LITERATURE

અનુવાદ-વિચારણાના વિસ્તૃત વિષયમાંથી બે મુદ્દાઓ અહીં મૂકવા ધાર્યા છે.

બહુભાષી જગતમાં એક ભાષાનો સર્વ-સમાવેશક પ્રભાવ ખૂટે છે ત્યારે કોઇ એક ભાષામાંથી સીધા બીજી ભાષામાં અનુવાદો થવાને બદલે વચ્ચે એક સાહિત્યિક કડી-ભાષાની કામગીરી ઉદ્ભવતી રહી છે. આ કડી ભાષા મારફત મૂળ ભાષામાંથી લક્ષ્ય ભાષામાં અનુવાદોનું અવતરણ થાય છે. દા.ત. નીચે ચર્ચેલાં બે ઉદાહરણોમાં મૂળ કૃતિ રશિયન અને સ્પૅનીશ ભાષાની, તેના અંગ્રેજી અનુવાદો પરથી ગુજરાતીમાં ભાષાન્તર થયાં. આપણા દેશમાં આધુનિક વિદ્યાસંવર્ધનનાં પગરણ થયાં તેની સાથોસાથ અંગ્રેજી ભાષા આવી. જગતની અનેક ભાષાઓ સાથેના આપણા સંસર્ગની એ કડી ભાષા બની એ તો ખરું, પણ આપણી પ્રાદેશિક ભાષાઓ વચ્ચેના સાહિત્યિક 
આદાન-પ્રદાનની ભાષા પણ ઘણીવાર અંગ્રેજી રહી. યુરોપી ભાષાની કૃતિઓ બહુધા અંગ્રેજીના માધ્યમ થકી 
આપણે મેળવીએ છીએ.

ત્રીજી જ ભાષામાં થઇને આવતા આવા અનુવાદો વિશે એક માન્યતા પ્રચલિત છે કે એવી કૃતિઓ મૂળનું ઓજસ ગુમાવે છે. અંગ્રેજી ‘ગીતાંજલિ’ના પ્રકાશન પછી આ મુદ્દો ઊપસેલો. અંગ્રેજી અનુવાદો રવીન્દ્રનાથની મૂળ બંગાળી કાવ્યકૃતિઓનું સૌંદર્ય ખોઇ બેસે છે એમ વારંવાર કહેવાયું. વાતમાં વજૂદ ખરું, પણ ‘ગીતાંજલિ’ને સંબંધ છે ત્યાં સુધી તો એ અનુવાદો કવિએ પોતે કરેલા, પ્રયોજનપૂર્વક કાવ્યોના બંગાળી અલંકારો ઉતારીને, પશ્ચિમના ભાવકોને અનુકૂળ સાદા ગદ્યરૂપે મૂકેલા. પણ, રવીન્દ્રનાથની એ અંગ્રેજી ‘ગીતાંજલિ’ના ઉર્દૂ અનુવાદે બાર-તેર વરસના એક કોરા કિશોરને રડાવેલો. પછી તો બંગાળી ભાષાને પોતાની માતૃભાષાથી પણ વધુ ચાહનાર એ અબૂ સઇદ ઐયૂબ બંગાળી સાહિત્યના વરિષ્ઠ વિવેચક અને રવીન્દ્રવિદ્ તરીકે પંકાયા. એક કિશોરના અંતરને વલોવનાર એ અનુવાદ ઉર્દૂ જેવી બીજી જબાનમાં આવેલો, છતાં કેવો દ્રાવક હશે!  એ જ ‘ગીતાંજલિ’નો ફ્રેન્ચ અનુવાદ 
કવિ આન્દ્રે જીદે એવો પ્રભાવક કર્યો કે પૃથ્વીના પેલા સીમાડે વસનાર નારી વિક્તોરીઆ ઓકામ્પોએ તેનું પઠન આંસુભરી આંખે કરેલું. અને રવીન્દ્રનાથે પોતે કબીરની વાણીને સીધી ખડી બોલીમાંથી અંગ્રેજીમાં નહોતી ઉતારી; એમણે ક્ષિતિમોહન સેન પાસે બંગાળીમાં અનુવાદ કરાવ્યા અને પછી તેના પરથી કબીરને અંગ્રેજી અવતાર આપ્યો.  હજુ પાંચ-છ દાયકા પહેલાં એક અનુવાદ-ઘટના બની એ તો આપણા સાહિત્યનું મોટું સંભારણું ગણાય. આપણે જેને અંગ્રેજી નામ ‘વૉર એન્ડ પીસ’થી ઓળખીએ છીએ એ તૉલ્સ્તૉયની રશિયન નવલકથા ‘વોયના ઇ મીર’નો અનુવાદ જયંતિ દલાલે આપ્યો એ અંગ્રેજી મારફત આવ્યો. વિશેષ નામો સિવાય કોઇ અંશ આપણને ભાષા-બદલનો અંદેશો ન આપે એવો એ અનુવાદ. તૉલ્સ્તૉયની એ કીર્તિદા પર તો દસ અંગ્રેજી અનુવાદકોએ લેખિની અજમાવેલી. જે બે જાણીતા અનુવાદો જયંતિ દલાલને મળ્યા એ બેઉના ફકરે ફકરાને સરખાવીને – સંયોજીને જે અનુવાદ એમણે કર્યો એ મૂળ રશિયનનું ઓજસ સંકોરે છે કે નહીં એ તો આપણે નાણી શકીએ તેમ નથી, પણ સાહિત્ય-આસ્વાદનનાં ઊંચાં ધોરણોની અદબ કરે છે એ તો આપણે કહી શકીએ તેમ છીએ. લલિત કૃતિના ઉત્તમ અનુવાદની આ કસોટી : એ રસનિષ્પત્તિ સાધે છે કે નહીં? નવી ભાષાભૂમિમાં તેણે મૂળિયાં નાખ્યાં છે કે નહીં? અનુવાદક શબ્દોનાં ચોસલાંની હેરફેર કરનાર દુભાષિયો નથી, તેણે કૃતિને આતમમાં ઓગાળી હોય છે અને શબ્દેશબ્દે ને વાક્યેવાક્યે એ ભાષાકૌશલ, ભાવસમજ અને વિચારનું રસાયણ રેડે છે – અરે, એ પરકૃતિપ્રવેશ કરે છે. પરિણામે જયંતિ દલાલની કલમમાંથી જે નીપજ્યું છે એ નર્યું ભાષાંતર નથી, સર્જનશીલ નવસંસ્કરણ છે, આપણી સાહિત્ય-સંપદાનું રત્ન છે.  અનુવાદ-સમજને ઉપકારક એવી જયંતિ દલાલની પ્રસ્તાવનાનું ફેર-વાચન પણ રસદાયક થાય એવું છે. એમાં એમણે બે અંગ્રેજી અનુવાદોનો આધાર કઇ રીતે સાધ્યો એ સમજાવ્યું છે.

