LITERATURE

ટૂંકીવાર્તા લખનારા મિત્રો માટે આજે થોડીક વિચારપ્રેરક વાતો કરું.

વાર્તાને ટૂંકી, દીર્ઘ કે લાંબી જે રાખવી હોય એ રાખો, એમાં ‘અન્ત' હંમેશાં મુશ્કેલ હોય છે. નાનો કે મોટો કોઇ પણ સર્જક મૂંઝાઇ જાય છે કે હવે આમાંથી નીકળી જવું કઇ રીતે. ખાસ તો, કલાત્મક અન્ત સાધીને નીકળવું કઇ રીતે, એને બહુ પજવે છે. જે વાર્તાકારોએ ચોટ માટે અન્તને ગજવામાં સંતાડી રાખ્યો હોય, એમને આ નડતર નથી. અન્યથા કેવું કેવું કહેતા હોય છે, સાંભળો : હું તો અન્ત મળી જાય પછી જ વાર્તા શરૂ કરું છું - કેવો ધીરજવાન ! ત્યાં લગી શું બારીએ બેસી ચણામમરા ખાતો હશે? : હું તો અન્તની ચિન્તા વિના બસ લખું છું ને અન્ત મને એની મૅળે મળી આવે છે - કેવો પ્રમાદી ! અન્ત જાણે રસ્તે રઝળતું કુરકુરિયું હોય ! કોઇ કોઇ કીમિયાગર તો એવા કે બે-બે અન્ત કાંતી કાઢે છે - એમ કે જે ગમે એ રાખો ! વાચકને સર્જકતાના ચાળે ચડાવે છે. આ નિર્દેશોનો સાર એ છે કે જ્યારે પણ અન્ત લવાશે ત્યારે ગોઠવી કાઢેલો હશે કે આવી પડેલો હશે, મતલબ, વત્તેઓછે અંશે બનાવટી હશે. છેલ્લી બાજી ય હારી જવાશે એવી બીક હોય ને હુકમનો એક્કો દેખાઇ જાય એ ખેલાડીની આંખો કલ્પો, સમજાઇ જશે. ડૂબવામાં જરાક જ વાર હોય ને કશુંક ટેકણ હાથ લાગી જાય એ ભાયગશાળીનો ચ્હૅરો કલ્પો, સમજાઇ જશે.

ભલે, કદી આપણે ટૂંકીવાર્તાના આરમ્ભ વિશે વિચાર્યું છે? વાર્તા શરૂ થઇ એ પહેલાં નાયકના જીવનમાં શું કશું બન્યું જ ન્હૉતું? કેટલુંયે બનેલું. એ પુરાકથા તો ત્યાં-ને-ત્યાં જ રહી ગઇ ! તો પછી આરમ્ભ પણ આડેધડનો જ ગણાય, ખરું કે નહીં? પહેલી પંક્તિને કવિઓ ‘ઈશ્વરદત્ત' કહેતા હોય છે. ઈશ્વરે મોકલી એટલે સાચી એવો ભરોસો સેવતા હોય છે. કેટલાક જાતભરોસો દાખવે છે કે બાકીની જે પોતે સરજી એ સાચી છે. ઈશ્વર પર કે જાત પર ભરોસો ભલે રાખે, વાતમાં માલ નહીં. કાવ્યનો આરમ્ભ પણ આવી પડેલો કે ગોઠવી કાઢેલો હોય છે - એટલે કે વત્તેઓછે અંશે બનાવટી હોય છે.

આમ, આરમ્ભ પણ બનાવટી અન્ત પણ બનાવટી. અડસટ્ટે શરૂ થયું હોય. ગમે ત્યારે પૂરું કરી પાડે. આપણા કેટલા ય અછાન્દસકારોએ એ જ કર્યું છે. આમાં વ્યવહારુ કારણો પણ મદદ કરતાં હોય છે. અછાન્દસની લાંબીટૂંકી લાઇનો માટે તન્ત્રીઓ ફાળવી ફાળવીને કેટલી જગ્યા ફાળવે? શબ્દોના ય માપમાં રહેવાનું હોય છે. તન્ત્રીએ છાપી રાખ્યું હોય - વાર્તા ૨૦૦૦ શબ્દમાં હોવી જોઇએ, અન્યથા અસ્વીકાર્ય ઠરશે. એવાતેવા કે કોઇપણ કારણસર વાર્તાકારો વાર્તાને ટૂંકી કરીને જંપે. પથારો પાથરીને બેઠા હોય પણ ચુંકાતા મને હંકેલો કરવા માંડે. સાહિત્યને વ્યવહારુ કારણો હંમેશાં આંતરે છે. નાટકે મધરાત પછી તો અમુક વાગ્યે પૂરું થવું ઘટે છે. કવિને ધરવ ભલે ન હોય પણ કવિસમ્મેલનને છેડો હોય છે. વીડિયોગ્રાફરના ટાંટિયા તૂટતા હોય. જૂના વખતમાં નવલકથાને અન્તે ‘સમાપ્ત' આવતું. એ લખ્યા પછી લેખકને હાશ થતી. સિનેમામાં The End આવતું જેથી ગરાડીઓને હમજ પડે કે હવે ઘરે જઇને વહુભેગા થવાનું છે.

