OPINION

ઈશાવાસ્યનો બોધ

અાચાર્ય વિનોબા
23-01-2013

આ એક નાનકડું ઉપનિષદ છે. ભાગ્યે જ આવી કોઈ બીજી નાની રચના હશે, જેમાં આટલો અર્થ સમાયેલો હોય. આપણે રોજ ગીતાનો પાઠ કરીએ છીએ. તે પણ નાની છે. છતાં તેમાં અઢાર અધ્યાય છે. જ્યારે અહીં તો માત્ર અઢાર શ્લોકો છે. લોકો માને છે કે દુનિયાનો પહેલો ગ્રંથ વેદ છે. વેદોનું રહસ્ય જે ગ્રંથમાં હોય છે, તેને વેદાંત કહે છે. ઈશાવાસ્ય એક વેદાંત-ગ્રંથ છે. વેદાંતના આમ તો ઘણા ગ્રંથો છે. પણ આમાં થોડામાં વેદનો સાર આવી જાય છે અને તેનો નિચોડ પહેલા મંત્રમાં છે.

એનો અર્થ એ છે કે, દુનિયામાં જે જીવન છે, તે બધું જ ઈશ્વરથી ભર્યું ભર્યું છે. સત્તાની ભાષામાં કહીએ તો, અહીં માત્ર તેની સત્તા છે. તે જ એક માલિક છે. એમ સમજીને બધું તેને સમર્પણ કરવાનું. અહીં મારું કશું નથી, ઈશ્વરનું જ છે, એવી ભાવના રાખવાની. પ્રસાદરૂપે જે કંઈ તેને મળશે તેનાથી સંતુષ્ટ રહેશે. બીજાનો મત્સર નહીં કરે. બીજાના ધનની અભિલાષા નહીં કરે. આ નાનકડા મંત્રમાં એક મહાન જીવનવ્યાપી સિદ્ધાંત બતાવી દીધો અને તેનો અમલ કરવાનો ઉપાય પણ. ઈશ્વર સમર્પણ, પ્રસાદરૂપમાં ગ્રહણ, મત્સર ન કરવો, ધનની વાસના ન રાખવી - એવો એક સંપૂર્ણ વિચાર આ મંત્રમાં આપણી સામે મૂકી દીધો.

ઘણી વાર આપણને જોવા મળે છે કે મનુષ્ય બીજાના ધનની અભિલાષા રાખે છે. આવું શાને ? એટલા માટે કે તે આળસમાં જીવવા માગે છે. બીજા મંત્રમાં તેથી કહેવાયું છે કે કર્મ વિના જીવવાની ઇચ્છા રાખવી તે જીવન સાથેની બેઈમાની છે. એટલે કે નિરંતર કર્મ કરતાં કરતાં જે જિંદગી ભગવાન આપણને દે, તે જીવવી જોઈએ. જ્યારે આપણે કર્મ ટાળીએ છીએ, તો જીવન ભારરૂપ બને છે - શાપરૂપ બને છે. જાણ્યે અજાણ્યે આપણે સહુ તેવું કરીએ છીએ. તેને લઈને આપણે દુઃખ ભોગવીએ છીએ. અને દુનિયામાં જે પાપ થાય છે, તે પણ ઘણાખરા એમાંથી પેદા થાય છે.

આગળ ત્રીજા મંત્રમાં બતાવ્યું છે કે, ભાઈ, જો ભગવાનને ભૂલી જાઓ છો, ભોગ-પ્રધાન વૃત્તિ રાખો છે, કર્મનિષ્ઠા છોડીને આળસમાં જીવો છો, તો આ જ જીવનમાં નરકમાં પડો છો.

મંત્ર ચાર અને પાંચનો એક સ્વતંત્ર પરિચ્છેદ છે. તેનો સાર છે કે ઈશ્વરની શક્તિ અલૌકિક છે. તે અસીમ છે. તેના વિશે આપણે તર્ક નથી કરી શકતા. આપણા તર્કથી તે સીમિત થઈ જશે.

