OPINION

ગઈકાલ અને આવતીકાલ વિશે કંઈ પણ કહેતા પહેલાં હું મારી ઓળખ આપવી જરૂરી સમજું છું. હું મારી જાતને પ્રથમ ક્રમે માણસ, બીજા ક્રમે ભારતીય અને ત્રીજા ક્રમે શિક્ષક માનું છું. અને આ ત્રણ સિવાયની અન્ય કોઈ જાતિ કે ધર્મ વિષયક ઓળખ મને મંજૂર નથી. મારી ઓળખમાં જ મારા કર્મ અને ધર્મ બંનેનો સમાવેશ થઈ જાય છે.

 આ વિશાળ દેશ, એની ભાતીગળ પ્રજા, વિવિધ ભાષાઓ, ઉત્સવો, ધર્મો, રીતરિવાજો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાઓ ... અને છતાં ય એમાં વસનારા માનવીઓમાં કેટલું તો સામ્ય? અભાવની કોઈ ફરિયાદ કર્યા વગર જીવ્યે જતી આ દેશની પ્રજાએ હંમેશાં ‘સર્વ’નો વિચાર કર્યો હતો. આ દેશની પ્રજાએ હંમેશાં અજાણ્યાને આવકાર આપ્યો છે. પડોશીને પ્રેમ કરતી આ પ્રજાએ મંદિર કે મસ્જિદ કરતાં થાનક કે દરગાહને વધુ મહત્ત્વ આપ્યું છે. પોતાના ધર્મ જેટલા જ આદર સાથે આ દેશના વાસી બીજા ધર્મનો પાઠ કરતા. આ મહાદેશને, એની પચરંગી પ્રજાને પરસ્પર બાંધી રાખતું તત્ત્વ ધર્મ કદી ન હતું. એ સંસ્કૃિત છે જેણે આ દેશની પ્રજાઓને કાયમ જોડવાનું કામ કર્યું છે. હું એ ભારત દેશની વતની છું જ્યાં સંસ્કૃિત કાયમ ધર્મથી ઉપર મનાતી. જ્યાં નદીઓ, દરિયા, પર્વતો, દિશાઓ, વૃક્ષો જેવાં કુદરતી તત્ત્વોની પૂજા કરતી પ્રજા પોતાને ગંગાના, નર્મદાના, હિમાલયના સંતાન તરીકે ઓળખાવતી. જે પ્રજાના સદ્દભાવ, સૌહાર્દ અને સહિષ્ણુતાના દાખલા દેવાતા. જેનાં સંગીત, સ્થાપત્ય, કસબ અને કારીગરી દુનિયાભરમાં વિખ્યાત હતાં. જેની ભૌતિક અને નૈસર્ગિક સમૃદ્ધિ દુનિયાભરની પ્રજાઓને પોતા તરફ ખેંચતી. મન-હૃદયની સહજતા અને ઉદારતા હોય તો જ ‘કામસૂત્ર’ જેવા ગ્રંથની સમાંતરે કોણાર્ક કે ખજૂરાહોની ભવ્ય રમણિયતાના દર્શન થાય. ઋષિઓના આશ્રમો પછી અહીં તક્ષશિલા, નાલંદા કે વલ્લભી જેવી વિદ્યાપીઠોમાં ચોદિશથી લોકો જ્ઞાનપ્રાપ્તિ માટે આવતા હતા. મારા દેશની આ ગઈકાલ, એના ભવ્ય વારસાનો મને ગર્વ છે. આ સાંસ્કૃિતક ધરોહર, હજારો સદીઓના આ ઇતિહાસ, જ્ઞાનના અખૂટ ભંડારોની હું વારસદાર છું એનું મને અભિમાન છે.

પણ હું મારી ‘આજ’નું શું કરું જે ધરાર મને આ દેશની માનવા તૈયાર નથી ? દરેક ક્ષણે મારી ભારતીયતા પુરવાર કરવાની લાચારીનું શું કરું ? કોણે ક્યાં જન્મ લેવો એ તેના હાથની વાત નથી. મને મારા ભારતીય હોવા પર ગર્વ છે તો ‘શરીફા’નામ બદલ લેશમાત્ર અફસોસ નથી પણ એ નામ બદલ હજારો વર્ષના ઇતિહાસનો ભાર મારા ખભા પર ખડકનારાઓનું હું શું કરું ? મારી દેશભક્તિ પર મન થાય ત્યારે શંકા કરી લેનારાઓનું શું કરવું ? વાત ‘હું અને મારું ભારત’ છે એટલે લાખ કોશિશ કરીશ તોયે આ ‘હું’ તો ધરાર વચ્ચે આવશે જ.

