મારો ‘ગાંધીડો’

ચંદુ મહેરિયા
04-12-2018

ખાદી પહેરવી મને ગમે છે. મારા કદ, કાઠીને એ વધુ માફક આવે છે. પણ ‘મા’ને હું ખાદી પહેરું એ જરા ય ગમતું નથી. ખાદીનો ઝભ્ભો-લેંઘો જ્યારે પણ પહેર્યો છે, ‘મા’એ મને ટોક્યો છે. આ પહેરવેશમાં એને હું ‘ગાંધિયો’ લાગું છું. ‘મા’ અને ‘બા’એ (બાપાને અમે ‘બા’ કહેતા) ગાંધીજીને જોયા નથી. મા સાવ અભણ. એને માટે તો એ ભલી અને એનું ઘર ભલું. પણ મારાં બાએ ગાંધી-આંબેડકર વિશે ઘણું સાંભળ્યું - જાણ્યું હતું અને થોડું વાંચ્યું પણ હતું. એ જમાનાના દલિતોની પહેલી પેઢીમાં જે ગાંધીવિરોધ હતો એ માની, બાની વાતોમાં સમયે સમયે વ્યક્ત થતો. મા ઘણી વાર કહેતી : ‘આ ગાંધિયો જ નાતજાતના વાડા બાંધીન જ્યો છ.” મારા ખાદી પહેરવા સામેના માના અણગમાનાં મૂળમાં ‘મા’માં, બાએ અને એ જમાનાએ, ગાંધી વિશે વાવેલા પૂર્વગ્રહો અને ગેરસમજો હતાં.

પૂર્વ અમદાવાદના રાજપુરની શ્રમિકોની ચાલીમાં હું જન્મ્યો-ઉછર્યો. રાજપુરની મ્યુનિસિપલ શાળા નં. ૩-૪માં હું ભણ્યો. અમારા આચાર્ય બળવંતભાઈ ગાંધીઅન. જન્મે દલિત અને રાજપુરના જ બળવંતમાસ્તર માત્ર અટકે જ નહીં, સંપૂર્ણ ગાંધીઅન.ખાદીનો ધોતી-ઝભ્ભો અને માથે ખાદી ટોપી પહેરે. કડક શિસ્તના આગ્રહી. મારા બાળપણથી યુવાનીના ઘડતરના વરસો રાજપુરના ગાંધીવાદી, આંબેડકરવાદી, સામ્યવાદી  કાર્યકરો અને તેમની પ્રવૃત્તિઓ વચ્ચે પસાર થયા છે. એ સમયનું રાજપુર જાણે કે વિવિધ રાજકીય વિચારધારાની પાઠશાળા હતું.

મારી સાંભરણના, ૧૯૮૧નાં અનામતવિરોધી રમખાણો પહેલાંના, રાજપુર વસવાટનાં એ વરસો ગાંધીસ્મરણોથી ભર્યાભર્યા છે. એ દિવસોમાં અમારી ચાલીઓમાં મજૂરમહાજનસંઘ અને જ્યોતિસંઘની પ્રવૃત્તિઓને કારણે ગાંધીવાદી કાર્યકરો અને આગેવાનોની ભારે ચહલપહલ રહેતી. જ્યોતિસંઘની આંગણવાડી - બાલવાડીમાં મેં મારું પૂર્વપ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. આજે સરકારી આંગણવાડીઓનાં નામે દલિતવિસ્તારોમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલે છે, એના કરતાં સાવ જ જુદી હતી અમારી જ્યોતિસંઘની આંગણવાડી. જ્યોતિસંઘનાં બહેનો વૅકેશનમાં ભરતડકે ચાલીઓમાં ઘરેઘરે ફરે અને દલિત માતાઓને તેમનાં બાળકોને આંગણવાડીમાં મોકલવા સમજાવે. ખાદીના સફેદ સાડલાવાળાં મારી આંગણવાડીના શિક્ષિકાબહેન, જસુબહેન, એમના પ્રેમ અને વાત્સલ્યને કારણે, મારા સઘળા શિક્ષકોના ચહેરા ભૂંસાઈ ગયા છે કે ધૂંધળા પડી ગયા છે, ત્યારે પણ મને બરાબર યાદ રહી ગયાં છે. અહીં જ હું એમની આંગળી પકડીને કક્કો શીખ્યો હતો અને એકડો ઘૂંટ્યો હતો. અને હા, સર્વધર્મપ્રાર્થના પણ તેમણે જ પહેલવહેલી વાર શીખવી હતી.

