OPINION

ઇ.સ. ૧૯૫૨માં મુંબઈ રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં મોરારજીભાઈ કૉંગ્રેસનો પ્રચાર કરવા અમરેલી આવેલા, ત્યારે તેમને પ્રથમ વાર જોયાનું અને સાંભળ્યાનું યાદ આવે છે. મારી તે વખતની સોળ વર્ષની ઉંમરે મહાન નેતા મોરારજીભાઈને જોવા કરતાં તેઓ જે હેલિકૉપ્ટરમાં આવેલા તેને જોવાનું વધુ આકર્ષણ હતું. તેમણે ભાષણમાં કૉંગ્રેસપક્ષના ઉમેદવાર જીવરાજ મહેતાને મત આપવા બે બળદની જોડીના નિશાન પર સિક્કો મારવા જાહેરસભામાં બધાને વિનંતી કરેલી. સ્થાનિક અખબાર ‘પ્રકાશ’માં પાંખોવાળો મોર અને મોઢું મોરારજીભાઈનું તેવું કાર્ટૂન છપાયું : નીચે લખાણમાં ‘મોરલો મુંબઈથી અમરેલી આવીને ઊડી ગયો’ લખ્યું હતું. ઇ.સ. ૧૯૫૬માં મહાગુજરાતની ચળવળ વખતે અમદાવાદમાં બીજી વખત મોરારજીભાઈને જાહેરસભામાં સાંભળવાની તક મળી જેમાં, સામાન્ય બહુમતી લોકોની ઇચ્છા વિરુદ્ધ પણ પોતાનો મત વ્યક્ત કરતા મોરારજીભાઈને સાંભળેલા. તેઓ ગુજરાત-મહારાષ્ટ્રનું સંયુક્ત દ્વિભાષી રાજ્ય રહે તેની તરફેણમાં હતા. આર્થિક સામ્રાજ્ય ધરાવતું મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં જાય અને ગુજરાતનું અલગ રાજ્ય બને, તે ગુજરાતની પ્રજાને નુકસાનકારક નીવડે, તેમ તેઓ માનતા હતા. તેની સામે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાતનું આંદોલન જોરશોરથી ચાલતું હતું. લાંબો સમય લડત ચાલી અને આખરે મોરારજીભાઈની ઇચ્છા વિરુદ્ધનું અલગ ગુજરાતનું રાજ્ય ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું.

૧૯૭૮માં મોરારાજીભાઈ વડાપ્રધાન હતા, તે વખતે ગોવધબંધીનું આંદોલન પૂરજોરમાં ચાલતું હતું. વિનોબાજીએ આ મુદ્દે ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરેલી, તેથી કેન્દ્ર સરકારે ગોપ્રેમીઓની તથા ભારતના દરેક રાજ્યના મુખ્ય પ્રધાનો અને નિષ્ણાતોની બેઠક દિલ્હીમાં બોલાવેલી. દરેક રાજ્યમાંથી ૫-૭ પ્રતિનિધિઓ આવેલા, તેમાં હું મુંબઈની કાંદિવલી ગૌશાળાના મૅનેજર તરીકે ગયેલો. જુદાં જુદાં રાજ્યોના પ્રતિનિધિઓ જૂથવાર ઊભેલા અને તે વખતના કૃષિપ્રધાન સૂરજીતસિંહ બરનાલા, મોરારજીભાઈને પ્રાંતવાર પ્રતિનિધિઓનો પરિચય કરાવતા હતા. તેમાં મને મહારાષ્ટ્રમાંથી આવેલા પ્રતિનિધિમંડળમાં જોઈ સીધો ગુજરાતી ભાષામાં પ્રશ્ન પૂછ્યો, ‘તમે લોકભારતી - ગુજરાત છોડી ક્યારના મહારાષ્ટ્રના પ્રતિનિધિ બની ગયા ?’ મેં વિગત સમજાવી કે હું અહીં બે વર્ષ માટે લોન સર્વિસ ઉપર મુંબઈ કાંદિવલી ગૌશાળાની માંગણી હોવાથી આવેલો છું. મને આશ્ચર્ય એ વાતનું થયું કે આટલા બધા વિશાળ જનસમૂહ વચ્ચે, મોરારજીભાઈ વડાપ્રધાન હોવા છતાં, મને વર્ષો પહેલાં લોકભારતીમાં પાંચ-સાત મિનિટ માટે મળેલા છતાં ઓળખી ગયા કે આ માણસ મહારાષ્ટૃીયન નહીં, પરંતુ ગુજરાતી છે. મેં તેમની યાદ શક્તિ અને સ્મૃિતને મનોમન વંદન કર્યા.

