OPINION

૨૧મી સદીની શરુઆત થઈ ત્યારે એવી આશા હતી કે નવલી સદી આગલી સદીના દુ:ખો દૂર કરશે. આજે પૂર્વના દેશો હોય કે પશ્ચિમના, ઉત્તર ગોળાર્ધના રહેવાસીઓ હોય કે દક્ષિણ ગોળાર્ધના, પ્રગતિશીલ સમાજના સભ્યો હોય કે રૂઢિવાદી સમાજના, કોઈને પણ એમની ચિંતાનું મુખ્ય એક પરિબળ જણાવવાનું પૂછશો તો સહુ ભલે જુદી જુદી ભાષામાં પણ એકી અવાજે કહેશે કે, ‘સામાજિક અધ:પતન અમને ભારે પીડા કરે છે.’

આ પરિસ્થિતિ માટે ધાર્મિક, આર્થિક અને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા અનેક ઘટકોનો સીધો કે આડકતરો ફાળો છે, પરંતુ આજની શિક્ષણ પદ્ધતિ કેવી રીતે આજના સમાજને બદલે છે તે જોઈએ.

માનવ જાતની વ્યુત્પત્તિ થઈ ત્યારથી અનૌપાચારિક શિક્ષણ શરૂ થઈ જ ગયેલું, ત્યારે જ તો તેનો વ્યક્તિગત અને સામૂહિક વિકાસ થતો રહ્યો. પદ્ધતિસરની શિક્ષણ પ્રથા વૈદિક કાળમાં અમલમાં આવ્યાનું અનુમાન છે. એ યુગમાં હિંદુ ધર્મનો પ્રાદુર્ભાવ થયો જેનો પ્રભાવ તે વખતના ભારત ખંડના લોકોના જીવનના દરેક પાસાંઓ પર પડતો. ઋષિમુનિઓ ગુરુકૂળો સ્થાપતા જ્યાં વિવિધ વેદોના નિષ્ણાત ઋષિઓ અને ગુરુદેવો સાત વર્ષથી ઉપરની ઉમરના બાળકોને જ્ઞાન આપતા. ગુરુકૂળમાં રહેતા શિષ્યો ઇંધણ લાવવું, પાણી ભરવું, ગાય-બળદની સંભાળ લેવી, રસોઈ કરવી, ખેતી તથા અન્ય ગૃહસંચાલાનને લગતાં કામકાજ શીખવાની સાથે ગુરુ-શિષ્ય પરંપરા મુજબ મૌખિક શિક્ષણ પ્રાપ્ત કરતા. ઋષિ અને ઋષિ પત્ની અથવા ગુરુ અને ગુરુ પત્ની દૂર-સુદૂર પ્રદેશોમાંથી આવેલા શિષ્યોનો બાર-પંદર વર્ષો સુધી માતા-પિતા તુલ્ય સ્નેહ અને કાળજી ભર્યો ઉછેર કરતા અને અભ્યાસ પૂરો થયે કુટુંબ અને સમાજને એક કસાયેલ, નિર્ભય, આત્મનિર્ભર, તંદુરસ્ત અને ઈમાનદાર યુવક/યુવતીની ભેટ ધરતા. ચતુર્વેદ, ગણિત, વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને યુદ્ધવિદ્યા જેવા વિષયોમાં પારંગત થઈને એ પેઢી સાંસારિક અને સામાજિક ઉત્તરદાયિત્વ સંભાળવા સંપૂર્ણપણે તૈયાર થતી. એ સમયનું શિક્ષણ સંપૂર્ણપણે જીવન લક્ષી હતું અને તેથી જ તો સમાજને ચારિત્ર્યવાન અને આદર્શ યુવાધન સાંપડતું. આને પરિણામે ધર્મ દ્વારા પ્રસ્થાપિત નીતિ અને મૂલ્યોનું પેઢી દરપેઢી સહજતાથી પાલન થતું રહ્યું અને એવી તંદુરસ્ત વિકસિત સમાજ વ્યવસ્થા સહુને ફળદાયી બની રહેતી.

