LITERATURE

જાપાની સંસ્કૃિતમાં કવિતા માત્ર શિક્ષિત કે અભિજાત વર્ગના મનોવિનોદનો વિષય નથી, બલકે જનસામાન્ય વચ્ચે પણ એ જીવંત છે. જાપાની ભાષાના અનેક પ્રચલિત પ્રયોગો તેના પ્રાચીન કાવ્યોમાંથી યથાતથ ઊતરી આવ્યા છે. જાપાનની ‘પાર્ટી’ઓ આજે પણ પ્રાચીન કે સ્વરચિત કાવ્યોનાં પઠન વગર અધૂરી ગણાય છે. સમાજના તમામ સ્તરના, તમામ વ્યવસાયના લોકો ત્યાં નિ:સંકોચ કાવ્યસર્જન કરે છે. ઉમાશંકર જોષીના ‘ઇસામુ શિદા અને અન્ય’ પુસ્તકમાં એમણે આ વિશેનો પોતાનો નાનકડો અનુભવ સુંદર રીતે વર્ણવ્યો છે. પ્રવાસમાં એશિયા છોડીને યુરોપમાં પ્રવેશવાનું થાય, ત્યારે ઇસામુ શિદાની પુત્રી એ વિશે એક હાઇકુ લખીને ભેટ આપે છે. ઉમાશંકર આ વાત નોંધીને કહે છે કે ‘એ ક્યાં કવિ હતી?’ કવિના આ વાક્યમાં ટીકાનો ભાવ નથી.

રોજિંદા જીવનના નગણ્ય વિષયોને જાપાની કવિતામાં હેય કે વર્જ્ય માનવામાં આવ્યા નથી.  ઉલટાનું આપણે સામાન્ય રીતે જેને તુચ્છ ગણીને નજરઅંદાજ કરતાં હોઇએ છીએ એવી બાબતોમાં; જેના સાક્ષી બન્યા બાદ સદ્ય વિસરાઈ પણ જતી હોય એવી સામાન્ય નાનકડી ઘટનાઓમાં રહેલા સૌંદર્યને જાપાનનાં કાવ્યો ઇંગિત કરી આપે છે. ‘તરણા ઓથે ડુંગર રે’, એમ એ એક સૌંદર્યકણની પાછળ અન્ય ઘણું તિરોહિત હોય છે; જેને પામવાની ક્ષમતાનો આધાર ભાવકની સજ્જતા અને સંવેદનશીલતા પર છે.

Impatiently
She combs
Her tangled hair.

(Boncho)

ગૂંચવાયેલા કેશને પોતાના
ઓળે એ અધીરાઈથી.

(બોંચો)

‘એ’. એના કેશ કેવા છે? કેમ ગૂંચવાયા છે? એની અધીરાઈનું કારણ શું છે? વિચારો ...

All in tatters,
Last years’s sleeping mats
Dirty and Frayed.

(Boncho)

મેલીઘેલી
સાવ તૂટેલી
ગયા વર્ષની ચટાઈ.

(બોંચો)

A heavy cart rumbles,
And from the grass
Flutters a butterfly.

(Shoha)

ઠસોઠસ ગાડું નીકળ્યે
ઘાસમાંથી ઊડે
એક પતંગિયું.

(શોહા)

અહીં એક સહજ સ્વાભાવિક નગણ્ય દૃશ્યને શબ્દો વડે ચિત્રાંકિત કરવામાં આવ્યું છે એ તો ખરું; પણ ભારથી લદાયેલા ગાડા અને હવા જેટલા હળવા પતંગિયાની વચ્ચેના વિરોધભાસનો આસ્વાદ પણ લેવા જેવો છે. એ સિવાય આ કાવ્યને જો પ્રતીકાત્મક માનીએ તો વળી અર્થઘટનનો એક અન્ય જ આયામ પ્રગટે છે. ‘જ્ઞાનગુમાનની ગાંસડી’ના ભારે લદાઈને ફરતા વિદ્વત્જન અને કશા જ ભાર વગર, નિરુદ્દેશે મુગ્ધ ભ્રમણ કરતી કોઈ અલગારી વ્યક્તિની વાત પણ અહીં અન્યોક્તિ તરીકે રજૂ કરાઈ હોય તે પ્રકારે પણ ઇચ્છો તો આ હાઇકુને માણી શકો ... સુજ્ઞેષુ કિં બહુના!

The radish-picker
With his radish
Points the way.

(Issa)

મૂળા ખેંચનારો

 મૂળા વતી જ

ચીંધી દે રસ્તો.

 

(ઇસ્સા)

 

આ પણ એક હૃદયંગમ, ચિત્રાત્મક છતાં નગણ્ય દૃશ્ય છે. અને છતાં ઇચ્છો તો તેમાં આખી ઝેન વિચારધારા પણ વાંચી શકો. સરળ રૂપ અને સીમિત શબ્દસંખ્યા છતાં, જાપાનના હાઇકુ, તાન્કા કે સેનર્_યુ જેવા લઘુ કાવ્યપ્રકારોમાં અર્થચ્છાયાઓ માટે ઘણો અવકાશ રહેલો છે. અગાઉ કહ્યું તેમ જ, તેને પામવાનો આધાર વાંચનારની સજ્જતા અને  સંવેદનશીલતા પર રહેલો છે.

 

જાપાની કવિતાનો મુખ્ય પ્રેરણાસ્રોત નિસર્ગ છે. જાપાની કાવ્યચેતનાને સહસ્રાબ્દિ જેટલા સમયથી જે વિષયો પ્રિય લાગ્યા કર્યા છે તેના પર અછડતો દૃષ્ટિપાત કરીએ તો આ વાત વધુ સ્પષ્ટ થશે. આભમાં ઊડતા જંગલી હંસ, વસંતના આગમન છતાં અરણ્યમાં ક્યાંક ક્યાંક બચી રહેલો બરફ, જેના આગમનનાં વધામણાં માટે જાપાનમાં ખાસ તહેવાર ઉજવાય છે તે ‘સાકુરા’ એટલે કે ચેરીનાં પુષ્પોની બહાર, સવારે ખીલી સાંજ આવ્યે આવ્યે તો કરમાઈ જતાં ‘મૉર્નિંગ ગ્લોરી’નાં ફૂલ, ઉનાળાની રાત્રિએ ઝબૂકતાં આગિયા, શરદ ઋતુનો પૂર્ણ ચંદ્ર, શિયાળાની હાડ થીજવતી ઠંડી, પાનખર આવ્યે ‘માણિક્યોથી ગ્રથિત સરખાં રમ્ય’ થતાં જાપાની મેપલ વૃક્ષનાં પર્ણો, આકાશ-ધુમ્મસ-વાદળ-પવન, કીટકો ...

Autumn wind:
Everything I see
Is haiku.

(Kyoshi)

પાનખરનો પવન:
હું જે દેખું તે
કાવ્ય.

(ક્યોશી)

Far-off mountain peaks
Reflected in its eyes:
The Dragonfly.

(Issa)

ડ્રેગનફ્લાઈની આંખોમાં
પ્રતિબિંબાય
દૂરનાં પર્વતશિખરો.

(ઇસ્સા)

Oh, this hectic world-
Three whole days unseen,
The cherry blossom! 

(Ryota)           

અરે, આ વ્યસ્ત દુનિયા!
ત્રણ દી’ આખા જતા રહ્યા
ચેરીપુષ્પોને નિહાળ્યા વિના.

(ર્_યોટા)

ચેરીનાં પુષ્પો સામાન્ય રીતે એકાદ અઠવાડિયા સુધી રહેતાં હોય છે. એટલામાંથી પણ પૂરા ત્રણ દિવસ આમ જ વીતી ગયા .. ’દો આરઝૂ મેં કટ ગયે, દો ઇન્તિઝાર મેં’.

આ વિષયોને, અને જાપાની કવિતાના સામાન્ય મિજાજને જોઇએ તો નરસિંહરાવ દિવેટિયાની પેલી પંક્તિ યાદ આવે : ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે ..’ જાપાની કાવ્યચેતનામાં એક પ્રકારનું સૌમ્ય, સંયમિત કારુણ્ય પ્રથમથી જ વહેતું આવ્યું છે. સમયના વ્યતીત થવા સાથે - ઋતુઓના ગમન સાથે - જીવનની ક્ષણભંગુરતા સાથે જોડાયેલ આ અનિવાર્ય કારુણ્ય ઉપરાંત જો કે એકાંતના શાન્ત આનંદોનો પડઘો પણ તેમાં વણાઈ ગયેલો દેખાય છે.  પ્રકૃતિ અને કાલક્ષેપ - આ બે પાંખોના આધારે લાગે છે કે જાપાનની કવિતા ઉડ્ડયન કરે છે.

