OPINION

મારા મિત્ર ડૉ. સંજીવ ચાંદોરકર તાતા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સ્ટડીઝમાં અર્થશાસ્ત્ર ભણાવે છે. તે કહે છે કે છેલ્લા એક દશકમાં નવમૂડીવાદનો ચહેરો એટલી હદે બદલાઈ ગયો છે જેનાં વિષે લોકો બહુ ઓછું જાણે છે અને ડાબે કે જમણે કોઈ ભૂમિકા લઈને આર્થિક નીતિ વિષે ઊહાપોહ કરે છે. છેલ્લા એક દાયકા દરમિયાન અર્થશાસ્ત્રનું વિત્તીયકરણ (ફાયનાન્શિયલાઈઝેશન) થઈ ગયું છે એ આપણા ધ્યાનમાં આવતું નથી. સાયન્સ, ટેકનોલોજી, મૂડીનું રોકાણ, શ્રમ, કાચો માલ, બજાર, ખરીદશક્તિ વગેરે અર્થશાસ્ત્રના જૂના માપદંડો કાલબાહ્ય થઈ રહ્યા છે. જૂનાં અર્થશાસ્ત્રને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના માંગ અને પુરવઠા સાથે સંબંધ હતો. જ્યારે નવમૂડીવાદી અર્થતંત્ર ધિરાણ પર આધારિત છે. અંગ્રેજીમાં આને ડેબ્ટ ઇકોનોમી કહેવામાં આવે છે. પહેલાં આપણે બધા ગ્રાહક હતા અને આજે આપણે મુખ્યત્વે રોકાણકાર કે દેણદાર છીએ. એના કેન્દ્રમાં આવતીકાલ છે. માણસ પોતાની આવતીકાલને સુધારવા દેવું લે છે અને આવતીકાલ સદ્ધર કરવા ધિરાણ આપે છે. બન્નેમાંથી કોઈને ખાતરી નથી એક આવતીકાલ કેવી હશે.

સંજીવ કહે છે કે ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈમાં રહેતો યુવક આગળ ભણવા માટે દસ હજાર રૂપિયાની શૈક્ષણિક લોન લે છે ત્યારે તેને અને લોન આપનાર નાણાસંસ્થાને ખબર નથી હોતી કે એ પૈસા અમેરિકામાં કેલિફોર્નિયામાં દુકાન ચલાવનારા અમેરિકનના હોય છે. રોકાણ કરીને આવતીકાલ સદ્ધર કરવા માંગતો અમેરિકન અને લોન લઈને આવતીકાલ સુધારવા માંગતો ડાંગનો આદિવાસી યુવક એકબીજાને ઓળખતા નથી. તેમની વચ્ચેની આર્થિક લેવડ-દેવદની પણ તેમને જાણ નથી. પૈસાના પ્રવાહનો વચ્ચે મોટો રૂટ છે જે અત્યંત અટપટો છે. પ્રવાહની ધારાઓ, ઉપ-ધારાઓ અને તેનાથી પણ બારીક ઉપ-ઉપ-ધારાઓ ન સમજાય નહીં એવી હોય છે. જેમ કે મિ. ‘બ’ તેને પૈસા આપનારા મિ. ‘અ’ ને ઓળખે છે અને તે જેને પૈસા આપે છે એ મિ. ‘ક'ને ઓળખે છે. બાકી ઉપરવાસની અને નીચેની ધારાઓની તેને જાણ હોતી નથી. નદીનાં મૂળ અને ઋષિના કુળ નહીં પૂછવાની આપણે ત્યાં કહેવત છે. હવે તેમાં નાણાંનો ઉમેરો કરવો જોઈએ. નાણાંનાં મૂળ અને કુળ બન્ને જાણવા દુર્લભ છે.

આની વચ્ચે ગઈ છઠ્ઠી એપ્રિલના રોજ રિઝર્વ બૅન્કે એક આદેશ બહાર પડ્યો હતો કે ૧૫મી ઓક્ટોબર સુધીમાં વ્હીઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ વગેરે વિદેશી કંપનીઓ ભારતમાં જે નાંણાકીય વ્યવહાર કરે છે તેની માહિતી દેશની બહાર ન જાય તેની જોગવાઈ કરે.

