LITERATURE

પ્રત્યક્ષ, વર્ષ ૨૬, અંક છેલ્લો …

સંજય શ્રીપાદ ભાવે
16-11-2017

નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ‘પ્રત્યક્ષ’નો ‘અંક છેલ્લો’ બહાર પડ્યો. વર્ષ છવ્વીસ અંક એકસો એક. ઠીક ખાલીપો અનુભવાય છે. આ સામયિક માટે ખૂબ માન હતું, માત્ર પુસ્તકોનાં સામયિક તરીકે ખાસ. તેમાં ક્યારે ય લખ્યું નથી. અંગ્રેજીમાં ખાસ નવાં પુસ્તકો વિશેનાં ‘બિબ્લિઓ’ કે ‘બુકરિવ્યૂ’ જેવાં માતબર સામયિકો ઘણાં સમાયથી જોવાનાં થાય, ત્યારે આપણી ભાષામાં પણ માત્ર પુસ્તકો વિશેનું સામયિક ‘પ્રત્યક્ષ’ છે તેનો હરખ થતો. રમણભાઈની ધખના વિશે આદર થતો, જે આજે ય અકબંધ છે. ‘પ્રત્યક્ષ’નું જે કંઈ ઉત્તમ છે તેનો અર્ક તાજેતરમાં રમણભાઈએ સંપાદિત કરેલા સંગ્રાહ્ય પુસ્તક ‘અવલોકન-વિશ્વ’માં મળે છે. ‘પ્રત્યક્ષ’ વિશે વધુ લોકોને ખબર પડવી જોઈએ એવા ઉમળકાથી ‘નવગુજરાત સમય’ની કૉલમ ‘કદર અને કિતાબ’ માં ૨૦૧૫ના એપ્રિલમાં વિશ્વપુસ્તક દિન નિમિત્તે લખ્યું હતું. એ લેખ સંકોચ સાથે, અને સંકોચ છતાં ‘નિરીક્ષક’ના સંપાદકને મોકલ્યો તે આ મુજબ :

‘પ્રત્યક્ષ’ પુસ્તકો વિશેનું એકમાત્ર ગુજરાતી સામયિક છે. ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ વિવેચક રમણ સોનીના સંપાદન હેઠળ આ સામયિક ગયાં ચોવીસેક વર્ષથી ધ્યેય અને ગુણવત્તાનાં  સાતત્યથી પ્રકાશિત થાય છે. દર ત્રણ મહિને બહાર પડતા, પુસ્તક-અવલોકનના આ સામયિકના અત્યાર સુધીના ત્રાણું અંકોમાં નવસો જેટલાં નવાં ગુજરાતી પુસ્તકો વિશે લેખો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આવકાર તરીકે તેણે ત્રણેક હજાર પુસ્તકો વિશે લખ્યું છે. તેના માટેનો વિભાગ છે ‘પરિચય-મિતાક્ષરી’. નમૂના તરીકે એક પુસ્તક માટેની નોંધ તેના નવા અંકમાંથી જોઈએ : ‘રંગભૂમિ ૨૦૧૪’ - ઉત્પલ ભાયાણી. ઇમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૧૪. ક્રાઉન સાઇઝ. પાનાં ૧૫૨, રૂ.૧૫૦. રંગભૂમિનાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી નાટકો વિશેના લેખો.’ આવી પાયાની વિગતો સાથે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, વિવેચન, લોકસાહિત્ય, ઉપરાંત વિજ્ઞાન, માનવવિદ્યાઓ, પત્રકારત્વ સહિતનાં અનેક ક્ષેત્રોનાં  ગુજરાતી પુસ્તકોનાં આગમનની જાણ ‘પ્રત્યક્ષ’ વાચકોને કરતું રહે છે. એ અર્થમાં આ ત્રૈમાસિક વાચકને ‘સર્જાતા સાહિત્યના સીધા સંપર્કમાં મૂકી આપનાર હાથપોથી જેવું’ બને છે.

વાચકોને ઉપયોગી થવાનું આ ધ્યેય જાન્યુઆરી ૧૯૯૧ના પહેલા અંકના સંપાદકીયમાં જણાવવામાં આવ્યું છે. તેમાં અવલોકનો અને ગ્રંથસમીક્ષાના સામયિકની ઉણપ પૂરવાનો મનોયત્ન પણ સમાયેલો છે. એ મુજબ ‘પ્રત્યક્ષ’માં સાહિત્યનાંનવાં પુસ્તકો વિશે અગ્રણી અભ્યાસીઓના લાંબા લેખો મળે છે. તેમાં આસ્વાદ સાથે સ્પષ્ટ મૂલ્યાંકન હોય છે. ‘હૃદયંગમ બાળવાર્તાઓ’, ‘એક અસાધારણ અનુવાદ સંચય’, ‘ગુજરાતી વાર્તાની સમૃદ્ધિમાં ઉમેરો’ જેવા પ્રશંસાત્મક લેખો મળે છે. પણ સામે ‘રદ કીધા જેવું ચોપડું’, ‘ઊતરતી કોટિના ગ્રંથનો લથડતો અનુવાદ’, ‘અનુભવી કાવ્યજ્ઞની વેઠ’ જેવા મથાળાં સાથેના લેખો પણ હોય છે. ધારદાર મંતવ્યો નિમિત્તે તેમ જ સાહિત્યજગતની અનેક બાબતોને લઈને ઊભા થયેલા વિવાદોને, સ્થાન અને પ્રોત્સાહન આપવામાં  ‘પ્રત્યક્ષ’ની  ભૂમિકા રહી છે.

