OPINION

એક હતાં સાવિત્રીબાઈ ફૂલે

મેહુલ મંગુબહેન
03-01-2016

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' હાલ હિટ ચાલી રહી છે. એમાં વાત યોદ્ધાની લવ સ્ટોરીની છે. ફિલ્મમાંથી પેશવા પરિવારની મુસ્લિમ સ્ત્રીની સંતાન મસ્તાની પ્રત્યેની રૂઢિવાદી માનસિક્તાનો ચિતાર તો મળે છે પણ એ સમયની સામાજિક હકીકતોનો આછેરો ઉલ્લેખ પણ મળતો નથી. ૧૮ સદીના એ સમયમાં વર્ણવ્યવસ્થા આજના કરતાં અનેકગણી વધારે કટ્ટર હતી. પેશવાઓના રાજમાં શુદ્રોને જો રસ્તા પર અન્ય ઉચ્ચ વર્ણનું કોઈ ચાલી રહ્યું હોય તો પસાર થવાનો અધિકાર નહોતો. સવર્ણો અછૂતો અને નીચ વર્ણના લોકોને દૂરથી જ ઓળખી શકે તે માટે તેમણે કાંડા પર કાળો દોરો બાંધવો પડતો હતો અને પેશવાની રાજધાની પૂણેમાં તો એમણે પોતાનાં પગલાંનાં નિશાન ભૂંસાઈ જાય એ માટે કમરની પાછળ ઝાડૂ બાંધવું પડતું હતું. ભણતર શબ્દનો અર્થ ફકત બ્રાહ્મણો તથા ઉચ્ચ વર્ણોને જ લાગુ પડતો હતો. આ સિવાય પાણી સહિત કોઈ પણ કુદરતી સંપદાનો ઉપયોગ કરવામાં કડક અંકુશ, વેઠ તેમ જ અન્ય રીતે શારીરિક શોષણ તો ખરાં જ. પેશવાઓ સંચાલિત મરાઠા સામ્રાજયનો ૧૮૧૮માં અંત આવ્યો અને એના ૧૩માં વર્ષે ૧૮૩૧ની ૩ ફ્રેબ્રુઆરીએ પેશવાઈ સમાજની રૂઢિઓને તોડનાર અને ભારતમાં શિક્ષણ અને મહિલા અધિકારનો વિજય ધ્વજ ખોડી દેનાર સાવિત્રીબાઈ ફૂલેનો જ્ન્મ થયો. સાવિત્રીબાઈ જન્મ્યાં ત્યારે છેલ્લો પેશવા, બાજીરાવ બીજો અંગ્રેજોની શરણાગત સ્વીકારીને કાનપુર નજીક બિઠૂરમાં ઠરીઠામ થઈ ગયો હતો પણ બાકીનો ક્રૂર રૂઢિવાદી સમાજ તો ત્યાં જ હતો. જયાં સ્ત્રીઓએ કદી ન જન્મવું જોઈએ એવા સમાજમાં અને એવા વખતમાં સાવિત્રીબાઈ જન્મ્યાં અને એ પણ શુદ્ર પરિવારમાં.

ભારતમાં સમાજ સુધારણાની વાત કરવામાં આવે એટલે મોટે ભાગે આપણને પાઠયપુસ્તકોમાંથી ગોખાવી દેવામાં આવેલાં નામ જ યાદ આવે છે. રાજાઓના ઇતિહાસમાં પ્રજાની બાદબાકી થાય એમ સામાજિક સુધારણાના ઇતિહાસમાંથી પણ શુદ્રો કે નિમ્નવર્ગના લોકોની લીટી નાની કરી દેવામાં આવતી હોય છે. એટલે જ સરેરાશ સુધરેલો અને ભણેલોગણેલો માણસ પણ એમ પૂછી બેસતો હોય છે કે સાવિત્રીબાઈ કોણ ?

સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકમાં મુદ્દાસર જોઈએ તો. એક, પરંપરાને વશ પિયરમાં અભણ રહેનાર અને પતિના ઘરે જઈને ભણનાર ભારતની પ્રથમ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. બે, સાવિત્રીબાઈ એટલે ૧ જાન્યુઆરી ૧૮૪૮માં દેશની પ્રથમ મહિલા શાળાની સ્થાપક અને પ્રથમ મહિલા શિક્ષક. ત્રણ, જેમણે સાસરીમાં આરામથી રહેવાને બદલે જેણે શુદ્રોને ભણાવવા બદલ પતિ સાથે પહેરેલ કપડે સાસરુ છોડવાનું પસંદ કર્યુ એ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. ત્રણ, પેશવાઓની રાજધાની સાતારા, પૂણે અને અહમદનગરમાં બીજી શાળાઓ શરૂ કરી. ચાર, સાવિત્રીબાઈ એટલે એવી સ્ત્રી કે ઘરેથી બે સાડી લઈને સ્ત્રીઓને ભણાવવા શાળાએ જતી કેમ કે રસ્તામાં કટ્ટરવાદીઓ રોજ કચરો ફેંકીને એમનું સ્વાગત કરતાં હતાં, એમાં એક સાડી બગડી જતી હતી. પાંચ, બ્રાહ્મણ સમાજમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવતી વિધવાઓની પડખે ઊભી રહેનાર અને એમને માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરનાર સ્ત્રી એટલે સાવિત્રીબાઈ.

સાવ નાની વયે વિધવા બનેલી અને મલાજાને નામે શોષણનો ભોગ બનતી છોકરીઓનાં અનેક સંતાનોની એ માતા બન્યાં અને એટલું જ નહીં સમાજ જેને નાજાયઝ ઔલાદ કહે છે એવા દીકરાને છડેચોક દત્તક લીધો. છ, સાવિત્રીબાઈ એટલે એ સ્ત્રી કે જેઓ વિધવા સ્ત્રીઓનું મુંડન બંધ કરાવવા ઐતિહાસિક હજામ હડતાળને અંજામ આપવામાં સક્રિય રહ્યાં. ફિલ્મમાં બાજીરાવની માને માથે મુંડો કેમ છે એવો સવાલ જો ન થયો હોય તો નોંધી લો કે એ સમયે વિધવા થયેલી બ્રાહ્મણ સ્ત્રીઓના વાળ અત્યંત ક્રૂરતાથી કાપી દેવામાં આવતા હતાં. સાત, સાવિત્રીબાઈ એટલે પ્રથમ આધુનિક મરાઠી કવિયત્રી. ૧૮૫૪માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો જેનું નામ હતું કાવ્યફૂલે. આઠ, સાવિત્રીબાઈ એટલે એ કે જેમણે દેશમાં પહેલીવાર ખેડૂતો અને મજૂરો માટે રાતની નિશાળ શરૂ કરી. નવ, જેમણે પોતાના ઘરનો કૂવો અતિશુદ્રો માટે ખુલ્લો મુકયો. દસ, સાવિત્રીબાઈ એટલે સામાજિક સુધારણા માટે મથનાર સત્ય શોધક સમાજની સક્રિય કર્મશીલ. અગિયાર, ૧૮૯૭માં પૂણેમાં ફેલાયેલા ભયંકર પ્લેગ વખતે પોતે પ્લેગનો ભોગ બન્યાં એ હદ સુધી લોકોની સેવા કરનારા સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. છેલ્લે એ ઓળખાણ પણ ખરી કે મહાત્મા ગાંધી અગાઉના મહાત્મા એવા પાયાના સમાજસુધારક જોતિબા ફૂલે એ સાવિત્રીબાઈના પતિ થાય.

ભારતના લોકોએ, ઈતિહાસકારોએ અને સ્વરાજ આવ્યા પછીની સરકારોએ પણ એના ખરા સમાજસુધારકો સાથે પૂરો ન્યાય નથી કર્યો. સાવિત્રીબાઈને નામે મહારાષ્ટ્ર સરકાર સમાજસુધારણાનો એવોર્ડ આપે છે. અમુક-તમુક સરકારી યોજનાઓ પણ હશે એમના નામે. છેક ૧૯૯૮માં અવસાનની શતાબ્દીએ એક ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી અને હજી ગત વર્ષે જ પૂણે વિશ્વવિદ્યાલય સાથે સાવિત્રીબાઈનું નામ જોડાયું છે પણ સાવિત્રીબાઈ અને જોતિબાની સમાજસુધારણાનું વિશાળ ફલક જોતા આવી અંજલિઓ ઘણી નાની ગણાય.