મારા માટે ભારત શું છે ખબર છે? જ્યાં શીતળા માતાને પગે લાગતા, રામલીલામાં ભાગ લેતા, દુર્ગાની કે ગણપતિની મૂર્તિ બનાવતા, અમરનાથના પવિત્ર લિંગની પૂજા કરતા મુસ્લિમો છે, જ્યાં તાજિયાને પાણી પીવડાવતા, અજમેર શરીફની બાધા લેતા હિન્દુ છે, જ્યાં શિરડી કે જલારામના વીરપુર જવામાં કોઈ ધર્મનો બાધ નડતો ન હોય, જ્યાં નવરાત્રિ-દિવાળી-હોળી કે પતંગના પેચમાં રોજીરોટી મહત્ત્વની હોય, ધર્મ નહીં. જે દેશમાં મીર, ગાલિબ, મઝહબ કે શહરયારને, મહંમદ રફી, નૌશાદ, દિલીપકુમાર કે વહિદા રહેમાનને ચાહવામાં ધર્મ જરાય નડતો ન હોય એ મારું ભારત. સાવ નજીકના ભૂતકાળ સુધી એ એવું જ હતું. જે પ્રજાએ કાયમ સહિયારી સંસ્કૃિતનાં ફળ ચાખ્યા હતાં, ધર્મને ઘરના ઉંબરાની અંદર જ રાખ્યો હતો, એ પ્રજા ધર્મના નામે વહેંચાઈ એ બિંદુથી જ હું વાત માંડું તો કંઈક આવું કહેવાનું મન થાય :

આઝાદી સમયે થયેલી વરવી કત્લેઆમ અને દેશના ભાગલા છતાં એ વેળાએ અને પછીના દસ-પંદર વર્ષો સુધી દેશમાં શુદ્ધ ભારતીયોની જમાત, લોકનેતાઓની જમાત ખાસ્સી પ્રભાવશાળી હતી. દેશના વાતાવરણમાં, રાજકીય નેતાગીરીમાં હજી ગાંધીમૂલ્યોનો પ્રચંડ પ્રભાવ હતો. સાધ્ય માટે સાધનશુદ્ધિનો આગ્રહ હજુ બાજુ પર હડસેલાયો ન હતો. મૂલ્યહ્રાસનો યુગ બસ શરૂ જ થઈ રહ્યો હતો. ગાંધીના પ્રભાવે જે સો ટચના સોના જેવા માણસો ઘડ્યા હતા એ દેશના લગભગ તમામ ક્ષેત્રે સક્રિય હતા. પ્રજાનો પરસ્પર પરનો વિશ્વાસ હજુ નંદવાઈ નો’તો ગયો. પ્રજા પોતાના પડોશીઓથી ભડકતી ન હતી, પરંતુ ’70 પછી ઘરઆંગણાની કુટિલ રાજનીતિએ અને વિશ્વઆંગણે પલટાયેલી પરિસ્થિતિએ પ્રજાકીય સ્તરે આપણને સાવ બદલી નાખયા. જવાબદાર પરિબળો તો અનેક છે પણ પરિણામ માત્ર એક જ આવ્યું. આપણે સર્વધર્મ સદ્દભાવ, સમાદર, સહિષ્ણુતા, સાધનશુદ્ધિનો આગ્રહ – બધું જ ખોઈ બેઠાં. ભારતીય તરીકેની ઓળખ ગુમાવીને નાના નાના સંપ્રદાયો, વાડાઓમાં જઈ બેઠાં. અમારી આધ્યાત્મિકતા અચાનક જ ધાર્મિકતામાં વટલાઈ ગઈ. સાવ નજીકના ભૂતકાળ સુધી લગભગ દરેક ઘરમાં ડ્રાઇવર, ઘોડાગાડીવાળા કે ચોકીદાર તરીકે મુસ્લિમો જ કામ કરતા. પ્રામાણિકતા અને વફાદારીની મિસાલ ગણાતી આ પ્રજાને આજે ન તો કોઈ પડોશમાં ઘર આપે છે, ન એને એની લાયકાત પ્રમાણે નોકરી મળે છે. પરસ્પર પરનો વિશ્વાસ આપણે ક્યાં ખોયો તેની તપાસ કરવાને બદલે આપણે એકમેકથી અલગ રહેતા થયા, અલગ મહોલ્લાઓ, અલગ વિસ્તારો ... એટલે હું એવું કહીશ કે ગઈકાલે તો માત્ર એક જ પાકિસ્તાન બન્યું હતું પણ આજે તો હું અને તમે ન જાણે કેટલા પ્રકારના પાકિસ્તાનો બનાવી બેઠા છીએ ! આજે હવે રામ-રહીમનગર નથી બનતા, ગઈકાલ જેવી વસંત-રજબની જોડી નથી બનતી, એ મારા દેશની વર્તમાન વસમી વાસ્તવિકતા છે.