આ સંદર્ભે રસ પડે એવું બીજું દૃષ્ટાંત તે સર્વાન્તેસની કાળ-સન્માનિત સ્પૅનીશ નવલકથા ‘દૉન કિહોતે’. ચારસો વરસ પહેલાં લખાયેલી આ હાસ્યકથાના કેટલાય અંગ્રેજી અનુવાદ થયા, તેમાંના એક પરથી ગુજરાતીમાં ઊતરી આવેલી કૃતિને અનુવાદ નહીં કહીએ; સર્વાન્તેસના જ કુળબંધુ ગણાય એવા ચન્દ્રવદન મહેતા દોન કિહોતેના મુલકની માટી પણ સૂંઘી આવ્યા અને નવલકથાનું સોળે કળાએ ગુજરાતી નવસંસ્કરણ કર્યું, તેને તાજગીભર્યો ભાષાકલાપ આપ્યો. તેના એકાદ અંશને અંગ્રેજી અનુવાદ સાથે સરખાવવામાં રસ પડશે તેમ માનીને અહીં એવા નમૂના મૂક્યા છે :

[અંગ્રેજી અનુવાદ : જ્હૉન ઓર્મ્સબી. 1885]

[અનુવાદ : ચન્દ્રવદન મહેતા. 1964]

        

ચન્દ્રવદન મહેતાએ મૂળને ‘વફાદાર’ રહીને શબ્દોને અનુસરીને અનુવાદ કર્યો હોત તેના કરતાં આ સર્જનશીલ ભાષા-બદલમાં મૂળનાં અર્થબોધ અને વાતાવરણ સચવાતાં નથી? અને ગુજરાતી વાચકને ક્યાંક પોતાની ભાષાની અભિવ્યક્તિ-ક્ષમતાનો લાભ મળતો હોય તો એ સર્વાન્તેસના ઇરાદાની વાત બનતી નથી? 
અહીં જોઇ શકાય કે કહેવાતી ‘વફાદારી’ને ઘડીભર એક બાજુ મૂકીને મૂળ કૃતિના મિજાજને આ અનુવાદે 
આબાદ જાળવ્યો છે.

‘દોન કિહોતે’ના આ જ અંશના અનુવાદનો ત્રીજો એક નમૂનો પણ જોવામાં, અલબત્ત જુદા કારણસર, 
રસ પડશે. જેનું પ્રકાશન ઊતરતી 19મી સદીમાં થયું હશે, કોઇ અનામી પારસી લેખકે અનુવાદ કર્યો હશે એવું માત્ર અનુમાન જ શક્ય છે એવી આવૃત્તિમાંથી એ મેળવ્યો છે :