પછીના ત્રણ મંત્રોમાં ઈશ્વર-ભક્તનું વર્ણન છે. તે પોતાનામાં સહુને અને સહુમાં પોતાને જુએ છે. આ તો છે ભક્તિ. ભક્તિમાં પોતા-પારકાનો ભેદ મટી જાય છે. આમ તો મનુષ્યે પોતાની આસપાસ હજારો દીવાલ ખડી કરી છે. રાષ્ટ્ર, સમાજ અને કુટુંબમાં લડાઈ-ઝઘડા તેમાંથી જ પેદા થયેલ છે. આ સ્વ-પરના ભેદ મિટાવવા એ ઈશ્વરના જ્ઞાનનું ફળ છે. જે ઈશ્વરની ભક્તિ કરનારો છે તેણે આ રસ્તે આગળ વધવાનું છે. તેથી રોજ એની આત્મભાવના વિકસે છે. અર્થાત્ તે વિચારે છે કે, જેમ મારા શરીરની જરૂરિયાત છે તેમ બીજાની પણ છે. તેથી તેને ખવરાવીને ખાઉં, પીવરાવીને પીઉં, મારામાં અને મારા કુટુંબમાં કોઈ ભેદ નથી, તે રીતે ગામ-ગામ અને રાષ્ટ્ર-રાષ્ટ્રમાં પણ ફરક નથી. એટલું જ નહીં, મનુષ્ય અને પશુમાં પણ તે ભેદ નથી કરતો. આવી રીતે પોતાના અને પારકાનો ભેદ તે ઘટાડતો જાય છે. જે આવી રીતે જીવે છે, તેનું જીવન આનંદમય થાય છે. આ રીતે ઈશ્વરનિષ્ઠ પુરુષનું કે આત્મજ્ઞાનીનું વર્ણન કરીને આઠમા મંત્રના અંતમાં પૂર્વાર્ધ પૂરો થાય છે.

આગળના ત્રણ મંત્રોમાં બુદ્ધિનું કાર્ય બતાવ્યું છે. બુદ્ધિ એ ભગવાને આપણને દીધેલું એક મોટું સાધન છે. તેનાથી આપણે આપણી ઉન્નતિ પણ કરી શકીએ અને અવનતિ પણ. આપણે ઇચ્છીશું કે આપણે ઉન્નતિ કરીએ. દુનિયામાં અનંત જ્ઞાન છે. તે બધાની આપણને જરૂર નથી. કેટલુંક આવશ્યક જ્ઞાન છે અને કેટલુંક અનાવશ્યક. આવશ્યક અને અનાવશ્યક જ્ઞાનનો વિવેક કરતાં આપણે શીખવું જોઈએ. જે જ્ઞાન આવશ્યક નથી, તેનાથી જીવન બરબાદ થશે અને બુદ્ધિ પર વ્યર્થ બોજ પડશે, અને જે આવશ્યક છે, તે જો ન મેળવ્યું તો મનુષ્ય પોતાનું કર્તવ્ય પૂરું નહીં કરી શકે. તેથી આ મંત્રમાં કહ્યું છે કે વિદ્યા અને અવિદ્યા બંને જોઈએ. સાથોસાથ એ પણ આપણે જોવું જોઈએ કે આપણે તો જ્ઞાન અને અજ્ઞાન બંનેથી ભિન્ન કેવળ સાક્ષીરૂપ છીએ. આવો અભ્યાસ કરવાથી બુદ્ધિ ઈશ્વર-પરાયણ રહે છે. નહીં તો બુદ્ધિ જ અવનતિનું કારણ બની શકે છે.