લોકભારતી-સણોસરામાં નાનાભાઈ ભટ્ટની સ્મૃિતમાં યોજાયેલી વ્યાખ્યાનમાળામાં ‘ભગવદ્દગીતા’ ઉપર મોરારજીભાઈ પ્રવચન કરવા આવેલા ત્યારે બે દિવસ સંસ્થામાં રોકાયેલા અને વહેલી સવારે તેમની સાથે ફરવા જવામાં મારું નામ દર્શકે સૂચવેલું. સવારે પાંચેક વાગ્યે હું મહેમાનઘરે મોરારજીભાઈને લેવા ગયો ત્યારે તેઓ રાહ જોઈને બહાર ઊભા હતા. સમયસર પહોંચવા બદલ ધન્યવાદ આપી તેઓ ઝડપથી ચાલવા માંડ્યા. સંસ્થાના મુખ્ય દરવાજેથી પાકી સડક ઉપર સાંઢીડા મહાદેવના રસ્તે એકાદ કિલોમિટર ચાલ્યા પછી, પાછા ફરતાં મેં ટેલિયાવડ પાસેના ટૂંકા રસ્તે સંસ્થામાં જઈ શકાય છે અને તે કાચો રસ્તો છે, પણ શૉર્ટકટ છે, તેમ સૂચવ્યું, એટલે તેમણે ઉપદેશ આપતાં હોય તેમ કહ્યું. ‘જીવનમાં શૉર્ટકટ કદી ન અપનાવો, આપણે હંમેશાં રૉયલ રોડ ઉપર જ ચાલવાનું રાખવું !’ હું ચૂપચાપ તેમની સાથે પાકે રસ્તે - રૉયલ રોડ પર ચાલવા માંડ્યો.

૧૯૭૯માં વડાપ્રધાન મોરારજીભાઈ લોકભારતીમાં એક વિશાળ ખેડૂત સંમેલનમાં આવેલા. તે વખતે એક ખાસ કાર્યક્રમ યોજાયેલો, જેમાં ગોવિકાસ અને ગ્રામવિકાસના ભાગ રૂપે સંસ્થાની ઉત્તમ અને સારી વંશાવળીવાળી ગાયનો વાછરડો (ધણખૂંટ) બાજુના પીપરડી ગામની ગ્રામપંચાયતને ગોસુધારણા માટે અર્પણ કરવાનો કાર્યક્રમ ગોઠવાયેલો. મોરારજીભાઈના શુભહસ્તે ગામના ગોવાળને ખૂંટઅર્પણનો વિધિ પતી ગયો, પછી દર્શકે પ્રાસંગિક શબ્દો કહેવાનું સૂચવ્યું. મને આ બાબતની તૈયારી વિના મોરારજીભાઈની હાજરીમાં બોલતા થોડો સંકોચ થયો, પરંતુ દર્શકના સૂચનને ધ્યાનમાં લઈ ગ્રામવિકાસ અને ગોવિકાસમાં ધણખૂંટ(આખલા)નું મહત્ત્વ સવિશેષ રહેલું છે, તે વાત સમજાવી, હળવાશથી કહ્યું કે સ્વરાજપ્રાપ્તિ પછીથી ગામડાનો વિકાસ કરવા માટે ગ્રામસેવક તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લામાં જિલ્લા અધિકારી જેવા અનેક અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે, છતાં ગામડાંઓનો જોઈએ, તેવો વિકાસ થયો નથી. આ બધા વિકાસ અધિકારીઓને બદલી જો ગામડે-ગામડે સાચી જાતના ધણખૂંટની નિમણૂક કરવાની વ્યવસ્થા કરી હોત, ગાયોનો અને તે થકી, ગામડાંઓનો વિકાસ વધારે સારી રીતે થઈ શક્યો હોત ! આ સાંભળી ગંભીર મુખમુદ્રાવાળા મોરારજીભાઈ હસી પડ્યા. મોરારજીભાઈને આ રીતે જાહેરમાં હસાવવા બદલ દર્શકે મને અભિનંદન આપેલ તે યાદ રહી ગયું છે.