શું જોગવાઈ કરે એ અંગે બૅન્કે ૨૫મી એપ્રિલે માર્ગદર્શિકા બહાર પાડી હતી અને કહ્યું હતું કે નાણાંકીય વ્યવહાર કરનારી વિદેશી કંપનીઓએ એવી કોપ્યુટર સિસ્ટમ વિકસાવવી જે શુદ્ધ ભારતીય હોય. આ ત્રણ કંપનીઓ અમેરિકન છે અને નાણાંકીય વ્યવહારની સિસ્ટમ તેની પોતાની છે જે અમેરિકન હોવાની પૂરી શક્યતા છે. બૅન્ક એમ માને છે જો કોમ્પ્યુટર સિસ્ટમ દેશી હશે તો ભારતના રોકાણકારો કે ધિરાણ લેનારાઓની માહિતી દેશની બહાર નહીં જાય.

૧૫મી ઓક્ટોબરની મુદત પૂરી થઈ ગઈ છે. કોઈ નાણાસંસ્થાએ દેશી કોમ્પ્યુટર સિસ્ટમ વિકસાવી નથી કે અપનાવી નથી. એ કંપનીઓએ રિઝર્વ બૅન્કને કહી દીધું હતું કે એ શક્ય નથી અને દેશી કે વિદેશીથી કોઈ ગુણાત્મક ફરક પડતો નથી. આ બાજુ રિઝર્વ બેન્કે તેની દલીલ સ્વીકારી નથી કે મુદ્દત વધારીને આપી નથી. તો આનો અર્થ તો એટલો જ થયો કે વિદેશી નાણા સંસ્થાઓએ રિઝર્વ બૅન્કના આદેશની અવગણના કરી છે. રિઝર્વ બેન્કે કાં તો વ્હીઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ જેવી સંસ્થાઓની દલીલ સ્વીકારીને આદેશ પાછો ખેંચવો જોઈએ અને કાં તેમની દલીલ ગળે ઊતરે એવી નથી કહીને વળતી દલીલો કરીને આદેશનો અમલ કરવો જ પડશે એમ સ્પષ્ટ કહી દેવું જોઈએ. રિઝર્વ  બેન્કે આમાંનું કાંઈ કર્યું નથી. હા, વિદેશી નાણા સંસ્થાઓ એ સધિયારો આપવાનું ચૂકી નથી કે અમારે ત્યાં ભારતીય ગ્રાહકોના ડેટા સુરક્ષિત છે. આ આજકાલ રિવાજ છે. આધાર કાર્ડ આપનારી ઓથોરિટી પણ કહે છે કે અમારે ત્યાં ડેટા સુરક્ષિત છે, તો વિદેશી વેપારી સંસ્થા કહે એમાં કોઈ આશ્ચર્ય નથી.

વિદેશી ધિરાણ સંસ્થાઓએ કરેલી રિઝર્વ બૅન્કના આદેશની અવગણના અને રિઝર્વ બૅન્કના પક્ષે આગ્રહનો અભાવ એમ સૂચવે છે કે  ડેટા કોઈ જગ્યાએ સુરક્ષિત નથી, પછી સિસ્ટમ ભારતીય હોય કે વિદેશી. કોઈના પણ ડેટા હેક થઈ શકે છે. જો માહિતી હોય તો માહિતી લીક થઈ શકે છે. જો  કંપનીની માહિતી વેચવાની પોલિસી ન હોય તો કર્મચારી વેચી શકે છે. એમાં વળી બેંકો અને ધિરાણ સંસ્થાઓ પાસે તો પ્રોસેસ્ડ કરેલા ડેટા હોય છે. રેડી ટુ યુઝ.