આમ તો પ્લેટોએ સાચું કહેલું - કલા તો સત્યથી બે પેઢી દૂર છે. ટેબલનો ખયાલ સાચો, ટેબલેય સાચું પણ ટેબલની કવિતા બનાવટનીયે બનાવટ છે. ભાષાવિજ્ઞાન કહે છે કે શબ્દ પણ આમ જ આવી પડેલો છે. આને ‘બિલાડી' અને આને ‘કૂતરું' શા માટે કહીએ છીએ? પૂર્વજો ‘માર્જારી' અને ‘શ્વાન' કેમ કહેતા? પેલાઓ ‘cat' અને ‘dog' શા કારણે કહે છે? બસ આમ જ ! મરજી ! ઈચ્છા ! બધી વાતમાં ઈશ્વરને કારણભૂત ગણીએ છીએ પણ એઓશ્રીને પણ આની ખબર નથી. તો પછી એવા શબ્દોના બનેલા વાર્તા-અન્તને અને વાર્તા-આરમ્ભને પણ ‘બસ આમ જ' શું કામ ન ગણવા? સમજીએ તો સમજાય કે આ વાત વાર્તા કે કાવ્ય ઉપરાન્તની કોઇ પણ શબ્દસૃષ્ટિને લાગુ પડે છે. કેમ કે એ ‘આમ જ' હોય છે. લોકો સાહિત્યને એટલે તો ગપસપ કહે છે.

ચેખવે (1860-1904) કદાચ એ જ કારણે વાર્તાકારોને કહેલું કે એક વાર વાર્તા લખાઇ જાય પછી એના આરમ્ભને અને એના અન્તને છેકી નાખજો. કેમ કે એ, એ જગ્યાઓ છે, જ્યાં આપણે લેખક-લોકો જૂઠ ચલાવતા હોઇએ છીએ. એમણે ઉમેરેલું - આ હું મારા પોતાના અનુભવથી કહું છું.

પણ મારો સવાલ એ છે કે આરમ્ભ અને અન્તને છેકી નાખીએ પછી જે બચે એમાં સચ્ચાઇ હશે ખરી -? મારો જવાબ એ છે કે ના, વચ્ચે જે બચ્યું એ પણ ન-સાચું હોય છે. એ પણ બનાવટમાંથી પ્રગટેલી બનાવટ હોય છે. વાર્તામાં જ શું કામ, દરેકે દરેક લેખનમાં પહેલું વાક્ય લખીને આગળ ચાલવાનું હોય છે. ક્યારેક વળી એને જતું કરીને એને સ્થાને બીજું લખીએ છીએ. ક્યારેક એ બીજાને જતું કરીને ત્રીજું લખીએ છીએ. એનો અર્થ એ કે અગાઉનાં બન્ને વાક્યો બરાબર ન્હૉતાં. ચોરનો ભાઇ ઘંટીચોર ! પણ એ રીતે તો લખાણના કોઇપણ વાક્યને નપાસ થવાનો વારો આવી શકે ! કશો સુખદ પાર આવે જ નહીં.