શિક્ષણની સાથે વ્યસનમુક્તિ અને સ્ત્રીજાગૃતિનું કામ પણ જ્યોતિસંઘનાં બહેનો કરતાં હતાં. મોટા કે સારા ઘરની, ઊજળાં કપડાં પહેરતી આ બધી બહેનો આમ ચાલીઓમાં ઘેરઘેર ભટકે અને સ્ત્રીઓ - બાળકો માટે કામ કરે, તેનું આ વિસ્તારના લોકોને પણ મોટું મૂલ્ય હતું. સ્ત્રીઓ સાથે આત્મીયતાથી ઓતપ્રોત થઈ તેમનાં દુઃખ-દરદ જાણવા પ્રયાસ કરતી આ બહેનો સાથે ચાલીઓની બહેનો પણ દિલ ખોલીને વાતો કરતી. એ વખતે તો એ બધી વાતો સંભળાતી હતી ખરી પણ સમજાતી નહોતી. પણ આજે યાદ આવે છે કે સઘળી દલિત સ્ત્રીઓ આ મોટા ઘરની બહેનો સમક્ષ તેમનાં દુઃખની જે ફરિયાદો કરતી, તેમાં જે એક-બે  ફરિયાદો કૉમન હતી તે હતી :  “દારૂ અને હવાહુરિયાં.” (દલિત સ્ત્રીઓના પતિ, પિતા, ભાઈ અને પુત્ર દારૂ પીતા અને દર સવા વરસે સુવાવડ આવતી તે એમની કાયમી ફરિયાદો રહેતી.) 

જ્યોતિસંઘનાં કુટુંબકલ્યાણ કેન્દ્રો, કૌટુંબિક ઝઘડાઓ - ખાસ કરીને પતિપત્નીના ઝઘડાઓ -માં, સુલેહશાંતિનું કામ કરતા તેમ કુટુંબનિયોજન અને દારૂ જેવાં વ્યસનોમાંથી મુક્તિનાં કામો પણ કરતાં. મારી ચાલીમાં સૌથી સાદું છતાં સુઘડ અને ટેબલખુરશીવાળું એક ઘર હતું. મને કાયમ એવા ઘરનું આકર્ષણ રહેતું. પણ એ ઘરનો મોભી દારૂનો ભારે બંધાણી. માત્ર ચાલીમાં જ નહીં, આખા વિસ્તારમાં એ ‘લઠ્ઠા’ના નામે જાણીતા. ખાદીનાં આરબંધ સફેદ કપડાં પહેરે, આમ તો મિલકામદાર પણ સફાઈદાર ગુજરાતી બોલે અને સરકારી યોજનાઓ વિશે જ નહીં, કાયદાકાનૂન અંગે પણ સારું જ્ઞાન ધરાવે.  સવારે એ કાર્યકર તરીકે નીકળે, ત્યારે સાવ સજ્જન લાગે, પણ સાંજ પડતાં જ ચિક્કાર પીને લથડિયાં ખાતાં-ખાતાં આવે. જ્યોતિસંઘનાં સૌથી મોટાબહેન શાંતાબહેન પટેલે એમને દારૂનું વ્યસન છોડાવવા ભાઈ બનાવેલા. રક્ષાબંધને સૌની વચ્ચે શાંતાબહેને તેમને રાખડી બાંધી, હવેથી ક્યારે ય  દારૂ નહીં પીવાનું વચન લીધેલું. આજે રાજપુરમાં સાવ જ ટાબરિયાઓને દારૂ વેચતાં, દારૂ પીને રુમલાતાં જોઉં છું અને જિજ્ઞેશ-અલ્પેશની દારૂના અડ્ડાઓ પરની રાજકીય જનતા-રેડ વિશે વાંચું-સાંભળું છું, ત્યારે હવે કોઈ કહેવાતા ઊંચા વરણની બહેન તેમને ભાઈ કે દીકરો માની વારવા આવવાની નથી, એનો વસવસો રહ્યા કરે છે. આજકાલ ગરીબો-દલિતો કેમ દારૂ પીએ છે, તેની ફિલોસૉફિકલ ચર્ચા અને તેનાંમૂળમાં રહેલી ગરીબી-નાબૂદી સિવાય દારૂનું દૂષણ દૂર ન કરાય તેમ ચર્ચતા રહેતા કર્મશીલો (હા, કાર્યકરો નહીં કર્મશીલો)ને જોઉં છું, ત્યારે એ દિવસોમાં મારામાં પાંગરેલાં અને કાળે અસ્ત થઈ ગયેલાં આ ગાંધીપાત્રો અને ગાંધીમૂલ્યો, ગાંધીના સાર્ધશતાબ્દી વરસે મને ઝકઝોરે છે અને પડકારે છે.