આ રીતે ત્રીજી ભાષા મારફત ઊતરી આવેલા ઉત્તમ અનુવાદનાં બીજાં ઉદાહરણો આપણાથી ક્યાં અજાણ્યાં છે? ‘દુખિયારાં’ના અનુવાદક ફ્રેન્ચ ભાષા નહોતા જાણતા, અને ‘તોત્તો-ચાન’ના અનુવાદકને માટે જપાની ભાષા અજાણી હતી; બેઉ અનુવાદો અંગ્રેજી વાટે આવ્યા છે તો પણ તેનું વાચન મૌલિક લેખન જેટલું જ તૃપ્તિકર નથી? ત્રીજી ભાષામાં ઊતરી આવતા અનુવાદો મૂળની સુગંધ ગુમાવી બેસે છે અને તેમનું ભાવન એટલે અંશે ઊણું ઊતરે છે એવા ખ્યાલને નિરપેક્ષ રીતે કેમ ન સ્વીકારી શકાય એ પ્રતીત કરાવતાં આપણાં આ ઉદાહરણો છે.  કહેવાયું છે તેમ એક શીશીમાંથી બીજી શીશીમાં રેડાતા અત્તરની સુગંધ થોડી ઊડી જતી હશે, પણ નવી ફોરમ તેમાં ઉમેરાતી હોવાનાં દૃષ્ટાંતો ય છે. નવી ભાષા-જનની પણ આગંતુક કૃતિને લાડકોડ નહીં ધરતી હોય? અનુવાદક માત્ર મૂળ કૃતિને નવી ભાષામાં ઢાળનાર નથી; એ મૂળ લેખક સાથે સર્જનકર્મમાં જુગલબંદી રચે છે. મૂળ કૃતિને પોતીકી બનાવીને, તેના અંતરંગમાં પ્રવેશ કરીને, પ્રાણ પરોવીને જે અનુવાદ કરે છે એ યજમાન-ભાષામાં પછી 
‘યુદ્ધ અને શાંતિ’ કે ‘દોન કિહોતે’, ‘દુખિયારાં’ કે ‘તોત્તો-ચાન’ નીવડી જાણે છે, નવી ભાષાના સાહિત્યમાં મૌલિક કૃતિઓ જેવાં સમોવડ સ્થાન પામે છે.   

અનુવાદની એક વિશિષ્ટ પદ્ધતિની સમજ પ્રચલિત કરવા જેવી છે. ઓગણીસસો પચાસના દાયકામાં બંગાળી સાહિત્યના એક અખિલ ભારતીય સમુદાય સમક્ષ ફૉર્ડ ફાઉન્ડેશનના એ કાળના પ્રકાશન-નિષ્ણાત આર્થર આઇસનબર્ગે વાત કરેલી કે બહુભાષી સમાજમાં સહિયારા અનુવાદની પદ્ધતિ અપનાવવા જેવી છે : દાખલા તરીકે, ગુજરાતી પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનો હોય તો સ્રોત ભાષાની પૂરી જાણકાર વ્યક્તિ અનુવાદનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરે. પછી એ મુસદ્દો લક્ષ્ય ભાષાના નિષ્ણાત (જે સ્રોત ભાષાના સામાન્ય જાણકાર હોય) હાથ પર લે અને તેનાં ભાષા-શૈલી-રૂઢપ્રયોગને સંમાર્જે, તેને ચળકાટ આપે. છેવટે જે હસ્તપ્રત તૈયાર થાય એ આખરી બને. આઇસનબર્ગે વહેતી મૂકેલી એ રસમ પછી ઘણીવાર ખપમાં લેવાઇ છે. દોઢેક વરસ પહેલાં જ ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ બહાર પડ્યો તેમાં પણ આ પદ્ધતિ અખત્યાર થઇ છે : ત્રણ અનુવાદકો છે : એક દેવવ્રત પાઠક, અને બીજા બે ગુજરાત અને ગુજરાતી ભાષાના વિદેશી અભ્યાસીઓ છે. આ કિસ્સામાં એવું બન્યું છે કે 
પેલા બે અંગ્રેજીભાષી અધ્યાપકોએ દેવવ્રત પાઠકના પહેલા મુસદ્દાને માંજીને તેને વિશેષ વાચનક્ષમ બનાવ્યો છે. મોભાદાર પ્રકાશકોના સંપાદકો હસ્તપ્રતની જે માવજત કરે છે તેનાથી ડગલું આગળ જતી આ પદ્ધતિ થઇ.

બીજી વાત છે સંપાદિત અનુવાદની. મૂળ કૃતિ લખાયાને કાળ વીત્યો હોય, એ વિષયમાં નવું ખેડાણ થયું હોય એ બધું રજોટી-સમેટીને સોઇ-ઝાટકીને મૂળ વાચના સાથે જોડીને મુકાયું હોય, વાચન-સહાયક સંપાદકીય સામગ્રી (‘એડીટોરીઅલ એપરેટસ’) તેમાં ઉમેરાઇ હોય એવાં ઉદાહરણોમાં આપણને રસ પડે. બે નમૂના અહીં તત્કાલ સાંભરે. એક, ‘ગાંધીજીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધી’ એ ચંદુલાલ ભગુભાઇ દલાલનું પુસ્તક. ત્રિદીપ સુહૃદે એ જીવનકથાનો અંગ્રેજીમાં માત્ર અનુવાદ ન કર્યો પણ પછીથી પ્રકાશમાં આવેલાં પાંચ પૂરક લખાણો ઉમેર્યાં, બાર તો પરિશિષ્ટો જોડ્યાં અને પરિણામે મૂળ કરતાં અઢીગણું મોટું અને વિશાળ પરિપ્રેક્ષ્યવાળું જીવનચરિત્ર આપણને મળ્યું. અનુવાદ અને સંપાદનના કૌશલનું સરસ સંયોજન રચાયું. સાહિત્ય અકાદમીએ તેને વરસની શ્રેષ્ઠ અનુવાદકૃતિ ઠરાવી. આપણા ગૌરવગ્રંથ ‘સત્યના પ્રયોગો’નો અંગ્રેજીમાં નવેસર આ રીતે અનુવાદ થાય, અને તેને પણ કોઇ સંપાદનપ્રતિભાનો લાભ મળે એવી આશાભરી કલ્પના કરવાનું આ ટાણું છે.