બે રસ્તા છે : ચેખવ કહે છે એમ છેકી નાખો એ બરાબર છે પણ છેકીને બેસી રહો એ બરાબર નથી. છેકભૂસ કરતા રહો ને જાહેરમાં એ વિશે નિખાલસ એકરાર પણ કરતા રહો. આજે તો કમ્પ્યૂટરમાં એવી વ્યવસ્થા છે કે હું લખાયેલી લાઇન પર એની બરાબર વચ્ચે જતી રનિન્ગ લાઇન દોરી શકું છું. ખોટી છે એમ તરત જોઇ શકાય. હું કાગળ પર લખતો ત્યારે જેવો પહેલો ફકરો નકામો લાગે, ડૂચો વાળીને ફૅંકી દેતો. વ્યાખ્યાનમાં સ્વીકારું છું કે - એ શબ્દ મેં ખોટો વાપર્યો. કહું છું કે - એ લેખમાં એ મારી ભૂલ હતી. ન હોય તો કહું છું - ના, એ મારી ભૂલ ન્હૉતી. બીજો રસ્તો એ કે તમે પોતે જ કહી દો કે સાહિત્ય એક જાતની ગપસપ છે અને વાર્તા એક જાતનું આરમ્ભથી અન્ત લગીનું - સાદ્યન્ત- ગપ્પું છે. લોક ભલેને અમુઝાયા કરે કે સાહિત્ય, એક જાતની એટલે કઇ જાતની ગપસપ … વાર્તા, એક જાતનું એટલે કેવી જાતનું ગપ્પું … કલાપારખુઓ ઓળખાવશે એ જાતને પણ આ લેખ ગપ્પું નથી. તો પછી આમ ગોળ ગોળ કેમ ફર્યા કરું છું? કેમ ચાલે? તો શું કહેવું? એ કે મને આ વાતમાં એક નવો સંદેશ દેખાય છે : તમારા લખાણ પર મુસ્તાક રહેવાનું છોડી દો. લેખનમાત્ર એક મથામણ છે, શુભાશયી યત્ન કે પ્રયત્ન છે, એમ માનીએ તો બસ છે. સંદેશ એ પણ ખરો કે - શબ્દાખ્ય જ્યોતિ સદા પ્રકાશે છે. શબ્દોથી પ્રગટેલો ન-શરીરી ધ્વનિ ચિરંજીવી હોય છે. કોડિયાં ન જોવાય, દીવાની જ્યોત પણ ન જોવાય, ભલે. પણ પ્રકાશ તો જોવાય. પ્રસરેલા પ્રકાશને આંખો મીંચીને હૃદયચિત્તમાં સંઘરી લેવાય …

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 26 મે 2018

Category :- Opinion / Literature

શ્રદ્ધાંજલિ :

વિનોદભાઈ કહેતા કે હાસ્ય એટલે સૂકાયેલું આંસુ ! કદાચ એટલે જ એમના ગયા પછી આજે રડવું નથી આવતું પણ એમનું માર્મિક સ્માઈલ યાદ આવે છે

વિનોદ ભટ્ટે 'વિનોદની નજરે' કિતાબમાં લખેલું કે લેખકોને વાંચવા જ સારા, નજીકથી મળવું નહીં … પણ વિનોદભાઈ મળવા જેવા ને માણવા જેવા માણસ હતા. જેટલા મોટા લેખક હતા, એટલા જ નિખાલસ અને સાધારણ માણસ અને એટલે જ કોઈ લાઉડ પાત્રો કે પ્રસંગોના ટેકા વિના માત્ર વિચારો અને શબ્દો અને તર્ક વડે હસાવી શકે એવો હાસ્યકાર વિનોદ ભટ્ટ! જ્યોતીન્દ્ર દવે પછી ગુજરાતી શિષ્ટ હાસ્યલેખકમાં ભીષ્મ પિતામહ હતા, ભીષ્મ પિતામહની જેમ બાણશૈયા પર સૂતાં સૂતાં લાંબી બીમારી લાગેલી પણ હસતાં હસતાં વળી એ બાણશૈયામાંથી જ એક એક વ્યંગ્યનાં તીર કાઢીને સમાજ અને સરકાર સામે છેલ્લે સુધી તાકતા રહેતા. 

1990 માં ગુજરાતી સિરિયલ ‘રંગબેરંગી' માટે એમની એક રમૂજી વાર્તા પર એપિસોડ બનાવવાનું વિચારેલું. ડરતાં ડરતાં પરવાનગી લેવા વિનોદ ભાઈની ઓફિસે અમદાવાદ પહોંચ્યો. મળતા વેંત જ ત્રણ પાકિસ્તાની જોક્સ સંભળાવ્યા અને કહ્યું, ‘દેશના ભાગલા પછી સાલાઓ આપણી અડધી રમૂજ લઈને ચાલ્યા ગયા! ‘ગુજરાતી લેખક અને એમાંયે અમદાવાદી હાસ્ય લેખક હોવા છતાંયે વાર્તાની પરવાનગી માટે પૈસાની કોઈ રકઝક ના કરી. મુલાકાત પછી જતી વખતે કહ્યું: ‘તમે લોકો બહુ સાહસિક છો! ગુજરાતી હાસ્ય કથાઓ પર સિરિયલ બનાવવા નીકળ્યા છો!' આપણી તો છાતી ગજ ગજ ફૂલી ગઈ પણ પછી હળવેકથી વિનોદભાઈએ આંખ મારીને કહ્યું, ‘સાહસિક એટલે કે મારી વાર્તા પર આખો એપિસોડ બનાવવા નીકળ્યા છો!'