હું સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાં મોટી થઈ, જ્યાં ધર્મ ઘરના ઉંબરાની માલીપા રહેતો. ગુરુકુળમાં ભણવાને કારણે મને હોમ-હવન, હનુમાનચાલીસા, ગાયત્રીમંત્ર કે મધુરાષ્ટકમ્, ભજનો, આરતી બધું જ જીભના ટેરવે .... બારમા ધોરણ સુધી કોઈના પણ ઘરે કથા હોય તો ભજનો ગાવા જતી, મારા ગામની સ્ત્રીઓને બોળચોથ, નાગપાંચમ, શીતળાસાતમની વાર્તાઓ કહી સંભળાવતી. રામાયણ, મહાભારત કે ભાગવત ... બધું કાયમ પોતીકું જ લાગતું, શુદ્ધ શાકાહારી, કપાળમાં પાવલી જેવડો ચાંદલો ... પણ થયું શું ? નામ નડ્યું જ. હાથમાં રોકડા પૈસા હોવાં છતાં સુરત શહેરના દરેક ખૂણે મારા માટે નર્યો નકાર જ સંભળાયો : તમને આપીએ તો અમારા બીજા ફલેટ્સ ન વેચાય’, ‘તમારા વિસ્તારમાં લો ને ...., ‘નામ બદલી લો ને ...’ જવાબો જુદા જુદા હતા પણ અર્થ એક જ હતો. હું તમારા બાળકોને ભણાવી શકું, જિંદગીનો રસ્તો દેખાડી શકું, રામાયણ-મહાભારત પર વ્યાખ્યાન આપી શકું, પણ તમારા પડોશમાં રહી ના શકું. કેમ ? હું માત્ર માણસ હોઉં, ભારતીય હોઉં તો મારે કોઈ અલગ વિસ્તારમાં શા માટે જવું પડે ? માણસ તરીકેની મારી ધારણાના પાયા હચમચી ગયેલા. મારું વજૂદ તળે ઉપર ગયેલું. મેં તમામ તાકાતથી ઇતિહાસને મારા ખભા પરથી ખંખેરવા કોશિશ કરેલી, પણ થયું શું ? હું વ્યક્તિ બનવા ગઈ, નરી માનસ બનવા મથી, પણ પરિણામ તો સમૂહ તરીકે જ વેઠવાનું આવ્યું. મારા વર્તનના માહોલે મને સમજાવ્યું કે હવે આ દેશને નર્યા માણસનો ખપ નથી. મારા દેશની ગઈકાલ તો ગંગાજમુનાની સંસ્કૃિતને સ્વીકારાતી હતી, પ્રજાના હૈયાઓના સહિયારા ગીતને એના સહજીવનના મીઠાં ફળને માનતી હતી પણ મારી ‘આજ’ એને નકારે છે. માત્ર ટીલાં-ટપકાં, દાઢી-ચોટી, ધોતી-ટોપી જેવાં બાહ્ય કર્મકાંડો પૂરતી સીમિત થઈ ગયેલ ધર્મની સમજ મહાઆરતી કે નમાજને બહાને અમે બજારોમાં ઉછાળી રહ્યા છીએ. ધર્મનાં સત્ત્વ કે તત્ત્વને વિસારે પાડીને, ધર્મના નામે પ્રજાને બહેકાવતાં તત્ત્વો મારા દેશની આવતીકાલને ધૂંધળી બનાવી રહ્યાં છે. ‘હદીસ’ ફરમાવે છે : “તુમ દૂસરોં કે ખુદા કો બૂરા ના કહો તાકિ વહ તુમ્હારે ખુદા કો બૂરા ન કહે. તુમ દૂસરોં કે મઝહબ કો ...’ પણ મારી આસપાસ આજે બધા પોતપોતાના ધર્મને ચડિયાતો પુરવાર કરવાની ઘેલછામાં પડ્યા છે. આ દેશને આજે જરૂર છે એક તાંતણે બાંધનારી સંસ્કૃિતની સર્વોપરિતા ફરી પ્રસ્થાપિત કરનારા લોકનેતાની, વિચારોની આગમાં પાણી રેડનારી જીભોની, તમામ ભેદભાવોથી ઉપર ઊઠીને માત્ર દેશ માટે વિચારનારા થોડાક કોઠા ડાહ્યાઓની આજે બહુ જરૂર છે.

