OPINION

चरवेति चरवेति धर्म

મહેન્દ્ર દેસાઈ
28-02-2013

થોડા સમય પહેલાં લંડનના ઇલિંગ રોડ પર આવેલી બ્રેન્ટ કાઉન્સિલની લાઇબ્રેરીમાં એક ડચ નાગરિકની બનાવેલી દસ્તાવેજી ફિલ્મનો શો હતો. વિષય હતો – ભારતથી અને તમારાં ગુજરાતથી બ્રિટનમાં રહેવા – ભણવા – વસવાટ કરવા આવેલા યુવા વર્ગની કથની. એ શો પછી નિર્દેશક અને એ ફિલ્મમાંના એક પાત્રની સાથે વાતચીત – પ્રશ્નોત્તરી હતી. એ બધુ પત્યું અને હું નીકળવા જતો હતો, ત્યાં એ જ શોની એક સીડી હાથમાં લઈને એક ઊંચી કદાવર વ્યક્તિ મારી સામે આવીને કહે છે – ‘લો. આના વિશે કાંઈક લખો.’  અને મારા હાથમાં સીડી પકડાવી દીધી. ‘મેં તો કદી લખ્યું જ નથી.’ મેં એ વાત ટાળવા વિચાર કર્યો. તો કહે ‘કાલે લખવાનું જ છે તો આજથી શરૂ કરો.’ કંઈક અધિકારભરી ભાષાએ મને સ્થગિત કરી દીધો. વર્ષો પહેલાં પત્ર લખતો હતો પણ ફોનની વ્યવસ્થા સુલભ થવા માંડી અને પત્ર લેખન વિસારે પડતું ગયું. હવે તો ઇ-મેઇલને લીધે ભાષા પણ ટૂંકી થવા માંડી અને  SMSના પ્રભાવથી તો ભાષાશાસ્ત્રીઓ પણ ડરી રહ્યા છે. હું વિચારોના રણમાં અટવાઈ ગયેલો, દિશા શોધવા માટે ફાંફા માર્યા અને તૂટક તૂટક વિચારો ઊગતા લાગ્યા. પણ તે બધા જ અસ્તવ્યસ્ત. પછી હાથમાં કલમ લઈને એને લખવા બેઠો કંઈક આવી રીતે :
શિયાળો આવતાં સ્થળાંતર કરનાર પંખીઓ ઠંડા પ્રદેશ છોડીને ગરમ પ્રદેશ તરફ પ્રયાણ કરે, નવાં ચરિયાણ માટે નવા જીવનનાં ચણતર માટે. પશુ સૃષ્ટિમાં પણ ઘણાંબધાં પ્રાણીઓ આમ સ્થળાંતર કરતાં હોય છે. નવી ચરાઉ જમીનની શોધમાં નવું ચરવા માટે અને સાથોસાથ નવજીવનને પાંગરવા માટે. આમ જોવા જઈએ તો આપણી માનવ જાતિની કહેવાતી આદ્ય માતા ‘લ્યુસી’ પણ ત્રણ-સાડાત્રણ લાખ વર્ષ પૂર્વે કંઈક આવા જ ઉદ્દેશથી આફ્રિકાના ટાન્ઝાનિયા મુલકમાંથી સ્થળાંતર કરેલું અને એ સ્થળાંતરના ફલસ્વરૂપે આખા ય પૃથ્વી પર માનવજાતિ વિસ્તરાઈ ગઈ.
આપણા ભારતીય પૌરાણોમાં – વેદોમાં એક વાક્ય છે – चरवेति चरवेति धर्म॥ चर + उ + इति એટલે કે ચરવું. ચરવું અને ચરવું એ જ ધર્મ. આ જગતની હરેક જીવ સૃષ્ટિ માટે ચરવું એ સ્વભાવ છે ........... પછી ચરવું, ફરવું, હરવું, રળવું, એ બધું જોડાઈ ગયું.
