OPINION

ભારત જેવી કૃષિપ્રધાન અને દેવમાત્રુક ભૂમિ માટે અને તેના લોકો માટે વર્ષા ઋતુનું મહત્ત્વ અનન્ય છે. ભારતના જનજીવન માટે વર્ષા ઋતુ એ જીવાદોરીનો આધાર જ નહિ, પર્યાય છે. આથી જ વેદોમાંનાં પર્જન્ય સૂક્તોનાં ગાયકોથી માંડીને છેક આજનો કવિ કે લેખક પણ વર્ષા ઋતુને વધાવતાં થાકતો નથી. પરંપરાગત જીવનપદ્ધતિમાં વર્ષા ઋતુ એ વિખૂટાં પડેલાં પ્રેમીઓ-દંપતીઓને, કુટુંબીઓને, ગામવાસીઓને એકઠાં કરનારી ઋતુ પણ હતી. વેપારીઓ અને વણજારાઓ, ખલાસીઓ અને સૈનિકો, વિદ્યાભ્યાસ માટે આશ્રમમાં રહેવા ગયેલા વિદ્યાર્થીઓ, પરાયે ઘરે પરાણે વેઠ કરતા શૂદ્રો, સૌ ચોમાસાના ચાર મહિના શરૂ થાય તે પહેલાં પોતપોતાને ઘરે પાછાં ફરતાં. અરે, સતત પરિભ્રમણ કરનારા સાધુઓ પણ આ ચાર મહિના કોઈ એક સ્થળે ઠરીઠામ થઈને રહેતા. એટલે ભારતવાસી માટે વર્ષા એ વરદાયિની ઋતુ છે. વારિના વરદાન વડે તે વસુધાને વિકસાવે છે એટલે જ નહિ, પણ પ્રેમના પ્રસાદ વડે પ્રાણને પ્રફુલ્લિત કરે છે તેથી પણ. આથી જ વર્ષાગાન વગરની ભારતીય કવિતાને, અને વર્ષાગાથા વગરના ભારતીય ગદ્ય સાહિત્યની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણી ભાષાના કવિઓએ અને ગદ્યકારોએ મેઘના જે અનેકવિધ રૂપો આલેખ્યાં છે તેમાંથી થોડા અમી છાંટણા આ નાનકડા ખોબામાં ઝીલવાનો અહીં પ્રયત્ન કર્યો છે. 

***

જળ વરસ્યું ને ...

હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘ મલ્હાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળ લૂ,
શ્વાસ હરિના પ્રસર્યા, માટી સ્વયમ્ બની ખુશબુ.
ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર,
સહેજ વાંસળી હોઠ અડાડી, ટહુક્યા મનભર મોર.
ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
મેઘધનુંમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.

− ભગવતીકુમાર શર્મા

(‘સીધો સાક્ષાત્કાર’ કાવ્યના સંકલિત અંશો)

***

વિજોગ

ઘન આષાઢી ગાજિયો, સબકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચાવે ધૂન મલ્હાર, કંઠ ત્રિભંગે મોરલા,
સબકે અંતર માંય સાજન! લખ લખ સોણલાં.
ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.
નહિ જોવા દિન-રાત, નહિ આઘું-ઓરું કશું,
શું ભીતર કે બ્હાર, સાજન! તુહીં તુહીં એક તું.
નેણ રડે ચોધાર તોય વિજોગ કેમ રે!
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે?

− મનસુખલાલ ઝવેરી

(‘વિજોગ’ કાવ્યના સંકલિત અંશો)

***

જય હો!
જય હો અષાઢ!
શંખ બજે ગગને ગગને,
શ્યામલ ઘન વાદળ દળ ઘેરાય પ્રગાઢ,
જય હો અષાઢ!
વનમાં નાચત મયુરપિચ્છના કલાપનું ટહુકાવું,
નયન મલક મલકાવું.
નરનારીનાં વૃંદ હિલોળે,
ગાય મલાર મહાડ,
જય હો અષાઢ!

− રાજેન્દ્ર શાહ

(‘જય હો અષાઢ’ કાવ્યના સંકલિત અંશો)

***

આષાઢી બાદલ

બરસ બરસ આષાઢી બાદલ,
શ્યામલ સઘન સજલ અંબરતલ,
રુક્ષ ધરા કરી દો રે છલ છલ ... બરસ ...
આ મધ્યાહ્ન ધખે સહરાના,
પ્રચંડ રણની જ્વાલા,
એને શીતલ સભર ભરી દો,
મેઘે બાર હિમાળા.
રણમાં રિક્ત પૂરણ લહરાવો
નવ અંકુર હરિયાળા
સ્પરશે મત્ત પવનને પાગલ ... બરસ ...
તલસી તલસી આથડતી તૃષ્ણા,
પલ પલ ઘેલી અકેલી,
એ મરુવન મૃગજળની માયા
વ્યર્થ લિયો સંકેલી.
મેઘધનુષના રંગ-મિલનની
સ્વપ્ન મધુરતા રેલી
પ્રગટ પરમ તૃપ્તિ જલ નિર્મલ ... બરસ ...