હું જે નિશાળમાં એકથી સાત ચોપડી ભણ્યો, તેનું ત્રણ માળનું મકાન હતું અને મોટું ચોગાન. શાળાના શિક્ષકોમાં આ વિસ્તારના દલિતશિક્ષકો પણ હતા. ભણવામાં હું હોશિયાર ગણાતો અને કાયમ પહેલા નંબરે આવતો. અમારી શાળામાં આખા પૂર્વ અમદાવાદનો રમતોત્સવ ઊજવાતો અને રાષ્ટ્રીય તહેવારો પણ મનાવાતા. પણ શાળાની પ્રાર્થના સિવાય મને કદી જાહેરમાં આવા કાર્યક્રમોમાં બોલવાનું મળ્યું નથી. મારી લેખન અને વક્તવ્યની આવડતને બહાર આણવાનું કામ જે સ્વાભાવિક રીતે હું જ્યાં ઔપચારિક શિક્ષણ મેળવતો હતો, તે શાળાનું અને તેના શિક્ષકોનું હતું. પરંતુ મારી આ ખૂબી ઉજાગર કરી અનૌપચારિક શિક્ષણની ગાંધી-પાઠશાળાઓએ. ગાંધીવાદી મજૂર યુનિયન, મજૂરમહાજન સંઘ, કામદાર વિસ્તારોમાં ગાંધીજયંતી અને બીજા કાર્યક્રમોની ઉજવણી કરે. એ સમયના મોટા ભાગના દલિતનેતાઓ કહેતાં, મિલના મહાજનના મેમ્બરો-માસ્તરો-મુકાદમો ખાદીધારી હતા. કાંતિલાલ નામક એક મિલકામદાર અને હોમગાર્ડ,  મહાજનના ઉજવણી-કાર્યક્રમોમાં મને લઈ જાય. દુનિયા આખી પહેલી મેના રોજ મજૂરદિન મનાવે, પણ મહાજન ચોથી ડિસેમ્બરે મનાવે. ગામેગામ ગાંધીજયંતી બીજી ઑક્ટોબરે ઉજવાય, પણ મહાજનની ગાંધી જયંતી રેંટિયાબારસની હોય. આવા પ્રસંગોની ઉજવણી અને તેની સભાઓ થાય, મિલકામદાર-બાળકોની વિવિધ સ્પર્ધાઓ થાય. તેમાં મેં વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ખાદીનો હાથરૂમાલ, ટુવાલ કે ચાદર ઇનામમાં મેળવ્યાં હતા. આમ, ગાંધીની સંસ્થાઓના સહારે મારું આરંભિક લેખન અને વક્તવ્ય ઉજાગર થયું. તે એટલે સુધી કે પછી અમારી ડેમોક્રેટિક શાળાના એક સ્પર્ધક તરીકે મેં કોઈ વક્તૃત્વસ્પર્ધામાં ભાગ લઈને ગોમતીપુરની માતૃછાયા હાઈસ્કૂલમાં તે વખતના મુખ્ય મંત્રી બાબુભાઈ જસભાઈ પટેલના હસ્તે  ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ઇનામમાં  મેળવેલી.

મજૂરમહાજનની ભારે બોલબાલાના એ દિવસો હતા. છાશવારે મજૂર - મહાજનના નેતાઓ અમારા વિસ્તારમાં આવતા રહેતા અને તેમની નાની - મોટી સભાઓ થયા કરતી. અરવિંદ બૂચ, શાંતિલાલ શાહ, મનહર શુક્લ, નવીનચંદ્ર બારોટ અને બીજા નેતાઓ અવારનવાર આવતા રહેતા. જ્યોતિ સંઘનાં વડાં ચારુમતી યોદ્ધા પણ આવતાં. ચૂંટણી ટાણે તો આ બધા નેતાઓનું જોર વધી જતું. જે દલિતો મિલકામદાર તરીકે મહાજનના સભ્ય હતા, તે ચૂંટણીમાં મહાજનના ટેકેદારો હોય જ હોય, એવું બનતું નહીં. એટલે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ધારાસભાની ચૂંટણીઓમાં મહાજનના ઉમેદવારો હારતાં ય  ખરા.

ઘેરઘેર શૌચાલયના એ દિવસો નહોતા. ચાલીઓનાં સાર્વજનિક શૌચાલયોનો જ લોકો ઉપયોગ કરતા. તેની ગંદકી એ જાણે કે દલિત - વિસ્તારોની નિયતિ હતી. મને બરાબર યાદ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ - કમિટીના એ ગાંધીવાદી ચૅરમેન ભાઈલાલ પટેલ. ઘણી વાર આ ગાંધીવાદી ભાઈલાલભાઈ સવારે સાતેક વાગે ચાલીના જાજરૂએ ખડા થઈ જતા. જાજરૂ સાફ કરનાર સફાઈકામદાર ભાઈબહેનની બાજુમાં ઊભા રહીને કશી સૂગ વિના તે છેક નીચા નમીને કઈ રીતે બરાબર સફાઈ થાય, તેની સૂચના આપતા.