બીજું ઉદાહરણ તે વિનોદ મેઘાણીએ કરેલો ‘મહાદેવભાઇની ડાયરી’ના બાવીસમા ભાગનો અંગ્રેજી અનુવાદ. 
ડાયરીમાં આવતા અપરંપાર નામોલ્લેખો અને ઘટના-સંદર્ભો વિશેની વિપુલ વિગતો શોધી-વીણીને અહીં સામેલ કરીને અનુવાદકે વાચક માટે એક મિત્રકર્મ કર્યું છે. વિનોદભાઇના બીજા અનુવાદોમાં અગાઉ થયેલો સંપાદન-ઉદ્યમ અહીં વિકસિત થયેલો જોવા મળશે.

અહીં રજૂ કરેલાં ઉદાહરણોમાં અનુવાદકની નિષ્ઠા અને તન્મયતા તેને પરકૃતિપ્રવેશ સુધી લઇ જાય છે.
અનુવાદને સર્જંનશીલ નવસંસ્કરણનું ગૌરવ આપતા આ પ્રયાસો અનુવાદ અને સંપાદનના માપદંડોને અધિક ઊંચે 
લઇ જવા પ્રેરે તેવા છે.                                                                                      

[‘પ્રત્યક્ષ’ આયોજિત અનુવાદ-વિચાર પરિચર્ચામાં રજૂ કરેલું, થોડું નવેસર.  વડોદરા, 6 જાન્યુઆરી 2013]

e.mail : jayantmeghani@gmail.com

Category :- Opinion Online / Literature

ઉત્તરાખંડમાં તા. 16 જૂન, 2013ના રોજ આવેલા વિનાશકારી પૂરે મોટા પાયે સ્થાનિક અને પર્યટકોના જીવનને તહસનહસ કર્યું. દેશભરમાંથી યાત્રિકો અને અન્ય પ્રવાસીઓ કેદારનાથ અને તેની આસપાસના મોટા વિસ્તારમાં ધાર્મિક આશયે કે સહેલગાહે હતા ત્યારે જ વરસાદ અને નદીઓનાં તાંડવે જાણે પ્રલય સર્જયો. ચારધામની યાત્રા સદીઓથી ભારતના હિંદુઓમાં આધ્યાત્મિક અને આસ્થાનું પ્રતીક છે. તેનું ઐતિહાસિક મહત્ત્વ માત્ર ધર્મસ્થાનોને કારણે જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃિતની અનેક ચડતી-પડતીઓના સ્થાનક સ્વરૂપે પણ છે. ભારતમાં ધાર્મિક સ્થાનના ઇતિહાસ અંગે વિરોધાભાસી મંતવ્યો સ્વાભાવિક છે. અંધશ્રદ્ધા અને કટ્ટરવાદ પણ તેમાં મિશ્રિત છે. ઉત્તરાખંડનાં દુ:ખ અને યાતના તમામ ભારતવાસીઓએ અનેક રીતે વહેંચવાનું શરૂ કર્યું છે અને તેનાં માનવીય પરિણામો આવી રહ્યાં છે. આ કુદરતનો કહેર માત્ર છે કે તેમાં આપણા સ્વાર્થી ઉદ્દેશનો અને વર્તનનો પણ હાથ છે એ અંગેની ચર્ચા વ્યાપક બની છે. પર્યાવરણ સાથેની આપણી નકારાત્મક દરમિયાનગીરી અને પર્યટનને ધંધાકીય વાઘા પહેરાવી તેના વ્યાપારીકરણે પણ બળતામાં ઘી હોમ્યું છે તે પણ વિવાદનો મુદ્દો બન્યો છે. આ વાતાવરણમાં કાકાસાહેબ કાલેલકરનો ‘હિમાલયનો પ્રવાસ’ યાદ આવી ગયો. શાળામાં વિદ્યાર્થી તરીકે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં તેનો પ્રથમ પરિચય અને ત્યારબાદ કૉલેજકાળ દરમિયાન પુસ્તકનું વાંચન. આ પૃષ્ઠભૂમિમાં વર્તમાનમાં કાકાસાહેબના લખાણોનો સંદર્ભ કેવો છે તે તપાસી જવા પુસ્તક પુન:વાંચી કાઢયું. વાંચતા એ સમજાયું કે કુદરતી હોનારતથી ગ્રસ્ત અહીંના ઉત્તરાખંડને એક સદી પૂર્વેના હિમાલય પ્રવાસથી સમજી તો શકાય. કાકાસાહેબની દાયકાઓ પૂર્વેની આ યાત્રામાં સ્વામી આનંદ અને અનંત બુવા પણ સહપ્રવાસીઓ હતા એ આપણે જાણીએ છીએ. વર્ષ 1924માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિ બાદની છેલ્લી આવૃત્તિ જુલાઈ 2012માં નવજીવને પ્રકાશિત કરી. આ આવૃત્તિના શરૂઆતનાં પૃષ્ઠોમાં ‘ઉત્તરાખંડની યાત્રા’ એ મથાળા હેઠળના નકશાને જોતાં જ વર્તમાન અને ઇતિહાસ બંને એક સાથે નજર સમક્ષ ખડાં થઈ ગયાં.

