OPINION

કાયદે આઝમના દેશમાં શહીદે આઝમ

દિવ્યેશ વ્યાસ
18-03-2015

બે મિત્રો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે ત્યારે કાં હંગામી અબોલા થતાં હોય છે અને મામલો ગંભીર હોય તો કાયમ માટે નેહ-નાતો તૂટી જતો હોય છે, પણ જ્યારે બે ભાઈઓ વચ્ચે તનાતની થાય અને સંબંધોનો અંત આવે ત્યારે એકબીજા માટે ‘નાહી નાખવા’નું આત્યંતિક વલણ અખત્યાર કરાતું હોય છે. અંગત સ્તરે જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંબંધોનું આ જ સમીકરણ લાગું પડતું હોય છે. આનું પોતીકું ઉદાહરણ આપણી સામે જ ભારત અને પાકિસ્તાનનું છે. ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોની ગુલામી વિરુદ્ધ ખભે ખભો મિલાવીને લડ્યા પછી આઝાદી વખતે એવા વિભાજિત થયા કે આજસુધી એક થઈ શક્યા નથી. એક ન થવાની વાત તો દૂર રહી પણ સાડા છ દાયકા પછી પણ બન્ને વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ પણ બની શક્યા નથી, એટલું જ નહીં, એકબીજા પ્રત્યેનો ધિક્કાર પણ ઓગાળી શકાયો નથી.

ભારતના ભાગલાને કારણે સૌથી વધારે ભોગ આઝાદીના ઇતિહાસને બનવું પડ્યું છે. આજે ય આઝાદી આંદોલનના પાકિસ્તાની નેતાઓ અંગે આપણે તટસ્થતા કેળવીને તેમને સન્માની શકતા નથી તો પાકિસ્તાનના ઇતિહાસનાં પુસ્તકોમાં ગાંધી-નેહરુ-સરદાર સહિતના નેતાઓને ભાગ્યે જ હીરો તરીકે મૂલવવામાં આવે છે. મેરે તો ઝીણા મહાન દુસરા ન હોઈ ...! પાકિસ્તાનમાં મોટા ભાગે આઝાદી આંદોલનની વાત મોહમ્મદ અલી ઝીણાથી શરૂ થઈને તેમના નામ સાથે જ પૂરી થતી હોય છે. જો કે, સદ્દભાગ્યે પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માહોલમાં સુખદ બદલાવ આવી રહ્યો છે. અન્ય આઝાદી આંદોલનના નેતાઓ તો ઠીક પણ અત્યારના પાકિસ્તાનની સરજમીં પર જન્મેલા ભગતસિંહ માટે નવી પેઢીનો પ્રેમ વધતો જાય છે. છેલ્લાં ઘણા સમયથી કાયદા-એ-આઝમના દેશમાં શહીદ-એ-આઝમ ભગતસિંહની સ્મૃિતઓને સાચવવાની અને વાગોળવાની ભાવના તીવ્ર બની રહી છે.