અહીં કહેવાયું છે કે, જે કેવળ અવિદ્યામાં પડ્યા છે તે ગાઢ અંધકારમાં છે અને જે કેવળ વિદ્યામાં રત છે તે એનાથી પણ વધુ અંધકારમાં ખૂંપ્યા છે. આનાથી વધુ કંઈ કહેવાનું બાકી રહે છે ? બહુ જ હિંમતભર્યું આ વાક્ય છે. આવું વાક્ય મને બીજા કશા ગ્રંથમાં વાંચવા નથી મળ્યું, જ્યાં ભારે હિંમત સાથે જ્ઞાનનો પણ નિષેધ કર્યો હોય. જે અજ્ઞાનમાં છે તે કોઈ ને કોઈ કામ કરશે, ખેતી કરશે. કંઈક છે તેની પાસે. તે ભારરૂપ નહીં થાય. પરંતુ જે કેવળ વિદ્યાની ઉપાસના કરે છે, તે એનાથીયે વધુ ગાઢ અંધકારમાં જશે. આ વાત બહુ દમવાળી છે. આવી ઈશ્વર-પરાયણતા વિનાની કેવળ વિદ્યા, નુકસાનકારક છે.
આગળના મંત્રોમાં હૃદય-શોધન આવે છે. જેવી રીતે બુદ્ધિની શુદ્ધિ કરવી જરૂરી છે, તેવી રીતે હૃદયની પણ. આપણે હૃદયમાં જોવું. આપણું હૃદય દોષ અને ગુણથી ભર્યું છે. તેવે ટાણે આપણે શું કરીએ? આપણે ગુણોની 'સંભૂતિ' કરવી જોઈએ. તેનો વિકાસ કરવો જોઈએ, તેને ઉજ્જવળ બનાવવા જોઈએ અને દોષોની અસંભૂતિ કરવી જોઈએ. અર્થાત્ નવા નવા દોષો ઉત્પન્ન ન થવા દેવા, અને જે હોય તેનો નાશ કરતા જવું. આપણી દૃષ્ટિ કેવળ ચિત્તશુદ્ધિની હોય. બાહ્ય દૃષ્ટિથી કોઈ કામમાં આપણને ખૂબ સફળતા મળતી હોય, અને લોકો આપણો જયજયકાર કરે, તો પણ જો એ કામથી આપના ગુણ ન વિકસતા હોય તો એ કર્મ બૂરું છે. તે આપણી અવનતિ કરે છે, તેમ દુનિયાની પણ. સાથોસાથ આપણે એ પણ જોવું જોઈએ કે આપણે ગુણ-દોષથી ભિન્ન, કેવળ સાક્ષીરૂપ છીએ. એવો અભ્યાસ કરવાથી સાચી હૃદય-શુદ્ધિ થશે.

આ પછી જે મંત્ર આવે છે એમાં દર્શનનો સાર આવી જાય છે. દર્શન-સાર એ છે કે, દુનિયામાં સત્ય છુપાયેલું છે. તે મોહનાં આવરણોથી ઢંકાયેલું છે. જ્યાં સુધી તે ઢાંકણ હટાવીશું નહીં ત્યાં સુધી સત્યનું દર્શન નથી થતું. હે પરમાત્મા, હું સત્ય-દર્શન ચાહું છું. તેને જ મારો ધર્મ સમજું છું. તો સત્યધર્મ માટે તું એ આવરણ દૂર કર, જેથી મને સત્યદર્શન થઈ શકે. સત્ય સુવર્ણમય ઢાંકણથી ઢંકાયું છે, તે પાત્રની અંદર સત્ય પડ્યું છે. કોઈનું પાત્ર સોનાનું છે, કોઈનું પાત્ર કુટુંબનું, કોઈનું રાજનીતિનું, કોઈનું દેશાભિમાનનું જે બીજા દેશ પર કબજો જમાવવા ચાહે છે. એ તમામ પાત્રોની અંદર સત્ય ઢંકાયેલું છે. એક પાત્ર ખોલીએ તો તેની અંદર બીજું પાત્ર નીકળે. તે ખોલીએ તો ત્રીજું નીકળે. એ તમામ ખોલીએ ત્યારે સત્યનાં દર્શન થાય. આપણા ચિત્ત ઉપર આવા અનેક પ્રકારનાં આવરણોનાં સ્તર હોય છે. તે ખોલવાની વાત છે.