‘પ્રત્યક્ષ’ માટે સાહિત્યનું પુસ્તક એ સર્વસ્વ છે. એટલે તેના મુદ્રણ-નિર્માણ-પ્રકાશનનાં પાસાંને તે ન આવરી લે તો જ નવાઈ. આ દિશામાં ત્રણેક વર્ષ પૂર્વેનાં કેટલાક અંકોમાં ચાલેલી ચર્ચા ગુજરાતી સાહિત્યમાંનોખી હતી. પુસ્તક કહેતાં પાઠ્યપુસ્તકની પણ ચિંતા કરનાર જૂજ સામયિકોમાં એક તરીકે ‘પ્રત્યક્ષ’એ ગયાં ત્રણ અંકોનો મોટો  હિસ્સો  શાળા-પાઠ્યપુસ્તકો વિશે ફાળવ્યો છે. તેમાં શિક્ષકો તેમ જ નિષ્ણાતોએ જુદાં જુદાં ધોરણનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં લેખાંજોખાં કર્યાં છે. એ જ રીતે ગ્રંથસમીક્ષા અને અનુવાદ અંગે ચર્ચાસત્રો યોજીને તેની સામગ્રીને  વિશેષ સ્થાન આપ્યું છે. ‘પ્રત્યક્ષ’ની સાહિત્યનિષ્ઠા બતાવનાર વધુ એક ઘટક છે સૂચિ. દરેક વર્ષના ચાર અંકોમાં, પહેલાંના વર્ષ દરમિયાન વિવિધ સામયિકોમાં જે નોંધપાત્ર વિવેચન-લેખો લખાયા તેની માહિતી  ‘સામયિક લેખ સૂચિ’ હેઠળ હોય છે. સાહિત્યકૃતિઓ પરથી બનેલી ફિલ્મો વિશે લેખમાળા તરીકે, તેમ જ ‘વરેણ્ય’ વિભાગ હેઠળ વિશેષ ગુણવત્તા ધરાવતાં નવાં-જૂનાં પુસ્તકો વિશે વાંચવા મળે છે. રમણભાઈના તંત્રીલેખ ‘પ્રત્યક્ષીય’ની મહત્તા સમજવા તે લેખોને પ્રત્યક્ષ વાંચવા રહ્યા. તમામ પ્રકારની સામગ્રી અને તેની રજૂઆતમાં ઊંચાં ધોરણો માટેનો આગ્રહ ‘પ્રત્યક્ષ’નું અવિભાજ્ય અંગ છે. જો કે નોધવું જોઈએ કે ‘પ્રત્યક્ષ’  ‘પૉપ્યુલર મૅગેઝિન’, ‘લિટલ મૅગેઝિન’ કે ‘વ્હ્યૂ મૅગેઝિન’ કરતાં સાહિત્યનાં જ પુસ્તકપ્રેમી અભિજનો માટેનું ગ્રંથસમીક્ષાનું પાંચસોએક નકલોનો ફેલાવો ધરાવતું ત્રૈમાસિક બને છે.

‘પ્રત્યક્ષ’ના સંપાદન વિશેષાંક પરથી થયેલું પુસ્તક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ સીમાચિહ્‌ન છે. વળી આ સામયિકમાં પાનાં તૈયાર કરતી વખતે જે ખાલી જગ્યા પડે ત્યાં મૂકવામાં આવેલા અવકાશપૂરકો અથવા ફિલર્સ પરથી ‘બુંદબુંદની સૂરત નિરાલી’ નામે  સામયિક સંપાદન વિશેનાં અવતરણોનો અનોખો સંચય બહાર પડ્યો છે. તેનું પેટામથાળું છે : ‘દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાના વિચારસંચલનો’. ‘પરોક્ષે પ્રત્યક્ષે’ પુસ્તકમાં રમણ સોનીના સંપાદકીય વાંચવા મળે છે. તેમાં પુસ્તક નામની ઘટનાને અનેક સાહિત્યિક દૃષ્ટિબિંદુઓથી અભ્યાસનારો  ગ્રંથજ્ઞ અને વિવેચક મળે છે.