When a thousand birds
Twitter in spring
All things are renewed:
I alone grow old. 

(Anonymous)

હજાર પંખી ટહુકે
વસંત આવ્યે;
સઘળે નવસંચાર:
થતો વૃદ્ધ હું એકલો.

(અનામી)

As the morning glory
Today appears
My span of life.

(Moritake)

‘મોર્નિંગ ગ્લોરી’નાં ફૂલ જેટલું
લાગે આજે
દીર્ઘ આયખું મારું

(મોરિટાકે)

Summer grasses-
All that remains
Of soldiers’ visions.

(Basho)

ઘાસ:
સૈનિકોની આકાંક્ષાનો
એટલો જ અવશેષ.

(બાશો)

જો કે જાપાની કાવ્યવિષયોમાં વિવિધતા અને સંકુલતા ગેરહાજર નથી. જાપાની સૈનિકોનાં યુદ્ધના મોરચા પર લખાયેલાં કાવ્યોમાં એક પ્રકારનું કઠોર ઔદાસિન્ય દેખાય છે. આ સિવાય હિંસ્રતા, દૈહિક કામના, હાસ્ય અને કટાક્ષ જેવાં તત્ત્વો પણ અહીં ગેરહાજર નથી - ખાસ કરીને આધુનિક જાપાની કાવ્યોમાં. 

As he enters the house,
A whiff of murder-
the quack-doctor.

(Anonymous)

ઊંટવૈદ
ઘરમાં આવે કે તરત
ખૂનની બૂ આવે.

(અનામી)

‘She may have only one eye
But it’s a pretty one,’
Says the go-between.

(Anonymous)

‘એની એક આંખ પણ
છે તો સુંદર જ!’
દૂત કહે છે.

(અનામી)

You never touch
This soft skin
Surging with hot blood.
Are not bored,
Expounding the Way?

(Akiko)

ગરમ રક્તથી છલોછલ
આ રેશમી ત્વચાને
તું ક્યારે ય સ્પર્શતો નથી.
ધર્મોપદેશથી
કંટાળો નથી આવતો?
(અકીકો)

No camellia
Nor plum for me,
No flower that is white.
Peach blossom has a colour
That does not ask my sins.

(Akiko)

કેમિલિયા
કે પ્લમનાં પુષ્પો નહીં મારા માટે:
શ્વેત કોઈ ફૂલ નહીં.
પીચનાં ફૂલનો રંગ
મારાં પાપની પંચાત નથી કરતો.

(અકીકો)

પીચનાં ફૂલ સુંદર ગુલાબી રંગનાં હોય છે.

જાપાની કવિ બહુધા માંડીને વાત કરવાને સ્થાને અંગુલિનિર્દેશ માત્ર કરીને દૃશ્યને તથા દૃશ્યમાં નિવસિત ભાવને વાચકની અંદર ઉઘડવાનો, વિસ્તરવાનો અવકાશ કરી આપે છે. વિગતપ્રચૂર વર્ણનોની ભભકના બદલે વ્યંજનાત્મક પ્રસ્તુિત જાપાની કવિને પ્રિય છે. ઘણું બધું અધ્યાહાર રાખીને જ તે જે કહેવાનું છે તે અભિપ્રેતો વડે કહી દે છે. ‘સમજનેવાલે સમજ ગયે હૈં’ - એવું કંઈક. જાપાની કાવ્યવિદ્યાનું આ કદાચ સૌથી વિશિષ્ટ અને આકર્ષક તત્ત્વ છે. જાપાની ભાષાનું સૌથી વધુ પ્રસિદ્ધ હાઇકુ આ રહસ્યમયતાનું ઉત્તમ ઉદાહરણ છે :

An old pond
A frog jumps in-
Sound of water.

(Basho)

જૂના તળાવડે
મેડક કૂદ્યો:
છપાક્!

(બાશો)

- અને એથી સર્જાયેલા તરંગો હજુ પણ શમ્યા નથી.

(આ લેખ પ્રથમ “અસ્તિત્વદર્શન” સામયિકમાં પ્રકાશિત થયેલ છે. આ સામયિક અને તેના લવાજમ વિશે વધુ માહિતી અહીંથી મેળવો : https://www.facebook.com/profile.php?id=100006658633336)   

સૌજન્ય : http://thismysparklinglife.blogspot.co.uk/2013/12/blog-post.html?spref=fb

Category :- Opinion Online / Literature

જસદણથી ઘેલા સોમનાથ કેટલીએ વાર ચાલતાં જવાનું અને તેની આજુબાજુના જંગલોમાં થાકીએ, ખોવાઈએ અને જડીએ ત્યાં સુધી રખડવાનો આનંદ લેવાનું તો રમતવાત હતી. ઘૂના જોઈને તેના ઊંડા પાણીના તાગ લેવાનું, કૂવા જોઈ ખાબકવાનું અને તેનો પણ તાગ લેવાની રમત રમવાનું નવું ન હતું, પરંતુ જેને પ્રવાસ કહેવાય તેવું તો માત્ર ૧૯૫૦માં આબુ અને ત્યાંના સ્થાપત્યોનો પ્રવાસ કરવા માટે બાએ ૨૦ રૂપિયા જેવી મોટી  રકમ આપી ત્યારે જ બન્યું. આ ૨૦ રૂપિયાની બહુ કિમ્મત હતી. ઘણા દિવસના ઘરખર્ચની ખરીદશક્તિને હરવાફરવામાં વાપરી નાખવા માટે લેતાં નવ નેજવે પાણી ઉતારવાની વાત તો સ્મરણમંજૂષાની મોટી ટોપલી ઉલેચવાની રસપ્રદ પ્રક્રિયા છે જે અહીં પ્રસ્તુત નથી.

તે પછી પણ ઘણા પ્રવાસ થયા, પરંતુ તે મારા સ્થાપત્યો તરફના વિશેષ ભાવને લીધે થયા. પ્રકૃતિ પ્રેમ તો હતો પરંતુ મને પ્રેમથી ‘દાદુ’ કહી સંબોધતા હિમાંશુ ‘પ્રેમ’ની સાથે હિમાલયના પ્રથમ પ્રવાસ પછી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવાયું. પશુ, પંખી, ફળ, ફૂલો, વૃક્ષો, ઋતુઓનું વૈવિધ્ય હિમાંશુ એટલી સહજતાથી સમજાવી આપે કે પ્રકૃતિ સાથે મનની ગતિ સધાવા લાગી. ઓગળતો અહમ્ પ્રકૃતિના પૂર્ણત્વનો અંશ બની ગયો. ક્યારે કુતૂહલ અદ્દભુતને પામતાં શમમાં પરિવર્તિત થયું તે પણ ખબર ન રહી. તે પછી હિમાલયના બીજા આઠ પ્રવાસો થોડા હિમાંશુ સાથે અને થોડા મહેશભાઈ અને વિનોદભાઈ સાથે કર્યા. હિમાંશુ જ્યારે સાથે ન હોય ત્યારે પણ તે ‘દાદુ’ કહી ભેટે તે યાદ ઘણું સમજાવી જાય. જાણે તે નાદ સંસ્કાર સ્વરૂપ સંગાથી બની રહ્યો.

ખેર ! વાત તો કરવી છે લંડન અને અમેરિકાના ૨૦૧૩ના પ્રવાસની, પરંતુ હિમાલય પ્રીત એટલી ગાઢી અને અંતરનિહિત રહે છે કે જ્યાં જવાય અને જોવાય તેમાં પ્રકૃતિ સાથેના તાદાત્મ્ય ભાવથી મનને પ્રસન્નતા રહે છે.

•••

૬ જુલાઈ ૨૦૧૩ના દિવસે અમે લંડન પહોંચ્યાં ત્યારે સવારના સાડા સાત જ થયા હતા. પણ સૂરજના કિરણોનું સ્વાગત જરા વધુ હૂંફાળું હતું. સતત ચાલતો માર્ગ એક કલાકથી વધુ સમય પોતાની સાથે અમને દોડાવતો રહ્યો. ઘેર પહોંચ્યા ત્યારે નીલાભાભી અને ભરતભાઈના સ્નેહાળ હાસ્યે બધો જ થાક ઓગાળી દીધો. વાતાનુકૂલિત ઘર પ્રવેશને આવકારતું હતું તો આંગણામાં ખીલેલાં પુષ્પરાજ ગુલાબની સમૃદ્ધ કુમાશે અમને થોભી જવા વિવશ કરી દીધા. આ ગુલાબ એક જ આંગણામાં નહીં આજુબાજુના દરેક આંગણામાં અનુપમ ઉલ્લાસ સાથે મહેકનો મેહરામણ ઉછાળતાં પ્રસરેલાં હતાં. આઠ દિવસના અમારા મુકામમાં અમે ગુલાબની અને અન્ય અનેક પુષ્પોની ઠેરઠેર બિછાત જોઈ, અનેક સુંદર પંખીઓની ઉડબેસ જોઈ, ઓળખાણ વગર સુપ્રભાત કહી હાસ્ય વિખેરતાં સ્વસ્થ સ્ત્રીપુરુષોને મળ્યાં અને ઓળખતાં માનવીઓનો સૌહાર્દપૂર્ણ સ્નેહ માણ્યો.

લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું સંચાલન કરતાં વિપુલભાઈ કલ્યાણી, ભદ્રાબહેન વડગામા અને પંચમભાઈ શુક્લ સંગાથે સાહિત્યપ્રેમીઓનું સૌજન્ય પણ માણ્યું. સ્વ. બળવંતભાઈ નાયકના જીવન અને કવન ઉત્સવના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વ્યક્તવ્ય આપવાની તક મળી. સ્થાપત્યો જોવા માટે સાદો અભિગમ કેળવાય અને આપણી સંસ્કૃિત અને ઇતિહાસને સ્વયંમાં સંકોરી બેસેલા આ મૂક વક્તાઓની ભાષા ઉકેલવી કેટલી સહેલી છે તે સમજાવવાનો ઉપક્રમ હતો. ભાવકો સુજ્ઞ હતા તેથી સફળતા મળી. દરેક સર્જકને પોતાનું સર્જન ગમતું જ હોય પરંતુ જયારે તે સુજ્ઞ ભાવક સાથે સહૃદય અનુસંધાન કરે ત્યારે સર્જકનો આનંદ બેવડાય છે. ગમતી થોડી કવિતાઓ વાંચતા તે અનુભૂતિથી મન પ્રસન્ન થયું.

ઉપસ્થિત શ્રોતાઓ સાથે વાતચીતમાં સર્વેના સાહિત્યરસ અને પ્રેમના દર્શન થતાં હતાં. અહીંના કોઈ કોઈ સર્જકોમાં સ્વયં પ્રતિભાથી પ્રભાવિત રહેવાની ભૂલ દેખાતી હતી તેમાં અભ્યાસ અને આયાસનો અભાવ કારણરૂપ લાગે. વિદેશમાં વસતા સર્જકો અને સાહિત્ય પ્રકારના કાર્યક્રમોના આયોજકોને સૂચન કરવાનું મન થાય કે ગુજરાત-ભારતથી આવતાં સર્જકોને આવકાર જરૂર આપે, તેમના સર્જનને પણ ભલે માણે પરંતુ વધુ તો તેવા સર્જકોની સેવા સાહિત્ય પ્રકારોની કાર્યશાળાઓ આયોજિત કરવામાં લેવી જોઇએ. આથી હવે કાયમ માટે અહીં સ્થાયી થયેલ સર્જકો અને ભાવકોના સાહિત્ય અભિગમને સાચા અને ગુણવત્તા ધરાવતા સાહિત્યનો અભ્યાસ કરવા તરફ  પ્રેરી શકાય. વિપુલભાઈ કલ્યાણી ઉત્તમ આયોજક છે. ભાષાપ્રેમ અને તેના સંવર્ધનની તેમની ખેવના સરાહનીય છે. મને શ્રદ્ધા છે કે ભવિષ્યમાં તેઓ આવી કાર્યશાળાઓનું આયોજન પણ કરશે. રોબીન પંખી ઉડે ત્યારે તેમની પાંખોનું રંગ વૈવિધ્ય હવામાં રચાતાં ધ્વજની જેવી લંડનની સ્મૃિતઓ અમારી મનમંજૂષામાં ભરી હવે અમે અમેરિકા પહોંચી ગયાં છીએ.

•••

૧૪મી જુલાઈ ૨૦૧૩. ‘દાદા’  ‘દાદી’નો મંજુલ નાદ ન્યુજર્સીના વિમાનમથકના સંપૂર્ણ વાતાવરણના કાનમાં અમીરસ રેલાવતો ગૂંજી ઊઠ્યો. અમારી પૌત્રી આર્યાએ ઉછળતાં આવી અમારી ભેટમાં ઝૂલી અમને સ્નેહ તરબોળ કરી દીધાં. પૌત્ર ઓમ આવ્યો ન હતો પરંતુ ખબર હતી કે તે બાસ્કેટબોલ કેળવણી લેવા આઠ દિવસ બહાર ગયો હતો. આવ્યો કે તરત જ ‘આર્યા ! તે આઠ દિવસ દાદા-દાદી સાથે મજા કરી છે એટલે હવે પછીના આઠ દિવસ મારા.’

અને બન્ને વચ્ચે સમતુલા જાળવતા સમય પવનપાવડીની જેમ પસાર થઈ રહ્યો છે. ક્યારેક લખેલી પંક્તિઓ ‘આવડા તે હેત ‘લ્યા ! કઈ રે જમાતના ?’ સવાલની જેમ અમારું અસ્તિત્વ બાળકોમાં ઓગળતું રહે છે. બન્નેની વાતો ખૂટતી નથી. 

ભારતમાં અને ભારત બહાર રહેતાં સ્નેહીઓ અને મિત્રો ઘણીવાર કુતૂહલતાથી પૂછે છે કે પસંદગી કરવાની આવે તો ક્યાં રહેવાનું નક્કી કરશો. સ્વાભાવિકપણે આ પ્રશ્ન વિચારમાં આવ્યો જ હોય. ભારત સારું કે અમેરિકા આવી તુલના સહુ પોતપોતાની રીતે કરે. હિમાલય જઇએ ત્યારે પૃથ્વી પરનું એ સ્વર્ગ લાગે તો પણ ત્યાં રહેવાનું તો નક્કી નથી જ કરતાં. છતાં એ સ્વર્ગ આપણું છે તે ભાવ મહત્ત્વનો છે. તુલનામાં અમેરિકા તો સ્વર્ગ ક્યારે પણ લાગ્યું નથી. અમેરિકા અનેક બાબતે ગમે તેવો દેશ છે. પણ ભારતમાં ગમે તેવું અધિક છે. ઉદાહરણો આપીને સીમાઓ બાંધવી જરૂરી નથી. ‘બસ, કારણ મને ગમે છે.’ કોઈ કવિની આ પંક્તિ જીદ નહીં વ્યાપનું પણ વિસ્તરણ કરે છે. હૃદય અને માનવ મનને સાંકળે તે બધું જ સાપેક્ષ જ હોવાનું. 

બાળપણ ભાદર નદીના કાંઠે વિત્યું છે એટલે નદી અને નદીકિનારાનું આકર્ષણ સદાયે રહ્યું છે. બ.ક.ઠાકોરના અદ્દભુત સોનેટ સમી શાંત નર્મદા નદીનાં જળ જોયાં છે તો ભરૂચ વિસ્તારને ધમરોળતાં ગાંડાતૂર જળ પણ જોયાં છે. ડેલેવેર નદીના કિનારે ફરતાં સેન્ડી તોફાનથી થયેલા ધ્વંશના અવશેષો જોયા પછી શાંતસૂરે વહેતી નદીએ સમાન સ્મરણોથી મન ભરી દીધું. નદીના બન્ને કિનારા પર ઘનિષ્ઠ જંગલો વચ્ચે વહેતી ડેલેવેર નદી પહોળા પટને આવરી વહે છે. નદીકિનારાના આકર્ષણના દાવેદાર તો ઘણા હોય, પરંતુ ભાગ્યશાળીઓએ અહીં નાજુક મજાના રૂપકડા બંગલાઓ બાંધ્યા છે. એક બંગલાના વરંડામાં ઠેસ મારી આકાશી ઉડ્ડયન કરાય તેવો હીંચકો જોઈ લાલચ સ્વપ્ન પ્રદેશનો પ્રવાસ કરી આવી. વૃક્ષરાજીમાં છુપાતાં લપાતાં પક્ષીઓ અને તેમનો કલરવ. ફૂલનાં વન. તેની પર મંડરાતાં રંગોળી રચતાં પતંગિયાંઓ. પતંગિયાંઓની પાંખનું અદ્દભુત રંગ વૈવિધ્ય સિક્કીમના પ્રવાસનું સ્મરણ કરાવે. નદીના પાણીમાં હાથપગ બોળતા તેની શીતળતા પૂર્ણ શરીર-મનને શાંત કરે. તેનો વહેતો ખળખળ પ્રવાહ તો સાતત્ય સાથે વિતતા સમયને સ્વયંમાં સંકોરી બેસી રહે છે, પરંતુ સૂરજ તો ગતિનો દેવ. પોતે દોડે અને બધાને પણ દોડાવતો રહે. દયાળુ પણ એવો જ. અસ્તનો આભાસ ઊભો કરી આપણને  સ્થિર કરી જાય. 