પિતૃઋણમાંથી મુક્ત થવા માટે દેશભરમાંથી યાત્રાધામોમાં લાખો શ્રદ્ધાળુઓ ઊતરતા હોય છે. એક સદી પૂર્વે કાકાસાહેબનો એક હેતુ પિતૃઋણ અંગેનો પણ હતો. તેઓ લખે છે, ‘1912ની શરૂઆતમાં મેં ઘર છોડ્યું. વડોદરા છોડી પ્રયાગનો એટલે કે અલ્હાબાદનો રસ્તો જે દિવસે મેં લીધો એ દિવસ અખાત્રીજનો હતો એવું સ્મરણ છે. પ્રયાગ, કાશી અને ગયા આ ત્રણ તીર્થોની યાત્રાને ત્રિસ્થલી યાત્રા કહે છે. એ પૂરી કરી મારે પિતૃઋણમાંથી મુક્ત થવું હતું.’

કાકાસાહેબનો પિતૃઋણ હેતુ ભલે એક સામાન્ય હિંદુનો હતો પરંતુ તેને સમાંતર યાત્રા દરમિયાનના તેઓનાં અનેકવિધ અવલોકનો ‘પિતૃઋણ’ને તો પ્રતીક સમાન બનાવી દે છે. પરંપરાવાદી હિંદુ ધર્મ, પૂજારીઓ અને પંડાઓની સ્વાર્થવૃત્તિ તેમ જ કુદરત-માનવ સંબંધો એવાં અનેક પાસાં આ પ્રવાસ વર્ણનોમાં વ્યક્ત થાય છે. જે આજે તો ભૂતકાળ કરતાં પણ વ્યાપક અને અનિવાર્ય સંદર્ભ ધરાવે છે. એક હળવી વાતથી તેઓનાં નિરીક્ષણોને સમજીએ. ‘જેમ આજકાલ દિલ્હીના રાજપુરુષો ઉનાળામાં સિમલા જાય છે તેમ શિયાળાના દિવસોમાં કેદારનાથ પ્રભુ નીચે ઊતરી ઉખીમઠ આવે છે. શિયાળામાં કેદારનાથની આખી ખીણ બરફથી ઢંકાઈ જાય છે. ઉનાળો આવે એટલે પૂજારીઓ પાવડા કોદાળીઓ લઈને ઉખીમઠથી કેદાર જાય છે અને ત્યાં બરફ તોડીને રસ્તો સાફ કરી દે છે. પૂજારીઓ કહે છે કે, શિયાળાની શરૂઆતમાં મંદિર બંધ કરતી વખતે અંદર જે દીવો તેઓ બળતો રાખી આવે છે તે જ ઉનાળા સુધી ટકે છે ! આવી આવી વાતો સાચી નહીં માનીએ તો એ કહ્યા વગર રહેવાની નથી. માણસને શું શું પ્રિય છે, એની કલ્પનાઓ ક્યાં ક્યાં દોડે છે, એ જાણવા પૂરતો જ આનો ઉપયોગ હોય છે. ઘણી વાર આવી કલ્પનાઓમાં જ આગળ જતાં થયેલી મોટી મોટી શોધોની જડ હોય છે. એટલે માણસની મુરાદ તરીકે આવી માન્યાતાઓનો લોપ ન જ થવા દેવો જોઈએ.’

લોકમાન્યતાઓ અને શોધખોળો વચ્ચેના સંબંધ સમજાવતા લેખક એ તરફ પણ સૌનું ધ્યાન દોરે છે કે કુદરત પરના માનવીય નિયંત્રણ કે દખલગીરી કેવું ભવિષ્ય ઘડશે. આજે બદ્રીનારાયણથી કેદારનાથ જવા માટે એક દિવસ પૂરતો છે કારણ કે રસ્તાઓ અને બીજી સુવિધા યાત્રીઓ માટે ઉપકારક છે. પરંતુ કાકાસાહેબની પગપાળા હિમાલય યાત્રા સહેલી ન હતી. તેઓ દર્શાવે છે, ‘કેદાર બદરી વચ્ચે કેવળ એક જ મોટો પહાડ પડેલો છે. પહાડ ઓળંગવાની સગવડ હોય તો પાંચ માઈલ જેટલું અંતર નથી. પણ એ ઊંચો પહાડ ઓળંગવો જ મુશ્કેલ છે. એ અખંડ બરફથી ઢંકાયેલો હોય છે. પરિણામે લોકોને આવેલે રસ્તે પાછા જઈ, ખોટું ચક્કર લઈ, અનેક ડુંગરા ટાળી, નવ દિનની મુસાફરી અને બદરીનારાયણ પહોંચવું પડે છે. એ ઉપરથી યાત્રીઓમાં કહેવત પડી છે, ‘નવદિન ચલે ઢાઈ કોસ.’ દંતકથા કહે છે કે પ્રાચીન કાળમાં એ પહાડ વચમાં ન હતો. આ વાત ગમે તેટલી રસિક હોય તો ય માનવા જેવી નથી. દંતકથાઓ પાછળ કોઈક વાર ઐતિહાસિક તત્ત્વ હોય છે જ્યારે કોક વાર કેવળ લોકમાનસની કાવ્યકલ્પના જ હોય છે.’

