OPINION

દર રવિવારે સવારે, બી.બી.સી. પરથી પ્રસારિત થતા Big question શીર્ષક હેઠળ Nicky Campbell સૈદ્ધાંતિક બાબતો, નીતિવિષયક અને ધાર્મિક મુદ્દાઓની ચર્ચાનું સંચાલન બખૂબીથી કરે છે.

તારીખ બીજી માર્ચને દિવસે, સ્થાનિક હોસ્પિટલોને ધુમ્મસમાં અદ્રશ્ય કરી દેવાનો સમય પાક્યો છે કે નહીં, prenuptial agreementને કારણે લગ્નની મહત્તા ઘટશે કે શું અને બાઇબલની વાર્તાઓ દ્વારા નીતિમત્તા શીખવી શકાય ? − એ ત્રણ મુદ્દાઓ વિષે રસપ્રદ ચર્ચા સાંભળવાનો લ્હાવો લીધો. તેમાંના ત્રીજા મુદ્દા વિષે વધુ વિચારતાં કેટલાક સ્વાનુભવો ટપકાવવાની લાલચ રોકી નથી શકાતી.

મારો મુખ્ય વ્યવસાય લઘુમતી કોમના, શરણાર્થીઓ અને વિદેશથી અભ્યાસાર્થે આવેલ માબાપના સંતાનોને ઇંગ્લિશ, ગણિત અને વિજ્ઞાન ભણાવવાનો હતો. એક શિક્ષિકા નાસ્તિક હતી, તેથી તે પોતાના ક્લાસનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ધર્મ વિષયક શિક્ષણ આપવા નહોતી ઇચ્છતી, તેથી એ કામ તેણે મને સોંપ્યું (જાણે હું કેમ કોઈ મોટી ધાર્મિક વ્યક્તિ હોઉં!). અભ્યાસક્રમ પર નજર નાખીને મેં મારા પાઠોનું આયોજન કર્યું. તેમાં આ દેશમાં પળાતા મુખ્ય છ ધર્મોની ઉપદેશાત્મક વાર્તાઓ કહેવી જરૂરી હતી. મને તો આ ગમતો વિષય કેમ કે પોતાના સંતાનોને સૂતી વખતે આવી વાર્તાઓ કહેતી અને એ લોકો નિશાળમાં જઈને પોતાના વર્ગના બીજાં બાળકોને કહી આવતા, એટલું જ નહીં, એના પરથી નાનું નાટક રચીને શાળાની પ્રાર્થના સભામાં ભજવી પણ આવતા. આને પરિણામે તેઓને બીજા વર્ગમાં જુદા જુદા ધર્મમાંની આવી વાર્તાઓ કહેવા માટે આમંત્રણ મળવા લાગ્યાં.

હવે મારા શિક્ષણ દરમ્યાન મેં એક નવો પ્રયોગ આદર્યો. કોઈ ધર્મ વિશેષના નામનો ઉલ્લેખ કર્યા સિવાય, એક દિવસ મેં ‘તમે અજાણતા ભૂલ કરો તો એ પાપ કહેવાય’? એ વાર્તા દ્વારા આપણે ચોરી ન કરવી જોઇએ એ વાત સમજાવી. તે પછી વારો આવ્યો એક બાપ પોતાના નાના ઘરમાં છ બાળકો સાથે કેવો પરેશાન થતો હતો તેને તેના ધર્મગુરુએ પોતાની પાસે હોય તેટલા સાધનોથી કેમ સંતોષ માનવો એ વિષે શીખ આપી તે કહ્યું. તો વળી ત્રીજા પાઠમાં પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપની વાર્તા માંડી જે તેમને ઈશ્વર સર્વ વ્યાપી છે અને તેનું સ્મરણ કરતાં ખુદ પોતાનો પિતા કે રાજા અટકાવે તો પણ નિર્ભય થઈને તેનું રટણ  કરવાનું છોડવું નહીં કેમ કે અંતે તો એવા ભક્તને ઈશ્વર બચાવી લે છે એ વાત શીખવી ગઈ. તેના પછી મેં મૃત્યુ એ જીવનનો અનિવાર્ય ભાગ છે અને તેમાંથી કોઈ બચી નથી શકતું એ ગંભીર વાત કિસા ગૌતમીના કિસ્સાથી કહી સંભળાવી. પાંચમાં પાઠમાં દરિયા કિનારે ભરતી દરમ્યાન તણાઈને આવેલ સેંકડો સ્ટાર-ફીશને એક એક કરીને દરિયામાં નાખતાં નાના બાળકને એની વ્યર્થતા બતાવનારને તે બાળકે ‘આ એક સ્ટાર-ફીશ તો જીવી ગઈ, તેના જીવનમાં તો મેં ફેર કર્યો’ જવાબ આપીને આપણા નાનામાં નાના કર્મથી થોડે ઘણે અંશે પણ જો તફાવત થતો હોય તો તે કરવાની ફરજ છે એ સત્ય સમજાવ્યું. છેલ્લે શ્વેતકેતુ ‘પિતાજી, તમે કહો છો કે ઈશ્વર સર્વવ્યાપી છે, પણ મને તો દેખાતો નથી, હું કેમ કરીને માનું?’ એ પ્રશ્ન લઈને આવ્યો ત્યારે તેના પિતાએ પાણીમાં નમક નાખીને કરેલ પ્રયોગથી જે રીતે એ શાશ્વત્ સત્ય સમજાવ્યું એ મેં પણ વર્ગમાં એ પ્રયોગ કરીને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો.