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘સાદ સંવાદ’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2016

http://www.sandesh.com/article.aspx?newsid=3214851

Category :- Opinion Online / Opinion

ઝીણાને પણ સુભાષની ઑફરમાં ગંભીરતા જણાઈ હતી, છતાં હિંદુ કટ્ટરવાદી નેતાઓને સંમત કરવા જરૂરી હતું

ભારતની આઝાદીનો ઇતિહાસ ફરી ફરીને અનુકૂળતા મુજબ તાજો કરીને વર્તમાનમાં વિજય મેળવવાની રાજકીય પક્ષો અને નેતાઓની કોશિશો અખંડ રહી છે. ભાગલા માટે જવાબદાર લેખાવીને ગોળીએ દેવાયેલા મહાત્મા ગાંધીએ તો પોતાના મૃતદેહ પર પણ ભારત અને પાકિસ્તાનના નોખા અસ્તિત્વને નકાર્યું હતું. ભાગલા અનિવાર્ય લાગતા હતા એવા સંજોગોમાં એમણે મહંમદ અલી ઝીણાને પ્રથમ વડાપ્રધાન બનાવવાની ઑફર પણ કરી જોઈ.

પરંતુ મુસ્લિમો માટે અલાયદા દેશના આગ્રહી બીજા કાઠિયાવાડી એવા ઝીણા માન્યા નહીં, અને પંડિત જવાહરલાલ નેહરુએ તો યેન કેન પ્રકારેણ વડાપ્રધાન થવું હતું એટલે ૧૪-૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ ખંડિત ભારતને સ્વતંત્રતા મળી. ઇતિહાસનો એ ઘટનાક્રમ નકારવાનું અશક્ય છે, પરંતુ વિભાજન કે દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને નહીં સ્વીકારનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની સત્તાવાર વેબસાઇટ પર ફરીને ગુરુજી(સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર)નું કથન ઝગારા મારતું થયું છેઃ ‘જો વિભાજન એ સ્થાયી હકીકત બની હોય તો આપણે એને અસ્થાયી બનાવી દઇશું.’ આર.એસ.એસ.ના દ્વિતીય પ્રચારક જ્યારે વડાપ્રધાન તરીકે બિરાજમાન હોય ત્યારે અન્ય એક પ્રચારક રામ માધવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજદ્વારી (ડિપ્લોમેટિક) નીતિ અનુસાર ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશને ફરી અખંડ ભારતમાં ફેરવાઈ જતી ભવિષ્યવાણી કરી છે.

કૉંગ્રેસના બબ્બે વાર અધ્યક્ષ રહ્યા પછી ફૉરવર્ડ બ્લૉકનો અલગ ચોકો રચનાર અને રાસબિહારી બોઝ કનેથી આઝાદ હિંદ ફોજનું સરસેનાપતિનું પદ સ્વીકારી બાહોશીભરી લડત આપનાર સુભાષચંદ્ર બોઝ પોતે મૌલાના મુહમ્મદ ઝિયાઉદ્દીન તરીકે કોલકાતાથી ૧૭-૧૮ જાન્યુઆરી ૧૯૪૧ની અંધારી રાતે ‘મહાભિનિષ્ક્રમણ’ કરીને અત્યારના પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને રશિયાને મારગ હિટલર-મુસોલિનીના જર્મની-ઇટલી પહોંચી ગયા હતા. એ પછી અલોપ રહેલા નેતાજીનાં વર્ષોનાં તથ્યો પરથી એમના આગામી જન્મદિન ૨૩ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી પડદો ઊંચકવાના છે.

