LITERATURE

ગરવી ગુજરાતી ભાષાનાં ગુણગાન ગાતાં આપણે થાકતાં નથી. આપણી ભાષા, આપણા સાહિત્યના જમા પાસા વિષે તો આપણે ઉત્સાહથી વાત કરીએ છીએ, પણ ક્યારેક ઉધાર પાસા તરફ પણ નજર નાખવી જોઈએ. એમ કરવામાં નાનમ અનુભવવાની જરૂર નથી. પણ આપણે ત્યાં શું હોય તો વધુ સારું એનો આપણને ખ્યાલ આવે, અને ખ્યાલ આવે તો ક્યારેક, કોઈક, એ ખોટ પૂરવાનો પ્રયત્ન કરે એવું પણ બને.

છેલ્લાં થોડાં વર્ષોમાં આપણી ભાષામાં પ્રગટ થતાં પુસ્તકોનું વિષયવૈવિધ્ય ચોક્કસ વધ્યું છે અને હમણાં હમણાં તો અંગ્રેજીનાં બેસ્ટ સેલર પુસ્તકોના અનુવાદ પ્રગટ કરવા પ્રકાશકો પડાપડી કરી રહ્યા છે. પણ અંગ્રેજીની વાત જવા દઈએ. મરાઠી, હિંદી કે બંગાળી જેવી ભાષાઓની સરખામણીમાં પણ આપણી ભાષામાં આત્મકથા અને જીવનકથાનાં પુસ્તકો બહુ ઓછાં પ્રગટ થાય છે. ગુજરાતીને ‘ગાંધીગિરા’ તરીકે આપણે ઓળખાવીએ, પણ નારાયણ દેસાઈએ ચાર ભાગમાં ગાંધીજીનું વિસ્તૃત જીવનચરિત્ર આપ્યું તે પહેલાં આપણી પાસે ગાંધીજીનું કોઈ પ્રમાણભૂત જીવનચરિત્ર નહોતું. એવું જ પ્રમાણભૂત, અભ્યાસમૂલક જીવનચરિત્ર સરદાર પટેલનું યશવંત દોશીએ આપ્યું, પણ તે તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે. છેલ્લા થોડા વખતમાં આપણા ઘણા લેખકોની જન્મશતાબ્દી આવી ગઈ - સુન્દરમ, ઉમાશંકર, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહ્લાદ પારેખ, પન્નાલાલ પટેલ અને બીજા પણ. શતાબ્દી નિમિત્તેય તેમાંના કોઈનું પ્રમાણભૂત જીવનચરિત્ર આપણને ન મળ્યું. સ્મરણો, લેખો, આસ્વાદોનાં પુસ્તકોથી આપણે સંતોષ માન્યો. મરાઠીમાં તો હિટલર કે સ્ટેિલન કે ચર્ચિલ જેવાની આત્મકથા - જીવનકથાના અનુવાદની પણ ચાર - પાંચ આવૃત્તિ તો જોતજોતામાં થઈ જાય છે. મરાઠીમાં સ્ત્રીઓએ લખેલી આત્મકથા પણ ઘણી જોવા મળે. જ્યારે આપણે ત્યાં?

ગુજરાતીમાં બોલવા - લખવાનું કામ જેમણે સતત કરવાનું હોય તેમને એક ખોટ ઘણીવાર સાલતી હોય છેઃ આપણી પાસે સમૃદ્ધ, વિસ્તૃત, પ્રમાણભૂત કોટેશન બુકનો અભાવ. જે થોડાક પ્રયત્નો થયા છે તે અંગ્રેજી કોટેશન બુકોને આધારે થયા છે એટલે એમાં પરદેશી લેખકોનાં જ અવતરણો મળે. પણ નર્મદ - દલપતથી આજ સુધીના આપણા લેખકોનાં અવતરણો જેમાં લેખકવાર કે વિષયવાર ગોઠવ્યાં હોય એવું એક પણ પુસ્તક આપણી પાસે નથી. એક જમાનામાં કનૈયાલાલ મુનશીનાં કે રમણલાલ દેસાઈનાં લખાણોમાંથી એકઠાં કરેલાં અવતરણોના સંગ્રહો આ લખનારે જોયા - વાપર્યા છે. પણ હવે તો એય મળતા નથી કે બીજા લેખકોના એવા અવતરણસંગ્રહો પણ પ્રગટ થતા નથી.