વર્ષ ૨૦૧૨માં શહીદ ભગતસિંહની ૧૦૫મી જન્મતિથિ નિમિત્તે લાહોરના સ્થાનિક તંત્ર દ્વારા ભગતસિંહની શહીદીના સાક્ષી બનેલા શાદમાન ચોકનું નામ બદલાવીને શહીદ ભગતસિંહ ચોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના લોકો દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી આ અંગે માગણી કરવામાં આવી હતી. લોકલાગણીને માન આપીને જ આ નિર્ણય લેવાયો હતો. છેલ્લાં થોડા મહિનાઓથી પાકિસ્તાની અખબારોમાં ભગતસિંહનું નામ સતત ચર્ચામાં રહે છે. આ ચર્ચાનું નિમિત્ત પૂરું પાડ્યું છે - ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાઝ રાશિદ કુરેશીએ. તમને જાણીને નવાઈ લાગશે પણ ઇમ્તિયાઝ રાશિદ કુરેશી, ભગતસિંહને જે સૌંડર્સ હત્યા કેસમાં ફાંસી અપાઈ હતી, એ કેસમાં નિર્દોષ સાબિત કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે! ઇમ્તિયાઝ રાશિદ કુરેશીનું માનવું છે કે સૌંડર્સ હત્યા કેસમાં ભગતસિંહ વિરુદ્ધ જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી, તેમાં અનેક ઊણપો હતી અને ઉતાવળિયો નિર્ણય લઈને ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. ઇમ્તિયાઝના આ અંગેના પ્રયાસોએ હવે આંતરરાષ્ટ્રીય મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. થોડા મહિના પહેલાં ઇમ્તિયાઝે કોર્ટ પાસેથી હુકમ મેળવીને લાહોરના અનારકલી પોલીસ થાણામાંથી સૌંડર્સ હત્યાની એફ.આઈ.આર.ની ખરી નકલ મેળવવામાં સફળતા મેળવી હતી. આ એફ.આઈ.આર.માં ભગતસિંહનું નામ ન હોવાથી ઇમ્તિયાઝનો જુસ્સો બેવડાયો છે.

પ્રસ્તુત એફ.આઈ.આર.ની વિગત જોઈએ તો ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮માં એ.એસ.પી. જૉન પી. સૌંડર્સની હત્યા પછી ઢળતી બપોરે આશરે સાડા ચારે બે અજાણ્યા બંદુકધારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉર્દુમાં નોંધાયેલી આ એફ.આઈ.આર. અનુસાર ફરિયાદી તથા સાક્ષી તરીકે એક પોલીસ અધિકારીએ જણાવેલું કે મેં એક વ્યક્તિનો પીછો કરેલો, જેનું કદ પાંચ ફીટ પાંચ ઇંચ હતું. હિંદુ ચહેરો હતો. નાની મૂછો હતી. પાતળું પણ કસાયેલું શરીર હતું. તેણે સફેદ પાયજામો અને ગ્રે રંગનો કૂરતો પહેર્યો હતો. તેણે ક્રિસ્ટી જેવી કાળી ટોપી પણ પહેરી હતી. આ કેસ આઈ.પી.સી.ની ધારા ૩૦૨, ૧૨૦ અને ૧૦૯ અંતર્ગત નોંધાયો હતો.

આ કેસ અંગે ઇમ્તિયાઝની મુખ્ય ફરિયાદ એ છે કે કેસમાં ૪૫૦ સાક્ષીઓની કોઈ પૂછપરછ કરવામાં આવી નહોતી. વળી, ભગતસિંહના વકીલને પણ પ્રતિદલીલ કે સવાલો કરવાની તક આપવામાં આવી નહોતી. ઇમ્તિયાઝ ઇચ્છે છે કે આ કેસ ફરી ખોલવામાં આવે. એફ.આઈ.આર.ની નકલ મળ્યા પછી તેમના પ્રયાસોના પરિણામે લાહોર હાઇકોર્ટે ચીફ જસ્ટિસને અપીલ કરી છે કે આ મામલે સુનાવણી માટે એક ઉચ્ચ સ્તરીય ખંડપીઠ રચવામાં આવે.

પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા ભગતસિંહ માટે આટલી બધી મહેનત કરે, એ બેશક આનંદદાયક ઘટના છે. ઇમ્તિયાઝના પ્રયાસોથી ભગતસિંહના પરિવારજનો પણ રાજી થયા છે, એટલું જ નહીં ભગતસિંહના ભત્રીજા કિરણજીતસિંહ સંધૂ તો પાકિસ્તાનના વિઝા મેળવીને લાહોર જવાની અને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનને મદદરૂપ થવાની ઇચ્છા રાખે છે. કિરણજીતસિંહે આ અંગે જણાવ્યું હતું કે ભગતસિંહ જો સૌંડર્સ કેસમાં નિર્દોષ પુરવાર થશે તો પછી બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભગતસિંહની હત્યાનો કેસ કરવાનો મારો ઈરાદો છે!

