OPINION

ઉપરોક્ત વિધાન મેં ગુજરાતમાં ત્રણ માતા-પિતાને મુખે સાંભળ્યું, એમ કહું તો વાચકો માની શકશે? હા, આ હકીકત છે અને તે પણ 2014ના નવેમ્બર માસની મારી ગુજરાતની મુલાકાત દરમ્યાન થયેલ આ સુખદ અનુભૂતિ માન્યામાં ન આવે એવી છે ને? ખરું કહું છું, મને પણ સુખદ આશ્ચર્ય થયેલું એ યુવાન પેઢીના આવો નિર્ણય સાંભળીને અને એથી જ તો મેં એમની સાથે લંબાણથી ચર્ચા કરી અને ખાતરી કરી કે તેઓ પૂરેપૂરા હોશમાં છે અને ઊંડું સમજી વિચારીને બોલે છે.

વાત એમ છે કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં જન્મેલા આપણા વડવાઓ ગમ ગચ્છ = to go એવી રીતે ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ તો શું પણ પોતાની માતૃભાષા અને ખુદ સંસ્કૃત પણ અંગ્રેજી માધ્યમ દ્વારા જ શીખેલા. બ્રિટિશ શાસકોની મૂળ ભારતીયોને શિક્ષણ આપવા પાછળની એક માત્ર નીતિ હતી કારકુન વર્ગ પેદા કરવાની, જે એમના હુકમ મુજબ દેશનો વહીવટ સંભાળે. કોઈ પણ પ્રજાનું હીર ચૂસી લેવું હોય તો તેની માતૃભાષા ઝુંટવી લેવી એ કીમિયો બરાબર જાણતા હોવાને લીધે તત્કાલીન શાસકોએ તમામ શાળાઓમાં શિક્ષણનું માધ્યમ ઇંગ્લિશ રાખ્યું અને તેમનો હેતુ સર્યો. ગુલામ પ્રજાને પોતાના હિત માટે કોઈ પણ નિર્ણય લેવા જેટલી મુક્તિ નથી હોતી અને બે સદીના ગાળામાં તો ભારતીય પ્રજા પોતાની ઓળખ, સંસ્કૃિત અને અસ્મિતા સારી પેઠે ગુમાવી બેઠેલી. પરિણામે જે કેટલાક જાગૃત અને સ્વાભિમાની આગેવાનો ઇંગ્લિશ માધ્યમથી અપાતા શિક્ષણનો વિરોધ કરવા પ્રયત્નશીલ હતા તેમને નમાલી પ્રજાનો સાથ ન મળી શક્યો.

સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન અસહકાર આંદોલનના ભાગરૂપે રાષ્ટ્રીય શાળાઓ ખૂલી જેમાં માતૃભાષાએ શિક્ષણના માધ્યમનું માનભર્યું સ્થાન મેળવ્યું. પહેલાં દસેક વર્ષ એ જુવાળ ઠીક ઠીક ટકી રહ્યો. કમનસીબે વિશ્વના તખ્તા પર પોતાની પ્રતિમા ઊભરી આવે તેવા અબળખા સેવતું ભારત એમ માનવા લાગ્યું કે માત્ર ઇંગ્લિશ ભાષા સારી રીતે શીખવાથી આપણું દળદર નહીં ફીટે, એ માટે તો શિક્ષણનું માધ્યમ જ ઇંગ્લિશ હોવું ઘટે જેથી કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કૂદકે ને ભૂસકે આગળ વધતી પશ્ચિમી દુનિયાને આંબી જઈ શકાય. આ વિચારથી ભ્રમિત થયેલ કેટલાક દાનેશ્વરી દાતાઓ અને શિક્ષકોએ ઇંગ્લિશ માધ્યમની શાળાઓ ખોલી અને પછી તો ઘેટાંની આપણા દેશમાં ક્યાં ત્રુટી છે? બ્રિટિશ રાજ સમયની મિશન સ્કૂલો અને સેન્ટ મેરી તથા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલો તો હજુ હતી જ તેમાં ઇંગ્લિશ માધ્યમની ખાનગી શાળાઓ ખુલવા લાગી. પ્રખર ગાંધીવાદી અને સારા કેળવણીકાર મગનભાઈ દેસાઈએ લોકોની ઇંગ્લિશ માટેની ઘેલછાને સરકાર ટેકો ન આપે તે માટે ખૂબ પ્રયાસ કરેલા, જેને મગન માધ્યમ તરીકે ખ્યાતિ મળેલી. સરકારની ઉત્તમ શિક્ષકો રોકીને સાત ધોરણ સુધીના ફરજિયાત શિક્ષણને સુધારવાના પોતાના કાર્યને પ્રાથમિકતા આપવા બાબતની ઉદાસીનતાનો લાભ વેપારીઓ અને ઉદ્યોપતિઓએ લીધો અને શિક્ષકોને ઇંગ્લિશ માધ્યમની શાળાઓ શરૂ કરવા ઉદારતાથી દાન આપવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે છેલ્લા પાંચ દાયકામાં તો બિલાડીના ટોપની માફક ગામે ગામ નહીં, શેરીએ શેરીએ ઇંગ્લિશ માધ્યમની શાળાઓ ખુલવા લાગી.