તો પછી રિઝર્વ બેન્કે આવો આદેશ બહાર પાડ્યો શા માટે? આનું કારણ વાણિજ્યનો રાષ્ટ્રવાદ છે. એક જમાનામાં ઉદ્યોગપતિઓ વિદેશી કંપનીઓ ભારતમાં પ્રવેશ ન કરે એ માટે લોબિંગ કરતા હતા. ભારત સરકારે મોટી કંપનીઓને ભારતમાં પ્રવેશ આપવાની જગ્યાએ માત્ર ટેકનોલોજીની આયાત કરવી જોઈએ જેવી દલીલો કરતા હતા. દેશનો નફો દેશમાં રહેવો જોઈએ એ તેમની બીજી દલીલ હતી. તેમનો સ્વદેશપ્રેમની પાછળ સ્વાર્થ હતો. દેશપ્રેમનું ઓઠું વાપરીને તેઓ હરીફાઈ ટાળવા માંગતા હતા. આજે ‘પે ટીએમ' જેવી કંપનીઓ આવી જ દલીલનો સહારો લે છે. વિદેશી ધિરાણ કંપનીઓને ભારતમાં ધંધો કરતો રોકી શકાય એમ તો છે નહીં ચાલો દેશના ડેટાની સુરક્ષાની વાત આગળ કરે છે. સિસ્ટમ ભારતીય હોવી જોઈએ. ભારતીય કંપનીઓ ભારતીય છે એ વાત સાચી પણ તેમના પણ નૈતિકતાના પ્રશ્નો છે. ‘પે ટીએમ’ એ કાશ્મીરની ખીણના ડેટા વડા પ્રધાનના મંત્રાલયે માગ્યા ત્યારે આપી દીધા હતા જેનો ઉપયોગ ચૂંટણી માટે કરવામાં આવ્યો હતો.

એક વાક્યમાં કહેવું હોય તો આ જગતમાં કોઈ જગ્યાએ ડેટા સુરક્ષિત નથી એટલે તેના પર રાષ્ટ્રવાદનો વરખ ચડાવવાનો કોઈ અર્થ નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 અૉક્ટોબર 2018

Category :- Opinion / Opinion

દિમાગની રચનામાં હોય એનાં કરતાં પણ વધારે ગડીઓ અને આવરણ સ્ત્રી-પુરુષનાં સંબંધોમાં હોય છે. તેમાં કોઈ સામાન્ય સત્ય તારવવું અથવા કોઈ એકને સદા શોષક કે સદા શોષિત ગણી કાઢવાનું શક્ય નથી. તેમ છતાં, સરેરાશ પ્રમાણે અથવા ઘણા સંગીન અપવાદો ધરાવતા નિયમ તરીકે કહી શકાય કે સ્ત્રીઓનું પુરુષો દ્વારા શોષણ થાય અને તેની પર સતત ઢાંકપિછોડો થયા કરે, સ્ત્રીને ખમીખાવાની કે પતાવટ કરી દેવાની સલાહ આપવામાં આવે એવું ઘણું વધારે બને છે.

અમેરિકામાં થોડાં વર્ષ પહેલાં શરૂ થયેલી # MeToo ઝુંબેશનો આશય સ્ત્રીઓને શોષણ સામે અવાજ ઉઠાવવા પ્રેરવાનો હતો. ભારતમાં પણ આવી ઘડીઓ પહેલાં આવેલી છે અને એકાદ પખવાડિયા પહેલાં નવેસરથી સ્ત્રીઓની ફરિયાદોની શરૂઆત થઈ. અગાઉ પર્યાવરણ અંગેના કામ માટે સામૂહિક રીતે નોબેલ પારિતોષિક મેળવી ચૂકેલા આર.કે. પચૌરી કે મૂલ્યનિષ્ઠ પત્રકારત્વની વાત કરતા ’તહલકા’ના તરુણ તેજપાલ જેવાં નામ જાતીય દુર્વ્યવહાર માટે દોષી ઠર્યાં હતાં.

હમણાં ભારતમાં ટિ્‌વટર પર શરૂ થયેલી # MeToo ઝુંબેશમાં ફિલ્મ, પત્રકારત્વ અને લેખનક્ષેત્રનાં ઘણાં મોટાં નામો સામે આંગળી-ચીંધામણું થયું. તેમાંથી મોટા ભાગના લોકોએ નબળી અને માફીના સાચૂકલા રણકાર વગરની ઔપચારિક માફી માગી, કેટલાકે સાથે પોતાના દુર્વ્યવહાર માટે બહાનાં કાઢ્યાં, નાના પાટેકર જેવાએ આરોપોનો સાફ ઇન્કાર કર્યો, વરુણ ગ્રોવરે પોતાની સામે થયેલા આરોપ કેમ ખોટા છે, તેની વિગતો આપી.