કવિતાનાં સંપાદનો તો ઢગલાબંધ પ્રગટ થાય છે, પણ એક - એક વિષય કે ભાવને લગતાં કાવ્યો સાથે ગોઠવ્યાં હોય - જેમ કે વર્ષાગીતો, વ્યક્તિવિષયક કાવ્યો, પાણીનાં જુદાં જુદાં રૂપો વિષેનાં કાવ્યો, વૃક્ષો, પુષ્પો, પક્ષીઓ વિશેના કાવ્યોના સંપાદનો. ક્યા છે એવાં સંપાદનો? વર્ષો પહેલાં કીકુભાઈ રતનજી દેસાઈએ ‘નિજાનંદ’ નામના સંચયમાં આ દિશામાં પહેલો પ્રયત્ન કરલો, પણ પછી તેમને અનુસરનારા ખાસ નીકળ્યા નહીં. ગુજરાતી અવતરણો અને કાવ્યોના આવા સંચયો હાથવગા ન હોવાથી બોલનાર - લખનાર કેવળ સ્મૃિતને આધારે બીજાને ટાંકે છે અને તેમાં ઘણીવાર શબ્દો આઘાપાછા થઈ જાય કે બદલાઈ જાય એવું બને છે. પછી ઘણીવાર તો એ ખોટું કોટેશન જ ચલણી બની જાય છે!

ઘણાંને જરા ન ગમે એવી વાત છે, પણ જીવનકથાનું પુસ્તક લખવું કે કોટેશન બુક તૈયાર કરવી એ મહેનતનું કામ છે, ખાખાંખોળા કરવાનું કામ છે, પરસેવો પાડવાનું કામ છે. એમાં માત્ર ‘પ્રેરણા’થી ગાડું ગબડે એમ નથી અને કદાચ આપણા સરેરાશ લેખકમાં મહેનત કરવાની, પરસેવો પાડવાની તત્પરતા ઓછી છે. પણ પુસ્તકો માત્ર પ્રેરણાથી જ ન લખાય. પરસેવો પાડીને પણ લખાય, લખાવાં જ જોઈએ.

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત સ્થંભ − ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2014

Category :- Opinion Online / Literature

અંદાઝે બયાં અૌર

દીપક બારડોલીકર
07-03-2014

મિર્ઝા ગાલિબને કોણ નથી અોળખતું ? પૂર્વ એને જાણે, પશ્ચિમ એને જાણે. એ છે ઉર્દૂ સાહિત્યના કીર્તિકળશ. વર્તમાન ઉર્દૂ શાયરીના ઇમામ, અગ્રણી. અદ્દભુત શક્તિના ધણી એવા અા શાયરે ઉર્દૂ શાયરીની શિકલ બદલાવી નાખી હતી. અને એની એવી દૂરગામી અસર પડી હતી કે અાજે ઉર્દૂ શાયરીનું કાઠું ઇર્ષ્યા ઉપજાવે એવું થઈ ગયું છે. બાગમાં જાણે સરવ !

ગાલિબના સમયમાં, એટલે કે અોગણીસમી સદીમાં, શાયરો તો ઘણા હતા. બાદશાહ બહાદુરશાહ ‘ઝફર’ પોતે પણ એક અચ્છા શાયર હતા. પરંતુ ગાલિબની તો વાત જ અૌર હતી. તેમની ભાષા, મનોભાવ અને શૈલી - સ્ટાઇલ જૂદી જ ભાતના હતાં. એની અંદર નાવીન્ય હતું, તાજગી હતી અને ચાલુ પ્રવાહને એક અન્ય દિશામાં દોરી જવાનું સામર્થ્ય હતું. અા હકીકતનું પ્રતિબિંબ તેમની એક ગઝલના અા મકતામાં જોવા મળે છે :

હૈં અૌર ભી દુનિયા મેં સુખનવર બહુત અચ્છે
કહતે હૈં કે ‘ગાલિબ’ કા હય અંદાઝે બયાં અૌર

એટલે કે અા વિશ્વમાં સારા સુખનવરો, શાયરો, કવિઅોની કોઈ કમી નથી. ઘણા છે. એક-એકથી ચઢિયાતા. પરંતુ વાત કહેવાની કળા, વર્ણનશૈલી, અંદાઝે બયાનને લાગે વળગે છે ત્યાં સુધી અન્ય કોઈનું ગજું નથી કે ગાલિબના એ પેંગડામાં પગ ધરી શકે ! અંદાઝે બયાન તો ગાલિબનું જ.