શિક્ષણનું માધ્યમ ઇંગ્લિશ હોવું જોઈએ તેવી ઘેલછાનું પરિણામ શું આવ્યું? શું ભારતમાં શિક્ષણનો પ્રસાર વધ્યો? શું તેની ગુણવત્તા સુધરી? શું એ પ્રથાને કારણે ભણીને ઉતરેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વિશ્વના તખ્તા પર નામ કમાનારની સંખ્યા વધી? શું તેનાથી ભારતને દુનિયાના બીજા દેશોએ શાબાશી આપી? હકીકત તપાસતાં માલુમ પડશે કે ઇંગ્લિશ માધ્યમ વાળી નિશાળો મુખ્યત્વે ખાનગી ધોરણે જ સ્થપાઈ અને તેના વહીવટમાં નફાખોરી ઘુસી ગઈ એટલું જ નહીં, બાળકોને શારીરિક શિક્ષા થતી હોવાના પુરાવા છે, એવી શાળાઓમાં શિક્ષણના ધોરણ માટે પ્રશ્નો ઉઠાવી શકાય તેમ છે, ત્યાં શિક્ષકોને પૂરતા પગાર ન મળે, વેકેશનમાં છુટ્ટા કરી દેવામાં આવે એ હકીકત પણ સર્વ વિદિત છે. અલબત્ત, અહીં એમ કેવાનો આશય બિલકુલ નથી કે તમામ ઇંગ્લિશ માધ્યની શાળાઓમાં આવી ગેરરીતી પ્રવર્તતી જોવા મળે છે. પરંતુ પોતાની આવક અને બચતમાંથી ખાસ્સી રકમ ફાળવીને કે કેટલાક કિસ્સાઓમાં ઉધાર લઈને પણ ઇંગ્લિશ માધ્યની શાળાઓમાં પ્રવેશ આપવા માટે માગવામાં આવતા ‘દાન’ની મસ મોટી રકમ ભરનારા મા-બાપ એવા ભ્રમમાં રહ્યા કે મારા સંતાનને હું ‘ઉત્તમ’ શિક્ષણ આપું છું જેને પરિણામે તેને ભારતમાં ઊંચા પગારની નોકરી મળશે અને નસીબ પાધરું હશે તો વિદેશ જવા મળશે અને એ માલામાલ થશે અને અમારા આખા કુળને નીચલા મધ્યમ વર્ગના શાપિત કળણમાંથી ઉઠાવીને સીધા ઉચ્ચ વર્ગના સિંહાસને બેસાડી દેશે એટલે પોષક ખોરાક ન ખાઈ-ખવડાવીને કે જરૂરી દવા ન કરી-કરાવીને આપેલ ભોગ લેખે લાગશે.

પણ પરિણામ ધાર્યા કરતાં જુદું આવ્યું. એવી શાળાઓમાં નિમણુક પામેલા ઘણા ભાગના શિક્ષકો નથી તો પોતાના વિષયમાં નિષ્ણાત હોતા, નથી ઇંગ્લિશ ભાષાને કુશળતાથી ભણાવી શકતા. એટલે એવી શાળાઓના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસમાં સ્થાન મેળવે એવી કોઈ ખાતરી નથી હોતી. વળી તેમાંના જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજનું શિક્ષણ લેવા નસીબદાર નીવડ્યા તેમને ભાગે રોજગારીને બદલે બે-રોજગારી આવી અને વિદેશ જવાનું સ્વપ્ન તો હજુ પણ મુઠ્ઠીભર ધનિકોના કે રાજકીય લાગવગ ધરાવનારના સંતાનોને જ ફાળે આવ્યું. પછી બાપનો ધીકતો ખેતી, કાપડનો કે કરિયાણાનો ધંધો છોડીને કોઈ કોલ સેન્ટરમાં ‘હલ્લો, આઈ એમ પીટર સ્પીકિંગ, મોમ’ એમ બોલતો પ્રવીણ એક સામાન્ય નોકર તરીકે બે છેડા ભેગા કરવા જિંદગીભર આધુનિક સ્વરૂપની ગુલામી કરવા ઘાણીના બળદની માફક આંખ મીંચીને મચી પડે, તેમાં શી નવાઈ?