દેશમાં હિંદુવાદીઓ સત્તા સ્થાને હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ભૂતકાળના કૉંગ્રેસી નેતાઓને હિંદુવાદી ગણાવવાની કોશિશોનો ઊભરો આવે. એવી જ કાંઈક સુભાષને હિંદુવાદી ગણાવી દેવાની કોશિશો ચાલી રહી છે. એનું ઉદાહરણ આપતાં ૧૮ કે ૧૯ કે ૨૦ જૂન ૧૯૪૦ના રોજ નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક એવા ડૉ. કેશવ બલિરામ હેડગેવારને મળવા સુભાષ ગયા હતા અને એ પછી કોલકાતા પાછા ફરતાં મુંબઇમાં હિંદુ મહાસભાના સુપ્રીમો વીર સાવરકરને દાદરસ્થિત સાવરકર-સદન જઈને મળ્યાની વાતને આગળ કરાય છે. ઇતિહાસનાં તથ્યોમાંનાં અનુકૂળ સત્યો કે અર્ધસત્યોને રજૂ કરીને મનગમતાં તારણો કાઢવામાં સુભાષનો આત્મા કેવો કણસતો હશે તેની કલ્પના કરી શકાય છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ હિંદુ-મુસ્લિમ એકતાના પ્રણેતા હતા અને મહાભિનિષ્ક્રમણ પહેલાં એમણે અંગ્રેજો સામેની હિંદુ-મુસ્લિમ સંયુક્ત લડત માટે મહાત્મા ગાંધીને નેતૃત્વ હાથમાં લેવાનો આગ્રહ કરવાથી લઈને અખંડ ભારતને ટકાવવા માટે મોહમ્મદ અલી ઝીણાને અલગ પાકિસ્તાનની માગણીથી વારવા માટે અખંડ ભારતના વડાપ્રધાનપદની ઑફર પણ કરી હતી. ઇતિહાસના દસ્તાવેજોમાં નોંધાયેલી હકીકત તો એ છે કે મહાત્મા ગાંધીએ ભારતના ભાગલા ટાળવા માટે ઝીણાને દેશનું વડાપ્રધાનપદ ઑફર કરવાનું પસંદ કર્યું, એ પહેલાં સુભાષે એ દિશામાં પ્રયત્ન કરી જોયા હતા. ઝીણાને પણ સુભાષની ઑફરમાં ગંભીરતા જણાઈ હતી, છતાં એ માટે હિંદુ મહાસભાના અધ્યક્ષ વીર સાવરકર અને બીજા હિંદુવાદી નેતાઓને એ દરખાસ્ત સાથે સંમત કરવાની જરૂર હતી.

વર્ષ ૧૯૩૮ અને ૧૯૩૯ એમ બબ્બે વાર સુભાષ અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા. પહેલીવાર ગાંધીજીના ટેકાથી અને બીજી વાર ગાંધી-સરદારની અનિચ્છાએ. ગાંધીજીના કહ્યાગરા બનાવવાનો સાફ ઇન્કાર કરી દેનાર નેતાજીએ ૨૯ એપ્રિલ ૧૯૩૯ના રોજ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ૩ મે ૧૯૩૯ના રોજ ફૉરવર્ડ બ્લૉકની સ્થાપના કરી હતી. વીર વિઠ્ઠલભાઈ પટેલ અને મોહમ્મદ અલી ઝીણા સાથે સુભાષને સારો ઘરોબો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે પણ. ફૉરવર્ડ બ્લૉકની મુંબઈમાં બેઠક પછી ૨૦, ૨૧ અને ૨૨ જૂન ૧૯૪૦ દરમિયાન નાગપુરમાં અખિલ ભારતીય ફૉરવર્ડ બ્લૉકનું અધિવેશન યોજાયું હતું. એમાં હાજરી આપવા માટે સુભાષ નાગપુર ગયા હતા.