ધીરેધીરે હું મોટો થતો ગયો અને ગાંધીવાદીઓનો રાજપુરની ચાલીઓમાં આવરોજાવરો ઓછો થતો ગયો! છેલ્લે ૧૯૮૧ના અનામત- વિરોધી રમખાણોમાં કોઈ રડ્યાખડ્યા બબલભાઈ મહેતાને દલિતોની ચાલીઓમાં ફરતા જોયેલા. અનામત-આંદોલન અંગેનું ગાંધીવાદી વલણ રાજપુર અને એકંદર દલિતવિમર્શમાંથી પણ ગાંધીજનોનો પીછેહઠનો ટર્નિંગ પૉઇન્ટ હતું.

મારા ઘરનું વાતાવરણ ગાંધીવિરોધનું જ નહીં, ગાંધી પ્રત્યેની ભારોભાર કડવાશનું હતું. ‘બા’એ બહુ નાનપણમાં જ અમને એમની સમજણ પ્રમાણે ડૉ.બાબાસાહેબ આંબેડકરનાં જીવનકાર્ય, વિચારો અને તેમના ગાંધીજી સાથેના મતભેદોથી અવગત કરાવેલા. એમના દોસ્તો અને તેમની મિલનું વાતાવરણ ભારે આંબેડકરવાદનું હતું. અમારા વિસ્તારમાં રહેતા એ સમયના મોટા આંબેડકરવાદી આગેવાનો રમેશચંદ્ર સંડેરા, મનુભાઈ મૂળજીભાઈ પરમાર અને વીરાજી ભગત સાથે ‘બા’ની ઊઠકબેઠક રહેતી. એ બધા પણ અમારા ઘરે આવતા જતા. એટલે એમની વાતોમાંથી પણ બાબાસાહેબ અને ગાંધીજી વિશે જાણવા મળતું.

આઠમા ધોરણમાં દલિત-બિનદલિત મિશ્ર વિદ્યાર્થીઓની ગોમતીપુરની ડેમોક્રેટિક શાળામાં હું દાખલ થયો. પહેલા સત્રમાં ગોમતીપુરમાં રહેતા જાણીતા કવિ ચંદ્ર પરમારનો મારા ગુજરાતીના શિક્ષક હરેન્દ્ર શાસ્ત્રીએ પરિચય કરાવ્યો. મને બહારનુ વાંચવાનું બહુ ગમે છે, એમ જાણી એમણે મને અમારા વિસ્તારના સામ્યવાદી કાર્યકર આનંદ પરમાર પર ચિઠ્ઠી લખી આપી. એ ચિઠ્ઠી લઈને હું આનંદભાઈ પાસે ગયો. તેમણે મને તેમની અંગત લાઇબ્રેરીમાંથી સૌથી પહેલાં મેક્સિમ  ગોર્કીની નવલકથા ‘મા’ વાંચવા આપી. આનંદભાઈએ ધીમે ધીમે બીજું સામ્યવાદી સાહિત્ય વંચાવ્યું. એ રીતે શાળાનાં પાઠયપુસ્તકો સિવાયનું મારું પહેલું વાચન સાવ અનાયાસ સામ્યવાદ-માર્ક્સવાદનું રહ્યું.

આ દિવસોમાં રાજપુરમાં ડૉ. આંબેડકર, રિપબ્લિકન પાર્ટી અને પછી દલિત પેન્થરની પ્રવૃત્તિઓ ચાલતી હતી. દલિત પેન્થરના નેતાઓ અને દલિતકવિઓનો મને પરિચય થવા માંડ્યો. ગોમતીપુર, રખિયાલની લાઇબ્રેરીઓ વંચાઈ ગઈ, તો હું છેક એમ.જે. લાઇબ્રેરી સુધી પહોંચ્યો. એ રીતે મારા વાચન અને વિચારજગતમાં આંબેડકર, ગાંધી, માર્ક્સ, લોહિયા આવતા રહ્યા. વાચન અને વિચારની મૂડી ક્યારે અને કેમ વધતી રહી એનો કશો ખ્યાલ ન રહ્યો. એ દરમિયાન મોટાભાઈ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણે. એમણે અમારા વાચનસંસ્કાર ઘડવામાં મોટો ફાળો આપ્યો. અને એમ જ મોટા ભાગનાં લાઇબ્રેરીનાં અને થોડાં અંગત પુસ્તકોના વાચને માત્ર લખતા જ નહીં વિશ્લેષણ કરતાં થઈ જવાયું.

આજના દલિતવિમર્શમાં કર્મશીલ કે લેખક તરીકે જ નહીં, દલિત-માણસ તરીકે પણ ગાંધીની તરફેણમાં બે બોલ કહેવા શક્ય નથી, એટલું ગાંધીવિરોધનું વાતાવરણ છે. એનાં થોડાં વાજબી કારણો પણ છે. પણ હું એનાથી પર રહી શક્યો છું. જ્યાં ગાંધીની ટીકા કરવાની આવી છે, ત્યાં જરા ય પાછીપાની નથી કરી, પણ જ્યાં મને ગાંધીની તરફદારી કરવી લાગી છે, ત્યાં કદી પીઠ નથી દેખાડી.