આ તો થયો શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાલતનો ચિતાર। આપણો સમાજ તેની બીજી આડ અસરનો પણ સ્વાદ ચાખી ચુક્યો છે. મા-બાપ પોતાનાં બાળકોનાં શિક્ષણમાં રસ લઈ ન શક્યાં, માત્ર પોતાનો દીકરો કે દીકરી ઇંગ્લિશમાં ગોટપીટ કરે ત્યારે સમજ્યા વિના બસ ગૌરવ અનુભવ કરતા રહ્યાં. બાળકો ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર’ ગાતાં ગાતાં ક્યારે પોતાની ભાષા સાથે પોતાની સંસ્કૃિતથી દૂર થઈ ગયા તેનું ઓસાણ પણ ન રહ્યું.

રહી વાત ઇંગ્લિશ ભાષી દેશો તરફથી શાબાશી મળવાની વાત. વિદેશ જઈને અભ્યાસ કરવા કે સ્થાઈ થવા નસીબદાર નીવડેલા લોકોને અનુભવ થયો કે દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ છે કે ગુલામીમાંથી મુક્ત થયા પછી પણ પોતાના ભૂતપૂર્વ શાસક દેશની માતૃભાષાના માધ્યમથી પોતાની નવી પેઢીને શિક્ષણ આપે છે. અરે મેં તો એક કુટુંબીને ઘેર તેમની પૌત્રી અને દોહિત્રાઓ ઇંગ્લિશ માધ્યમની શાળામાં ભણે છે તેના નર્સરીમાંથી પહેલા ધોરણ - ના સોરી હોં, first standardમાં જતી વખતના graduation કાર્યક્રમની સી.ડી. જોતાં જાણ્યું કે એ શાળામાં ભણતાં તમામ ભુલકાંઓને કહેવામાં આવે છે કે તેમણે માત્ર ઇંગ્લિશમાં જ વાતચીત કરવી અને જ્યાં ઇંગ્લિશ શબ્દ ન આવડે ત્યાં ન છૂટકે હિન્દી શબ્દ વાપરવો. હવે આવા નિયમો બનાવનારની શિક્ષણ અને બાળ માનસ વિશેની સમજણ માટે શું કહેવું? તેઓ આ બાળકો પાસેથી શું બનવાની અપેક્ષા રાખતા હશે? આવો નિયમ ઘડતાં પહેલાં વિચાર નહીં આવ્યો હોય કે અમે કે અમારાં સંતાનો તો આવી નિશાળમાં નહોતાં ભણ્યાં, તો આજે એવું શું બન્યું કે ગુજરાતમાં જન્મેલ બાળકો પોતાની માતૃભાષા બોલી ન શકે? અને તે પણ જે ઉંમરે તેમની ભાષાનો સહુથી વધુ વિકાસ થાય. કલ્પના શક્તિ ખીલે અને અભિવ્યક્તિ માટે મોકળાશ મળે તે સમયે જ તેને માના ધાવણ સમી માતૃભાષાથી વેગળાં કરવામાં કયું ડહાપણ બતાવવા માંગતા હશે?

અમારા એક કુટુંબીને બે દીકરા. હવે તેમને ઘેર પાંચ-સાત વર્ષનાં સંતાનો છે. તેમાં એક દીકરાએ પોતાના દીકરાને ઇંગ્લિશ માધ્યમની શાળામાં દાખલ કર્યો કેમ કે એનું માનવું છે કે ગુજરાતી માધ્યમની શાળામાં શિક્ષણનું ધોરણ સારું નથી. અને મજાની વાત તો એ છે કે એક જ ગામમાં રહેતા તેના સગા ભાઈએ પોતાના બંને સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં ભરતી કર્યા, છે ને તાજુબની વાત? કહે છે, એક વેલનાં બે તુંબડા સરખા ન પણ હોય તે ખરું છે. બીજી એક મા જે પોતે ગણિત સાથે એમ.એ.ની ડિગ્રી અને તેમાં ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે તેનો આગ્રહ છે કે પોતાની દીકરી તો ગુજરાતી માધ્યમમાં જ ભણશે કેમ કે તે પોતે તેના ઉછેર, શિક્ષણ અને કેળવણીમાં પૂરો હિસ્સો લેવા માંગે છે. ત્રીજા મા-બાપને તો પોતાનાં ત્રણેય સંતાનો ગુજરાતી માધ્યમની શાળામાં ભણીને ઉત્તમોત્તમ ઉપાધિઓ મેળવશે અને ઇંગ્લિશ માધ્યમમાં ભણેલ લોકો કરતાં પણ વધુ સારી નોકરી મેળવશે એવી ખાતરી છે. અને એ વાત પોતાના  કુટુંબીઓ અને પડોશીઓ પાસે સાબિત કરવા માંગે છે.