યુગ બદલાયો તેમ ધર્મનું સંસ્થાકીય મહત્ત્વ ઘટ્યું. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા પ્રબળ બની. શિક્ષણ, કળા, સ્થાપત્ય વગેરે રાજ્યાશ્રયી  બન્યાં. રાજાઓ, સામંતો અને ધનિકોના મહેલ કે જાગીર પર તેમના સંતાનોને ગુરુઓ ભણાવવા જતા. સામાન્ય પ્રજાનાં બાળકો જ્ઞાન શાળાઓમાં ગણિત, ભાષા, રાજનીતિ, અર્થશાસ્ત્ર વગેરે વિષયો પર પ્રભુત્વ મેળવતા. આ સમયે વર્ણપ્રથા જ્ઞાતિપ્રથા તરફ સંક્રમણ કરતી રહી. રાજા-મહારાજાઓને ઉચ્ચ વર્ણના લોકો પાસેથી પંડિતો, ઉત્તમ દિવાનો, મંત્રીઓ અને વહીવટ કર્તાઓ તથા અન્ય પ્રજા સમૂહો પાસેથી લડવૈયાઓ, વેપારીઓ અને કારીગરો મળી રહે એવી જ આવશ્યકતા હતી. તેથી શિક્ષણ પદ્ધતિ જીવન લક્ષી તરફથી સમાજ લક્ષી તરફ ગતિ કરવા માંડી. છતાં તે સમયે શિક્ષણ સાથે માનવીય મૂળભૂત મૂલ્યોની કેળવણી કુટુંબ અને સમાજ પાસેથી મળી રહેતી, એટલે બાળકો અને યુવાનો જીવન માટેનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકતાં. આમ છતાં વૈદિક સમયનું વ્યક્તિગત અને સામાજિક પોત જાણે પાતળું પડતું જણાયું. 

રાજાશાહીના કેટલાક લાભો હતા, પરંતુ એ શાસન પદ્ધતિ પ્રજા માટે શોષણ યુક્ત અને અન્યાયી થતી ચાલી એટલે લોકશાહી, સામ્ય વાદ અને સરમુખત્યાર શાહી જેવી વૈકલ્પિક રાજ્ય પદ્ધતિઓ અમલમાં આવી. આ ત્રીજા તબક્કામાં લોકસેવા અને ખાનગી સેવા જેવા બે વિભાગો પડ્યા. સંરક્ષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, વાહન અને સંદેશ વ્યવહારની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંભાળી. બાકીના માનવ જીવનના અસંખ્ય પાસાંઓની ડોર ખાનગી ક્ષેત્રો પાસે રહી.

ભારતને તો સ્વતંત્રતા પછી અંગ્રેજોએ શરૂ કરેલ શિક્ષણ પદ્ધતિ વારસામાં મળી. શિક્ષણનો વ્યાપ વધ્યો. વિદ્યાર્થીઓની સંખ્યા એટલી વધી કે શિક્ષકો વિદ્યાર્થીઓને ‘જ્ઞાન’ના નામે પાઠ્ય પુસ્તકોમાં લખેલ એક સરખા પાઠો ભણાવવા લાગ્યા અને ભણનારાઓ પોપટની માફક એ ગોખી કાઢીને પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવવા ઓકી કાઢવા લાગ્યા. ઉચ્ચ ગુણાંક=ઉપાધિઓની પ્રાપ્તિ=સારી નોકરીની તકો એવું સમીકરણ અસ્તિત્વમાં આવ્યું. શિક્ષણ એક વ્યવસાય બન્યો, જેને બાળકોની કે યુવાનોની સર્વાંગી કેળવણી અને ચારિત્ર્ય ઘડતર સાથે કાંઈ સંબંધ ના રહ્યો. વધુને વધુ માતા-પિતાઓ સંતાનોને ભણવા મોકલતા થયાં, પરંતુ તેઓ શું ભણે છે, કેવી રીતે ભણે છે એ કાંઈ ન જાણે. એમને તો બસ બાર-પંદર વર્ષને અંતે સારી નોકરી મેળવી શકે એવો કમાતલ દીકરો/દીકરી મળી જાય, એટલું પૂરતું થાય એવો ઘાટ થયો. આમ શિક્ષણ વ્યવસાય લક્ષી બન્યું. નોકર-પટાવાળા, કારકૂન, બેન્કર, ઓફિસર ટપોટપ છાપ મરાવીને શાળા-મહાશાળાઓમાંથી બહાર પડવા માંડ્યા. પણ સારા નાગરિકો મળવા દુર્લભ થવા લાગ્યા.