ભગતસિંહની ફાંસીનો મામલો જોઈએ તો એ વાતમાં કોઈ શક નથી કે અંગ્રેજો તેમને ફાંસીના માંચડે લટકાવી દેવા માટે અધીરા થયા હતા. જાણીતા ધારાશાસ્ત્રી એ.જી. નુરાણીએ પોતાના પુસ્તક ‘ધ ટ્રાયલ ઑફ ભગતસિંહ : પોલિટિક્સ ઑફ જ્યુડિશિયરી’માં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સૌંડર્સ હત્યા કેસ માટે જે ટ્રિબ્યુનલ બનાવાઈ હતી, તેમાં બે બ્રિટિશ અને એક ભારતીય ન્યાયાધીશ હતા. બન્ને બ્રિટિશ જજ ભગતસિંહ અને સાથીઓને ફાંસી આપવા માટે તત્પર હતા. આ અન્યાય જોઈને ભારતીય ન્યાયાધીશ જસ્ટિસ આગા હૈદર જૈદીએ રાજીનામું ધરી દીધું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે બ્રિટિશ સરકાર ગમે તેમ કરીને ભગતસિંહને ફાંસીના માંચડે ચડાવવા માગતી હતી.

અલબત્ત, સૌંડર્સ હત્યામાં ભગતસિંહનો કોઈ હાથ હતો નહીં, એવું કહી શકાય નહીં. ભગતસિંહ પર લખાયેલાં મોટા ભાગનાં પુસ્તકોમાં સ્પષ્ટ છે કે ભગતસિંહ અને સાથીઓએ લાલા લજપતરાયના ખૂનનો બદલો ખૂનથી લેવાનું કાવતરું ઘડ્યું હતું. લાલા લજપતરાય સાઇમન કમિશનનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ જે.એ. સ્કોટના હુકમથી આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરાયો. સ્કોટની નજર સામે લાલા લજપતરાયને પીટવામાં આવી રહ્યા હતા અને તેણે લાલાજી બેભાન થઈને ઢળી પડ્યા ત્યાં સુધી પોલીસોને વાર્યા નહોતા. ભગતસિંહ અને રાજગુરુ પોતે જ સ્કોટને ઠાર મારવા ગયા. જોકે, સ્કોટ તે દિવસે ઇંગ્લેંડથી પધારી રહેલાં પોતાનાં સાસુને લેવા ગયા હતા એટલે બચી ગયા અને ખોટી ઓળખને કારણે સૌંડર્સ ઘાએ ચડી ગયો. રાજગુરુની એક ગોળીએ સૌંડર્સ ઢળી પડ્યો અને પછી ભગતસિંહે પણ ગોળીઓ મારી હોવાનું કહેવાય છે. ભગતસિંહે કે સાથીઓએ ક્યારેય સૌંડર્સ હત્યામાં પોતે નિર્દોષ હોવાનું કહ્યું નહોતું. આમ, ભગતસિંહ ૮૪ વર્ષ જૂના મામલામાં ‘નિર્દોષ’ હોવાનું કહી શકાય એમ નથી. એ જોતાં, ઇમ્તિયાઝના પ્રયાસો કેટલા સફળ થશે, એ કહેવું મુશ્કેલ છે, પણ આનંદદાયક વાત એ છે કે આ કેસને કારણે પાકિસ્તાનની નવી પેઢી ભગતસિંહના યોગદાન અને શહાદતથી વાકેફ થઈ રહી છે.

પાકિસ્તાનમાં ભગતસિંહ માટેનું આકર્ષણ વધ્યાનો બીજો એક પુરાવો પણ મળ્યો છે. ભગતસિંહનો જન્મ હાલના પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના બાંગે ગામમાં ૨૮ સપ્ટેમ્બર, ૧૯૦૭ના રોજ થયો હતો. ફૈસલાબાદના લોકોને ભગતસિંહ પોતાની માટીના સપુત હોવાનું ગૌરવ છે. પાકિસ્તાન સરકારે ભગતસિંહના ઘર, શાળા અને ગામના પુનરોદ્ધાર માટે એક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત આઠ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ભગતસિંહના પૈતૃક ઘરનો કબજો મેળવીને ત્યાં તેમની ચીજવસ્તુઓનું મ્યુિઝયમ પણ બનાવવાનું આયોજન છે.