ઝુંબેશના નામકરણથી માંડીને અત્યાર સુધીની ગતિવિધિમાં એવી છાપ પડે છે કે જાણે આ બધું સ્ત્રીવિષયક છે અને પુરુષોને તેમાં કંઈ લેવાદેવા નથી. જાણે, સમદુઃખિયણ સ્ત્રીઓ ભેગી થઈને પોતપોતાની હૈયાવરાળો ઠાલવી રહી છે. છો ઠાલવતી. મનમાંથી ઊભરો નીકળી જશે, એટલે બધું રાબેતા મુજબ થઈ જશે. એમાં પુરુષોએ કશું કરવાની જરૂર નથી. લોકો ભલભલું ભૂલી શકતા હોય, તો ‘મી ટુ’ શું ચીજ છે?

કોઈ પણ પ્રકારના અન્યાયનો વિરોધ કરવાનો આવે ત્યારે પાયાનો સવાલ હોય છે : તેમાં બંને પક્ષ સંકળાયેલા છે? ફરિયાદ થાય તે સૌથી પહેલી જરૂરિયાત છે. એટલે જ # MeToo ઝુંબેશ એકદમ આવકાર્ય છે. પરંતુ અન્યાયનિવારણની આખી પ્રક્રિયા સામાન્યતઃ કંઈક આ રીતે ચાલે છે : ફરિયાદ-સ્વીકાર-શરમ-પશ્ચાત્તાપ-સજા-સુધારો. સહેજ શાંતિથી આ પ્રક્રિયા વિશે વિચારતાં સમજાશે કે તેમાંથી ભોગ બનનારે ફરિયાદ કરવાની છે અને ગુનેગારને સજા થાય તેની માગણી કરવાની છે, જ્યારે સ્વીકાર, શરમ, પશ્ચાત્તાપ, સજા અને સુધારા જેવા મહત્ત્વના તબક્કામાંથી ફરિયાદીએ નહીં, ગુનેગારે પસાર થવાનું હોય છે. (દલિતપ્રશ્ન અંગે ગાંધીજીને ગમે તેટલી ગાળો દેવી હોય તો પણ, આ પ્રક્રિયા મનમાં રાખીને તેમના અભિગમ વિશે ફરી વિચાર કરવા જેવો છે.) પરંતુ બને છે સાવ અવળું. # MeToo ઝુંબેશમાં બધું ધ્યાન ભોગ બનનાર પર કેન્દ્રિત છે. ઝુંબેશનું નામ સૂચવે છે તેમ, ‘મારી સાથે પણ આવું થયું હતું … હું પણ આનો ભોગ બની ચૂકેલી છું ... મી ટુ.’ આગળ જણાવ્યું તેમ, વર્ષોથી કે ઘણા કિસ્સામાં દાયકાઓથી શોષણના પ્રસંગોનો બોજ વેઠતી સ્ત્રીઓ જાહેરમાં પોતાની વાત મૂકે, તે પહેલું અને બહુ અગત્યનું પગથિયું છે. આખી પ્રક્રિયા શરૂ થવા માટે તે અત્યંત જરૂરી છે, પણ પૂરતું નથી. હા, અમેરિકામાં કૅવિન સ્પેસી જેવા વિખ્યાત અભિનેતાને મોટી ઉંમરે થોડું આર્થિક નુકસાન વેઠવું પડ્યું, ‘નેટફ્લિક્સ’ની સિરીઝ ‘હાઉસ ઑફ કાડ્‌ર્ઝ’ની છ-છ સીઝનમાં હીરો તરીકે કામ કર્યા પછી, આરોપોના પગલે સાતમી સીઝનમાંથી તેમને હાંકી કઢાયા, મૉર્ગન ફ્રીમૅન જેવા વિખ્યાત અભિનેતાના ચાહકો થોડા સમય માટે દુઃખી થઈ ગયા. પણ આ બધું ચાર દિવસનાં ચાંદરણાં જેવું વધારે લાગે છે. તેનાથી એકંદર પરિસ્થિતિમાં ફરક પડતો હોય એવું લાગતું નથી.