આ દસ્તાવેજી ફિલ્મમાં ચરવા, ફરવા અને રળવા નિકળેલા યુવાવર્ગની કથા છે. દેશમાં નાના ગામમાં હવે તો પરદેશની વાતો, ત્યાંનુ જીવન વગેરેના અનેક આલેખનો સચિત્ર મળતાં રહેતા હોય છે. ગામમાં વિકાસ – પ્રગતિ  માટેની તકો પૂરતી ન હોવાથી ઘણાંબધાં યુવક – યુવતીઓ પરદેશ જઈને પ્રગતિ સાધવા માંગતા હોય છે, અને તક મળતાં ત્યાંથી નીકળી પડતાં હોય છે. કંઈ કેટલી આશાઓ – ઉમંગો અને વિવિધ કલ્પનાનાં પોટલાં બાંધી કેટકેટલાં યુવાનો આ દેશમાં આવતાં હશે. નવા સ્વપ્નલોકમાં જવા થનગનતા પગલાંના અવાજોમાં વતનથી નીકળતી વખતની જુદાઈ ક્યાંક દબાઈ જાય તો ક્યાંક પરિવાર સગાંસંબંધીઓ – મિત્રમંડળ બધાની સાથે નામછેદ કરીને નીકળતાં દુ:ખ પણ વર્તાય, તો ક્યાંક પરદેશ ખેડીને સમૃદ્ધિ સાથે પાછા ફરશું એવી સુખદ સાંત્વના પણ હોય. આવી બધી લાગણીઓના મિશ્રણ સમૂહ સાથે બ્રિટનની ધરતી પર પગ મૂકે અને આ દેશની ભવ્યતા જોઈ આશ્ચર્ય મગ્ન થઈ જાય, એક રોમાંચકતા ઘેરી વળે. વિશાળ રસ્તા પરથી પસાર થતી ટેક્સી. ધીરે ધીરે નાના રસ્તાઓ વટાવીને નાની એક ગલીમાં આવેલા એક સાધારણ મકાન આગળ અટકે ત્યારે થોડું ડઘાઈ જવાય. પણ આશાના ઉમંગમાં શરૂ શરૂના દિવસો નાના સરખા મકાનમાં અન્ય રહેવાસીઓની ભીડ વચ્ચે સંકડાશની જિંદગી શરૂ કરે ત્યારે પેલાં પોટલાં ઓગળવાં માંડે. હતાશા ફરી વળે, વતનની યાદ પીડવા લાગે. પણ ચરવું તો પડશે અને એ માટે રળવું પણ પડશે જ એટલે એ બધું ખંખેરી કટિબદ્ધ થઈ નીકળી પડે ચણ ગોતવા. આખડતાં પાખડતાં જે મળ્યું એ ભલું મળ્યું એમ સ્વીકારી ગોઠવાઈ જાય. નવા ખોખામાં દિવસો વિતતા જાય, કોઠવાતું જવાય અને ગોઠવાતું જવાય. દિવસનો મોટો ભાગ બાર તેર કલાકનો મજૂરીમાં જાય, દોઢ બે કલાક જવા-આવવામાં પસાર થાય અને ઘર .. એક રેલવે સ્ટેશન જેવું લાગે .. વિરામ કરવા થોડીવાર ઊભી રહેલી ટ્રેન જેવું.
સમય પસાર થતો જાય. નિયમબદ્ધ જીવન પણ પસાર થતું જાય અને ઘરના અલગ અલગ સભ્યો એકબીજા સાથે હળીભળી જાય. દરેકના સુખદુ:ખમાં સહિયારા ખરા પણ સમયની પાબંદી પામવી પડે. વતનમાં પરિવારજનો સાથે અવારનવાર ફોન પર વાતચીત થાય. સુખની થોડીક વાતો થાય અને દુ: ખની અનેક વાતો છિપાવાય. આવી સંતાકૂકડી રમતાં રમતાં વિસાની આવરદા ટૂંકી થઈ જાય. મન અવઢવમાં મુકાઈ જાય. શેકસ્પિયર ન વાંચ્યો હોય તો પણ એના એક વાક્યનું અનેકવાર રટણ થાય To stay or not to stay અને જ્યારે to stay ના તરફનું પલ્લું નમે ત્યારે વિસાની આવરદા લાંબી કરવા માટે અરજી થાય, નારિયેળ અને દિવો થાય. નવી આશા ઉમંગનો સંચાર થાય અને અરજીના જવાબની રાહ જોવામાં શિયાળાના ટૂંકા દિવસો પણ લાંબા લાગે. જવાબ આવે ત્યારે ક્યાંક ખુશીની બ્યોછાર થાય તો ક્યાંક નિરાશા – હતાશા ઘેરી વળે. પરદેશના એકલા અટૂલા દિવસોમાં એ દુ:ખ કોની સાથે વહેઁચી શકાય. કોના ખભે માથુ નાખી દુ:ખની પળો વહાવી શકાય!