પાકિસ્તાનમાં ભગતસિંહ પ્રત્યે વધતા આદર અને સન્માન એક આનંદદાયક ઘટના છે. આશા રાખીએ પાકિસ્તાનની નવી પેઢી કટ્ટરવાદી આતંકીને નહીં પણ ભગતસિંહ જેવા ક્રાંતિકારીને રોલમૉડલ બનાવે.                   

e.mail :  divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2015, પૃ. 11 - 12

Category :- Opinion Online / Opinion

હું આંગણમાં રમતી થઈ અને માતા-પિતા તથા આસપાસના મુરબ્બીજનોની વાતો સમજતી થઈ ત્યારથી વિનોબાજી અને જયપ્રકાશ નારાયણના નામ અને કાર્ય સાથે નારાયણભાઈ દેસાઈનું નામ સહેજે પરિચિત થતું જતું હતું. તેમની ઓળખ અજાણ્યાને આપવાની હોય ત્યારે તેમના માતા-પિતા કોણ અને એમનું મુખ્ય કાર્ય શું તે કહેવાનું બનતું, બાકી અમારે માટે તો તેઓ આદરણીય નારાયણભાઈ હતા કે જેમની બહુમુખી પ્રતિભા હતી અને તેઓ અનેકવિધ રચનાત્મક કાર્યોના પથ દર્શક હતા એવી સમજણ સ્વાભાવિક પણે વિકસી હતી.

24 ડિસેમ્બર 1924માં વલસાડમાં શરૂ થયેલી નારાયણભાઈની જીવનયાત્રા 15 માર્ચ 2015માં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય - વેડછીમાં પૂરી થઈ. કેટલાક ધનાઢ્ય નબીરાઓ માટે ‘born with silver spoon’ મુહાવારાનો ઉપયોગ થાય છે, તેમ નારાયણભાઈ વિષે કહી શકાય કે તેઓ અન્ય મહાનુભાવોથી એક અનોખું નસીબ લઈને જન્મેલા અને તે એ કે તેમને મહાદેવભાઈ દેસાઈ જેવા મેધાવી, ગાંધીજીના અંતરંગ સાથી અને દુર્ગાબહેન જેવાં શીલવતી માતા-પિતાને ઘેર જન્મ લેવાનું સદ્દભાગ્ય મળ્યું એટલું જ નહીં, એમનો ઉછેર પણ સાબરમતી આશ્રમ અને વર્ધામાં થયો. ચીલાચાલુ શાળાકીય શિક્ષણને બદલે તેમનું શિક્ષણ અને સંસ્કાર ઘડતર પિતા મહાદેવભાઈ, ગાંધીજી અને એમના અન્ય સાથીદારો પાસે થયું એ બંને લાભદાયક સંયોગોમાંથી મેળવેલ શિક્ષણ, કેળવેલ આંતર દ્રષ્ટિ અને બંધાયેલ સુદ્રઢ ચારિત્ર્યને દસ ગણું વધુ બળવાન બનાવીને નારાયણભાઈ માનવ જાતને આજીવન ખોબે ખોબે માર્ગ દર્શન આપતા રહ્યા.