‘નવ દિન ચલે ઢાઈ કોસ’ની એ સમયની વાસ્તવિકતા સંદર્ભે લેખકને એમાંથી કેવો રસ્તો કાઢ્યો એ તરફ વિચારતા કરે છે. કુદરત સાથે સતત દોસ્તી કરતો માનવી અને તેને નાથવા મથતા આધુનિક માનવીની તુલના કરીને તેઓ ભારતના ભાવિમાં પર્યાવરણના કેવા પ્રશ્નો સર્જાશે તેની આગમચેતી કે આગાહી કરે છે : ‘આ ઢાઈ કોસની વાત સાંભળ્યા પછી મનમાં થાય છે, આધુનિક માણસને અહીં નવ દિવસનું ચક્કર રાખવાને માટે ખંડાલા ઘાટના જેવાં સુરંગ બોગદાંઓ પાડવાનું જ સૂઝે. ઇટાલી કે સ્વિટઝર્લેન્ડમાં આવાં બોગદાંઓ પાડેલાં છે એમ કહેવાય છે. બોગદાનો રસ્તો કર્યો એટલે વીજળીના દીવા આવવા જ જોઈએ. વીજળી પાછળ હોટલ પણ આવે અને એની સામે ધર્મ વિરોધી એવી અસંખ્ય વાતો આવે. કાશ્મીરનું તો એમ જ થવા બેઠું છે. એક હિમાલય પણ આપણે આધુનિકતાના હુમલામાંથી બચાવી નહીં શકીએ?’ આ છેલ્લું વિધાન અને તેની સાથે તે સમયની કાશ્મીરની વાસ્તવિકતા આગળ ધરી કાકાસાહેબ અંતે તો ગાંધીવિચાર અને આચારને વ્યકત કરે છે. હિમાલયને આધુનિકતા હુમલામાંથી બચાવવો એ ‘કાલેલકર દૃષ્ટિ’ એક સો વર્ષો સુધી ‘વિકાસ’ની વ્યાખ્યા કરનારાઓ અને વિકાસના પ્રમાણભાન વિનાના ગાણાં ગાનારાઓ સામે હિમાલય જેવું કદ રાખીને આજે અડીખમ છે. પર્યાવરણને બચાવનારાઓ અને તેનું સમર્થન કરનારાઓનાં ભારતીય રંગ પાછળ આખરે તો ગાંધીદર્શનની જ પ્રેરણા છે ને! સદીઓથી અનેક ધામોની યાત્રા કરી પવિત્રતા અને આધ્યાત્મિકતા ઓઢીને ફરતા ભારતીયો અને તેમાં પણ હિંદુઓએ યાત્રાધામોની અંધશ્રદ્ધા અને સ્વાર્થવૃત્તિ સામે ભાગ્યે જ અવાજ ઉઠાવ્યો છે. તેને પરિણામે વહેમોની પરંપરા અસ્ખલિત જનમાનસમાં રૂઢ થતી ગઈ છે. કાકાસાહેબના આ અંગેનાં નિરીક્ષણો માત્ર સદી પૂર્વેનાં નથી. પરંતુ ધર્મ કેવી રીતે જડતા સ્થાપિત કરે છે તેનાં અનેક પ્રતીકો છે. તેમના જ શબ્દોમાં, ‘ઉખીમઠમાં મોટું બજાર છે. યાદ નથી શા કારણે, અમે અહીં ચાર કે આઠ આના આપીને નાળિયેર ખરીદ્યું હતું. અહીં બજારમાં કેટલાંક નાળિયેર દુકાનમાંથી મંદિરમાં અને મંદિરમાંથી દુકાનમાં એવી અખંડ મુસાફરી કરે છે. બજારમાં નાણાંની આવી જ યાત્રા રાખવા માટે જેમ કાગળની નોટ ચલાવવામાં આવે છે તેમ અહીં મંદિરમાં પણ કાગળનાં નાળિયેરો ... હોય તો ખોટું શું? નાળિયેરની પેઠે એ અંદરથી સડી તો નહીં જાય.’

યાત્રાધામોમાં તમામ પ્રકારની સગવડ મળે એ માટે હવે તો અનેક વિકલ્પો છે. પરંતુ ભૂતકાળમાં તો પંડાઓની સંસ્થા એવી વિકસી હતી કે યાત્રાળુઓને ’પેકેજ’ પૂરાં પાડે. પંડાઓનું ચિત્રણ કરતાં કાકાસાહેબ આલેખે છે, ‘વિલાયતમાં દરેક મોટા શહેરમાં હોટલો હોય છે, ‘હાઉસ-એજન્ટસ હોય છે. ટોમસ કૂક જેવી કંપનીઓ હોય છે, દરેક બંદર પર ‘શિપિંગ-એજન્ટસ’ મળે છે. આપણા આ પંડાઓ એ જ સમ આપણા જીવનને અનુરૂપ એવી ઢબે નથી કરતા? પંડાને કાગળ લખો એટલે એ તમને સ્ટેશન પર લેવા આવે. ઘેર લઈ જઈને રહેવાની સગવડ કરી આપે, જોવા જેવાં મંદિરો અને સ્થળો બતાવે, એ બધાંનું માહાત્મ્ય પણ કહે. તમારી જોડે બજારમાં પણ આવે અને એ બધાંને માટે લે શું? તમે જે આપો તે. દુનિયામાં આટલી સોંઘી અને સાદી વ્યવસ્થા બીજે ક્યાં ય નહીં હોય.’