આ રમણ સોની ન હોત તો દરેક સાહિત્યપ્રેમીની દુનિયાને ન્યાલ કરનાર સામયિક ન મળ્યું હોત. સિત્તેરની નજીક પહોંચેલા ગુજરાતીના પૂર્વ અધ્યાપક, કોશનિષ્ણાત અને સૂચિકાર રમણભાઈ ‘પ્રત્યક્ષ’ના કેવાં ‘લાડ લડાવ્યાં છે’ તે દરેક અંકની માવજત પરથી ધ્યાનમાં આવે છે. કોઈ સંસ્થાના ટેકા કે અનુદાન વિના ચાલતા આ ‘દુસ્સાહસ’ માટે તેમણે વ્યક્તિગત  આર્થિક ખોટ પણ એક કરતાં વધુ વખત વેઠી છે. તેમને સાથ આપનાર સૂચિકારો, અભ્યાસીઓ, લેખકોનો યથોચિત ઋણસ્વીકાર રમણભાઈ કરે છે. છતાં દરેક અંક પર મુદ્રા તો તેમની જ અંકાયેલી છે. પુસ્તકો વિશેના ખજાના જેવા ‘ગ્રંથ’ માસિક (૧૯૬૪-૮૫) અને તેના સંપાદક યશવંત દોશી એકબીજાનાં પર્યાય હતા. ‘પ્રત્યક્ષ’ અને રમણ સોનીનું એમ જ છે. ‘ગ્રંથ’ નો વિશાળ વિષયપટ ‘પ્રત્યક્ષ’ માં હોય એવું આપણા બૌદ્ધિક જગતની કેટલીક મર્યાદાઓ છતાં રમણભાઈની ક્ષમતાને કારણે અને વિક્લ્પોને અભાવે લાગ્યા કરે છે. સાહિત્યનાં પુસ્તકોના ચાહક માટે પવનની લહેરખી જેવાં ‘પ્રત્યક્ષ’ થકી નવાં પુસ્તકોની સુવાસ આપણા સુધી પહોંચતી જ રહે છે.

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 09

પૂરવણી : -

સૌજન્ય : પીયૂષભાઈ ઠક્કરની ફેઇસબૂક વૉલ પરેથી

Category :- Opinion / Literature

આપણામાંના ઘણા જાણે છે કે - રણજિતરામ મહેતા (૧૮૮૧-૧૯૧૭) નામના લેખક-વિચારકે ઈ.૧૯૦૫માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ નામની સંસ્થા સ્થાપેલી. એ સંસ્થા આજે ૧૧૨ વર્ષ પછી પણ સતત કાર્યરત છે. એનું લોકશાહી બંધારણ છે ને એના આજીવન સભ્યો એવા સાહિત્યકારો-સાહિત્યરસિકો દ્વારા દર બે (હવે દર ત્રણ) વર્ષે એના નવા પ્રમુખ ચૂંટાઈ આવે છે કે સર્વાનુમતે વરણી પામે છે. એ જ રીતે ચૂંટાયેલી મધ્યસ્થ સભા અને એમાંથી રચાતી મંત્રીઓ વગેરે હોદ્દેદારોની કાર્યવાહક સમિતિ દ્વારા સાહિત્ય પરિષદ વક્તવ્યો-લેખન-પ્રકાશન આદિ સાહિત્ય-પ્રવૃત્તિઓ ચલાવે છે. એનાં વાર્ષિક સંમેલનોમાં વિદ્વાનો, સર્જકો, સાહિત્યરસિકોનું મોટું ચર્ચા-સં-મિલન થાય છે ને, વ્યાપક રીતે કહીએ તો તેમાં પ્રજા સાહિત્ય-અભિમુખ થાય છે.

હમણાં જ, ૨૦૧૮થી ૨૦૨૦નાં ત્રણ વર્ષ માટે સિતાંશુ યશશ્ચંદ્ર બહુમતીથી પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા (જન્મ - ૧૯૪૧) ગુજરાતી ભાષાના, આ સમયના સર્વોત્તમ કવિ છે, નાટ્યકાર છે. અને વળી ભારતમાં ને દુનિયાભરમાં જાણીતા વિદ્વાન વક્તા છે - દેશની અને પરદેશની યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે એ અવારનવાર નિમંત્રણો પામ્યા છે - જેમ કે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં, પૅરિસની Sorbonne યુનિવર્સિટીમાં, અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં, વગેરે.

