ્તો અને એ રસ્તાને જોડતી કેડી એ ઊભા હતા તેની નજીક જ હતી. જીવન શેઠ ધૂળિયા રસ્તા સુધી પહોંચ્યા. ગામનાં ખોરડાં દેખાતાં હતાં. બહુ ઝાઝું ચાલવાનું નહોતું. એ કેડી પર ચાલવા લાગ્યા. બજાર સોંસરવા નીકળ્યા ત્યારે કેટલાક ઘરડા ડોસલાઓ હાથનું નેજવું કરી તેને તાકી રહ્યા હતા અને અંદરોઅંદર ગુસપુસ કરી રહ્યા હતા. જીવનશેઠ રામજીચોક પાસે આવી પોરો ખાવા જરાવાર થોભ્યા. નથુ પાનવાળાના થડા પાસે જુવાનિયાઓની ભીડ હતી. જીવન શેઠની લગભગ ઉઁમરે પહોંચવા આવેલો કુરજી થડા પાસે ઊભો હતો. કોઈ નવતર માણહ કોઈના ઘરનું ઠેકાણું પૂછવા માટે ઊભું છે. એમ લાગતાં એ આગંતૂકની પાસે ગયો પણ પોતાના બાળમિત્ર જીવનને જોતાં એ હરખાઈ ગયો.

“એલા, જીવના તું ? ભલા ભઈ, આમ હાવ જ અચાનક?” અવાજ કંઈક પરિચિત લાગ્યો. જીવન શેઠને પણ તરત વરતારો આવી ગયો. “અરે,  કુરિયા! મારા વાલીડા, તેં મને ભલો ઓળખી લીધો! ’’ કહેતાં જીવને કુરજીને બાથમાં લઈ લીધો. દોસ્તી નાતે બંને એકબીજાને તુંકારે સંબોધતા. બંને ગોઠિયા ભેગા થાય ત્યારે ઉંમરની સીમાઓ ભૂંસાઈ જાય. ગામના લોકો માટે એ જીવન શેઠ પરંતુ કુરજી માટે તો એ જીવનો અને જીવન શેઠ માટે એ કુરિયો હતો.

કેટલાં ય વર્ષોના ગાળા પછી બન્ને મિત્રો મળતા હતા. વર્ષો પછી આ મૈત્રી પાનેપાને મહોરી ઊઠી હતી. બેમાંથી એકેને સમયનું ભાન પણ ક્યાં રહ્યું હતું?.

“અગાઉથી ભાળ કરી હોત તો હીધો બંદરે જ આવત ને, લેવા. પોરબંદર ક્યાં સેટું છે.’’ કુરજી વિવેક કરવા લાગ્યો. 

“અને હુંયે આ ગામથી થોડો અજાણ્યો છું?,’ જીવન બોલ્યો.’ હવે ચાલ મને મારી મેડી સુધી મેલી જા.’’ આફ્રિકામાં લાંબા વસવાટને કારણે જીવનની બોલચાલમાં સફાઈ હતી, જ્યારે કુરજી તળપદીમાં બોલતો

“એલા જીવના, આ સું કે’છ?.’

“લે, મારી મેડી છે ને?”

“ભૂલી ગ્યો? આફરિકા ગ્યો તાંણે તારી મેડીની ચાવીનો ઝૂડો કોને સોંપીને ગ્યો’તો ઇ...? ચાલ, ઘેર ચાલ સંધી ય વાત કરું સું.’’

જીવન શું બોલે?

‘કેટલા ય વરહથી અવડ પડીસે. સાફસૂફી થઈ જાય પસે તને નૈ રોકું. પણ અવ તો નૈંજ જવા દઉં.’’ કુરજી તાણ કરવા લાગ્યો.

“ઠીક ત્યારે તું કહે છે તો એમ.’ જીવને કુરજીની વાત માન્ય રાખી અને બન્ને ચાલવા લાગ્યા.