આ તમામ છએ છ પાઠો દરમ્યાન એ વર્ગમાંના અલગ અલગ ધર્મ પાળનારા, જુદા જુદા દેશમાંથી આવેલા, અલગ અલગ ભાષા બોલનાર અને વિભિન્ન સામાજિક વર્ગના બાળકોને અંદરોઅંદર વાત કરતાં સાંભળ્યા કે ‘આવી વાર્તા અમને મસ્જિદ, મંદિર, ગુરુદ્વારા, ચર્ચ, સીનેગોગમાં કરે છે.’ મેં જ્યારે તેમને કહ્યું કે તેઓએ અનુક્રમે ક્રીશ્ચીયાનિટી, જ્યુડાઈઝમ, સીખીઝ્મ, બુદ્ધિઝમ, ઇસ્લામ અને હિન્દુઈઝ્મમાંથી વાર્તાઓ સાંભળી તો એ લોકોને મારા પર વિશ્વાસ ન બેઠો. એમનો પ્રશ્ન એ હતો કે બધા ધર્મ પુસ્તકોમાં નીતિમત્તાનો બોધ આપે એવી વાર્તાઓમાં આટલું સામ્ય કેમ હોઈ શકે?

આ Big questionમાં પ્રશ્ન બાઇબલની વાર્તાઓ દ્વારા નીતિમત્તા શીખવી શકાય? એ હોવો જરૂરી હતો કે ખરેખર તો કોઈ પણ ધર્મની વાર્તાઓ દ્વારા નીતિમત્તા શીખવી શકાય કે નહીં તે ચર્ચવું જોઈએ ? મારા મતે દરેક ધર્મની વાર્તાઓ સરખા નીતિમત્તાના ઉપદેશ આપે છે. પણ એથી ય વધુ મુદ્દાનો પ્રશ્ન એ છે કે શું આજના સંસ્થાગત ધર્મ જ માનવ જાતને નીતિમત્તા શીખવે છે? તે પહેલાં માનવ સમાજ અસ્તિત્વ ધરાવતો હતો, તો શું તેઓ નીતિમાન નહોતા? અથવા જેઓ નાસ્તિક છે તેઓ નીતિમાન નથી હોતા? આ મહા પ્રશ્ન કદાચ ભવિષ્યમાં Big questionમાં ચર્ચાય તો નવાઈ નહીં.  

મારો અનુભવ તો એમ કહે છે કે જો એક ધર્મની વાર્તાઓ તેના અનુયાયીઓને નીતિમાન બનાવી શકે તો બીજા બધા ધર્મની વાર્તાઓ પણ એ જ કામ કરી શકે એવું વિવિધ ધર્મ-ભાષાભાષી બાળકો પાસેથી હું શીખી છું.

e.mail : 71abuch@gmail.com

Category :- Opinion Online / Opinion

ટીવી ચેનલો ફ્લીપ કરતો હતો, ત્યાં નિર્મલ બાબા સ્ક્રીન પર આવી ગયા .., બાબા કોઈક શ્રધ્ધાળુ (કે અંધશ્રધ્ધાળુ ?) એક શ્રોતા બહેનના પ્રશ્નના જવાબમાં .., બાળક થતું નોં'તું એનો ઉપચાર બતાવતા હતા .., ‘करेला खाना शुरु करो .., बच्चों कि लाईन लग जायेगी!’

મને મારો સદાબહાર રમૂજી દેશી એમ્પ્લોઈ બંટી યાદ આવી ગયો ... એના મગજમાં હંમેશાં કઈંક તુક્કાઓ ચાલતા હોય ... એના રમૂજી અને ટૉકેટીવ સ્વભાવને લીધે મેં એને લૉટરી કાઉન્ટરનો ચાર્જ સોંપેલો ... કન્વીનિયન્ટ સ્ટોરના બીઝનેસનો આધાર લૉટરી સેલ પર બહુ રહે ... લૉટરી વધારે વેચાય તો સ્ટોર બીઝનેસ પણ વધે ! અને એથી જ વાણિયા બુદ્ધિ વાપરીને મેં એને લૉટરી કાઉન્ટર પર રાખેલો.