મારા દેશમાં શિક્ષણ કદી પણ માહિતી પાસે અટકી જવામાં નો’તું માનતું. માહિતીથી જ્ઞાન અને જ્ઞાનથી ડહાપણ – એ જ શિક્ષણનું ધ્યેય હતું. પણ આજે તો માહિતી પાસે અટકી જનારું શિક્ષણ માત્ર સપાટી પર છબછબિયાં કરનારો માસ જ બહાર પાડી રહ્યું છે. ભવ્ય શિક્ષણ સંસ્થાઓની પરંપરા આજે લગભગ આખા દેશમાં ખતમ થવાને આરે છે. શિક્ષણ એક ધંધાદારી પેઢી કે હાડટીમાં ફેરવાતું જાય છે. શિક્ષણક્ષેત્રે કૂવાઓ લગભગ ખાલી છે અને હવાડાઓને ભરવાની કશી પડી પણ નથી. ન તો પ્રજાકીય નિસબત બચી છે, ન એવા લાંબું જોઈ શકે એવા શિક્ષણશાસ્ત્રીઓ બચ્યા છે. આવતીકાલે ટાગોર કે જગદીશચંદ્ર બોઝને પરદેશમાં શોધવા પડે એટલી હદે દેશનું બુદ્ધિધન પરદેશ ઠલવાઈ રહ્યું છે. શિક્ષણ વડે વ્યક્તિત્વ વિકાસવાળી વાત જ કોરાણે મૂકાઈ ગઈ છે. આજે જે દેશનું શિક્ષણ ખાડે જાય તેનું સઘળે ખાડે જાય એટલે જ આવતીકાલની વધુ ચિંતા થાય છે.

મને મારા ઘર, કુટુંબ, સમાજ સાથે માતૃભાષા બાંધે છે. મારા સપનાની ભાષા, વ્યક્ત થવાની ભાષા પણ માતૃભાષા જ છે, પણ દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં આજે બધી જ પ્રાદેશિક ભાષાઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. અંગ્રેજી માધ્યમ પાછળ ઘેલી થયેલી આ પ્રજા આવતીકાલ વિશે વિચારવા જ નથી માગતી, એનું શું કરીશું ?

ગઈકાલ સુધી દીકરીઓ મનફાવે ત્યારે, મનફાવે ત્યાં જઈ શકતી. હું છઠ્ઠા ધોરણ સુધીએ ભવાયા જોઈને મંડપમાં જ સૂઈ જતી ને સવારે જ ઘરે જતી .... સલામતીની કોઈ ચિંતા નો’તી. પણ આજે મહિનાથી લઈને 80 વર્ષની વૃદ્ધા સલામત નથી, એ વરવી અને વસમી વાસ્તવિકતા છે. મારે જો આવતીકાલ ઉજળી જોઈતી હોય તો દરેક ઘરમાં, દરેક મા-બહેન-પિતાએ, દીકરાને, ભાઈને એના દેશના સંસ્કારો યાદ કરાવવા પડશે. કાયદો કશું નહીં કરી શકે. આ બાબત ગાંઠે બાંધીને આપણે પુરુષ માણસને સુધારવા મથવું પડશે. બહેન-દીકરીઓને એમનું સ્વમાન, ગૌરવ, સલામતી મેળવવા સંઘર્ષ ન કરવો પડે એવી આવતીકાલ હું માંગુ.

