LITERATURE

આપણામાંના ઘણા જાણે છે કે - રણજિતરામ મહેતા (૧૮૮૧-૧૯૧૭) નામના લેખક-વિચારકે ઈ.૧૯૦૫માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ નામની સંસ્થા સ્થાપેલી. એ સંસ્થા આજે ૧૧૨ વર્ષ પછી પણ સતત કાર્યરત છે. એનું લોકશાહી બંધારણ છે ને એના આજીવન સભ્યો એવા સાહિત્યકારો-સાહિત્યરસિકો દ્વારા દર બે (હવે દર ત્રણ) વર્ષે એના નવા પ્રમુખ ચૂંટાઈ આવે છે કે સર્વાનુમતે વરણી પામે છે. એ જ રીતે ચૂંટાયેલી મધ્યસ્થ સભા અને એમાંથી રચાતી મંત્રીઓ વગેરે હોદ્દેદારોની કાર્યવાહક સમિતિ દ્વારા સાહિત્ય પરિષદ વક્તવ્યો-લેખન-પ્રકાશન આદિ સાહિત્ય-પ્રવૃત્તિઓ ચલાવે છે. એનાં વાર્ષિક સંમેલનોમાં વિદ્વાનો, સર્જકો, સાહિત્યરસિકોનું મોટું ચર્ચા-સં-મિલન થાય છે ને, વ્યાપક રીતે કહીએ તો તેમાં પ્રજા સાહિત્ય-અભિમુખ થાય છે.

હમણાં જ, ૨૦૧૮થી ૨૦૨૦નાં ત્રણ વર્ષ માટે સિતાંશુ યશશ્ચંદ્ર બહુમતીથી પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા (જન્મ - ૧૯૪૧) ગુજરાતી ભાષાના, આ સમયના સર્વોત્તમ કવિ છે, નાટ્યકાર છે. અને વળી ભારતમાં ને દુનિયાભરમાં જાણીતા વિદ્વાન વક્તા છે - દેશની અને પરદેશની યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે એ અવારનવાર નિમંત્રણો પામ્યા છે - જેમ કે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં, પૅરિસની Sorbonne યુનિવર્સિટીમાં, અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં, વગેરે.

એમનાં કાવ્યો અનેક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદિત થયાં છે ને ગુજરાતનાં ને ગુજરાત બહારનાં ઘણાં પારિતોષિકો-ઍવૉડ્‌ર્ઝ-સન્માનો એ પામ્યાં છે. છેલ્લાં પાંચ વર્ષથી (૨૦૧૭ ડિસેમ્બર સુધી) એ ભારતીય ‘સાહિત્ય અકાદમી’(દિલ્હી)માં ગુજરાતી ભાષાના સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે. ને હવે ૨૦૧૮ના જાન્યુઆરીથી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કાર્યકર થશે. ડિસેમ્બરના અંતમાં, સિકન્દરાબાદમાં યોજાનારા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં, વર્તમાન પ્રમુખ અને વરિષ્ઠ વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળા પાસેથી એ સપ્રેમ અને સાદર કાર્યભાર સંભાળશે.

ગુજરાતી સાહિત્ય પરિષદ સંદર્ભે, આ સાથે સંકળાયેલી એક બીજી બાબત પણ કહેવી અનિવાર્ય છે. કોઈ પણ દેશ કે ભાષામાં સાહિત્યો - અને સર્વ લલિત કલાઓ સ્વાયત્ત છે, હવે લોકશાહી પરંપરામાં એ પરાયત્ત કે અન્ય-આશ્રિત નથી. સાહિત્યની સંસ્થાઓ - એમાંની કોઈ સરકારનું અનુદાન મેળવતી હોય કે સરકારના પૂરા આર્થિક ટેકાથી ચાલતી હોય તો પણ, સાહિત્યપદો (જેમ કે પ્રમુખપદ, અધ્યક્ષપદ વગેરે) અને સાહિત્યિક કાર્યો અંગે એ સ્વતંત્ર હોય છે.  સરકાર આદિની કોઈ જ દખલગીરી વિના, લોકશાહી - પરંપરાથી જ એ ચાલે છે.

એમાં, ગુજરાત સરકારે રચેલી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ આપણા સંમાન્ય સાહિત્યકારો ઉમાશંકર જોશી, દર્શક, યશવંત શુક્લના આગ્રહોથી, ચૂંટણી દ્વારા અધ્યક્ષની વરણીની પરંપરા ઊભી કરીને સ્વાયત્ત થયેલી - દર્શક અને પછી ભોળાભાઈ પટેલ એના અધ્યક્ષો હતા.