•••

સવારના ૬.૦૦ - ૬.૩૦ની આજુબાજુ, હૂંફાળા ઘરને છોડી, બહારની શીતળતા માણવા રોજ એક કલાક ચાલવાના નિયમથી બંધિત પ્રકૃતિ પણ સુંદર હોઈ શકે તેવો અનુભવ થાય છે. રહેણાંકના વિસ્તાર અને તેની આજુબાજુના માર્ગો પર પગપાળા ચાલવા ઇચ્છુકો માટે રસ્તાઓની બન્ને બાજુ ચાર ફૂટ પહોળી પાકી પગથાર બનેલી છે. ઘરથી મુખ્ય માર્ગ પર પહોંચવા નાનકડાં જંગલની વચ્ચે પણ પગથાર છે. ક્યારેક ત્યાં હરણ જોવા મળે તો ઝડપથી દોડી જતું શિયાળ પણ દેખાય. સસલાં જેવડી ખિસકોલી, ખિસકોલી જેવાં સસલાં, સમડી જેવડાં કાગડાં અને સુંદર પંખીઓ દેખાય. થોડીવારમાં ઝાડનાં ઝુંડમાંથી કુમળો તડકો સોનેરી ઝાંયથી જંગલ ભરી દે. મુખ્ય માર્ગ પર પહોંચતા વાહનોની અવરજવર દેખાય.

વાહનો જોઈ આજે નંદિતા ઠાકોર ઘેર આવવાની છે તે યાદ આવ્યું. યાદ આવે છે તે દિવસ કે જે દિવસે એક સભાગૃહના પગથિયે દોડતી આવી, પગે લાગી, પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ મારા હાથમાં મૂક્યો હતો. ત્યારથી જ વિદ્વાન મિત્ર વિનોદભાઈ અધ્વર્યુની આ દીકરી તેના તોફાની સ્વભાવ અને પિતા જેવી જ ગુણિયલ હંમેશાં અમારી પ્રેમપાત્ર રહી છે. પોતાની ગાડીમાં ત્રણ કલાકની મુસાફરી કરી એકલી આવશે. આવું અમેરિકામાં તો સહજ છે તો પણ તે આવી ત્યાં સુધી મન ચિંતિત રહ્યું .. પાંચ કલાક સાથે રહી. ઓમ અને આર્યા જૂની મિત્રાચારી હોય તેમ તેને વળગતાં રહ્યાં. દિવસે નાયગરાના ધોધ પર ઇન્દ્રધનુષ રચાય છે તે ઘણાએ માણ્યું હશે. નંદિતાના સ્વભાવનું ઇન્દ્રધનુષ સમયની પાબંદીમાં ક્યાં છે ? તે તો શબ્દમાં, સ્વરમાં, વાતમાં, વ્યવહારમાં સતત પ્રસરતું રહે. આવા રંગોમાં મહેક હોય છે તે તેની ગેરહાજરી હોય તો પણ અનુભવાય ત્યારે જ ખબર પડે.

આજે અળસાતા સૂરજદાદાએ વાદળાનું ગોદડું ઓઢી, ૮ વાગ્યા તોયે ઊઠવાનું નામ ન લીધું. હવામાનના વરતારાએ ઝરમર વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં તો ધોધમાર વરસાદની આગાહી હોય તે દિવસે જાણીબુજીને જ લોકો છત્રી લીધા વગર નીકળે અને હેમખેમ કોરાધાકોડ જ ઘેર પાછાં ફરે. ઝરમર વરસાદમાં નિરાંતે સ્નાન કરેલાં વૃક્ષો પ્રસન્નતા દાખવવાં પોતાનાં પર્ણો પર સાચવી રાખેલ મોતીબિંદુઓ દ્વારા ભૂમિ અને તેની પરનાં ઘાસ સાથે મર્મરની વાણી દ્વારા વાર્તાલાપ કરતાં હતાં. શીતળતા પવનમાં વહેતી રહી લાભ લેવા નિમંત્રણ આપતી હતી. અમેરિકાના રસ્તાઓ પર વાહનો વગરની કોઈ પળ નહીં, પરંતુ પ્રકૃતિને પ્રતિસાદ આપવાની પળ માનવીઓને તો જવલ્લેજ જ મળે.

••• 

‘ગાંઠ છૂટ્યાની વેળા’ વર્ષાબહેન અડાલજા લિખિત નવલકથા ઘણાંએ વાંચી હશે પરંતુ ‘પેટ છૂટ્યાની વેળા’?

એક શબ્દના ફેરફારથી તેના અર્થઘટન બદલાય જાય છે. શબ્દની શક્તિ અને તેના યોગ્ય આયોજનથી પ્રગટતા શબ્દવિશેષ વિષે સાંજે બોલવાનું હોય ત્યારે તે દિવસે વહેલી સવારથી પેટની એવી વિશેષ ઘટના બને તો ... .. અમેરિકામાં વસવાટ કરતાં સમર્થ હાસ્યલેખક મિત્ર હરનિશભાઈ જાની આ વાંચે અને પ્રેરણા મેળવી કદાચ કંઈ લખે. ન્યુ જર્સીમાં ‘ગુજરાત દર્પણ સાહિત્ય સભા’ વર્ષોથી દર મહિને સાહિત્યરસિકોને નિમંત્રી અક્ષર આરાધનાનું કામ કરે છે. સર્જકો પોતાની રચનાઓનું પઠન કરે છે. યોગ્ય રચનાઓને “ગુજરાત દર્પણ” માસિકમાં સ્થાન મળે છે. મુંબઈમાં કલાગુર્જરી સંસ્થાની શરૂઆતથી જ ‘અક્ષર અર્ચના’ કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો. ૨૫ વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે. તેના લીધે અનેક નવા સર્જકો લખતાં થયા તે વાત થઈ. અહીં વિદેશમાં વસી આવી પ્રવૃત્તિ થવી તેનું અધિક મહત્ત્વ છે. સૂચન કર્યું કે આ બેઠકોને વધુ ઉપયોગી કરવા કાર્યશાળાઓનું આયોજન થવું જોઇએ. જે પ્રવૃત્તિ ચાલે છે તેનો યશ તેના આયોજક અને યજમાન સુભાષભાઈ શાહને જાય છે. સાહિત્યકાર કૌશિકભાઈ અમીનનું સુંદર સંચાલન અને સંકલન આ કાર્યક્રમનું  અગત્યનું પાસુ છે.  

ઓમ અને આર્યા : અમેરિકામાં અમારાં કેન્દ્રબિંદુ. રાત્રે સૂતી વખતે પ્રાર્થના અને તે પહેલાં વાર્તા. દાદા હજી એક, દાદી હજી એકનું રટણ ચાલુ જ હોય .. ઓમને મહાભારતની અને રામાયણની વાર્તાઓ બધી જ કહેવાઈ ગઈ છે. દાદા-દાદીનાં બાળપણના સ્મરણો અને કૌશિકના - તેના પપ્પાના - બાળપણને જાણી લીધું છે અને કૌશિકના દાદા સાથેની વાતો પણ રસપૂર્વક સાંભળી લીધી છે. પંચતંત્રની વાતો સાંભળી છે. શકુંતલા, દુષ્યંત અને ભરતની વાર્તા પણ સાંભળી છે. ધૂમકેતુની કેટલીક વાર્તાઓ સાંભળી છે. હવે ઓમ માટે વાર્તાઓ શોધવી પડે છે. તેથી ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓની વાતોનો દોર ચાલુ થયો છે તે પણ રસપૂર્વક સાંભળે છે. ઓમ ઇંગ્લિશમાં કાવ્યો લખે છે અને તેની શાળાના સામયિકમાં છપાય છે. બે દિવસથી ‘જનગણ મન અધિનાયક ...’ યાદ કરી લીધું છે. અને આજ ૧૫મી ઓગસ્ટની સવારથી તેનું રટણ ચાલુ છે. બન્ને દાદી પાસેથી સંસ્કૃતના શ્લોકો શીખે છે અને બોલે છે. ઓમને તેના અર્થ પણ ખબર છે. આર્યા પોપટ જેમ બોલી જાય. કોઈનો ફોન આવે તો કહે મને સરસ્વતીનો શ્લોક આવડે છે બોલું ? તેનો આ ‘શો’ ચાલુ જ રહે છે. દાદી બન્ને માટે દુનિયાનાં શ્રેષ્ઠ શિક્ષક છે.