વેડછીમાં કરેલ શિક્ષણ કાર્ય, ભૂદાન આંદોલનમાં અથાક પરિશ્રમ થકી આપેલ ફાળો, “ભૂમિપુત્ર” પખવાડિકની શરૂઆત અને 1959 સુધી સંભાળેલ તંત્રીપદ અને જયપ્રકાશ નારાયણ જેટલી જ ઊંચી ભૂમિકાએ રહીને કરેલ શાંતિ સેનાનાં કાર્યોની તવારીખ સતત નજર સામે હતી જ અને હવે નારાયણભાઈ પાસેથી કઈ અદકેરી સેવા મળશે તે વિષે ઈન્તેજારી રહ્યા કરતી. આ તમામ જવાબદારીઓ વચ્ચે ગાંધીજીની જીવન કથા ‘મારું જીવન મારી વાણી’ (ચાર ભાગ), મહાદેવ દેસાઈની જીવન કથા ‘અગ્નિકુંડમાં ઊગેલ ગુલાબ’ અને ભારતના ભાગલા સમયના ગાંધીજીના અંગત તેમ જ રાજકીય પ્રવાહોનું ચિત્રણ કરતું પુસ્તક ‘જીગરના ચીરા’ ઉપરાંત બીજી અનેક બળકટ સાહિત્ય કૃતિઓ આપવા માટે ઊંડા સંશોધન, વાચન અને લેખન માટેનો સમય કેવી રીતે ફાળવી શક્યા હશે એ કલ્પનામાં નથી આવતું.

તેમાં વળી ભારતમાં રહેતા મારા કુટુંબીઓ પાસેથી જાણવા મળ્યું કે નારાયણભાઈએ ગાંધી જીવનને કથાના રૂપમાં જનતા સુધી પહોંચતી કરવાનું અભિયાન શરૂ કર્યું છે. જ્યારે એવી કથા થવાના સમાચાર મળે કે તરત ભારત જઈને એ સાંભળવાનો સંકલ્પ કરેલો જે પૂરો નહોતો થતો. તેવામાં 2008માં ગાંધીકથા લંડન અને લેસ્ટરમાં યોજાયાના ખબર મળ્યા. પછી તો શું જોઈએ? પૂરા પાંચ દિવસ લંડનમાં રોકાઈને એ કથાનું આકંઠ પાન કર્યું. તેમાં મારા બંને પુત્રો પણ બે દિવસ માટે જોડાયા. તેઓ બંનેએ બે દિવસ કથા સાંભળ્યા બાદ એવું તારણ કાઢ્યું કે ગાંધીજીની સીધી છત્રછાયામાં ઉછેર અને સંસ્કાર ઘડતર થયું હોવા છતાં એનો ઘમંડ કે એ હકીકતને વટાવીને પોતાને ‘મહાન’ ગણાવવાની વૃત્તિ નારાયણભાઈમાં લેશ માત્ર નહોતી. વળી અતિ નિકટનો પરિચય હોય અને વિશ્વવિખ્યાત વિભૂતિ હોય તેમનાં અતિશય ગુણગાન કરવાનું તદ્દન સ્વાભાવિક અને ન્યાયી ગણાય, પરંતુ નારાયણભાઈ તેનાથી દૂર રહીને બને તેટલું સમ્યક દર્શન પૂરું પાડી શક્યા એ તેમની સમત્વ યુક્ત દ્રષ્ટિનો પ્રભાવ છે. જયારે જાણવા મળ્યું કે કથા દરમ્યાન ગવાતાં ગીતોની રચના પણ નારાયણભાઈએ કરેલી એટલું જ નહીં, તેના સંગીત નિયોજનમાં પણ તેમનું માર્ગદર્શન મુખ્યત્વે હતું ત્યારે તેમના વ્યક્તિત્વના એક વધુ પાસાનો ઉઘાડ થયો. મારું અંગત મંતવ્ય કહું તો સામાન્ય રીતે કોઈ રાજકીય કે સામાજિક અગ્રગણ્ય વ્યક્તિના જીવન-કાર્ય વિષે વાત કહેવામાં આવે ત્યારે એક પ્રકારની ગંભીરતા અને એ વ્યક્તિની આસપાસ એક આભા વર્તુળ ઊભું થયેલું અનુભવાય. પણ નારાયણભાઈની ગાંધી કથા અત્યંત રસાળ, પ્રાસંગિક રમૂજ અને તદ્દન સુપાચ્ય એવી ભાષા દ્વારા મોહનમાંથી મહાત્મા કેમ બન્યા તેની ગાથા હતી તેવી હળવાશ અનુભવી. ખરેખર તેમના પર પરમાત્મા, મહાત્મા અને લોકાત્માના ચારે ય હાથ હતા જેની પ્રેરણાથી 118 કથાઓ દુનિયાના ઘણા દેશોમાં એકથી વધુ ભાષામાં સંપૂર્ણ કરવાનું તેમનું પ્રણ પૂરું થયું.