દલિતોની જૂની પેઢી અને હાલની પેઢીને ગાંધી સામે જે કેટલીક બાબતોમાં સૌથી મોટા વાંધા છે તે, ગાંધીજી અસ્પૃશ્યતાને તો હિંદુધર્મનું કલંક ગણતા હતા અને તેની નાબૂદી માટે મથતા હતા, પણ વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથાના તે સમર્થક હતા (આ અંગે તેમનામાં પાછળથી કેટલુંક વિચારપરિવર્તન પણ આવેલું) તે, અને પૂનાકરાર કરી તેમણે દલિતોના અલગ મતાધિકારનો વિરોધ કર્યો, તે હતું. ૧૯૩૨માં લંડનમાં મળેલી બીજી ગોળમેજી પરિષદનો ઉદ્દેશ તો ભારતના ભાવિ શાસનની ચર્ચાનો હતો. તેમાં ગાંધી-આંબેડકર સહિત હિંદના તમામ નેતાઓ હાજર હતા. ગાંધીજીએ મુસ્લિમો અને શીખોના અલગ મતાધિકારને માન્ય રાખ્યો, પણ દલિતોના અલગ મતાધિકારનો વિરોધ કર્યો. જ્યારે સર્વસંમતિ ન સધાઈ અને આ અંગેનો અંતિમ નિર્ણય બ્રિટિશ વડાપ્રધાન પર છોડાયો અને તેમણે દલિતોના અલગ મતાધિકારને માન્ય રાખ્યો, તો ગાંધીજીએ તેના વિરોધમાં યરવડા જેલમાં આમરણ અનશન શરૂ કર્યાં. અંતે ડૉ. આંબેડકરે નમતું જોખવું પડ્યું અને અલગ મતાધિકારને બદલે અનામતનો સ્વીકાર કરવો પડ્યો. ગાંધીજીનાં આમરણ અનશનને કારણે જ દલિતોને અલગ મતાધિકાર ન મળ્યો અને વામણા તથા બોદા રાજકીય દલિત નેતૃત્વ સાથે આજે ય તેમને પનારો પાડવો પડે છે. એ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરે ક્યારે ય ગાંધીજીને માફ કર્યા નહોતા, તો દલિતો આ માટે જ આજે ગાંધીજીને દેવાય એટલી ગાળો દે છે.

અનામતવિરોધી રમખાણો સમયની ગાંધીજનોની ભૂમિકાએ દલિતોની ગાંધીજી પ્રત્યેની કડવાશને દ્વેષમાં પલટી નાંખી છે. મહારાષ્ટ્રમાં મરાઠાવાડા યુનિવર્સિટી સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ જોડવાના મુદ્દે જે રમખાણો અને હિંસા થયાં તે પછી બાબા આઢવ અને અન્યોએ મળીને ત્યાં ‘વિષમતા નિર્મૂલન સમિતિ’ની રચના કરી હતી. ગુજરાતમાં પણ ભાનુભાઈ અધ્વર્યુના નેતૃત્વમાં ‘ગુજરાત વિષમતા નિર્મૂલન સમિતિ’, (ડી-કાસ્ટ થયેલા હિંદુઓ હજુ ગુજરાત કે ભારતમાં ‘નાતજાત તોડક મંડળ’ કે ‘જ્ઞાતિ નિર્મૂલન સમિતિ’ રચી શકતા નથી!) ૧૯૮૧નાં અનામતવિરોધી રમખાણો દરમિયાન કાર્યરત થઈ હતી. તેનું પહેલું અધિવેશન ૨૧મી જૂન, ૧૯૮૧ના રોજ અમદાવાદના ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલમાં મળેલું. આ સંમેલનમાં હું હાજર હતો. અહીં જ પહેલી વાર જૉસેફ મેકવાનનો ભેટો થયેલો. અનામતવિરોધી રમખાણો અને દલિતો પરના હુમલાના દિવસોમાં મળેલા, બહુધા દલિતોની હાજરીવાળા, આ સંમેલનની કાર્યવાહીમાં અનામતના પ્રશ્નની સવિશેષ ચર્ચા અને ઠરાવો થવાના હતા. અનામત અંગેના એક ઠરાવનું વાચન થયું અને તે ચર્ચા માટે મુકાયો. આ ઠરાવના હાર્દ સાથે તો સૌ કોઈ સંમત હતા, કેમ કે તે અનામતની તરફેણનો ઠરાવ હતો, પરંતુ એક દલિત યુવાને ઊભા થઈ ઠરાવમાં સુધારો મૂક્યો કે ઠરાવની પ્રસ્તાવનામાં જે ગાંધીજીનું નામ છે, તે દૂર કરવામાં આવે. આ યુવાનની જોશીલી જબાન અને તેની માંગણી સાથે સંમેલનમાં હાજર રહેલા મોટા ભાગના લોકો સંમત હતા. સંમેલનના મંચ પર ત્રણ ગાંધીજનો ભાનુ અધ્વર્યુ, ઝીણાભાઈ દરજી અને દિનકર મહેતા બેઠેલા હતા. અલગ વિચારના છતાં તે ત્રણેય ગાંધીયુગના જ ફરજંદ હતા. ત્યારે એક દલિત યુવાન, ગાંધીનો નામોલ્લેખ પણ ઠરાવમાં ન ઇચ્છે એ હદનો વિરોધ, આઘાતજનક હતો. ત્રણેય વડીલોની સમજાવટ પછી ઠરાવમાં તો ગાંધીનો નામોલ્લેખ રહી શક્યો પણ દલિતોના દિલમાં તે સ્થાપી શકાયો નથી. આજે ભાગ્યે જ કોઈ શહેરી દલિતના ઘરમાં ગાંધીજીની તસવીર જોવા મળે છે. આમ થયું તેમાં ગાંધીવાદીઓનો ફાળો નાનોસૂનો નથી.