‘અમેરિકાના વસવાટ અને કાર્યવ્યસ્તતાને લીધે બાવીસ વર્ષ સુધી મેં ગુજરાતી ભાષાનું કોઈ લખાણ પણ જવલ્લેજ વાંચ્યું હશે.’ આ વાસ્તવિકતાની કબૂલાત સિદ્ધહસ્ત હાસ્યલેખક હરનિશભાઈ જાની કરે છે. નિવૃત્તિ પછી ગુજરાતી ભાષામાં જ લખવાનું શરુ કર્યું અને તેમની પાસેથી બે સુંદર પુસ્તકો મળ્યા. ‘સુધન’ અને ‘સુશીલા’. બન્ને પુસ્તકો ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા પુરસ્કૃત  થયાં. આનંદ છે કે આ બે પંક્તિઓ તેમને માટે અપ્રસ્તુત બની ગઈ

‘કાવ્યના પરિમાણની વ્યાખ્યા કરે વિદ્વદ્જનો,
પરખ નહીં, ઓળખ અહી ભાર મૂકે છે જુઓ.’

૧૮મી ઓગસ્ટની સાંજે હરનિશભાઈ જાનીએ અમને મહેમાન તરીકે નિમંત્રણ આપ્યું. પહોંચ્યાં ત્યારે સાહિત્યપ્રેમીઓ અને સર્જકોનો મેળો. પન્નાબહેન નાયક, નીલેશ રાણા, કિશોર દેસાઈ, અશોક વિદ્વાંસ, વિરાફ કાપડિયા, શશિકાંતભાઈ શાહ, કોકિલા રાવલ, સૂચી વ્યાસ, ઇંગ્લિશમાં સુંદર કાવ્ય રચના કરતી આશિની દેસાઈ - હરનિશભાઈની સુપુત્રી અને અન્ય ઘણાં બધાં. સર્જકોએ પોતાની કૃતિઓનું પઠન કર્યું. સુશીલા સૂચકે સંસ્કૃત સુભાષિતો વાંચ્યાં અને સમજાવ્યાં. મહેમાન તરીકે વિશેષ તક મળી એટલે ઘણાં કાવ્યોનું પઠન કર્યું.

‘આ વાહ! અને દાદની સંગત તો જો,
                                 પાંખો વગર ઉડવાની રંગત તો જો.’

એ નશો લઈ મોડી રાતે હરનિશભાઈ અને હંસાબહેનનાં આતિથ્યને વધાવી ઘેર પહોંચ્યાં.

•••

રક્ષાબંધનનો દિવસ સરસ પસાર થયો. મારી નાની બહેનનો સવારે ફોન આવી ગયો. ગમ્યું. અને ભાઈ ઓમને રાખડી બાંધવા ઓમ પહેલાં જ ઊઠી દાદીએ લાવેલ ભારતીય પોષાકમાં સજ્જ અમારી પદ્મપાંખડી આર્યા મધુરતાના પંચમ સૂર સમી ટહુકતી હતી. ઓમે પણ સ્નાન કરી ભારતીય પોષાક  રેશમી ઝભ્ભાલેંઘામાં સજ્જ થઈ બહેન પાસે રાખડી બંધાવી. ખૂબ હેતાળ દૃષ્ય હતું.  

•••

બીજે દિવસે વહેલી સવારે ફરવા જતી વખતે વાદળિયું વાતાવરણ હતું. એવું તો ઘણીવાર હોય છે. અમેરિકાના મેઘને ક્યા ખબર છે કે શ્રાવણનાં સરવરિયાં લઈ ધરતીને વધાવવા જવું જોઇએ. થોડીવાર મન અને મેઘ આવો સંવાદ કરતાં રહ્યાં અને પગ ચાલતાં રહ્યાં. વાદળાંઓએ ગડગડાટી કરી ફરી ચેતવણી આપી. વૃક્ષોની મર્મરને ચાળતો પવન વહેતો હતો. બાળપણમાં બાએ કહેલ વાત ‘વા આવે ત્યારે વાદળ ભાગે’ યાદ આવી એટલે પડકાર ફેંકતા પગ ચાલતાં રહ્યાં. ક્રોધિત મેઘ વરસ્યો. શીતળ જળનો છટકાવ તનમનને આનંદ આપતો હતો. હવે મેઘના ક્રોધનો પાર ન હતો. વીજળી અને કડાકાઓ સાથે તૂટી પડ્યો. મેઘના વિકરાળ અને પ્રચંડ અટ્ટહાસ્યથી ગગનમંડળ અને વાતાવરણ ભરાઈ ગયાં. પણ પછી ઘેર પહોંચતા તો વરસાદ અટકી ગયો. ભીંજાવાની મજા આવી. મગતરા અને મલ્લની લડાઈમાં મગતરું જીતી ગયું હોય તેવો ભાવ – કૃષ્ણે કંસને હરાવ્યો હશે તેવું - ત્યારે મથુરાએ આનંદોત્સવ કર્યો હતો જયારે અહીં આંખમાં સ્નેહ, ખોટી રીસ અને હાથમાં કોરા ટુવાલ સાથે સુશીલાએ સ્વાગત કર્યું.

•••  

અમેરિકા વિષે ૧૩૭ પંક્તિઓનું એક દીર્ઘકાવ્ય મણિભાઈ હ. પટેલે લખ્યું છે તે વાત ફિલાડેલ્ફિયામાં પન્નાબહેન નાયકે, સૂચી અને ગિરીશભાઈ વ્યાસને ત્યાં મળેલાં સાહિત્યરસિક લોકો પાસે કરી, ત્યારે થોડી શાંતિ પ્રસરી ગઈ.  મણિભાઈએ સંભાળી લીધું. ‘તે આખું વાંચીશ તેવું નક્કી નથી કર્યું.’ પછી મણિભાઈએ કાવ્ય શું છે, તેની વાંચના અને અર્થઘટનો અંગે ઉદાહરણો સાથે સમજાવવાનું શરૂ કર્યું. સાહિત્યની ઊંડી સમજને સરળ બનાવી રજૂ કરતો તેમનો વાક્પ્રવાહ રસળતો રહ્યો. બે કલાક ચાલેલા તેમના પ્રવચનમાં ૧૩૭ પંક્તિઓ પણ તેના રસભાગમાં વિશેષ બની ગઈ. સમયની સાન વગર ગળે ઊતરી ગઈ. ભોજન પછી મને અને સુશીલાને લોકોએ સાંભળ્યાં અને દાદ સાથે અમને પણ વધાવ્યાં. સુશીલાએ રજૂ કરેલ વ્યંગ સુભાષિતોને ખૂબ આવકાર મળ્યો. મોડી રાત્રે છૂટા પડ્યાં ત્યારે સાહિત્ય, લોકોને કેવાં જોડે છે તે વ્યક્ત થયેલ સર્વના પ્રેમઅભિવાદનથી જ સ્પષ્ટ હતું. હરનિશભાઈ અને હંસાબહેન જાની મિત્ર છે. તેમને ઘેર રહ્યાં. વહેલી સવાર સુધી તેમની સાથે સંગોષ્ઠી ચાલુ રહી. 

•••

૨૫.૦૮.૨૦૧૩નો દિવસ. ‘ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા’ના નિમંત્રણ મુજબ કાવ્યપઠન કરવાનું હતું. મણિભાઈ હ. પટેલ ‘ભૂંસાતા ગ્રામ ચિત્રો તેમ જ કવિતા સર્જન અને ભાવન’ પર બોલવાના હતા. મારે કવિતા પઠન કરવાનું હતું. બહુ જ સારો પ્રતિસાદ મળ્યો તેથી આનંદ હતો. પરંતુ વધુ સુખદ આશ્ચર્ય તો એક બહેને આપ્યું. તેમનું નામ ધનુબહેન સાકરિયા. તેમનું મુખ જોઇને મને મારી સદ્દગત નાની બહેન અને પરમ મિત્ર શારદા યાદ આવી ગઈ. તે બહેને આવીને મને પૂછ્યું ‘કનુભાઈ ! તમારી અટક સૂચક છે એટલે પૂછું છું, મારી સાથે આર્ય કન્યા ગુરુકુળ, પોરબંદરમાં એક ‘સૂચક’ હતી.’ મેં કહ્યું ‘શારદા ?’ તેઓએ હા પાડી અને કહે કે અમે બન્ને બહેનપણીઓ હતી અને ત્યાં બધા અમારા મળતાં ચહેરાને જોઇને સગી બહેનો જ માનતાં. લગભગ ૬૦ વર્ષ પહેલાની વાત. ૧૬ વર્ષ પહેલાં તે વહાલી બહેનનું અવસાન થયું પરંતુ ઘાવ આજે પણ ..... ધનુબહેનને ભેટી મારી બહેનને મળ્યો હોઉં તેવો ભાવ થયો. તે આખી રાત ‘શારદાસ્મૃિત’ બની, મારી સાથે સંવાદ સાધતી રહી. 