ચોથા તબક્કાની શરૂઆત છેલ્લા બે-અઢી દાયકાથી થયેલી ગણીએ. ભારત જેવા અનેક દેશોમાં સરકારોએ પ્રજા કલ્યાણની ઘણા ભાગની જવાબદારી પોતાની પીઠ પરથી ઉતારીને ‘ખાનગી ક્ષેત્ર’ની પીઠ પર ચડાવી દીધી. બસ, પછી તો આપણે અનુભવીએ છીએ તેમ વેપારીઓ, કારખાનાના માલિકો અને બીજા કોઈ પણ ક્ષેત્રમાં સફળ ન થયેલા વિરલાઓ શિક્ષણનો શ પણ જાણતા હોવા છતાં ય ચોરે ને ચૌટે નિશાળો ખોલવા લાગ્યા છે. એક વધુ નોંધનીય પરિવર્તન એ આવ્યું કે ‘શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ’એ માન્યતા જોર પકડતી ગઈ. દેશની મોટા ભાગની પ્રાંતીય ભાષાઓ વહીવટી ક્ષેત્રે દેશવટો પામી, તેમ હવે શિક્ષણ ક્ષેત્રે પણ સંન્યાસ લઈને માત્ર ઘરમાં બોલચાલના હોદ્દા પર સીમિત થઈને સંકોચાઈ ગઈ. શિક્ષકો હવે જ્ઞાન કે માહિતી આપનારા પણ નથી રહ્યા. અક્ષર જ્ઞાન આપી, પરીક્ષાઓ માટે પ્રશ્નોને ધ્યાનમાં રાખી જરૂર પૂરતી માહિતી પૂરી પાડનારા મશીન બની ગયા છે. ‘ટીચર’ અને ‘પ્યુપીલ’ વચ્ચેના સંબંધો વ્યાપારી અને ગ્રાહક જેવા વધુ લાગે છે. વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો ઉપરાંત ટયુશનના ‘સર’ અને ‘મેડમ’ પણ પોતાની આજીવિકાનું સાધન માનવા લાગ્યા છે. આધુનિક શિક્ષણ પ્રથા આજીવિકા પ્રધાન બનતી ચાલી છે. જ્યાં માતા-પિતા પાસે સંસ્કૃિતનો કૂવો સુકાવા લાગ્યો છે, શિક્ષકો પોતે ઊંડું અધ્યયન-ચિંતન કરનાર અને શતાવધાની (અરે, અષ્ટાવધાની પણ ચાલશે) મેધાવી પ્રતિભા ધરાવનારા ન રહ્યા હોય, ત્યાં આ લાખો અવાડા રૂપી વિદ્યાર્થી પણ ઝટ્ટ પરીક્ષા પાસ કરીને પટ્ટ પે પેકેજ મેળવવું એવી વૃત્તિ વાળા પાકે એમાં શી નવાઈ?