મને લાગ્યું કે એ પેઢીને આપણે ઇંગ્લિશ માધ્યમમાં ભણાવ્યા તેમની આંખ સામેથી પડદો હઠી ગયો છે અને તેઓ પોતાના બાળકોનાં શિક્ષણની દિશા અને દશા જે સ્વાતંત્ર્ય બાદ હોવી જોઈતી હતી તે જ નક્કી કરવા માગે છે. દિલ તો કહેવા લાગ્યું કે એ મા-બાપ અને તેમના જેવા બીજાં મા-બાપને જાહેરમાં અભિનંદન આપવાનો કાર્યક્રમ કરું અને તેમના ગળે ‘માતૃભાષામાં શિક્ષણ આપીશું, તમે પણ સાથે જોડાઓ’ એવું લખીને ઇંગ્લિશ માધ્યમની શાળાઓના દરવાજે લઈ જાઉં.

e.mail : 71abuch@gmail.com

Category :- Opinion Online / Opinion

આજ કાલ મોટા ભાગના જાગૃત વિચારકો, કર્મશીલો અને દેશ દુનિયા માટે નિસ્બત ધરાવનારાઓની ફરિયાદ છે કે વિશ્વ શાંતિ જોખમમાં છે. તે માટે રાજકારણ, ધર્મ અને કેટલાકબળિયા દેશોની વિદેશનીતિને કારણભૂત માનવામાં આવે છે. એક એવી લાગણી પ્રવર્તે છે કે કળિયુગ આ પીડા લઈને આવ્યો છે; ‘પહેલાં’ એટલે કે સતયુગમાં સહુ સારા વાનાં હતાં, બધું સોનાનું હતું. એ તો આપણી પેઢી નવજાગૃતિ (રેનેસાં) વખતે, કેથલિક-પ્રોટેસ્ટંટ વચ્ચેના સંઘર્ષ સમયે અને બે વિશ્વયુદ્ધના સંહાર વખતે હાજર નહોતી તેથી તે કાળની ક્રૂરતા અને સામાન્ય પ્રજાની પીડાનો જાતે દેખેલો, સાંભળેલો અનુભવ નથી, તેથી આપણે આજની સ્થિતિને સહુથી વધુ ખતરનાક માનીએ છીએ.

જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં અંદરુની સંઘર્ષ કે બે દેશો વચ્ચે લડાઈ ફાટી નીકળે છે તેનાં કારણો અને મૂળ તપાસવા જતાં એક વાત વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે કે ક્યાંક ને ક્યાંક માનવ જાત પોતાની ઓળખ ગુમાવતો જાય છે. જરા વધુ વિગતે જોઈએ. એક તો કોઈ પણ વ્યક્તિને એક કરતાં વધુ ઓળખ હોય છે. ઓળખનું વૈવિધ્ય જોઈએ તે પહેલાં કેટલીક પરિભાષાઓ વિષે આપણી સમજણ સ્પષ્ટ છે કે નહીં તે ચકાસી લઈએ. દુનિયા એક વિશાળ ભૌગોલિક ફલક છે જે કુદરતી છ-સાત ભૂ ભાગમાં વિભાજીત થયેલો છે જેને આપણે ‘ભૂ ખંડ’ તરીકે ઓળખીએ છીએ. એ અખંડ ભૂ ખંડોને વહીવટી સરળતા અને સત્તાની મહેચ્છાને કારણે 300થી વધુ દેશોમાં ફાળવી દીધા જેને ભૌગોલિક સીમાઓ અને સરકારો હોય છે. એક ખંડમાં અનેક દેશો સમાયેલા છે, જેમાં એક કરતાં વધુ ધર્મ પાળનારા, ભાષાઓ બોલનારા, ચિત્ર વિચિત્ર પોશાકો પહેરનારા, જાતજાતના રીત રિવાજો પાળનારા, અસંખ્ય તહેવારો ઉજવનારા, જાત જાતનો ખોરાક આરોગનારા રંગ બેરંગી ત્વચા ઓઢનારા લોકો વસે છે, એ હકીકત પણ બાવા આદમના જમાનાથી જાણીતી છે.