પંડાઓની સેવાને અનિવાર્ય અને મહત્ત્વની ગણતા કાકાસાહેબ માર્મિક રીતે દર્શાવે છે : ‘ત્યારે આ પંડાઓનો આપણને ત્રાસ શા માટે વછૂટે છે? એનું કારણ એટલું જ કે, આ પંડાઓને પોતે ગોર અથવા પુરોહિત મટીને ‘હાઉસ એજન્ટ’ અથવા ‘હોટલ-કીપર’ બની ગયા છે એનું પૂરતું ભાન નથી. પંડાઓ તો સાચું જોતાં યાત્રાળુઓના ગુરુ કહેવાય. પોતાની ભલમનસાઈ અને આતિથ્યધર્મને અનુસરીને પોતાના યજમાનની રહેવા કરવાની જ સગવડ એમણે શરૂઆતમાં કરી હશે. પછી ધનવાન યાત્રાળુઓને જોઇને બ્રાહ્મણનું હૃદય લોભથી વીંધાયું હશે. બ્રાહ્મણો કહે છે કે પંડાઓનો લોભ એ સીતાજીનો શ્રાપ છે. ધન્ય છે આ બ્રાહ્મણોને કે જે પોતાના ખરાબમાં ખરાબ દોષોને માટે પણ વ્યાસ કે શૌનક ઋષિને નામે પૌરાણિક આધાર ઉપજાવી શકે છે!’

ગયાના પ્રવાસ દરમિયાન પણ કાકાસાહેબે ધાર્મિક વિધિ કરાવનારાઓની નાણાભૂખને નિહાળી અને તેનું વર્ણન કરતા તેઓ લખે છે, ‘ડગલે ને પગલે દક્ષિણા વિષે લડતા અને ગરીબ અજ્ઞાન યાત્રાળુઓ જો માગેલી દક્ષિણા ના આપે તો તેમનાં મરી ગયેલાં સગાવહાલાંને ગાળો દેતા ગયાવળોને જોઈ હિંદુ ધર્મ વિષે કોઈ નિરાશ થાય તો તેનો ઝાઝો વાંક ન કાઢી શકાય.’ ગંગામાં પ્રદૂષણના મુદ્દે તો કર્મશીલથી માંડી ત્યાંના સાધુબાબા પણ લડતે ચઢ્યા છે. પવિત્ર ગંગાને ચોખ્ખી કરવાના પ્લાન પણ સરકારે અમલમાં મૂક્યા છે એવા સમયે એ જાણીને આશ્ચર્ય નથી થતું કે દાયકાઓ પૂર્વે કાકા કાલેલકર પણ ગંગાની ગંદકી જોઈ નિરાશ થયા હતા. ‘અમરપુરી વારાણસી’ના પ્રકરણમાં તેઓ કહે છે, ‘... અને તીર્થમાં પાંચ ફૂટ પહોળો અને પચીસ ત્રીસ ફૂટ લાંબો એક ખાડો. પાણીનો રંગ અમે જોઈ શક્યા નહીં, કારણ પાણી પર આ કુંડમાં રોજ નાહનાર હજારો યાત્રાળુઓના પરસેવાનો જાડો થર જામ્યો હતો. છતાં અમારી નજર આગળ સેંકડો યાત્રાળુઓ મરણ પછીનું નરક ટાળવા માટે એમાં હોંશે હોંશે ડૂબકી મારતા હતા. મને થયું કે ઈશ્વર શરમનો માર્યો આ લોકોને નરકવાસમાંથી માફી આપતો હશે, કેમ કે આ કુંડમાં સ્નાન કરનારને સૂગ ચડે એવો કુંડ નરકમાં પણ ઈશ્વર ક્યાંથી લાવે?’

ભારતમાં જનસામાન્યને આજે પણ શૌચાલય સુવિધા ઉપલબ્ધ નથી એ તો જગજાહેર છે. શૌચાલયની સુવિધાનો મુદ્દો આજે તો અગ્રતાક્રમ માંગે છે, પરંતુ કાકસાહેબના પ્રવાસમાં પણ એ સમયે આ સુવિધાના અને તેના પ્રશ્નો અંગેની ગંભીરતા છતી થાય છે. કાકાસાહેબ લખે છે, ‘આપણાં કાવ્યોમાં, પુરાણોમાં અથવા આજકાલની નવલકથાઓમાં શૌચવિધિનો ઉલ્લેખ કોઈ ઠેકાણે આવતો જ નથી. સ્મૃિતવચનો બહાર જાણે એ વસ્તુને સ્થાન જ નથી. આ ધર્મશાળાની આસપાસ પણ એ આવશ્યક વિધિ માટે કોઈ ખાસ જગા કે સગવડ હતી નહીં. બાકીની બધી સગવડો જોઇએ તે કરતાં વધારે, પણ આ કુદરતી હાજત તો કુદરત પર જ છોડી દીધેલી! એટલે મેં મનમાં વિચાર કર્યો, હું જો સંન્યાસી થાઉં અને મારા આશીર્વાદથી જો કોઈ નિરાશ વેપારી કરોડપતિ થાય તો એને પુણ્યના માર્ગ તરીકે હું એમ જ સૂચવું કે, એક નવી ધર્મશાળા ન બાંધતો, જ્યાં જ્યાં ધર્મશાળાઓ હોય ત્યાં ત્યાં શૌચવિધિ માટે આદર્શ સ્થાનો બાંધજે. આમ કરવાથી તું તો સ્વર્ગે જઈશ જ, પણ આ દેશના લાખો યાત્રાળુઓને સવારના નરકમાંથી બચાવીશ.’