પણ વચ્ચે, કેટલાંક વર્ષ પહેલાં, એક વાર ચૂંટણી સ્થગિત થઈ એ પછી, બે વર્ષ પહેલાં સરકારે સીધી નિયુક્તિથી ભાગ્યેશ જ્હાને (અને હવે વિષ્ણુ પંડ્યાને) એના અધ્યક્ષપદે સ્થાપ્યા, એથી ગુજરાતના લેખકોએ ‘સ્વાયત્ત અકાદમી’ માટેનું આંદોલન કર્યું. પૂર્વસિદ્ધાંતો અને પરંપરા અનુસાર સાહિત્ય પરિષદે પણ ‘સ્વાયત્તતા’ને પોતાનો આગ્રહ બનાવ્યો. એથી બે વર્ષ પહેલાં, ચંદ્રકાન્ત ટોપીવાળાએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણી લડવાનું - લોકશાહી ધોરણોનું રક્ષણ કરવાના આપદ્‌ધર્મથી સ્વીકાર્યું અને સાહિત્યની ગરિમા અને સ્વાયત્તતાના આગ્રહી સાહિત્યકારો અને સાહિત્યરસિકોએ, વિપરીત સંજોગો વચ્ચે પણ,  ચંદ્રકાન્ત ટોપીવાળાને બહુમતીથી ચૂંટ્યા.

એ જ પરિસ્થિતિ આજે, બે વર્ષ પછી પણ ઊભી થઈ અને એ જ સાહિત્યકાર-રસિકોએ એવા જ વિપરીત સંજોગો છતાં સિતાંશુ યશશ્ચંદ્રને બહુમતીથી પરિષદપ્રમુખ તરીકે ચૂંટ્યાં.

લોભ-લાલચવશ થઈને, લેખક તરીકેની ખુમારીને પણ બાજુએ મૂકનારા કેટલાક સાહિત્યકારો પણ હોવાના - છે પણ ખરા, પરંતુ બહુમત સાહિત્યસેવીઓએ સિદ્ધ કર્યું કે સાહિત્ય અને કલા એના લેખકની ગરિમાથી અને સ્વાયત્તતાથી ઊજળાં હોય છે.

સિતાંશુભાઈનો વિજય થયો, એમાં સાહિત્યમૂલ્યનો તેમ જ સ્વાયત્તતાના મૂલ્યનો પણ મહિમા થયો છે, એનો સવિશેષ આનંદ છે.

સિતાંશુભાઈને આવકાર અને અભિનંદન.

(“પ્રત્યક્ષ”, નવેમ્બર, ૨૦૧૭માંથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 08

Category :- Opinion / Literature

જાપાનના વડાપ્રધાન એબેના તાજેતરની મુલાકાતથી જે હર્ષોલ્લાસની છોળો ઊછળી, ‘વિકાસ’નો રથ ઝડપથી દોડવાનાં સ્વપ્નો જોતા થયા, ત્યાં મૂળ જાપાનના જ પણ ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયેલા કાઝુઓ ઇશિગુરોને સાહિત્યનું સર્વોચ્ચ સન્માન, નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થવાથી, જાપાને સાધેલા આ ‘વિકાસ’માં ક્યારેક સહભાગી થવાની શક્યતાના સ્વપ્નો જોવાનો આનંદ પ્રાપ્ત થયો. આ એ ઇશિગુરો છે જે વિશ્વયુદ્ધને કારણે છિન્નભિન્ન થઈ ગયેલા પરિવારોની તેના કારણે બદલાયેલી અંગત જીવનશૈલીની, સ્થળાંતરની પીડાની વાત, વધુ સ્ફુટ થયા વિના કરે છે. તેમની પ્રત્યેક નવલકથામાં આ જ સ્મરણો વાગોળાતાં જોવા મળે છે. નાગાસાકીમાં જન્મેલા, આ પ્રથમ પંક્તિના સર્જકની કૃતિઓ તેમની વિશિષ્ટ ગદ્યશૈલીના કારણે ધ્યાનાર્હ બની છે. તેમણે ક્યારેક ગીતકાર અને ગાયક બનવાની, સંગીતક્ષેત્રે કારકિર્દી ઘડવાની-મહત્ત્વાકાંક્ષા સેવી હતી, જે ભલે અપૂર્ણ રહી પણ તેમની આ પ્રતિભાનો સરવાળે ફાયદો તો સાહિત્યને જ થયો.