આજે પે પેઢીઓ વચ્ચે વધતું અંતર, વડીલો પ્રત્યે સંતાનોની વધતી લાપરવાહી, સમાજમાં વધતા ગુનાઓનું પ્રમાણ વગેરેથી આપણો  સમાજ ત્રસ્ત છે. એનાં કારણોના મૂળમાં જવાનું માંડી વાળીને ઉપરછલ્લા ઉપાયો જેવા કે કાયદાઓ અને નિયમો બનાવીને જીવનને ગમે તેમ સુરક્ષિત બનાવવા મથીએ છીએ. કુટુંબ જીવન જૂના-નવાં મૂલ્યોનો સમન્વય કરીને માનવ લક્ષી દ્રષ્ટિકોણ કેળવવા અનુકૂળ વાતાવરણ આપે અને શિક્ષણ પ્રથા આજીવિકા લક્ષી થવાને બદલે જીવન લક્ષી હોય, તો આજના મોટા ભાગના વ્યક્તિગત અને સામાજિક પ્રશ્નોનો ઉદ્દભવ જ ન થાય, અથવા તેનો કાયમી હલ શોધી શકાય. તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ માટે શિક્ષણનો રુખ તાત્કાલિક બદલવાની જરૂર છે, એનો અહેસાસ જાગૃત પ્રજાજનોને થાય અને પરિવર્તનના શ્રીગણેશ જેમ બને તેમ જલદી થાય એવું પ્રાર્થીએ.

e.mail : ten_men@hotmail.com

 

Category :- Opinion Online / Opinion

થોડા મહિનાઓ પહેલાં દિલ્હીમાં સામૂહિક બળાત્કારના અતિ ક્રૂર અને ઘૃણાસ્પદ ગુનાહિત કૃત્યને સમાચાર સંસાધનોએ ઘણું મહત્ત્વ આપ્યું, જેને પરિણામે સમગ્ર ભારતમાં અને વિદેશ વસતા ભારતીયોએ આવા પ્રશ્નોના અટકાવ માટે તત્કાલ પગલાં લેવાં જોઈએ, એવી પ્રબળ માગણી કરી. સામાન્ય જનતાએ રાજકાણીઓને પોતાની માગણીઓ કોઈ જાતના ડર વિના જણાવી.

આવી ઘટનાઓ બને ત્યારે ગૃહમંત્રી તથા બીજા લાગતા વળગતા પદાધિકારીઓ તુર્ત કામે લાગી જાય. ઉપરની ઘટનાના સંદર્ભમાં જોઈએ તો બસ સેવાની કંપનીઓને બસના કાચ પારદર્શક રાખવા, તેના પર પડદા ન રાખવા, અને ડ્રાઇવર્સ જે તે કંપની દ્વારા જ નોકરી પર નીમવામાં આવે એવા નિયમોનું પાલન કરવાની સૂચના અપાઈ. આવાં ત્વરિત પગલાં જરૂર સ્વીકાર્ય છે. લોકસભાએ સ્ત્રીઓ પ્રત્યે આચરવામાં આવતા ગુન્હાઓની તીવ્રતા અને ગંભીરતાના પ્રમાણમાં સજાનું ક્રમિક ચડતું પ્રમાણ રહે અને એવા કેઈસીસનો વિના વિલંબ નિકાલ થાય એવો ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે તત્કાલ મોકલી આપ્યો, એ પગલું પણ સરાહનીય છે. જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આવા બનાવો બને ત્યારે આ બધા નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે પછી સ્મશાન વૈરાગ્યની માફક નિયમો-કાયદા ઘડીને સંતોષ માની લેવાય છે. એ ઘટનાના ગુન્હેગારો પકડાયા અને ૨૦ વર્ષની સજા ફટકારાઈ. ભારતીય ન્યાયતંત્રની કેઈસની ત્વરિત સુનાવણી અને ચુકાદા આપવા માટે આ એક અભિનંદનીય સિદ્ધિ હતી.