કુરજી સાથે જીવનને ચુસ્ત દોસ્તી. રેવાશંકર માસ્તરની ગામઠી પાઠશાળામાં પાટી પર બંનેએ સાથે એકડા ઘૂંટ્યા હતા. કંડોરણાની એ ધૂળી પાઠશાળામાં છ ચોપડીનું ભણતર પૂરું થયું પછી જીવને બે-એક વરસ એક કણબી પટેલની વાડીમાં ખેતીકામ કરેલ અને કુરજીએ પિતાની ભંગારની દુકાન સંભાળેલ. પછી જીવન આફ્રિકા કમાવા ચાલ્યો ગયેલો ને વર્ષે બે વર્ષે આફ્રિકાથી એકાદ મહિના પુરતો ફરવા આવી એના ભેરૂઓને મોં દેખાડી જતો. એ આવતો ત્યારે બે મિત્રો વચ્ચેની વાતો ખૂટતી નહિ. એટલું જ નહીં પણ જ્યારે જીવન દેશમાં પરણવા આવેલો ત્યારે ખુદ જીવને જ પોતાના અંતરંગ દોસ્ત કુરજીને લગ્નવિધિ વખતે અણવર તરીકેની ફરજ બજાવવાનો લહાવો દીધેલો. જીવન આફ્રિકા હતો ત્યારે તેના માબાપને એક ભડકેલા આખલાએ અડફેટે લીધેલાં. એ હુમલોએ બેયના જીવ લીધેલા ને બન્નેની ઠાઠડીઓ એક સાથે કાઢેલી. ત્યારે જીવન આફ્રિકાથી આવેલો અને માતાપિતાનાં ક્રિયાકાંડ પૂરા કરી, થોડા દિવસ દેશમાં રોકાઈને એ પાછો આફ્રિકા ચાલ્યો ગયેલો. પછી ઘરસંસાર અને કચ્ચાંબચ્ચાંની જંજાળમાં દેશમાં આવવાનું ઓછું થતું ગયું. અને આ વખતે તો પૂરા પચ્ચીસ વરસના લાંબા ગાળા પછી એ દેશમાં આવ્યો હતો..

રાતે વાળુપાણી કરી કુરજી અને જીવન ઓસરીમાં ખાટલા ઢાળી બેઠા હતા. ગામના લોકો જાણતા હતા કે જીવન આફ્રિકે જઈને બે પાંદડે થયો હતો એટલે મોડી રાત સુધી કુરજીને ત્યાં ગામેચીઓનો ડાયરો જામેલો. જીવન શેઠને મોઢે આફ્રિકાની રોમાંચિત વાતો સાંભાળવામાં ગામલોકોને ભારે રસ પડતો હતો.

બધા ગયા પછી બંને મિત્રોએ ફળિયામાં જ ખાટલા ઢાળ્યા અને જવીબહેને પોતાની પથારી અંદર કરી લીધી.

જીવનશેઠે એ રાત જાગતા જ કાઢી. દીકરાની અવળચંડાઈને કારણે ગામના ગોળાનું પાણી હરામ કરી, પહેરેલે ત્રણ લુગડે ઘેરથી નીકળી જવું પડ્યું. દીકરા સાથે થયેલી બોલંબોલાવાળી ઘટના કેમેય કરી ભુલાતી ન હતી. આંખો સામે એ ઘટના ભૂતાવળ બની નાચતી હતી.

શિન્યાન્ગા - મ્વાંઝા શહેરથી સોએક ગાઉ છેટું આવેલું ટાંઝાનિયાનું એક નાનકડું પણ મહત્ત્વનું રેલવે સ્ટેશન. માત્ર દોરી-લોટો લઈને આફ્રિકાના એ નાનકડા ગામમાં વીસના દસકામાં જીવને જ્યારે અઠ્ઠેદ્વારકા કર્યા ત્યારે તેની ઉંમર ઓગણીસની હતી. તે ઘટનાને પણ હવે તો એંશી વર્ષોનાં વાણાં વાઈ ગયાં. શરૂઆતમાં પાંચેક વર્ષ મડૂઈની સુખ્યાત ‘વિલ્યમસન ડાયમંડ માઈન્સ’માં નોકરી કરી. થોડી બચત થઈ પછી દેશમાં લગ્ન કરવા આવ્યા અને પાછા આફ્રિકા આવીને કાપડની હાટડી માંડી.