હવે એક વ્યક્તિનું એક ખંડ નિવાસી તરીકે, એક દેશના નાગરિક તરીકે, એક ધર્મના અનુયાયી તરીકે, એક સમાજના સભ્ય તરીકે શું કર્તવ્ય છે, કઈ કઈ ફરજો છે એ પણ જુદા જુદા કાયદાઓ અને સામાજિક ધારાધોરણો દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે. એશિયા ખંડના વતની તરીકે મારી ફરજ છે કે હું તે વિશેની ભૌગોલિક માહિતી જાણું, તેની આબોહવા અને કુદરતી સંપદા વિષે રસ ધરાવું જેથી મારા સામાન્ય જ્ઞાનથી જે ભૂ ખંડની રહેવાસી છું તેના વિષે પૂરતી સમજણ કેળવાય. આ બહુ અઘરું નથી અને લોકોને ખંડની બાબતમાં વિવાદ ઓછો થાય છે એટલા આપણા સદ્દનસીબ. એક દેશના નાગરિક તરીકે મારી ફરજો વધે છે. હું ‘ભારતીય છું’ એમ કહેવા માટે મારા મનમાં સ્વદેશાભિમાન હોવું ઘટે, દેશના તમામ કાયદાઓ અને નિયમોનું સુપેરે પાલન કરવાની ક્ષમતા અનિવાર્ય ગણાય, દેશની સુરક્ષા માટે સક્રિય ફાળો આપવો જરૂરી બને સ્થાનિક પંચાયતથી માંડીને સમગ્ર દેશના વહીવટને સુચારુ રૂપે ચલાવવા માટે મારે ફાળે આવતા તમામ કરવેરા ભરવા એ પણ એટલી જ મહત્ત્વની ફરજ બની રહે છે. હવે ભલા, એક ખંડના નિવાસી તરીકેની ફરજો દેશના નાગરિકની ફરજોની આડે નથી આવતી ને?

પરંતુ માનવ જીવન એટલું સરળ નથી. જેમ જેમ એ વધુ ને વધુ ‘સુ સંસ્કૃત’ થતો ગયો તેમ તેમ ધર્મ અને સામાજિક ધોરણોનો એ પાબંદ થતો ગયો. છતાં સ્વદેશાભિમાનની લાગણી કાયમ રાખવા માટે મારી ધાર્મિક માન્યતાઓ અને બાહ્યાચાર આડખીલી રૂપ ન બનવા જોઈએ કેમ કે  સ્વદેશાભિમાન મારા દેશને વફાદાર રહેવા અને તેનું બાહ્ય આક્રમક તત્ત્વોથી રક્ષણ કરવા જરૂરી છે જ્યારે મારી ધાર્મિક માન્યતાઓ અને બાહ્યાચાર માત્ર મારી અંગત શ્રદ્ધા અને માન્યતાનો વિષય છે. દેશના કાયદાઓનું પાલન કરવા માટે મારે મારા ધર્મગુરુના માર્ગદર્શનની જરૂર ન પડે કેમ કે કાયદાઓ માનવ અધિકારના રક્ષણ માટે ઘડાયા છે જેને કોઈ પણ ધર્મ ટેકો આપે જ. અને જો કોઈ એવો દાવો કરે કે મારો ધર્મ દેશના કાયદાઓના પાલન માટે અમને મનાઈ ફરમાવે છે તો તેમણે પોતાના ધર્મગુરુઓ કે જેઓ ધાર્મિક પુસ્તાકોમાંના ઉપદેશનું અર્થઘટન કરે છે તેમને સવાલ કરવા જોઈએ. હું શંકરને ભજું કે રામને, આવક વેરો અને વેચાણ વેરો ભરતાં મને શંકર કે રામ થોડા રોકે? હું મંદિરમાં જાઉં કે ચર્ચમાં, આ દેશની સુરક્ષામાં તો મારો ફાળો એક નાગરિક તરીકે જ રહેવાનોને?