૧૯૮૭માં  હૈદરાબાદમાં ફર્સ્ટ ઑલ ઇન્ડિયા દલિત રાઇટર્સ કૉન્ફરન્સમાં મારે જવાનું થયેલું. તેમાં મુખ્ય વક્તા તરીકે આફ્રો-અમેરિકન લેખક રેનુકો રુશદી આવેલા. તેમના વક્તવ્યમાં પણ એબ્રહામ લિંકનની ભારોભાર ટીકા અને કડવાશ સાંભળવાં મળેલાં. જે નિયતિ ભારતના દલિતોમાં ગાંધીની છે, તે અમેરિકાના કાળાઓમાં લિંકનની છે! આ કડવું સત્ય છે. ૨૦૦૧માં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં વંશવાદ અને જાતિવાદ વિરોધી વિશ્વ પરિષદ ભરાયેલી. તે નિમિત્તે ડરબન જવાનું થયેલું, ત્યારે ચહીને ગાંધીજીના ફિનિક્સ આશ્રમે ગયેલો. ૭૬.૭ % કાળી વસ્તીના આ દેશમાં ૨.૬ % વસ્તી એશિયન-ભારતીયોનીય છે, જેમાં મોટો હિસ્સો ગુજરાતીઓનો છે. અહીં ડરબનમાં અને એકંદર દક્ષિણ આફિકામાં ગાંધી આદરપાત્ર છે પણ ગુજરાતીઓ નથી! ગાંધીજીએ સ્થાપેલ ફિનિક્સ આશ્રમ, ચોપાસ વસતા સાવ જ ગરીબ કાળાઓની વસ્તી વચ્ચે, એક નાનકડી ટેકરી પર આવેલો છે. આ ફિનિક્સ આશ્રમને ચારેક વાર કાળાઓએ ખેદાનમેદાન કરી નાંખ્યો હતો. અમને ફિનિક્સ આશ્રમ લઈ ગયેલા ગુજરાતી સદગૃહસ્થ કાળાઓથી એટલા ડરેલા હતા કે તે ફફડતાંફફડતાં પોતાની મોંઘી ગાડીમાં જ બેઠા રહ્યા. ફિનિક્સ આશ્રમનો કાળો નવજુવાન મૅનેજર અનન્ય ગાંધીભક્ત હતો. ફિનિક્સ આશ્રમ પરના કાળાઓના હુમલા અંગે પૂછ્યું તો તે કહે, વરસતા વરસાદમાં જ્યારે આસપાસના ગરીબ કાળાઓ કે તેમની બકરીઓ બેઘડી આશ્રમમાં આવી ચઢે, તો તેને પણ આશ્રમના ટ્રસ્ટીઓ જો ન સાંખી લે તો તેવા આશ્રમને કાળાઓ ફૂંકી ન મારે તો બીજું શું કરે ? ગાંધીના વૈષ્ણવજન શું આવા હોય ?