એ વેળા ડૉ. હેડગેવારની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર મળતાં એ તેમને મળવા ગયા હતા, પરંતુ ડૉક્ટરજી નિદ્રાવશ હોવાથી એમને જગાડ્યા વિના એ પાછા ફર્યા હતા; એની નોંધ પાલકરલિખિત ડૉ. હેડગેવાર ચરિત્રમાં કરવામાં આવેલી છે. ડૉ. હેડગેવાર કૉંગ્રેસના અગ્રણી હતા એટલે કોલકાતાના ૧૯૨૮ના કૉંગ્રેસ અધિવેશનમાં તેઓ સુભાષને મળ્યા હોવાની નોંધ પણ સંઘના સાહિત્યમાં મળે છે. સંઘની સત્તાવાર વેબસાઇટ પર ૨૧ જૂન ૧૯૪૦ના રોજ ડૉ. હેડગેવારના દેહાવસાનની પહેલાં ૧૯મી જૂને (હિંદીમાં) સુભાષ ડૉક્ટરજીની બીમારઅવસ્થાને કારણે દર્શન કરીને પરત ગયાનો ઉલ્લેખ છે, પણ આ જ વેબસાઇટ પર અંગ્રેજીમાં મરણપથારી અવસ્થામાં ડૉક્ટરજીની સુભાષ સાથેની મુલાકાત ૨૦ જૂન ૧૯૪૦ના રોજ કરાવાય છે. સંઘવિચારક ડૉ.રાકેશ સિંહાલિખિત ‘ડૉ. કેશવ બલિરામ હૅડગેવાર’માં બંનેની ઉપરોક્ત મુલાકાત ૨૦ જૂન ૧૯૪૦ના રોજ કરાવાઈ છે.

જો કે ‘સાવરકરસમગ્ર’ના આઠમા ખંડમાં સાવરકરે સુભાષ સાથેની આકસ્મિક મુલાકાતનું વિગતે વર્ણન કર્યું છે. મુંબઇમાં ઝીણાને મળીને ૨૨ જૂન ૧૯૪૦ના રોજ સુભાષચંદ્ર વીર સાવરકરને મળવા આવ્યા હોવાનું પણ એમાં સ્પષ્ટ છે. આ નોંધ અનુસાર નેતાજી પોતાના પક્ષ ફોરવર્ડ બ્લૉકને હિંદુ સંસ્થા ગણાવવાનો સાફ નન્નો ભણીને બેઉ વચ્ચે ચર્ચા આગળ ચાલ્યાનો ઉલ્લેખ મળે છે.

સુભાષને મહાભિનિષ્ક્રમણ વેળા તેમના ચાલક તરીકે સહયોગ આપનાર ભત્રીજા શિશિર અને એમના પુત્ર સુગત બોઝ (હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક અને લોકસભામાં તૃણમૂલ કૉંગ્રેસના વર્તમાન સભ્ય) દ્વારા સંપાદિત નેતાજીની અધૂરી આત્મકથા ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ’ના બીજા ખંડમાં નોંધવામાં આવ્યું છે કે કૉંગ્રેસ કારોબારીના ઠરાવને પગલે ગાંધીજી સાથેની ચર્ચાવિચારણા ઉપરાંત મુસ્લિમ લીગના ઝીણા અને હિંદુ મહાસભાના સાવરકર સહિતનાઓને ભાગલા ટાળવા માટે સુભાષે મનાવી લેવાની ખૂબ કોશિશ કરી હતી.

આઝાદીની લડત માટે કૉગ્રેસનો સાથ સહકાર લઈને મોહમ્મદ અલી ઝીણાને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનાવીને પણ અખંડ ભારતને જાળવવા સુભાષ કૃતસંકલ્પ હતા. ઝીણાને બ્રિટિશ મદદથી પાકિસ્તાન મેળવવામાં રસ હતો અને સાવરકર બ્રિટિશ લશ્કરમાં હિંદુઓને તાલીમ મળે એનો જ વિચાર કરતા હતા એટલે નેતાજીને અંતે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા કનેથી કોઈ અપેક્ષા રાખવાનું નિરર્થક જણાયું હતું.

નેતાજીને નેહરુ, સાવરકર અને ઝીણાનો અખંડ ભારતને ટકાવવામાં સહયોગ મળ્યો હોત તો ઇતિહાસ સાવ જુદો જ હોત.

e.mail : haridesai@gmail.com

સૌજન્ય : ‘અજાણ્યું પ્રકરણ’, “દિવ્ય ભાસ્કર”, 30 ડિસેમ્બર 2015 

Category :- Opinion Online / Opinion