જેઓ અહીં રહી ગયા, તેઓનું જીવન થાળે પડતું જાય. બધુ ગમવું ફાવતું થઈ જાય અને કદી બે પાંદડે થયાનો સુખદ અહેસાસ પણ થાય. સમય વિતતો જાય અને વતનની યાદ આવે ત્યારે કોકવાર હવે બસ આવતી સાલ પાછા ફરવું છે એવા મનોભાવ ઉભરતા જાય, સાથોસાથ ‘થોડું વધારે બાંધી લઉ’ એવી અગલે બરસાતમેં કે પછી અહીંની પરિભાષામાં come September થી કૂદી રહેલા મનનું સમાધાન પણ થાય. એક પલ્લે ગઠરિયાં બાંધી વતન પરત જવું તો બીજા પલ્લામાં પરદેશની ગમી ગયેલી, ભાવી ગયેલી ભૂમિ પર કાયમ થવું? ફરી વિમાસણ શરૂ થાય. કાન્તના ભરતની જેમ ‘રાગ અને ત્યાગ વચ્ચે હૈયું એ ઝૂલતું હતું’ એમ અવઢવમાં મુકાઈ જવાય. કોઈક પોતાની સમૃદ્ધિની ગઠડી બાંધીને ખુશી ખુશી વતન પરસ્ત થાય તો કોઈ વધારે સારા ભવિષ્યની ભાવનાથી એક દ્વારિકા કરી લે અને નવો સસાર માંડી – નવજીવનમાં ઓતપ્રોત થઈ જાય. જીવન વાસ્તવિકતાની ઊંચી નીચી કેડી પરથી પસાર થતું જાય અને સમયની પીંછી શરીર પર અને મન પર રેખાઓ દોરતી જાય .
પણ વતન વિસરાતું નથી. કુટુંબ પરિવાર, વૃદ્ધજનો, મિત્રમંડળ વગેરેની યાદ વિસરાતી નથી. અનેકોની અવરજવરથી અને વિધવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું ઘર યાદ આવે. ગામની સીમમાં કરેલી રખડપટ્ટી, તળાવમાં મારેલા ભૂસકા અને વડ-પીપળના ઝાડ નીચે બેસીને વણેલી કોમળ ભાવનાઓ બધું જ મન:ચક્ષુ આગળ સચિત્ર થાય, અને યાદોને ફરી માણી લેવાની અદમ્ય ઇચ્છા થાય. વતન જવાની તૈયારીઓમાં સૌ પ્રથમ ખરીદી શરૂ થાય અને અવનવી ચીજ વસ્તુઓથી બેગો ભરાતી જાય. જવાની તારીખ આવે એ પહેલાં તો મન ક્યારનું ય ઘેર પહોંચી ગયું હોય.
પણ ‘પરિવર્તન સંસારે’ બધું જ બદલાઈ ગયું. ગામનો નકશો બદલાઈ ગયો, વિશાળ ઘર જર્જરિત થઈ ગયેલું લાગ્યું, અનેક પરિવારજનોથી ઉભરાતું ઘર હવે ખાલી ખાલી થઈ ગયું અને પેલો હિંચકો જેની સાથે ઘણીબધી સુખદ યાદો સંકળાયેલી તે હિંચકો જ ગાયબ ! વાંકી વળી ગયેલી જૂની પેઢીએ હિંચકાને વિદાય આપી હતી. શેરીનું મિત્રમંડળ પણ વિખરાઈ ગયેલું. સૌ પોતપોતાના સંસારને લઈને ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયેલા. અને ગામની સીમ તો હવે નવી વસ્તીથી ઉભરાઈ ગયેલી. પેલું તળાવ વડ - પીપળ એની તો નિશાની જ ન મળે. આટલું બધું ક્રૂર પરિવર્તન!