એવી જ રીતે મારી માતૃભાષા ગુજરાતી હોય, હિન્દી હોય કે તમિલ, હું કપાળે તિલક કરવા, સાડી પહેરવા અને મને ગમતા ભગવાનની મૂર્તિને અભિષેક કરવા સ્વતંત્ર છું એ આપણે બધા અનુભવીએ છીએ. આમ ભાષા મારી ઈશ્વર વિશેની શ્રદ્ધામાં વિઘ્નરૂપ નથી બનતી. મારી ત્વચા ઘઉં વર્ણી હોય કે શ્યામ રંગની, ગોરી હોય કે રતાશ પડતી હોય રોટલી કે ઈડલી-સાંભાર ખાવાનો મારો અબાધિત અધિકાર ખરો કે નહીં? શું ગુજરાતી સજ્જન ઈડલી-સાંભાર ખાય તો દક્ષિણ ભારતીય બની જાય અને ગુજરાતી ભાષા છોડાવી પડે? મારો કહેવાનો મતલબ એ છે કે એક જ વ્યક્તિની જુદી જુદી ઓળખ હોય છે અને એ મુજબ તેની અલગ અલગ ફરજો અને કર્તવ્યો હોય છે પણ તેમાંનાં એકેય કર્તવ્યો એકબીજાની વિરુદ્ધ નથી આવતાં. ઉદાહરણ તરીકે હું ભારતમાં રહેતી ત્યારે ગુજરાતી બોલતી હતી અને યુનાઇટેડ કિંગ્ડમમાં રહું છું તો પણ બોલી શકું, માત્ર હવે આવકવેરો યુનાઇટેડ કિંગ્ડમમાં ભરું છું અને કપડાં અહીંની આબોહવા મુજબના પહેરું છું. હું અહીં પણ હિંદુ ધર્મનું પાલન કરું છું છતાં આ દેશના તમામ કાયદાઓનું પાલન કરું છું જે મને અને બીજા તમામ નાગરિકોને સલામત રહેવાના અધિકારો આપે છે. મારી અંગત માન્યતાઓ, રહેણીકરણી કે સાંસ્કૃિતક મૂલ્યો આ દેશ પ્રત્યેની વફાદારીને આડે ન આવવાં જોઈએ. સમજવાની વાત એ છે કે કોઈ પણ દેશના કાયદાઓ, ધર્મનાં મૂલ્યો, સામાજિક ધારા ધોરણો, ભાષાની ખૂબીઓ, પહેરવેશની રીત ભાત, ખાણી-પીણીના રિવાજો એક બીજાનું ખંડન કરનારા, તોડી પાડનારા કે આડે આવનારા હોતા જ નથી, અને એટલે તો એક દેશમાં મોટા ભાગના લોકો તદ્દન હળી મળીને સુમેળથી શાંતિપૂર્વક રહે છે.

છેલ્લાં કેટલાક વર્ષો દરમ્યાન જેઓ પોતાની નાગરિક તરીકેની ફરજોને પોતાના ધર્માંધ વિચારો સાથે સેળભેળ કરીને બંનેના નિયમો વિરુદ્ધનું અવિચારી વર્તન કરીને સમજ તથા ધર્મને ભયમાં મૂકી રહ્યા છે. હું કાશ્મીરની મૂળ વતની યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થાઈ થઈ હોઉં તો પણ મને માદરે વતનના પ્રશ્નો જરૂર સતાવે, પણ એથી કરીને જો ભારત-પાકિસ્તાનની સરહદ પર ગોળીબાર થાય કે ઘુસણખોર અને સ્થાનિક પ્રજા વચ્ચે કોમી રમખાણ થાય તો તેનો નિવેડો લાવવાની ફરજ એ બે દેશોની સરકાર, લશ્કર અને ઝઘડતી બે કોમના લોકોની છે. મારે જો કંઈ પણ કરવું હોય તો કાશ્મીર જઈને સરહદની બંને તરફના લોકોને આ પ્રશ્નનો શાંતિમય ઉકેલ લાવવા મદદ કરવી જોઈએ, પણ એ તો તો જ બને જો હું પોતે દરેક પ્રશ્નનો શાંતિમય ઉકેલ લાવી શકાય એ સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવતી હોઉં. એ મુદ્દા પર યુનાઇટેડ કિંગ્ડમમાં રહેતી પાકિસ્તાનની પ્રજા પર આક્રમણ કરવાનો તો મને લેશ માત્ર અધિકાર નથી. દેશના જવાબદાર નાગરિક તરીકેની આ ફરજોનું ઉલ્લંઘન વધુને વધુ લોકો કરતા થયા છે, જેને પરિણામે વિશ્વભરમાં સરકારો પોતાના જ નાગરિકોની વફાદારી પરથી વિશ્વાસ ગુમાવતી જાય છે, અને તેમને નાગરિકોને બદલે ગુનેગારો ગણી સતત કાયદાની નજરકેદમાં રાખવા લાગી છે.

