OPINION

માથા પરની રેફ…..

કિરીટ દૂધાત
18-02-2018

[નિરંજન ભગતની લક્ષ્યવેધી પંક્તિઓ પ્રમાણે ‘નર્મદ’થી ‘ન મર્દ’ ભણી. − તંત્રી, “નિરીક્ષક”]

તા. ૧/૨/૨૦૧૮ના રોજ થયેલા નિરંજન ભગતસાહેબના અવસાનથી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અને ગુજરાતી સાહિત્ય પરિષદના હોદ્દેદારોએ પરિષદમાં પોતાનો હોદ્દો જાળવી રાખીને અકાદમીના કાર્યક્રમોમાં પડદા પાછળ કે આગળ રહીને ભાગ ભજવવો કે કેમ એ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે અને સર્જકની સ્વાયત્તતા ન અળપાય એટલે આ બંને સંસ્થામાં એકસાથે વિચરણ કરવાનું વ્યક્તિ-સ્વાતંત્ર્ય હોવું જોઈએ, એવી લેખિત અને મૌખિક માંગ ઊઠી છે. આ અંગે હું મારો દૃષ્ટિકોણ રજુ કરું છું.

અકાદમી અત્યારે સંપૂર્ણપણે સરકારી નિયંત્રણ નીચે કામ કરતી કચેરી છે. શું સરકાર પોતાના તાબાના  કર્મચારીઓને બે જગાએ હોદ્દો ભોગવવાની છૂટ આપે છે? ઉદાહરણ તરીકે કોઈ કર્મચારી સરકારી કચેરીમાં ક્લાર્ક તરીકે કાર્યરત છે અને બાદમાં એ પરીક્ષા પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બને અને સરકારની બેવડી સેવા કરી શકે, તેવા ઉમદા હેતુથી (ઉમદા હેતુથી જ હોંકે, અહીં આ ગૂંચવાડા માત્ર ને માત્ર મારા ગુજરાતી સર્જકના હેતુઓ ઉમદા હોવાથી જ થયા છે.) ડેપ્યુટી કલેક્ટર ઉપરાંત ક્લાર્ક તરીકે મૂળ જગાએ પણ ચાલુ રહેવાની ઑફર કરે, તો સરકાર એ દરખાસ્ત સહર્ષ સ્વીકારી લેશે? ના જી, એને જણાવવામાં આવશે કે ‘પહેલા ક્લાર્ક તરીકે રાજીનામું મૂકીને આવો, પછી બીજી જગાએ નિમણૂક મળશે.’ જો કે મારો વ્યક્તિસ્વાતંત્ર્યનો હિમાયતી એવો ગુજરાતી સર્જક તરત કહેશે કે ‘હું કાંઈ ક્લાર્ક છું?’ (નથી?)

પણ કોઈને આ પાઘડી બંધબેસતી ન જણાય, તો અમે બીજી પાઘડી રજૂ કરીએ છીએ. (આવી તો અમારી પાસે અનેક પાઘડીઓ છે, એમાંથી અમે એકાદ તો મારા ગુજરાતી સર્જકને બંધ બેસી જાય એવા આ લખાણમાં ભરપૂર પ્રયત્નો કરીશું.)

તો પાઘડી બીજી. ધારો કે કોઈ એક તાલુકા પંચાયતનો નાના એવા હોદ્દા ઉપર ચૂંટાયેલો કૉંગ્રેસપક્ષનો નાનો-શો રાજકીય કાર્યકર છે અને તેને પ્રજાની સેવા વધારે સારી રીતે કરી શકાય તે માટે પોતાનો મૂળ પક્ષ છોડીને ભારતીય જનતા પક્ષમાં જવાની પ્રેરણા એના અંતરાત્માએ ( હી..હી...) આપી છે, પણ જનતાની બેવડી સેવા થઈ શકે એવા એકમાત્ર ઉમદા હેતુથી ( ઉમદા હેતુથી જ હોંકે, અહીં આ ગૂંચવાડા માત્ર અને માત્ર મારા ગુજરાતી સર્જકના હેતુઓ  ઉમદા હોવાથી જ થયા છે.) એ શરત કરે કે હું બંને પક્ષમાં પાયાના કાર્યકર તરીકે ચાલુ રહીશ અને બંને પક્ષની મિટિંગોમાં હાજરી પુરાવીને બંને જગ્યાએ સાધિકાર મારો અવાજ રજૂ કરીશ, તો માનનીય જિતુભાઈ વાઘાણીસાહેબ જાહેર કાર્યક્રમ યોજીને એને ભગવો ખેસ પહેરાવશે? એને કહેવામાં આવશે કે પહેલા તમારા મૂળ પક્ષમાંથી ફારેગ થઈને આવો. જો કે મારો વ્યક્તિ- સ્વાતંત્ર્યનો હિમાયતી એવો ગુજરાતી સર્જક તરત કહેશે કે ‘હું કાંઈ તાલુકા કક્ષાનો નાનો-શો કાર્યકર છું?’ (નથી?)