•••

અમેરિકામાં પાનખર હજુ બેઠી નથી, પરંતુ ઘરની પાછળ અને આગળ વૃક્ષોના ઝુંડ છે. ત્યાં પાંદડાંઓ ખર્યા કરે છે. પાછળ વિશાલ વરંડો છે - બેકયાર્ડ છે .. સાંજના સમયે અમને ત્યાં બેસવું ગમે છે. ઊભું ઝાડુ લઈ તે સાફ કરું છું. ઓછામાં ઓછું અરધા કલાકનો શ્રમ થાય છે. પણ પછી વધુ ગમે છે. આજે કૌશિક - પુત્ર કહે ‘પપ્પા, થોડા સમય પછી પાનખર શરૂ થશે ત્યારે તો ઢગલાંબંધ પાંદડાંઓ પડશે. કેટલું વળશો ?’ ત્યારે મને સ્વ. બિપીનભાઈ પરીખની આ ભાવની પંક્તિઓ યાદ આવી. ‘હું મૃત્યુને રોજ મારું આંગણું વાળતાં જોઉં છું, જેથી કંટક રહિત ચાલી શકે જીવનનાં ચરણ.’ પાનખરનાં પાન સમી વયે જીવનનાં આંગણામાં શું કરવું કરવું જોઇએ તે સમજવા આથી વધુ શું ? મૃત્યુ એ નિર્ભ્રાંત અવસ્થા તરફની ગતિ છે. આ અવસ્થા મૃત્યુ પહેલાં જ કેળવી શકાય તો મૃત્યુ તો જીતાવા જ ઊભું છે. અમારો ઓમ ભયભીત છે. દાદા-દાદીને એવું ક્યારે પણ ન થાય તેમ ઇચ્છે છે.  

લંબાતા તડકાના દિવસોમાં ચાર પાંચ દિવસની લાંબી રજા મળી જાય તો અમેરિકાની સડકો ઉભરાવા લાગે. દરિયા કિનારે માણસોની ભરતી આવે. અહીં અંતર કલાકોથી મપાય. આઠ દસ કલાકનો કાર પ્રવાસ સંબંધી - મિત્રો સાથે મળવાનો, મજા કરવાનો અને તે બહાને સંબંધ દ્રઢાવવાનો બની રહે. અમેરિકાના પ્રમુખ ૧૦૦ વૈજ્ઞાનિકોમાં જેની ગણતરી કરે છે તે ભાણેજ અને મિત્ર ડો. ધીરેન નોર્થ કેરેલિનાના રાલેમાં આઠ-નવ કલાકના અંતરે રહે છે. ગાઢ જંગલોની પ્રકૃતિને અક્ષુણ રાખીને વિકાસ પામેલા ઉપવન સમા આ શહેરમાં ધીરેનનું નિવાસસ્થાન અત્યંત વિશાળ હોવાં છતાં વૃક્ષરાજીમાં લપાઈને બેઠેલા કબૂતર જેવું લાગે. અમે કૈલાસ અને ધીરેનની ઉત્તમ મહેમાનગતિને આનંદનાં વૈવિધ્ય સાથે માણતા રહ્યાં. રવિવારની રાત્રે તેના ઘણાં અંગત મિત્રોને બોલાવ્યાં. જંગલની પડછના ખૂલા ભાગમાં સગડીઓ - બાર્બેક્યુમાં ખાવાનું બનાવવાની તૈયારીઓ થઇ ગઈ, અને પાંચ વાગે સાંજે વરસાદનું આગમન થયું. ૬.૩૦ વાગે ધોધમાર વરસાદ હોવાં છતાં દરેકેદરેક આમંત્રિત મિત્રો પહોંચી ગયાં. ખૂલા નહીં તો અર્ધખૂલા તળ મજલાની મોટી પરસાળમાં ભીના વાતાવરણમાં ક્ષુધાતુરને ઠારવા બાર્બેક્યુમાં અગ્નિ પ્રજવળતો રહ્યો. વરસાદનું જોર વધતું જ રહ્યું.  આ મેઘ મુંબઈની યાદ દૂત બની લાવ્યો.

•••

कराग्रे वसते लक्ष्मी, कर मूले सरस्वती, कर मध्ये तु गोविन्द:, प्रभाते कर दर्शनम्.

રોજ સવારે નિયમિત રીતે ઓમ અને આર્યા આ શ્લોકનું પઠન કરે છે. હજુ તેઓ બાલ્યાવસ્થામાં છે એટલે સાદી સમજ આપી છે કે આપણી પાસે જ્ઞાન હોય તો આપણું કામ સારું થાય. કાર્ય નિષ્ઠાપૂર્વક કરીએ તો સફળતા સદા આપણી સાથે રહે. ઓમ ૧૦ વર્ષનો છે અને ખૂબ બુદ્ધિશાળી છે. તેને જીજ્ઞાસા વધુ છે એટલે પ્રશ્નો પૂછે ત્યારે હાથનું શ્રમ સાથે, શ્રમનું બુદ્ધિ સાથે અને બન્નેનું નિષ્ઠા સાથે અનુસંધાન થોડી વિગતથી કહીએ. શ્રમ, જ્ઞાન અને નિષ્ઠા મહત્ત્વનાં છે પરંતુ ફળમાં જો લક્ષ્મી મળે, પણ જો તે મનને સંતોષ આપે તો જ એ સાચી લક્ષ્મી. બીજ રોપવાનું આપણું કામ છે આંબો થશે કે કેમ કે તેને ફળ આવશે કે કેમ તે ભવિષ્યને સોંપી દેવાનું.

અમેરિકામાં અને ખાસ કરી ન્યુ જર્સીમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં આવી વસ્યા છે. અહીં ગુજરાતી સાહિત્યની સુંદર પ્રવૃત્તિ થાય છે. ‘ગુજરાતી સાહિત્ય એકેડમી’ અને ‘ગુજરાત દર્પણ સાહિત્ય સભા’નું કામ ઉલ્લેખનીય છે. તેવું જ લંડન - યુ.કે.માં ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ દ્વારા સુંદર કામ થાય છે. અહીં ભારતથી આવેલાં સાહિત્યકારોનું ઉમળકાભેર સ્વાગત થાય છે. પરંતુ આજે સંદર્ભથી ઉફરા ચાલી બીજી વાત કરવી છે.

દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય અને ડાયાસ્પોરા સાહિત્ય જેવાં વિચિત્ર નામો અસ્તિત્વમાં આવ્યાં છે. સાહિત્ય એટલે સાહિત્ય. પછી આ અસંબંધ નામો શા માટે ? એક નવી ઓળખાણ આપવા? લઘુસંખ્યાનું ભાન ઊભું કરવા? આનાથી કોનું હિત સચવાય છે તે ખબર નથી પરંતુ સાહિત્યનુ હિત તો નથી જ જળવાતું. અમેરિકામાં ઘણાં ‘પરમ પૂજ્ય સાહિત્ય ધૂરંધરો’ (‘પપૂસાધૂ’) આવે છે. ભારતથી આવેલાં અને અમેરિકામાં સ્થાયી થયેલાં તેજસ્વી લોકોને ડાયસ્પોરા જેવાં નામ આપી લઘુતાની અનુભૂતિ કરાવે છે. વર્ષોથી બહાર રહીને સંસ્કૃિતની સાથે અનુસંધાન જાળવતાં ગુજરાતીઓ માટે જુદી પંગત બનાવવાની જરૂર નથી. સહાનુભૂતિના અંચળા નીચેના ‘પપૂસાધૂ’ઓની જરૂર છે ? સાહિત્યમાં કાચુપાકું કામ બધે જ થતું હોય છે. ઉલટું અહીંના સાહિત્યપ્રેમીઓની નિષ્ઠા અદ્દભુત છે. આ વિષયમાં સમય મળે નામોલ્લેખ સાથે વિગતવાર લખવાનો આશય છે.  