ઇશિગુરોને રૉયલ સોસાયટી ઑફ લિટરેચર દ્વારા અપાતું વિનિફ્રેડ હોલ્ટબી પ્રાઇઝ, બુકર પ્રાઈઝ, સમકાલીન શ્રેષ્ઠ યુવા બ્રિટિશ સર્જકોની યાદીમાં સમાવેશ એમ વિવિધ રીતે નવાજવામાં આવ્યા છે, પણ આ બધી બાબતોમાં તે સાવ નિર્લેપ છે. પોતાની કૃતિઓમાં માત્ર જાપાનના વારસાને વ્યક્ત કરવાને બદલે બૃહદ્દ માનવજાતની સમસ્યાઓ, વંદના અને નિસબત લઈ આવવામાં સર્જકધર્મ સમજે છે. તસલીમા નસરીનની જેમ, ભલે સ્થાપિત હિતો તેમની ઓળખ મર્યાદિત કરી નાખે પણ એક સર્જકની દૃષ્ટિએ, અનુકંપા, સંવેદન સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે.

ઇશિગુરો પોતાને પ્રભાવિત કરનાર દોસ્તોવેસ્કી અને કાફકા, ચેખોવનો ઋણસ્વીકાર કરવાની સાથે જેમણે દેશનિકાલનો સામનો કરવો પડ્યો હતો તે મિલાન કુંદેરા, બેકેટ અને હેન્રી પ્રત્યેના આકર્ષણનો ય ઉલ્લેખ કરે છે. તેમણે સ્વયં પોતાની exile હોવાનો ક્યારે ય ઉલ્લેખ કર્યો નથી પણ દેશવટાનું કથાવસ્તુ તેમની ઘણી કૃતિઓમાં ડોકાયા કરે છે. તેમની નવલકથાઓ જાસુસી, વિજ્ઞાન, ફૅન્ટસી, સ્વપ્નલોક, અતિ વાસ્તવવાદ, મૅજિક રિયાલિઝમ એમ વિવિધ ક્ષેત્રોમાં વિહરે છે.

શૈશવકાળમાં, જાહેર ગ્રંથાલયમાં શેરલોક હોમ્સ અને વોટ્‌સનના વાચનથી શરૂ થયેલી આ સાહિત્યિક ખેપ, તેમના લખાણને ઉત્તરોત્તર લોકપ્રિય બનાવતી ગઈ અને સ્વીકૃતિની ક્ષિતિજો વિસ્તરતી ચાલી.

‘A Pale view of Hills’, ‘The Remains of the Day’, ‘Never Let Me Go’, ‘When we were orphans’, ‘An Artist of the Floating World’, ‘The Buried Giant’ જેવી ઇશિગુરોની નવલકથાઓમાં નાયક, કથક કે મુખ્ય પાત્ર પોતાની જાતને એવા ભૂતકાલીન વિશ્વમાં ખેંચી જાય છે, જે ક્યારે ય પુનઃજીવિત થવાનું નથી. અહીં કોઈ માતા, પોતાની પુત્રી જે આપઘાત કરી જીવનનો અંત લાવી બેઠી છે તેને યાદ કરી વિલાપ કરે છે. કોઈ વૃદ્ધ દંપતી ખોવાઈ ગયેલા પુત્રની શોધમાં વતન છોડી નીકળી પડતાં જોવા મળે છે, ગેરસમજનો ભોગ બનેલ કોઈ સદ્‌ગૃહસ્થ દેશદ્રોહીમાં ગણના પામે છે. યુદ્ધ કેટલાં સમીકરણો બદલી નાંખે છે!

