મારી નિખાલસતા અને માસુમિયત

‘નવ્યાદર્શ’
07-12-2018

સંધ્યાના ખિલતા રંગોને જોઇને હું ખિલી જતી હતી
ચાંદની રાતમાં
મારા વાળને ખુલ્લા રાખીને હું હીંચકામાં કેટલી ય રાતો ગાળી દેતી
તૈયાર થતાં થતાં હું મને ખુદને જ નિહાળી લેતી
એ ગાલ પર પડતાં ખંજનને જોયાં જ કરતી
અને હસતી રહેતી
હું મને જ પ્રેમ કરતી અને મને ખુદને જ માનતી.
મારી વાતો શરૂ થતી પણ તેનો અંત જ ન હોય
મારી દુનિયા હું જ હતી.
સૂરજના રાજમાં એની વાતોએ મારી ઊંઘ ઉડાડી
મારા ખુદના પ્રેમમાં એણે ભાગ પડાવ્યો
એના શબ્દોમાં હું જીવવા લાગી હતી
એની આંખોમાં સમાવા લાગી હતી
મારા હૃદયના ધબકાર એના અવાજ સાથે હિલ્લોળાતા
એના આગમનમાં અરીસો નાચી ઊઠતો
મારા ગાલ પરના ખંજનમાં શરમના શેરડા પડતાં.
પણ આદત કોને કહેવાય?
એ ન હોય ત્યારે એની ડાયરીનાં પાનાંઓ ફરી ફરી વાંચી જતી
હું મને એના અહેસાસમાં શોધવા લાગી હતી.
આ સમાજ પણ બહુ ખૂબ છે
જેટલું પ્રેમમાં માને છે
એટલો પ્રેમથી નથી માનતો,
જેમ સમય વિતતો ગયો
તેમ સમજમાં સમાજ વધતો ગયો
તેની અને મારી નજર હવે એક નહોતી
જ્યારે મળતાં
ત્યારે ખુશી કરતાં વિદાય અને વ્યથા વધુ હતાં
હવે દર્પણ પણ મને ભૂલી ગયો હતો મને હસાવતાં
મન હવે મારું માનતું નહોતું
એટલે બોલવા બોલાવવાના સંબંધો પણ વધી ગયા હતાં.
હું શું કહેવાં માંગુ છું
કદાચ તમે સમજતાં હશો
ખરું ને?
હું મને ખુદને જ ભૂલી ગઈ હતી
મારી માસુમિયત અને નિખાલસતા
મારાથી બહુ દૂર ચાલી ગઈ હતી
પેલે ક્ષિતિજને પાર.
જીવનના એવા સબક મળતાં રહ્યાં
લોકો મળતાં રહ્યાં
સમય બદલાતો રહ્યો
મૌસમ પલટાતો રહ્યો
મારા વાળ ક્યારેક બંધાતા તો ક્યારેક ખુલતાં લહેરાતા
મારી આંખો ફરી જોવા લાગી હતી આ દુનિયાને
બસ, નજરમાં ફેર એ હતો કે
પહેલાં જોતી હતી દુનિયાને નાદાન સમજી
આજે મને ખુદને જ નાદાન સમજું છું
આજે હળું છું, મળું છું અને સ્મિત પણ કરું છું
પણ દુનિયા માટે
ગલી ગલી, રસ્તા રસ્તા, હરું છું ફરું છું
મને ખુદને શોધતા
હું ખુદ જ ખોવાઈ છું.
દુનિયા કહે છે
‘હું બદલાઈ છું.’
મારું મન જાણે છે કે,
આ દુનિયા વચ્ચે
હું જ ખોવાઈ છું.
કોઈ મને ખુદ ને શોધી આપશે
અને હું ઊભું છું અરીસા સામે
મને ખુદને જોઈ હસું છું
પેલાં ગાલ પર પડતાં ખંજન વિલાઈ ગયાં છે
આંખો સુંદર છે, પણ શૂન્ય છે
હું મને ખુદને જ શોધું છું
મારા પ્રતિબિંબમાં ….

Email : nayvadarsh67@gmail.com

Category :- Poetry