કશો વાંધો નહીં, આવી કારકુનિયત અને તાલુકા પંચાયત જેવી ગ્રીડી મનોદશામાંથી બહાર નીકળીને એકાદ લટાર આંતરરાષ્ટ્રીય ઓટલે લગાવી આવીએ. ધારો કે મારો ગુજરાતી સર્જક ભારતભૂમિમાં જન્મ્યો છે પણ યુરોપ અને અમેરિકા જઈને વસ્યો છે અને ત્યાંની સિટીઝનશિપ પણ  લીધી છે. એટલે કે એ ભારતનો નાગરિક મટી ગયો છે પણ હમણાં હમણાંથી એને વતનની ધૂળ ખૂબ જ યાદ આવે છે અને બંને દેશોની સેવા એકસાથે થઈ શકે એવા ઉમદા હેતુથી (ઉમદા હેતુથી જ હોંકે, અહીં .......) બેવડું નાગરિકત્વ મેળવવા એ ભારતનાં વિદેશમંત્રી સુષમાજીને ટિ્‌વટ કરીને પોતાને ભારતનું નાગરિકત્વ તાબડતોબ ધોરણે જારી કરવા વિનંતી કરે છે. હવે  સુષમાજી તરત એને વળતાં ટિ્‌વટે શું જવાબ આપશે? રાઇટ યુ આર! કે પહેલાં તમારી ત્યાંની નેચરલાઇઝ્‌ડ સિટીઝનશિપ છોડીને આવો, પછી જરૂર આપીશું.

આ તો માળું અઘરું થતું જાય છે! હજી એક વધુ પ્રયત્ન કરીએ. ધારો કે વ્યક્તિસ્વાતંત્ર્યનો હિમાયતી મારો ગુજરાતી સર્જક કૉલમનિષ્ઠ પણ છે અને અમદાવાદનાં ચાર મોટા અખબાર ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘દિવ્યભાસ્કર’ અથવા ‘નવગુજરાત સમય’માંથી કોઈ એક અખબારમાં કૉલમ લખે છે, પણ એકસાથે બે અખબારના વાચકોની જ્ઞાનપિપાસા સંતોષાય એવા ઉમદા હેતુથી (..............) એ એકસાથે બંને અખબારોમાં પોતાની કૉલમ લખવા માટે એક અખબારના તંત્રી પાસે જઈને પોતાની લાગણી રજૂ કરે, તો તંત્રીશ્રી એને કઈ બિનશબ્દકોશીય ભાષામાં જવાબ આપશે, એ કલ્પના તો હે વાચક, તું સ્વાયત્તતાનો હિમાયતી હોય કે ન હોય તો પણ કરી જ શકીશ.

તો હવે પ્રશ્ન એ થાય કે હે મારી ભાષાના સર્જક કારકુન, સામાન્ય રાજકીય કાર્યકર, નૅચરલાઈઝ્‌ડ સિટીઝન કે કૉલમસેવીઓને જે વાત લાગુ પડે એ તને લાગુ ન પડે તે તારી શી વિશેષ લાયકાત? તું આ શેનાં બખાળાં કાઢે છે? તું કહીશ કે સરકાર અમારા વ્યક્તિસ્વાતંત્ર્યની કદર કરીને અમને તો મૂળ સંસ્થામાંથી રાજીનામું આપવાનું કોઈ દબાણ નથી કરતી તો પરિષદ જ કેમ આ લઈને મંડી છે? તો વ્યક્તિસ્વાતંત્ર્ય એમ બોલતી વખતે તારી છાતી ગજગજ ફૂલતી હશે. પણ રહે, ‘સ્વાતંત્ર્ય’ જેવા ભારેખમની આગળ ‘વ્યક્તિ’ જેવો આજકાલ લઘુ થઈ ગયો છે, એવો એક શબ્દ મોજૂદ છે? જે તંત્ર ક્લાર્ક ઇત્યાદિની હાજરી બે જગાએ ઇચ્છતું નથી, એ તારી હાજરી અકાદમીમાં બિનશરતી ધોરણે આવકારે છે એ તને ‘વ્યક્તિ’ ગણે છે કે એક સદીથી પણ જૂની સંસ્થાને તોડવાનું ‘પ્યાદું માત્ર?’ તારે શેની સ્વતંત્રતા જોઈએ છે? પ્યાદું થવાની?