એટલે ગુજરાતના અને દેશના દલિતો ગાંધીને ધિક્કારે છે, તો તેનાં કારણો સમજાય તેવાં છે. અલગ મતાધિકાર અને પૂના કરારનો મુદ્દો દિનપ્રતિદિન દલિત-આંદોલનમાં વધુ ને વધુ ચર્ચાય છે. પૂર્વે ક્યારે ય નહોતો એટલી તીવ્રતાથી ૨૪મી સપ્ટેમ્બર, ૧૯૩૨નો પૂના કરાર દિન આજે દલિતો ધિક્કારદિન તરીકે મનાવે છે. ડૉ. આંબેડકર તેમનાં લખાણોમાં, ભાષણોમાં અને વાતચીતમાં ગાંધીજી માટે ‘ગાંધી’ કે ‘મિ. ગાંધી’ અને સેટાયરમાં ‘મહાત્માજી’ શબ્દો વાપરતા હતા. (ગાંધીજી અને કૉંગ્રેસના નેતાઓ બાબાસાહેબ માટે ‘ભીમરાવ’ કે ‘આંબેડકર’ શબ્દ વાપરતા.) ડૉ. આંબેડકરના અંગ્રેજી ગ્રંથોના ગુજરાત સરકાર પ્રકાશિત ગુજરાતી અનુવાદ સાથે સંકળાયેલા એક દલિતમિત્રને બાબાસાહેબના ગ્રંથ ‘વ્હૉટ કૉંગ્રેસ ઍન્ડ ગાંધી હેવ ડન ફોર ધ અનટચેલલ’ પુસ્તકના નામના ગુજરાતી અનુવાદમાં ગાંધીને બદલે ગાંધીજી શબ્દ પ્રયોજાયો તે ખટક્યું હતું. ગુજરાતમાં ઉમાશંકર જોશી અને સુરેશ જોશી માટે ઉ.જો. અને સુ.જો. શબ્દ વપરાય છે પણ નિરંજન ભગતને તો સૌ કોઈ ભગતસાહેબ જ કહે છે એમ ગાંધી માટે મહાત્મા ગાંધી કે ગાંધીજી શબ્દ જ પ્રયોજાતો રહ્યો છે. (બાય ધ વે, પોતાની અદ્‌ભુત સૌજન્યશીલતા માટે જાણીતા સંઘપરિવારમાં જાહેરજીવનના કોઈ પણ મહાનુભાવના નામ સાથે ‘જી’ શબ્દ અચૂક લગાડવાનો ચાલ છે. જેમ કે સાવરકરજી અને આંબેડકરજી ... એમ જ સંઘ પરિવારના લોકો લખે-બોલે છે. તેઓ ગાંધીજી પ્રત્યે આદર અને સૌજન્ય કયો ‘જી’ લગાડીને વાપરતા હશે ?)

આ સંજોગોમાં હું ભારતના રાજકીય અને સામાજિક જીવનના ચાચરચોકમાં ગાંધીએ જ દલિતોનો પ્રશ્ન મૂકી આપ્યો તેમ કહું કે સાવ આરંભમાં જ ગાંધીએ પોતાના કોચરબ આશ્રમમાં અને કોની ખફગી વહોરીને, આર્થિક સંકટ સહીને એક ‘હરિજનકુટુંબ’ને આશ્રમમાં સ્થાન આપ્યું હતું કે ‘હરિજન’ શબ્દ દ્વારા દલિતોની સામાજિક ઓળખ સ્થાપિત કરી હતી, તેમ કહું છું તો ભાગ્યે જ કોઈ દલિતજનનો હોંકારો મળે છે. પૂના કરારની પ્રાથમિક ચૂંટણીની જોગવાઈને હું સંભારું છું કે તે વિશે વિગતે લખું છું તો દલિત-અભ્યાસીઓ મૌન ધરે છે. ગોળમેજી પરિષદ અને કોમ્યુનલ એવોર્ડનો એક મહત્ત્વનો પક્ષ એ વખતની અંગ્રેજ સરકાર હતી. ગાંધી અને આંબેડકરે બ્રિટિશ વડાપ્રધાન રામ્સે મેકડોનાલ્ડ પર અલગ મતાધિકારનો નિર્ણય છોડ્યો હતો. જ્યારે બ્રિટિશ સરકારે દલિતોની તરફેણમાં ચુકાદો આપી અલગ મતાધિકારનો સ્વીકાર કર્યો ત્યારે ગાંધી નામકર જઈ યરવડા જેલમાં આમરણ અનશન કરે અને આંબેડકરને અલગ મતાધિકારની માંગણી જતી કરવા બાધ્યા કરે, તો બ્રિટિશ સરકાર આંબેડકરનો પક્ષ લેવાને બદલે સાવ જ ‘તટસ્થ’ બની જાય અને એ વખતના અને આજના દલિતોને તેમાં અંગ્રેજોનો કશો જ દોષ ન દેખાય એવું કેમ ? એવો મારો સવાલ નિરુત્તર જ રહે છે. અલગ મતાધિકાર માંગતા દલિતોને જ્યારે હું તેમનામાં વ્યાપ્ત ચુંટણી વખતનો પેટા જાતિવાદ યાદ કરાવી પૂછું છું કે રાજકીય અનામતોને કારણે દલિતેતર મતોથી દલિતોની બળુકી જાતિઓ સિવાયનું જે દલિત રાજકીય પ્રતિનિધિત્વ આવી શક્યું છે તે અલગ મતાધિકારમાં શક્ય છે ખરું ? તો તે જવાબ આપવાને બદલે મારો સવાલ જ ગુપચાવી જાય છે.