મોરારજીભાઈ લોકભારતીમાં બે દિવસ રોકાયેલા. તે વખતે તેમને નજીકના ૧૦ કિલોમિટર દૂર ભાવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા અને ફરવા લઈ જવાની વિચારણા ચાલતી હતી ત્યારે મોરારજીભાઈએ પૂછ્યું કે મંદિરમાં હરિજનોને આવવાની છુટ્ટી છે ? દર્શકે ખાતરી કરવા મને પૂછ્યું. મેં કહ્યું, મંદિરના પૂજારી દલપતગિરિને હું સારી રીતે ઓળખું છું, ત્યાં હરિજન-પ્રવેશની છુટ્ટી છે. મંદિરે ગયા પછી મોરારજીભાઈએ પૂજારીને ફરી પૂછી ખાતરી કરી લીધી અને હરિજનો ત્યાં મંદિરમાં દર્શને આવી શકે છે, તે જાણી ખુશી વ્યક્ત કરેલી.

પૂર્વઅધ્યાપક, લોકભારતી, સણોસરા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૃ. 18

Category :- Opinion Online / Opinion

મુસ્લિમ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે,

પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે ...

નરસિંહ મહેતાના ભજનનો પહેલો શબ્દ વાંચી આજના માહોલમાં ઘણી આંખો પહોળી થાય. પરંતુ ફિનિક્સ આશ્રમમાં ગાંધીજી જેમને ’ઇમામસાહેબ’ કહેતા અને દક્ષિણ આફ્રિકા

છોડી ભારત આવવાના હતા ત્યારે વિદાય-સમારંભમાં પોતાના ’સહોદર’ કહેલા તે, ધીકતો ધંધો છોડી ’ગાંધીભાઈ’ના આશ્રમના અંતેવાસી થયેલા અબ્દુલકાદર બાવઝીર પ્રાર્થનાસભામાં અચૂક હાજર રહે અને આ શબ્દફેર સાથે ભાવવાહી કંઠે ભજન ગાય તથા કુરાનનાં વચનો પણ સંભળાવે.

રાવજીભાઈ પટેલ (’ગાંધીજીની સાધના’, નવજીવન)માં નોંધે છે, ’તેઓ કહેતા કે સાચો હિંદુ સાચો મુસલમાન છે અને સાચો મુસલમાન સાચો હિંદુ.’ Vishvabharti Quarterly (શાંતિનિકેતન, ૨ ઑક્ટોબર ૧૯૪૯)ના Gandhi Memorial Peace Numberના આરંભે રવીન્દ્રનાથ ટાગોર અને જે. બી. કૃપાલાણીના લેખોની વચ્ચે આ ભજનનો એક વિરલ અર્થગ્રાહી અંગ્રેજી અનુવાદ છે, તેની માત્ર પહેલી કંડિકામાં ’વૈષ્ણવજન’ની જગાએ Lord Omnipresent શબ્દો વાપર્યા છે : Him we call the man of the Lord Omnipresent ... નરસિંહ, ગાંધીજી, અનુવાદક અને ઇમામસાહેબનો આદર્શ, મનુષ્યનો ધર્મનિરપેક્ષ આદર્શ જુઓ !