•••

અમેરિકામાં ઋતુઓનો ફેરફાર એકાએક જ થઈ જાય. રાત્રે સૂતા ત્યારે ઓમે પાતળી ચાદર ઓઢી હતી અને મોડી રાત્રે ઠંડી વધતા તેને ગોદડું ઓઢાડ્યું, જાગી ગયો અને કહે દાદા તમે પણ અંદર આવી જાઓ. કૌશિક પણ રાત્રે તેનું ‘સ્વેટ શર્ટ’ આપી કહી ગયો હતો કે સવારે ફરવા જાઓ ત્યારે પહેરીને જજો. વહેલી સવારે બહાર ૧૬ ડિગ્રી જેટલી ઠંડી હતી. શનિવારના સૂના રસ્તા પર અરધી કલાક ચાલ્યાં પછી કપડાં, થયેલ પરસેવા અને ચામડીને પણ વીંધીને હાડકાને અડતી ઠંડકને હળવી કરવા સૂરજના બાલકિરણો રક્ષા કવચ બની આવી ગયા. સમજાઈ ગયું કે આજે ૭૫માં વર્ષમાં પ્રવેશ સાથે જેની સંભાળ આપણે લેતાં હતાં તે બાળકો હવે જીવનની પાનખરે આપણી સંભાળ લેતાં થઈ ગયા. જીવન અને ઋતુઓ તો તેના સમય મુજબ જ રૂપ બદલે છે.

•••

જળ એ જીવન છે. દરિયાના ઉછળતા લોઢ, નદીના લહેરાતા વળ, ઝરણાની ખળખળ, વાદળથી નીતરતાં નીર, સરોવરનાં શાંત જળ કે પછી પર્વતો પર થીજી ગયેલ ગઈકાલનાં જળ સાહિત્યના દરેક સ્વરૂપમાં ભીનો સ્પર્શ થઈ રસળતા રહે છે. કોલંબિયાના એક સરોવરના કિનારે નંદિતા ઠાકોરની કેટલીક કાવ્યકૃતિઓએ અવતરણ કર્યું છે. કૃતિ કાવ્ય બનતી હોય અને તેને સર્જકનું જ સ્વરાંકન અને મધુર કંઠ મળે તેવો સુંદર સુમેળ નંદિતાએ કર્યો છે. નંદિતા સ્વયંની અને અન્ય કવિઓની રચનાઓને સૂર આપે છે. અન્ય સંગીતકારોના સ્વરાંકનોને પણ પોતાના કંઠથી સજાવે છે. વાત અહીં અટકતી નથી કોલમ્બિયા અને દૂર દૂરના વિસ્તારથી નીની ગુરુજી (નંદિતા) પાસે સૂરજ્ઞાન મેળવવા લોકો આવે છે. અનેક બેસૂરા કંઠ સૂરીલા બન્યાં છે અને સુંદર કંઠ વધુ કેળવાયા છે. ૮મી સપ્ટેમ્બરના રોજ નંદિતાના જ શબ્દોમાં ‘સુરેશ કાકાના જ કાવ્યોથી સુરેશ દલાલને સ્વરાંજલી’ આપવાનો કાર્યક્રમ સંપન્ન થયો. એક કલાક ઉપરાંત નંદિતાનો કંઠ અથાક રીતે ઉપસ્થિતોને ભીંજવતો રહ્યો. પરમ વિદ્વાન અને મિત્ર વિનોદભાઈ અધવર્યુંની દીકરી અમારી પણ સ્નેહભાજન અને પ્રિય છે. સ્વભાવમાં તરવરાટ પણ વિચારોમાં પ્રૌઢી તેમાં સહજભાવે વ્યક્ત થાય છે. આડંબર વગરનું તરલ વ્યક્તિત્વ.     

•••

ફેસબુક પર, જુદે જુદે દિવસે, અમેરિકાના વસવાટ દરમિયાનના અનુભવ વિષે લખ્યું છે. ઉદ્દેશ એ રહ્યો છે કે મુંબઈમાં મિત્રો પાસે એ નોંધો રજૂ કરી શકું. આ અનુભવના અંશો છે. આપણું જોયેલું, જાણેલું વ્યક્તિગત હોવાથી તે સંપૂર્ણ અને અધિકૃત છે તેવો દાવો ન જ થાય. સંદર્ભો અને તે સમજવાની રીતમાં ફરક હોવાનો પરંતુ એથી વાત કરતાં અટકી ન જવાય. આ સંદર્ભ જેવી પરિસ્થિતિ માટે જે. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું છે :     

‘Seeing the beauty of these hills, river, the extraordinary tranquility of fresh morning, the shape of mountains, the valleys, the shadows, how everything is in proportion, seeing all that will you not write to your friend saying ‘come over here, look at this’?  You are not concern about yourself but the beauty of the place.’

•••

કવિતા એ સાહિત્યનુ સૌથી વધુ સંકુલ સ્વરૂપ છે. આપણી સમજની ક્ષિતિજોના વિસ્તાર મુજબ તે આપણી સમક્ષ ખૂલે છે. કૃતિના સર્જકની સરખામણીમાં ભાવકનો મનોવિસ્તાર ટૂંકો પડે ત્યારે તેના માટે તે કૃતિ દુર્બોધ બની જાય તેવું બને. ઘણી વખત ઊલટું જ બને કે ભાવકની સમજક્ષિતિજ અનેકગણી વધુ હોય અને કૃતિના સંકુલ સ્વરૂપમાં રહેલી અર્થવ્યંજનાને વધુ વ્યાપથી તે માણે. આવી બન્ને પરિસ્થિતિમાં કૃતિ સ્વયં જ પૂરતી છે ત્યાં સર્જકે તો માત્ર તુલનાના સાક્ષીભાવથી વધુ કંઈ પણ ભાગ ભજવવાનો રહેતો નથી. અમારી વયના ઘણાને એક ગુજરાતી ફિલ્મનું આ ગીત યાદ હશે. ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ.’ પછીની પંક્તિઓમાં ગીતકાર એક એક ફૂલ કુટુંબના ક્યા ક્યા સભ્યનું પ્રતિનિધિત્વ કરે છે તેની પ્રેક્ષકોને સમજ આપે છે. આજે સર્જક અને ભાવક બન્ને, આથી વિશેષની આશા કરે છે.

થોડા સમય પહેલાં એક કવિ-લેખક મિત્ર સાથે ભાવક અને સર્જક વચ્ચેના સંબંધ અંગે રસપ્રદ ચર્ચા થઈ. સર્જક જ્યારે પોતાના પુસ્તક કે પોતાની કોઈ કૃતિ ને ભાવક પાસે મૂકે છે ત્યારે તે અભિપ્રેત છે કે તેનો પ્રતિભાવ ઇચ્છે છે. આ પ્રતિભાવ સર્જકને ગમતો મળે ત્યારે સર્જક તેને સહજતાથી સ્વીકારી લે છે. ભાવક ઉપસ્થિત હોય તો તેનો આભાર પણ માને છે. પરંતુ કોઈ સમયે ઉપસ્થિત ભાવક એવું કહે કે ‘જામ્યું નહીં’ ત્યારે સર્જકને ગમશે તો નહીં જ પરંતુ વિવાદ પણ કરે કે કૃતિ કેમ ન ગમી. ‘વાહ’નો સ્વીકાર સહજ પરંતુ વિરુદ્ધ સામે વિવાદ. આનો અર્થ તો એ જ થયો કે સર્જકે માની જ લીધું છે કે પોતાની કૃતિ માત્ર ‘વાહ’ને જ પાત્ર છે. વાસ્તવ એ છે કે પ્રકાશિત કે પ્રસ્તુત થતી કૃતિ પર અભિપ્રાય બાંધવાનો કે વ્યક્ત કરવાનો ભાવકનો અધિકાર અબાધિત છે. સર્જકે સ્વયં આ અધિકાર આપ્યો છે. ભાવકને પડકારવાનો કે તેની સામે વિવાદમાં ઉતરવાનો સર્જકને અધિકાર નથી જ. ભાવકને સમજાયું નહીં હોય તેવું માનવું અને સમજાવવા પ્રયાસ કરવો તેનાથી કૃત્રિમ સહૃદયતા કદાચ સધાય પરંતુ સંબંધ સેતુ સધાતો નથી. કોઈના મનોપ્રદેશમાં પરાણે પ્રવેશવાનો પ્રયાસ કહેવાય.

પ્રવાસ કરતાં હોઇએ ત્યાર આપણે સહજતાપૂર્વક કહીએ છીએ કે ‘સ્ટેશન આવ્યું’. જે સ્થિર છે તેને આપણે ચલિત બનાવવાનો ઉપક્રમ કરીએ છીએ. આજે અહીં ઠંડીનો જે ચમકારો અનુભવાયો તેવો માત્ર ઓક્ટોબર મહિનામાં જ હોય છે. વહેલી સવારે આ ઠંડી માણવા ડેક પર બેઠાં હતાં. બધું જ શાંત અને સ્થિર. પંખીઓનો કલરવ નહીં, કોઈ અવરજવર નહીં. વૃક્ષો જાણે થીજી ગયાં હતાં. એવી અનુભૂતિ થાય કે સમય સ્થિર થઈ ગયો છે. ત્યારે સુશીલાએ કહ્યું  कालो न याति वयमेव याता: (કાળ તો સ્થિર જ છે આપણે જ જઈ રહ્યા છીએ.) આપણે ચલિત છીએ. સ્થિરતાના સ્ટેશન તરફ આપણી ગતિ છે. કાળ તો સનાતન છે. હતો, છે અને હોવાનો.