અા સાચું છે. શાયરીમાં જ્યાં મનોભાવ, ભાષાસૌન્દર્ય, સંગીતમયતાનું મહત્ત્વ એટલું કે તે નબળા વિચારને ય એવો મોહક, અને સુંદર બનાવી દે છે કે ભાવક ‘વાહ-વાહ’ પોકારી ઊઠે છે. અાવી તાજી, પાણીદાર સ્ટાઇલ, બંધિયાર જળાશય માટે નવા પ્રવાહમાર્ગ [channels] ખોલી અાપે છે. ગાલિબની કલમે અા મહાકાર્ય કર્યું હતું અને એના પ્રતાપે ઉર્દૂ કવિતા અાજે વિશ્વકવિતામાં અગત્યનું સ્થાન ધરાવે છે.

અા મહાન કવિનો જન્મ ઇ.સ. 1797માં અાગ્રામાં થયો હતો. એમના બાપદાદા તલવારના ધણી હતા અને સૈન્યમાં સારું સ્થાન ધરાવતા હતા. એમનું પૂરું નામ છે : મિર્ઝા અસદુલ્લાહ ખાઁ ‘ગાલિબ’. શરૂમાં એમનું તખલ્લુસ ‘અસદ’ હતું. બાદમાં ‘ગાલિબ‘ રાખ્યું હતું. − કહે છે કે તેર વર્ષની વયે તેઅો અાગ્રાથી દિલ્હી ગયા હતા અને પછી જિંદગીભર ત્યાં જ રહ્યા હતા. દિલ્હીમાં તેમના ચાહકો ઘણા હતા. બાદશાહ બહાદુરશાહ ‘ઝફર’ પણ તેમના પ્રશંસક હતા. બાદશાહે પોતાના ઉસ્તાદ ઝૌકના નિધન પછી મિર્ઝા ગાલિબને ગુરુપદે સ્થાપ્યા હતા. અને નજમુદૌલા, દબીરૂલ મુલ્ક, નિઝામે જંગ જેવા ખિતાબોથી નવાજી તેમની ઘણી કદર કરી હતી. 1857નો બળવો ગાલિબે સગી અાંખે જોયો હતો. અંગ્રેજોના ખૂની અત્યાચારના ય તે સાક્ષી હતા, જેની કેટલી ય છાયા તેમના અશઅારમાં દૃષ્ટિગોચર થાય છે.

ઉર્દૂના નામવર શાયરો મૌલાના હાલી અને મુનશી હરગોપાલ - તુફતા તેમના પ્રિય શિષ્યો હતા.

વાત અંદાઝે બયાન, વર્ણનશૈલીની હતી. અા સંદર્ભે ગાલિબજીનો એક અન્ય શેર માણીએ :

ગમે હસ્તી કા ‘અસદ’ કિસ સે હો જુઝ મર્ગ ઈલાજ
શમ્અ હર રંગ મેં જલતી હય સહર હોને તક

અર્થાત્ : જીવનના ગમનો, દુ:ખોનો ઉપાય મૃત્યુ સિવાય અન્ય કોઈ નથી. એ ગમમાંથી છૂટકારો મૃત્યુનું પગરણ થાય ત્યારે જ થઈ શકે છે. પરંતુ અામ છતાં જીવન સ્વરૂપ દીવો પોહ ફાટે, પ્રભાત થાય ત્યાં સુધી, દરેક રંગમાં, પ્રત્યેક સ્થિતિમાં સતત બળતો રહે છે. ગમોના વાયરાનો સામનો કરે છે, − અા જીવન એક સંગ્રામ છે, સંઘર્ષ છે. એના અનેક રંગોમાંનો એક તે પ્રેમ. અા પ્રેમની લાગણીના સ્રોત જેના હૃદયમાં ફૂટે છે તેની વાત કંઈક નિરાળી જ હોય છે. તે પ્રિયતમાના બધા નખરા ઊઠાવી લે છે. જામ ન મળે તો ય પ્રિયતમાને મહેફિલમાં જવાનું ચૂકતો નથી. જરૂર જાય છે. અને જામ અગર તેના સુધી અાવી જાય છે તો ? એ પ્રસંગની સ્થિતિ, પરિસ્થિતિ જાણવા માટે અાપણે ગાલિબજીનો અા શેર જોવો જોઇએ :

મુઝ તક કબ ઉન કી બઝમ મેં અાતા થા દૌર જામ,
સાકી ને કુછ મિલા ન દિયા હો શરાબ મેં !