કેટકેટલી યાદોના, કેટકેટલી ભાવનાઓના પોટલાં બાંધીને વતન પાછા આવીએ. ઘણું બધું માણવાની ઇચ્છાઓથી લપેટાઈને આવીએ, ઘરમાં બેસી પગ લાંબા કરીને હાશકારો અનુભવીએ એવી કેટકેટલી લાગણીઓ લઈને આવીએ. પણ અહીં તો બધું જ બદલાઈ ગયું. ચિરપરિચિત જગ્યાઓ, વસ્તુઓ, વ્યક્તિઓ બધું જ અપરિચિત લાગે અને ફરી પોટલાં ઓગળવાનાં દુ:ખનો અહેસાસ થાય. બધાં જ અરમાનો કડડભૂસ થઈ જાય.
ડુમો ભરાઈ આવે અને ઘેર પાછા ફરવાનો વિચાર આવે, પણ કયા ઘરે ‘હવે મારું ઘર ક્યાં?’

 

e.mail : mndesai.personal@googlemail.com

("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)

Category :- Opinion Online / Opinion

‘ક્વેકર પીસ મૂવમેન્ટ’[Quaker Peace movement]ની ઉત્તર ઇંગ્લેન્ડમાં સ્થાપના થયાને આ વર્ષે ૧૦૦ વરસ પૂરાં થયાં. બીજા વિશ્વયુધ્ધના નગારાં વાગતાં હતાં, તે સમયે વિલિયમ પેન[William Penn]નું વિધાન : ‘PEACE can only be secured by JUSTICE; never by force of arms.’ મારા મનમાં વિચારોનો વંટોળ પેદા કરી ગયું. વળી ૧૯૩૨-’૩૪ દરમ્યાન, જીનિવામાં વિશ્વ નિ:શસ્ત્રીકરણ સંમેલન મળેલું જેમાં લીગ ઓફ નેશન્સના સભ્ય દેશોએ શસ્ત્રો બનાવવા/વેચવા પર પ્રતિબંધ લાવવાનો અને સંઘર્ષો નિવારવા વૈકલ્પિક માર્ગ લેવા માટે દુનિયાના સભ્ય દેશોને પ્રોત્સાહિત કરેલા. કરુણતા તો એ છે કે તેમ છતાં ય બે વિશ્વયુધ્ધો ખેલાયા અને હજુ હિંસાના ખપ્પરમાં લાખો નિર્દોષના જાન હોમાય છે, એવે સમયે ઉપરોક્ત પ્રશ્ન મનમાં ઉદ્દભવ્યો.
આ પ્રશ્ન કોને પૂછવામાં આવે છે તેને આધારે જવાબ મળશે, ભાઈ. બુદ્ધિજીવીઓ, શિક્ષણ અને સમાજ ઘડતરના કાર્યક્ષેત્રમાં પડેલાઓ, યુવાપેઢીને અને આમ જનતાને પૂછશો તો કહેશે, શાસ્ત્રોનો જ વેપાર કરવો હોય ને ભલા, આ તે કઈ પૂછવાની બાબત છે?
સત્તાધારીઓ, રાજકારણીઓ, ભારે ઉદ્યોગોના માલિકો અને કેટલાક અંતિમવાદીઓને ભૂલેચૂકે પણ પૂછશો, તો જોરશોરથી કહેશે, શસ્ત્રોનો વેપાર કરીએ છીએ અને કરશું; અમને પૂછનાર તમે કોણ?
શાસ્ત્રોનો વેપાર ન હોય. એમાં સંચિત જ્ઞાનનું આદાન-પ્રદાન યુગોથી થતું આવ્યું છે. ઇજિપ્ત, મેસોપોટેમિયા, ચીન અને સિંધુ ખીણની સંસ્કૃિતઓ જયારે પૂર્ણ કળાએ ખીલી રહી હતી, ત્યારે બીજા દેશોમાંથી જ્ઞાન પિપાસુ વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ યોજનો દૂર શાત્રાભ્યાસ કરવા જતા.