આજે ‘મારાવાળા’ અને ‘તમારાવાળા’ના વિસ્તરતા જતા વર્તુળો વચ્ચે ‘આપણાવાળા’ની મૂળભૂત સંસ્કૃિત ખોવાઈ રહી છે. માણસ તરીકે, ભારતીય તરીકે બોલવાની આપણી ટેવ અચાનક ક્યાંક પાછળ છૂટી ગઈ અને આપણે એની નોંધ પણ ન લઈએ તો આવતીકાલની ચિંતા ન થાય ? ધર્મને કેમ આપણે અસ્મિતા અને રાષ્ટ્રીયતા સાથે સાંકળી રહ્યા છીએ ? મારી અસ્મિતાને મારી સંસ્કૃિત સાથે નાતો છે, જાતિ-ધર્મ કે પ્રદેશ સાથે નહીં. આપણે શું ઇતિહાસમાંથી એટલું પણ નથી શીખવા માગતા ? ધર્મના નામે વારંવાર ખાંડા ખખડાવતા આજના ટૂંકી સમજ અને ટૂંકી દૃષ્ટિવાળા અસ્મિતાવાદીઓને મારે માત્ર એટલું જ યાદ અપાવવાનું છે કે, “Those who do not learn from history are condemned to repeat it”. આંખની શરમ ગઈ, પરસ્પરનો વિશ્વાસ ગયો, વર્ષોનું સહજીવન ગયું, જીવનમૂલ્યો તળિયે જઈ બેઠાં. છેલ્લા થોડાંક વર્ષોમાં તમામ ક્ષેત્રે આપણે કેટલું ગુમાવ્યું છે એનો હિસાબ માંડીએ તો છાતી બેસી જાય.

છાશ-કેરી ને લીંબુનાં શરબત પીતી મારા દેશની પ્રજા પેપ્સી કે કોકાકોલા પીએ એને હું ઉજળી આવતીકાલ નથી માનતી. ઝળહળતા શોપિંગમોલ પાછળ કરોડોને એક ટંક ખાવા નથી મળતું તે સત્ય ઢાંકી નથી દેવાનું. સચ્ચાઈ, નિષ્ઠા, નમ્રતા, સાદગી, પ્રામાણિકતા – આ બધા કાં તો ગઈકાલના કે પછી નર્યા દેખાડાનાં મૂલ્યો બની ગયાં છે. આજે એટલે મને મારા દેશની આવતીકાલની વધુ ચિંતા થાય છે. વેદ-ઉપનિષદથી લઈને ગઈકાલ સુધી મારા દેશની સાહિત્યકૃતિઓ એટલી માતબર હતી કે એની સામે નોબલ પુરસ્કાર રળેલી કૃતિ નબળી લાગે, પણ એની સરખામણીએ આજકાલ મારા દેશમાં અંગ્રેજીમાં લખનારા ચેતન ભગત કે અમીષ કરોડો કમાય છે. મારા ભારતીય સાહિત્યની આવતીકાલ આ લોકોના હાથમાં ન હોય એવી પ્રાર્થના હું ચોક્કસ જ કરું. દેશની ફળદ્રુપ જમીનો, વનસ્પતિઓ, કુદરતી સ્ત્રોત-ઊર્જા, ખનીજ, પેટ્રોલ વગેરે જાણે કે માત્ર આજ માટે જ હોય એમ આપણે વેડફી રહ્યા છીએ. મારા દેશે તો સર્વોદયની વાત કરી છે. સ્વકેન્દ્રિયતા આપણી ફિતરત તો કદી હતી જ નહીં, પણ આજે માત્ર ‘સ્વ’નો વિચાર કરનારાઓને જોઈને મને આવતીકાલની ચિંતા થાય છે.

કોઈને કદાચ એવું થશે કે મને આવતીકાલ માટે કશી શ્રદ્ધા જ નથી, માત્ર ચિંતા જ છે. ના, એવું નથી. મને આ દેશના આમઆદમીમાં શ્રદ્ધા છે. કીડિયારું પૂરતો, ચબૂતરે ચણ નાખતો, થોડામાંથી થોડું વહેંચતો, પડોશીના દુ:ખે દુ:ખી થતો, હાજી અલી અને તિરુપતિની સાથે બાધા રાખતો આમ આદમી – એની કોઠાસૂઝમાં, એના ડહાપણમાં મને પાકી શ્રદ્ધા છે. સર્વને સમાવતી સંસ્કૃિતનો પ્રતિનિધિ એવો આ આમ આદમી ભલભલા ચમરબંદીને પણ એની જગ્યા દેખાડી શકે છે. મારી શ્રદ્ધા એનામાં છે. આ દેશના બંધારણમાં, એના ન્યાયતંત્રમાં, ધીમેધીમે મજબૂત થતા જતા લોકતંત્રમાં મને વિશ્વાસ છે. મારી આવતીકાલ આશાના આ બધા સ્તંભો વધુ મજબૂત થાય, સલામત રહે એ જ પ્રાર્થના.