− પિનાકિન ઠાકોર  

***

વરસી ગયા

વરસી ગયા રે વાદળમાં વનમાળી.
કહીં હવે પણ ઉરને,
નભને ભરતી સૂરત કાળી?
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
જેઠ લગી તો જલી રહી ‘તી
કશુંય ન્હોતું કહેણ,
અચિંત આવ્યા, નવ નીરખ્યા મેં,
ભરી ભરીને નેણ,
રોમ રોમ પર વરસી-પરસી
બિંદુ બિંદુએ બાળી!
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
તપ્ત ધરામાં જે શોષાયું
જહીં સરોવર-કૂપ,
જલધારામાં વહી ગયું એ
ઉરને ગમતું રૂપ.
શૂન્ય હતું ને શૂન્ય રહ્યું એ
નભને રહી હું ન્યાળી,
વરસી ગયા રે વાદળમાં વનમાળી.

− પ્રિયકાંત મણિયાર

***

વરસાદમાં

ભીંજાવામાં નડતર જેવું લાગે છે:
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે.
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
‘ઊઘડી જઈએ: અવસર જેવું લાગે છે.’
મોસમની હિલચાલ જ છે આશાવાદી:
સોળ અચાનક સત્તર જેવું લાગે છે.
ખુલ્લા ડીલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે.

− ઉદયન ઠક્કર

***********************

વરસાદ પોતપોતાનો

અષાઢના આ ભીના દિવસોના મેઘ સાથે કાલિદાસ જોડાઈ ગયા છે. આદિ કવિ વાલ્મિકી અને આ યુગના કવિ રવિ ઠાકુર પણ જોડાયેલા છે. આ કવિઓએ વર્ષાને વિરહની ઋતુ જાહેર કરી દીધી છે. વર્ષા એ ભારતવર્ષની પ્રધાન ઋતુ છે, અને એ ઋતુ વિરહની? પ્રેમમાં જેણે વિરહ અનુભવ્યો નથી, એ પ્રેમ પદારથ તે શું એ કેવી રીતે જાણે? વિરહ તો પ્રેમીઓના જીવનમાં ડગલે ને પગલે આવે. અરે, વચ્ચે કમળના પાંદડા જેટલું અંતર હોય તોય ચક્રવાક અને ચક્રવાકી વિરહથી ઝૂરી મરે છે. પણ આ અષાઢના દિવસોમાં વિરહ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વર્ષામાં વિરહ સહન કરવો દોહ્યલો છે, એમ કવિઓ કહી ગયા છે.

− ભોળાભાઈ પટેલ
(‘બોલે ઝીણા મોર’માંથી)

કોઈ પણ જાતના ઠાલા દેશાભિમાન વગર એક વાત નોંધવાની લાલચ નથી રોકી શકતો. ઘણા દેશોમાં વરસાદમાં પલળવાનું બન્યું છે. લંડનમાં તો એકાદ ઝાપટું આવે અને તમે માંડ પલળી રહો ત્યાં તો ઝાપટું ગાયબ! સાચું છે કે વરસાદને રાષ્ટ્રીય વાડાઓ સાથે સાંકળવાનું યોગ્ય નથી. છતાંય કહેવું પડશે કે અષાઢને પ્રથમ દિવસે આકાશમાંથી વરસાદી સુગંધ વરસી પડે અને આપણા મનને ભીંજવી દે એવો અનુભવ કોણ જાણે કેમ બીજા દેશોમાં નથી થતો. વરસાદ આપણને પલાળી મૂકે એ પૂરતું નથી. એ તો આપણી અંતર-ક્યારીને ભીંજવીને તરબતર કરી મૂકે ત્યારે જ તો વરસાદ કહેવાય. ચોમાસાની માતૃભાષા છે ‘ડ્રાઉં, ડ્રાઉં’

− ગુણવંત શાહ
(‘ઋતુસંહાર’ લેખના સંકલિત અંશો)