ત્રણેક હજાર વર્ષ પહેલાં ભારતમાં તક્ષશિલા અને પાંચમી સદીમાં નાલંદા વિશ્વવિદ્યાલયમાં દેશ પરદેશથી આવતા વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં નિપૂણતા પ્રાપ્ત કરતા. ૧૧મી અને ૧૩મી  સદી દરમ્યાન બ્રિટનની ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી માટે જગત ભરમાં ભારે આકર્ષણ હતું. આજે હવે અમેરિકાની યેલ, કેલિફોર્નિયા કોલેજ ઓફ ટેકનોલોજી અને હાર્વર્ડમાં પ્રવેશ મેળવવા અને અભ્યાસ કરવા બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરે છે.
શાસ્ત્રોના અધ્યયન અને અધ્યાપનથી અગણિત ફાયદાઓ થયા છે. જ્ઞાન વહેંચવાથી વૃદ્ધિ પામતું રહ્યું અને તત્ત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાન જેવા ગહન શાસ્ત્રોથી માંડીને નાટ્યશાસ્ત્ર, સંગીત વિદ્યા તથા શિલ્પ, કળા અને સાહિત્ય જેવી જ્ઞાન શાખાઓ ભૌગોલિક સીમાઓ વટાવીને બહોળા માનવ સમુદાયને ઉપલભ્ધ થઇ અને તેને કારણે દુનિયાના એક ખૂણે પ્રગટેલા જ્ઞાનદીપ સર્વત્ર પ્રકાશ ફેલાવતા થયા.
એક હકીકત અહીં નોંધવા જેવી છે, આજની શિક્ષણ પદ્ધતિમાં શિક્ષણ આપવા જેવું ઉમદા કામ પણ હવે વ્યાપારી ધોરણે થવા લાગ્યું છે એટલે શાસ્ત્રોનો પણ વેપાર શરુ થયો છે એમ દુ:ખ સાથે કહેવું પડે છે. 
વેપાર કરવા માટે શાક-ભાજીથી માંડીને સોનું, હીરા, માણેક જેવી વસ્તુઓ પૂરતી નહોતી એટલે માણસે શસ્ત્રોનો વેપાર આદર્યો! પોતાના દેશની સુરક્ષા માટે દરેક દેશને સક્ષમ શસ્ત્રદલ રાખવું પડે એ જ માનવ જાતની બદનસીબી છે. પણ જેમ દરેક ગામ, શહેર અને દેશ પોતાના ખપ પૂરતું અનાજ અને કાપડ પેદા કરે છે અને વધારાની વસ્તુઓની નિકાસ કરે તેમ પોતાના દેશમાં ન પાકતી વસ્તુઓ આયાત કરે તે વ્યાજબી છે. તેવી જ રીતે દરેક દેશે પોતાની સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો પણ પોતે જ બનાવવા જોઈએ, પણ જો પોતાની તાકાત ન હોય તો બીજા દેશોમાંથી આયાત ન કરવા જોઈએ એમ મારી સમજ કહે છે.
જરા વિચાર કરતાં જણાશે કે યુરોપ ખંડના મોટા ભાગના દેશોએ ૧૮મી સદી પછી દક્ષિણ ગોળાર્ધના દેશો પર રાજ્ય કર્યું. જયારે ગુલામ દેશોને સ્વતંત્ર કરવાની ફરજ પડી ત્યારે એવી વ્યવસ્થા કરી કે એ દેશો આંતરિક વિગ્રહ કે પડોશી દેશો સાથે જીવે ત્યાં સુધી લડતા રહે. મજાની વાત એ છે કે બીજા દેશો પર રાજ્ય કરવાથી મળતી સમ્પત્તિ હવે ન મળતી હોવાને કારણે એ દેશોનું શોષણ કરવાની બીજી કોઈ રીત યુરોપીયન દેશોએ શોધવી પડી. પહેલાં ગુલામ પ્રજાનું હીર ચૂસીને તગડા થયેલા ‘First World’ના સભ્ય ગણાતા દેશો હવે સ્વતંત્ર થયેલા દેશોને પોતાના દેશોમાં બનેલા શસ્ત્રો વેચીને મોતનો વેપાર કરીને પોતાની રૈયત માટે કમાણીનું સાધન ઊભું કરે છે. ઓગણીસમી અને વીસમી સદીમાં ગુલામ બનેલા દેશોએ પોતાના દેશની સંપત્તિ ધોળે દિવસે લૂટાતી જોઈ, અને હવે આંતરિક વિગ્રહમાં વિજય મેળવવા જે દેશોએ એમના પર રાજ્ય કર્યું તેમની જ પાસેથી શસ્ત્રો ખરીદીને ફરી એમના જ દેવાદાર બને છે ! આ તે કેવી કરુણતા?  