વાહ ! ‘કુછ મિલા ન દિયા હો’ એ શબ્દો અા શેરનો પ્રાણ છે. પોતાની સન્મુખ છલકતો જામ દેખીને પ્રેમી શંકાકુશંકાભરી કેવી વિષમ પરિસ્થિતિના વમળમાં અાવી પડ્યો હશે એનું અાબેહૂબ ચિત્રણ અા શબ્દો કહી અાપે છે. તે જામ દેખીને વિચારે છે કે ક્યારે ય નહીં ને અાજે જામ અાપણા સુધી ! − લાગે છે કે સાકીએ કંઈક ખતરનાક શરાબમાં ભેળવ્યું હશે ! નહીંતર જામ અાપણા સુધી અાવે જ નહીં ! ના, ભૈ ના, અાપણે પીવો નથી !

પ્રેમી અને પ્રિયતમા વચ્ચે સંદેશાની અાપલે પણ થાય છે. કાસિદ, ખેપિયો, ટપાલી સંદેશા લાવે - લઈ જાય છે. પ્રેમી કવિ એક સંદેશો પાઠવે છે અને તેનો ઉત્તર અાવે તે પહેલાં જ એક બીજો સંદેશો લખી નાખે છે ! તેની દૃષ્ટિ એટલી કુશાગ્ર કે તે પ્રિયતમાનું મન વાંચી લે છે અને પ્રત્યુત્તરમાં શું લખશે એ વાત તે અગાઉથી જાણી લે છે ! − મિર્ઝા ગાલિબ અા નાટ્યાત્મક સ્થિતિનું ચિત્ર ઉપસાવતાં કહે છે કે :

કાસિદ કે અાતે - અાતે ખત એક અૌર લિખ રખું
મૈં જાનતા હું જો યહ લિખેંગે જવાબ મેં !

અને પ્રિયતમાં હંમેશાં કોમળ હૃદયવાળી નથી હોતી. કઠોર પણ હોય છે. અને કઠોરતા પણ કેવી કે કેટલાક કિસ્સામાં પ્રેમી બળીજલીને રાખ થઈ જાય છે. અને અામ થાય છે ત્યાર પછી પ્રિયતમાને એવો પશ્ચાતાપ થાય છે કે … જુઅો એ સંદર્ભે ગાલિબજી શું કહે છે :

જલા હય જિસ્મ જહાં, દિલ ભી જલ ગયા હોગા
કુરૈદતે હો જો અબ રાખ, જુસ્તજૂ, ક્યા હય ?!

કવિ કહે છે કે અગર દેહ બળી ગયો છે તો મહોબતથી ભરપૂર હૃદય પણ અવશ્ય બળી જ ગયું હશે. રાખ થઈ ગયું હશે. − અો પ્રિયતમા ! તમો હવે અા રાખ ખોતરીને ત્યાં શું શોધી રહ્યાં છો ? − ત્યાં રાખ સિવાય કંઈ પણ નથી. પ્રેમથી અોતપ્રોત હૃદયની રાખ ! − થઈ શકે તો હવે એ પુનિત રાખ માથામાં ભરો અને હાય ! હાય ! કરો કે તમે કરેલા મહાપાપનું નિવારણ થાય !

મિર્ઝા ગાલિબના દીવાનમાં અાવા અદ્દભુત અશઅારના ઢેર ભર્યા પડ્યા છે. એક અનોખા અંદાઝે બયાનનો દરિયો, ઉછળતો દૃષ્ટિગોચર થાય છે કે જેણે તેમને ભૂત, વર્તમાન અને ભાવિના શાયર ને વર્તમાન ઉર્દૂ સાહિત્યના ઇમામ બનાવી દીધા છે. એટલે જ તો તેઅો અધિકારપૂર્વક કહે છે કે :

અદાયે ખાસ એ ‘ગાલિબ‘ હુવા હય નુક્તા સરા
સિલાયે અામ હય યારાને નુક્તાદાં કે લિયે

ગાલિબ તો તેની વિશિષ્ઠ ઢબે અત્યંત નાજુક - બારીક વાતો કહી ગયો છે. એ ટીકાકારો, અાવો કરો ટીકા, તમને ખુલ્લું અામંત્રણ છે.

[136 Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR. U.K.]

Category :- Opinion Online / Literature