વિનોદભાઈ જાત પર અને જમાના પર એક સરખું હસી શકતા. ચાર-પાંચ દાયકાઓ સુધી હાસ્ય-વ્યંગની કોલમ લખી, હાસ્ય પર અનેક કિતાબો લખી, પણ એમની એ એક માત્ર ઓળાખ નહોતી. વિનોદ ભટ્ટે ઉર્દૂ તેજાબી લેખક સાદત હસન મન્ટો પર કે ચાર્લી ચેપ્લીન પર પણ નાનકડી બાયોગ્રાફી લખેલી જે આજે ય હિન્દી સાહિત્યમાં ખૂબ પ્રખ્યાત છે. શ્લીલ-અશ્લીલ કિતાબમાં અશ્લીલ વાર્તાઓનું હિમ્મતભેર સંપાદન કર્યું, વિશ્વ અને દેશના હાસ્યલેખોનું સંકલન કર્યું.

વિનોદભાઇ હ્યુમર પર ગુજરાતીમાં એકમાત્ર ઓથોરિટી હતા. એમના ‘વિનોદની નજરે' પુસ્તકમાં ભલભલા સાહિત્યકારોનાં ધોતિયાં ખેંચી નાખવાં વ્યક્તિચિત્રો લખેલાં અને આજે ય એ પુસ્તક અજેય છે. (જેમાં સ્ટાર લેખક ચંદ્રકાંત બક્ષી અને એમના અહંકારના વિનોદભાઇએ છોતરાં કાઢી નાખેલાં) કોઈની પણ અને ખાસ કરીને સરકારની પણ શેહશરમ રાખ્યા વિના કટાક્ષ લખવામાં વિનોદ ભટ્ટની તુલનામાં આજ સુધી કોઈ નહોતું આવતું. ગજરાતી હાસ્ય વ્યંગ લેખનની બાદશાહતનું એ સિંહાસન આજે ખાલી પડયું છે.

‘મુંબઈ સમાચાર' અને 'નવગુજરાત સમય'ની મારી કોલમ 'અંદાઝે બયાં'માં આવતાં સેટાયરને વાંચીને ક્યારેક ઉમળકાથી ફોન કરતા, સામે ચાલીને ! આટલી મોટી વચે અને આટલી સફળતા પછી પણ નવા-સવાને બિરદાવવાની ખૂબી એકમાત્ર વિનોદભાઈમાં હતી. ગુજરાતી કોલમિસ્ટો અને લેખકોના અંડરવર્લ્ડ જેવા ખૂંખાર ખારીલા વાતાવરણમાં આવી ખેલદિલી એક સાચા હાસ્યકારમાં જ હોઈ શકે છે. વિનોદભાઈ કહેતા કે હાસ્ય એટલે સૂકાયેલું આંસુ ! કદાચ એટલે જ એમના ગયા પછી આજે રડવું નથી આવતું, પણ એમનું માર્મિક સ્માઈલ યાદ આવે છે.

છેલ્લે, નવેમ્બર 2014માં રૂબરૂ એમના ઘરે મળવાનું થયું, મારા પપ્પા(છેલ)ના મૃત્યુ પછી હું ગળામાં ડૂમો લઈને અમદાવાદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગયેલો. ત્યારે બે જ વ્યક્તિઓને ત્યાં રૂબરૂ ગયેલો. એક તારક મહેતા, જેમને ગળે વળગીને રડેલો, કારણ કે તારકભાઇ મારા પપ્પાના મિત્ર હતા .. અને બીજા વિનોદભાઈ, જેમને મળીને મારા બધા જ ડૂમા, ડૂસકાં ઓગળી ગયેલા કારણ કે વાતવાતમાં એમણે મૃત્યુની વાત જ ભૂલાવી દીધેલી, (ખાસ કરીને એમને ત્યાં પડેલું ‘પરબ' નામનું સાહિત્યિક મેગેઝિન મેં ઉપાડ્યું, તો મને કહ્યું આ ‘પરબ'ને ગાંધીનગરનાં સરકારી ઓફિસરો 'બાવન-બે' એમ વાંચે છે! આપણા કરતાં વધારે એ લોકો ફની છે)

વિનોદભાઈ ગયા … અને હવે કોણ મારા કાલાઘેલા લેખ વાંચીને સવાર સવારમાં ફોન કરશે? કોણ મને મારું પુસ્તક પ્રગટ કરવા માટે વઢશે? ગુજરાતી ભાષાના નાના દિલના લેખકોની વસ્તીમાંથી હવે કોણ આપણને જાત પર હસતાં શીખવશે?

ગુડબાય, વિનોદભાઈ ભટ્ટ!

સૌજન્ય : “નવગુજરાત સમય”, 25 મે 2018

Category :- Opinion / Literature