----------------

શ્રીમદ્દ ભાગવતમાં છ પ્રકારના આતતાયી અથવા ત્રાસવાદીઓ અંગે વ્યાખ્યા આપતો એક શ્લોક સાંપ્રત સંદર્ભમાં પણ પ્રસ્તુત છે. તેનો અર્થન્યાસ આ પ્રમાણે છે. અન્યના ઘરમાં આગ લગાડનાર, અન્ય ઉપર શસ્ત્ર લઇ હુમલો કરનાર, અન્યની સંપત્તિ પર કબજો કરનાર, અન્યનું મૃત્યુ નિપજાવનાર, અન્યની જમીન-પ્રદેશ પચાવી પાડનાર અને સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરનાર આતંકવાદીઓ છે.     

अग्निदो गरदश्चैव शस्त्रपाणिधनापह:|
क्षेत्रदारहरश्चैव षडेते ह्याततायिनः||

પારકા ઘરમાં અગ્નિ નાખનાર, કોઈને ઝેર આપનાર, શસ્ત્ર લઈ સામે થનાર, પારકું ધન ચોરી લેનાર અને ખેતર તથા સ્ત્રીનું હરણ કરનાર –આ છ આતતાયી છે.

કોઈ પણ ક્રિયાના ચાર જ પ્રકારના પરિણામ હોઈ શકે. ઉત્પાદ્ય, પ્રાપ્ય, વિકાર્ય અને સંસ્કાર્ય. ઉદાહરણ તરીકે સર્જનની ક્રિયા લઇએ તો તેના ચાર પરિણામ. ૧. કૃતિનું સર્જન થવું; ૨. કૃતિથી સંતોષ મળવો કે ન મળવો; ૩. કૃતિને નવો આકાર આપવો-પરાવર્તંન કે પરિવર્તનથી; ૪. કૃતિને સરખી કરવી અથવા કૃતિને વિશેષતા અર્પવી - ગુણસ્થાપન કરવું. આ રીતે દરેકે દરેક ક્રિયાના ફળને આ પરિમાણથી પારખી શકાય.      

‘તલ ભર તાળા ને રજભર કૂંચી’ ન બતાવે તો ભારતીય દૃષ્ટિ નહીં.

આ લખનાર, સાંઈ મકરંદ દવેએ અંગ્રેજીમાં એક ટચૂકડું કાવ્ય લખ્યું છે.

Where falters human gaze in dark dismay,
Whence earthly ray returns,
In atoms stormy, viewless vibrant way
Whose blinding torch-flame burns?
Where known and unknown meet in silence deep
And keep the secret law,
With giant strides there moves in streets of sleep
Our king incognito.

આપણો રાજાધિરાજ અંધારપછેડો ઓઢીને પદાર્થોની સુપ્ત નગરીમાં નીકળી પડ્યો છે.

− સાંઈ કવિ મકરંદ દવે. 

•••

હવે અમે અમારાં પરિવારને ભારે હૃદયે આવજો કહેશું. આજે લખતાં પણ આંખ ભીની થાય છે તો ઓમ અને આર્યાની આંખના આંસુ કેમ લુછીશું ? આંખ તદ્દન કોરી રાખીને. અમેરિકાથી ઉચાળા ભરીશું અને ઘેર-ભારત જઇશું. વિદેશ રહેતાં બાળકો અને દેશમાં રહેતાં માતાપિતા અંગે ઘણું લખાતું રહે છે. કશુંક અનુભૂતિમાંથી, કશુંક અન્યના સંદર્ભોમાંથી તો કેટલુંક કિંવદતી. પ્રશ્નો પૂછાતા રહે છે. સાથે કેમ રહેતાં નથી ? શું પ્રત્યુત્તર આપવો ? જવાબ આપીએ કે ન આપીએ તારતમ્યો તો પૃચ્છક તારવવાનો જ છે. અંગત કહેવાતાં લોકોના સંતોષ ખાતર અમારો જવાબ એક જ હોય છે. અમારું ઘર એ અમારું સામ્રાજ્ય અને એ જ અમારું સ્વર્ગ. 

•••

રોજ સવારે ચાલવાં જતાં વાહનોની થોડી ઘણી અવરજવરને બાદ કરતાં સૂનકાર માર્ગો અને જવલ્લે જ જોવાં મળતાં માણસો. સુંદર પગથારો હવે વૃક્ષો પરથી સતત ખરતાં સૂકાં પર્ણોથી ઢંકાઈ જાય છે. તેની પર ચાલતાં ચરચર અવાજ નિરવતાનો ભંગ કરે છે અને પગથારની એક બાજુએ છોડો પર રસપાન કરતાં પતંગિયાંઓ રંગના ફુવારા વેરતા ઊડી જાય છે. વૃક્ષો પર પર્ણોની વિવિધ રંગલીલા શરૂ થઈ ગઈ છે. સંપૂર્ણ કાળી ખિસકોલી અને તેનો નાનકડો પરિવાર એક જ જગ્યાએ જોવાં મળે છે ત્યાં પહોંચતા પદચાપનો અવાજ ન થાય તેમ ચાલવાં છતાં તે સૌન્દર્યમયી છોડવાઓમાં સંતાઈ જાય છે. આ પગથાર જો કોઈ નિવાસી સ્થળોમાં હોય તો ઘરના પ્રવેશદ્વારની આજુબાજુ - સામે વિવિધ આકારના ફૂલક્યારાઓ બનાવ્યા હોય છે, જેમાં શોભા વધારતાં સુંદર ફૂલો ઉગાડેલાં છે. અમેરિકામાં ખેતરોમાં તો ચાડિયા મૂકે જ છે પરંતુ કેટલાંક આવાં પ્રવેશદ્વારો પર પણ ચાડિયો જોવા મળે. હરણાંઓ ફૂલ ન ખાઈ જાય અને પંખીઓ ફળ ન ચુગે તે માટે આવું થતું હોય છે. નિવાસીઓના કમનસીબે ચાડિયાઓને પહેરાવેલાં પહેરણ પર ચરકના ડાઘાં જોવા મળે અને હરણો બિન્દાસ ફૂલ ખાઈ જાય છે. ઉત્ક્રાંતિની અસર પ્રાણીઓમાં માણસને ઓળખી જવાની આવડતમાં પરિણમી છે.           

•••

ગુરુકુળમાંથી રજાના દિવસોમાં ઘેર આવતો ત્યારે બીજે દિવસે બા મને નવરાવે જ. બાથરૂમમાં જતાં હોઇએ ત્યારે બાપુજીનો ટહૂકો ગૂંજે ‘આજે તારું આવી બન્યું, તારી બા તને ધમારી નાખશે.’ અને બા જાણે મારા શરીર પર યુગોના મેલ ચઢ્યા હોય તેમ ઘસી નાખે. આજે અમારી પુત્રવધૂ વૈશાલીએ તે યાદ કરી કહ્યું, ‘પપ્પાજી આજે છોકરાઓને ધમારી આપજો.’ અને બાની જેમ જ બાલદીમાં પાણી લઈ તેવું જ કર્યું. ઓમ તો આનંદથી ન્હાયો. બાલદીમાં પાણી લઈ નહાવાના કુતૂહલથી જ આનંદિત આર્યા ચિચિયારીઓ મારતાં ખુશખુશાલ હતી. તેને ટુવાલથી હું લુંછું એ પહેલાં જ એ સદ્યસ્નાતા મને ગળે ચીપકી ગઈ. ‘My dada, I love you dada.’

મારાં કપડાં ભીનાં ભીનાં અને હું ભીતર ભીનો ભીનો.

Poetry isn’t always words in a line
Which matches up in rhyme.
Poets say in simple words
But convey in complex meaning.
Poetry is not preaching
But it teaches the way of life.
Poetry is an expression of personal emotions,
Which flows into readers hearts.

− Om Suchak

૧૦ વર્ષના ઓમની આ કવિતામાં વક્ત થતાં ભાવની પુખ્તતા મને સ્પર્શી એટલે તેની સંમતિ લઈ અહીં મૂકું છું.   

e.mail : kanubhai.suchak@gmail.com

Category :- Opinion Online / Literature