સમયનો કાંટો સમયને ધીમેધીમે આગળ ધકેલતો રહ્યો. હાટડી જામી ગઈ. અને કાળક્રમે જીવન હાટડીમાંથી એક મોટી દુકાનનો શેઠ બની ગયો. જીવનમાંથી એ જીવનલાલ શેઠ બની ગયો! ત્યાર પછી એની પત્ની શારદાએ એક પછી એક એમ ચાર દીકરીઓ અને પછી એક દીકરાને જન્મ આપ્યો. શારદાના પેટે ઉપરાછપરી ચારચાર દીકરીઓ અને પછી પુત્ર સુધીરનો જન્મ થયો. પતિ-પત્નીના મનમાં એકાએક વાંસ ફૂટવા લાગ્યા. ચારચાર દીકરીઓ પછી પુત્ર સુધીરનો જન્મ થયો હોવાથી એનો ઉછેર લાડચાડમાં થયો હતો. હવે તો દીકરીઓને પણ સાસરે વળાવી દીધી હતી.

વર્ષો વીતતાં ગયાં. સુધીરને કોઠે વિદ્યા ચઢી નહિ એટલે જીવનશેઠે તેને દુકાનમાં બેસાડી દીધો. સુધીર દુકાન સંભાળવાને લાયક થયો પછી દુકાનનો સઘળો કારભાર સુધીરને સોંપી જીવનશેઠ લગભગ નિવૃત્તિ જેવું જીવન ગાળી રહ્યા હતા. જુવાનીમાં બે પાંચ વરસે દેશમાં આંટો મારી આવતા. પણ હમણાં ઘણા લાંબા સમયથી વતન જવાયું ન હતું. દેશમાં બાપીકું મકાન હતું જેની દેખભાળ તેનો ભાઈબંધ કુરજી કરતો હતો.

આમ જીવનશેઠને બધી વાતનું સુખ હતું પણ ક્યારેક ક્યારેક સુધીરનો ગ્રાહકો સાથેનો ઉદ્ધતાઈભર્યો વરતાવ જીવન શેઠને અસ્વસ્થ બનાવી જતો. ખાસ કરીને આફ્રિકન ગ્રાહકો સાથે સુધીરનો તોછડાઈભર્યો વહેવાર ચિંતાનું ભારણ વધારી દેતો. ન રહેવાય ત્યારે કોઈ વાર ડોસા દીકરાને શિખામણના બે શબ્દ કહેતા ય ખરા, પણ બાપાની શિખામણ સુધીરના બહેરા કાને અથડાઇને પાછી વળતી. બાપાની શીખ એ ધ્યાન પર લેતો નહિ, એટલું જ નહીં, કોઈ વાર એ પિતાની માનમર્યાદા પણ વળોટી જતો ને જીવનશેઠ સામે ડોળા ટટળાવવા લાગતો. આવું બનતું ત્યારે બાપદીકરા વચ્ચે વઢવેડ જેવું પણ થઈ જતું. પણ જીવન શેઠ પછી વળ ખાઈને રહી જતા.