ઇશિગુરોના વાચકોને સૌથી વધારે સ્પર્શી જતી કૃતિ ‘The Remains of the Day’ છે. જેમાં સ્ટિવન્સ નામનો બટલર, જ્યાં વર્ષો લગણ કામ કર્યું છે, તે Darlington Hall, તેના અવસાન પામેલા મૂળ માલિક, નવા માલિક શ્રીમાન ફેરેડ, પોતે જેની સાથે આ વિશાળ મકાનમાં નોકરી કરી હતી, તે કેન્ટન નામની મહિલા, અન્યત્ર કાર્યરત બટલર્સ સાથેના સંબંધોને આ સ્થળની મુલાકાત દરમિયાન સ્મરે છે અને અકથ્ય પીડા અનુભવે છે. અહીં ક્યારેક યોજાતી રહેતી પેલી ભવ્ય મિજબાનીઓ, મુલાકાતે આવતા મહાનુભાવો, તેમની ચર્ચાઓ ‘तेहिनो दिवसा: गता’ ન્યાયે બધું જ ભૂતકાળની ગર્તામાં દટાઈ ગયું. એક રશિયન કવિની સલાહ પ્રમાણે One Should not visit the place where one spent his childhood, કારણ કે ભૂતકાળનાં દૃશ્યો અને વ્યક્તિઓ હવે મુખોમુખ ન થવાથી પીડા સિવાય કશાયની ભેટ મળતી નથી. એવું જ જ્યાં જિંદગીનાં ઉત્તમ વર્ષો નોકરીના ગાળ્યાં હોય, કોઈ તેની બાબતમાં, સ્ટિવન્સની આંખો ઘણું બધું શોધી રહી પણ વ્યર્થ.

વ્યવસાયે સામાન્ય બટલર પણ નિષ્ઠા, સમર્પણને લાગેવળગે છે, ત્યાં સુધી તે ઉચ્ચ શિખરો સર કરે છે. તેને વિશ્વયુદ્ધ ચાલુ હતું તે ગાળાનો અને ત્યાર બાદનો પણ અનુભવ છે. તેને કેન્ટન માટે કૂણી લાગણી છે, જે અવ્યક્ત રહે છે. કેન્ટન બીજાને પરણી ગઈ છે પણ તેમનું દાંપત્યજીવન પ્રસન્ન નથી અને તે ડાર્લિંગ્ટન હૉલમાં નોકરી મેળવવા ઉત્સુક છે, તે સ્ટિવન્સ પોતાને મળેલા તેના પત્ર પરથી સમજી શકે છે. કેન્ટન એકરાર કરે છે કે સ્ટિવન્સને પરણીને તે નિશ્ચિતપણે સુખી થઈ હોત-પોતે, તે ન મળવાથી કેટલી વ્યગ્રતા અનુભવે છે, તે સ્ટિવન્સ જણાવા દેતો નથી અને અન્યોન્ય લાગણી અકબંધ રાખી બંને છૂટાં પડે છે.

ઇશિગુરોનાં પાત્રો વાચકની સહાનુભૂતિ મેળવવામાં સફળ થાય છે, કારણ કે એક યા બીજા કારણે થતું સ્થળાંતર સ્વજનોનો વિરહ, પ્રણયાનુભૂતિ, સમર્પણ, ગેરસમજ વગેરે આપણા પોતીકા ય અનુભવો ક્યાં નથી બની રહેતા?

અમેરિકા અને ઉત્તર કોરિયાના સત્તાભૂખ્યા વિકૃત મનોદશા ધરાવતા એકબીજાને પાઠ શીખવવા તત્પર, વિશ્વયુદ્ધને કારણે વેરાનારા વિનાશથી વિચલિત ન થનારા શાસકો, થોડો સમય ઇશિગુરો માટે ફાળવે તો કેવું સારું? સત્તાધીશોનો નહીં -  સાહિત્યકારોનો, સંસ્કૃિતના રક્ષકોનો સભ્ય - સમાજના નિર્માણ માટે મથનારાના વિકાસનો આપણે ખપ છે. કહેવાતા ‘વિકાસ’ના વાયુમંડળમાં વિહરતા, પ્રસિદ્ધ ભૂખ્યા સત્તાધીશોને, માનવજરૂરિયાતો બસ આટલી જ છે તે, કોણ સમજાવે?

‘Some food, some clothes, some fun and someone’ આટલું મળે, એટલે પત્યું મારા ભૈ! ઇશિગુરોએ નોબેલ પ્રાઇઝ મળવાની અપેક્ષા જ રાખી નહોતી, ઊલટાનું એમણે તો આંચકો અનુભવ્યો.

‘If I had even a suspicion, I would have washed my hair this morning’ પૂરી પાત્રતા હોવા છતાં ય, માન-અકરામ ન મળવાથી વિચલિત ન થનારા છવાઈ જવા વલખાં ન મારનારા, પોતાના સર્જનને ન બોલવા દેનારાની જમાત કદાચ નાની તો નથી જ.

‘ઊગતા સૂર્યના દેશ’ના આ સૂરજનું અજવાળું વિશ્વભરમાં પ્રકાશ પાથરતું રહે, એમ આપણે ઇચ્છીએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 06

Category :- Opinion / Literature