થોડા વખત પહેલાં, ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી હુમલાનો બનાવ બન્યો, તેના પ્રતિસાદ રૂપે ત્યાંના તત્કાલીન વડાપ્રધાન જુલિયા ગીલાર્ડનું તે વેળાનું ફરમાન ધ્યાન ખેંચે તેવું છે : ‘શરિયા કાયદો અમલમાં આવે એવી માંગણી કરનાર મુસ્લિમ પ્રજાને બુધવાર સુધીમાં ઓસ્ટ્રેલીયા છોડવાનું ફરમાન કરવામાં આવે છે કેમ કે ઓસ્ટ્રેલીયા ફેનાટીક મુસ્લિમને આતંકવાદી તરીકે જુએ છે. દરેક મસ્જિદની તપાસ કરવામાં આવશે અને દરેક મુસ્લિમ બંદો આ કાર્યમાં સહકાર આપશે. બીજા દેશમાંથી આવેલ મુસ્લિમ લોકોએ અમારી જીવન પદ્ધતિ અપનાવવાની રહેશે નહીં કે અમે તેમની રીતે રહીએ એવી અપેક્ષા રાખે. જો એ લોકો આ રીતે રહી ન શકે તો તેમને ઓસ્ટ્રેલિયા છોડવાની છૂટ છે. ઘણા ઓસ્ટ્રેલિયનને ભય છે કે અમે કોઈ એક ધર્મના લોકોનું અપમાન કરીએ છીએ, પણ હું ખાતરી આપું છું કે અમે જે કરવા જઈ રહ્યા છીએ એ ઓસ્ટ્રેલિયાની પ્રજાના હિતમાં છે. અમે અહીં ઇંગ્લિશ બોલીએ છીએ નહીં કે બીજા ઇસ્લામિક દેશોની જેમ આરેબીક કે ઉર્દૂ, એટલે જો તમે આ દેશમાં રહેવા ઈચ્છતા હો તો સારું એ છે કે તમે ઇંગ્લિશ બોલતાં શીખો. અમે જીસસમાં શ્રદ્ધા ધરાવીએ છીએ જે અમારો ભગવાન છે અને અમે ભગવાનમાં માનીએ છીએ. અમે ક્રીશ્ચિયાનિટીમાં માનીએ છીએ અને તેને અનુસરીએ છીએ અને બીજા ધર્મને નથી અનુસરતા એથી કરીને અમે કોમવાદી નથી બનતા. આ કારણે તમને ભગવાનની છબીઓ અને પુસ્તકો ઠેકઠેકાણે જોવા મળશે. આ માટે તમને જો કોઈ વાંધો હોય તો તમે ઓસ્ટ્રેલિયા છોડીને દુનિયામાં ક્યાં ય પણ જઈ શકો છો. ઓસ્ટ્રેલિયા અમારો દેશ છે અને આ અમારી સંસ્કૃિત છે. અમે તમારો ધર્મ નથી પાળતા પણ અમે તમારી લાગણીઓનો આદર કરીએ છીએ અને એથી જ તો તમે કુરાન વાંચવા માંગતા હો અને નમાઝ પઢવા માંગતા હો તો લાઉડ સ્પીકરમાં મોટે મોટેથી બોલીને અવાજનું પ્રદૂષણ ન વધારશો. અમારી શાળાઓ, ઓફીસ કે જાહેર સ્થળોમાં કુરાન ન વાંચશો કે નમાઝ ન પઢશો. તમને જો અમારા રાષ્ટ્ર ધ્વજ કે રાષ્ટ્રગીત સામે કોઈ વાંધો હોય કે અમારી જીવન પદ્ધતિ કે ધર્મ સામે વાંધો હોય તો મહેબાની કરીને ઓસ્ટ્રેલિયા છોડીને  ચાલ્યા જાઓ અને ફરી કદી અહીં ન આવશો.’