જરા ઊંડાણથી વિચારતા પ્રશ્ન ઊઠે છે કે આવી દુર્ઘટનાઓથી સરકાર અને પોલિસ વિભાગની નાલેશી થતી હોય છે. તો શું એ બદનામીનો ડાઘ ધોવા માટે અને દેશના યુવક-યુવતીઓની છંછેડાયેલી લાગણીઓને શાંત કરવા માટે લીધેલાં આવાં પગલાંઓથી નારી સુરક્ષાનો પ્રશ્ન કાયમ માટે હલ થઇ જશે ? આમ જુઓ તો ભ્રુણ હત્યા, છેડતી, દહેજ આપીને પરણાવવી, સાસરા દ્વારા અપાતો શારીરિક-માનસિક ત્રાસ અને બળાત્કાર જેવા વિવિધ પ્રકારના દુષ્કૃત્યો બાળકીનાં જન્મ પહેલાંથી માંડીને પુખ્ત વયની થતાં સુધીમાં આચરવામાં આવે છે. દિલ્હીમાં બનેલી ઘટના પહેલી નથી, અને છેલ્લી પણ નહીં હોય, તે અત્યંત દુ:ખદ છતાં સત્ય હકીકત છે.

આથી જ સવાલ એ ઊભો જ રહે છે કે આવા પ્રશ્નોનું નિરાકરણ માત્ર બે-ચાર કાયદાઓ ઘડવાથી આવી જશે? તો તો અત્યાર સુધીમાં સમાજ સુધારણાને લગતા અનેક કાયદાઓ ઘડાયા છે, છતાં હજુ એ પરિસ્થિતિ કેમ સદંતર સુધરી નથી? પુખ્ત વયની સ્ત્રીઓ પ્રત્યે થતા ગુન્હાઓના મૂળ તપાસવાથી ખ્યાલ આવશે કે તેને માટે યુવાનો જ નહીં, ખુદ યુવતીઓ અને કેટલાંક કૌટુંબિક – સામાજિક વલણો પણ જવાબદાર છે. ઊગતા કિશોર-કિશોરીઓ યુવાવસ્થાના ઉંબરે પહોંચે ત્યાં સુધીમાં એમની વચ્ચે સ્વચ્છ-સ્વસ્થ મૈત્રી પાંગરે એ શક્યતા આપણો સમાજ ભાગ્યે જ સ્વીકારે છે. આથી જ બાળ લગ્ન જેવી પ્રથાને પ્રોત્સાહન મળ્યું હશે. હજુ પણ યુવાનોના વિજાતીય સંબંધોને મૈત્રી પૂર્ણ પરિમાણ આપવાને બદલે કામુક દ્રષ્ટિએ જ જોવામાં આવે છે, જેથી કુટુંબ અને સમાજ એમના પર પારાવાર અંકુશ રાખે છે, જે કેટલાક કિસ્સાઓમાં યુવાનોની વિજાતીય વ્યક્તિ પ્રત્યેની વિકૃતિમાં પરિણામે છે.   

ગ્રામ્ય સમાજમાં સ્ત્રીઓનું અપૂરતું શિક્ષણ અને સામાજિક કુરિવાજોને કારણે એક પ્રકારે શોષણ થતું રહે છે, તો શહેરોમાં કહેવાતા પશ્ચિમી વાયરાને કારણે વિદ્યાર્થી જગત અને નવોદિત યુવક-યુવતીઓ નૈતિક મૂલ્યોના આચરણમાં શિથિલતા ધરાવતા થયા હોવાને પરિણામે સ્ત્રીઓનું બીજા પ્રકારે શોષણ થાય છે.