યુનાઇટેડ નેશન્સની સ્થાપના ઇ. સ. ૧૯૪૫માં થઈ, ત્યારથી માંડીને આજ સુધી તેની મધ્યસ્થીને કારણે કેટલા યુધ્ધો અને આંતરિક સંઘર્ષો નિવારી શકાયા છે, તે જાણવું હોય તો જીનિવાના યુ.એન.ના મુખ્ય મથકની મુલાકાત લઈ, ત્યાંની તવારીખ નોંધવા જેવી છે. જો કે એ સંગઠનની ખરી બિનઅસરકારકતાનું માપ તો એની જ સામે બે વેંત ઊંચા આસને બેઠેલા રેડક્રોસના મુખ્ય મથકમાં પ્રદર્શિત એ સંગઠનની સ્થાપના(ઇ. સ. ૧૮૬૩)થી માંડીને આજ સુધી તેના દ્વારા થયેલ માનવતાભર્યા કાર્યોની યશોગાથાનો અભ્યાસ કરવાથી જ કાઢી શકાય.
બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયાને પણ આજે છ દાયકાથી વધુ વર્ષોનાં વહાણાં વાઈ ગયાં, તો ય ક્યાં ય વિશ્વ શાંતિ તરફ ગતિ કર્યાનાં એંધાણ નથી કળાતા આથી સહેજે સવાલ થાય કે યુ.એન.ના પ્રયત્નો સાચી દિશામાં છે? એની યુક્તિઓ સફળ કેમ નથી થતી? કદાચ સંઘર્ષ ગ્રસ્ત દેશોમાં શાંતિ જાળવવા માટે સશસ્ત્ર દળો મોકલવાને બદલે બે દેશો વચ્ચે શસ્ત્ર વેપારની બંધી લાવવાનો સમય આવી ગયો છે.
જો ધનાઢ્ય દેશોની સરકારોએ પોતાની પ્રજાના પેટનો ખાડો પૂરવાની ફરજ પૂરી કરવી હોય અને તે પણ બીજા દેશોમાં પોતાનો તૈયાર કે કાચો માલ નિકાસ કરીને, તો ભલા શસ્ત્રો સિવાય લાખો અને કરોડો વસ્તુઓ એમની પાસે છે જ, જે મેળવવા વિકસતા અને અવિકસિત દેશોની આમ પ્રજા તલપાપડ થઈ રહી છે. જે દેશોમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે અને જે દેશો લોકશાહી સરકારો ઊભી કરવા જાન ફના કરી રહ્યા છે, તે બધા દેશોના નાગરિકોએ સાગમટે પોતાની સરકારોને પ્રજાએ ભરેલા આવક વેરા અને વેચાણ વેરામાંથી શસ્ત્રો બનાવીને બીજા દેશોમાં વેંચી કે ખરીદી હરગીઝ શકાય તેવી બાયેધરી આપવાની ફરજ પાડવી જોઈએ. હું જો વિનાકારણ બીજા દેશના નિર્દોષ નાગરિકનો જાન ન લઉં તો મારા કરવેરામાંથી એમને એકબીજાને કે બીજા દેશો સાથે લડાઈ કરવા માટે શા માટે જોગવાઈ કરી આપું? એ એક પ્રકારની આડકતરી હિંસા જ થઈને? લોકશાહી સરકારોને તેના નાગરિકોની થાપણનો આવો અમાનવીય ઉપયોગ કરવાની સત્તા બિલકુલ ન હોવી ઘટે.
ત્રીજા વિશ્વયુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે શસ્ત્ર વેચાણ બંધ કરીને શાસ્ત્રોનો વ્યાપાર વધારવાની ઝુંબેશ ચલાવવાની પ્રતિજ્ઞા ૨૦૧૩માં સહુ જાગૃત પ્રજાજનો લેશે, એવી પ્રાર્થના કરીએ.
e.mail : ten_men@hotmail.com

Category :- Opinion Online / Opinion