‘જનકલ્યાણ’માંથી સાભાર (સપ્રેસ)

સૌજન્ય : “બિરાદર”, વર્ષ - 08; અંક - 03; 15 અૉક્ટોબર 2015; પૃ. 07-10

Category :- Opinion Online / Opinion

સાંસ્કૃિતક જગતમાં વિચારભેદ ભલે રહે. વાડાબંધી આત્મઘાતક. દુશ્મની હોય તો યે દિલેર હોવી ઘટે.

ત્રણ ઘટનાઓ, અને ત્રણે ત્રણ એટલી આઘાતક કે એને જાણનાર મૂઢ બનીને કશીયે પ્રતિક્રિયા આપવાનું સામર્થ્ય ગુમાવી બેસે. પ્રજાનું પોત એનાં વર્તન અને વાણીથી પરખાય, તેમ દેશનું એના વહીવટથી. ઘટનાઓ જોઈએ.

ગોવામાં ફિલ્મ ફેસ્ટીવલ ચાલે, અને એમાં ભાગ લેવા ફિલ્મ-ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટનો એક વિદ્યાર્થી 21મી નવેમ્બરે ગોવા પહોંચ્યો. એના ટી શર્ટ પર FTIIનું આલેખન હતું. એને કશું સમજાય એ પહેલાં જ એને આંતરવામાં આવ્યો. સલામતી-રક્ષકો એને સ્થળ પરથી તાણી ગયા. એની તપાસ કરવામાં આવી અને અનેક પ્રકારની પૂછપરછ થઈ. આ ધમાલનું કારણ એટલું કે આગલી સાંજે, ફેસ્ટીવલના ઉદ્દઘાટન સમયે, બે વિદ્યાર્થીઓ અચાનક ઊભા થઈ ગયા અને FTIIના અધ્યક્ષ તરીકે થયેલી સરકારી નિમણૂકનો વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કરીને. પ્રસ્તુત ઘટનાને પગલે વધુ દેખાવો, પ્રતિકાર, સૂત્રોચ્ચાર ન થાય, અને ઉચ્ચ કક્ષાના આ આયોજનને ઝાંખપ ન લાગે એ માટે FTII સાથે સંકળાયેલા કોઈ ફેસ્ટીવલમાં હાજર ન હોય તે ઉત્તમ. ઉપર ઉલ્લેખ થયો એ વિદ્યાર્થીના ટી શર્ટે તો ઘણું જાહેર કરી દીધું. એટલે એને બહાર ધકેલવામાં જ સાવધાની. એનો અધિકૃત ડેલિગેટ પાસ રદ કરવામાં આવ્યો.

પ્રશ્ન, જે પેલા વિદ્યાર્થીને થયો તે આપણને પણ થવાનો. સંસ્થાના વડીલ તરીકે, અને હોદ્દાની મહત્તાનો ઉપયોગ થઈ શકે એવી કટોકટીના ટાણે, FTIIના અધ્યક્ષશ્રીએ શું કર્યું એની ખબર ના પડી. પોતાના વિદ્યાર્થીઓનું અપમાન ખમી ખાવાને બદલે એ ઘણું કરી શક્યા હોત, અપ્રગટ રહીને પણ, અને એમ હોદ્દાનું અને પોતાનું માન સાચવી શકાયું ન હોત? પણ આવું કેમ નથી થતું આપણા જાહેર જીવનમાં?