પણ એક વાર તો સુધીરે મર્યાદાની તમામ સીમાઓ જ પાર કરી નાખી. એક ઘરાકના લેણાની મામૂલી રકમના બદલામાં સુધીર પેલા વર્ષો જૂના આફ્રિકન ઘરાકનું ઝૂંપડું પડાવી લેવાની વેતરણમાં હતો. આવો અમાનુષી વહેવાર જોઈ જીવન શેઠથી ચૂપ બેસી શકાય એમ નહોતું. જીવનશેઠે દીકરાના ફેંસલાની વચ્ચે પડી કાચા કરારના કાગળિયાં ફાડી નાખ્યાં ને આફ્રિકન ઘરાકને લેણાની રકમ ચૂકવવા માટે મુદ્દત વધારી આપી. પેલો અબૂધ આફ્રિકન ગળગળો થઈ શેઠના પગમાં ઢળી પડ્યો. આભાર માનતો અને ચોધાર આંસુ સારતો એ ગયો પછી બાપ-દીકરા વચ્ચે બરાબરની ગરમાગરમી થઈ ગઈ. સુધીરની આંખોમાં અંગારા ભભૂકી ઉઠ્યા. માનમર્યાદાની સીમા લોપાઈ ગઈ. દીકરાની આંખ ફરી ગઈ. તેણે દાંત ભીંસીને ટેબલ પરથી કાતર ઉઠાવી અને બાપા તરફ ઘા કર્યો. કપાળ પર કાતરનો ઓચિંતો ઘા આવી પડતા જીવન શેઠ ચીસ પાડી ઉઠ્યા. પહેલાં પહેલાં તો જીવન શેઠનું મગજ પણ બહેક્યું. મોઁ લાલલાલ થઈ ગયું. ગળાની નસો પણ ફૂલી ગઈ. પણ નહિ, આ તો મારી જ ખામી છે. દીકરાની પરવરીશમાં રહી ગયેલી ખામીનું જ આ પરિણામ. વળતો પ્રહાર કરવા ઉપાડેલો લોખંડનો ગજ હાથમાં જ રહી ગયો! અને ડોસા પોતાની જ્ગ્યા પરથી ઊભા થઈ ગયા. ઘાટાઘાટી સાંભળી શારદાશેઠાણી હાંફળાફાંફળા ત્યાં દોડી આવ્યાં. જીવન શેઠના કપાળમાંથી લોહીની ટશરો ફૂટી રહી હતી. જીવનશેઠે પત્નીને ટૂંકમાં બધી વાત કહી. શારદબહેને સુધીરને પિતાની માફી માગવાનું કહ્યું એવા જ જીવન શેઠ ગર્જી ઊઠ્યા, “નહિ, નહિ, એ નાલાયક પાસે મારે માફીબાપી કંઈ મંગાવવું નથી. શારદા, આ ઘર છોડવાની વેળા આવી ગઈ છે. ચાલ, તૈયાર થઈ જા ..’’ પછી પતિ-પત્ની વચ્ચે કંઈક બોલાચાલી થઈ અને જીવન શેઠ ગામનું પાણી હરામ કરીને ઘર અને ગામ છોડીને ચાલી નીકળ્યા - વતનની રાહ પકડવા.

જીવન શેઠને આ બધું યાદ આવી ગયું.

***

કુરજીએ જીવનની મેડીની સાફસૂફી કરવા માટે ગામની બે-ત્રણ મજૂરણોને કામે લગાવી લીધી. એક જ દિવસમાં જીવનશેઠની મેડી અરિસા જેવી ચોખ્ખી ચણક બની ગઈ. બપોરે જીવન શેઠ કરિયાણાની દુકાને જઈ રાશન નોંધાવી આવ્યા અને બીજા દિવસે કુરિયાની રજા લઈ જીવનશેઠ પોતીકા મકાનમાં આવી ગયા.