ચારધામની યાત્રાનું આકર્ષણ તો ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં વસતા હિંદુઓને અને બિનહિંદુઓને પણ છે. તેને કારણે આ તીર્થધામોમાં આખું ભારત હોય એવું પળે પળે સમજાય. તાજેતરમાં ઉત્તરાખંડની તારાજીમાં મૃત્યુ પામેલા, ખોવાઈ ગયેલા કે ઘેર પાછા ફરનારાઓમાં દેશના ખૂણેખૂણેથી આવેલાઓનો સમાવેશ થાય છે. આ ભાતીગળ સંસ્કૃિત એક સદી પૂર્વે પણ કાકાસાહેબે જોયેલી. તેઓ દર્શાવે છે, ‘મારે પ્રયાગરાજ ઉપર પિતાશ્રીનાં ફૂલ (અસ્થિ) ત્રિવેણી સંગમમાં પધરાવવા હતા. તે કામ પૂરું કરી શ્રાદ્ધ કર્યું. નદીને કિનારે મૂછ કપાયેલા લોકો ઘણા જોવામાં આવતા હોવાથી ઉત્તર હિંદુસ્તાનમાં પણ મદ્રાસીઓએ એક પાણું નાખ્યું હોય તેમ જણાતું હતું. સાધારણ રીતે આપણે સિંધીઓને જોઇએ છીએ ત્યારે અડધા અંગ્રેજ ને અડધા પારસી જેવા દેખાય છે. માત્ર તીર્થક્ષેત્રમાં અત્યંત ભાવિકતા બતાવનાર અને ભક્તિથી ગળગળા થનાર યાત્રાળુઓમાં સિંધનો નંબર પહેલો આવે. મહારાષ્ટ્રીઓ થોડા વખતમાં અને થોડે ખરચે વધારે કેટલું જોવાય અને કેટલા પુણ્યનો સંચય થાય એ તરફ જ નજર રાખનારા હોય છે. ગુજરાતીઓ હંમેશાં ખાવાપીવાની સગવડની શોધમાં ફરતા દેખાય છે અને બંગાળીઓ પોતાનો ભક્તિનો ઊભરો આખી દુનિયામાં નજરે બરાબર પડે એ વિષે વધારે ઈંતેજાર દેખાય છે. લેખકનું ભિન્ન ભિન્ન પ્રાંતના લોકોનું આ વર્ણન ઘણે અંશે આજે પણ સાચું લાગે છે, અને એવું સમજાય છે કે પેઢી દર પેઢી ભારત જેવા વિશાળ દેશમાં ભિન્ન ભિન્ન સંસ્કૃિતઓ લોકવર્તનોમાં કેવી સચવાઈ છે.

યાત્રાધામોમાં મૂર્તિઓનું કદ, દેખાવ અને રૂપ વર્ષોથી લોકમાનસમાં શ્રદ્ધા અને ભક્તિભાવ જગાડે છે. પરંતુ આ મૂર્તિ કેવી રીતે બની અને તે પણ હિમાલયના યાત્રાધામોમાં એ અંગે પણ કાકાસાહેબ નોંધે છે. ‘અમે કેદારનાથના મંદિરમાં ગયા ત્યાં શંખનાદની સેર ઊડતી સાંભળી ચિત્તવૃત્તિ એકદમ ઉત્તેજિત થઈ. બીજે દિવસે સવારે અમે જોયું કે, અહીંની મૂર્તિ તો કેવળ એક મોટો ખરબચડો પાષાણ જ છે. જમાનાઓ થયા યાત્રાળુઓની અખંડ ધારાએ પોતાના સ્નેહથી એ પાષાણને લીસો કરી મૂક્યો છે એ વાત જુદી. જે આવે તે શિવલિંગ ઉપર પોતાનો દેહ ટેકવી છાતી સરસું એને ચાંપે છે .... ભારતવર્ષના ઇતિહાસ ને પુરાણોમાં જેટલા પુરુષો પ્રખ્યાત છે એમાંથી કેટલાક આ જ સ્થાને આવી આ શિવલિંગને આલિંગન દઈ ધન્ય થયા હશે.’
અત્રે રજૂ કરેલા કાકાસાહેબના હિમાલય પ્રવાસ વર્ણનના કેટલાક અંશો એક તરફ ઉત્તરાખંડના યાત્રાધામોનો નાનકડો ઇતિહાસ છે તો બીજી તરફ કુદરત-માનવ સંબંધો અંગેના કાકાસાહેબના વિચારો અને તેનો વર્તમાન સંદર્ભ પણ સ્પષ્ટ કરે છે.    

(સદ્દભાવ : “નિરીક્ષક”, 1 અૉગસ્ટ 2013)

Category :- Opinion Online / Literature