સરકારને હૈયે સાહિત્યપ્રેમ છે, એવું તું માનતો હોય, તો એણે નીમેલા છેલ્લા બે અધ્યક્ષોની સાહિત્યિક ક્ષમતા જોઈ લે અને પરિષદના સામાન્ય સભ્યોએ ચૂંટેલા છેલ્લા ત્રણેય પ્રમુખોનાં વિદ્વાન અને સાહિત્યકાર તરીકેનાં કદ જોઈ લે. હું તો વિચારું છું કે ભાગ્યેશ જહાના અધ્યક્ષસ્થાને મળતી અકાદમીની મિટિંગમાં આદરણીય ધીરુબહેન પટેલ જેવાં સાહિત્યકાર સામાન્ય સભ્ય તરીકે બેસતાં હશે, ત્યારે ત્યાં હાજર રહેલા અને ખુદને સાહિત્યકાર કહેવરાવતાં બીજાં સભ્યોનાં માથાં શરમથી ઝૂકી નહીં જતાં હોય? અરે, આવા તો કેટલા અફસોસ કરવા!

ખેર, ભગતસાહેબના સંદર્ભે શરૂ કરેલી વાત એમની આ એક પંક્તિથી પૂરી કરીએ,

‘સાતડે સાત
બોબડા ને તોતડાની નવી કરો નાત!’

તા.૭/૨/૨૦૧૮

E-mail : kiritdoodhat@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 14

Category :- Opinion / Opinion

૧૯૬૦ જુલાઈમાં અમારા એક નાના ગ્રુપનો એમ.એ.(એન્ટાયર ઇંગ્લિશ)નો વર્ગ લેવા ભગત સાહેબ એમ.જી. સાયન્સના એક મોટા વર્ગમાં ‘કોન્ટેમ્પરરી વર્સ’ શીખવવા આવતા. એ દિવસોમાં ‘એન્ટી-ઇંગ્લિંશ’નો ચેપ ગુજરાતને લાગેલો. એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને પણ ભગતસાહેબે એક વિધાન કરેલું. ‘આપણી આંદોલન કરવાની કળામાં કાંઈક કચાશ છે.’

‘Fools rush in where angels fear to tread ...’ ‘કૉન્ટેમ્પરરી વર્સ’માં ડબલ્યુ.એચ. ઓડેન, સ્ટીફન સ્પેન્ડર, સી.ડી. લૂઈસ અને મેકનીસની વાત કર્યા પછી એલિયટના ‘પ્રુફ્રોક’ના પ્રેમગીતના એપીગ્રાફ સમજાવવા ત્રણેક પીરિયડ લીધા. એલિયટ કે પાઉન્ડની વાત કરવામાં એમણે ક્યારે ય થાકનો અનુભવ નહોતો કર્યો. શિક્ષક તરીકે એમણે ક્યારે ય વિદ્યાર્થીઓની હાજરી લેવાનો મહિમા નહોતો કર્યો. એલિયટને યાદ કરીને ખૂબ જુસ્સાપૂર્વક કહેતા :

‘I have measured out my life with Coffee Spoons …
Let us go, you and I
When the evening is spread out against the sky
Like a patient etherised on a table.’

ખેર! મારે એકાદ બે મહિનાના અંતરે સાહેબને ઈ/૬, જલદર્શનમાં મળવા જવાનું થતું. ૨૭મી જાન્યુઆરીએ સવાર અગિયાર વાગે મળ્યો ન મેં ‘વીસમી સદીના અંગ્રેજી કવિતાનું વિહંગાવલોકન’ તૈયાર કરવા માર્ગદર્શન આપવા વિનંતી કરી.

‘જોજે એ માત્ર નામાવલી ન બને; એઝરા પાઉન્ડ, એલિયટ તો બહુ મોટા કવિ ... પણ ડીલનને ન ભૂલાય ...!’

સાચે જ! હવે આ પ્રકારની શીખ મને કોણ આપશે! એ વિરલ આત્માને શતશઃ પ્રણામ. એમનો આવો પમરાટ આપણે સૌ આપણા જીવનમાં પમરાવીએ એ સાચી શ્રદ્ધાંજલિ.

૬-બી, ચન્દ્ર જ્યોત સોસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ-૩૮૦ ૦૫૧

સૌજન્ય : “નિરીક્ષક”, 18 ફેબ્રુઆરી 2018; પૃ. 10

Category :- Opinion / Opinion