જીવન શેઠે હવે પોતાનો રોજિંદો કાર્યક્રમ બાંધી લીધો હતો. સવારે નાહીધોઈ પૂજાપાઠ અને પછી ચૂલો સંભાળવો. અને બપોરે જમીને થોડો આરામ કરી રોંઢું થતાં કુરિયા સાથે ગામની નદી સુધી જઈને પગ છૂટો કરવા નીકળી જવું. આ એમની દૈનિક ચર્યા! નદીના કાંઠે પરિચિત સપાટ શિલા પર બેસી બાળપણના દિવસો વાગોળતા. તળાવની પાળ, ગાયુ-ભેંસુના ભાંભરવાના અવાજ, પનિહારીઓની આવનજાવન, બજારના ઓટલે બેસી બીડી ફૂંકતા બુઝુર્ગો. તૂટેલો ગઢ અને સપાટ પથરા, આ પથરા પર બેસી બંને ભાઈબંધ નવ કૂકરીની રમત રમતા હતા. એ દિવસોને સંભારતા. ખૂલીને એકબીજાને પોતાના દિલની વાત કરતા. જીવન શેઠે કુરજીને શિન્યાંગામાં જે ઘટના બની હતી તેની અથ થી ઈતિ કહી હતી. આમ નદીતટે રોજ આવવું અને ધરતીપટ પર અંધારાં ઊતરવા લાગે ત્યાર પછી જ ઊઠવું એવો વણલખ્યો ક્રમ બન્ને મિત્રોએ બનાવી લીધો હતો.

***

એ સવારે પોરબંદર-જૂનાગઢ તરફ લંબાતો હાઈવેનો વળાંક તુલસીચોક પાસે આવીને જાણે કે સ્થિર થઈ ગયો હતો. તડકો આળસ મરડીને યુવાન થઈ ગયો હતો. એ સવાર કંઈક વધારે માદક હતી. ચાર-પાંચ ચોવટિયા માવજી મવાલીની દુકાનના ઓટલે બેઠાબેઠા બીડી ફૂંકતા હતા ને ગામની પંચાત કરતા હતા.. એ જ વખતે એસ.ટીની એક બસ બસ-સ્ટેન્ડના પાટિયા પાસે આવી ઊભી. બસમાં ચડનારું તો કોઈ હતું નહીઁ પણ એક બાઈ એક નાનકડી થેલી સાથે બસમાંથી ઊતરી. ચોવટિયાઓનું ધ્યાન તેના પર પડ્યું પણ એ બાઈનો વરતારો ન પડ્યો. ગામના ઝાંપા પાસે એ જરા વાર થોભી અને ત્યાંથી પસાર થતા એક લબરમૂછિયા છોકરાને કંઈક પૂછ્યું અને ઝડપથી ઝાંપામાં દાખલ થઈ ગઈ. પેલા લબરમૂછિયા છોકરાને પૂછતા પંચાતિયાઓને બાતમી મળી કે એ સ્ત્રીએ જીવન શેઠની મેડીનું ઠેકાણું પૂછ્યું હતું. બસ, આગની ચિનગારીને હવા મળી ગઈ - પંચાતિયાઓને અફવાના ગુબ્બારા ચડાવવાનું કારણ મળી ગયું!

અને પેલી બાઈ અડધાએક કલાક પછી પાછી ગામલોકોના મનમાં શંકાઓ-કુશંકાઓ જગાવી પોરબંદર જતી બસમાં બેસી ગઈ. કોણ હશે એ બાઈ? એ સાવ એકલી જીવન શેઠની મેડીમાં શું કરવા ગઈ હશે? જીવન શેઠ એને જાણતા હશે? શું શેઠને એની સાથે કંઈ લફરું હશે? ચોવટિયાઓએ આવા આવા સવાલો ઊભા કરી ગામેચીઓના મનમાં શંકાઓના કીડા સળવળતા કરી દીધા. હવે તો લોકો પણ પેલી સ્ત્રીને જીવનશેઠ સાથે જોડીને છડેચોક એમના ચરિત્ર પર કિંચડ ઉડાડવા લાગ્યા હતા.

જો કે, આ અફવા જીવન શેઠ સુધી હજી પહોંચી ન હતી. પણ કુરજીને કાને આ વાત આવી હતી. કુરજીને પણ આ વાતે અચરજ તો થતું હતું. કોઈના માન્યામાં ન આવે તેવી અફવા ઊડી હતી. અને કુરજીના મનમાં પણ ભેરુ માટે શંકાનાં વાદળ ઘેરાવા લાગ્યાં.