બીજી ઘટના છે બેંગલોરના સાહિત્યોત્સવની. આમ તો સાહિત્યની વાત આવે તો એટલી ધરપત હોય કે છેવટે શબ્દના ઉપયોગ સંદર્ભે મોટી હોનારતો નહીં થાય. જો કે હવે એમ નથી રહ્યું. થોડા સમયથી જે ચર્ચાઓ હોવામાં છે એમાં ભાષા સાથે ભારે મેળ રાખતા સહુ કેવો તરખાટ મચાવી રહ્યા છે! વિચાર સામે વિચાર, તર્ક સામે તર્ક, બૌદ્ધિક વાદવિવાદ કે ખંડનમંડનનો વિરોધ નથી, પણ વ્યક્તિને નાની કે ઓછી દેખાડવા એના બાહ્ય દેખાવની અભદ્ર મજાક થાય ત્યારે ચોંકી જવાય. એમાં દાઢી, ચશ્માં, નામમાં ગુપ્ત રહેલ અર્થ, ઝોળા - બધું આવી જાય. આ મજાક નિર્દોષ હાસ્ય માટે નથી અને એનું નિશાન અલગ છે એ સમજાતાં વાર ન લાગે. પણ આપણો મુદ્દો બેંગલોરનો સાહિત્યોત્સવ છે. આ પ્રસંગના અધ્યક્ષ વિક્રમ સંપથ ઉત્સવમાંથી ખસી ગયા કારણ કે કેટલાક લેખકોએ સમારંભમા હાજર રહેવાનું માંડી વાળ્યું. અહીં મૂળ આપત્તિ એવોર્ડ-વાપસીની.

અધ્યક્ષનો એવો અભિપ્રાય હતો કે એવોર્ડ પરત કરવો એ બૌદ્ધિક રીતે ઉચિત પગલું ન ગણાય. આ વિચાર એમણે એક સ્વતંત્ર વ્યક્તિની હેસિયતમાં કર્યો હોય, અને એને ઉત્સવના પ્રાણતત્ત્વ સાથે સંબંધ ન હોય તો એના વિરોધમાં લેખતો પોતાની જુદી વિચારધારા રજૂ કરી શક્યા હોત. એવોર્ડ પાછા આપનારે આ રસ્તો શા માટે લીધો, અને એવોર્ડ પરત ન આપવા જોઈએ એમ કહેનારને આવું કેમ લાગે છે? એની તંદુરસ્ત ચર્ચા શું એટલી અસંભવ છે?

છતાં આમ ન બન્યું એ હકીકત છે. સાહિત્યનો ઉત્સવ સુમેળ - સંવાદિતાને બદલે વિસંવાદને કારણે કર્કશ બની ગયો, અને કેટલાક સારા વક્તાઓના ઉત્તમ વિચારો કે સર્જકતાના નવીન ઉન્મેષોની રસભરી ચર્ચાને કશો અવકાશ જ ન રહ્યો. બે જૂથ સામસામે આવ્યાં, એ અહીં કે કર્ણાટકમાં, આવકારવા જેવી દશા નથી. રાજકારણમાં ચાલે. સાંસ્કૃિતક જગતમાં વિચારભેદ ભલે રહે. વાડાબંધી આત્મઘાતક. દુશ્મની હોય તો યે દિલેર હોવી ઘટે.

ત્રીજી ઘટના શિરડી પાસે આવેલા શિંગણાપુર શનિના મંદિરમાં મહિલાના પ્રવેશની અને શનિને તેલ ચડાવવાની. આ દેશમાં એવાં દેવસ્થાનો હશે જ જેમાં મહિલાઓ પ્રવેશી નથી શકતી. પ્રવેશ પછી તેલ ચડાવવાની ઘટના એટલે તો અપરાધની ચરમસીમા. ક્રિયાનો વિરોધ કરવા પ્રતિક્રિયા જરૂરી બની. મંદિરમાં છ સેવકોને વહીવટીતંત્રે તાબડતોડ બરતરફ કર્યા, એ લોકો સ્ત્રીને મંદિરમાં પ્રવેશતી અટકાવી ન શક્યા એ ફરજચૂક માટે. પરંપરા તૂટી એટલે પ્રાયશ્ચિત કરવું પડે. મૂર્તિને દૂધથી સ્નાન કરાવ્યું અને આખું મંદિર ધોઈને શુદ્ધિકરણ થયું. આટલી વિગતો તો જાહેર થઈ, બીજું શું થયું હશે એની ખબર નથી. આપણે જે સદીમાં જીવીએ છીએ તે ખરેખર એકવીસમી છે? ભરોસો નથી પડતો. આમ તો સ્ત્રીઓ અને ધર્મનો સંબંધ વિશદ ચર્ચા માગે છે, પણ ચર્ચા કરનારાં અને સાંભળનારાં સુસંવાદ અને સુમેળની ભૂમિકા સાચવી શકે એમ હોય તો જ.