ભારતમાં ભૂતકાળમાં ફિલ્મઉદ્યોગમાં ‘કાસ્ટિંગ કાઉચ’ના આરોપો થયા, થોડો વખત ચર્ચાયા અને પછી ભુલાઈ ગયા. આવું થાય ત્યારે ફરિયાદોના પ્રવાહ અને તેની સંખ્યા પરથી તેની ગંભીરતા સમજવાને બદલે, ઉપરથી આ જ હકીકતનો ઉપયોગ તેની ગંભીરતા ઘટાડવા માટે થાય છે. (‘હવે બધા વહેતી ગંગામાં હાથ ધોવા નીકળી પડ્યા છે.’) થોડી જૂઠી ફરિયાદોથી શરમજનક વાસ્તવિકતા સંતાડવાનું ઓર સહેલું થઈ જાય છે. પરિણામે, શિકારીવૃત્તિ ધરાવતા લોકોને એવી કશી સજા થતી નથી કે જેથી બીજા લોકો પર દાખલો બેસે. ઉપરાંત, સમાજમાં સ્ત્રીઓ માટે એકંદર કેવી માનસિકતા પ્રવર્તે છે, તેની પણ ચર્ચા કે સ્વીકાર થતાં નથી. સાચી ફરિયાદોને છૂટાછવાયા કિસ્સા તરીકે ખપાવી દેવાય છે.

સંબંધિત ક્ષેત્રના લોકો અને સમાજ વ્યાપક શોષણની કબૂલાત કરતાં શરમ અનુભવે છે. (શરમ ખરેખર તો શોષણખોરીથી અનુભવવાની હોય.)  ફિલ્મ હોય કે પત્રકારત્વ, જાહેરજીવન હોય કે રાજકારણ, આવી ફરિયાદો થાય, ત્યારે મોટા ભાગના પુરુષો શોષણખોરી કે અન્યાય વિરુદ્ધ પડવાને બદલે પુરુષ તરીકે સંપી જાય એવું વધારે જોવા મળે છે.

બેશક, કોઈ પણ કાયદાની જેમ કે કોઈ પણ ટૅક્‌નોલૉજીની જેમ, # MeToo ઝુંબેશનો દુરુપયોગ થતો જ હશે. ખોટા આરોપનો ભોગ બનનારાની વળી જુદી કરુણકથા હોઈ જ શકે. કોઈ અંગત વ્યક્તિને આવા જૂઠા આરોપનો ભોગ બનવું પડે, ત્યારે તેની પીડા બરાબર સમજાય. પરંતુ એના કારણે આખેઆખી # MeToo જેવી ઝુંબેશને ‘ફૅશનેબલ’ કે દેખાદેખીબાજી તરીકે ધુત્કારી કઢાય નહીં અને તેમાં રહેલી કડવી સચ્ચાઈનો ઇન્કાર પણ કરી શકાય નહીં. એવું કરનારા સરવાળે પોતાની સંકુચિત માનસિકતા અથવા અન્યાય સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ જ વ્યક્ત કરે છે.

હજુ તો ફક્ત ફિલ્મ કે લેખન-પત્રકારત્વનાં અને એ પણ થોડાં ઘણાં નામ જ જાહેર થયાં છે. શોષણનો શરમજનક સિલસિલો ક્યાં નથી ? પીએચ.ડી. કરતી વિદ્યાર્થિનીઓ બોલવાનું શરૂ કરે, તો આપણા કેટકેટલા ગાઇડો ખુલ્લાં પડે, સ્થાનિક પત્રકારત્વ, શિક્ષણ અને જાહેરજીવનથી માંડીને કેટકેટલાં ક્ષેત્રોની સ્ત્રીઓ હજુ બોલી નથી. તેમને પોતાના યોગક્ષેમની ચિંતા છે. તેમને સમાજ પર ભરોસો નથી કે તે કાયમ ટેકામાં રહેશે અને શિકારીઓ પર ભરોસો છે કે તે ગમેતેમ કરીને તેમનું ગોઠવી લેશે.

શોષણની ફરિયાદો થતી જ રહેવી જોઈએ, પણ તેનો મુખ્ય સૂર # MeToo નહીં, # YouToo હોવો જોઈએ. કારણ કે શોષણખોરી નાબૂદ કરવાનો મોટા ભાગનો બોજ ફરિયાદીના માથે નહીં, ગુનેગારના અને તેને છાવરનાર સમાજના માથે હોય, તો જ લાંબા ગાળે કંઈક અર્થ સરે.

Email : uakothari@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 16 અને 15

Category :- Opinion / Opinion