આજની યુવતીઓ ચીલા ચાલુ ઢબે વસ્ત્ર પરિધાન કરે કે ઘરની ચાર દીવાલો વચ્ચે જ રહે તેવું લગીરે ન ઇચ્છીએ. પણ યુવકોની જાતીય વૃત્તિઓને ઉત્તેજિત કરે તેવા પોષક પહેરી, તેમની સાથે નાચ-ગાન અને ખાણી-પીણી(નશીલા-માદક પીણા સહિત)ના જ્શ્મમાં શામેલ થવું, એ તો છેડતી અને બળાત્કારને જાણી જોઈને નોતરવા જેવું છે. જો કે ઘણા કિસ્સાઓ આમાં અપવાદ રૂપ હોય છે એ નોંધવું રહ્યું. પણ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ વિષયાસકત થતો જાય છે, એ હકીકત છે. પાછલી રાત સુધી ચાલતા જલસાઓમાં જવા સ્ત્રીઓનો સાથ ન હોય તો એમાં જનારા પુરુષોની સંખ્યા પણ ઘટવાની જ છે. આમ બહેનો પણ સ્ત્રી જાત પ્રત્યે થતા ગુન્હાઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા થોડી જવાબદાર ગણાય.

રહી વાત યુવકો-પુરુષોના સ્ત્રીઓ પ્રત્યેના અત્યાચારની. દરેક પરિવાર અને શાળા-કોલેજોની ફરજ બની રહે છે કે નાનપણથી પુત્ર અને વિદ્યાર્થીઓને સ્ત્રીના જુદા જુદા સંબંધોને તેના સાચા સ્વરૂપમાં સમજાવવામાં આવે અને યુવાનો આદર સહિત સ્ત્રીઓના વ્યક્તિત્વનું ગૌરવથી જતન કરે. આ વર્ષે સ્વામી વિવેકાનંદની સાર્ધશતિ ઉજવાઈ રહી છે ત્યારે એમના એક કથનનું સ્મરણ થાય છે. તેઓએ કહેલું કે, ‘સાચું શિક્ષણ એ કહેવાય કે જે બાળકોના, યુવાનોના ચારિત્ર્યનું ઘડતર કરે.’ આજે કેટલાં માતા-પિતા, શિક્ષકો અને પ્રોફેસરો પોતાના સંતાનો અને વિદ્યાર્થીઓના સાચા રાહબર બનીને એમના જીવનનું ખરું ઘડતર કરે છે? શહેરોમાં પ્રદૂષિત હવાથી બચવા સ્ત્રી-પુરુષો આંખ સિવાયનો ચહેરો ઢાંકતા થયા છે, હવે અન્યની પ્રદૂષિત નજરથી બચવા સ્ત્રીઓ બુરખાધારી બને તેવું આપણે ઇચ્છીશું? સમાજનું નૈતિક અધ:પતન નાગરિકોના નબળા ચારિત્ર્યને કારણે જ સંભવે.

જો છુટ્ટી છવાઈ બળાત્કારની ઘટનાઓથી દેશના તમામ માતા-પિતા, રાજકારણીઓ, યુવકો અને કાર્યશીલોને ખરેખર ગ્લાનિ થઈ હોય તો આ પ્રશ્નના મૂળ કારણો વિષે વિચાર કરીને માત્ર સરકારી કાયદાઓ પર આધાર રાખવાને બદલે, સમાજના બધા એકમોએ, પોતાનું ઉત્તરદાયિત્વ સમજી-સ્વીકારીને, સાથે મળીને, આવી પરિસ્થિતિ ફરી કદી ઊભી ન થાય, એ માટે કાયમી પગલાં ભરવાની પ્રતિજ્ઞા લે તો જ આવી ઘટનાઓથી ત્રસ્ત યુવતીઓ કે જેને આત્મહત્યા જેવાં આત્યંતિક પગલાં લેવાની ફરજ પડી છે, તેમનું સાચું તર્પણ થશે. ભાવિ પેઢીની સુરક્ષા કરવાનું આપણું સહુનું કર્તવ્ય છે, એ રખે ચૂકીએ.

e.mail : ten_men@hotmail.com

Category :- Opinion Online / Opinion