અમેરિકામાં રિટાયર્ડ, ઘરડા લોકો લૉટરી બહુ રમે ... એમની સોસિયલ સિક્યુરિટી, પેન્શન, વેલ્ફેર વગેરેમાંની અડધી આવક તો આ લૉટરી, કસીનો, બીંગો અને ગેંમ્બલીંગમાં જતી રહેતી હશે! એમાં ડોસીઓ તો વધારે રમે! આ ડોસીઓ દરરોજની કસ્ટમર. સ્ટોર ખૂલ્યો નથી કે લૉટરી નંબરનું મોટું લીસ્ટ લઈને આવી જાય ... ને પચાસ, સો ડૉલરની લૉટરી ટિકીટ તો ફેંકી દેતાં રમી નાખે ! દરરોજ એક જ નંબરવાળા નંબર રમે. ડોસી મેરી હજુ સ્ટોરમાં દાખલ પણ થઈ ના હોય, નંબરનું લીસ્ટ બંટીના હાથમાં પાસ પણ ના કર્યું હોય, ત્યાં તો બંટી ફટાફટ એના બધા જ નંબર્સ રમીને ટિકીટો એના હાથમાં ધરી દે ! આમ પણ હાર્ડ વર્કીંગ, સ્માર્ટનેસ અને ગુડ સર્વીસને લીધે દેશીઓ પ્રત્યે અમેરિકન્સને માન. અને એમાં વળી બંટી જેવો એમ્પ્લોઈ ફટાફટ નંબર રમી કાઢે એટલે મેરી જેવી ડોસી તો એની પર ફીદા ! બંટીને ગ્રાન્ડ સનની માફક ટ્રીટ કરે. લૉટરી જીતે તો એને ટીપ પણ સારી એવી આપે ! જેવી બંટીએ પચાસેક ટિકીટો મેરીના હાથમાં મૂકી, કે મેરી એવી તો અચંબામાં પડી ગઈ ને એનાથી ‘Wow!’ બોલાઈ ગયું. ‘Bunty .., how did you do this? remembering all my numbers? I didn't even handover my list to you .., and you already played all fifty numbers!’

‘Eat okra, Merry .. okra sharpens your memory, you can remember everything!"’

કોણ જાણે ક્યાંથી બંટીના મગજમાં સ્પોન્ટેિનયસલી ભીંડા આવી ગયા, અને મેરીને ભીંડા ખાવાની સલાહ આપીને કહ્યું એનાથી યાદશક્તિ વધી જશે ! બીજા દિવસે બંટીએ આપેલ ઈન્ડિયન ગ્રોસરી સ્ટોરનું સરનામું લઈ, મેરી બસમાં જઈ, બે પાઉંડ ભીંડા ખરીદી લાવી !

કોણ જાણે ભીંડા ખાવાથી મેરીની યાદશક્તિ વધી કે એની મેમરી-લૉસમાં વધારો થયો એ તો ખબર નથી, પણ એની એક લૉટરી ટિકીટ લાગી, ને એ ૫૦,૦૦૦ હજાર ડૉલર જીતી! બંટીને સારી એવી ટીપ તો  આપી. સાથે સાથે એને રોલ મૉડેલ માનવા લાગી! 

Now, here is the trick .., દરરોજના લૉટરી રમવાવાળા નિયમિત કસ્ટમર્સ હંમેશાં ૨૫-૩૦-૫૦ એક જ નંબર્સ રમતા હોય, દરરોજ એ જ નંબર્સનું લીસ્ટ લઈને રમવા આવે! બંટી નંબર્સ રમીને નંબર્સનું પ્રીન્ટઆઉટ કાઢીને જે તેનું નામ એ પર લખીને બાજુમાં મૂકી રાખે, બૉબ, મેરી, કેથી, નેન્સી વગેરે વગેરે ...  જે લૉટરી રમવા આવે, એના નામવાળાનું પ્રીન્ટઆઉટ કાઢીને એડવાન્સમાં નંબર રમવા મંડી પડે! જેવી મેરી સ્ટોરમાં દાખલ થાય એવો જ બંટી મેરીનું લીસ્ટ કાઢીને નંબર્સ રમવા માંડે, ને મેરી નંબર્સનું લીસ્ટ આપે એ પહેલાં એના અડધા નંબર્સ તો રમાઈ ગયા હોય! મેરીને તો એમ જ લાગે કે બંટીને મારા બધા જ નંબર્સ યાદ  છે !

હવે .., તમે જ કહો .., નિર્મલબાબા સારા કે અમારો બંટી ?

e.mail : mahendraaruna1@gmail.com

Category :- Opinion Online / Opinion