એમનાં કાવ્યો અનેક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદિત થયાં છે ને ગુજરાતનાં ને ગુજરાત બહારનાં ઘણાં પારિતોષિકો-ઍવૉડ્‌ર્ઝ-સન્માનો એ પામ્યાં છે. છેલ્લાં પાંચ વર્ષથી (૨૦૧૭ ડિસેમ્બર સુધી) એ ભારતીય ‘સાહિત્ય અકાદમી’(દિલ્હી)માં ગુજરાતી ભાષાના સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે. ને હવે ૨૦૧૮ના જાન્યુઆરીથી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કાર્યકર થશે. ડિસેમ્બરના અંતમાં, સિકન્દરાબાદમાં યોજાનારા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં, વર્તમાન પ્રમુખ અને વરિષ્ઠ વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળા પાસેથી એ સપ્રેમ અને સાદર કાર્યભાર સંભાળશે.

ગુજરાતી સાહિત્ય પરિષદ સંદર્ભે, આ સાથે સંકળાયેલી એક બીજી બાબત પણ કહેવી અનિવાર્ય છે. કોઈ પણ દેશ કે ભાષામાં સાહિત્યો - અને સર્વ લલિત કલાઓ સ્વાયત્ત છે, હવે લોકશાહી પરંપરામાં એ પરાયત્ત કે અન્ય-આશ્રિત નથી. સાહિત્યની સંસ્થાઓ - એમાંની કોઈ સરકારનું અનુદાન મેળવતી હોય કે સરકારના પૂરા આર્થિક ટેકાથી ચાલતી હોય તો પણ, સાહિત્યપદો (જેમ કે પ્રમુખપદ, અધ્યક્ષપદ વગેરે) અને સાહિત્યિક કાર્યો અંગે એ સ્વતંત્ર હોય છે.  સરકાર આદિની કોઈ જ દખલગીરી વિના, લોકશાહી - પરંપરાથી જ એ ચાલે છે.

એમાં, ગુજરાત સરકારે રચેલી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ આપણા સંમાન્ય સાહિત્યકારો ઉમાશંકર જોશી, દર્શક, યશવંત શુક્લના આગ્રહોથી, ચૂંટણી દ્વારા અધ્યક્ષની વરણીની પરંપરા ઊભી કરીને સ્વાયત્ત થયેલી - દર્શક અને પછી ભોળાભાઈ પટેલ એના અધ્યક્ષો હતા.

પણ વચ્ચે, કેટલાંક વર્ષ પહેલાં, એક વાર ચૂંટણી સ્થગિત થઈ એ પછી, બે વર્ષ પહેલાં સરકારે સીધી નિયુક્તિથી ભાગ્યેશ જ્હાને (અને હવે વિષ્ણુ પંડ્યાને) એના અધ્યક્ષપદે સ્થાપ્યા, એથી ગુજરાતના લેખકોએ ‘સ્વાયત્ત અકાદમી’ માટેનું આંદોલન કર્યું. પૂર્વસિદ્ધાંતો અને પરંપરા અનુસાર સાહિત્ય પરિષદે પણ ‘સ્વાયત્તતા’ને પોતાનો આગ્રહ બનાવ્યો. એથી બે વર્ષ પહેલાં, ચંદ્રકાન્ત ટોપીવાળાએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણી લડવાનું - લોકશાહી ધોરણોનું રક્ષણ કરવાના આપદ્‌ધર્મથી સ્વીકાર્યું અને સાહિત્યની ગરિમા અને સ્વાયત્તતાના આગ્રહી સાહિત્યકારો અને સાહિત્યરસિકોએ, વિપરીત સંજોગો વચ્ચે પણ,  ચંદ્રકાન્ત ટોપીવાળાને બહુમતીથી ચૂંટ્યા.

એ જ પરિસ્થિતિ આજે, બે વર્ષ પછી પણ ઊભી થઈ અને એ જ સાહિત્યકાર-રસિકોએ એવા જ વિપરીત સંજોગો છતાં સિતાંશુ યશશ્ચંદ્રને બહુમતીથી પરિષદપ્રમુખ તરીકે ચૂંટ્યાં.

લોભ-લાલચવશ થઈને, લેખક તરીકેની ખુમારીને પણ બાજુએ મૂકનારા કેટલાક સાહિત્યકારો પણ હોવાના - છે પણ ખરા, પરંતુ બહુમત સાહિત્યસેવીઓએ સિદ્ધ કર્યું કે સાહિત્ય અને કલા એના લેખકની ગરિમાથી અને સ્વાયત્તતાથી ઊજળાં હોય છે.

સિતાંશુભાઈનો વિજય થયો, એમાં સાહિત્યમૂલ્યનો તેમ જ સ્વાયત્તતાના મૂલ્યનો પણ મહિમા થયો છે, એનો સવિશેષ આનંદ છે.

સિતાંશુભાઈને આવકાર અને અભિનંદન.

(“પ્રત્યક્ષ”, નવેમ્બર, ૨૦૧૭માંથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 08

Category :- Opinion / Literature