ન આવે.  કચ્છીમાં જેને ધરતીનો લાડો કહેવાય છે તે મીં આવે નહિ. અમારી આંખોમાં લોહી ઉતરી આવે. પછી લોકો કહેવા માંડે કે મીંને કોઈએ બાંધી રાખ્યો છે. તે સાચે જ એવું લાગે કે જાણે કોઈ મંત્રતંત્રના જાણકારે વરસાદને બાંધી રાખ્યો છે. પછી એકાએક વરસાદ છૂટી જાય. રણના આકાશને પાર કરતો મોડો મોડો એ દેખા દે. પહેલો છાંટો મારી માલિકીનો. તપ્ત રેતીમાં ફફ્ દેતોકને છાંટો પડે. થોડી ધૂળ ઊડે અને પહેલો છાંટો સૂકાઈ જાય. પછી તો એક પછી એક છાંટા પડે અને મન હોય તો દિલ દઈને વરસવા લાગે. જે અંદર છે તે મારો વરસાદ છે. મારો વરસાદ તમારો વરસાદ નથી, અને તમારો વરસાદ મારો વરસાદ નથી. કારણ કે વરસતા વરસાદમાં આપણને જે યાદ આવવાના છે તે ચહેરા જુદા છે અને તે આંખો જૂદી છે. મારી અને તમારી ભીંતો પર જે લીલ ઊગે છે તે પણ જુદી જુદી છે.

− વીનેશ અંતાણી
(‘પોતપોતાનો વરસાદ’ના સંકલિત અંશો)

વર્ષાનાં અનેક રૂપ જોવાં ગમે છે. દૂરની આમલીની ઘેરી ઘટાની આસપાસ વૃષ્ટિની ધારા જે અવેષ્ટન રચે છે તે હું મુગ્ધ બનીને જોઈ રહું છે. વડની જટામાંથી નીતરતી ધારા પણ જોવી ગમે છે. ખુલ્લા મેદાનમાં યુદ્ધક્ષેત્રમાં ભારે વેગથી ધસી જતી અક્ષૌહિણી સેના જેવી વૃષ્ટિધારા પણ મેં જોઈ છે. દૂરની ક્ષિતિજે મેદુરતાને ઘૂંટતી વર્ષાધારા કશાક અપરિચિત જોડે આપણું સંધાન કરી આપતી હોય છે. જળભીના મુખ પરથી કપોલના ઢોળાવ પરથી સરીને ચિબુકને છેડેથી ટપકતું જળબિંદુ જોઈ રહેવું એ કેવું આહ્લાદક હોય છે!

− સુરેશ જોશી
(‘નિદ્રા ને વરસાદના તાણાવાણા’માંથી સંકલિત અંશો

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2014

Category :- Opinion Online / Opinion

પંચશીલના છ દાયકા

દિવ્યેશ વ્યાસ
30-06-2014

જવાહરલાલ નહેરુની દીર્ઘદૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના પંચશીલ કરારને કાલે એટલે કે ૨૮મી જૂન, ૨૦૧૪ના રોજ ૬૦ વર્ષ પૂર્ણ થયાં. આ ૬૦ વર્ષમાં બન્ને દેશોના સંબંધોમાં ખટમીઠા અનુભવો છતાં નહેરુના વિચારો અને વ્યવહાર આદર્શ ઠરે છે. ભારત-ચીને નહેરુ-નીતિ અપનાવવી જ રહી

મહાત્મા ગાંધીએ એક વાર કહેલું, "હું એ દિવસની આકાંક્ષા કરું છું જ્યારે એક આઝાદ ચીન અને એક આઝાદ ભારત એશિયાની ભલાઈ તેમ જ વિશ્વની ભલાઈ માટે સહયોગ અને મૈત્રી સાથે હળીમળીને કામ કરશે." ભારતને આઝાદી મળી અને બીજી તરફ ચીન પણ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનામાં ફેરવાયું ત્યાર બાદ ગાંધીજીના આશાવાદને સાચો ઠેરવવા માટે તેમના રાજકીય વારસ એવા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ઘણી મથામણ કરેલી. નહેરુ એક સ્વપ્નશીલ અને આદર્શવાદી સ્ટેટ્સમેન (રાજપુરુષ) હતા. નહેરુએ વૈશ્વિક દૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના સંબંધોને સમૃદ્ધ બનાવવા માટે 'પંચશીલ' નીતિ વિકસાવી હતી, જેને ચીનના તત્કાલીન નેતૃત્વની સ્વીકૃતિ પણ મળી હતી.