મૂળ વાત, વિદાય-સમારંભની. રાવજીભાઈ નોંધે છે, ‘પ્રાર્થના પછી બધાં એક પછી એક ગાંધીજીને પગે લાગ્યાં. તેમણે કોઈને મીઠી લપડાક મારી, કોઈને મધુરો મુક્કો માર્યો, કોઈનો બરડો થાબડ્યો અને દરેકને કાંઈ ને કાંઈ કહી સ્નેહરસે ભીંજવ્યા. ઇમામસાહેબનો વારો આવ્યો. ગાંધીજીએ તો ઇમામસાહેબને બાથમાં ભીડ્યા. છાતીસરસા ખૂબ ચાંપ્યા. તેમના સામું જોઈ મીટેમીટ માંડી અને દયાર્દ્રભાવે બોલ્યા, ‘મારી માતાએ બે જન્મ્યાં. એક હું અને બીજા તમે. આપણે બે સહોદર ભાઈ છીએ.’

૧૯૧૫માં ગાંધીજીની પાછળ ઈમામસાહેબ પણ પત્ની અને બે દીકરીઓ સાથે અમદાવાદ આવ્યા. ગાંધીજીએ સાબરમતી આશ્રમ સ્થાપ્યો. તેમાં જ ઈમામસાહેબે પોતાનું મકાન બાંધ્યું, જે પછી ’ઈમામ મંઝિલ’ કહેવાયું. આજીવન તેઓ તેમાં રહ્યા. એમની પુત્રી અમીનાનાં લગ્ન મોગલ ખાનદાનના ગુલામરસૂલ કુરેશી સાથે નક્કી થયાં ત્યારે કંકોતરી ગાંધીજીએ પોતાના નામે લખી અને આમંત્રિતોને પાઠવીને જાતે લગ્ન કરાવ્યાં. આશ્રમની મિલકતના પ્રથમ ટ્રસ્ટીઓમાં એક ઇમામ સાહેબ. આજે આશ્રમના ’સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ’ના પ્રમુખ ટ્રસ્ટી એમના દૌહિત્ર હમીદ કુરેશી છે.

ધર્મનિરપેક્ષ વાતાવરણમાંથી પ્રાપ્ત સંસ્કાર અને વસુધૈવ કુટુંબકમ્-ના પારંપરિક કૌટુંબિક સંસ્કાર કેવા સ્વાભાવિક જીવનપથનું નિર્માણ કરી શકે તેનું નમૂનારૂપ ઉદાહરણ આ કુટુંબે અનાયાસ પૂરું પાડ્યું, જે સમગ્ર દેશને માટે પ્રેરણારૂપ બને. નેતા બન્યા વિના આચારથી દાખલો બેસાડી રાહ ચીંધવામાં ગાંધીજીની મહાનતા, તેથી તો જૉન હૉમ્ઝે એમને ‘The greatest man since Jesus Christ’ કહ્યા.

હમીદ કુરેશીનાં લગ્ન આશ્રમવાસી હરજીવનદાસનાં દીકરી પ્રતિમા કોટક સાથે. એમનાં પોતાનાં પાંચ સંતાનોમાંથી દીકરી શમીમનું લગ્ન ખ્રિસ્તી અમેરિકન નાગરિક સાથે, જે મૂળ ઇટાલિયન. યાસ્મિનનું લગ્ન પણ ખ્રિસ્તી અમેરિકન સાથે, જેનું કુટુંબ જર્મન. એક પુત્રનાં પત્ની ખ્રિસ્તી, જે સ્વિટ્ઝર્લૅન્ડથી અમેરિકા આવી વસેલાં. બીજાનું દીપ્તિ કાંટાવાલા અને ત્રીજાનું પ્રતિષ્ઠિત નાગર કુટુંબનાં સોનલ દેસાઈ સાથે, જેના અભિનયને ૧૯૮૦માં અંગ્રેજી નાટક ’ધ મૅચમેકર’માં બિરાદાવ્યાનું મને સ્મરણ છે. હમીદભાઈના ભાઈ વહીદભાઈના દીકરાનું લગ્ન હેમાંગિની ચોકસી સાથે. સોનલના પિતા બાહોશ વકીલ સુશીલ દેસાઈ મારી કૉલેજમાં દર શનિવારે લૉ શીખવવા આવતા. છોકરી મુસ્લિમ કુટુંબમાં જાય તે સામે એમનાં બહેનનો સખત વિરોધ. જમાઈને જોયા-ઓળખ્યા પછી વિરોધ વાત્સલ્યમાં પલટાયેલો, અને અંતસમયે લાગણીપૂર્વક ઇચ્છા વ્યક્ત કરી કે જમાઈ અગ્નિદાહ આપે. અને એમ જ થયેલું.