યરવડાના આમરણ અનશની, પૂનાકરારના ગાંધી સનાતની હિંદુ હતા, તેમને મન દલિતોને મતાધિકારમાં હિંદુઓથી અળગા કરવા એ હિંદુધર્મમાં ભાગલા બરાબર હતું. એ રીતે વિચારતાં ગાંધી જરૂર ટીકાપાત્ર છે, પરંતુ પ્રાથમિક ચૂંટણીની થોડી ખામીયુક્ત જોગવાઈ સાથે એમણે જે રાજકીય અનામતો આપી તે ગાંધીમાં રહેલા શઠ વાણિયાનો ખેલ માત્ર નહોતો. ગાંધી બીજું કંઈ પણ હશે, પરંતુ તે સાવ દલિત વિરોધી નહોતા જ નહોતા. પણ ગાંધીવિરોધમાં ગુલતાન લોકોને આ બધી બાબતો શાંતચિત્તે વિચારવી જ ક્યાં છે. આ વિરોધ કઈ હદનો છે તેનો તાજો અનુભવ. ૨૦૧૮ના પૂના કરાર દિને સાબરકાંઠા જિલ્લામાં પૂના કરાર અંગેની એક શિબિરમાં વક્તા તરીકે પધારવાનું મને એક દલિત મિત્રએ નિમંત્રણ આપ્યું. મેં તેમને અતિ નમ્રતાથી કહ્યું કે મને વક્તવ્ય માટે બોલાવવાનો તમારો ઉમળકો હું સ્વીકારું છું. પણ પૂના કરાર અંગે મારા વિચારો પરંપરાગત દલિત મંતવ્ય કરતાં થોડા જુદા છે. એ સ્વીકાર્ય  હોય તો મને બોલાવો. એ મિત્રે મને વિચારીને જવાબ આપવાનું કહ્યું ને પછી ...

મારા ઘરમાં પહેલા દેવીદેવતાના ઢગલો ફોટા હતા. ધીમે ધીમે તે ઊતરતા ગયા અને બાબાસાહેબ અને બુદ્ધના ફોટા આવતા ગયા. ગાંધીજીના ફોટાવાળું કોઈ પોસ્ટર પણ ઘરમાં ન આવી જાય તેની ‘બા’ કાળજી લેતાં. પણ છાપાં-સામયિકો-પુસ્તકો સુધી ‘બા’ની પહોંચ નહોતી, એટલે ગાંધી વંચાતા રહ્યા, વખોડાતા રહ્યા અને થોડા પ્રશંસાતા પણ રહ્યા. રાજપુરની ચાલીનું ઘર, વસ્તાર વધતા, નાનું પડવા માંડ્યું, તો અમે ઘરની થોડી ઊંચાઈ વધારીને બેસી કે સૂઈ શકાય, તેવું માળિયું બનાવ્યું. ઘરનું એ માળિયું બાળકોનો શયનખંડ અને વાચનખંડ હતો. ઘરના મોટા દીકરા તરીકે અમારો ભાણો અતીત તેનો સવિશેષ ઉપયોગ કરતો. માળિયાની  દીવાલો પર તેના પ્રિય બ્રુસલી અને જેકી ચાનના ફોટા હતા. કોઈક વાર હું પણ દિવસે લખવા માટે તે માળિયે બેસતો. એમ જ એક વાર માળિયે ગયો, તો જોયું કે દીવાલ પર ગાંધીના ફોટા હતા !!! આ કૃત્ય મારા ભત્રીજા કુણાલનું હતું. તેણે ન માત્ર ગાંધીસાહિત્ય વસાવ્યું હતું, ગાંધીના ફોટા પણ બ્રુસલી અને જેકી ચાનની જોડાજોડ લગાવ્યા હતા.

‘બા’ને ગયે તો જાણે કે વરસો વીતી ગયા છે. મા પણ ઊંમરને કારણે શરીરે અશક્ત અને પરાધીન બની છે. મારી સાથેના સહવાસમાં એને થોડા ગાંધી સમજાતા થયા છે. મિલો બંધ પડી, ત્યારે આ જ રાજપુરના દલિત્રમિલ કામદારોએ ‘ગાંધીની વિધવા’ એવા અંબર ચરખાના પ્રતાપે દિવસો નહીં, વરસો ટૂંકાં કર્યાં હતાં એ માએ નજરે જોયું છે.

એટલે હું ક્યારેક ખાદી પહેરું એ પ્રત્યેનો એનો અણગમો કંઈક ઓછો થયો છે. હા, હવે  એ મને ખાદી પહેરવા એટલે ના નથી પાડતી કે તેમાં હું તેને ‘ગાંધીડો’ લાગું છું પણ ‘ઘૈડો’ લાગું છું....

Email : maheriyachandu@gmail.com

[અનન્ય અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના સદ્‌ભાવથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 04-07

Category :- Gandhiana