૧૯૫૪માં ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઇ ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા હતા. યાત્રાના અંતે ૨૮ જૂન, ૧૯૫૪ના રોજ સંયુક્ત નિવેદનમાં ભારત અને ચીને પાંચ સિદ્ધાંતોનું (જે પંચશીલ તરીકે વિખ્યાત થયા) પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પંચશીલ શબ્દ મૂળભૂત રીતે બૌદ્ધ ધર્મનો શબ્દ છે. ભારત અને ચીનને જોડતી એક મજબૂત કડી હોય તો એ ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં પાંચ સિદ્ધાંતો છે - હત્યા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને મદ્યપાન ન કરવું. આ પાંચ સિદ્ધાંતો પંચશીલ તરીકે જાણીતા છે. નહેરુએ આ પાંચ બૌદ્ધ સિદ્ધાંતોના આધારે જ બે દેશો વચ્ચે શાંતિ અને સહયોગ ટકાવી રાખવા માટે જરૂરી પાંચ સિદ્ધાંતો તારવ્યા હતા અને તેનું નામ પણ પંચશીલ આપ્યું હતું. નહેરુ અને ચાઉ એન લાઇ વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે થયેલા પંચશીલ કરારના એ પાંચ સિદ્ધાંતો જોઈએ ઃ

૧, એકબીજાની પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું.

૨, એકબીજા વિરુદ્ધ આક્રમક કાર્યવાહી ન કરવી. 

૩, એકબીજાની આંતરિક બાબતોમાં દખલ ન કરવી.

૪, સમાનતા અને પરસ્પર ભલાઈની નીતિનું પાલન કરવું અને

૫, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની નીતિમાં વિશ્વાસ રાખવો.

વિશ્વશાંતિ માટે મથનારા નહેરુ માનતા હતા કે આ પાંચ સિદ્ધાંતો વિશ્વશાંતિ અને સહયોગની આધારશિલા બની શકે છે. બે બે વિશ્વયુદ્ધો જોઈ ચૂકેલા દુનિયાના દેશોને પંચશીલમાં આસ્થા બેઠી હતી. પંચશીલને કારણે વિશ્વ રાજકારણમાં એક નવા અધ્યાયનાં મંડાણ થયાં હતાં. દુનિયાના અનેક દેશોએ પંચશીલના પાંચ સિદ્ધાંતોને પોતાની વિદેશનીતિમાં અપનાવ્યા હતા.

ચીન સાથેના પંચશીલ કરાર પછી ભારતની વિદેશનીતિમાં પંચશીલ સિદ્ધાંતો જાણે અનિવાર્ય હિસ્સો બની ગયા હતા. સોવિયત રશિયા, યુગોસ્લાવિયા, પોલેન્ડ, લંકા, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, તુર્કી વગેરે દેશો સાથેના સંબંધોનો આધાર પંચશીલ સિદ્ધાંતો રહ્યા છે. અરે, લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાન સાથે કરેલા તાશ્કંદ કરાર પણ પંચશીલના સિદ્ધાંતો પર જ આધારિત છે.

ભારત-ચીન પંચશીલના બંધને બંધાયા પછી 'હિંદી-ચીની ભાઈ ભાઈ'નો નારો ગુંજવા માંડયો હતો. જો કે, નર્યા આદર્શવાદ આધારિત દ્વિપક્ષીય કરાર કેટલા પોકળ પુરવાર થઈ શકે, એનું ભાન નહેરુ અને સમગ્ર દેશને ૧૯૬૨માં ચીન આપણી સામે યુદ્ધે ચડયું ત્યારે થયું હતું. ચીને ભારતનો વિશ્વાસઘાત કર્યો હતો. પંચશીલ મામલે નહેરુ પર આજ દિન સુધી માછલાં ધોવાતાં રહ્યાં છે, પ્રતિદલીલોમાં તથ્યાંશ હશે, છતાં ચીન સાથે આજે જે કંઈ સંબંધો છે, તેના પાયામાં નહેરુની પંચશીલ નીતિ જ રહેલી છે, તે વાસ્તવિકતા છે.

પંચશીલને ઘોળીને પી જનારું ચીન પોતે આજે પંચશીલના છ દાયકાની ઉજવણી કરી રહ્યું છે. આપણા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને એ ઉજવણી માટે ખાસ નિમંત્ર્યા છે, ત્યારે તેમાં શું નહેરુની નીતિનો વિજય નથી?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : લેખકની ‘સમય સંકેત’ નામક સાપ્તાહિક કટાર, “સંદેશ”, June 29, 2014

Category :- Opinion Online / Opinion