છેલ્લા ત્રણ મંત્રોમાં આપણો વિકાસક્રમ દર્શાવ્યો છે. સોળમા મંત્રમાં બતાવ્યું છે કે જેને ઈશ્વર કહીએ છીએ તે આ સંસારને પ્રેરણા દે છે, તેનું પાલન-પોષણ કરે છે, તેનું નિયમન કરે છે. તે સંસારનું નિત્ય નિરીક્ષણ કરે છે, એવી જેની શક્તિનાં ગુણવાન ગવાય છે તેની સામે હું તુચ્છ જીવ છું. તોયે તેમાં અને મારામાં તત્ત્વભેદ નથી. તેનો હું એક અંશ છું. હું તે જ છું. મારા ઉપર આ દેહ એક આવરણ છે. આ એક સુવર્ણપાત્ર છે. તેની અંદર હું છુપાયેલો છું. જો એ દેહને આપણે ભેદી શકીએ, તો તે 'હું'નું દર્શન થાય. ઈશ્વર જે પ્રકારે પૂર્ણ છે, સુંદર છે, હું પણ તે છું. સોહમ્ મંત્રે આપણને આશ્વાસન દીધું છે. જેટલા પણ ભેદ છે તે બહારના છે, દેહ સાથેના છે. બાહ્ય આવરણોની આરપાર આપણે અંતર્યામી પાસે પહોંચવાનું છે.
છેવટના મંત્રમાં ભગવાનની પ્રાર્થના છે. ભગવાનને માર્ગદર્શક અગ્નિના રૂપે જોયા છે. જે અગ્નિ આપણામાં રહીને, આપણને જિવાડે છે, જેના ન હોવાથી શરીર ઠંડું પડી જાય છે, તે જે ગરમી છે તે ઉપાસના માટે ચૈતન્યનો સંકેત છે. અગ્નિસ્વરૂપ ચૈતન્યદાયી ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે, હે પ્રભુ, જ્યાં સુધી અમારામાં ચૈતન્ય છે, ગરમી છે, અમને સીધા માર્ગે રાખ. અમને વાંકા માર્ગ પર ન લઈ જા. અમારા જીવનમાં કોઈ પ્રકારની વક્રતા ન આવવા દે. અમને સરળ-સીધા માર્ગે લઈ જા ! અનેકવિધ ગુણોમાં ઋજુતા-સરળતાનું સ્થાન મોખરાનું છે. જ્યાં ઋજુતા છે, ત્યાં ધર્મ છે, ત્યાં જીવન છે. જ્યાં વક્રતા છે, ત્યાં અધર્મ છે. મરણ છે. ચરખો કાંતનાર જાણે છે કે ત્રાક સીધી જોઈએ, તેમાં વાંકાપણું ન ચાલે. તેવી રીતે આપણા જીવનમાં પણ વાંકાપણું ન સહન થાય. કાયા-વાચા-મનથી, ભીતર-બહારથી આપણે સરળ-ઋજુ થઈ જઈએ. એવા સરળ જીવન માટે અમને બળ દે, એવી પ્રાર્થના આ મંત્રમાં કરી છે.

ઉપનિષદના આરંભે અને અંતે શાંતિ મંત્ર બોલાય છે. તેનો અર્થ છે -સઘળું પૂર્ણ છે, તેથી સર્વદા શાંતિ રાખવી જોઈએ. અશાંતિનું કોઈ કારણ નથી.

ઈશોપનિષદ નાની શી ચીજ છે. પણ મેં તેના ચિંતનમાં વર્ષો વીતાવ્યાં છે. ઈશોપનિષદ મારા હૃદયને અવર્ણનીય સમાધાન આપે છે. મારી સવારની નિત્ય પ્રાર્થના તેનાથી થાય છે. તેના ઘણા મંત્રો ગૂઢવત્ જણાય છે, પરંતુ મારી સાથે એ ખુલ્લા દિલથી વાત કરે છે, પોતાનું હાર્દ તે મારી સામે પ્રગટ કરે છે. આવું ઈશોપનિષદ પ્રાત:સ્મરણ માટે ખૂબ ઉપયોગી છે. બધે જ સવારની પ્રાર્થનામાં શરૂ કરવા લાયક. (સંકલિત)

(સદ્દભાવ : “ભૂમિપુત્ર”, 01.10.2012)

Category :- Opinion Online / Opinion

ગુજરાતની આગવી ઓળખ એનું ગુજરાતી સુગમ સંગીત, ને ગુજરાતી સુગમ સંગીતની આગવી ઓળખ એટલે સંગીત શિરોમણિ પુરુષોત્તમ ઉપાધ્યાય. એમના માટે એવું કહેવાય કે, પુરુષોત્તમ .... નરોત્તમ ...... સ્વરોત્તમ !! ત્રણ વર્ષની વયથી જેમણે ગુજરાતી સુગમ સંગીતનો હાથ ઝાલ્યો, તે પુરુષોત્તમ ઉપાધ્યાય આજે ગુજરાતી સાહિત્ય અને સંગીતનો આધાર સ્તંભ બનીને ઊભા છે. મહેશ દવેએ લખેલ 'એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે' હોય, જવાહર બક્ષી રચિત 'દૂરતા કોઈ વખત મોંઘી પડી' હોય કે પછી, મેઘબિંદુની રચના 'ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ' હોય, આ દરેકે દરેક રચનાને જેણે સંગીતબધ્ધ કરી છે, જેમણે લગભગ ૬૨ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન ૧૦,૦૦૦થી વધુ કાર્યક્રમો આપ્યા છે, તેમ જ સુગમ સંગીત ક્ષેત્રે ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ મેળ્વ્યો છે તે સંગીતકાર અને ગાયક એટલે કે પુરુષોત્તમ ઉપાધ્યાય.