પૂર્વ વડાપ્રધાન જુલિયા ગીલાર્ડના આ મક્કમ ફરમાન સાથે મોટા ભાગના લોકો સહમત થશે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી ખરી કે તેઓ લાઉડ સ્પીકરમાં કે શાળા-ઓફિસમાં નમાઝ પઢનારાઓને અને જેમને ભગવાની છબી પસંદ નથી તેવા શાંતિપ્રિય મુસ્લિમોને પેલા શારીયા કાયદાની સ્થાપના માટે હિંસક માર્ગ લેનારા આતંકવાદી ચપટીભર લોકોના જ પલ્લામાં બેસાડે છે એ યોગ્ય કહેવાશે? વળી આમ કરવાથી થોડા માથાભારે લોકો તેમના દેશમાંથી નીકળીને ‘પોતાના’ કહેવાતા ઇસ્લામિક દેશમાં જશે. એટલેક ે આતંકી હઠશે, આતંકવાદ નહીં મરે. આ તો કચરો મારા ફળીયામાંથી કાઢીને પાડોશીના ઘરમાં નાખવા જેવી વાત થઈ. વળી ઈરાન, ઈરાક કે પાકિસ્તાન જેવા દેશોમાં માનો કે બધા તાલીબાન, અલ કાયદા કે આઈ.એસ.ના અનુયાયીઓ એકઠા થશે તો શું દુનિયા સલામત બનશે? જેલમાં ગુનેગારોને પૂરી રાખવાથી સમાજમાંથી ગુનાખોરીનું પ્રમાણ ઘટયું છે કે ગુનેગાર જેલમાંથી વધુ ગુના શીખીને રીઢો ગુનેગાર બનીને બહાર આવે એવું વધુ સંભવે છે? એમ તો અત્યાર સુધીમાં અસંખ્ય આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં અનેક  દેશોની સરકારો સફળ થઈ છે છતાં મજાની વાત એ છે કે એ સહસ્ત્ર ફેણ વાળો નાગ ફરી ફરી ફૂંફાડા મારે છે. એ હકીકત રાજકારણીઓ, ધર્મ ઉપદેશકો, સમાજશાસ્ત્રીઓ અને માનવ જાતને શિક્ષિત કરીને તેના ઘડતરમાં ફાળો આપનાર માત-પિતાથી માંડીને તમામ લાગતા વળગતાએ સમજીને વિચારવું રહ્યું કે હવે સમય પાકી ગયો છે કે કોઈ એક કોમ, ધર્મના લોકો કે દેશના નાગરિકોની સામે આંગળી ચીંધી તેમને બદનામ કર્યે, પોતાના દેશમાંથી તડીપાર  કર્યે, ગોળીએ ઉડાવી દીધે કે કારાગારમાં પૂરી દીધે આ મહા પ્રશ્નનો ઉકેલ નહીં આવે. જરૂર છે માનવ માત્રની વિચારધારાની રુખ બદલવાનો, તેની માનસિકતાને સાચી દિશામાં વાળવાનો.

ગાંધીજીએ કહેલું, ‘વ્યક્તિના દુષ્ટ કર્તવ્યને બદલો, તે માટે એ વ્યક્તિને ન ધિક્કારો કેમ કે તેના જેવા અન્ય પેદા થશે.’ આજે જે સંકટ ઈસ્લામને નામે ફેલાઈ રહ્યું છે તે માત્ર એ ધર્મના અનુયાયીઓને જ અસરકર્તા નથી નીવડતું. હિંદુ, જુઈશ, બુદ્ધિસ્ટ અને ક્રિશ્ચિયન ધર્મના અનુયાયીઓ ભૂતકાળમાં આવા અંધકાર યુગમાંથી પસાર થઈ ચુક્યા છે. તો તેઓ તેમને માર્ગ દેખાડે અને એમના જ ધર્મના ઉપદેશનો સાચો મતલબ સમજવાની કોશિષ કરીને એક ધર્મ નિરપેક્ષ માનવતાવાદી દુનિયા સાથે મળીને રચવાની હાકલ કરે જેમાં કોઈ ધર્મને બીજા ધર્મ તરફથી ભય નહીં હોય અને દરેક દેશના નાગરિકો માનવ અધિકારોની રક્ષાની જાળવણી માટે તમામ કાયદાઓ, નિયમોનું તટસ્થ પણે પાલન કરતો હશે. એવો મૈત્રીનો હાથ લંબાવવાથી જ આજની પરિસ્થિતિનો હાલ આવશે. વિશ્વૈક્ય અને વિશ્વશાંતિ જેવી અમૂલ્ય ચીજ મેળવવા આટલું જરૂર કરીએ.

e.mail : 71abuch@gmail.com

Category :- Opinion Online / Opinion