એ જ  સાંજે કુરજીએ દુકાન સહેજ વહેલી વધાવી સીધો જીવનની મેડીએ પહોંચી ગયો. કુરિયાને આમ અસૂરો આવેલો જોતાં જીવન પણ પહેલાં તો નવાઈ લાગેલી. “શું વાત છે, કુરિયા? આમ અચાનક આ તરફ? મારું કંઈ ખાસ કામ પડ્યું કે શું?’’ જીવન કુરિયાને પૂછવા લાગ્યો.

“નૈ દોસ્ત, ખાસ કામ કૈં નથી. આમણી કોર નેકળ્યો’તો, મું ને થ્યું ભેરૂનું મું જોતો જાવ.’’ કુરિયાએ બહાનું આગળ ધર્યું.

“પણ તારો ચહેરો તો કંઈક જુદું જ કહેતો હોય એવું લાગે છે.’’ ચાલાક જીવને દોસ્તના મનની દુ:ખતી નસ પકડી પાડી હતી.

“ઇ તો તુંને ઇમ લાગે છ.’’ કુરિયો લોચા વાળતી જીભે બોલ્યો.

“તો પછી મને એવું કેમ લાગે છે કે તું મને કંઈક પૂછવા આવ્યો છે.’’

“તને ખબર છે પેલી સ્ત્રીને લઈને ગામલોકો તારા વિશે કેવી કેવી વાતુ કરે છે ?” શબ્દો જીભ પર આવતા આવતા રહી ગયા. પછી એ મૂંઝવણમાંથી બહાર નીકળી જઈ, થોડી હિંમત એકઠી કરી તેણે છેવટે જીવનને પૂછી જ નાખ્યું.

“જીવના, તારી પાંહે આવેલી કોઈ બાઈને લૈને લોકો તારી બૌ ખરાબ વાત્યુ કરે સે’’ કુરિયો તૂટ્ક તૂટક શબ્દોમાં બોલી ગયો..

“શું વાતો કરે છે?’’

“એ બાઈ માણહ કોણ હતું? તારે ત્યાં કિમ આઇવું’તું?’’

“હવે સમજ્યો. શું તારે પણ એ બાઈ કેમ આવી’તી તેનું કારણ જાણવું છે એમને?”

કુરિયો નજર નીચી ઢાળી જમણા પગના અંગૂઠા વડે ભોંય ખોતરવા લાગ્યો.

“તો સાંભળ. એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ તારી ભાભી હતી : મારી પત્ની શારદા! મને લઈ જવા સારુ આવી’તી, પણ હું મારા ફેંસલામાં અફર હતો. મેં તેને કહ્યું: “શિન્યાન્ગા છોડ્યું ત્યારે ગામનું પાણી હરામ કરીને નીકળ્યો છું. મારી સાથે આવવા મેં તને ઘણી સમજાવી હતી પણ તેં દીકરાનો પક્ષ લીધેલો.પછી હું એકલો પહેરેલ લૂગડે જ ચાલી નીકળ્યો હતો. હવે તું જ કહે, જે ગામના પાણી હરામ કર્યાં હોય એ ગામમાં ફરી પગ મૂકું તો મારા વેણની કિંમત શી? મેં ના પાડી એટલે. શારદા જેમ આવી‘તી તેમ બસમાં પાછી વળી ગઈ’. દોસ્ત પાસે હૈયાનો ઊભરો ઠાલવી જીવન શેઠ બીજી તરફ જોઈ ગયા.

કુરજી નીચું જોઈ ગયો. ગયો. જરાક વાર પછી જીવન શેઠે નજર ફેરવી તેની સામે જોયું. કુરજીની આંખો ઝરતી હતી. બીજી ક્ષણે જીવન શેઠનો હાથ વિનાયાસ ઊંચો થઈ ગયો - દૂઝતો ઘા ઢાંકવા.

e.mail : vallabh324@aol.com

[પ્રગટ : “અખંડ આનંદ”, ડિસેમ્બર 2018]

Category :- Opinion / Short Stories