સંગીતકાર તરીકે પુરુષોત્તમભાઈએ અનેક અવિસ્મરણીય રચનાઓ આપી. જેની યાદી કરવા બેસીએ તો પાર ન આવે. પ્રસ્તુત ગીત 'માંડવાની જૂઈ''ની વાત કરીએ તો, લગભગ સાઠ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે અવિનાશ વ્યાસનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો, એ સમયે પુરુષોત્તમભાઈને સંગીતકાર તરીકે ખાસ કોઈ ઓળખતું ન હતું. ગાયક તરીકે તેમની થોડી ઘણી ઓળખાણ પ્રસ્થાપિત થઈ હતી. એ વખતે અવિનાશ વ્યાસના ગરબા ખૂબ પ્રચલિત હતા. આવા જ એક ગરબાના કાર્યક્રમમાં અવિનાશભાઈને સમય ન હોવાથી એમણે એક ગરબો કમ્પોઝ કરવાનું કામ પુરુષોત્તમભાઈને સોંપ્યું. પુરુષોત્તમભાઈ એ સમયે પોતાના ગુરુ નવરંગ નાગપુરકર પાસે શંકરા રાગ શીખી રહ્યા હતા અને પંડિત શિવકુમાર શુક્લનો રાગ હંસધ્વનિ તેમણે સાંભળેલો હતો. એક જ ઘાટના આ બંને રાગના સંયોજન દ્વારા તેમને સુંદર ધૂન સ્ફુરી અને અદ્દભૂત ગીત સર્જાયું, 'માંડવાની જૂઈ ...'. સંગીતકાર તરીકે પુરુષોત્તભાઈનું આ પહેલવહેલું ખૂબસુરત સર્જન ! જો કે, અવિનાશભાઈના એ ગરબાના કાર્યક્રમમાં આ નવોદિત સંગીતકારનું નામ પણ તે વખતે જાહેર થયું ન હતું. પણ પછીથી, આ રચનાની લોકપ્રિયતા જોઈને અવિનાશભાઈ પોતે જ પુરુષોત્તમભાઈનું નામ જાહેર કરવા લાગ્યા. અને ત્યાર બાદ પુરુષોત્તમભાઈની સંગીતયાત્રાના આપણે સૌ સાક્ષી છીએ.

માંડવાની જૂઈ .... આ ગીતમાં જિતુભાઈ મહેતા હૃદયસ્પર્શી શબ્દોમાં, જૂઈના રૂપકથી એક કન્યાના અઘૂરા રહી ગયેલા અરમાનની વાત કરે છે. જૂઈ અમથી અમથી મૂઈ એવી વાતથી શરૂ થતું ગીત જૂઈના અકાળે કરમાઈ ગયેલાં જીવનની વાત કરે છે. જૂઈનુ જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરેલી છતાં એ જીવનના તડકા – દુ:ખો – થી ડરી ગઈ એવી વાત નાજુકાઈથી આવે છે. એનો હાથ પકડનાર તો છેવટ સુધી આવ્યો જ નહીં. એના સનમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી ગઈ. જૂઈને જેની રાહ હતી એ પવન છેવટે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ. જૂઈને રોજ રમાડતો પવન, જેની રાહમાં જૂઈ ખરી ગઈ, એ જૂઈના મોતનો મલાજો રાખે છે. એને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એના અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી જૂઈને એ અગ્નિદેવતાને અંકે સોંપે છે.અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતારચડાવથી વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે.

http://rankaar.com/blog/category/poets/jitubhai-mehta

Category :- Opinion Online / Opinion