આ ત્રણેય ઘટનાઓ ક્રિયા અને પ્રતિક્રિયાની છે. પ્રમાણિક મતમતાંતર હોય ત્યારે તંદુરસ્ત ચર્ચા માટે અવકાશ હોય છે, આજના સમયમાં એ અવકાશ મળતો નથી. જે થાય છે તેને લાંબા વિચારનો કે સમજનો કોઈ આધાર મળતો નથી. દેશને એક ખૂણે કોઈ સ્ત્રી પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ પછી યોગ્ય પગલાં નથી લેવાતાં એમ ફરિયાદ કરે તો એક નેતા કહેશે કે બદનામીની આવી જાહેરાત કરતાં શરમ નથી આવતી. જેમને નથી સ્વીકારતા એની ચોપડીના વિમોચન કાર્યક્રમમાં હાજર રહેવાના છો? કરો મોં કાળું! બ્લોગ પર આવું લખ્યું? સામે આપો ધમકીઓ. અને ક્યાંક તો ફટાફટ ચિઠ્ઠીઓ ફાટે છે કપાળે ચોંટાડવાની! ફલાણો આમ બોલ્યો એટલે ફાડો ચિઠ્ઠી દેશદ્રોહીની, ઢીકણો આવું બોલ્યો તો ચોંટાડો ચિઠ્ઠી બનાવટી સેક્યુલરની, પેલો ડાબી તરફ જોઈ બોલે છે તો નક્કી ડાબેરી, ને ત્યાં કોઈ જમણી તરફ જોઈ ડોક નમાવે છે તો ચોંટાડો કાપલી જમણેરીની. અને આ ઠરાવ કોણે કર્યો, ચોંડી દો કપાળે કાપલી - તાલીબાનીની!

એમ જણાય છે કે આપણે વાતચીતની ભાષા જ ભૂલી ગયા છીએ, સઘળું ક્રિયા અને પ્રતિક્રિયા તરફ જ ધકેલાઈ ગયું છે. જો તંદુરસ્ત ચર્ચા કરવાનું ફાવતું હોય અને ગમતું હોય તો જે વર્ગ અસુરક્ષા અનુભવે છે અથવા વર્તમાન હિંસાચારને (શબ્દનો પણ) કારણે ત્રસ્ત છે, એને સામે બેસાડી એની વાત કેમ સાંભળવાની નહીં? ધર્મ સંદર્ભે સ્ત્રીઓ સમાન અધિકાર ઈચ્છતી હોય તો એમની સાથે ચર્ચા કેમ નહીં? એવોર્ડ પાછા આપનારાંઓનો વિરોધ કરવા અનુપમ ખેરની આગેવાની હેઠળ જે સરઘસ નીકળ્યું એને આવકાર મળ્યો, મુલાકાતનો દરજ્જો મળ્યો, તેવો પ્રતિપક્ષને કેમ નહીં?

અને મોટામાં મોટી વક્રતા તો એ છે કે જે વર્ગ વાસ્તવમાં ભય અને અસુરક્ષામાં જીવે છે એની વાત તો આપણે જાણવા છતાં નજરઅંદાજ કરીએ છીએ. માહિતી અધિકારનો ઉપયોગ કરી ભ્રષ્ટ તંત્રને નાથવા બહાર પડેલા કર્મશીલો, સત્તાના બેફામ ઉપયોગને નિયંત્રિત કરવા જીવ સાટે ફરજ બજાવતા અધિકારીઓ, અને અન્યાયને પડકારતા સામાન્યજનો આ દેશ પર જ ભરોસો રાખીને જીવે છે. એમની અસુરક્ષા કાલ્પનિક કે વૈચારિક નથી, એમણે તો એ રીતસર વેઠી છે, દેશ છોડીને જવાની વાત કહ્યા વિના.

લોકતંત્રની ગુણવત્તાની પારાશીશી એનાં પરિપક્વ નાગરિકો, આ એની પહેલી અને પાયાની જરૂરિયાત, એ વિના બધાં બાચકાં કેવળ હવામાં. સંવાદના સેતુ તોડતાં જઈશું તો બચશે શું?

સૌજન્ય : ‘ઓછામાં ઓછું’, “દિવ્ય ભાસ્કર”, 04 ડિસેમ્બર 2015

Category :- Opinion Online / Opinion