લગ્ન માટે ધર્મને બદલે ખાનદાની જોવાનો આ આવકાર્ય ’ચેપ’ ક્યારે ય કાબૂમાં ન આવ્યો ! વહીદ કુરેશીની ચારે ય દીકરીઓનાં લગ્ન હિંદુ કુટુંબોમાં. આ ચારમાંથી બેનો ગુજરાત અને અમદાવાદને વિશેષ પરિચય. ગુજરાતમાં ટેલિવિઝનનાં આરંભનાં વર્ષોમાં જેના મુખે શુદ્ધ ઉચ્ચાર અને યોગ્ય આરોહ-અવરોહમાં સમાચાર સાંભળવા ગમતા એવો એક પરિચિત ચહેરો તે રુઆબનો. એનું લગ્ન દક્ષિણ ભારતના યુવાન સાથે. ત્રણેક દાયકા પહેલાં અમદાવાદ નજીક વિમાની અકસ્માત થયેલો. એમાં ‘આવિષ્કાર’ લોકનૃત્યવૃંદ સપડાયેલું. બચી જનારાંઓમાં એક શિરીન. તેનું લગ્ન ખંભોળજા કુટુંબમાં. સ્મરણ છે કે બન્નેએ જે ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધેલું. તેમાં મારાં પત્ની શિક્ષિકા. શાળા બહાર પણ બન્ને પારંપરિક રીતે ગુરુને આદર આપે.

આ લખાણ હમીદભાઈ(૮૮)ની એક નોંધ, એમની સાથે થયેલી વાતચીત અને હાથવગા અલ્પ સંદર્ભોને આધારે તૈયાર કર્યું છે. ગાંધી - પરંપરાની એમની નમ્રતા. આપપ્રસિદ્ધિથી દૂર રહે. એમનો જન્મ ૧૯૨૭માં આશ્રમ મધ્યે ઇમામ મંઝિલમાં. ગાંધીજીના ખોળે ચડેલ કેટલાંકમાંના એક. સ્વાતંત્ર્યસેનાની. પ્રતિમાબહેન સાથે રજિસ્ટ્રેશન લગ્ન થયું ત્યારે એક સાક્ષી કવિ સ્નેહરશ્મિ, બીજા ’ગાંધીજીની દિનવારી’ (૧૯૧૫-૧૯૪૮ અને ૧૮૬૯-૧૯૧૫) તથા ગાંધીજી સંબંધિત અન્ય પુસ્તકોના લેખક ચંદુલાલ દલાલ. સ્વાતંત્ર્ય માટે સમાજના તમામ ક્ષેત્રોની વ્યક્તિઓએ આપેલા સમર્પણની ગાથા જાણવા નૂતન ભારતનું સર્જન જોવા અધીરી, સદ્ય મંતવ્ય આપી બેસતી આજની અને આવતી કાલની કહેવાતી, યુવાન પેઢી પાસે પરંપરા અને પરિપ્રેક્ષ્ય જાણવા-સમજવા સમય નથી. એમને એમની ગમતી રીતે એ પ્રતીતિપૂર્વક પહોંચાડવાના મૌલિક તરીકા શોધવા બાકી છે. હમીદભાઈની માતા અમીનાબહેનને ગાંધીજીએ એક પત્રમાં ’અસીમ હિંમતવાળી વ્યક્તિ’ કહ્યાં છે. પિતા અને પતિ બંને સ્વાતંત્ર્યલડતમાં પૂર્ણ પ્રદાન કરે, બંને જેલમાં. નાનાં બાળકો છતાં અમીનાબહેન પોતે જેલમાં જવા અધીરાં. ગાંધીજી પ્રેમપૂર્વક તેમને રોકે. કહે, ’બાળકો અને તંદુરસ્તી સાચવ. તારો પણ સમય આવશે.’ પછી તો તેઓ ત્રણેક વાર જેલમાં ગયાં. 