માન્ચેસ્ટરના રહેવાસીઓને ગાંધી કથાનો લાભ ન મળી શક્યો પણ નારાયણભાઈ અને તેમના વૃન્દના સભ્યો કે જે અમારા નિકટના સ્નેહીજનો છે તેમને માન્ચેસ્ટર કેમ ખેંચી લાવવા એ વિષે પેંતરો વિચારતી હતી. જો નારાયણભાઈ અને તેમના સાથીદારો એક રાતનો મુકામ અમારે ઘેર કરે તો લેઈક ડિસ્ટ્રીક્ટ જવાનો અને જોહન રસ્કિનના નિવાસ સ્થાનની મુલાકાત લેવાનો વાયદો કર્યો અને મારા પાસા પોબાર પડ્યા. તેમની આ અત્યંત ટૂંકી મુલાકાત દરમ્યાન અનુભવ્યું કે નારાયણભાઈના આશાવાદી વલણનો જોટો જાડવો મુશ્કેલ છે. તેમને અત્યારની નિરાશાજનક પરિસ્થિતિમાં પણ કોઈ માર્ગ નીકળશે અને ગાંધી હંમેશ પ્રસ્તુત રહેશે એવી દ્રઢ શ્રદ્ધા હતી. એ પણ નોંધી શકાયું કે કોઈ પણ પ્રકારની સગવડ કે અગવડ હોય પણ ‘મારે આ જોઈએ અથવા આ નહીં ફાવે’ તેવો આગ્રહ નહીં જેને કારણે તેમની સરભરા કરવાનું સરળ બન્યું. ખૂબ સાદું અને સંયત જીવન જીવતા હોવા છતાં ભોજનનો રસાસ્વાદ પણ માણી શકતા હતા. લેઈક ડિસ્ટ્રીક્ટમાં કવિરાજ વર્ડ્ઝવર્થના નિવાસની મુલાકાત વખતે એમણે અચાનક ખૂબ રમૂજ સાથે સવાલ કર્યો, ‘લોકો વિલિયમને બીલ કહીને કેમ નહીં બોલાવતા હોય?’ આવી હતી તેમની બાલ સહજ સરળતા. એમના ગાયક વૃંદના ગાયન સાથે તાલ મેળવતા અને સાથે સાથે ગાન ગુનગુનાવતા જોવા એ એક અલભ્ય લ્હાવો હતો. રસ્કિન મ્યુિઝયમની ક્યુરેટર બહેન સાથે રસ્કિન, ગાંધી અને નેલ્સન માંડેલા વિષે વિગતે વાત કરવાની હોય કે મારા નાના પુત્ર સાથે વાત કરવાની હોય, નારાયણભાઈ બંનેને એક સરખું મહત્ત્વ આપે એ એમની મોટાઈ હતી.

જેમણે ગાંધીના જીવનને અને વાણીને કર્તવ્યમાં મૂર્તિમંત કેવી રીતે કરી શકાય તે બતાવી આપ્યું એવા નારાયણભાઈ અનેક ઉચ્ચ પદાધિકારીઓ અને દુનિયાના અગ્રગણ્ય મહાનુભાવોને મળ્યા જેનાથી એમની ઊંચાઈ વધી એમ કહી શકાય. એવા ચિંતક, લેખક અને કર્મયોગી નારાયણભાઈને નિકટથી જોવા-જાણવાનો લ્હાવો મળ્યો તે અમારાં ધન ભાગ્ય લેખીએ. એમના જીવન અને કાર્યમાંથી પ્રેરણા લઈને સત્કાર્ય કરતાં રહીએ એવી પ્રાર્થના સાથે.

e.mail : 71abuch@gmail.com

Category :- Opinion Online / Opinion