હમીદભાઈને પૂછ્યું, તો એમનાં થોડાં સ્મરણો સાંભળવા મળ્યાં. લાગણીસભર છતાં રતિભાર રંજ વિનાના મગરૂર સ્વરે એમણે જે વાતો કરી, તેમાંની એક, દંતકથાનાં પરિમાણ ધરાવતી હૃદયસ્પર્શી વાત છે. પિતા ગુલામરસૂલ કુરેશી અને માતા અમીનાબહેનનાં લગ્નને હજુ માંડ દસ વર્ષ થયાં હતાં, હમીદભાઈ પોતે ચાર વર્ષના. બોરસદ સત્યાગ્રહ માટે બહેનોને મોકલવાની. ગાંધીજીએ નામ માંગ્યાં. લાંબી કતાર લાગી ગઈ. તેમાં અમીનાબહેન પણ ઊભાં. કોઈએ ધ્યાન દોર્યું. ગાંધીજી બોલ્યા, ’બહાદુર પિતાની બહાદુર દીકરી.’ એમનો વારો આવ્યો, ત્યારે ગાંધીજી કહે, ’પતિની સંમતિ છે? લઈ આવો.’

બીજા જ દિવસે અમીનાબહેન વિસાપુર પહોંચ્યાં, જ્યાં પતિ ગુલામરસૂલ કેદી તરીકે ખેતરમાં પાવડો લઈ મજૂરી કરે. કેદીનો પોષાક. લાંબી દાઢી. વચ્ચે વાડ. આ તરફ બાળકો સાથે અમીનાબહેન. કહે, ’રજા આપો.’  જવાબ મળ્યો, ‘રજા છે.’ પછીના પ્રશ્નનો જવાબ સરળ નહોતો. ’આ બાળકોનું શું?’ ક્ષણેકમાં જવાબ મળ્યો, ‘ત્રણ દરવાજા મૂકી આવો. બીજાં બાળકો ભેગાં રહેશે.’ ગાંધીજીની તો એ તબક્કે હાકલ હતી કે બાળકો સહિત સર્વસ્વનું સમર્પણ કરવા તૈયાર રહેવું. જેમના આચાર અને વિચારમાં ભેદ નહીં, તેને કોણ ન અનુસરે ? પર્લ બકે તો એમનું ખૂન થયું, ત્યારે કહેવું પડેલું,’O India ! Be worthy of your Gandhi !’

જો કે ત્રણદરવાજા જવું ન પડ્યું. અમીનાબહેન બોરસદ ગયાં, જેલમાં ગયાં ને ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં લડતને સમર્પિત બહેન અનસૂયાબહેન છાત્રાલય ચલાવે, તેઓ ત્રણે બાળકોને લઈ ગયાં અને તેમની સંભાળ રાખી ...

— આ ભારતીયતા છે. આ લખાણ લખ્યું તે કોઈ વ્યક્તિનાં ગુણો ગાવાં નહીં, મનુષ્યને કોઇ પણ પ્રકારના ટૅગ વિના મનુષ્ય તરીકે જોતી, આખી પૃથ્વી એક કુટુંબ છે, એવી પર્વતો જેટલી પુરાતન ભારતીય પરંપરાનું ગીત ગાવા.

૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૃ. 14-15

Category :- Opinion Online / Opinion